અભ્યાસ લેખ ૨૩
તમે એકલા નથી યહોવા તમારી સાથે છે
“યહોવા એવા લોકોની નજીક છે, જેઓ તેમને પોકારે છે.” —ગીત. ૧૪૫:૧૮.
ગીત ૨૭ યહોવા મારો માલિક
ઝલકa
૧. કયા કારણોના લીધે ઈશ્વરભક્તોને એકલું લાગી શકે?
આપણને બધાને ક્યારેક એકલું એકલું લાગે છે. અમુક ભાઈ-બહેનો માટે એ લાગણીમાંથી બહાર આવવું સહેલું હોય છે. પણ કેટલાંકને એ લાગણી એટલી સતાવે છે કે તેઓને ભીડમાં પણ એકલું લાગે છે. બીજાં કેટલાંક નવા મંડળમાં જાય છે, તેઓ માટે નવા દોસ્તો બનાવવા સહેલું હોતું નથી. અમુક એવા કુટુંબમાંથી હોય છે, જેઓ એક સમયે બધું સાથે મળીને કરતા હતા. પણ હવે તેઓ પોતાના કુટુંબથી દૂર છે એટલે તેઓને એકલું લાગે છે. બીજાં અમુક ભાઈ-બહેનોનાં સગાંવહાલાં ગુજરી ગયાં છે અને તેઓને ગુજરી ગયેલાઓની યાદ સતાવે છે. કેટલાંક હમણાં જ યહોવાના સાક્ષી બન્યાં છે. તેઓનાં કુટુંબીજનો અને દોસ્તો વિરોધ કરે છે અને તેઓને છોડી દે છે, એટલે તેઓને એકલું લાગે છે.
૨. આ લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?
૨ યહોવા આપણા વિશે બધું જ જાણે છે. અમુક વાર લાગે કે, આપણું કોઈ જ નથી. એવા સમયે આપણા પર શું વીતી રહ્યું છે એ સૌથી સારી રીતે તે જાણે છે. તે આપણને મદદ કરવા માંગે છે. પણ તે કઈ રીતે આપણી મદદ કરે છે? એકલા પડી ગયા હોય એવું લાગે ત્યારે શું કરી શકીએ? મંડળમાં જે ભાઈ-બહેનોને એકલું એકલું લાગે છે તેઓને મદદ કરવા આપણે શું કરી શકીએ? ચાલો, એ સવાલોના જવાબ જોઈએ.
યહોવા પોતાના બધા ભક્તોનું ધ્યાન રાખે છે
૩. યહોવાએ કેવી રીતે બતાવ્યું કે તેમને એલિયાની ચિંતા છે?
૩ યહોવા ચાહે છે કે તેમના બધા ભક્તો ખુશ રહે. તે પોતાના બધા ભક્તોની નજીક છે. તેઓ દુઃખી કે નિરાશ હોય ત્યારે યહોવા તેઓનું ધ્યાન રાખે છે. (ગીત. ૧૪૫:૧૮, ૧૯) ચાલો, એલિયાનું ઉદાહરણ જોઈએ. ઇઝરાયેલના શક્તિશાળી દુશ્મનો ઈશ્વરભક્તોની પાછળ પડ્યા હતા. ખાસ તો તેઓ એલિયાને મારી નાંખવા માંગતા હતા. (૧ રાજા. ૧૯:૧, ૨) એલિયાને લાગ્યું હશે કે આખા ઇઝરાયેલમાં તે એકલા જ પ્રબોધક રહી ગયા છે. (૧ રાજા. ૧૯:૧૦) યહોવાએ એલિયાની તકલીફ જોઈને તેમને મદદ કરવા પગલાં ભર્યાં. તેમણે એક સ્વર્ગદૂત મોકલીને એલિયાને ભરોસો અપાવ્યો કે તે એકલા નથી, પણ ઇઝરાયેલમાં બીજા ઘણા ઈશ્વરભક્તો છે.—૧ રાજા. ૧૯:૫, ૧૮.
૪. શા પરથી કહી શકાય કે યહોવાને પોતાના ભક્તોની ચિંતા છે?
૪ યહોવા જાણે છે કે જેઓ તેમની ભક્તિ કરવા માંગે છે તેઓએ ઘણું જતું કરવું પડે છે. તેઓના કુટુંબના સભ્યો અને મિત્રો તેઓનો સાથ છોડી દે છે. પિતર એ વાત સારી રીતે સમજતા હતા. એટલે એકવાર તેમણે ઈસુને પૂછ્યું: “અમે બધું છોડીને તમારી પાછળ આવ્યા છીએ તો અમને શું મળશે?” (માથ. ૧૯:૨૭) ઈસુએ વચન આપ્યું કે જેઓ તેમના શિષ્યો બનશે તેઓને મોટું કુટુંબ મળશે. મંડળનાં ભાઈ-બહેનો તેઓનું કુટુંબ બનશે. (માર્ક ૧૦:૨૯, ૩૦ વાંચો.) યહોવાએ પણ વચન આપ્યું છે કે તે પોતાના ભક્તોનો સાથ કદી છોડશે નહિ. (ગીત. ૯:૧૦) અમુક વાર એકલા પડી ગયા હોય એવું લાગે ત્યારે શું કરી શકીએ? ચાલો એવી લાગણી સામે લડવા અમુક સૂચનો જોઈએ.
તમને એકલું એકલું લાગે ત્યારે શું કરી શકો?
૫. આપણે કઈ વાત પર મનન કરવું જોઈએ અને શા માટે?
૫ યહોવા આપણી કઈ રીતે સંભાળ રાખે છે એના પર મનન કરીએ. (ગીત. ૫૫:૨૨) એનાથી ખાતરી થશે કે આપણે એકલા નથી. કેરોલb કુંવારી છે અને સત્યમાં એકલી છે. તે કહે છે, “વીતેલી કાલ પર નજર કરું છું ત્યારે, અહેસાસ થાય છે કે મુશ્કેલીઓમાં હું એકલી ન હતી. યહોવા મારી સાથે હતા. એ સમયે પણ તેમણે મારી સંભાળ રાખી હતી અને આગળ પણ તે મારી સંભાળ રાખશે.”
૬. પહેલો પિતર ૫:૯, ૧૦માંથી કેવું ઉત્તેજન મળે છે?
૬ વિચારીએ કે યહોવા એવાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ કરે છે જેઓને એકલું એકલું લાગે છે. (૧ પિતર ૫:૯, ૧૦ વાંચો.) હિરોશીભાઈ વર્ષોથી સત્યમાં એકલા છે. એ કહે છે, “દરેક ભાઈ-બહેનના જીવનમાં કોઈ ને કોઈ તકલીફ હોય છે. પણ બધાં યહોવાની સેવા કરવા પૂરેપૂરો પ્રયત્ન કરે છે. એ જાણવાથી મારા જેવા લોકોને ઉત્તેજન મળે છે જેઓ સત્યમાં એકલા હોય છે.”
૭. પ્રાર્થના કરવાથી તમને કેવી મદદ મળે છે?
૭ બાઇબલ વાંચીએ, સભાઓમાં જઈએ અને પ્રાર્થનામાં લાગુ રહીએ. આપણે યહોવા સાથે દિલ ખોલીને વાત કરીએ. (૧ પિત. ૫:૭) દાખલા તરીકે, માસીયેલ યુવાન બહેન છે. તે સત્ય શીખી રહી હતી ત્યારે તેના કુટુંબીજનોએ તેનો વિરોધ કર્યો. એ સમયે બહેનને લાગ્યું કે તે સાવ એકલી પડી ગઈ છે. તેણે કહ્યું: “એકલતા સામે લડવા પ્રાર્થનાથી મને બહુ મદદ મળી. યહોવા મારા પિતા જેવા છે. હું તેમને આજીજી કરતી, તેમની સામે મારું દિલ ઠાલવી દેતી. હું દિવસમાં ઘણી વાર પ્રાર્થના કરતી, તેમને વિનંતીઓ કરતી.”
૮. બાઇબલ વાંચવાથી અને એના પર મનન કરવાથી તમને કેવી મદદ મળે છે?
૮ દરરોજ બાઇબલ વાંચીએ અને એવા દાખલાઓ પર મનન કરીએ, જેનાથી ખબર પડે કે યહોવા આપણને કેટલો પ્રેમ કરે છે. બીયાન્કાબહેનને સત્યમાં એકલાં હોવાને લીધે કુટુંબનાં મહેણાં ટોણાં સાંભળવાં પડે છે. તે કહે છે, “બાઇબલના અહેવાલો અને ભાઈ-બહેનોની જીવન સફર વાંચવાથી તેમજ એના પર મનન કરવાથી હું એ સંજોગો સામે લડી શકી છું.” અમુક ભાઈ-બહેનોને બાઇબલની કલમોથી દિલાસો મળે છે. તેઓ એને મોઢે કરી લે છે, જેમ કે ગીતશાસ્ત્ર ૨૭:૧૦ અને યશાયા ૪૧:૧૦. અમુક ભાઈ-બહેનો સભાની તૈયારી કરતી વખતે અથવા બાઇબલ વાંચતી વખતે એનું રેકોર્ડિંગ સાંભળે છે. આ રીતે તેઓ પોતાની એકલતા દૂર કરી શકે છે.
૯. સભાઓમાં જવાથી તમને કેવો ફાયદો થાય છે?
૯ નિયમિત સભામાં હાજરી આપીએ એનાથી આપણો ઉત્સાહ વધશે અને ભાઈ-બહેનોને પણ સારી રીતે ઓળખી શકીશું. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) અગાઉ જોઈ ગયા એ માસીયેલ કહે છે, “હું સ્વભાવે ઘણી શરમાળ હતી. તેમ છતાં મેં દરેક સભામાં જવાનું અને જવાબ આપવાનું નક્કી કર્યું. એનાથી મને લાગ્યું કે હું પણ મંડળનો ભાગ છું.”
૧૦. મંડળનાં ભાઈ-બહેનોની દોસ્તી કરવી કેમ જરૂરી છે?
૧૦ શ્રદ્ધામાં મજબૂત હોય એવાં ભાઈ-બહેનોની દોસ્તી કરીએ. એવાં ભાઈ-બહેનોની દોસ્તી કરીએ જેઓ પાસેથી આપણે કંઈક શીખી શકીએ. પછી ભલે ને તેઓની ઉંમર કે તેઓનો સમાજ આપણાથી અલગ હોય. બાઇબલ કહે છે, “વૃદ્ધો પાસે બુદ્ધિ હોય છે.” (અયૂ. ૧૨:૧૨) મોટી ઉંમરના લોકો પણ વફાદાર યુવાનો પાસેથી ઘણું બધું શીખી શકે છે. દાઉદ અને યોનાથાનની ઉંમર વચ્ચે ઘણો ફરક હતો, તેમ છતાં તેઓ એકબીજાના પાકા દોસ્ત હતા. (૧ શમુ. ૧૮:૧) તેઓના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી. પણ તેઓ એકબીજાની મદદથી યહોવાની સેવા કરતા રહ્યા. (૧ શમુ. ૨૩:૧૬-૧૮) ઈરીનાબહેન સત્યમાં એકલાં છે. તે કહે છે, “મંડળનાં ભાઈ-બહેનો આપણાં માટે મમ્મી-પપ્પા અને ભાઈ-બહેનો સમાન બની શકે છે. યહોવા તેઓ દ્વારા આપણને કુટુંબની ખોટ પડવા દેતા નથી.”
૧૧. પાકા દોસ્ત બનાવવા શું કરવું જોઈએ?
૧૧ નવા દોસ્તો બનાવવા સહેલું હોતું નથી. ખાસ તો આપણો સ્વભાવ શરમાળ હોય ત્યારે એ વધારે અઘરું લાગે છે. રત્નાબહેન ઘણાં શરમાળ હતાં. તેમણે વિરોધ હોવા છતાં સત્ય સ્વીકાર્યું. તે કહે છે, “મને અહેસાસ થયો કે ભાઈ-બહેનોનાં સાથ અને મદદની મને જરૂર છે.” ખરું કે કોઈ ભાઈ કે બહેનને દિલની વાત જણાવવી સહેલું હોતું નથી. પણ આપણે જણાવીએ છીએ ત્યારે તેઓ આપણા પાકા દોસ્ત બને છે. તેઓ આપણને મદદ અને ઉત્તેજન આપવા માંગે છે. પણ જ્યાં સુધી આપણે મુશ્કેલી જણાવીશું નહિ, ત્યાં સુધી તેઓ મદદ કરી શકશે નહિ.
૧૨. દોસ્તો બનાવવાની સૌથી સારી રીત કઈ છે અને શા માટે?
૧૨ સારા દોસ્તો બનાવવાની સૌથી સારી રીત છે કે ભાઈ-બહેનો સાથે પ્રચારમાં જવું. કેરોલબહેન જેમનાં વિશે આપણે અગાઉ જોઈ ગયાં હતાં તે કહે છે, “હું અલગ અલગ બહેનો સાથે પ્રચાર કરું છું. હું યહોવાની સેવામાં બીજા ઘણાં કામ કરું છું. એનાથી મને ઘણી સારી બહેનપણીઓ મળી છે. યહોવા એ બહેનપણીઓનો ઉપયોગ કરીને મારું ધ્યાન રાખે છે.” શ્રદ્ધામાં મજબૂત હોય એવાં ભાઈ-બહેનો સાથે દોસ્તી કરીએ. કારણ કે નિરાશ હોઈએ કે એકલું લાગે ત્યારે યહોવા એ દોસ્તોનો ઉપયોગ કરીને આપણને ઉત્તેજન આપે છે.—નીતિ. ૧૭:૧૭.
બીજાઓને અહેસાસ કરાવીએ કે તેઓ સાથે આપણો ઘર જેવો સંબંધ છે
૧૩. મંડળમાં આપણા બધાની કઈ જવાબદારી છે?
૧૩ મંડળમાં બધાની જવાબદારી છે કે શાંતિ અને પ્રેમનું વાતાવરણ જાળવી રાખે, જેથી કોઈ ને એવું ન લાગે તે એકલા છે. (યોહા. ૧૩:૩૫) આપણાં વાણી-વર્તનની બીજાઓ પર અસર થાય છે. એક બહેન કહે છે કે “જ્યારે હું સત્ય શીખી ત્યારે મંડળનાં ભાઈ-બહેનો મારા કુટુંબના સભ્યો જેવા બની ગયાં. મને નથી લાગતું કે તેઓની મદદ વગર હું યહોવાની સાક્ષી બની શકી હોત.” શું તમારા મંડળમાં એવા કોઈ ભાઈ કે બહેન છે જે સત્યમાં એકલા હોય? તમે શું કરી શકો જેથી તે પોતાને મંડળનો ભાગ ગણે?
૧૪. નવાં ભાઈ-બહેનો સાથે કઈ રીતે દોસ્તી કરી શકીએ?
૧૪ નવાં ભાઈ-બહેનો સાથે દોસ્તી કરીએ. જ્યારે તેઓ સભામાં આવે ત્યારે પ્રેમથી આવકારીએ. (રોમ. ૧૫:૭) આપણે ફક્ત “કેમ છો?” કહેવાને બદલે તેઓને સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરીએ. તેઓ સાથે સાચી દોસ્તી કરવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન રાખીએ કે એવા સવાલો ન કરીએ જેથી તેઓ શરમમાં મૂકાય. નવાં ભાઈ-બહેનો કદાચ દિલ ખોલીને વાત કરતા અચકાય એટલે બહુ પૂછપરછ ન કરીએ. બરાબર સમજી-વિચારીને સવાલ કરીએ. જેમ કે આપણે પૂછી શકીએ કે તેઓને સત્ય કઈ રીતે મળ્યું. તેઓ કંઈ જણાવે તો ધ્યાનથી સાંભળીએ.
૧૫. શ્રદ્ધામાં મજબૂત ભાઈ-બહેનો કઈ રીતે બીજાઓને મદદ કરી શકે?
૧૫ અનુભવી ભાઈ-બહેનો અને ખાસ તો વડીલોની મદદથી મંડળમાં બધાની શ્રદ્ધા મજબૂત થાય છે. મેલીસાબહેનના ઉદાહરણ પર ધ્યાન આપીએ. તેમનાં મમ્મીએ એકલા હાથે તેમને સત્યમાં ઉછેર્યાં હતાં. મેલીસાબહેન કહે છે: “મને જરૂર પડતી ત્યારે મંડળના અમુક ભાઈઓ પિતાની જેમ મદદ કરતા અને ધ્યાનથી મારું સાંભળતા. એ માટે હું તેઓની ઘણી જ કદર કરું છું.” એક યુવાનભાઈ મૌરીસીયોના ઉદાહરણ પર ધ્યાન આપીએ. તેમનો બાઇબલ અભ્યાસ ચલાવનાર ભાઈએ સત્ય છોડી દીધું ત્યારે તેમને ઘણું દુઃખ થયું. એના લીધે તેમને ઘણું એકલું એકલું લાગતું. તે કહે છે: “એવા સંજોગોમાં વડીલોએ મારું ઘણું ધ્યાન રાખ્યું. તેઓ વારંવાર મારી સાથે વાતો કરતા, મારી સાથે પ્રચારમાં આવતા. તેઓ પોતે બાઇબલ અભ્યાસમાંથી જે શીખતા એ મને જણાવતા અને મારી સાથે રમતા પણ ખરા.” આજે મેલીસાબહેન અને મૌરીસીયોભાઈ બંને પૂરા સમયની સેવા કરી રહ્યાં છે.
૧૬-૧૭. ભાઈ-બહેનોને મદદ કરવા બીજું શું કરી શકીએ?
૧૬ બીજી રીતોએ મદદ કરીએ. (ગલા. ૬:૧૦) લીઓભાઈ પોતાના ઘરેથી દૂર બીજા દેશમાં મિશનરી સેવા આપે છે. તે જણાવે છે, “જરૂરી નથી કે કોઈને મદદ કરવા કંઈ મોટું જ કરવું જોઈએ. પણ યોગ્ય સમયે બે મીઠા બોલ કે નાનીસૂની મદદ પણ ઘણી કામ આવે છે. મને યાદ છે, એક દિવસે મારી કારનો એક્સિડન્ટ થયો હતો. જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તો હું થાકેલો-પાકેલો અને ઘણી ચિંતામાં હતો. એવામાં એક પતિ-પત્નીએ મને તેઓના ઘરે જમવા બોલાવ્યો. તેઓના ઘરે મેં શું ખાધું હતું એ તો યાદ નથી. પણ તેઓએ મારું ધ્યાનથી સાંભળ્યું હતું એ મને હજીયે યાદ છે. તેઓની સાથે વાત કરવાથી તો મારું મન શાંત થઈ ગયું.”
૧૭ સંમેલન અને મહાસંમેલન એ ખુશીનો પ્રસંગ હોય છે. ભાઈ-બહેનો એકબીજાને મળીને કાર્યક્રમ વિશે વાત કરે છે. અગાઉ જોઈ ગયા એ કેરોલબહેન કહે છે: “સંમેલનો અને મહાસંમેલનોમાં હાજર થવું મારા માટે ઘણું અઘરું હોય છે. એ સમયે ઘણાં ભાઈ-બહેનો હોય છે. તેઓ પોતપોતાના કુટુંબ સાથે હોય છે. એ જોઈને મને લાગે છે કે મારું કોઈ નથી.” બીજાં કેટલાંક ભાઈ-બહેનોએ પોતાના જીવનસાથીને મરણમાં ગુમાવ્યા હોય છે. તેઓ પોતાના સાથી વગર પહેલી વાર સંમેલન કે મહાસંમેલનમાં આવ્યા હોય છે. પોતાના સાથી વગર એમાં આવવું તેઓ માટે ઘણું અઘરું હોય છે. શું તમે એવા ભાઈ કે બહેનને ઓળખો છો, જે આવા મુશ્કેલ સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે? તો ચાલો આવનાર સંમેલનમાં એવા ભાઈ કે બહેનને આપણા કુટુંબ સાથે બેસાડવાનું નક્કી કરીએ.
૧૮. બીજો કોરીંથીઓ ૬:૧૧-૧૩ની સલાહ કઈ રીતે લાગુ પાડી શકીએ?
૧૮ એકબીજા સાથે હળીએ-મળીએ. આપણે અલગ અલગ ભાઈ-બહેનો સાથે હળવું-મળવું જોઈએ. ખાસ કરીને એવા લોકો સાથે જેઓને એકલું એકલું લાગતું હોય. એવા લોકો માટે આપણા ‘દિલના દરવાજા ખોલીએ.’ (૨ કોરીંથીઓ ૬:૧૧-૧૩ વાંચો.) અગાઉ જોઈ ગયા એ મેલીશાબહેન કહે છે, “મંડળનાં ભાઈ-બહેનો અમને તેઓનાં ઘરે બોલાવતા કે અમે સાથે ફરવા જતા ત્યારે અમને બહુ મજા આવતી.” શું તમારા મંડળમાં એવા કોઈ ભાઈ-બહેન છે જેની સાથે તમે આવી રીતે હળી-મળી શકો?
૧૯. ભાઈ-બહેનો સાથે ખાસ કયારે હળવું-મળવું જોઈએ?
૧૯ અમુક ભાઈ-બહેનોને એવા સમયે એકલું લાગે છે જ્યારે તેઓના કુટુંબના લોકો ધાર્મિક તહેવાર ઉજવી રહ્યા હોય છે. બીજાં અમુક ભાઈ-બહેનો માટે એ દિવસ કાઢવો મુશ્કેલ થઈ જાય છે, જે દિવસે તેમના જીવનસાથીનું મરણ થયું હોય છે. એવામાં જો આપણે તેઓ સાથે રહીશું તો તેઓને સારું લાગશે. તેઓને લાગશે કે આપણે ‘દિલથી તેઓની સંભાળ રાખી રહ્યા છે.’—ફિલિ. ૨:૨૦.
૨૦. આપણને એકલું એકલું લાગે ત્યારે માથ્થી ૧૨:૪૮-૫૦ના શબ્દોથી કઈ રીતે ઉત્તેજન મળે છે?
૨૦ આપણને બધાને અલગ અલગ કારણોને લીધે અમુક સમયે એકલું એકલું લાગી શકે છે. પણ યાદ રાખીએ કે યહોવા આપણી લાગણીઓને જાણે છે. તે ભાઈ-બહેનોનો ઉપયોગ કરીને આપણને મદદ કરે છે. (માથ્થી ૧૨:૪૮-૫૦ વાંચો.) આપણે પણ બીજાઓને મદદ કરવા બનતું બધું કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાના આભારી છીએ. આપણે ક્યારેય એવું ન વિચારીએ કે આપણે એકલા છીએ કારણ કે યહોવા આપણી પડખે છે!
ગીત ૨ યહોવા તારો આભાર
a શું તમને ક્યારેય એકલું એકલું લાગે છે? જો એમ હોય, તો યાદ રાખો કે યહોવા તમારી લાગણીઓ જાણે છે. તે તમારી મદદ કરવા ઇચ્છે છે. આ લેખમાં બતાવ્યું છે કે કઈ રીતે એવી લાગણીઓ સામે લડી શકાય. એ પણ જોઈશું કે એવાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ આપી શકાય, જેઓ એવી લાગણીઓનો સામનો કરે છે.
b અમુક નામ બદલ્યાં છે.
c ચિત્રની સમજ: એક ભાઈ, જેમના પત્ની મરણ પામ્યા છે તે બાઇબલ અને સાહિત્યનું ઑડિયો રેકોર્ડિંગ સાંભળી રહ્યા છે.
d ચિત્રની સમજ: એક ભાઈ પોતાની દીકરી સાથે મંડળના એક ઉંમરવાળા ભાઈને મળવા આવ્યા છે અને તેમના માટે કંઈક લાવ્યા છે.