અભ્યાસ લેખ ૩૬
યુવાન ભાઈ-બહેનોની કદર કરીએ
“યુવાનોની શાન તેઓની તાકાત છે.”—નીતિ. ૨૦:૨૯.
ગીત ૧૧ યહોવાને વળગી રહું
ઝલકa
૧. મોટી ઉંમરનાં ભાઈ-બહેનો શું કરી શકે?
ઉંમર વધતી જાય તેમ આપણને લાગે કે યહોવાની સેવામાં વધારે કરી શકતા નથી, એટલે આપણે કોઈ કામના નથી. ભલે શરીરમાં તાકાત ન હોય, પણ આપણી પાસે સમજણ અને અનુભવ હોય છે. એનાથી આપણે યુવાનોને મદદ કરી શકીએ છીએ, જેથી તેઓ યહોવાની સેવામાં વધારે કરી શકે અને વધારે જવાબદારી ઉપાડી શકે. વર્ષોથી સેવા આપતા એક વડીલ કહે છે, “મને લાગતું કે હવે હું પહેલાં જેટલું કરી શકતો નથી. પણ મને એ વાતની ખુશી હતી કે મંડળમાં એવા યુવાન ભાઈઓ છે જેઓ જવાબદારી ઉપાડી શકે છે.”
૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૨ અગાઉના લેખમાં આપણે જોયું કે વૃદ્ધ ભાઈ-બહેનો સાથે યુવાનો દોસ્તી કરે છે ત્યારે તેઓને કેવા ફાયદા થાય છે. જોકે વૃદ્ધ ભાઈ-બહેનોએ પણ યુવાનો સાથે દોસ્તી કરવી જોઈએ. એ માટે તેઓ નમ્ર અને ઉદાર બને. તેઓ મર્યાદામાં રહે અને યુવાનોનો આભાર માને. આ લેખમાં જોઈશું કે તેઓ એ ગુણો કેવી રીતે કેળવી શકે.
નમ્ર બનીએ
૩. (ક) ફિલિપીઓ ૨:૩, ૪ પ્રમાણે નમ્ર બનવાનો શું અર્થ થાય? (ખ) વ્યક્તિ નમ્ર હશે તો શું કરી શકશે?
૩ જે વૃદ્ધ ભાઈ-બહેનો યુવાનોની મદદ કરવા માંગે છે તેઓએ નમ્ર બનવું જોઈએ. કારણ કે જો વ્યક્તિ નમ્ર હશે તો જ બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા સમજશે. (ફિલિપીઓ ૨:૩, ૪ વાંચો.) જે વૃદ્ધ ભાઈ-બહેનો નમ્ર છે તેઓ જાણે છે કે એક કામ કરવાની અલગ અલગ રીત હોઈ શકે છે. એટલે જરૂરી નથી કે કામ એ જ રીતે થવું જોઈએ, જે રીતે તેઓ કરતા આવ્યા છે. (સભા. ૭:૧૦) વૃદ્ધ ભાઈ-બહેનો પાસે ઘણો અનુભવ છે, જેનાથી તેઓ યુવાનોને મદદ કરી શકે છે. તેઓ એ પણ જાણે છે કે “આ દુનિયાનું દૃશ્ય બદલાઈ રહ્યું છે,” એટલે કદાચ તેઓએ કામ કરવાની રીતમાં ફેરફાર કરવો પડે.—૧ કોરીં. ૭:૩૧.
૪. સરકીટ નિરીક્ષકો કઈ રીતે લેવીઓ જેવું વલણ બતાવે છે?
૪ જે વૃદ્ધ ભાઈ-બહેનો નમ્ર છે, તેઓ જાણે છે કે હવે તેઓ પહેલાં જેટલું કરી શકતા નથી. એટલે જે પણ જવાબદારી મળે એને તેઓ ખુશી ખુશી પૂરી કરે છે. દાખલા તરીકે સરકીટ નિરીક્ષકો. જ્યારે તેઓ ૭૦ વર્ષના થાય છે ત્યારે તેઓને એક નવી સોંપણી મળે છે. એ સોંપણી પૂરી કરવી તેઓને અઘરું લાગી શકે. કારણ કે તેઓ વર્ષોથી સરકીટ નિરીક્ષકનું કામ કરતા હતા. તેઓને ભાઈ-બહેનોને મદદ કરવી ગમતી, એટલે એ કામમાં તેઓને મજા આવતી. હવે તેઓ સમજે છે કે એ જવાબદારી યુવાન ભાઈઓએ ઉપાડવાની છે. આમ તેઓ લેવીઓ જેવું વલણ બતાવે છે. લેવીઓ ફક્ત ૫૦ વર્ષની ઉંમર સુધી જ મંડપમાં સેવા આપી શકતા હતા. પછી તેઓએ યુવાન ભાઈઓને એ જવાબદારી ઉપાડવા મદદ કરવાની હતી. લેવીઓએ એ સોંપણી ખુશી ખુશી પૂરી કરી. (ગણ. ૮:૨૫, ૨૬) એવી જ રીતે જે ભાઈઓ પહેલાં સરકીટ નિરીક્ષક હતા, તેઓ હવે અલગ અલગ મંડળોની મુલાકાત લેતા નથી. પણ પોતાના મંડળમાં જ રહીને ભાઈ-બહેનોને મદદ કરે છે.
૫. તમે ડેનભાઈ અને કેટીબહેન પાસેથી શું શીખ્યા?
૫ ચાલો ડેનભાઈનો દાખલો જોઈએ. તે ૨૩ વર્ષથી સરકીટ નિરીક્ષક હતા. તે ૭૦ વર્ષના થયા ત્યારે તેમને અને તેમની પત્ની કેટીબહેનને ખાસ પાયોનિયર બનાવવામાં આવ્યાં. ભાઈ કહે છે કે તેઓ પહેલાં કરતાં વધારે વ્યસ્ત છે. તેમની પાસે મંડળની ઘણી જવાબદારીઓ છે. તે ભાઈઓને સહાયક સેવક બનવા મદદ કરે છે. તે ભાઈ-બહેનોને જાહેરમાં અને જેલોમાં પ્રચાર કરવાનું શીખવે છે. વૃદ્ધ ભાઈ-બહેનો, તમે પૂરા સમયની સેવા કરતા હો કે ન કરતા હો તમે બીજાઓને મદદ કરી શકો છો. એ માટે પોતાના સંજોગો પ્રમાણે ફેરફાર કરો, નવા ધ્યેયો રાખો. તમે જે કરી શકતા ન હો, એના પર ધ્યાન આપવાને બદલે જે કરી શકો છો એના પર ધ્યાન આપો.
મર્યાદામાં રહીએ
૬. દાખલો આપીને સમજાવો કે વ્યક્તિએ કેમ મર્યાદામાં રહેવું જોઈએ?
૬ જે વ્યક્તિ મર્યાદામાં રહે છે તે પોતાની નબળાઈઓ સારી રીતે જાણે છે. (નીતિ. ૧૧:૨) એટલે તે જે કરી શકે છે એટલું જ કરે છે. એવું કરવામાં તે ખુશી અનુભવે છે અને આગળ કામ કરી શકે છે. ધારો કે એક માણસ સાઇકલ પર જઈ રહ્યો છે અને રસ્તામાં લાકડાનો પુલ આવે છે. એ પુલ પાર કરવા તેણે સાઇકલ પરથી નીચે ઊતરવું પડે છે. કદાચ તેણે ધીમે ચાલવું પડે છે. પણ એ રીતે તે પુલ પાર કરી શકશે અને આગળ વધી શકશે. એવી જ રીતે મર્યાદામાં રહેનાર વ્યક્તિ સારી રીતે જાણે છે કે કયા સમયે તેણે પોતાનામાં ફેરફાર કરવો પડશે. એમ કરશે તો જ તે યહોવાની સેવામાં આગળ વધી શકશે અને બીજાઓને પણ એમ કરવા મદદ કરી શકશે.—ફિલિ. ૪:૫.
૭. શા પરથી કહી શકાય કે બાર્ઝિલ્લાય પોતાની મર્યાદા જાણતા હતા?
૭ ચાલો બાર્ઝિલ્લાયનું ઉદાહરણ જોઈએ. તે ૮૦ વર્ષના હતા ત્યારે દાઉદ રાજા તેમને પોતાના દરબારમાં મંત્રી બનાવવા માંગતા હતા. પણ બાર્ઝિલ્લાય જાણતા હતા કે તેમની ઉંમર થઈ ગઈ છે અને તે વધારે નહિ કરી શકે. એટલે તેમણે રાજાને ના પાડી અને પોતાની જગ્યાએ કિમ્હામને મોકલ્યો જે યુવાન હતો. (૨ શમુ. ૧૯:૩૫-૩૭) બાર્ઝિલ્લાયની જેમ આજે વૃદ્ધ ભાઈઓ યુવાન ભાઈઓને જવાબદારી ઉપાડવાની તક આપે છે.
૮. દાઉદ રાજા કઈ રીતે મર્યાદામાં રહ્યા?
૮ મર્યાદા બતાવવામાં દાઉદ રાજાએ સારો દાખલો બેસાડ્યો છે. તેમને યહોવા માટે મંદિર બાંધવાનું ઘણું મન હતું. પણ યહોવાએ જણાવ્યું કે એ મંદિર તેમનો દીકરો સુલેમાન બાંધશે. દાઉદે યહોવાનો નિર્ણય સ્વીકાર્યો અને મંદિર માટે ઘણી તૈયારી કરવા લાગ્યા. (૧ કાળ. ૧૭:૪; ૨૨:૫) દાઉદે એમ ન વિચાર્યું કે સુલેમાન “યુવાન છે અને તેને કોઈ અનુભવ નથી,” એટલે તે તેમના જેટલું સારી રીતે કામ કરી શકશે નહિ. (૧ કાળ. ૨૯:૧) દાઉદ સારી રીતે જાણતા હતા કે એ કામ કરવા ઉંમર કે અનુભવની નહિ, પણ યહોવાના આશીર્વાદની જરૂર હતી. એવી જ રીતે વૃદ્ધ ભાઈ-બહેનોને નવી જવાબદારી મળે ત્યારે તેઓ પૂરું મન લગાવીને કરે છે. કારણ કે તેઓ પહેલાં જે કામ કરતા હતા એ હવે યુવાનો કરી રહ્યા છે. વૃદ્ધ ભાઈ-બહેનો સારી રીતે જાણે છે કે યહોવા એ યુવાનોને આશીર્વાદ આપશે.
૯. શીગેયોભાઈને કઈ રીતે પોતાની મર્યાદા સમજાઈ?
૯ ચાલો શીગેયોભાઈનો દાખલો જોઈએ. ૧૯૭૬માં તેમને ૩૦ વર્ષની ઉંમરે શાખા સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા. ૨૦૦૪માં તેમને શાખા સમિતિના સેવક બનાવવામાં આવ્યા. પછીથી ઉંમર થતા તેમને સમજાયું કે હવે તે પહેલાં જેટલું કરી શકતા નથી. તેમણે પ્રાર્થના કરી અને વિચાર્યું કે કોઈ યુવાન ભાઈ તેમની જવાબદારી ઉપાડી લે તો સારું રહેશે. આજે શીગેયોભાઈ શાખા સમિતિના સેવક નથી, પણ શાખા સમિતિના સભ્ય છે. આપણે બાર્ઝિલ્લાય, દાઉદ રાજા અને શીગેયોભાઈના દાખલામાંથી શું શીખી શકીએ? વ્યક્તિ નમ્ર હશે અને પોતાની મર્યાદા જાણતી હશે તો તે યુવાન ભાઈઓના અનુભવ પર નહિ, પણ તેઓની આવડત પર ધ્યાન આપશે. તે એમ નહિ વિચારે કે યુવાન ભાઈઓ તેમની જવાબદારી પડાવી લેવા માંગે છે. એના બદલે તે યુવાન ભાઈઓને એ જવાબદારી ઉપાડવા મદદ કરશે.—નીતિ. ૨૦:૨૯.
આભાર માનીએ
૧૦. વૃદ્ધ ભાઈ-બહેનોએ યુવાનોને કેવા ગણવા જોઈએ?
૧૦ વૃદ્ધ ભાઈ-બહેનો માને છે કે યુવાનો યહોવા તરફથી ભેટ છે. મંડળના યુવાનો યહોવાની સેવામાં પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. એ જોઈને વૃદ્ધ ભાઈ-બહેનોને ઘણી ખુશી થાય છે. એ માટે તેઓ યુવાનોનો આભાર માને છે.
૧૧. કઈ રીતે ખબર પડે કે યુવાનોની મદદ લેવાથી વૃદ્ધ ભાઈ-બહેનોને આશીર્વાદ મળે છે? દાખલો આપો.
૧૧ વૃદ્ધ ભાઈ-બહેનો, યુવાનો તમને મદદ કરવા માંગે તો તેઓની મદદ લો અને તેઓનો આભાર માનો. એ વિશે નાઓમીએ સારો દાખલો બેસાડ્યો છે. તેના દીકરા ગુજરી ગયા ત્યારે તેણે રૂથને પાછા પિયર જવાનું કહ્યું પણ રૂથે ના પાડી. તે નાઓમી સાથે બેથલેહેમ જવા માંગતી હતી. એટલે નાઓમી રૂથને પોતાની સાથે લઈ ગઈ. (રૂથ ૧:૭, ૮, ૧૮) નાઓમીએ રૂથની મદદ સ્વીકારી, એટલે આગળ જતાં તેઓ બંનેને આશીર્વાદ મળ્યા. (રૂથ ૪:૧૩-૧૬ વાંચો.) જો વૃદ્ધ ભાઈ-બહેનો નમ્ર હશે તો નાઓમીની જેમ યુવાનોની મદદ લેશે.
૧૨. પ્રેરિત પાઉલે ભાઈ-બહેનોનો કઈ રીતે આભાર માન્યો?
૧૨ પ્રેરિત પાઉલે એ ભાઈ-બહેનોનો આભાર માન્યો જેઓએ તેમને મદદ કરી હતી. દાખલા તરીકે, ફિલિપી શહેરનાં ભાઈ-બહેનોએ તેમને જરૂરી ચીજવસ્તુઓ આપી ત્યારે તેમણે તેઓનો આભાર માન્યો. (ફિલિ. ૪:૧૬) તેમણે તિમોથીનો પણ આભાર માન્યો, કારણ કે તિમોથીએ તેમને મદદ કરી હતી. (ફિલિ. ૨:૧૯-૨૨) પાઉલને કેદી તરીકે રોમમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ભાઈ-બહેનોએ તેમને ઉત્તેજન આપ્યું. એ માટે તેમણે યહોવાનો આભાર માન્યો. (પ્રે.કા. ૨૮:૧૫) પાઉલ ખૂબ ઉત્સાહી હતા. તેમણે અલગ અલગ જગ્યાએ જઈને પ્રચાર કર્યો અને મંડળોને ઉત્તેજન આપ્યું. તે નમ્ર હતા એટલે તેમણે ભાઈ-બહેનોની મદદ સ્વીકારી.
૧૩. વૃદ્ધ ભાઈ-બહેનો કઈ રીતોએ યુવાનોનો આભાર માની શકે?
૧૩ વૃદ્ધ ભાઈ-બહેનો, તમે ઘણી રીતોએ યુવાનોનો આભાર માની શકો છો. યુવાનો તમને આવવા-જવા, ખરીદી કરવા કે બીજી રીતે મદદ કરવા માંગે તો તેઓની મદદ સ્વીકારો. યહોવા તેઓ દ્વારા તમને પ્રેમ બતાવે છે. એટલે તેઓને ના પાડશો નહિ. જે યુવાનો તમને મદદ કરે છે તેઓ સાથે આગળ જતાં તમારી સારી દોસ્તી થઈ શકે છે. યુવાનોનો આભાર માનવાની બીજી એક રીત છે કે તેઓને યહોવાની નજીક જવા મદદ કરો. તેઓને જણાવો કે બીજાઓને મદદ કરવા તેઓ જે મહેનત કરે છે એ જોઈને તમને ખુશી થાય છે. તેઓ સાથે હળો-મળો. તેઓને તમારા જીવનના અનુભવો જણાવો. એ બધું કરીને બતાવી આપો છો કે યહોવાના “તમે કેટલા આભારી છો.” (કોલો. ૩:૧૫; ૧ થેસ્સા. ૫:૧૮) કારણ કે તેમણે જ મંડળમાં એવાં યુવાન ભાઈ-બહેનો આપ્યાં છે.—યોહા. ૬:૪૪.
ઉદાર બનીએ
૧૪. શા પરથી કહી શકાય કે દાઉદ રાજા ઉદાર હતા?
૧૪ દાઉદ રાજા પાસેથી આપણે બીજો એક ગુણ શીખી શકીએ છીએ, એ છે ઉદારતા. મંદિર બાંધવાના કામ માટે દાઉદે ઘણી ધનસંપત્તિ આપી. (૧ કાળ. ૨૨:૧૧-૧૬; ૨૯:૩, ૪) જોકે તેમને ખબર હતી કે એ મંદિર સુલેમાનના નામથી જ જાણીતું બનશે તોપણ તેમણે મદદ કરી. વૃદ્ધ ભાઈ-બહેનો પાસે હવે એટલી શક્તિ નથી કે તેઓ બાંધકામ વિભાગમાં કામ કરી શકે. એવા સમયે તેઓ સંજોગો પ્રમાણે દાન આપીને મદદ કરી શકે છે. તેઓ બીજી એક રીતે પણ ઉદારતા બતાવી શકે છે. એ છે કે તેઓ પોતાના અનુભવથી યુવાનોને શીખવે.
૧૫. શા પરથી કહી શકાય કે પ્રેરિત પાઉલ ઉદાર હતા?
૧૫ પ્રેરિત પાઉલ ઉદાર હતા. તે પ્રચારની મુસાફરીમાં ગયા ત્યારે સાથે તિમોથીને પણ લઈ ગયા. તેમણે સમય કાઢીને તિમોથીને સારા પ્રચારક અને શિક્ષક બનવા મદદ કરી. (પ્રે.કા. ૧૬:૧-૩; ૧ કોરીં. ૪:૧૭) પછી તિમોથી પાઉલ પાસેથી જે શીખ્યા હતા એ તેમણે બીજાઓને પણ શીખવ્યું.
૧૬. શીગેયોભાઈ યુવાન ભાઈઓને શા માટે શીખવી રહ્યા છે?
૧૬ વૃદ્ધ ભાઈ-બહેનોને એ વાતનો ડર નથી કે યુવાનોને શીખવવાથી હવે સંગઠનમાં તેઓ માટે કોઈ કામ નહિ રહે. ચાલો ફરી શીગેયોભાઈના દાખલાનો વિચાર કરીએ. તે શાખા સમિતિના યુવાન ભાઈઓને શીખવે છે, જેથી એ દેશમાં પ્રચારકામ સારી રીતે થઈ શકે. થોડા સમય પછી એક યુવાન ભાઈ તેમની જગ્યાએ શાખા સમિતિના સેવક બન્યા. શીગેયોભાઈ ૪૫ કરતાં વધારે વર્ષોથી શાખા સમિતિના સભ્ય છે અને આજે પણ યુવાન ભાઈઓને શીખવી રહ્યા છે. એવા ભાઈઓને લીધે યહોવાના ભક્તોને ઘણી મદદ મળે છે.
૧૭. લૂક ૬:૩૮ પ્રમાણે વૃદ્ધ ભાઈ-બહેનો શું કરી શકે?
૧૭ યહોવાની સેવા કરવી એ જ જીવનની સૌથી સારી રીત છે. એનો જીવતો-જાગતો પુરાવો તમે પોતે છો. વૃદ્ધ ભાઈ-બહેનો, તમે પોતાનાં જીવનથી બતાવ્યું છે કે યહોવાના સિદ્ધાંતો શીખવાથી અને એ પ્રમાણે ચાલવાથી કેવા ફાયદા થાય છે. પહેલાં ભલે અલગ રીતે કામ કરતા, પણ બદલાતા સંજોગોની સાથે તમે નવી રીતોએ કામ કરવાનું શીખ્યાં છો. જો તમારું બાપ્તિસ્મા હમણાં જ થયું હોય તોપણ તમે યુવાનોને મદદ કરી શકો છો. તમે તેઓને જણાવી શકો કે આ ઉંમરે યહોવા વિશે શીખવાથી કેવી ખુશી મળે છે. તમારા અનુભવોના ભંડારમાંથી યુવાનોને આપતા રહો અને યહોવા પણ તમને આશીર્વાદો ‘આપતા રહેશે.’—લૂક ૬:૩૮ વાંચો.
૧૮. વૃદ્ધ ભાઈ-બહેનો અને યુવાનો સાથે મળીને કામ કરે ત્યારે કેવો ફાયદો થાય છે?
૧૮ વૃદ્ધ ભાઈ-બહેનો યુવાનો સાથે દોસ્તી કરે ત્યારે એકબીજાને સાથ આપી શકે છે. (રોમ. ૧:૧૨) તેઓ બંને પાસે કંઈક ને કંઈક મહત્ત્વનું છે. વૃદ્ધ ભાઈ-બહેનો પાસે અનુભવ અને સમજણ છે તો યુવાનો પાસે તાકાત. તેઓ બંને સાથે મળીને કામ કરે ત્યારે ઈશ્વરનો મહિમા થાય છે અને મંડળમાં સંપ જળવાય છે.
ગીત ૫૩ સંપીને રહીએ
a આપણને એ વાતની ખુશી છે કે યહોવાના સંગઠનમાં એવાં ઘણાં યુવાન ભાઈ-બહેનો છે જેઓ ખૂબ મહેનત કરે છે. વૃદ્ધ ભાઈ-બહેનો ભલે ગમે એ સમાજમાંથી આવતા હોય, તેઓ યુવાનોને યહોવાની સેવામાં પૂરી તાકાતથી કામ કરવા મદદ કરી શકે છે.
b ચિત્રની સમજ: એક સરકીટ નિરીક્ષકની ઉંમર હવે ૭૦ વર્ષની થઈ છે. તે અને તેમના પત્નીને નવી સોંપણી મળી છે. તેઓ જે મંડળમાં છે ત્યાં પોતાના અનુભવમાંથી બીજાં ભાઈ-બહેનોને શીખવી રહ્યાં છે.