અભ્યાસ લેખ ૮
“સમજી-વિચારીને વર્તો અને સાવધ રહો”
“સમજી-વિચારીને વર્તો અને સાવધ રહો.”—૧ પિત. ૫:૮.
ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે
ઝલકa
૧. અંત ક્યારે આવશે એ વિશે ઈસુએ શિષ્યોને શું કહ્યું અને તેમણે કઈ ચેતવણી આપી?
ઈસુના મરણના થોડા દિવસ પહેલાં ચાર શિષ્યો તેમની પાસે આવ્યા અને પૂછ્યું: “દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?” (માથ. ૨૪:૩) શિષ્યો કદાચ જાણવા માંગતા હતા કે તેઓને કઈ રીતે ખબર પડશે કે યરૂશાલેમ અને મંદિરનો નાશ થવાનો છે. ઈસુએ તેઓને ફક્ત યરૂશાલેમ અને મંદિરના નાશ વિશે જ નહિ, પણ ‘દુનિયાના અંતના સમય’ વિશે પણ જણાવ્યું, જે સમયમાં આજે આપણે જીવી રહ્યા છીએ. પણ અંત ક્યારે આવશે એ વિશે તેમણે શિષ્યોને કહ્યું: “એ દિવસ અથવા એ ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી, સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ.” પછી તેમણે બધા શિષ્યોને ચેતવણી આપી કે તેઓ ‘સાવધ રહે’ અને ‘જાગતા રહે.’—માર્ક ૧૩:૩૨-૩૭.
૨. પહેલી સદીમાં ખ્રિસ્તીઓએ કેમ સાવધ રહેવાનું હતું?
૨ પહેલી સદીમાં યહૂદિયામાં રહેતા ખ્રિસ્તીઓએ સાવધ રહેવાનું હતું કેમ કે, તેઓનાં જીવન-મરણનો સવાલ હતો. ઈસુએ શિષ્યોને જણાવ્યું હતું કે યરૂશાલેમના નાશ પહેલાં કેવા બનાવો બનશે. તેમણે કહ્યું: “તમે યરૂશાલેમને સૈન્યોથી ઘેરાયેલું જુઓ ત્યારે જાણજો કે એનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે.” એવું થાય કે તરત ખ્રિસ્તીઓએ એ ચેતવણી માનીને ‘પહાડો પર નાસી જવાનું હતું.’ (લૂક ૨૧:૨૦, ૨૧) જે લોકોએ ઈસુની ચેતવણી પર ધ્યાન આપ્યું તેઓને કેવો ફાયદો થયો? રોમન સેનાએ યરૂશાલેમનો નાશ કર્યો ત્યારે તેઓનો જીવ બચી ગયો.
૩. આ લેખમાં શું શીખીશું?
૩ આજે આપણે દુષ્ટ દુનિયાના અંતના સમયમાં જીવી રહ્યા છીએ. એટલે ખૂબ જરૂરી છે કે આપણે સમજી-વિચારીને વર્તીએ અને સાવધ રહીએ. આ લેખમાં શીખીશું કે દુનિયામાં બની રહેલા બનાવો જોઈએ ત્યારે કઈ રીતે સાવધ રહી શકીએ. એ પણ શીખીશું કે કઈ રીતે પોતાનાં વાણી-વર્તન પર ધ્યાન આપી શકીએ અને આપણી પાસે જે સમય બચ્યો છે એનો સૌથી સારો ઉપયોગ કરી શકીએ.
દુનિયામાં બની રહેલા બનાવો જોઈએ ત્યારે કઈ રીતે સાવધ રહી શકીએ?
૪. આજના બનાવો કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી કરે છે, એના પર કેમ ધ્યાન આપવું જોઈએ?
૪ દુનિયાના બનાવો કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી કરે છે, એના પર આપણે ખાસ ધ્યાન આપીએ છીએ. એમ કરવાનાં આપણી પાસે ઘણાં કારણો છે. જેમ કે, ઈસુએ જણાવેલા અમુક બનાવોથી પારખી શકીશું કે શેતાનની દુનિયાનો અંત નજીક છે. (માથ. ૨૪:૩-૧૪) પ્રેરિત પિતરે ઉત્તેજન આપ્યું હતું કે બાઇબલની ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થાય છે એના પર ધ્યાન આપીએ, જેથી આપણી શ્રદ્ધા મજબૂત થાય. (૨ પિત. ૧:૧૯-૨૧) બાઇબલના છેલ્લા પુસ્તકમાં પણ એવું જ કંઈક જણાવ્યું છે. એ પુસ્તક આ શબ્દોથી શરૂ થાય છે: “આ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે, જે ઈશ્વરે તેમને આપ્યું. એ માટે કે થોડા સમયમાં જે થવાનું છે એ વિશે તે ઈશ્વરના સેવકોને જણાવે.” (પ્રકટી. ૧:૧) એટલે આપણને એ જાણવામાં ખૂબ રસ છે કે દુનિયામાં શું બની રહ્યું છે. એટલું જ નહિ, એ પણ જાણવા માંગીએ છીએ કે શું એ બનાવોથી બાઇબલની કોઈ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. અરે, આપણને એ વિશે બીજાઓ સાથે વાત કરવાનું પણ મન થાય.
૫. આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? (ચિત્રો પણ જુઓ.)
૫ બાઇબલની ભવિષ્યવાણીઓ પર વાત કરીએ ત્યારે તુક્કા ન મારીએ. એવું કરીશું તો મંડળમાં ભાગલા પડી શકે છે અને આપણે એવું બિલકુલ નથી ચાહતા. આનો વિચાર કરો. બની શકે કે આપણને સાંભળવા મળે કે દુનિયાના નેતાઓ વાતો કરે છે કે તેઓ કઈ રીતે કોઈ મોટી મુશ્કેલીનો હલ લાવશે. તેઓ કહે છે કે તેઓ શાંતિ અને સલામતી લાવશે. એ સાંભળીને આપણે એવું ન વિચારવું જોઈએ કે ‘શું એનો એવો અર્થ થાય કે ૧ થેસ્સાલોનિકીઓ ૫:૩ની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે?’ એના બદલે સંગઠને બહાર પાડેલાં સાહિત્યમાં આપેલી નવામાં નવી માહિતીથી જાણકાર રહેવું જોઈએ. આપણે એ માહિતીના આધારે બીજાઓ સાથે ચર્ચા કરીએ છીએ ત્યારે બધા ‘એકવિચારના થાય છે’ અને મંડળમાં એકતા જળવાઈ રહે છે.—૧ કોરીં. ૧:૧૦; ૪:૬.
૬. બીજો પિતર ૩:૧૧-૧૩માંથી શું શીખવા મળે છે?
૬ બીજો પિતર ૩:૧૧-૧૩ વાંચો. પ્રેરિત પિતરના શબ્દોથી એ સમજવા મદદ મળે છે કે કોઈ ભવિષ્યવાણીનો અભ્યાસ કરવા પાછળ કયું કારણ હોવું જોઈએ. તેમણે અરજ કરી કે આપણે ‘યહોવાના દિવસને હંમેશાં મનમાં રાખીએ.’ એવું કેમ? એનું કારણ એ નથી કે આર્માગેદન ‘કયા દિવસે અને કઈ ઘડીએ આવશે’ એ શોધવા માંગીએ છીએ. પણ એનું કારણ એ છે કે આપણે તો બચી ગયેલા સમયમાં ‘વાણી-વર્તન પવિત્ર રાખવા અને ઈશ્વરની ભક્તિનાં કામો કરવા’ માંગીએ છીએ. (માથ. ૨૪:૩૬; લૂક ૧૨:૪૦) બીજા શબ્દોમાં કહીએ તો યહોવાનાં ધોરણો પ્રમાણે વાણી-વર્તન રાખવા માંગીએ છીએ અને પોતાનાં કામોથી બતાવી આપવા માંગીએ છીએ કે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ. એ માટે જરૂરી છે કે આપણે પોતાના પર ધ્યાન આપીએ.
પોતાના પર ધ્યાન આપવું એટલે શું?
૭. કઈ રીતે પોતાનાં વાણી-વર્તન પર ધ્યાન આપી શકીએ? (લૂક ૨૧:૩૪)
૭ ઈસુએ શિષ્યોને જણાવ્યું હતું કે તેઓ દુનિયાના બનાવો પર ધ્યાન આપે. તેમણે એ પણ જણાવ્યું કે તેઓ પોતાના પર પણ ધ્યાન આપે. એ વિશે ઈસુએ શિષ્યોને જે ચેતવણી આપી એ લૂક ૨૧:૩૪માં જોવા મળે છે. (વાંચો.) આ કલમથી શીખવા મળે છે કે આપણે પોતાનાં વાણી-વર્તન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. એવું કઈ રીતે કરી શકીએ? યહોવા સાથેની દોસ્તી જોખમમાં મૂકે એવી બાબતોથી સાવધ રહેવું જોઈએ અને એનાથી દૂર રહેવા પગલાં ભરવાં જોઈએ. આમ, આપણે યહોવાના પ્રેમની છાયામાં રહી શકીશું.—નીતિ. ૨૨:૩; યહૂ. ૨૦, ૨૧.
૮. પ્રેરિત પાઉલે ઈશ્વરભક્તોને કઈ સલાહ આપી?
૮ પ્રેરિત પાઉલે પણ ઈશ્વરભક્તોને કહ્યું કે તેઓ પોતાના પર ધ્યાન આપે. જેમ કે તેમણે એફેસસનાં ભાઈ-બહેનોને સલાહ આપી, “તમે પોતાના પર કડક નજર રાખો, જેથી તમે મૂર્ખની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ ચાલો.” (એફે. ૫:૧૫, ૧૬) યહોવા સાથેની આપણી દોસ્તી તોડી નાખવા શેતાન ઘણા ધમપછાડા કરે છે. એટલે બાઇબલમાં સલાહ આપી છે, “યહોવાની ઇચ્છા શી છે એ પારખતા રહો.” (એફે. ૫:૧૭) એમ કરીશું તો શેતાન આપણા પર ફાવી નહિ જાય.
૯. આપણે યહોવાની ઇચ્છા કઈ રીતે પારખી શકીએ?
૯ યહોવા સાથેની આપણી દોસ્તી તોડી શકે એવી એકેએક બાબતનું લિસ્ટ બાઇબલમાં નથી આપ્યું. એટલે ઘણી વાર જાતે નિર્ણય લેવો પડે છે કે શું કરવું અને શું ન કરવું. યોગ્ય નિર્ણય લેવા આપણે “યહોવાની ઇચ્છા શી છે” એ પારખતા રહેવું જોઈએ. એ માટે શું કરી શકીએ? નિયમિત બાઇબલ વાંચીએ અને મનન કરીએ. જો યહોવાની ઇચ્છા પારખીશું અને “ખ્રિસ્ત ઈસુનું મન” કેળવીશું, તો “સમજુ માણસની જેમ” ચાલી શકીશું. એટલું જ નહિ, એ બાબતો માટે પણ સારો નિર્ણય લઈ શકીશું, જેના વિશે બાઇબલમાં સીધેસીધો નિયમ નથી આપ્યો. (૧ કોરીં. ૨:૧૪-૧૬) યહોવા સાથેની આપણી દોસ્તી તોડી શકે એવી અમુક બાબતો પારખવી સહેલી હોય છે, પણ અમુક બાબતો પારખવી સહેલી હોતી નથી.
૧૦. આપણે કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ?
૧૦ આવા જોખમોથી આપણે દૂર રહેવું જોઈએ: ફ્લર્ટ કરવું, પુષ્કળ દારૂ પીવો, અતિશય ખાવું-પીવું, કોઈને માઠું લાગે એવું બોલવું, મારધાડવાળું મનોરંજન જોવું અને ગંદાં ચિત્રો કે વીડિયો જોવા. (ગીત. ૧૦૧:૩) યહોવા સાથેની આપણી દોસ્તી તોડવા શેતાન લાખ કોશિશ કરે છે. (૧ પિત. ૫:૮) જો સાવધ નહિ રહીએ તો શેતાન આપણાં મનમાં ઝેરી છોડનાં બી રોપી દેશે. જેમ કે, ઈર્ષા કરવી, જૂઠું બોલવું, બેઈમાની કરવી, લાલચ કરવી, ઘમંડી બનવું, મનમાં ખાર ભરી રાખવો અથવા બીજાઓને નફરત કરવી. (ગલા. ૫:૧૯-૨૧) એવા વલણની ધીરે ધીરે આપણા પર અસર થઈ શકે છે, એટલે એને તરત કાઢી નાખવું જોઈએ. જો એમ નહિ કરીએ તો એ બી વધીને ઝેરી છોડ બની જશે અને આપણને ઘણું નુકસાન થશે.—યાકૂ. ૧:૧૪, ૧૫.
૧૧. એવા એક જોખમ વિશે જણાવો જેને કદાચ સહેલાઈથી પારખી ન શકીએ અને કેમ?
૧૧ ચાલો એવા એક જોખમ વિશે જોઈએ, જે પારખવું કદાચ સહેલું ન હોય. એ છે ખરાબ સંગત. જરા વિચારો, યહોવાની સાક્ષી ન હોય એવી એક વ્યક્તિ સાથે તમે કામ કરો છો. તમે ચાહો છો કે તે યહોવાના સાક્ષીઓ વિશે સારું વિચારે. એટલે તમે તેને અવાર-નવાર મદદ કરો છો અને તેની સાથે સારી રીતે વર્તો છો. ક્યારેક ક્યારેક તમે લંચ બ્રેકમાં તેની સાથે જમો છો. પછી સમય જતાં તમે રોજ તેની સાથે જમવા લાગો છો. તમે જુઓ છો કે અમુક વાર તે ગંદા વિષયો પર વાત કરે છે. શરૂઆતમાં તો તમે તેની વાતો પર ધ્યાન આપતા નથી. પણ ધીરે ધીરે તમે એવી વાતોથી ટેવાઈ જાઓ છો અને તમને એમાં કોઈ વાંધો આવતો નથી. એક દિવસ નોકરી પછી તે તમારી સાથે પિક્ચર જોવાનો પ્લાન બનાવે છે. તમે માની જાઓ છો. સમય જતાં, તમે તેની હામાં હા મિલાવવા લાગો છો અને તેના જેવું વિચારવા લાગો છો. શું તમને નથી લાગતું કે થોડા જ સમયમાં તમે એ વ્યક્તિ જેવાં કામો પણ કરવા લાગશો? એ ખરું છે કે આપણે લોકો સાથે સારો વ્યવહાર રાખવા માંગીએ છીએ અને તેઓને માન આપવા માંગીએ છીએ. પણ યાદ રાખવું જોઈએ, જેવો સંગ તેવો રંગ. (૧ કોરીં. ૧૫:૩૩) એટલે આપણે હંમેશાં ઈસુની વાત મનમાં રાખીએ અને પોતાના પર ધ્યાન આપીએ. એમ કરીશું તો જે લોકો યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલતાં નથી, તેઓ સાથે કારણ વગર વધારે પડતો સમય નહિ વિતાવીએ. (૨ કોરીં. ૬:૧૫) તેમ જ, યહોવા સાથેની દોસ્તી તોડે એવી બાબતો પારખી લઈશું અને એનાથી દૂર રહી શકીશું.
કઈ રીતે સમયનો સૌથી સારો ઉપયોગ કરી શકીએ?
૧૨. યરૂશાલેમનો નાશ થાય ત્યાં સુધી ઈસુના શિષ્યોએ શું કરવાનું હતું?
૧૨ ઈસુના શિષ્યોને ખબર હતી કે યરૂશાલેમનો નાશ થઈ જશે. પણ ત્યાં સુધી તેઓએ હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું ન હતું. ઈસુએ તેઓને એક કામ સોંપ્યું હતું. તેમણે શિષ્યોને આજ્ઞા આપી હતી કે “યરૂશાલેમમાં, આખા યહૂદિયા અને સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી” ખુશખબર જણાવે. (પ્રે.કા. ૧:૬-૮) જરા વિચારો, શિષ્યોને કેટલી મોટી જવાબદારી મળી હતી. એ જવાબદારી પૂરી કરવા તેઓએ દિલ રેડી દીધું અને પોતાના સમયનો સૌથી સારો ઉપયોગ કર્યો.
૧૩. કેમ સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ? (કોલોસીઓ ૪:૫)
૧૩ કોલોસીઓ ૪:૫ વાંચો. પોતાના પર ધ્યાન આપવા વિચારીએ કે આપણો સમય કેવા કામ પાછળ જાય છે. એમ કરવું કેમ જરૂરી છે? કેમ કે “અણધાર્યા સંજોગોની અસર” કોઈને પણ થઈ શકે છે. (સભા. ૯:૧૧) જીવનનો કોઈ ભરોસો નથી, આજે છે અને કાલે નથી.
૧૪-૧૫. સમયનો સૌથી સારો ઉપયોગ કઈ રીતે કરી શકીએ? (હિબ્રૂઓ ૬:૧૧, ૧૨) (ચિત્ર પણ જુઓ.)
૧૪ સમયનો સારો ઉપયોગ કઈ રીતે કરી શકીએ? યહોવાની ઇચ્છા પૂરી કરીને અને તેમની સાથે દોસ્તી પાકી કરીને. (યોહા. ૧૪:૨૧) પણ એ માટે જરૂરી છે કે આપણે ‘દૃઢ રહીએ અને અડગ રહીએ, ઈશ્વરની સેવામાં પુષ્કળ કામ કરતા રહીએ.’ (૧ કોરીં. ૧૫:૫૮) જો એમ કરતા રહીશું, તો પછી ભલે આપણો અંત આવે કે દુનિયાનો, આપણને કોઈ અફસોસ નહિ હોય.—માથ. ૨૪:૧૩; રોમ. ૧૪:૮.
૧૫ આજે ઈસુના શિષ્યો આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવી રહ્યા છે. ઈસુ તેઓને માર્ગદર્શન આપતા રહે છે. તે યહોવાના સંગઠન દ્વારા આપણને તાલીમ આપે છે, જેથી સારી રીતે પ્રચાર કરી શકીએ. પ્રચાર માટે જે કંઈ જરૂરી હોય, એ બધું તે પૂરું પાડે છે. ઈસુએ પોતાનું વચન ખૂબ સારી રીતે નિભાવ્યું છે. (માથ. ૨૮:૧૮-૨૦) પણ આપણે શું કરવું જોઈએ? યહોવા દુનિયાનો અંત લાવે ત્યાં સુધી આપણે લોકોને ખુશખબર જણાવવા અને શીખવવા સખત મહેનત કરીએ. તેમ જ, આપણે સાવધ રહીએ. આમ હિબ્રૂઓ ૬:૧૧, ૧૨ની સલાહ પાળવાથી “અંત સુધી” ભરોસો રાખી શકીશું કે આપણી આશા ચોક્કસ પૂરી થશે.—વાંચો.
૧૬. તમે શું કરવાનો પાકો નિર્ણય લીધો છે?
૧૬ યહોવા ચોક્કસ શેતાનની દુનિયાનો નાશ કરશે. એ માટે તેમણે દિવસ અને ઘડી નક્કી કરી દીધાં છે. શેતાનની દુનિયાના નાશ પછી યહોવા નવી દુનિયા વિશેની બધી ભવિષ્યવાણીઓ પૂરે કરશે, જે તેમણે બાઇબલમાં લખાવી છે. પણ અમુક વાર આપણને થાય કે એ દિવસ આવવામાં મોડું થઈ રહ્યું છે. જોકે, યહોવાનો દિવસ સમયસર આવશે, એ જરાય ‘મોડો પડશે નહિ!’ (હબા. ૨:૩) ચાલો આપણે પાકો નિર્ણય કરીએ કે ‘યહોવાની આતુરતાથી રાહ જોઈશું, આપણો ઉદ્ધાર કરનાર ઈશ્વરની ધીરજથી રાહ જોઈશું.’—મીખા. ૭:૭.
ગીત ૫૫ જીવન દીપ નહિ બૂઝે
a આ લેખમાં શીખીશું કે દુનિયામાં બની રહેલા બનાવો જોઈએ ત્યારે કઈ રીતે સમજી-વિચારીને વર્તી શકીએ અને સાવધ રહી શકીએ. એ પણ શીખીશું કે કઈ રીતે પોતાનાં વાણી-વર્તન પર ધ્યાન આપી શકીએ અને સમયનો સૌથી સારો ઉપયોગ કરી શકીએ.
b ચિત્રની સમજ: (ઉપર) એક પતિ-પત્ની ન્યૂઝ જોઈ રહ્યાં છે. તેઓ એ બનાવોના અર્થ વિશે અમુક તુક્કા મારે છે અને મંડળમાં ભાઈ-બહેનોને જણાવે છે. (નીચે) એક પતિ-પત્ની નિયામક જૂથ તરફથી વધારે માહિતી વીડિયો જુએ છે. એમાંથી તેઓ ભવિષ્યવાણી વિશે નવામાં નવી સમજણ મેળવે છે. તેઓ વિશ્વાસુ ચાકરે બહાર પાડેલાં સાહિત્ય બીજાને આપે છે.