અભ્યાસ લેખ ૪૨
શું તમે “આજ્ઞા પાળવા તૈયાર” છો?
‘જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ આજ્ઞા પાળવા તૈયાર છે.’—યાકૂ. ૩:૧૭.
ગીત ૫૩ સંપીને રહીએ
ઝલકa
૧. આજ્ઞાઓ પાળવી કેમ અઘરું લાગી શકે?
શું તમને કદી આજ્ઞા પાળવી અઘરું લાગે છે? દાઉદ રાજાને પણ એવું લાગ્યું હતું. એટલે તેમણે યહોવાને પ્રાર્થના કરી: ‘તમે મને એવી પ્રેરણા આપો કે હું તમારી આજ્ઞાઓ પાળવા સદા તૈયાર રહું.’ (ગીત. ૫૧:૧૨) દાઉદ યહોવાને ખૂબ પ્રેમ કરતા હતા. તોપણ અમુક વાર દાઉદને તેમની આજ્ઞાઓ પાળવી અઘરું લાગ્યું. આપણને પણ એવું લાગી શકે છે. શા માટે? પહેલું, જન્મથી જ આપણામાં આજ્ઞા ન પાળવાનું વલણ છે. બીજું, શેતાન હંમેશાં પ્રયત્ન કરે છે કે તેની જેમ આપણે પણ યહોવાની સામા થઈએ. (૨ કોરીં. ૧૧:૩) ત્રીજું, આજે મોટા ભાગના લોકો બંડખોર છે અને એ વલણ “આજ્ઞા ન માનનારાઓમાં” દેખાઈ આવે છે. (એફે. ૨:૨) એટલે ખૂબ જરૂરી છે કે આપણામાં ખોટું કરવાનું જે વલણ છે એની સામે લડીએ. તેમ જ, શેતાન અને તેની દુનિયાનો સામનો કરીએ, જેઓ આપણને આજ્ઞા તોડવા દબાણ કરે છે. એટલું જ નહિ, આપણે યહોવાની અને તેમણે જેઓને અધિકાર આપ્યો છે, તેઓની આજ્ઞા પાળવા મહેનત કરવી જોઈએ.
૨. “આજ્ઞા પાળવા તૈયાર” હોવું એનો અર્થ શું થાય? (યાકૂબ ૩:૧૭)
૨ યાકૂબ ૩:૧૭ વાંચો. યહોવાએ યાકૂબ પાસે લખાવ્યું કે બુદ્ધિશાળી લોકો “આજ્ઞા પાળવા તૈયાર” હોય છે. એનો અર્થ શું થાય? જેઓને યહોવાએ અધિકાર આપ્યો છે, તેઓની આજ્ઞા પાળવા તૈયાર રહીએ અને રાજીખુશીથી એમ કરીએ. પણ જો તેઓ એવું કંઈક કરવાનું કહે, જેનાથી યહોવાનો નિયમ તૂટતો હોય તો શું? એવા સમયે યહોવા નથી ચાહતા કે આપણે તેઓની આજ્ઞા પાળીએ.—પ્રે.કા. ૪:૧૮-૨૦.
૩. યહોવા કેમ ચાહે છે કે આપણે એ લોકોની આજ્ઞા પાળીએ, જેઓ પાસે અધિકાર છે?
૩ આપણને કદાચ માણસોને બદલે યહોવાની આજ્ઞા પાળવી સહેલું લાગે. કેમ કે યહોવાનું માર્ગદર્શન હંમેશાં ખરું હોય છે. (ગીત. ૧૯:૭) પણ જેઓ પાસે અધિકાર છે, તેઓ વિશે એવું ન કહી શકાય. કેમ કે તેઓથી ઘણી વાર ભૂલો થઈ જાય છે. તોપણ સ્વર્ગમાંના આપણા પિતાએ મમ્મી-પપ્પાને, સરકારી અધિકારીઓને અને વડીલોને અમુક અધિકારો આપ્યા છે. (નીતિ. ૬:૨૦; ૧ થેસ્સા. ૫:૧૨; ૧ પિત. ૨:૧૩, ૧૪) તેઓનું કહેવું માનીએ છીએ ત્યારે, હકીકતમાં યહોવાનું કહેવું માનતા હોઈએ છીએ. પણ કદાચ અમુક વાર આપણે તેઓના માર્ગદર્શન સાથે સહમત ન હોઈએ અથવા એવું કરવા માંગતા ન હોઈએ. એવા સંજોગોમાં પણ કઈ રીતે તેઓની આજ્ઞા પાળી શકીએ? ચાલો જોઈએ.
મમ્મી-પપ્પાની આજ્ઞા પાળો
૪. ઘણાં બાળકો કેમ માબાપની આજ્ઞા પાળતા નથી?
૪ આપણા યુવાનો એવાં બાળકોથી ઘેરાયેલા છે, જેઓ ‘માબાપની આજ્ઞા પાળતા નથી.’ (૨ તિમો. ૩:૧, ૨) ઘણાં બાળકો કેમ માબાપની આજ્ઞા પાળતા નથી? અમુકને લાગે છે કે મમ્મી-પપ્પા તેઓને જે કરવાનું કહે છે, એ પોતે કરતા નથી. બીજા અમુકને મમ્મી-પપ્પા જૂનવાણી લાગે છે. તેઓને લાગે છે કે મમ્મી-પપ્પાની સલાહ કામ નહિ કરે અથવા એ વધારે પડતી જ કડક છે. યુવાનો, શું તમને કદી એવું લાગે છે? ઘણાને યહોવાની આ આજ્ઞા પાળવી અઘરું લાગે છે: “ઈશ્વરને પસંદ પડે એ રીતે તમારાં માતા-પિતાનું કહેવું માનો, કેમ કે ઈશ્વરની નજરમાં એ યોગ્ય છે.” (એફે. ૬:૧) એમ કરવા તમને શાનાથી મદદ મળી શકે?
૫. મમ્મી-પપ્પાની આજ્ઞા પાળવા વિશે ઈસુએ કેવી રીતે સૌથી સારો દાખલો બેસાડ્યો છે? (લૂક ૨:૪૬-૫૨)
૫ આજ્ઞા પાળવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. (૧ પિત. ૨:૨૧-૨૪) તેમની પાસેથી તમે ઘણું શીખી શકો છો. ઈસુમાં પાપની જરાય અસર ન હતી. પણ તેમનાં માતા-પિતામાં જન્મથી પાપ હતું. અમુક વાર તેઓથી ભૂલો થઈ અને ઈસુને સમજી ન શક્યાં. તોપણ ઈસુએ હંમેશાં તેઓને માન આપ્યું. (નિર્ગ. ૨૦:૧૨) ઈસુ ૧૨ વર્ષના હતા ત્યારે શું બન્યું એનો વિચાર કરો. (લૂક ૨:૪૬-૫૨ વાંચો.) ઈસુ પોતાનાં માતા-પિતા સાથે તહેવાર ઊજવવા યરૂશાલેમ ગયા હતા. ઘરે પાછા ફરતી વખતે યૂસફ અને મરિયમનું ધ્યાન ન રહ્યું કે ઈસુ તેઓ સાથે નથી. હવે ઈસુ તો યરૂશાલેમમાં જ રહી ગયા હતા. જ્યારે યૂસફ અને મરિયમે ઈસુને શોધી કાઢ્યા, ત્યારે મરિયમ ઈસુનો વાંક કાઢવા લાગી અને કહેવા લાગી કે ઈસુના લીધે તેઓએ કેટલું વેઠવું પડ્યું. ખરું જોતા તો, યૂસફ અને મરિયમે એ ધ્યાન રાખવાનું હતું કે તેઓનાં બધાં બાળકો તેઓની સાથે હોય. એટલે ઈસુ તેઓને કહી શકતા હતા, ‘વાંક મારો નહિ, તમારો છે.’ પણ તેમણે એવું કંઈ ન કહ્યું. તેમણે થોડા શબ્દોમાં અને પૂરા માનથી તેઓને જવાબ આપ્યો. જોકે, યૂસફ અને મરિયમ ‘સમજ્યાં નહિ કે તે શું કહેવા માંગતા હતા.’ તોપણ ઈસુ ‘તેઓને આધીન રહ્યા.’
૬-૭. યુવાનોને મમ્મી-પપ્પાની આજ્ઞા પાળવા શાનાથી મદદ મળી શકે?
૬ યુવાનો, જ્યારે મમ્મી-પપ્પાથી ભૂલો થઈ જાય છે અથવા તેઓ તમને સમજી નથી શકતાં, ત્યારે શું તમને તેઓની વાત માનવી અઘરું લાગે છે? જો એમ હોય તો તમને શાનાથી મદદ મળી શકે? પહેલું, વિચારો કે યહોવાને કેવું લાગે છે. બાઇબલમાં લખ્યું છે કે જ્યારે તમે મમ્મી-પપ્પાની વાત માનો છો, ત્યારે “આપણા માલિક ખુશ થાય છે.” (કોલો. ૩:૨૦) યહોવા જાણે છે કે કોઈક વાર મમ્મી-પપ્પા તમને પૂરી રીતે સમજી શકતાં નથી અથવા ક્યારેક એવા નિયમો બનાવે છે, જે પાળવા સહેલા હોતા નથી. તોપણ જ્યારે તમે આજ્ઞા પાળો છો, ત્યારે યહોવાનું દિલ ખુશ કરો છો.
૭ બીજું, વિચારો કે તમે મમ્મી-પપ્પાની આજ્ઞા પાળો છો ત્યારે તેઓને કેવું લાગે છે. તેઓને ઘણી ખુશી થાય છે અને તેઓ તમારા પર વધારે ભરોસો કરવા લાગે છે. (નીતિ. ૨૩:૨૨-૨૫) બની શકે કે તેઓ સાથેનો તમારો સંબંધ વધારે ગાઢ બને. બેલ્જિયમમાં રહેતો એલેકઝાંડર કહે છે: “જ્યારે હું મમ્મી-પપ્પાની વાત માનવા લાગ્યો, ત્યારે અમે એકબીજાની નજીક આવ્યાં અને વધારે ખુશ રહેવા લાગ્યાં.”b ત્રીજું, વિચારો કે હમણાં મમ્મી-પપ્પાની આજ્ઞા પાળવાથી ભાવિમાં કેવા ફાયદા થશે. બ્રાઝિલમાં રહેતો પાઉલો કહે છે: “હું મમ્મી-પપ્પાની વાત માનવાનું શીખ્યો. એના લીધે મને યહોવાની અને જેઓ પાસે અધિકાર છે, તેઓની વાત માનવા મદદ મળી છે.” મમ્મી-પપ્પાની આજ્ઞા કેમ પાળવી જોઈએ, એનું એક મહત્ત્વનું કારણ બાઇબલમાં આપ્યું છે. એમાં લખ્યું છે કે એમ કરવાથી ‘તમારું ભલું થશે અને પૃથ્વી પર તમે લાંબું જીવશો.’—એફે. ૬:૨, ૩.
૮. ઘણા યુવાનો કેમ મમ્મી-પપ્પાની આજ્ઞા પાળે છે?
૮ ઘણા યુવાનોએ જોયું છે કે મમ્મી-પપ્પાની આજ્ઞા પાળવાથી તેઓનું ભલું થાય છે. બ્રાઝિલમાં રહેતી લુઈઝાનો વિચાર કરો. તેની ઉંમરના મોટા ભાગના યુવાનો પાસે પોતાનો મોબાઇલ હતો. એટલે તેને સમજાતું ન હતું કે મમ્મી-પપ્પા કેમ તેને ફોન લાવી આપતાં ન હતાં. પણ પછીથી તેને સમજાયું કે તેઓ તેનું રક્ષણ કરી રહ્યાં હતાં. હવે તેને મમ્મી-પપ્પાના નિયમો બંધન જેવા નથી લાગતા. કેમ કે તે જાણે છે કે તેઓની સલાહ તેના જ ભલા માટે છે. અમેરિકામાં રહેતી યુવાન એલિઝાબેથને આજે પણ કોઈક વાર મમ્મી-પપ્પાની વાત માનવી મુશ્કેલ લાગે છે. તે કહે છે: “ક્યારેક હું સમજી શકતી નથી કે મમ્મી-પપ્પાએ કોઈ નિયમ કેમ બનાવ્યો છે. એ સમયે હું યાદ કરું છું કે અગાઉ તેમનું કહેવું માનવાથી મારું કેવી રીતે રક્ષણ થયું હતું.” આર્મેનિયામાં રહેતી મોનિકા કહે છે કે જ્યારે પણ તેણે મમ્મી-પપ્પાની આજ્ઞા પાળી છે, ત્યારે હંમેશાં સારું જ પરિણામ આવ્યું છે.
‘ઉચ્ચ અધિકારીઓની’ આજ્ઞા પાળો
૯. ઘણા લોકોને સરકારના નિયમો પાળવા વિશે કેવું લાગે છે?
૯ બાઇબલમાં સરકારોને ‘ઉચ્ચ અધિકારીઓ’ તરીકે રજૂ કરવામાં આવી છે. (રોમ. ૧૩:૧) મોટા ભાગના લોકોનું માનવું છે કે ઉચ્ચ અધિકારીઓ હોવા જોઈએ અને તેઓએ બનાવેલા અમુક નિયમો તો પાળવા જ જોઈએ. પણ જો એ જ લોકોને સરકારે બનાવેલો કોઈ નિયમ ન ગમે અથવા યોગ્ય ન લાગે, તો તેઓ કદાચ એ નિયમ નહિ પાળે. કરવેરો ભરવાની વાત લો. યુરોપના એક દેશમાં અમુક લોકોનો સર્વે કરવામાં આવ્યો. એમાં જોવા મળ્યું કે દર ચારમાંથી એકનું માનવું હતું, ‘જો તમને લાગતું હોય કે સરકાર વધારે પડતો કરવેરો માંગી રહી છે, તો એ ન ભરવામાં કંઈ જ ખોટું નથી.’ એટલે એ દેશના નાગરિકો બસ ૬૫ ટકા જેટલો જ કરવેરો ભરે છે.
૧૦. સરકારના નિયમો પાળવા અઘરા લાગે તોપણ કેમ એ પાળીએ છીએ?
૧૦ બાઇબલમાં કહ્યું છે કે સરકારોને લીધે માણસજાતે બહુ વેઠવું પડ્યું છે, સરકારો શેતાનની મુઠ્ઠીમાં છે અને બહુ જલદી તેઓનો નાશ કરી દેવામાં આવશે. (ગીત. ૧૧૦:૫, ૬; સભા. ૮:૯; લૂક ૪:૫, ૬) બાઇબલમાં એ પણ લખ્યું છે કે “જો આપણે તેઓની સત્તાનો વિરોધ કરીએ, તો ઈશ્વરની ગોઠવણ સામે થઈએ છીએ.” યહોવાએ થોડા સમય માટે એ સરકારોને રહેવા દીધી છે, જેથી બધું વ્યવસ્થામાં રહે. યહોવા ચાહે છે કે આપણે સરકારની આજ્ઞાઓ પાળીએ. એટલે ‘એ સર્વને તેઓનો હક આપીએ,’ જેમાં કરવેરો ભરવાનો, સરકારી અધિકારીઓને માન આપવાનો અને તેઓની આજ્ઞા પાળવાનો સમાવેશ થાય છે. (રોમ. ૧૩:૧-૭) બની શકે કે સરકારનો કોઈ નિયમ આપણને યોગ્ય ન લાગે, એ પાળવામાં તકલીફો પડે અથવા એ પાળવો આપણને બહુ મોંઘો પડે. તોપણ આપણે અધિકારીઓની વાત માનીએ છીએ, કેમ કે યહોવા આપણને એવું જ કરવાનું કહે છે. પણ જો સરકાર કંઈક એવું કરવાનું કહે, જેનાથી યહોવાનો નિયમ તૂટતો હોય, તો આપણે સરકારની આજ્ઞા નહિ પાળીએ.—પ્રે.કા. ૫:૨૯.
૧૧-૧૨. યૂસફ અને મરિયમ માટે સરકારનો નિયમ પાળવો અઘરો હતો, તોપણ લૂક ૨:૧-૬ પ્રમાણે તેઓએ શું કર્યું અને એનું કેવું પરિણામ આવ્યું? (ચિત્રો પણ જુઓ.)
૧૧ આપણે યૂસફ અને મરિયમ પાસેથી શીખી શકીએ. અઘરા સંજોગોમાં પણ તેઓ ઉચ્ચ અધિકારીની આજ્ઞા પાળવા તૈયાર હતાં. (લૂક ૨:૧-૬ વાંચો.) પણ એક વાર તેઓને એમ કરવું કદાચ અઘરું લાગ્યું હશે. રોમન સમ્રાટ ઑગસ્તસે હુકમ બહાર પાડ્યો હતો કે દરેક જણ પોતાનું નામ નોંધાવવા પોતાના વતન જાય. એ આજ્ઞા પાળવા યૂસફ અને મરિયમે બેથલેહેમ જવાનું હતું. એ તેઓના ઘરથી આશરે ૧૫૦ કિલોમીટર દૂર હતું અને રસ્તો પણ પહાડી હતો. એટલું જ નહિ, એ સમયે મરિયમ ગર્ભવતી હતી, તેને નવમો મહિનો ચાલતો હતો. એટલે આટલી લાંબી મુસાફરી કરવી કદાચ તેઓ માટે અઘરું હશે. તેઓને ચિંતા થતી હશે કે જો મરિયમને રસ્તામાં જ પ્રસૂતિની પીડા ઊપડી, તો તેઓ શું કરશે. તેઓને મરિયમના ગર્ભમાં રહેલા બાળકની સલામતીની પણ ચિંતા થતી હશે. કેમ કે એ બાળક બીજું કોઈ નહિ, પણ મસીહ હતું, જેના વિશે યહોવાએ વચન આપ્યું હતું. આવું બધું વિચારીને શું તેઓએ સરકારની આજ્ઞા તોડી?
૧૨ એવી ચિંતા થવી સ્વાભાવિક હતી, તોપણ યૂસફ અને મરિયમે સરકારની આજ્ઞા પાળવાનો નિર્ણય લીધો. એ આજ્ઞા પાળવાને લીધે યહોવા તેઓથી ખુશ હતા અને તેમણે તેઓની સંભાળ રાખી. મરિયમ સહીસલામત રીતે બેથલેહેમ પહોંચી, ત્યાં તેણે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો અને બાઇબલની એક ભવિષ્યવાણી પણ પૂરી થઈ.—મીખા. ૫:૨.
૧૩. આપણે ઉચ્ચ અધિકારીઓની આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે, કઈ રીતે ભાઈ-બહેનોનું ભલું થાય છે?
૧૩ આપણે ઉચ્ચ અધિકારીઓની આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે, આપણું અને બીજાઓનું ભલું થાય છે. કઈ રીતે? આપણે એ સજાથી બચી જઈએ છીએ, જે નિયમો ન પાળનારે ભોગવવી પડે છે. (રોમ. ૧૩:૪) અધિકારીઓની વાત માનીએ છીએ ત્યારે, તેઓ જોઈ શકે છે કે યહોવાના સાક્ષીઓ આજ્ઞા પાળનાર લોકો છે. ચાલો એક દાખલો લઈએ. ઘણાં વર્ષો પહેલાં નાઇજીરિયામાં એક સભા દરમિયાન અમુક સૈનિકો આપણા પ્રાર્થનાઘરમાં ઘૂસી આવ્યા. તેઓ એવા લોકોને શોધી રહ્યા હતા, જેઓએ કરવેરો ભરવો ન હતો અને એટલે સરકાર વિરુદ્ધ બળવો કરી રહ્યા હતા. પણ સૈનિકોના અધિકારીએ તેઓને પ્રાર્થનાઘરમાંથી નીકળી જવાનું કહ્યું. તેમણે કહ્યું: “યહોવાના સાક્ષીઓ હંમેશાં કરવેરો ભરે છે.” જ્યારે પણ તમે અધિકારીઓની આજ્ઞાઓ પાળો છો, ત્યારે તેઓની નજરમાં યહોવાના સાક્ષીઓનું માન વધે છે અને બની શકે કે એક દિવસે એના લીધે તમારાં ભાઈ-બહેનોનું રક્ષણ થાય.—માથ. ૫:૧૬.
૧૪. એક બહેનને ઉચ્ચ અધિકારીઓની “આજ્ઞા પાળવા તૈયાર” રહેવા શાનાથી મદદ મળી?
૧૪ પણ કદાચ દર વખતે અધિકારીઓની આજ્ઞા પાળવાનું મન ન પણ થાય. અમેરિકામાં રહેતાં જોએનાબહેન કહે છે: “અધિકારીઓની આજ્ઞા પાળવી મારા માટે બહુ જ અઘરું હતું. કેમ કે એ અધિકારીઓએ મારા અમુક કુટુંબીજનો સાથે ઘોર અન્યાય કર્યો હતો.” પણ બહેને નક્કી કર્યું કે તે અધિકારીઓ વિશેના પોતાના વિચારો બદલશે. એ માટે તેમણે આવાં પગલાં ભર્યાં: એક, તેમણે સોશિયલ મીડિયા પર એવી વાતો વાંચવાનું બંધ કરી દીધું, જે અધિકારીઓની વિરુદ્ધમાં હોય. (નીતિ. ૨૦:૩) બીજું, તેમણે મદદ માટે યહોવાને પ્રાર્થના કરી, જેથી તેમનો ભરોસો યહોવા પર વધે અને તે એવું ન વિચારે કે સરકાર બદલાઈ જાય. (ગીત. ૯:૯, ૧૦) ત્રીજું, તેમણે આપણાં સાહિત્યમાં આવતા એવા લેખો વાંચ્યા, જેમાં કોઈનો પક્ષ ન લેવા વિશે જણાવ્યું હોય. (યોહા. ૧૭:૧૬) હવે જોએનાબહેન કહે છે કે અધિકારીઓને માન આપવાથી અને તેઓની આજ્ઞા પાળવાથી તેમને “મનની એવી શાંતિ મળી છે, જે શબ્દોમાં વર્ણવી ન શકાય.”
યહોવાના સંગઠન પાસેથી મળતું માર્ગદર્શન પાળો
૧૫. યહોવાના સંગઠન પાસેથી મળતું માર્ગદર્શન પાળવું કેમ અઘરું લાગી શકે?
૧૫ યહોવા આપણને કહે છે: ‘જેઓ મંડળમાં આગેવાની લે છે, તેઓનું કહેવું માનો.’ (હિબ્રૂ. ૧૩:૧૭) આપણા આગેવાન ઈસુમાં પાપની અસર નથી, પણ તેમણે જે ભાઈઓને આગેવાની લેવા પસંદ કર્યા છે તેઓમાં તો છે. એટલે કદાચ તેઓની વાત માનવી આપણને અઘરું લાગી શકે. ખાસ કરીને, જો તેઓ એવું કંઈક કરવાનું કહે, જે આપણે કરવા માંગતા ન હોઈએ, તો વધારે અઘરું બની શકે. પ્રેરિત પિતર સાથે એવું જ બન્યું હતું. તેમને જે માર્ગદર્શન આપવામાં આવ્યું એ પાળતા તે શરૂઆતમાં અચકાતા હતા. એક દૂતે તેમને કહ્યું કે તે એવા પ્રાણીઓનું માંસ ખાય, જે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે અશુદ્ધ હતાં. એ વખતે પિતરે એક વાર નહિ, પણ ત્રણ વાર એમ કરવાની ના પાડી. (પ્રે.કા. ૧૦:૯-૧૬) શા માટે? આ નવું માર્ગદર્શન પિતરને યોગ્ય લાગતું ન હતું. પોતાના આખા જીવન દરમિયાન તેમણે કદી એવું કર્યું ન હતું. હવે વિચારો, જો પિતરને સ્વર્ગથી આવેલા દૂતની વાત માનવી અઘરી લાગી હોય, તો આપણને મામૂલી માણસોની આજ્ઞા પાળવી કેટલું વધારે અઘરું લાગી શકે!
૧૬. પ્રેરિત પાઉલને જે માર્ગદર્શન મળ્યું એ કદાચ તેમને અયોગ્ય લાગ્યું હશે, તોપણ તેમણે શું કર્યું? (પ્રેરિતોનાં કાર્યો ૨૧:૨૩, ૨૪, ૨૬)
૧૬ પ્રેરિત પાઉલનો વિચાર કરો. એક વાર તેમને એવું માર્ગદર્શન આપવામાં આવ્યું, જે કદાચ તેમને યોગ્ય નહિ લાગ્યું હોય. તોપણ તે “આજ્ઞા પાળવા તૈયાર” હતા. યહૂદીમાંથી ખ્રિસ્તી બનેલાં ભાઈ-બહેનોએ પાઉલ વિશે અમુક અફવાઓ સાંભળી હતી. તેઓને સાંભળવા મળ્યું હતું કે પાઉલ “મૂસાના નિયમો વિરુદ્ધ બળવો કરવાનું” શીખવતા હતા અને નિયમશાસ્ત્રનો અનાદર કરતા હતા. (પ્રે.કા. ૨૧:૨૧, ફૂટનોટ) યરૂશાલેમના વડીલોએ પાઉલને કહ્યું કે તે ચાર માણસો લઈને મંદિરમાં જાય અને નિયમ પ્રમાણે પોતાને શુદ્ધ કરે. એનાથી બધાને ખબર પડશે કે પાઉલ મૂસાનું નિયમશાસ્ત્ર પાળે છે. પણ પાઉલ જાણતા હતા કે ખ્રિસ્તીઓએ હવે મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાની કોઈ જરૂર ન હતી. એટલું જ નહિ, એ બધી અફવાઓ સાવ ખોટી હતી, તેમણે એવું કશું કર્યું ન હતું. તોપણ તે માર્ગદર્શન પ્રમાણે કરવા તરત જ રાજી થઈ ગયા. બાઇબલમાં લખ્યું છે: ‘બીજા દિવસે પાઉલે એ માણસોને સાથે લીધા અને નિયમ પ્રમાણે તેઓ સાથે પોતાને શુદ્ધ કર્યા.’ (પ્રેરિતોનાં કાર્યો ૨૧:૨૩, ૨૪, ૨૬ વાંચો.) પાઉલે આજ્ઞા પાળી એના લીધે ભાઈઓમાં એકતા જળવાઈ રહી.—રોમ. ૧૪:૧૯, ૨૧.
૧૭. સ્ટેફનીબહેનના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું?
૧૭ ચાલો સ્ટેફનીબહેનનો અનુભવ જોઈએ. તે અને તેમના પતિ બીજી ભાષાના ગ્રૂપમાં સેવા આપતાં હતાં અને ત્યાં બહુ ખુશ હતાં. પણ પછી શાખા કચેરીએ એ ગ્રૂપ બંધ કરવાનો નિર્ણય લીધો અને એ પતિ-પત્નીને પોતાની ભાષાના મંડળમાં પાછા જવા કહ્યું. એ નિર્ણય સ્વીકારવો બહેન માટે બહુ અઘરું હતું. તે કહે છે: “મને બહુ દુઃખ થયું. મારી માતૃભાષાના મંડળમાં આટલી બધી જરૂર છે, એ વાત મારા ગળે જ ઊતરતી ન હતી.” તેમ છતાં બહેને ભાઈઓનું માર્ગદર્શન પાળવાનો નિર્ણય લીધો. તે કહે છે: “થોડા સમય પછી હું સમજી શકી કે ભાઈઓનો નિર્ણય યોગ્ય હતો. અમારા આ નવા મંડળમાં ઘણાં ભાઈ-બહેનો કુટુંબમાંથી એકલા જ સાક્ષી છે. એટલે અમે તેઓનાં મમ્મી-પપ્પા જેવાં બની ગયાં છીએ અને તેઓને ઉત્તેજન આપીએ છીએ. હું એક એવાં બહેન સાથે બાઇબલ અભ્યાસ કરું છું, જેમણે હમણાં જ ફરીથી સભામાં આવવાનું અને પ્રચાર કરવાનું શરૂ કર્યું છે. એટલું જ નહિ, હવે મારી પાસે બાઇબલમાંથી નવી નવી વાતો શીખવા વધારે સમય છે.” તે આગળ કહે છે: “મેં ભાઈઓનું માર્ગદર્શન પાળવા બનતું બધું કર્યું, એટલે મારું અંતઃકરણ સાફ છે.”
૧૮. આજ્ઞા પાળવાથી કેવા ફાયદા થાય છે?
૧૮ આપણે આજ્ઞા પાળવાનું શીખી શકીએ છીએ. ઈસુ “સહન કરીને આજ્ઞા પાળવાનું શીખ્યા.” (હિબ્રૂ. ૫:૮) તેમની જેમ આપણે પણ ઘણી વાર કપરા સંજોગોમાં આજ્ઞા પાળવાનું શીખીએ છીએ. જેમ કે, કોવિડ-૧૯ મહામારીની શરૂઆતમાં આપણને કહેવામાં આવ્યું કે સભાઓ માટે પ્રાર્થનાઘરમાં ન જઈએ અને ઘર ઘરનું પ્રચારકામ ન કરીએ. શું એ માર્ગદર્શન પાળવું તમને અઘરું લાગ્યું હતું? કદાચ લાગ્યું હશે. પણ એ પાળવાથી તમારું રક્ષણ થયું, મંડળમાં એકતા જળવાઈ રહી અને તમે યહોવાનું દિલ ખુશ કર્યું. હવે મોટી વિપત્તિ વખતે ભલે ગમે એ માર્ગદર્શન મળે, આપણે એ પાળવા તૈયાર છીએ. એ પાળવાથી જ આપણો જીવ બચી જશે.—અયૂ. ૩૬:૧૧.
૧૯. તમે કેમ આજ્ઞા પાળવા માંગો છો?
૧૯ આ લેખમાં આપણે શીખ્યા કે આજ્ઞા પાળવાથી અઢળક આશીર્વાદો મળે છે. પણ યહોવાની આજ્ઞાઓ પાળવાનું મુખ્ય કારણ એ છે કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ અને તેમને ખુશ કરવા માંગીએ છીએ. (૧ યોહા. ૫:૩) યહોવાએ આપણા માટે જે કર્યું છે, એનો આપણે ક્યારેય બદલો નહિ વાળી શકીએ. (ગીત. ૧૧૬:૧૨) પણ આપણે તેમની આજ્ઞાઓ અને જેઓને આપણા પર અધિકાર છે તેઓની આજ્ઞાઓ તો પાળી શકીએ છીએ. જો આજ્ઞાઓ પાળીશું, તો બુદ્ધિમાન ગણાઈશું અને બુદ્ધિમાન વ્યક્તિ યહોવાનું દિલ ખુશ કરે છે.—નીતિ. ૨૭:૧૧.
ગીત ૬ અમારી પ્રાર્થના
a જન્મથી જ પાપી હોવાને લીધે આપણને અમુક વાર આજ્ઞાઓ પાળવી અઘરું લાગે છે. જો આજ્ઞા આપનાર પાસે આજ્ઞા આપવાનો અધિકાર હોય તોપણ એમ કરવું અઘરું લાગે છે. આ લેખમાં જોઈશું કે મમ્મી-પપ્પા, ‘ઉચ્ચ અધિકારીઓ’ અને મંડળમાં આગેવાની લેતા ભાઈઓની આજ્ઞા પાળવાથી કેવા ફાયદા થાય છે.
b જો મમ્મી-પપ્પાએ બનાવેલા અમુક નિયમો તમને અઘરા લાગતા હોય, તો એ વિશે તેઓ સાથે કઈ રીતે વાત કરવી? એ જાણવા jw.org/hi પર આ લેખ જુઓ: “મમ્મી-પાપા સે ઉનકે નિયમો કે બારે મેં કૈસે બાત કરું?”
c ચિત્રની સમજ: યૂસફ અને મરિયમે સમ્રાટનો નિયમ પાળ્યો અને નામ નોંધાવવા બેથલેહેમ ગયાં. આજે આપણે ટ્રાફિકના નિયમો પાળીએ છીએ અને કરવેરો ભરીએ છીએ. તેમ જ, ‘ઉચ્ચ અધિકારીઓ’ તબિયતને લગતાં જે સૂચનો આપે છે, એ પાળીએ છીએ.