અભ્યાસ લેખ ૩૫
ગીત ૪૩ જાગતા રહીએ
મંડળમાંથી દૂર કરાયેલા લોકો માટે મદદ
“એક પાપી પસ્તાવો કરે ત્યારે સ્વર્ગમાં જેટલો આનંદ થાય છે, એટલો ૯૯ નેક લોકો માટે નથી થતો, જેઓને પસ્તાવો કરવાની જરૂર નથી.”—લૂક ૧૫:૭.
આપણે શું શીખીશું?
શા માટે અમુક લોકોને મંડળમાંથી દૂર કરવામાં આવે છે? વડીલો કઈ રીતે તેઓને મદદ કરી શકે, જેથી તેઓ પસ્તાવો કરે અને ફરીથી યહોવાની નજીક આવે?
૧-૨. (ક) જે લોકો પાપ કરે છે અને પસ્તાવો કરતા નથી, તેઓ વિશે યહોવાને કેવું લાગે છે? (ખ) યહોવા પાપ કરનાર લોકો માટે શું ચાહે છે?
યહોવા પાપને ધિક્કારે છે. તે કોઈ પણ ખોટું કામ ચલાવી લેતા નથી. (ગીત. ૫:૪-૬) તે ચાહે છે કે આપણે બાઇબલમાં લખેલી બધી આજ્ઞાઓ પાળીએ. પણ તે જાણે છે કે આપણે પૂરી રીતે તેમની આજ્ઞાઓ નહિ પાળી શકીએ. (ગીત. ૧૩૦:૩, ૪) એ જ સમયે, તે એવા લોકોને ચલાવી નથી લેતા, જેઓ ‘તેમને માન આપતા નથી અને તેમની અપાર કૃપાને બેશરમ કામો કરવાનું બહાનું બનાવે છે.’ (યહૂ. ૪) બાઇબલમાં લખ્યું છે કે ‘આર્માગેદનના’ યુદ્ધમાં “અધર્મી માણસોનો નાશ” થશે.—૨ પિત. ૩:૭; પ્રકટી. ૧૬:૧૬.
૨ પણ યહોવા નથી ચાહતા કે કોઈનો નાશ થાય. આ અંકના બીજા લેખોમાં જોયું તેમ બાઇબલમાં લખ્યું છે: ‘તે ચાહે છે કે બધાને પસ્તાવો કરવાની તક મળે.’ (૨ પિત. ૩:૯) વડીલો પાપ કરનાર વ્યક્તિને મદદ કરે છે, જેથી તેઓ પસ્તાવો કરે અને ફરીથી યહોવાની નજીક આવે. એમ કરતી વખતે તેઓ યહોવાની જેમ ધીરજ બતાવે છે. જોકે પાપ કરનાર અમુક લોકો પસ્તાવો નથી કરતા. (યશા. ૬:૯) તેઓ ખોટું કામ કરવાનું ચાલુ રાખે છે, પછી ભલેને વડીલોએ તેઓને પસ્તાવો કરવા વારંવાર મદદ કરી હોય. એવા કિસ્સામાં વડીલો શું કરી શકે?
“દુષ્ટ માણસને દૂર કરો”
૩. (ક) પસ્તાવો ન કરનાર વ્યક્તિ માટે બાઇબલમાં કઈ સલાહ આપી છે? (ખ) કેમ કહી શકીએ કે પસ્તાવો ન કરનાર વ્યક્તિએ પોતે મંડળથી દૂર થઈ જવાનું પસંદ કર્યું છે?
૩ જ્યારે પાપ કરનાર વ્યક્તિ પસ્તાવો નથી કરતી, ત્યારે વડીલોએ નાછૂટકે પહેલો કોરીંથીઓ ૫:૧૩ની સલાહ પાળવી પડે છે: “તમારી વચ્ચેથી દુષ્ટ માણસને દૂર કરો.” જોવા જઈએ તો, પાપ કરનાર વ્યક્તિએ પોતે મંડળથી દૂર થવાનું પસંદ કર્યું છે. તેણે જે વાવ્યું એ જ તે લણે છે. (ગલા. ૬:૭) એવું કેમ કહી શકાય? કારણ કે વડીલોના ઘણા પ્રયત્નો છતાં તે પસ્તાવો કરવા તૈયાર નથી. (૨ રાજા. ૧૭:૧૨-૧૫) તેણે પોતાનાં કાર્યોથી બતાવી આપ્યું છે કે તે યહોવાની આજ્ઞા પાળવા નથી માંગતી.—પુન. ૩૦:૧૯, ૨૦.
૪. પસ્તાવો ન કરનાર વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવે ત્યારે કેમ જાહેરાત કરવામાં આવે છે?
૪ પસ્તાવો ન કરનાર વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવે છે ત્યારે, આ જાહેરાત કરવામાં આવે છે: ‘એ વ્યક્તિ હવેથી યહોવાની સાક્ષી નથી.’a એ જાહેરાત વ્યક્તિને શરમમાં મૂકવા કરવામાં નથી આવતી. એ જાહેરાતનું કારણ એ છે કે ભાઈ-બહેનો બાઇબલની આ સલાહ પાળી શકે: એવી વ્યક્તિ સાથે “હળવા-મળવાનું બંધ કરો” અને “[તેની] સાથે ખાવું પણ નહિ.” (૧ કોરીં. ૫:૯-૧૧) એ માર્ગદર્શન આપવા પાછળ અમુક સારાં કારણો છે. પ્રેરિત પાઉલે લખ્યું: “થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે.” (૧ કોરીં. ૫:૬) જો પસ્તાવો ન કરનાર વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં ન આવે, તો બીજાઓ પર ખરાબ અસર પડી શકે છે. તેઓને લાગી શકે છે કે તેઓએ યહોવાની આજ્ઞાઓ પાળવાની કોઈ જરૂર નથી.—નીતિ. ૧૩:૨૦; ૧ કોરીં. ૧૫:૩૩.
૫. કોઈ વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવે ત્યારે, આપણું વલણ કેવું હોવું જોઈએ? શા માટે?
૫ કોઈ ભાઈ કે બહેનને મંડળમાંથી દૂર કરવામાં આવે ત્યારે, આપણું વલણ કેવું હોવું જોઈએ? ભલે આપણે તેની સાથે હળતા-મળતા નથી, પણ એવું ન વિચારવું જોઈએ કે તેના પાછા ફરવાની કોઈ આશા નથી. એના બદલે, આપણે તેને ખોવાયેલું ઘેટું સમજીશું. ટોળાથી ભટકી ગયેલું ઘેટું પાછું આવી શકે છે. આપણે યાદ રાખવું જોઈએ કે એ વ્યક્તિએ પોતાનું જીવન યહોવાને સમર્પિત કર્યું હતું. પણ દુઃખની વાત છે કે હમણાં તે પોતાના સમર્પણના વચન પ્રમાણે જીવી નથી રહી અને એટલે હંમેશ માટેનું જીવન ગુમાવી શકે છે. (હઝકિ. ૧૮:૩૧) જોકે હજી સમય છે અને યહોવા દયા બતાવવા તૈયાર છે. એટલે આશા રાખી શકીએ કે તે યહોવા પાસે પાછી ફરશે. વડીલો એવા લોકોને મદદ કરવા શું કરી શકે?
મંડળમાંથી દૂર કરાયેલાઓને વડીલો કઈ રીતે મદદ કરે છે?
૬. મંડળમાંથી દૂર કરાયેલી વ્યક્તિને મદદ કરવા વડીલો કયાં પગલાં ભરશે?
૬ જ્યારે કોઈ વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવે છે, ત્યારે શું વડીલો તેને મદદ કરવાનું બંધ કરી દે છે? ના, એવું નથી. જ્યારે વડીલોની સમિતિ પસ્તાવો ન કરનાર વ્યક્તિને જણાવશે કે તેને મંડળમાંથી દૂર કરવામાં આવે છે, ત્યારે સમજાવશે છે કે તે મંડળમાં પાછા આવવા શું કરી શકે છે. જોકે વડીલો એનાથી પણ વધુ કરશે. મોટા ભાગના કિસ્સામાં તેઓ પાપ કરનાર વ્યક્તિને જણાવશે કે અમુક મહિનાઓ પછી તેઓ તેને મળવા માંગે છે, જેથી જોઈ શકે કે તેનું હૃદય બદલાયું છે કે નહિ. જો એ વ્યક્તિ અમુક મહિનાઓ પછી વડીલોની સમિતિને મળવા તૈયાર હોય, તો એ સમયે તેઓ તેને પસ્તાવો કરવાનું અને યહોવા પાસે પાછા ફરવાનું ઉત્તેજન આપશે. જો એ સમયે પણ તેણે પસ્તાવો કર્યો ન હોય, તો વડીલો તેને સમયે સમયે મળવાની કોશિશ કરશે અને પસ્તાવો કરવાનું ઉત્તેજન આપશે.
૭. વડીલો કઈ રીતે યહોવાની જેમ કરુણા બતાવે છે? (યર્મિયા ૩:૧૨)
૭ મંડળમાંથી દૂર કરાયેલી વ્યક્તિને મદદ કરતી વખતે વડીલો યહોવાની જેમ કરુણા બતાવે છે. દાખલા તરીકે, જૂના જમાનામાં યહોવાએ રાહ ન જોઈ કે ઇઝરાયેલીઓ પસ્તાવો કરશે, એ પછી તે તેઓને મદદ કરશે. એને બદલે, યહોવાએ પહેલ કરી. ઇઝરાયેલીઓમાં હજી તો પસ્તાવાનો અણસાર પણ દેખાતો ન હતો અને યહોવાએ પગલાં ભર્યાં. આ અંકના બીજા નંબરના લેખમાં જોઈ ગયા તેમ, યહોવાએ પ્રબોધક હોશિયાને કહ્યું હતું કે તે પોતાની પત્નીને માફ કરે અને તેને પાછી લઈ આવે. એ વખતે હજી તે પાપ કરી રહી હતી. (હોશિ. ૩:૧; માલા. ૩:૭) આમ યહોવાએ પોતાના લોકોને શીખવ્યું કે તે કરુણાના સાગર છે. યહોવાનું અનુકરણ કરતા વડીલો દિલથી ચાહે છે કે પાપ કરનાર વ્યક્તિ યહોવા પાસે પાછી ફરે. જોકે તેઓ એવું કંઈ કરતા નથી, જેના લીધે વ્યક્તિ માટે પાછા ફરવું અઘરું બની જાય.—યર્મિયા ૩:૧૨ વાંચો.
૮. ખોવાયેલા દીકરાના ઉદાહરણથી કઈ રીતે એ સમજવા મદદ મળે છે કે યહોવા કરુણાના સાગર છે? (લૂક ૧૫:૭)
૮ ઈસુએ આપેલા ખોવાયેલા દીકરાના ઉદાહરણમાં પિતાએ શું કર્યું હતું? દીકરાને ઘરે પાછો આવતા જોયો ત્યારે, ‘તે દોડીને દીકરાને ભેટી પડ્યા અને પ્રેમથી ચુંબન કર્યું.’ (લૂક ૧૫:૨૦) ધ્યાન આપો કે, પિતાએ રાહ ન જોઈ કે દીકરો આવે અને તેમની માફી માંગે. એને બદલે તેમણે પહેલ કરી. કોઈ પણ પ્રેમાળ પિતા એવું જ કરશે, ખરું ને? વડીલોને પણ મંડળથી દૂર થઈ ગયેલી વ્યક્તિ વિશે એવું જ લાગે છે. તેઓ ચાહે છે કે એ ખોવાયેલું ઘેટું “ઘરે પાછું આવી જાય.” (લૂક ૧૫:૨૨-૨૪, ૩૨) જ્યારે પાપી પસ્તાવો કરે છે, ત્યારે સ્વર્ગમાં અને પૃથ્વી પર ખુશીની લહેર ફરી વળે છે!—લૂક ૧૫:૭ વાંચો.
૯. યહોવા પાપ કરનાર વ્યક્તિને કઈ અરજ કરે છે?
૯ હમણાં સુધી આપણે શીખ્યા કે યહોવા પસ્તાવો ન કરનાર વ્યક્તિને મંડળમાં રહેવા નથી દેતા. જોકે, તે તેનાથી પોતાની પીઠ પણ નથી ફેરવતા. યહોવા ચાહે છે કે તે પાછી ફરે. પાપી પસ્તાવો કરે ત્યારે યહોવાને કેવું લાગે છે? હોશિયા ૧૪:૪માં લખ્યું છે: “હું તેઓની બેવફાઈનો ઇલાજ કરીશ. હું પૂરા દિલથી તેઓને પ્રેમ કરીશ, કેમ કે મારો ગુસ્સો તેઓ પરથી ઊતરી ગયો છે.” યહોવાની એ લાગણી જાણવાને લીધે વડીલો પણ ધ્યાન આપશે કે પાપ કરનાર વ્યક્તિમાં પસ્તાવાનો જરાક જેટલો પણ અણસાર દેખાય છે કે નહિ. જેઓ યહોવાથી દૂર ચાલ્યા ગયા છે, તેઓ વિશે શું? તેઓને પણ એ શબ્દોથી ખાતરી મળશે કે યહોવા હજી તેઓને પ્રેમ કરે છે અને ચાહે છે કે તેઓ મોડું કર્યા વગર તેમની પાસે પાછા આવી જાય.
૧૦-૧૧. જે લોકોને મંડળમાંથી દૂર કરવામાં આવ્યે ઘણો સમય વીતી ગયો છે, તેઓને વડીલો કઈ રીતે મદદ કરશે?
૧૦ અમુક લોકોને મંડળથી દૂર કરવામાં આવ્યે ઘણો સમય વીતી ગયો છે. કદાચ વર્ષો વીતી ગયાં છે. એવા કિસ્સામાં વડીલો તેઓને કઈ રીતે મદદ કરી શકે? બની શકે કે તેઓ હવે એ પાપ નથી કરતા, જેના લીધે તેઓને મંડળમાંથી દૂર કરાયા હતા. અમુક કિસ્સામાં કદાચ તેઓને યાદ પણ નહિ હોય કે તેઓને કેમ મંડળમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ગમે એ કિસ્સો હોય, વડીલો તેઓને શોધવાનો અને મળવાનો પ્રયત્ન કરશે. એવા લોકોને મળે ત્યારે વડીલો પૂછશે: ‘શું આપણે સાથે મળીને પ્રાર્થના કરી શકીએ?’ તેઓ એવા લોકોને મંડળમાં પાછા આવવાની અરજ પણ કરશે. પણ જો કોઈ ભાઈ કે બહેન ઘણાં વર્ષોથી મંડળથી દૂર હોય, તો સ્વાભાવિક છે કે તેમનો યહોવા સાથેનો સંબંધ નબળો પડી ગયો હશે. એટલે જો તે મંડળમાં પાછાં આવવા માંગતાં હોય, તો વડીલો ગોઠવણ કરશે કે કોઈ તેમને બાઇબલમાંથી શીખવે. એ માટે જરૂરી નથી કે તેમને મંડળમાં પાછાં લેવામાં આવ્યાં હોય. એવા દરેક કિસ્સામાં વડીલો જ ગોઠવણ કરશે કે કોઈ ભાઈ કે બહેન તેમને બાઇબલમાંથી શીખવે.
૧૧ યહોવાની જેમ વડીલો લોકોને કરુણા બતાવે છે. તેઓ એવા લોકોને શોધશે, જેઓએ યહોવાને છોડી દીધા છે. તેઓને જણાવશે કે યહોવા પાસે પાછા ફરવાનો દરવાજો હજી ખુલ્લો છે. જ્યારે પાપ કરનાર વ્યક્તિ પસ્તાવો કરે છે અને ખોટાં કામો કરવાનું છોડી દે છે, ત્યારે તેને મોડું કર્યા વગર પાછી લેવામાં આવી શકે છે.—૨ કોરીં. ૨:૬-૮.
૧૨. (ક) કયા સંજોગોમાં વડીલોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ? (ખ) કેમ એવું ન વિચારવું જોઈએ કે અમુક પ્રકારનાં પાપ કરનાર લોકોને કદી યહોવાની દયા નહિ મળે? (ફૂટનોટ પણ જુઓ.)
૧૨ અમુક સંજોગોમાં વ્યક્તિને મંડળમાં પાછી લેતા પહેલાં વડીલોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે, શું એ વ્યક્તિએ બાળકનું શોષણ કર્યું હતું? શું તેણે બાઇબલ શિક્ષણ વિરુદ્ધની વાતો ફેલાવી હતી? અથવા શું તેણે જીવનસાથીથી આઝાદ થવા કાવતરું ઘડ્યું હતું? એવા સંજોગોમાં વડીલોએ ખાતરી કરવી જોઈએ કે વ્યક્તિએ દિલથી પસ્તાવો કર્યો છે કે નહિ. (માલા. ૨:૧૪; ૨ તિમો. ૩:૬) તેઓએ ઈશ્વરનાં ઘેટાંની સંભાળ રાખવાની છે. જોકે આપણે યાદ રાખવું જોઈએ કે જેણે સાચો પસ્તાવો કર્યો છે અને ખરાબ કામ કરવાનું બંધ કર્યું છે, તેને યહોવા ફરીથી સ્વીકારશે. ખરું કે, વડીલો ખાતરી કરવા માંગે છે કે બીજાઓ સાથે કપટથી વર્તનાર વ્યક્તિએ ખરો પસ્તાવો કર્યો છે કે નહિ, પણ વડીલો એવું નહિ વિચારે કે વ્યક્તિને કદી પણ યહોવાની દયા બતાવવામાં નહિ આવે.b—૧ પિત. ૨:૧૦.
ભાઈ-બહેનો શું કરી શકે?
૧૩. જો કોઈને ઠપકો આપવામાં આવે, તો તેની સાથે કઈ રીતે વર્તીશું? જો કોઈને મંડળમાંથી દૂર કરવામાં આવે, તો તેની સાથે કઈ રીતે વર્તીશું?
૧૩ ગયા લેખમાં જોઈ ગયા તેમ અમુક વાર જાહેરાત કરવામાં આવે કે કોઈ વ્યક્તિને ઠપકો આપવામાં આવ્યો છે. એવા સંજોગોમાં આપણે તેની સાથે હળવા-મળવાનું ચાલુ રાખી શકીએ. કારણ કે તેણે પસ્તાવો કર્યો છે અને ખોટાં કામો કરવાનું છોડી દીધું છે. (૧ તિમો. ૫:૨૦) તે હજીયે મંડળનો ભાગ છે અને તેના માટે ભાઈ-બહેનો સાથે ભેગા મળવું જરૂરી છે, જેથી તેને ઉત્તેજન મળે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) જોકે, કોઈ વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવે ત્યારે વાત સાવ અલગ છે. આપણે એવી વ્યક્તિ સાથે ‘હળતા-મળતા નથી’ અને ‘તેની સાથે ખાતા પણ નથી.’—૧ કોરીં. ૫:૧૧.
૧૪. બાઇબલથી કેળવાયેલા અંતઃકરણને આધારે એક ઈશ્વરભક્ત કયો નિર્ણય લઈ શકે? (ચિત્ર પણ જુઓ.)
૧૪ શું પહેલો કોરીંથીઓ ૫:૧૧માં આપેલી સલાહનો એવો અર્થ થાય કે આપણે મંડળમાંથી દૂર કરાયેલા ભાઈ કે બહેનને સભામાં આવવાનું આમંત્રણ ન આપી શકીએ? અથવા જો તે સભામાં આવે તો તેમને ‘કેમ છો?’ ન કહી શકીએ? ના, એવું નથી. ખરું કે, આપણે તેમની સાથે હળીશું-મળીશું નહિ. પણ બની શકે છે કે તે તમારા સગા હોય અથવા અગાઉ ખાસ મિત્ર હોય. એવા સમયે તમે બાઇબલથી કેળવાયેલા અંતઃકરણને આધારે નક્કી કરી શકો કે તેમને સભામાં આવવાનું આમંત્રણ આપશો કે નહિ. જો એ વ્યક્તિ સભામાં આવે, તો કઈ રીતે વર્તીશું? અગાઉ આપણે એવી વ્યક્તિને સલામ પણ કહેતા ન હતા. પણ હવે દરેક ઈશ્વરભક્ત બાઇબલથી કેળવાયેલા અંતઃકરણને આધારે નક્કી કરી શકે કે તે વ્યક્તિને ‘કેમ છો?’ કહેશે કે નહિ. અમુક લોકો કદાચ ‘કેમ છો?’ કહે અથવા સભામાં તેનો આવકાર કરે. જોકે તેની સાથે લાંબી લાંબી વાતો નહિ કરીએ અથવા બીજાં કામોમાં તેની સાથે સમય નહિ વિતાવીએ.
૧૫. બીજો યોહાન ૯-૧૧માં કયા પ્રકારના પાપીઓ વિશે જણાવ્યું છે? (“શું યોહાન અને પાઉલ એક જ પ્રકારના પાપની વાત કરતા હતા?” બૉક્સ પણ જુઓ.)
૧૫ કદાચ અમુકને થાય: ‘બાઇબલ તો શીખવે છે કે જે કોઈ એવી વ્યક્તિને સલામ કહે છે, તે તેનાં દુષ્ટ કામોમાં ભાગીદાર બને છે.’ (૨ યોહાન ૯-૧૧ વાંચો.) એ કલમોની આગળ-પાછળની કલમોથી જોવા મળે છે કે એ માર્ગદર્શન કેવા લોકોને ધ્યાનમાં રાખીને અપાયું હતું. એવા લોકો, જેઓ ઈશ્વર-વિરોધીઓ હતા અને ખોટાં કામો કરવાનું પ્રોત્સાહન આપતા હતા. (પ્રકટી. ૨:૨૦) એટલે જો એક વ્યક્તિ બાઇબલ વિરુદ્ધનું શિક્ષણ ફેલાવતી હોય અથવા બીજાઓને ખોટાં કામો કરવાનું શીખવતી હોય, તો વડીલો તેને મળવાની ગોઠવણ નહિ કરે. ખરું કે, હજી શક્ય છે કે એ વ્યક્તિ પસ્તાવો કરે. પણ એવું થાય ત્યાં સુધી આપણે એવી વ્યક્તિને ‘કેમ છો?’ કહીશું નહિ અથવા તેને સભામાં આવવાનું આમંત્રણ આપીશું નહિ.
યહોવાની જેમ કરુણા અને દયા બતાવો
૧૬-૧૭. (ક) પાપ કરનાર લોકો માટે યહોવા શું ચાહે છે? (હઝકિયેલ ૧૮:૩૨) (ખ) વડીલો કઈ રીતે ઈશ્વરના સાથી કામદારો બને છે?
૧૬ આ અંકમાં આપણે શું શીખ્યા? યહોવા નથી ચાહતા કે કોઈનો નાશ થાય! (હઝકિયેલ ૧૮:૩૨ વાંચો.) તે ચાહે છે કે પાપ કરનાર લોકો તેમની સાથે સુલેહ કરે. (૨ કોરીં. ૫:૨૦) એટલે જેઓએ યહોવાને છોડી દીધા છે, એવી દરેક વ્યક્તિને તે વારંવાર અરજ કરે છે કે તે પસ્તાવો કરે અને તેમની પાસે પાછી ફરે. જ્યારે મંડળના વડીલો પાપ કરનાર વ્યક્તિને પસ્તાવો કરવા મદદ કરે છે, ત્યારે તેઓ ઈશ્વરના સાથી કામદારો બને છે.—રોમ. ૨:૪; ૧ કોરીં. ૩:૯.
૧૭ કલ્પના કરો કે પાપી લોકો પસ્તાવો કરે છે ત્યારે, સ્વર્ગમાં કેટલો આનંદ થાય છે. જ્યારે એક ખોવાયેલું ઘેટું મંડળમાં પાછું આવે છે, ત્યારે સ્વર્ગમાંના આપણા પિતા યહોવાનું દિલ આનંદથી ભરાઈ જાય છે. તો ચાલો યહોવાની કરુણા, દયા અને અપાર કૃપા પર મનન કરતા રહીએ. એમ કરીશું તો તેમના માટેનો આપણો પ્રેમ વધતો ને વધતો જશે.—લૂક ૧:૭૮.
ગીત ૨૮ એક નવું ગીત
a હવે આપણે એવું નહિ કહીએ કે વ્યક્તિને બહિષ્કૃત કરવામાં આવી છે. પહેલો કોરીંથીઓ ૫:૧૩માં પાઉલે જે શબ્દો વાપર્યા, એના આધારે હવે આપણે કહીશું કે વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવી છે.
b બાઇબલમાં જણાવ્યું છે કે અમુક લોકોનાં પાપ ક્યારેય માફ કરવામાં નહિ આવે. કેમ કે એવા લોકોએ હંમેશાં ઈશ્વરનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. કોનાં પાપ માફ કરવામાં નહિ આવે એ ન્યાય ફક્ત યહોવા અને ઈસુ જ કરી શકે છે.—માર્ક ૩:૨૯; હિબ્રૂ. ૧૦:૨૬, ૨૭.