વાચકો તરફથી પ્રશ્નો
ઈસુએ જ્યારે સાંજના ભોજનની શરૂઆત કરી, ત્યારે એ ૭૦ શિષ્યો ક્યાં હતા, જેઓને તેમણે અગાઉ પ્રચાર કરવા મોકલ્યા હતા? શું તેઓએ ઈસુ પાછળ ચાલવાનું છોડી દીધું હતું?
ઈસુએ સાંજના ભોજનની શરૂઆત કરી ત્યારે, એ ૭૦ શિષ્યો ત્યાં હાજર ન હતા. એનો અર્થ એ નથી કે ઈસુ તેઓથી ખુશ ન હતા અથવા તેઓએ ઈસુ પાછળ ચાલવાનું છોડી દીધું હતું. ઈસુ તો એ પ્રસંગે ફક્ત પોતાના પ્રેરિતો સાથે જ રહેવા માંગતા હતા.
ઈસુ પોતાના ૧૨ શિષ્યોથી ખુશ હતા અને ૭૦ શિષ્યોથી પણ ખુશ હતા. ઈસુએ પહેલા પોતાના ઘણા શિષ્યોમાંથી ૧૨ માણસોને પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો નામ આપ્યું. (લૂક ૬:૧૨-૧૬) તે ગાલીલમાં હતા ત્યારે તેમણે “બાર શિષ્યોને ભેગા કર્યા” અને “તેઓને ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા અને લોકોને સાજા કરવા મોકલ્યા.” (લૂક ૯:૧-૬) પછીથી ઈસુએ “બીજા ૭૦ શિષ્યોને પસંદ કર્યા” અને તેઓને ‘બબ્બેની જોડમાં મોકલ્યા.’ (લૂક ૯:૫૧; ૧૦:૧) પરિણામે, અલગ અલગ વિસ્તારોમાં ઈસુના શિષ્યો હતા, જેઓ તેમનો સંદેશો જણાવતા હતા.
જે યહૂદીઓ ઈસુના શિષ્યો બન્યા હતા, તેઓ દર વર્ષે પાસ્ખાનો તહેવાર ઊજવતા હતા. કદાચ પોતાના કુટુંબ સાથે મળીને ઊજવતા હતા. (નિર્ગ. ૧૨:૬-૧૧, ૧૭-૨૦) ઈસુ પોતાના મરણના થોડા જ સમય પહેલાં પ્રેરિતો સાથે યરૂશાલેમ ગયા. પણ ઈસુએ યહૂદિયા, ગાલીલ અને પેરીઆમાં રહેતા પોતાના શિષ્યોને યરૂશાલેમ આવવા અને સાથે મળીને પાસ્ખા ઊજવવા કહ્યું ન હતું. એનાથી સ્પષ્ટ જોવા મળે છે કે એ પ્રસંગે ઈસુ ફક્ત પોતાના પ્રેરિતો સાથે રહેવા માંગતા હતા. તેમણે પ્રેરિતોને કહ્યું હતું: “હું દુઃખ સહન કરું એ પહેલાં, તમારી સાથે પાસ્ખાનું ભોજન ખાવાની મને ઘણી ઇચ્છા હતી.”—લૂક ૨૨:૧૫.
ઈસુ પાસે એમ કરવાનું યોગ્ય કારણ હતું. ઈસુ “ઈશ્વરનું ઘેટું” હતા, જે પોતાનું બલિદાન આપીને “દુનિયાનું પાપ દૂર” કરવાના હતા. (યોહા. ૧:૨૯) ઈસુનું મરણ યરૂશાલેમમાં થાય એ જરૂરી હતું, જ્યાં વર્ષોથી ઈશ્વર આગળ બલિદાનો ચઢાવવામાં આવતાં હતાં. પાસ્ખાના દિવસે જે ઘેટું ખાવામાં આવતું, એનાથી ઇઝરાયેલીઓને યાદ આવતું કે યહોવાએ તેઓને ઇજિપ્તમાંથી છોડાવ્યા હતા. પણ ઈસુનું બલિદાન પાસ્ખાના ઘેટા કરતાં ઘણું ચઢિયાતું હતું. કેમ કે એ બલિદાનથી માણસજાતને પાપ અને મરણમાંથી આઝાદી મળવાની હતી. (૧ કોરીં. ૫:૭, ૮) ઈસુના બલિદાનને લીધે ૧૨ પ્રેરિતો પાસે ખ્રિસ્તી મંડળનો પાયો બનવાની તક હતી. (એફે. ૨:૨૦-૨૨) ધ્યાન આપો કે પવિત્ર શહેર યરૂશાલેમમાં “પાયાના ૧૨ પથ્થરો” હતા, જેના પર “ઘેટાના ૧૨ પ્રેરિતોનાં નામ હતાં.” (પ્રકટી. ૨૧:૧૦-૧૪) હા, ઈશ્વરનો હેતુ પૂરો કરવામાં વફાદાર પ્રેરિતો મહત્ત્વનો ભાગ ભજવવાના હતા. એટલે સમજી શકાય છે કે ઈસુ કેમ ચાહતા હતા કે તે તેઓની જ સાથે છેલ્લું પાસ્ખા ઊજવે અને એના થોડા જ સમય પછી ઈસુના સાંજના ભોજનની શરૂઆત કરે.
ઈસુના સાંજના ભોજન સમયે એ ૭૦ શિષ્યો અને બીજા શિષ્યો ત્યાં હાજર ન હતા. તોપણ બધા જ વફાદાર શિષ્યોને ઈસુના સાંજના ભોજનથી આશીર્વાદો મળવાના હતા. આગળ જતાં, જે શિષ્યો પવિત્ર શક્તિથી અભિષિક્ત થયા, તેઓ એક કરારનો ભાગ બનવાના હતા. એ કરાર ઈસુએ મરણની આગલી રાતે પોતાના પ્રેરિતો સાથે કર્યો હતો.—લૂક ૨૨:૨૯, ૩૦.