તેઓની શ્રદ્ધાને પગલે ચાલો—મરિયમ માગદાલેણ
“મેં માલિકને જોયા છે!”
મરિયમ માગદાલેણ આકાશ તરફ જોઈને આંખમાંથી આંસુ લૂછી રહી હતી. કારણ કે તેના વહાલા માલિકને વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા હતા. એ વસંત ૠતુની બપોર હતી, “તોપણ આખા દેશમાં અંધારું છવાઈ ગયું” હતું. (લૂક ૨૩:૪૪, ૪૫) તેણે ખભે એક કપડું લપેટ્યું અને ત્યાં ઊભેલી સ્ત્રીઓની નજીક ગઈ. એ સમયે ત્રણ કલાક અંધારું રહ્યું, જોકે એ કંઈ સૂર્યગ્રહણને લીધે ન હતું. સુર્યગ્રહણથી થતું અંધારું લાંબો સમય ટકતું નથી. મરિયમ અને બીજા લોકો ઈસુની નજીક ઊભા હતા. કદાચ તેઓને એવા પ્રાણીઓનો અવાજ સંભળાતો હતો, જે દિવસે સંભળાતો નથી. એ જોનારા લોકો “ઘણા ડરી ગયા અને કહ્યું: ‘ખરેખર આ ઈશ્વરનો દીકરો હતો!’” (માથ્થી ૨૭:૫૪) ઈસુના શિષ્યો અને બીજાઓને લાગ્યું હશે કે એ નિશાનીઓ યહોવા તરફથી છે. કારણ કે યહોવા પોતાના પુત્ર સાથે થયેલા ક્રૂર વ્યવહારને લીધે ઘણા જ દુઃખી થયા હશે.
ઈસુની પીડા મરિયમ માગદાલેણથી જોવાતી ન હતી, તોપણ તે તેમની નજીક રહેવા માંગતી હતી. (યોહાન ૧૯:૨૫, ૨૬) ઈસુ ઘણી પીડા સહી રહ્યા હતા. ઈસુની માતાને પણ દિલાસા અને મદદની જરૂર હતી.
ઈસુએ મરિયમ માગદાલેણ માટે ઘણું કર્યું હતું. એટલે તે પણ ઈસુ માટે પોતાનાથી બનતું બધું કરવા માંગતી હતી. એક સમયે તે ઘણી જ દુઃખી હતી અને લોકો તેને નીચી નજરે જોતા હતા ત્યારે, ઈસુએ તેને ઘણી મદદ કરી હતી. ઈસુના લીધે તે હવે બીજા લોકોની જેમ માનથી જીવી શકતી હતી અને ઈશ્વરની સેવા કરી શકતી હતી. શા માટે તેનું નામ શ્રદ્ધા રાખનારી સ્ત્રીઓમાં આવે છે? તેની શ્રદ્ધાથી આજે આપણને શું શીખવા મળે છે?
‘પોતાની સંપત્તિમાંથી તેઓની સેવા કરતી હતી’
બાઇબલમાં મરિયમ માગદાલેણની વાર્તા એક ભેટથી શરૂ થાય છે. ઈસુએ તેને ખરાબ સંજોગોમાંથી છોડાવી હતી. એ ખરાબ સંજોગો તેના માટે એક ડરામણા સપના જેવા હતા. એ સમયે દુષ્ટ દૂતોની ખૂબ અસર હતી અને તેઓ લોકો પર હુમલો કરતા હતા. અરે, અમુકના શરીરમાં તો દુષ્ટ દૂતો પ્રવેશતા અને તેઓને વશમાં રાખતા. આપણે જાણતા નથી કે બિચારી મરિયમ માગદાલેણ પર દુષ્ટ દૂતોની કેવી અસર હતી. પણ એટલું જાણીએ છીએ કે તેની અંદર સાત દુષ્ટ દૂતો હતા, જે તેને હેરાન કરતા હતા. ઈસુ ખ્રિસ્તે એ બધાને કાઢ્યા હતા.—લૂક ૮:૨.
આપણે કલ્પના પણ નથી કરી શકતા કે એમાંથી છૂટ્યા પછી તેને કેટલી રાહત મળી હશે! મરિયમ પાસે હવે નવું જીવન હતું. તેણે એ માટે ઈસુનો આભાર કઈ રીતે માન્યો? તે ઈસુની વફાદાર શિષ્ય બની. ઈસુ અને તેમના શિષ્યો પાસે કોઈ નોકરીધંધો ન હતો અને તેઓ ધનવાન પણ ન હતા. તેઓને ખુશખબર ફેલાવવાના અને શીખવવાના કામમાં પૂરું ધ્યાન આપવા મદદની જરૂર હતી. તેઓને રોટી, કપડાં અને રાતે સૂવા છતની જરૂર હતી. મરિયમે એ જોયું અને તરત તેઓની મદદ કરી.
મરિયમ અને બીજી સ્ત્રીઓ ‘પોતાની સંપત્તિમાંથી તેઓની સેવા કરતી હતી.’ (લૂક ૮:૧, ૩) અમુક સ્ત્રીઓ પાસે ધનદોલત હશે. બાઇબલ જણાવતું નથી કે તેઓએ જમવાનું બનાવીને આપ્યું કે કપડાં ધોઈ આપ્યા કે અલગ અલગ ગામમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. પણ તેઓએ ખુશીથી એ મુસાફરોની ટોળીને મદદ કરી. એ ટોળીમાં આશરે ૨૦ લોકો હતા. એ સ્ત્રીઓએ કરેલી મદદથી ઈસુ અને તેમના શિષ્યો ખુશખબર ફેલાવવાના કામમાં પૂરું ધ્યાન આપી શક્યા. મરિયમ જાણતી હતી કે ઈસુએ તેના માટે જે કર્યું છે એનો બદલો તે ક્યારેય વાળી શકશે નહિ. પણ તે જે કરી શકતી હતી એ કરવામાં તેને ખુશી મળતી હતી.
આજે બીજાઓ માટે નાનાં નાનાં કામ કરનારાઓને લોકો નીચી નજરે જુએ છે. પણ યહોવા ક્યારેય એવું વિચારતા નથી. જરા વિચારો, ઈસુ અને શિષ્યોને મદદ કરવા મરિયમે જે કર્યું એ જોઈને યહોવાને કેટલી ખુશી થઈ હશે! આજે ઘણા વફાદાર ઈશ્વરભક્તો ખુશીથી બીજાઓ માટે નાનાં નાનાં કામ કરે છે. અમુક વાર જરૂરી મદદ કે બે મીઠા બોલની પણ ખૂબ અસર પડે છે. યહોવાની નજરે એ ઘણું કીમતી છે.—નીતિવચનો ૧૯:૧૭; હિબ્રૂઓ ૧૩:૧૬.
“ઈસુના વધસ્તંભ પાસે”
ઈસવીસન ૩૩માં પાસ્ખા માટે ઈસુ યરૂશાલેમ ગયા ત્યારે તેમની સાથે ઘણી સ્ત્રીઓ હતી. મરિયમ પણ એમાં હતી. (માથ્થી ૨૭:૫૫, ૫૬) ઈસુને પકડવામાં આવ્યા અને એ રાતે સતાવવામાં આવ્યા, એ સાંભળીને મરિયમને દુઃખ થયું. અરે, બાબતો એટલેથી અટકી નહિ પણ વધારે બગડી. યહુદી ધર્મગુરુઓ અને તેઓની ચઢવણીથી આવેલા ટોળાએ રાજ્યપાલ પોંતિયુસ પિલાતને દબાણ કર્યું. એટલે તેણે ઈસુને વધસ્તંભ પર મારી નાખવાનો હુકમ કર્યો. મરિયમે જોયું કે તેના માલિક લોહીથી લથપથ છે, થાકેલા છે અને પોતાનો વધસ્તંભ ઊંચકીને માંડમાંડ ચાલી રહ્યા છે.—યોહાન ૧૯:૬, ૧૨, ૧૫-૧૭.
ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા ત્યાં ભરબપોરે અંધારું છવાઈ ગયું. મરિયમ અને બીજી સ્ત્રીઓ “ઈસુના વધસ્તંભ પાસે” ઊભી હતી. (યોહાન ૧૯:૨૫) મરિયમ છેલ્લે સુધી ઊભી હતી. તેણે જોયું અને સાંભળ્યું કે ઈસુએ પોતાની માતાની જવાબદારી વહાલા શિષ્ય યોહાનને સોંપી. મરિયમે એ પણ જોયું કે ઈસુએ પોતાના પિતાને પોકાર કર્યો, એમાં તેમની પીડા દેખાતી હતી. તેણે સાંભળ્યું કે ઈસુએ મરતા પહેલા આ છેલ્લા શબ્દો કહ્યા: “બધું પૂરું થયું છે!” તે ઘણી દુઃખી હતી. ઈસુના મરી ગયા પછી પણ તે ત્યાં જ રહી. પછી અરિમથાઈના યુસફે ઈસુનું શબ પોતાની નવી કબરમાં મૂક્યું ત્યારે પણ મરિયમ ત્યાં હતી.—યોહાન ૧૯:૩૦; માથ્થી ૨૭:૪૫, ૪૬, ૫૭-૬૧.
મરિયમના દાખલાથી શીખવા મળે છે કે આપણાં ભાઈ-બહેનો કસોટીમાં હોય ત્યારે આપણે મદદ કરવી જોઈએ. આપણે કદાચ એ ખરાબ બનાવ રોકી ન શકીએ કે ભોગ બનેલા લોકોનું દુઃખ દૂર ન કરી શકીએ. પણ આપણે હમદર્દી બતાવી શકીએ અને હિંમત આપી શકીએ. અઘરા સંજોગોમાં દોસ્તોનો સાથ મળે તો એનાથી ઘણો ફાયદો થાય છે. સમય પર દોસ્તની પડખે રહેવાથી તે આપણો ભરોસો કરશે અને તેને ઘણો દિલાસો મળશે.—નીતિવચનો ૧૭:૧૭.
“હું તેમને લઈ જઈશ”
ઈસુનું શબ કબરમાં મૂકાઈ ગયું. એ પછી મરિયમ અને બીજી સ્ત્રીઓએ બીજાં સુગંધી દ્રવ્ય લીધા જેથી તેઓ પછીથી તેમના શરીર પર લગાડી શકે. (માર્ક ૧૬:૧, ૨; લૂક ૨૩:૫૪-૫૬) સાબ્બાથ પૂરો થયા પછી મરિયમ વહેલી સવારે ઊઠી. કલ્પના કરો, તે અંધારી ગલીઓમાંથી બીજી સ્ત્રીઓ સાથે ઈસુની કબર તરફ જઈ રહી છે. રસ્તામાં તેઓ વિચારે છે કે કબરના મુખ પરથી પથ્થર કોણ ગબડાવશે. (માથ્થી ૨૮:૧; માર્ક ૧૬:૧-૩) પણ તેઓ પીછેહઠ કરતી નથી. તેઓને શ્રદ્ધા હતી એટલે બનતું બધું કરવા માંગતી હતી. પછી તેઓએ બાબતો યહોવાના હાથમાં છોડી દીધી.
કબર પાસે પહોંચવામાં કદાચ મરિયમ પહેલી હતી. તેણે ત્યાં જે જોયું એનાથી તેને ઘણી નવાઈ લાગી અને તે ત્યાં જ ઊભી રહી ગઈ. તેણે જોયું કે કબરના મુખ પરથી પથ્થર હટાવી દેવામાં આવ્યો છે અને કબર ખાલી છે. એ જોઈને તે બેસી રહેતી નથી પણ દોડીને પિતર અને યોહાન પાસે જાય છે. તેણે જે જોયું એ તેઓને જણાવે છે. કલ્પના કરો કે તે હાંફતી હાંફતી કહે છે: “તેઓ માલિકને કબરમાંથી લઈ ગયા છે અને અમને ખબર નથી કે તેમને ક્યાં મૂક્યા છે.” પિતર અને યોહાન દોડીને કબરે જાય છે અને જુએ છે કે કબર ખાલી છે. પછી તેઓ પોતાના ઘરે જતા રહે છે.a—યોહાન ૨૦:૧-૧૦.
મરિયમ પાછી કબર પર એકલી આવે છે અને ઘણી વાર સુધી ત્યાં રહે છે. વહેલી સવારે ખાલી કબરમાં નીરવ શાંતિ પથરાયેલી છે. તેનું દિલ એટલું ભરાઈ આવે છે કે તે પોતાના આંસુ રોકી શકતી નથી. તેને હજી વિશ્વાસ થતો નથી કે માલિક ત્યાં નથી. તે નમીને કબરની અંદર જુએ છે અને તે બઘવાઈ જાય છે. સફેદ કપડાંમાં બે દૂતો ત્યાં બેઠા છે. તેઓ પૂછે છે: “તું કેમ રડે છે?” તે કહે છે: “તેઓ મારા માલિકને લઈ ગયા છે. મને ખબર નથી કે તેમને ક્યાં મૂક્યા છે.”—યોહાન ૨૦:૧૧-૧૩.
મરિયમ પાછળ ફરે છે તો કોઈ માણસ ઊભેલો દેખાય છે. તે તેને ઓળખી શકતી નથી. તેને લાગે છે કે ત્યાંનો માળી હશે. એ માણસ પ્રેમથી પૂછે છે: “તું કેમ રડે છે? તું કોને શોધે છે?” એટલે મરિયમ કહે છે: “ભાઈ, જો તમે તેમને લઈ ગયા હો, તો મને કહો કે તેમને ક્યાં મૂક્યા છે. હું તેમને લઈ જઈશ.” (યોહાન ૨૦:૧૪, ૧૫) તેણે જે કહ્યું જરા એનો વિચાર કરો. શું તે એકલી ઈસુ ખ્રિસ્તના શરીરને ઊંચકીને લઈ જઈ શકવાની હતી? ઈસુ તો મજબૂત અને ખડતલ માણસ હતા. પણ મરિયમ એ વિશે વિચારતી નથી. તે તો પોતાનાથી બનતું બધું કરવા તૈયાર હતી.
આપણી તકલીફો કે મુશ્કેલીઓનો હલ લાવવો આપણા હાથ બહારની વાત હોય તો શું કરી શકીએ? આપણે મરિયમ માગદાલેણના પગલે ચાલી શકીએ. જો આપણી નબળાઈઓ અને કમજોરીઓ પર ધ્યાન આપીશું તો ડરી જઈશું. પછી એટલા કમજોર થઈ જઈશું કે કંઈ કરી નહિ શકીએ. પણ જો આપણે બનતું બધું કરવાનો નિર્ણય લઈશું અને બાકીનું ઈશ્વરના હાથમાં છોડી દઈશું તો ધાર્યા કરતાં વધુ કરી શકીશું. (૨ કોરીંથીઓ ૧૨:૧૦; ફિલિપીઓ ૪:૧૩) સૌથી મહત્ત્વનું તો યહોવાના દિલને ખુશ કરી શકીશું. મરિયમથી પણ યહોવા ચોક્કસ ખુશ થયા અને તેણે વિચાર્યું નહિ હોય એવા તેને આશીર્વાદો આપ્યા.
“મેં માલિકને જોયા છે!”
મરિયમ આગળ જે ઊભા હતા તે માળી ન હતા. એક સમયે તે સુથાર, પછી શિક્ષક અને હવે મરિયમના વહાલા માલિક હતા. પણ મરિયમે તેમને ઓળખ્યા નહિ એટલે ત્યાંથી જવા લાગી. મરિયમે તો આ સત્ય વિશે વિચાર્યું પણ નહિ હોય: ઈસુને એક શક્તિશાળી દૂત તરીકે ઉઠાડવામાં આવ્યા છે. ઈસુ માનવ સ્વરૂપમાં મરિયમને દેખાયા ત્યારે તેમનું એ શરીર ન હતું, જે પહેલા હતું. કારણ કે એ શરીરનું તેમણે બલિદાન આપી દીધું હતું. તેમને જીવતા કરવામાં આવ્યા એના થોડા દિવસોમાં ઘણા રોમાંચક બનાવો બન્યા. ઘણી વાર એવું બન્યું કે જેઓ તેમને સારી રીતે જાણતા હતા તેઓ પણ તેમને ઓળખી શક્યા નહિ.—લૂક ૨૪:૧૩-૧૬; યોહાન ૨૧:૪.
ઈસુ કઈ રીતે પોતાની ઓળખ મરિયમને આપે છે? તેમના એક શબ્દથી તેમની ઓળખ થાય છે. ઈસુ કહે છે: “મરિયમ!” એ જાણીતો અવાજ કાનમાં પડતા જ તે ચોકી જાય છે અને પાછળ ફરે છે. તે હિબ્રૂમાં બોલી ઊઠે છે, “રાબ્બોની!” એ શબ્દ તેણે અગાઉ અનેક વાર ઈસુને કહ્યો હશે. અરે, એ તો તેના વહાલા ગુરુજી છે! તેના રોમેરોમમાં ખુશી છવાઈ જાય છે. તે ઈસુને પકડી લે છે અને જવા દેતી નથી.—યોહાન ૨૦:૧૬.
ઈસુ જાણી જાય છે કે તેના દિલમાં શું ચાલી રહ્યું છે. તે કહે છે: “મને પકડી ન રાખ.” આપણે કલ્પના કરી શકીએ કે એ શબ્દો તેમણે પ્રેમથી કહ્યા હશે. તે ધીરેથી મરિયમના હાથમાંથી પોતાને છોડાવે છે અને તેને ખાતરી આપે છે: “હું હજુ પિતા પાસે ગયો નથી.” તેમના સ્વર્ગમાં જવાનો સમય થયો ન હતો. તેમણે ધરતી પર હજુ પણ કામ કરવાનું હતું. તે ચાહે છે કે મરિયમ તેમની મદદ કરે. એટલે ઈસુ જે કહે છે એના પર મરિયમ પૂરું ધ્યાન આપે છે. ઈસુ તેને કહે છે: “મારા ભાઈઓ પાસે જા. તેઓને કહે કે ‘હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે જાઉં છું.’”—યોહાન ૨૦:૧૭.
માલિક પાસેથી કેવી જોરદાર સોંપણી! જેઓએ સૌથી પહેલા ઈસુને પાછા જીવતા જોયા એમાં મરિયમ પણ હતી. હવે તેણે એ ખુશખબર બીજાઓને જણાવવાની હતી. કલ્પના કરો તેને કેવી ખુશી થઈ હશે. તે શિષ્યોને એ ખુશખબર જણાવવા કેટલી અધીરી બની હશે. તેણે હાંફતા હાંફતા કહ્યું હશે: “મેં માલિકને જોયા છે!” એ શબ્દો ચોક્કસ તેના અને શિષ્યોના મનમાં છપાઈ ગયા હશે અને લાંબા સમય સુધી યાદ રહ્યા હશે. તેની ખુશી સમાતી નહિ હોય એટલે ઈસુએ જે કહ્યું એ ઝડપથી શિષ્યોને જણાવવા લાગી હશે. (યોહાન ૨૦:૧૮) બીજી સ્ત્રીઓએ ઈસુની ખાલી કબર પાસે જે જોયું એ શિષ્યોને જણાવ્યું હતું. હવે મરિયમે પણ તેઓને જણાવ્યું.—લૂક ૨૪:૧-૩, ૧૦.
“તેઓએ સ્ત્રીઓનું માન્યું નહિ”
શિષ્યોને એ સાંભળીને કેવું લાગ્યું? તેઓએ ભરોસો કર્યો નહિ. બાઇબલમાં લખ્યું છે: “આ બધી વાતો તેઓને નકામી લાગી અને તેઓએ સ્ત્રીઓનું માન્યું નહિ.” (લૂક ૨૪:૧૧) શિષ્યો એવા સમાજમાં મોટા થયા હતા, જ્યાં સ્ત્રીઓનો ભરોસો કરવામાં આવતો નહિ. રાબ્બીઓની એક માન્યતા પ્રમાણે અદાલતમાં સ્ત્રીઓની સાક્ષી માન્ય ગણાતી નહિ. કદાચ શિષ્યો પર પણ એ સમાજની ધાર્યા કરતા વધારે અસર હતી. પણ ઈસુ અને તેમના પિતા ક્યારેય સ્ત્રીઓ સાથે એવો ભેદભાવ રાખતા નથી. એટલે એ વફાદાર સ્ત્રીને કેટલો મોટો લહાવો આપ્યો!
શિષ્યોના વર્તનથી મરિયમે માઠું લગાડ્યું નહિ. તે જાણતી હતી કે તેના માલિક તેના પર ભરોસો કરે છે, એ તેના માટે પૂરતું હતું. આજે પણ ઈસુને પગલે ચાલનારાઓને સંદેશો જાહેર કરવાની જવાબદારી મળી છે. એ સંદેશો તો, ‘ઈશ્વરના રાજ્યની ખુશખબર’ છે. (લૂક ૮:૧) ઈસુએ ક્યારેય એવું વચન આપ્યું નહિ કે તેમના શિષ્યોની વાત બધા માનશે અને તેઓના કામની કદર કરશે. તેમણે તો એનાથી વિરુદ્ધ કહ્યું હતું. (યોહાન ૧૫:૨૦, ૨૧) એટલે ઈશ્વરભક્તોએ મરિયમને યાદ રાખવી કેટલી જરૂરી છે. અમુક શિષ્યોએ તેની વાત માની નહિ તોપણ તેનો ઉત્સાહ ઠંડો પડ્યો નહિ. તે તો બીજાઓને એ ખુશખબર જણાવતી રહી કે ઈસુ પાછા ઊઠ્યા છે.
સમય જતાં ઈસુ શિષ્યોને દેખાયા પછી એવા લોકોને પણ દેખાયા, જેઓ તેમની વાત સાંભળતા હતા. એક સમયે તે ૫૦૦ કરતાં વધારે લોકોને દેખાયા. (૧ કોરીંથીઓ ૧૫:૩-૮) ઈસુ બધાને દેખાતા ગયા એ મરિયમે પોતે જોયું હોય કે સાંભળ્યું હોય એટલે તેનો ભરોસો ચોક્કસ વધ્યો હશે. પચાસમા દિવસે ઈસુના શિષ્યો ભેગા થયા હતા ત્યારે તેઓ પર પવિત્ર શક્તિ રેડવામાં આવી હતી. એમાં સ્ત્રીઓ પણ હાજર હતી. એટલે કહી શકાય કે મરિયમ પણ તેઓમાં હશે.—પ્રેરિતોનાં કાર્યો ૧:૧૪, ૧૫; ૨:૧-૪.
આપણને ચોક્કસ ભરોસો છે કે મરિયમ જીવનભર શ્રદ્ધામાં મક્કમ રહી હશે. આપણે પણ તેની જેમ શ્રદ્ધામાં મક્કમ રહેવાનો નિર્ણય લઈએ. આપણે તેની શ્રદ્ધાને પગલે કઈ રીતે ચાલી શકીએ? ઈસુએ આપણા માટે જે કર્યું છે એની કદર કરીએ અને ઈશ્વરની મદદથી બીજાઓને સહાય કરીએ.
a મરિયમ બીજી સ્ત્રીઓ કરતાં વહેલી ત્યાંથી જતી રહી હતી. એટલે દૂતે સ્ત્રીઓના ટોળાને જે કહ્યું એ તેને ખબર નહિ હોય. દૂતે તેઓને કહ્યું હતું કે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે. જો મરિયમને ખબર હોત, તો તેણે ચોક્કસ પિતર અને યોહાનને જણાવ્યું હોત કે ઈસુ વિશે દૂતે શું જણાવ્યું છે.—માથ્થી ૨૮:૨-૪; માર્ક ૧૬:૧-૮.