૧ કોરીંથીઓ
૫ મને સાચે જ એવી ખબર મળી છે કે તમારામાં વ્યભિચાર* થાય છે. એ પણ એવો વ્યભિચાર* જે દુનિયાના લોકોમાં થતો નથી; એટલે કે, તમારામાંથી કોઈ માણસે પોતાની સાવકી માને રાખી છે.* ૨ શું તમને એનો ગર્વ થાય છે? એના બદલે, શું તમારે શોક ન કરવો જોઈએ અને જે માણસે આવું કામ કર્યું છે, તેને તમારી વચ્ચેથી દૂર ન કરવો જોઈએ? ૩ ખરું કે હું ત્યાં હાજર નથી, તોપણ મનથી* ત્યાં જ છું; અને જાણે હું તમારી સાથે હોઉં એમ, એ કામ કરનાર માણસનો ન્યાય કરી ચૂક્યો છું. ૪ આપણા પ્રભુ ઈસુના નામમાં જ્યારે તમે ભેગા મળો અને જાણો કે આપણા પ્રભુ ઈસુનું બળ અને મારું મન તમારી સાથે છે, ૫ ત્યારે તમે એવા માણસને નાશ માટે શેતાનના હાથમાં સોંપી દો, જેથી પ્રભુના દિવસે મંડળનું યોગ્ય વલણ જળવાઈ રહે.
૬ તમારો ગર્વ ખોટો છે. શું તમે નથી જાણતા કે થોડું ખમીર* બાંધેલા આખા લોટને ફુલાવે છે?* ૭ જૂના ખમીરને દૂર કરો, જેથી તમે નવો બાંધેલો લોટ બની શકો. ખરું જોતાં તમે ખમીર વગરના છો જ, કેમ કે ખ્રિસ્ત જે આપણા પાસ્ખાનું ઘેટું છે, તેમનું બલિદાન સાચે જ અપાઈ ગયું છે. ૮ તેથી, ચાલો આપણે તહેવાર ઊજવીએ, પણ જૂના ખમીરથી નહિ અથવા બૂરાઈ અને દુષ્ટતાના ખમીરથી નહિ; પરંતુ, ખરા ભાવ અને સત્યની બેખમીર રોટલીથી* ઊજવીએ.
૯ મેં મારા પત્રમાં તમને લખ્યું હતું કે વ્યભિચારી* લોકો સાથે હળવા-મળવાનું બંધ કરો.* ૧૦ એનો મતલબ એ નથી કે આ દુનિયાના વ્યભિચારી* કે લોભી કે જોરજુલમથી પૈસા પડાવનાર કે મૂર્તિપૂજક સાથે જરાય હળો-મળો નહિ; નહિતર, તમારે દુનિયા છોડી દેવી પડે. ૧૧ પરંતુ, હવે હું તમને લખું છું કે જો કોઈ ભાઈ વ્યભિચારી* કે લોભી કે મૂર્તિપૂજક કે અપમાન કરનાર* કે દારૂડિયો કે જોરજુલમથી પૈસા પડાવનાર હોય, તો તેની સાથે હળવા-મળવાનું બંધ કરો;* અરે, એવા માણસ સાથે ખાવું પણ નહિ. ૧૨ જેઓ મંડળનો ભાગ નથી, તેઓનો ન્યાય મારે શું કામ કરવો? જેઓ મંડળમાં છે તેઓનો ન્યાય શું તમે નથી કરતા? ૧૩ મંડળની બહારના લોકોનો ન્યાય શું ઈશ્વર નથી કરતા? પવિત્ર લખાણો કહે છે: “તમારી વચ્ચેથી દુષ્ટ માણસને દૂર કરો.”