સ્ત્રીઓએ કેમ પોતાના પતિને આધીન રહેવું જોઈએ?
“સ્ત્રીનું શિર પુરુષ છે.”—૧ કોરીં. ૧૧:૩.
૧, ૨. (ક) યહોવાહે કરેલી શિરપણાની ગોઠવણ વિષે પ્રેરિત પાઊલે શું લખ્યું? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
‘દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે; અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.’ (૧ કોરીં. ૧૧:૩) પ્રેરિત પાઊલના આ શબ્દો પ્રમાણે, કોણ કોને આધીન રહેશે એ વિષે યહોવાહે સરસ ગોઠવણ કરી છે. આગળના લેખમાં આપણે જોઈ ગયા કે ઈસુ તેમના શિર યહોવાહને આધીન રહેવાને એક લહાવો ગણતા. એમ કરવું તેમને ખૂબ જ ગમતું. એવી જ રીતે મંડળના ભાઈઓ પણ તેમના શિર ઈસુને રાજી ખુશીથી આધીન રહે છે. ઈસુ તો ખૂબ જ પ્રેમાળ, માયાળુ અને દયાળુ હતા. લોકો સાથેના તેમના વર્તાવમાં જરાય સ્વાર્થ ન હતો. મંડળના ભાઈઓએ પણ બધા સાથે એવો જ વર્તાવ કરવો જોઈએ. ખાસ કરીને પોતાની પત્ની સાથે.
૨ સ્ત્રીઓ વિષે શું? તેઓનું શિર કોણ છે? પ્રેરિત પાઊલે લખ્યું કે “સ્ત્રીનું શિર પુરુષ છે.” યહોવાહની આ ગોઠવણ વિષે સ્ત્રીઓને કેવું લાગવું જોઈએ? પતિ જો યહોવાહના સાક્ષી ન હોય ત્યારે પણ શિરપણાનો સિદ્ધાંત લાગુ પડે છે? પતિ શિર હોવાથી તેમને આધીન રહેવા શું પત્નીએ મૂંગા જ રહેવું જોઈએ, કશામાં કોઈ અભિપ્રાય ન આપવો જોઈએ? સારું નામ બનાવવા અને વખાણ પામવા સ્ત્રીએ શું કરવું જોઈએ?
‘હું તેને યોગ્ય એક સહાયકારી બનાવીશ’
૩, ૪. લગ્નજીવનમાં શિરપણાની ગોઠવણથી કેમ લાભ થાય છે?
૩ ખુદ યહોવાહે શિરપણાની ગોઠવણ કરી છે. આદમને બનાવ્યા પછી યહોવાહે કહ્યું: ‘માણસ એકલો રહે તે સારૂં નથી. હું તેને યોગ્ય એવી એક સહાયકારી બનાવીશ.’ પછી યહોવાહે હવાને બનાવી. આદમને સહાયકારી એટલે જીવનસાથી મળી હોવાથી તે રાજીનો રેડ થઈ ગયો અને બોલી ઊઠ્યો: “આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે.” (ઉત. ૨:૧૮-૨૪) આદમ અને હવાને ઈશ્વરે અમર જીવનનો મોકો આપ્યો હતો. તેઓનાં બાળકોને પણ એ આશીર્વાદ મળત. તેઓ સર્વ સુંદર ધરતી પર સુખચેનથી રહી શકત.
૪ પરંતુ આપણા પ્રથમ મા-બાપ, યહોવાહના માર્ગે ન ચાલ્યા હોવાથી તેઓએ એદન વાડીમાં સુખ-ચેનનું જીવન ગુમાવ્યું. (રૂમી ૫:૧૨ વાંચો.) તોપણ યહોવાહની શિરપણાની ગોઠવણ હજી બદલાઈ નથી. એ ગોઠવણ પ્રમાણે જો પતિ-પત્ની પોતાની જવાબદારી સારી રીતે નિભાવે તો લગ્નજીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. ઈસુનો વિચાર કરો. યહોવાહને આધીન રહેવામાં તેમને અનહદ આનંદ મળતો. પૃથ્વી પર આવ્યા પહેલાં તે ‘સદા યહોવાહની આગળ હરખાતા’ હતા. (નીતિ. ૮:૩૦) પત્ની જ્યારે પતિને આધીન રહે છે ત્યારે, તેને પણ ઈસુ જેવો જ આનંદ મળે છે. ખરું કે વારસામાં મળેલા પાપને લીધે પુરુષ શિરપણાની જવાબદારી બરાબર નિભાવી શકતો નથી. એ જ રીતે સ્ત્રી પણ પૂરેપૂરી રીતે પતિને આધીન રહી શકતી નથી. તોપણ પતિ-પત્ની પોતાની જવાબદારી ઉપાડવા બનતું બધું જ કરે છે ત્યારે, એ ગોઠવણને લીધે લગ્નજીવન ખીલી ઊઠે છે.
૫. રૂમી ૧૨:૧૦ની સલાહ પતિ-પત્નીએ કેમ દિલમાં ઉતારવી જોઈએ?
૫ યહોવાહની સલાહ બધાને લાગુ પડે છે. પણ ખાસ કરીને લગ્નજીવન સુખી બનાવવા પતિ-પત્ની માટે આ સલાહ ખૂબ જ મહત્ત્વની છે: “ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.” (રૂમી ૧૨:૧૦) પતિ-પત્નીએ ‘એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થવા તેમ જ એકબીજાને ક્ષમા’ કરવા હંમેશા તત્પર રહેવું જોઈએ.—એફે. ૪:૩૨.
લગ્નસાથી યહોવાહના સાક્ષી ન હોય ત્યારે . . .
૬, ૭. યહોવાહમાં ન માનતા પતિને પત્ની આધીન રહે તો શું પરિણામ આવી શકે?
૬ તમારા લગ્નસાથી યહોવાહના સાક્ષી ન હોય તો શું? ઘણી વાર એવું બને છે કે પતિ યહોવાહમાં માનતા ન હોય. એવા સંજોગોમાં પત્નીએ પતિ સાથે કેવો વર્તાવ કરવો જોઈએ? બાઇબલ એનો જવાબ આપે છે: “સ્ત્રીઓ, તમે તમારા પતિઓને આધીન રહો; કે જેથી જો કોઈ પતિ સુવાર્તાનાં વચન માનનાર ન હોય, તો તેઓ પોતાની સ્ત્રીઓનાં આચરણથી, એટલે તમારાં મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાનાં વચન વગર મેળવી લેવાય.”—૧ પીત. ૩:૧, ૨.
૭ બાઇબલ પત્નીઓને ઉત્તેજન આપે છે કે પતિ યહોવાહના ભક્ત ન હોય તોપણ તેમને દિલથી આધીન રહેવું જોઈએ. કદાચ પત્નીના સારાં વાણી-વર્તન જોઈને પતિને જાણવાનું મન થાય કે તેનો સ્વભાવ કેમ આટલો સારો છે. આ રીતે પતિ કદાચ સત્ય શીખવા લાગે અને છેવટે યહોવાહનો ભક્ત પણ બને.
૮, ૯. પત્નીના સારા વર્તનની પતિ પર કોઈ અસર ન થતી હોય તો તે શું કરી શકે?
૮ હવે ધારો કે પત્નીના સારા વર્તનની પતિ પર કોઈ અસર ન થતી હોય તો શું? બાઇબલ એવા સંજોગોમાં પણ પત્નીને ઈસુ જેવા ગુણો કેળવવા ઉત્તેજન આપે છે, પછી ભલેને સંજોગો ગમે તેવા અઘરા હોય. દાખલા તરીકે, પહેલો કોરીંથી ૧૩:૪ કહે છે: ‘પ્રીતિ સહનશીલ છે.’ તેથી યહોવાહમાં માનતી પત્નીએ “સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા” રાખીને પ્રેમથી એ સંજોગો સહન કરવા જોઈએ. એમાં જ તેનું ભલું છે. (એફે. ૪:૨) યહોવાહની અપાર શક્તિની મદદથી પત્ની ગમે એવા અઘરા સંજોગોમાં પણ ઈસુ જેવા ગુણો કેળવી શકે છે.
૯ પ્રેરિત પાઊલે લખ્યું: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.” (ફિલિ. ૪:૧૩) પતિ કે પત્ની જે પોતાની શક્તિથી નથી કરી શકતા એ યહોવાહની મદદથી કરી શકે છે. એક દાખલો લો. માની લો કે પત્ની પર પતિ જુલમ ગુજારે છે. પત્નીને કદાચ બદલો લેવાનું મન થાય. પરંતુ બાઇબલ સલાહ આપે છે: ‘ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. કેમ કે લખેલું છે, કે પ્રભુ યહોવાહ કહે છે, કે વૈર વાળવું એ મારૂં કામ છે; હું બદલો લઈશ.’ (રૂમી ૧૨:૧૭-૧૯) એ જ રીતે પહેલો થેસ્સાલોનીકી ૫:૧૫ આપણને આ સલાહ આપે છે: “સાવધ રહો, કે કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે; પણ સદા એકબીજાનું તથા સઘળાનું કલ્યાણ કરવાને યત્ન કરો.” આપણે પોતાની શક્તિથી જે નથી કરી શકતા, એ યહોવાહની મદદથી જરૂર કરી શકીશું. એટલે તેમની શક્તિ માટે આપણે ખાસ પ્રાર્થના કરવી જ જોઈએ!
૧૦. લોકોએ નિંદા કરી અને ખરાબ રીતે વર્ત્યા ત્યારે ઈસુએ શું કર્યું?
૧૦ ઘણા લોકોએ ઈસુની નિંદા કરી, ખરાબ રીતે વર્ત્યા ત્યારે તેમણે શું કર્યું? બાઇબલ કહે છે: “તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ; દુઃખો સહન કરીને ધમકી આપી નહિ; પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો.” (૧ પીત. ૨:૨૩) ઈસુએ કેવો સુંદર દાખલો બેસાડ્યો! બાઇબલ આપણને પણ તેમને પગલે ચાલવા ઉત્તેજન આપે છે. બીજાના ખરાબ વર્તનથી આપણે તપી ન જવું જોઈએ. પણ બધાએ આ સલાહ દિલમાં ઉતારવી જોઈએ: “કરુણાળુ તથા નમ્ર થાઓ. ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો.”—૧ પીત. ૩:૮, ૯.
શું પત્નીએ મૂંગા મોઢે રહેવું જોઈએ?
૧૧. અમુક સ્ત્રીઓને કેવો લહાવો મળ્યો છે?
૧૧ શું પતિને આધીન રહેવાનો એવો અર્થ થાય કે પત્નીએ કોઈ પણ બાબતમાં કંઈ જ ન કહેવું જોઈએ, બસ મૂંગા જ રહેવું જોઈએ? ના, એવું નથી. યહોવાહે પુરૂષ અને સ્ત્રીને એક સરખા ઘણા લહાવા આપ્યા છે. દાખલા તરીકે, ઈસુ સાથે રાજાઓ અને યાજકો તરીકે પૃથ્વી પર રાજ કરવા ૧,૪૪,૦૦૦ લોકોને પસંદ કરવામાં આવ્યા છે. એમાં સ્ત્રીઓ પણ છે. (ગલા. ૩:૨૬-૨૯) એ બતાવે છે કે યહોવાહે પોતાની ગોઠવણમાં સ્ત્રીઓને પણ મહત્ત્વની ભૂમિકા આપી છે.
૧૨, ૧૩. અમુક સ્ત્રીઓએ પ્રબોધ કર્યો હતો એનો દાખલો આપો.
૧૨ બાઇબલના જમાનામાં અમુક સ્ત્રીઓએ પ્રબોધ પણ કર્યો હતો. યોએલ ૨:૨૮, ૨૯માં નોંધ્યા પ્રમાણે યહોવાહે ભવિષ્યવાણી કરી હતી: ‘હું સર્વ મનુષ્યો પર મારી શક્તિ રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, વળી તે સમયે દાસો તથા દાસીઓ પર હું મારી શક્તિ રેડી દઈશ.’
૧૩ ઈસવીસન ૩૩, પેન્તેકોસ્તના દિવસે ઈસુના લગભગ ૧૨૦ શિષ્યો યરૂશાલેમમાં એક ઘરના ઉપરના ઓરડામાં ભેગા થયા હતા. એમાં સ્ત્રીઓ પણ હતી. યહોવાહે તેઓને પોતાની શક્તિથી ભરપૂર કર્યા. એટલે જ યોએલની ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરીને પીતરે કહ્યું કે એ સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં પૂરી થાય છે. પીતરે લખ્યું: ‘એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે; એટલે કે ઈશ્વર કહે છે, કે પાછલા દિવસોમાં એમ થશે, કે હું સર્વ માણસો પર મારી શક્તિ રેડી દઈશ: અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે. વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારી શક્તિ રેડી દઈશ; અને તેઓ પ્રબોધ કરશે.’—પ્રે.કૃ. ૨:૧૬-૧૮.
૧૪. પહેલી સદીમાં સ્ત્રીઓએ ખ્રિસ્તી ધર્મ ફેલાવવામાં કેવો ભાગ ભજવ્યો હતો?
૧૪ પહેલી સદીમાં સ્ત્રીઓએ ખ્રિસ્તી ધર્મ ફેલાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. યહોવાહના રાજ્યની ખુશખબર ફેલાવવામાં અને એને લગતાં કામોમાં તેઓએ પૂરો સાથ આપ્યો હતો. (લુક ૮:૧-૩) દાખલા તરીકે, પ્રેરિત પાઊલે ‘ફેબી’ બહેન વિષે કહ્યું કે તે ‘કેંક્રિઆમાંની મંડળીની સેવિકા’ છે. આ બતાવે છે કે પાઊલની સાથે ભાઈઓ અને અમુક બહેનોએ પણ ખુશખબર ફેલાવવામાં ભાગ લીધો હતો. પાઊલે રૂમી મંડળને પત્ર લખ્યો ત્યારે આ બહેનો વિષે આમ કહ્યું: “પ્રભુમાં મહેનત કરનારીઓ ત્રુફેનાને તથા ત્રુફોસાને સલામ કહેજો.” તેમણે એમ પણ લખ્યું કે “વહાલી પેર્સીસ જેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો.”—રૂમી ૧૬:૧, ૧૨.
૧૫. યહોવાહના રાજ્યની ખુશખબર ફેલાવવામાં આજે સ્ત્રીઓ કેવો ભાગ ભજવે છે?
૧૫ આજે પૃથ્વી પર સિત્તેર લાખથી પણ વધારે યહોવાહના ભક્તો છે. એમાં મોટા પ્રમાણમાં નાની-મોટી ઉંમરની બહેનો યહોવાહના રાજ્યની ખુશખબર ફેલાવી રહી છે. (માથ. ૨૪:૧૪) તેઓમાંની ઘણી બહેનો પૂરો સમય ખુશખબર ફેલાવવામાં, મિશનરી તરીકે અને બેથેલમાં સેવા આપે છે. દાઊદે ભજનમાં ગાયું: ‘પ્રભુ યહોવાહ વચન આપે છે; ખબર કહેનારી સ્ત્રીઓનું તો મોટું ટોળું છે.’ (ગીત. ૬૮:૧૧) એ શબ્દો આજે પણ સાચા પડે છે! ખુશખબર ફેલાવવામાં અને યહોવાહનો મકસદ પૂરો કરવામાં સ્ત્રીઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. યહોવાહ એની ખૂબ જ કદર કરે છે. એટલે સ્ત્રીઓએ આધીન રહેવું, એનો એ અર્થ નથી કે તેઓએ મૂંગા રહેવું જોઈએ, કોઈ પણ બાબતમાં કાંઈ જ કહેવું ન જોઈએ.
બે સ્ત્રીઓ બોલતાં ગભરાઈ નહિ
૧૬, ૧૭. સારાહનો દાખલો કઈ રીતે બતાવે છે કે પત્નીએ મૂંગા રહેવાની જરૂર નથી?
૧૬ યહોવાહ જો સ્ત્રીઓને અનેક લહાવા આપતા હોય તો, મોટા નિર્ણયો લેતી વખતે શું પતિઓએ પત્નીની સલાહ લેવી ન જોઈએ? સલાહ લે તો તેઓનું જ ભલું થશે. બાઇબલમાં એવી સ્ત્રીઓના અનેક દાખલાઓ છે, જ્યાં પતિએ સલાહ માગી ન હતી તોપણ તે ગભરાયા વગર બોલી હોય. કે પછી પતિએ કાંઈક કરવાનું કહ્યું ન હોય તોપણ પત્નીએ યોગ્ય પગલાં લીધાં હોય. ચાલો એના આપણે બે દાખલા જોઈએ.
૧૭ ઈબ્રાહીમને બે પત્નીઓ હતી. પહેલી સારાહ અને બીજી હાગાર. હાગાર સારાહને જરાય માન આપતી ન હતી. એટલે સારાહે વારંવાર ઈબ્રાહીમને કહ્યું કે હાગાર અને તેના દીકરાને કાઢી મૂકો. ‘એ વાત ઈબ્રાહીમને બહુ માઠી લાગી,’ પણ યહોવાહને ન લાગી. તેમણે ઈબ્રાહીમને કહ્યું: ‘તારા દીકરા તથા તારી દાસી હાગારને લીધે તારે માઠું લગાડવું નહિ. જે સર્વ સારાહે તને કહ્યું છે, તેમાં તેનું સાંભળ.’ (ઉત. ૨૧:૮-૧૨) યહોવાહના કહેવા પ્રમાણે ઈબ્રાહીમે સારાહની અરજ સાંભળી અને એ પ્રમાણે કર્યું.
૧૮. નાબાલને પૂછ્યા વગર અબીગાઈલે શું કર્યું?
૧૮ હવે નાબાલની પત્ની અબીગાઈલનો વિચાર કરો. શાઊલ રાજાને લીધે દાઊદ નાસતા ફરતા હતા ત્યારે, નાબાલના ભરવાડો જે વિસ્તારમાં ઘેટાં ચરાવતા હતા ત્યાં છાવણી નાખી. નાબાલની માલ-મિલકત લૂટવાને બદલે દાઊદ અને તેમના સાથીદારોએ એનું રક્ષણ કર્યું. જ્યારે કે નાબાલ ‘અસભ્ય અને પોતાના વ્યવહારમાં દુષ્ટ હતો.’ તે દાઊદના માણસો ‘પર ગુસ્સે થયો અને તેમનું અપમાન કર્યું.’ તેનામાં જરાય અક્કલ ન હતી. દાઊદના માણસોએ માનથી નાબાલ પાસે ખાવાનું માંગ્યું ત્યારે તેણે ના પાડી દીધી. એના વિષે અબીગાઈલે સાંભળ્યું ત્યારે શું કર્યું? નાબાલને કહ્યા વગર “અબીગાઈલે જલદીથી બસો રોટલી, દ્રાક્ષારસની બે મશકો, રાંધીને તૈયાર કરેલાં પાંચ ઘેટાં, પાંચ માપ પોંક, દ્રાક્ષની સો લૂમ તથા અંજીરનાં બસો ચકતાં લઈને ગધેડાં પર લાદ્યાં.” એ લઈ જઈને તેણે દાઊદ અને તેમના માણસોને આપ્યું. અબીગાઈલે જે કર્યું એમાં શું કાંઈ ખોટું હતું? જરાય નહિ. બાઇબલ કહે છે કે “યહોવાહે નાબાલને એવો માર્યો કે તે મરણ પામ્યો.” સમય જતા દાઊદે અબીગાઈલ સાથે લગ્ન કર્યું.—૧ શમૂ. ૨૫:૩, ૧૪-૧૯, ૨૩-૨૫, ૩૮-૪૨.
વખાણ પામતી સ્ત્રી
૧૯, ૨૦. શાના લીધે સ્ત્રીનાં વખાણ થાય છે?
૧૯ જે સ્ત્રીઓ યહોવાહની રીતે કામ કરે છે તેઓના બાઇબલ વખાણ કરે છે. નીતિવચનોનું પુસ્તક સદ્ગુણી સ્ત્રીના વખાણ કરતા કહે છે: ‘તેનું મૂલ્ય તો રત્નો કરતાં ઘણું જ વધારે છે. તેના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે, અને તેને સંપત્તિની ખોટ પડશે નહિ. પોતાના જીવનના સર્વ દિવસો દરમિયાન, તે તેનું ભલું જ કરે છે, અને ભૂંડું કદી નહિ.’ એટલું જ નહિ, “તેના મોઢામાંથી જ્ઞાનની વાતો નીકળે છે; તેની જીભનો નિયમ માયાળુપણું છે. તે પોતાના ઘરનાં માણસોની ચાલચલણની બરાબર તપાસ રાખે છે, તે આળસની રોટલી ખાતી નથી. તેનાં છોકરાં ઊઠીને તેને ધન્યવાદ દે છે; અને તેનો ધણી પણ તેનાં વખાણ” કરે છે.—નીતિ. ૩૧:૧૦-૧૨, ૨૬-૨૮.
૨૦ શાના લીધે સ્ત્રીનાં વખાણ થાય છે? નીતિવચનો ૩૧:૩૦ કહે છે: “લાવણ્ય ઠગારૂં છે, અને સૌંદર્ય વ્યર્થ છે; પણ યહોવાહનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે.” આવી સ્ત્રીઓ જીવનમાં યહોવાહથી ડરીને ચાલે છે. એટલે શિરપણાની આ ગોઠવણને તેઓ રાજીખુશીથી આધીન રહે છે: “દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે,” એ જ રીતે ‘સ્ત્રીનું શિર પુરુષ છે અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.’—૧ કોરીં. ૧૧:૩.
યહોવાહે આપેલી ભેટની કદર કરીએ
૨૧, ૨૨. (ક) લગ્નની ભેટ માટે યહોવાહના ગુણગાન ગાવા યુગલ પાસે કયાં કારણો છે? (ખ) યહોવાહે કરેલી ગોઠવણ અને શિરપણા માટે આપણે કેમ માન બતાવવું જોઈએ? (પાન ૨૧નું બૉક્સ જુઓ.)
૨૧ પતિ-પત્ની પાસે યહોવાહના ગુણ ગાવા અનેક કારણો છે. તેઓ લગ્નજીવનમાં સુખી થઈ શકે એ માટે યહોવાહે કેવી સુંદર ગોઠવણ કરી છે! તેમણે કરેલી લગ્નની ગોઠવણ પણ યુગલ માટે આશીર્વાદ છે. એ માટે યુગલે યહોવાહનો ખાસ ઉપકાર માનવો જોઈએ અને એક દિલથી તેમના માર્ગમાં ચાલવા બનતું બધું જ કરવું જોઈએ. (રૂથ ૧:૯; મીખા. ૬:૮) પ્રથમ સ્ત્રી-પુરુષના લગ્ન યહોવાહે કરાવ્યા હતા. એટલે તે જાણે છે કે લગ્નજીવન સુખી બનાવવા શાની જરૂર છે. યુગલે હંમેશાં તેમના માર્ગદર્શન પ્રમાણે જ ચાલવું જોઈએ. એમ કરશો તો, આ દુષ્ટ જગતમાં પણ ‘યહોવાહનો આનંદ તમારૂં સામર્થ્ય’ બનશે.—નહે. ૮:૧૦.
૨૨ યહોવાહને ભજનાર પતિ પોતાના જેટલો જ પત્નીને પણ પ્રેમ કરે છે ત્યારે, તે પ્રેમથી, કોમળતાથી પોતાની શિરપણાની જવાબદારી નિભાવશે. બીજી બાજુ, પત્ની પણ બધી જ રીતે તેમને માન અને સહકાર આપશે. આમ પત્ની માટે પતિનો પ્રેમ વધતો જશે. આ રીતે તેઓના લગ્ન જીવનથી ઈશ્વર યહોવાહને મહિમા મળશે. (w10-E 05/15)
શું તમને યાદ છે?
• શિરપણું અને એને આધીન રહેવાની યહોવાહે કઈ ગોઠવણ કરી છે?
• પતિ-પત્નીએ કેમ એક બીજાને માન આપવું જોઈએ?
• પતિ યહોવાહમાં માનતા ન હોય તો પત્નીએ તેમની સાથે કેવી રીતે વર્તવું જોઈએ?
• મોટા નિર્ણયો લેતા પહેલાં પતિએ કેમ પત્નીના વિચારો જાણવા જોઈએ?
[પાન ૨૧ પર ચિત્રનું મથાળું]
શિરપણાની ગોઠવણને કેમ માન આપવું જોઈએ?
યહોવાહે સ્વર્ગદૂતો અને મનુષ્યો માટે શિરપણાની ગોઠવણ કરી છે. એ તેઓના ભલા માટે જ છે. એ ગોઠવણથી તેઓને પોતાની મરજીથી યહોવાહને માન આપવાનો મોકો મળે છે. એનાથી તેઓ એકરાગે સંપીને તેમની ભક્તિ કરી શકે છે.—ગીત. ૧૩૩:૧.
યહોવાહના અભિષિક્તોનું મંડળ ઈસુના અધિકારને અને શિરપણાને સ્વીકારે છે તથા એને માન આપે છે. (એફે. ૧:૨૨, ૨૩) ઈસુ પણ યહોવાહને તેમના શિર ગણે છે. ઈસુ વિષે લખવામાં આવ્યું છે કે સમય જતાં “જ્યારે સર્વ બાબતોને ખ્રિસ્તના રાજ્યાધિકાર નીચે લાવવામાં આવશે, ત્યારે સર્વ બાબતોને આધીનતામાં લાવનાર પુત્ર પોતે પણ ઈશ્વરને આધીન થઈ જશે. પછી ઈશ્વર સર્વ પર સંપૂર્ણ રાજ કરશે.” (૧ કોરીં. ૧૫:૨૭, ૨૮, કોમન લેંગ્વેજ) તેથી એ ખૂબ મહત્ત્વનું છે કે યહોવાહને પોતાનું જીવન સમર્પણ કર્યા પછી દરેકે મંડળ અને કુટુંબની અંદર શિરપણાની ગોઠવણની કદર કરવી જોઈએ, એમાં પૂરો સહકાર આપવો જોઈએ. (૧ કોરીં. ૧૧:૩; હેબ્રી ૧૩:૧૭) એમ કરવાથી આપણા પર યહોવાહની કૃપા રહેશે અને તેમના આશીર્વાદો પામીશું.—યશા. ૪૮:૧૭.
[પાન ૧૭ પર ચિત્રનું મથાળું]
પત્નીઓ પ્રાર્થનામાં મદદ માગીને ઈશ્વર જેવા ગુણો કેળવી શકશે
[પાન ૧૯ પર ચિત્રનું મથાળું]
ખુશખબર ફેલાવવાના કામમાં સ્ત્રીઓ જે ભાગ ભજવે છે એની યહોવાહ ખૂબ જ કદર કરે છે