“યહોવાહનો મહાન દિવસ” નજીક છે, સત્યમાં આગળ વધીએ
“આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ.”—હેબ્રી ૬:૧.
૧, ૨. ઈસુના શિષ્યોને ‘પહાડોમાં નાસી જવાની’ તક કઈ રીતે મળી?
ઈસુના શિષ્યોએ તેમને પૂછ્યું હતું કે “તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે?” ઈસુએ એનો જવાબ એક ભવિષ્યવાણીથી આપ્યો. એ પ્રથમવાર પહેલી સદીમાં પૂરી થઈ, પણ આવતા દિવસોમાં મહાન રીતે પૂરી થવાની હતી. એ ભવિષ્યવાણીમાં ઈસુએ અજોડ બનાવોની નિશાની આપી, જેનાથી ઝડપથી આવી રહેલા અંતની ખબર પડી શકે. એ પારખીને શિષ્યોએ ‘યહુદાહમાંથી પહાડો પર નાસી જવાનું’ હતું. (માથ. ૨૪:૧-૩, ૧૫-૨૨) શું ઈસુના શિષ્યોએ એમ કર્યું?
૨ ઈસુએ ભવિષ્યવાણી કરી, એનાં ત્રીસેક વર્ષ થયાં. પાઊલે ૬૧ની સાલમાં યરૂશાલેમ અને આજુબાજુના હેબ્રી ખ્રિસ્તીઓને કડક શબ્દોમાં પત્ર લખ્યો. પાઊલને કે ભાઈ-બહેનોને ખબર ન હતી કે ‘મોટી વિપત્તિ’ પાંચેક વર્ષમાં જ શરૂ થશે. (માથ. ૨૪:૨૧) ૬૬ની સાલમાં સેસ્તિઅસ ગેલસ રૂમી લશ્કર લઈને યરૂશાલેમ પર ચડી આવ્યો. તે જીત પામવાની તૈયારીમાં હતો ત્યારે, અચાનક લશ્કર લઈને પાછો ચાલ્યો ગયો. એ તકનો લાભ લઈને ઈસુના શિષ્યો પહાડોમાં નાસી છૂટ્યા અને બચી ગયા.
૩. હેબ્રી ખ્રિસ્તીઓને પાઊલે કઈ સલાહ આપી અને શા માટે?
૩ એ ભાઈ-બહેનોએ બનાવો પારખવાની ખૂબ જ જરૂર હતી, જેથી તેઓ ઈસુના કહેવા પ્રમાણે નાસી જઈ શકે. એ તેઓના જીવન-મરણનો સવાલ હતો. તેમ છતાં અમુક જણ “સાંભળવામાં મંદ થયા” હતા. તેઓ સત્યમાં જાણે ‘દૂધ’ પીતા બાળક જેવા બનીને, પ્રગતિ કરતા ન હતા. (હેબ્રી ૫:૧૧-૧૩ વાંચો.) અમુક તો ત્રીસેક વર્ષોથી યહોવાહના ભક્તો હોવા છતાં, ધીમે ધીમે ‘જીવતા ઈશ્વરથી દૂર જઈ’ રહ્યા હતા. (હેબ્રી ૩:૧૨) એ આફતનો ‘દહાડો પાસે આવતો હતો’ ત્યારે, તેઓએ એકઠા મળવાનું પડતું મૂક્યું. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) એટલે પાઊલે ઉત્તેજન આપ્યું કે “ખ્રિસ્ત વિષેનાં મૂળતત્ત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ.”—હેબ્રી ૬:૧.
૪. સમયના વહેણમાં ક્યાં છીએ એ કેમ પારખવું જોઈએ? એમ કરવા શું મદદ કરશે?
૪ ઈસુએ આપેલી ભવિષ્યવાણી મહાન રીતે પૂરી થવાનો સમય પાકી ચૂક્યો છે. આપણે એવા સમયમાં જીવીએ છીએ, જ્યારે “યહોવાહનો મહાન દિવસ” ઝડપથી આવશે. પછી શેતાનના દુષ્ટ જગતનો અંત આવશે. (સફા. ૧:૧૪) એટલે આપણે શું કરવું જોઈએ? એ દિવસની કાગને ડોળે રાહ જોઈએ. યહોવાહ સાથેનો નાતો પાકો બનાવવા બધું જ કરીએ. (૧ પીત. ૫:૮) બાઇબલની ભવિષ્યવાણીની ઊંડી સમજણ મેળવીએ. એનાથી પારખી શકીશું કે સમયના વહેણમાં આપણે ક્યાં છીએ.
સત્યની સમજણમાં અનુભવી બનીએ
૫, ૬. (ક) સત્યમાં અનુભવી બનવા કેવી પ્રગતિ કરવી જોઈએ? (ખ) પ્રગતિ કરવા કઈ બે બાબતમાં વધારે પ્રયત્ન કરવો પડશે?
૫ પાઊલે દાખલો આપ્યો કે નાના બાળકને ‘દૂધની’ જરૂર છે. પણ જેઓ “પુખ્ત ઉમ્મરના” હોય, તેઓને ‘ભારે ખોરાકની’ જરૂર હોય છે. પછી પાઊલે હેબ્રી ખ્રિસ્તીઓને સત્યમાં અનુભવી બનવાનું ઉત્તેજન આપ્યું. એ માટે શું કરવું જોઈએ, એ પણ જણાવ્યું. (હેબ્રી ૫:૧૪ વાંચો.) તેઓએ સત્યનાં “મૂળતત્ત્વ” અને “ઊંડા વિચારો” બંનેને સારી રીતે પારખવાની જરૂર હતી. (૧ કોરીં. ૨:૧૦) એ રીતે તેઓ યહોવાહની નજરે ખરું-ખોટું પારખીને, એ જ પ્રમાણે નિર્ણયો લઈ શકે.
૬ પાઊલે લખ્યું કે “જે વાતો આપણા સાંભળવામાં આવી, તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ.” એમ નહિ કરીએ તો, આપણે ધીમે ધીમે યહોવાહથી ‘દૂર ખેંચાઈ જઈશું.’ (હેબ્રી ૨:૧) એમ ન થાય માટે શું કરવું જોઈએ? કોઈ પણ સમયે આપણે બાઇબલની ચર્ચા કરતા હોઈએ ત્યારે, એના પર ‘વધારે લક્ષ રાખવું જોઈએ.’ ચાલો આપણે દરેક વિચારીએ કે ‘સત્યની સમજણમાં શું હું નવો નિશાળિયો છું? યહોવાહની ભક્તિ હું નામ પૂરતી જ કરું છું? તેમની ભક્તિમાં પ્રગતિ કરવા શું કરું છું?’ બાઇબલની સારી સમજણ લેવા અને યહોવાહની આજ્ઞાઓ પાળવા આપણે વધારે પ્રયત્ન કરવો પડશે. એમ કરીશું તો જ આપણે પ્રગતિ કરી શકીશું.
બાઇબલની સારી સમજણ કેળવીએ
૭. બાઇબલની સારી સમજણ મેળવવા શું કરવું જોઈએ?
૭ બાઇબલ કહે છે કે “જે કોઈ દૂધ પીએ છે તે ન્યાયીપણા સંબંધી બિનઅનુભવી છે; કેમકે તે બાળક જ છે.” (હેબ્રી ૫:૧૩) સત્યની સમજણમાં અનુભવી થવા, આપણે બાઇબલ સારી રીતે જાણવું જોઈએ. એ માટે બાઇબલ રોજ વાંચીએ અને એના પર મનન કરીએ. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” પાસેથી આવતા પુસ્તકો વાંચીએ અને વિચારીએ. (માથ. ૨૪:૪૫-૪૭) આ રીતે યહોવાહના વિચારો દિલમાં ઉતારીને, આપણે ખરું-ખોટું પારખવાની આવડત કેળવીશું. અવની બહેનનો દાખલો લઈએ.a તેમણે કહ્યું કે “દરરોજ બાઇબલ વાંચવાનું વારંવાર યાદ કરાવવામાં આવે છે. આખું બાઇબલ વાંચતા મને બેએક વર્ષ લાગ્યા. એનો ઘણો ફાયદો થયો. હું યહોવાહના માર્ગ વિષે, તેમની પસંદગી-નાપસંદગી વિષે શીખી. જાણે કે પહેલી વાર હું મારા ઈશ્વરને ઓળખવા લાગી. તેમની શક્તિ અપાર છે, તે કેટલા બુદ્ધિશાળી છે! રોજ બાઇબલ વાંચવાથી, મુશ્કેલ સંજોગો પણ સહન કરી શકી.”
૮. બાઇબલ આપણા પર કેવી અસર કરી શકે છે?
૮ આપણે રોજ બાઇબલ વાંચીએ તો, યહોવાહની ભક્તિ કરવા “સમર્થ” કે શક્તિમાન બનીશું. (હેબ્રી ૪:૧૨ વાંચો.) એટલે કે યહોવાહના શબ્દો આપણા દિલમાં ઊતરશે અને આપણને વધારે સારી વ્યક્તિ બનાવશે. શું તમે રોજ બાઇબલ વાંચીને, એના પર વિચાર કરો છો?
૯, ૧૦. બાઇબલનું જ્ઞાન લેવું જ કેમ પૂરતું નથી? દાખલો આપો.
૯ બાઇબલ જે કહે છે, એ જાણવું જ પૂરતું નથી. પાઊલના જમાનામાં પણ એવા ભાઈ-બહેનો હતા, જેઓ સત્યમાં વર્ષો પછી પણ બાળક જેવા જ હતા. તેઓએ શાસ્ત્રનું જ્ઞાન તો લીધું, પણ જીવનમાં ઉતાર્યું નહિ. એટલે એનો ફાયદો તેઓને થયો નહિ. જો એ જ્ઞાન દિલમાં ઉતાર્યું હોત, તો તેઓ સારા નિર્ણયો લઈ શકત.
૧૦ આપણે બાઇબલની સમજણ મેળવીને, એ પ્રમાણે જીવવું જોઈએ. ચાલો દીનાબેનનો અનુભવ જોઈએ. જોબ પર એક સ્ત્રી સાથે ઝઘડો થયો. પછી દીનાબેને શું કર્યું? તે કહે છે: “મને રૂમી ૧૨:૧૮ના શબ્દો યાદ આવ્યા કે ‘જો બની શકે, તો સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.’ એટલે કામેથી છૂટ્યા પછી મેં તેની સાથે વાત કરવાનું નક્કી કર્યું.” તેઓની વાતચીત થયા પછી તેઓ પાછા ફ્રેંડ થઈ ગયા. આ બનાવથી પેલી સ્ત્રી નવાઈ પામી. દીનાબેન કહે છે કે “બાઇબલના કહેવા પ્રમાણે કરવાથી ભલું જ થાય છે.”
મુશ્કેલીમાં પણ આજ્ઞા પાળીએ
૧૧. શું બતાવે છે અઘરા સંજોગોમાં બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવું સહેલું નથી?
૧૧ ખાસ કરીને સંજોગો અઘરા હોય ત્યારે, બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવું સહેલું નથી. ઈસ્રાએલીઓનો દાખલો લઈએ. યહોવાહે તેઓને મિસરમાંથી છોડાવ્યા. અમુક સમય પછી તેઓ પાસે પીવાનું પાણી ન હતું. તેઓએ “મુસાની સાથે તકરાર કરી” અને “યહોવાહની પરીક્ષા” કરતા રહ્યા. (નિર્ગ. ૧૭:૧-૪) થોડા સમય પછી, અમાલેકીઓએ તેઓ પર હુમલો કર્યો. એ લડાઈમાં મુસા પોતાના હાથ ઊંચા કરતા અને ઈસ્રાએલ જીતી જતું. (નિર્ગ. ૧૭:૮-૧૬) અમુક સમય પછી તેઓએ યહોવાહ સાથે કરાર કર્યો કે ‘તેમણે કહેલી બધી વાતો પાળશે.’ પણ માંડ બેએક મહિનામાં જ તેઓ મૂર્તિપૂજા કરવા માંડ્યા. (નિર્ગ. ૨૪:૩, ૧૨-૧૮; ૩૨:૧, ૨, ૭-૯) શું કામ એવું? કદાચ તેઓને અમાલેકીઓનો ડર લાગ્યો હોય શકે, કેમ કે આ વખતે મુસા હોરેબ પર્વત પર યહોવાહથી વધુ શિક્ષણ લેતા હતા. ગમે એ કારણ હોય પણ ઈસ્રાએલીઓએ યહોવાહની “આજ્ઞાઓ પાળવાનું ઇચ્છ્યું નહિ.” (પ્રે.કૃ. ૭:૩૯-૪૧) ઈસ્રાએલીઓએ આજ્ઞા પાળી નહિ અને વચનના દેશમાં જઈ શક્યા નહિ. પાઊલે ચેતવણી આપી કે આપણે ‘ખંત રાખીને એ જ આજ્ઞાભંગના ઉદાહરણ પ્રમાણે’ ન કરીએ.—હેબ્રી ૪:૩, ૧૧.
૧૨. ઈસુ કઈ રીતે આજ્ઞા પાળવાનું શીખ્યા? તેમને કયા આશીર્વાદ મળ્યા?
૧૨ સત્યમાં પ્રગતિ કરતા રહેવા યહોવાહની આજ્ઞાઓ પાળવી જ જોઈએ. ઈસુ મુશ્કેલીઓ દ્વારા આજ્ઞા પાળવાનું શીખ્યા. (હેબ્રી ૫:૮, ૯ વાંચો.) ખરું કે ઈસુ સ્વર્ગમાં પણ યહોવાહના કહેવા પ્રમાણે જ કરતા હતા. પરંતુ પૃથ્વી પર આવ્યા પછી, યહોવાહની આજ્ઞાઓ પાળવા તેમણે દુઃખ સહેવું પડ્યું. એમ કરીને તે “પરિપૂર્ણ” થયા. પછી યહોવાહે તેમને રાજા અને પ્રમુખ યાજક બનાવ્યા.
૧૩. શું બતાવે છે કે આપણે સત્યમાં આગળ વધીએ છીએ?
૧૩ શું આપણે મુશ્કેલીઓમાં પણ યહોવાહની આજ્ઞા પાળીએ છીએ? (૧ પીતર ૧:૬, ૭ વાંચો.) યહોવાહ આપણને ઇમાનદારી અને સારા વાણી-વર્તન કેળવવાનું કહે છે. બાઇબલ વાંચીને મનન કરવાનું, મિટિંગમાં જવાનું અને પ્રચાર કરવાનું કહે છે. (યહો. ૧:૮; માથ. ૨૮:૧૯, ૨૦; એફે. ૪:૨૫, ૨૮, ૨૯; ૫:૩-૫; હેબ્રી ૧૦:૨૪, ૨૫) એમ કરવું અઘરું લાગે તોપણ, શું આપણે યહોવાહનું કહેવું માનીએ છીએ? જો માનીએ તો આપણે સત્યમાં આગળ વધી રહ્યા છીએ.
ખરું-ખોટું પારખવાના આશીર્વાદો
૧૪. ખરું-ખોટું પારખવાથી કઈ રીતે આપણું જ ભલું થાય છે? દાખલો આપો.
૧૪ યહોવાહની નજરે ખરું-ખોટું પારખવાથી, ‘સર્વ પ્રકારના દુરાચારથી’ દૂર રહી શકીશું. (એફે. ૪:૧૯) આપણા એક ભાઈનો દાખલો લઈએ, જેનું નામ જેમ્સ છે. તે બાઇબલ અને આપણાં પુસ્તકો વાંચતા અને જીવનમાં ઉતારતા. તેમને એવી જોબ મળી, જ્યાં મોટે ભાગે સ્ત્રીઓ કામ કરતી હતી. ભાઈએ કહ્યું: “મોટા ભાગની સ્ત્રીઓમાં સંસ્કાર જેવું કંઈ હતું નહિ. પણ એક સ્ત્રી અલગ હતી. તેને બાઇબલ વિષે જાણવું પણ ગમતું. એક દિવસ કામ કરતા કરતા રૂમમાં અમે એકલા જ રહી ગયા. તે આવીને મારી સાથે ચેનચાળા કરવા લાગી. મને થયું કે તે મજાક કરે છે. પણ તેના નખરાં વધતા જ ગયા. ચોકીબુરજમાંથી મારા જેવો જ એક ભાઈનો અનુભવ યાદ આવ્યો. એ લેખમાં યુસફ અને પોટીફારની પત્નીનો દાખલો હતો.b મેં તરત જ પેલી સ્ત્રીને ધક્કો માર્યો, એટલે તે રૂમમાંથી ચાલી ગઈ.” (ઉત. ૩૯:૭-૧૨) જેમ્સને શાંતિ થઈ કે બીજું કાંઈ થયું નહિ અને યહોવાહની નજરમાં તે શુદ્ધ રહ્યા.—૧ તીમો. ૧:૫.
૧૫. ખરું-ખોટું પારખવાથી બીજો કયો ફાયદો થશે?
૧૫ ખરું-ખોટું પારખવાથી આપણા દિલનું પણ રક્ષણ થાય છે. આપણે ‘વિચિત્ર ઉપદેશમાં’ ફસાઈ જતા નથી. (હેબ્રી ૧૩:૯ વાંચો.) સત્યમાં પ્રગતિ કરતા રહેવાથી, આપણે જે “શ્રેષ્ઠ છે” એ જ કરીશું. (ફિલિ. ૧:૯, ૧૦) યહોવાહે જે કર્યું છે, એની કદર કરતા રહીશું. (રૂમી ૩:૨૪) “સમજણમાં પ્રૌઢ” કે અનુભવી બનીશું. યહોવાહ સાથેનો નાતો પાકો કરતા રહીશું.—૧ કોરીં. ૧૪:૨૦.
૧૬. એક બહેનને યહોવાહની દિલથી ભક્તિ કરવા કઈ રીતે મદદ મળી?
૧૬ લીયા બહેનનો દાખલો લઈએ. તે કબૂલ કરે છે કે બાપ્તિસ્મા પછી તે ભાઈ-બહેનોને ખુશ રાખવા જ બધું કરતી હતી. તે કહે છે કે “હું કંઈ ખોટું કરતી ન હતી. પણ પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરવી જોઈએ, એ કરતી ન હતી. મારે એમાં સુધારો કરવાનો હતો.” લીયાએ સુધારો કરવા ઘણી મહેનત કરી. યહોવાહની ભક્તિ માટે “મન દૃઢ” કર્યું. સમય જતાં તંદુરસ્તી બગડી ત્યારે પણ, તે યહોવાહ સાથેનો નાતો પાકો રાખી શકી. (યાકૂ. ૫:૮) તેણે કહ્યું કે “બીમારી સહેવી સહેલી નʼતી, પણ યહોવાહ સાથેનો નાતો પાકો થયો.”
“અંતઃકરણથી” યહોવાહનું માનીએ
૧૭. પહેલી સદીમાં શિષ્યોએ કેમ સલાહ માનવાની જરૂર હતી?
૧૭ ઈસુએ શિષ્યોને “ઉજ્જડની અમંગળપણાની નિશાની” આપી હતી. એ પારખીને તેઓ ‘પહાડો પર નાસી ગયા.’ એ નિશાની શું હતી? યરૂશાલેમને ઘેરેલું રૂમી લશ્કર. (માથ. ૨૪:૧૫, ૧૬) યરૂશાલેમનો નાશ થયા પહેલાં ખ્રિસ્તીઓ ઈસુની ચેતવણી માનીને ત્યાંથી નાસી છૂટ્યા. ધાર્મિક ઇતિહાસકાર યુસીબસના કહેવા મુજબ તેઓ ગિલઆદના પહાડી વિસ્તારમાં પેલ્લા નામના ગામમાં રહેવા માંડ્યા. પાઊલની સલાહ માનીને તેઓ ‘સંપૂર્ણતા સુધી આગળ વધ્યા’ અને વિનાશમાંથી બચી ગયા.
૧૮, ૧૯. (ક) યહોવાહની આજ્ઞાઓ પાળવી કેમ મહત્ત્વની છે? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?
૧૮ ઈસુએ કહ્યું હતું કે “મોટી વિપત્તિ” આવશે. (માથ. ૨૪:૨૧) એમાંથી બચવા આપણે પણ સત્યમાં આગળ વધતા રહીએ. ‘વિશ્વાસુ કારભારી’ માર્ગદર્શન આપે, એ પ્રમાણે તરત જ કરીએ. (લુક ૧૨:૪૨) આપણને જે કહેવામાં આવે, એ “અંતઃકરણથી” કરીએ!—રૂમી ૬:૧૭.
૧૯ ખરું-ખોટું પારખવાની આવડત કેળવવાથી સત્યમાં પ્રગતિ કરતા રહીશું. એ માટે બાઇબલની સારી સમજણ કેળવીએ. યહોવાહની આજ્ઞાઓ પાળીએ. કદાચ યુવાનો માટે એમ કરવું સહેલું નથી. હવે પછીનો લેખ બતાવશે કે યહોવાહ સાથે નાતો બાંધવા યુવાનો શું કરી શકે. (w09 5/15)
[ફુટનોટ્સ]
a અમુક નામ બદલ્યાં છે.
b ચોકીબુરજ ઑક્ટોબર ૧, ૧૯૯૯માં “ખોટું કરવાની બાબતમાં ના કહેવાનું સામર્થ્ય મેળવો” લેખ જુઓ.
આપણે શું શીખ્યા?
• સત્યમાં અનુભવી બનવા કેવી પ્રગતિ કરવી જોઈએ?
• સત્યમાં પ્રગતિ કરવા બાઇબલની સારી સમજણ કઈ રીતે મદદ કરે છે?
• ખાસ કરીને કઈ રીતે આજ્ઞા પાળતા શીખીએ છીએ?
• ખરું-ખોટું પારખવાથી કેવા આશીર્વાદો મળે છે?
[પાન ૧૪ પર ચિત્ર]
ગેરસમજ દૂર કરવા બાઇબલ મદદ કરે છે
[પાન ૧૬ પર ચિત્ર]
ઈસુની ચેતવણી માનીને, શિષ્યો બચી ગયા