અભ્યાસ લેખ ૨૩
“તમારું નામ પવિત્ર મનાઓ”
‘હે યહોવા તમારું નામ કાયમ ટકે છે.’—ગીત. ૧૩૫:૧૩.
ગીત ૯ યહોવાનો જયજયકાર
ઝલકa
૧-૨. યહોવાના સાક્ષીઓને કઈ બે બાબતો જાણવામાં વધારે રસ છે?
યહોવાના સાક્ષીઓ તરીકે આપણને આ બે બાબતો જાણવામાં વધારે રસ છે: એક, ફક્ત યહોવાને જ રાજ કરવાનો હક છે. બીજી, યહોવાનું નામ પવિત્ર મનાવવામાં આવે. એ બંને બાબતો મહત્ત્વની છે. પણ યહોવાનો રાજ કરવાનો હક અને તેમના નામને પવિત્ર મનાવવું, શું એ બંને અલગ અલગ છે? ના. ચાલો એના વિશે વધુ જોઈએ.
૨ આપણે જાણીએ છીએ કે યહોવાના નામને ખરાબ કરવામાં આવ્યું છે. એટલે તેમના નામ પર લાગેલા કલંકને દૂર કરવું જોઈએ અને એને પવિત્ર મનાવવું જોઈએ. આપણને એ પણ ખબર છે કે યહોવાને જ રાજ કરવાનો હક છે, એ સાબિત થવું જોઈએ. એટલે એ બંને બાબતો આપણા માટે મહત્ત્વની છે.
૩. યહોવાના નામમાં શેનો સમાવેશ થાય છે?
૩ યહોવાના નામની વાત કરીએ ત્યારે એમાં ઘણું બધું આવી જાય છે. એમાં તેમની રાજ કરવાની રીત પણ આવી જાય છે. જ્યારે યહોવાના નામ પરથી કલંક દૂર કરવામાં આવશે, ત્યારે એ પણ સાબિત થશે કે યહોવાનું રાજ સૌથી સારું છે. એટલે કહી શકાય કે યહોવાનું નામ અને તેમનો રાજ કરવાનો હક એકબીજા સાથે જોડાયેલા છે.—“એક મહત્ત્વના મુદ્દા સાથે જોડાયેલી બાબતો” બૉક્સ જુઓ.
૪. (ક) ગીતશાસ્ત્ર ૧૩૫:૧૩માં ઈશ્વરના નામ વિશે શું જણાવ્યું છે? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોના જવાબ જોઈશું?
૪ યહોવાનું નામ અજોડ છે. (ગીતશાસ્ત્ર ૧૩૫:૧૩ વાંચો.) એ નામ કેમ મહત્ત્વનું છે? એ નામ પહેલી વાર કઈ રીતે ખરાબ થયું? યહોવા પોતાના નામને કઈ રીતે પવિત્ર કરે છે? તેમના નામ પરથી કલંક દૂર કરવા આપણે શું કરી શકીએ? ચાલો એ સવાલોના જવાબ જાણીએ.
એ નામનું મહત્ત્વ
૫. યહોવાના નામને પવિત્ર કરવા વિશે અમુકને કેવું લાગે છે?
૫ ઈસુએ સમજાવ્યું કે પ્રાર્થનામાં સૌથી પહેલા ઈશ્વરના નામને મહત્ત્વ આપવું જોઈએ. એટલે તેમણે કહ્યું “તમારું નામ પવિત્ર મનાઓ.” (માથ. ૬:૯) પણ ઈસુના એ શબ્દોનો શો અર્થ થાય? કોઈ વસ્તુને પવિત્ર કરવાનો અર્થ થાય કે એને શુદ્ધ કરવું. પણ અમુકને લાગે કે ‘યહોવાનું નામ તો પહેલેથી જ પવિત્ર અને શુદ્ધ છે, તો પછી એને પવિત્ર કરવાની કેમ જરૂર પડી?’ એનો જવાબ જાણવા ચાલો પહેલા જોઈએ કે એક નામમાં શાનો સમાવેશ થાય છે.
૬. શા માટે નામ ખૂબ મહત્ત્વનું છે?
૬ કોઈ નામ ફક્ત બોલવા કે કાગળ પર લખવા માટે જ હોતું નથી. બાઇબલમાં લખ્યું છે: ‘ભલું નામ એ પુષ્કળ ધન કરતાં સારું છે.’ (નીતિ. ૨૨:૧; સભા. ૭:૧) શા માટે નામ ખૂબ મહત્ત્વનું છે? વ્યક્તિનું નામ સાંભળીને લોકો તેના વિશે શું વિચારે છે, એનાથી ખબર પડે છે કે તેની છાપ કેવી છે. એટલે વ્યક્તિનું નામ કઈ રીતે લખાય છે કે બોલાય છે, એ મહત્ત્વનું નથી. પણ એ નામ સાંભળીને લોકો તેના વિશે શું વિચારે છે, એ મહત્ત્વનું છે.
૭. લોકો કઈ રીતે યહોવાનું નામ ખરાબ કરે છે?
૭ લોકો યહોવા વિશે જૂઠું બોલે છે ત્યારે જાણે તેમનું નામ ખરાબ કરે છે. સૌથી પહેલા એદન બાગમાં યહોવાનું નામ ખરાબ કરવામાં આવ્યું હતું. ચાલો એ વિશે વધારે જોઈએ.
પહેલી વાર કઈ રીતે તેમનું નામ ખરાબ થયું?
૮. આદમ અને હવા શું જાણતા હતા? બીજા કયા સવાલો થઈ શકે?
૮ આદમ અને હવા જાણતા હતા કે ઈશ્વરનું નામ યહોવા છે. તેઓને ખબર હતી કે યહોવા આપણા સર્જનહાર છે. તેઓ એ પણ જાણતા હતા કે, યહોવાએ જ રહેવા માટે સુંદર ઘર આપ્યું છે અને તેઓને એકબીજાના જીવનસાથી બનાવ્યા છે. (ઉત. ૧:૨૬-૨૮; ૨:૧૮) યહોવાએ તેઓ માટે જે કર્યું એ વિશે શું તેઓએ વિચાર કર્યો હશે? શું તેઓએ યહોવા માટે પ્રેમ અને કદર બતાવ્યાં હશે? એ સવાલોના જવાબ મેળવવા, ચાલો જોઈએ કે શેતાને તેઓને લલચાવ્યાં ત્યારે તેઓએ શું કર્યું.
૯. (ક) ઉત્પત્તિ ૨:૧૬, ૧૭માં જણાવ્યા પ્રમાણે યહોવાએ આદમ અને હવાને શું કહ્યું હતું? (ખ) ઉત્પત્તિ ૩:૧-૫માં શેતાને કઈ રીતે સત્યને ખોટી રીતે રજૂ કર્યું?
૯ ઉત્પત્તિ ૨:૧૬, ૧૭ અને ૩:૧-૫ વાંચો. સાપનો ઉપયોગ કરીને શેતાને હવાને સવાલ પૂછ્યો: “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?” એ સવાલની અંદર એક જૂઠાણું છુપાયેલું હતું. એ તો જાણે કડવા ઝેર જેવું હતું. ઈશ્વરે ફક્ત એક વૃક્ષનું ફળ ખાવાની ના પાડી હતી, બાકીના વૃક્ષના ફળ તેઓ ખાઈ શકતાં હતાં. એદન બાગમાં અલગ અલગ પ્રકારના વૃક્ષ હતા. આદમ અને હવા એના પરથી જાતજાતનાં ફળ ખાઈ શકતાં હતાં. (ઉત. ૨:૯) યહોવા ખરેખર ઉદાર છે. શેતાને એ સત્યને ખોટી રીતે રજૂ કર્યું. તેની વાત પરથી લાગે કે યહોવા ઉદાર નથી. હવાને શંકા ગઈ હશે કે, ‘શું યહોવા સાચે જ કંઈક છુપાવી રહ્યા છે?’
૧૦. શેતાને કઈ રીતે ઈશ્વરનું નામ ખરાબ કર્યું? એનું કેવું પરિણામ આવ્યું?
૧૦ શેતાને હવાને સવાલ પૂછ્યો ત્યાં સુધી તે ઈશ્વરને વફાદાર હતી. તેણે શેતાનને એ જ કહ્યું જે ઈશ્વરે કહ્યું હતું. અરે, તે તો એક ડગલું આગળ ગઈ અને કહ્યું કે એ વૃક્ષને અડકવું પણ નહિ. હવા જાણતી હતી કે ઈશ્વરની આજ્ઞા તોડવાથી મોતની સજા થશે. પણ શેતાને કહ્યું, “તમે નહિ જ મરશો.” (ઉત. ૩:૨-૪) આ વખતે શેતાન હળહળતું જૂઠું બોલ્યો. તેણે ઈશ્વરના નામને ખરાબ કર્યું. એમ કરીને તે જાણે હવાને કહી રહ્યો હતો કે યહોવા તો સાવ જૂઠા છે. આમ શેતાન ઈશ્વરનો વિરોધી બની ગયો. હવા તેની જાળમાં ફસાઈ ગઈ અને તેની વાત સાચી માની લીધી. (૧ તિમો. ૨:૧૪) તેણે યહોવા કરતાં શેતાન પર વધારે ભરોસો કર્યો અને સૌથી મોટી ભૂલ કરી. તેણે યહોવાની આજ્ઞા તોડી. જે ફળ ખાવાની તેમણે ના પાડી હતી એ તેણે ખાધું. પછી તેણે એ ફળ આદમને આપ્યું.—ઉત. ૩:૬.
૧૧. આદમ અને હવાએ શું કરવું જોઈતું હતું? તેઓએ શું કરવાનો પ્રયત્ન કર્યો નહિ?
૧૧ જો હવાએ શેતાનને આમ કહ્યું હોત તો કેટલું સારું થાત: ‘હું તને ઓળખતી નથી, તું કોણ છે? હું તો ફક્ત મારા પિતા યહોવાને ઓળખું છું અને તેમના પર ભરોસો રાખું છું. અમારી પાસે જે કંઈ છે, એ બધું જ તેમણે આપ્યું છે. તેમના વિશે આવું બોલવાની તારી હિંમત કઈ રીતે થઈ? જતો રહે અહીંથી!’ પોતાની વહાલી દીકરીના એવા શબ્દો સાંભળીને યહોવાનું દિલ ખુશીથી ઉભરાઈ ગયું હોત! (નીતિ. ૨૭:૧૧) પણ દુઃખની વાત છે કે તે યહોવાને વફાદાર ન રહી અને આદમ પણ યહોવાને વફાદાર ન રહ્યો. તેઓને પિતા યહોવા માટે પ્રેમ ન હતો. એટલે શેતાને યહોવાના નામને કલંક લગાડ્યું ત્યારે, એ કલંક દૂર કરવાનો તેઓએ પ્રયત્ન કર્યો નહિ.
૧૨. શેતાને કઈ રીતે હવાના મનમાં શંકાનાં બી વાવ્યાં? આદમ અને હવાએ શું કર્યું?
૧૨ આપણે જોયું તેમ શેતાન હવાના કાન ભરવા લાગ્યો. તેણે હવાના મનમાં શંકાનાં બી વાવ્યાં કે યહોવા સારા પિતા નથી. આમ તેણે યહોવાના નામ પર કલંક લગાડ્યું. આદમ અને હવા એ કલંકને દૂર કરવાનો પ્રયત્ન કર્યો નહિ. તેઓ શેતાનની વાતોમાં આવી ગયા અને યહોવાની વિરુદ્ધ ગયા. શેતાન આજે પણ એવી જ ચાલાકીઓ વાપરે છે. તે યહોવા વિરુદ્ધ અફવાઓ ફેલાવે છે. જેઓ શેતાનના જૂઠાણાને સાચા માની લે છે, તેઓ યહોવાના રાજનો નકાર કરે છે.
યહોવા પોતાના નામને પવિત્ર કરે છે
૧૩. હઝકીએલ ૩૬:૨૩માં જણાવ્યા પ્રમાણે બાઇબલનો મુખ્ય સંદેશો કયો છે?
૧૩ યહોવાનું નામ ખરાબ કરવામાં આવ્યું ત્યારે શું તે હાથ પર હાથ ધરીને બેસી રહ્યા? જરાય નહિ! આખા બાઇબલમાં બતાવ્યું છે કે યહોવા પોતાના નામ પર લાગેલા કલંકને દૂર કરવા કઈ કઈ બાબતો કરી છે. (ઉત. ૩:૧૫) બાઇબલનો મુખ્ય સંદેશો એ છે કે યહોવા પોતાના દીકરાના રાજ દ્વારા પોતાના નામને પવિત્ર કરશે. એટલું જ નહિ, ફરીથી પૃથ્વી પર નમ્ર લોકોને સુખ-શાંતિ આપશે. બાઇબલમાંથી શીખવા મળે છે કે યહોવા કઈ રીતે પોતાના નામને પવિત્ર કરશે.—હઝકીએલ ૩૬:૨૩ વાંચો.
૧૪. એદનમાં યહોવાનું નામ ખરાબ થયું ત્યારે તેમણે શું કર્યું?
૧૪ યહોવાનો હેતુ પૂરો ન થાય એ માટે શેતાને ઘણા ધમપછાડા કર્યા છે. પણ શેતાનને હાથ કંઈ લાગ્યું નથી. બાઇબલમાંથી જોવા મળ્યું છે કે યહોવાએ કઈ કઈ બાબતો કરી છે. એનાથી સાબિત થાય છે કે યહોવા ઈશ્વર જેવું બીજું કોઈ નથી. શેતાન યહોવાની વિરુદ્ધ ગયો અને બીજાઓને પણ પોતાની સાથે લેતો ગયો ત્યારે યહોવાનું કાળજું કપાઈ ગયું. (ગીત. ૭૮:૪૦) પોતાના નામ પર કલંક લાગ્યો ત્યારે તેમણે ધીરજ રાખી. તે ન્યાયથી અને સમજી-વિચારીને વર્ત્યા. તેમણે પોતાની અપાર શક્તિ અલગ અલગ રીતે બતાવી. સૌથી મહત્ત્વનું તો, તેમના દરેક કામમાં તેમનો પ્રેમ દેખાઈ આવ્યો છે. (૧ યોહા. ૪:૮) પોતાના નામને પવિત્ર મનાવવા તેમણે ઘણું કર્યું છે અને હજુ પણ કરી રહ્યા છે.
૧૫. (ક) શેતાન આજે કઈ રીતે ઈશ્વરનું નામ ખરાબ કરી રહ્યો છે? (ખ) તેના જૂઠાણામાં આવી જનાર લોકો શું કરે છે?
૧૫ શેતાન આજે પણ ઈશ્વરનું નામ ખરાબ કરી રહ્યો છે. તે લોકોના મનમાં એવું ઠસાવવા માંગે છે કે ઈશ્વરમાં ન તો બુદ્ધિ છે કે ન તો શક્તિ. તે આપણને પ્રેમ કરતા નથી અને તે ન્યાયથી વર્તતા નથી. તે લોકોને એવું માનવા ઉશ્કેરે છે કે ઈશ્વર છે જ નહિ. જેઓ ઈશ્વરમાં માને છે તેઓનાં મનમાં શેતાન એવું ઠસાવવા માંગે છે કે ઈશ્વરના નિયમો બહુ કડક છે અને ઈશ્વર લોકો સાથે ન્યાયથી વર્તતા નથી. શેતાન લોકોને એવું શીખવે છે કે યહોવા પથ્થર દિલ છે એટલે લોકોને નરકની આગમાં રિબાવે છે. જેઓ એ જૂઠાણામાં આવી જાય છે, તેઓ યહોવાના રાજ કરવાના હકને નકારે છે. શેતાનને ધૂળભેગો કરવામાં નહિ આવે ત્યાં સુધી તે ઈશ્વરના નામને કલંક લગાડતો રહેશે. તમને પણ યહોવાથી દૂર લઈ જવા તે જાળ ફેલાવશે. શું તમે તેની જાળમાં ફસાઈ જશો?
તમે કોના પક્ષે રહેશો?
૧૬. આદમ અને હવા જે કરવાનું ચૂકી ગયા એ તમે કઈ રીતે કરી શકો?
૧૬ યહોવા પોતાના નામને પવિત્ર મનાવવા આપણા જેવા પાપી માણસોનો ઉપયોગ કરે છે. જરા વિચારો આદમ અને હવા જે કરવાનું ચૂકી ગયા એ તમે કરી શકો છો. દુનિયામાં ઘણા લોકો યહોવાના નામને કલંક લગાડે છે, પણ તમે યહોવાના પક્ષમાં બોલી શકો છો. તમે બીજાઓને યહોવા વિશેનું આ સત્ય બતાવી શકો કે તે પવિત્ર, નેકદિલ, ભલું કરનારા અને પ્રેમાળ ઈશ્વર છે. (યશા. ૨૯:૨૩) તમે બતાવી શકો કે યહોવા તમારા રાજા છે. તમે લોકોને બતાવી શકો કે તેમની રાજ કરવાની રીત સૌથી સારી છે. એટલું જ નહિ, તેમના રાજમાં બધાને સુખ-શાંતિ મળશે.—ગીત. ૩૭:૯, ૩૭; ૧૪૬:૫, ૬, ૧૦.
૧૭. ઈસુએ કઈ રીતે પોતાના પિતાનું નામ પવિત્ર મનાવ્યું?
૧૭ યહોવાના નામને પવિત્ર મનાવીએ છીએ ત્યારે, આપણે ઈસુને પગલે ચાલીએ છીએ. (યોહા. ૧૭:૨૬) ઈસુએ લોકોને પોતાના પિતાનું નામ જણાવ્યું. એટલું જ નહિ, તેમણે બીજાઓને શીખવ્યું કે યહોવા કેવા ઈશ્વર છે. આમ, ઈસુએ પોતાના પિતાનું નામ પવિત્ર મનાવ્યું. ફરોશીઓ લોકોને યહોવા વિશે ખોટું શીખવતા. જેમ કે, યહોવા પથ્થર દિલ છે, તે આપણી પાસે વધુ પડતી આશા રાખે છે. આપણે યહોવા સાથે ક્યારેય નજીકનો સંબંધ કેળવી શકતા નથી. પણ ઈસુએ ફરોશીઓને ખોટા સાબિત કર્યા. તેમણે શીખવ્યું કે આપણે જેટલું કરી શકીએ છીએ, એનાથી વધારે યહોવા આપણી પાસે આશા રાખતા નથી. તે આપણી સાથે ધીરજથી વર્તે છે અને આપણને ખૂબ પ્રેમ કરે છે. તે દયાના સાગર છે અને આપણને માફ કરે છે. ઈસુ પાસે તેમના પિતા જેવા ગુણો હતા. તે પોતાના પિતાની જેમ લોકો સાથે વર્તતા હતા. એનાથી લોકો જોઈ શક્યા કે યહોવા કેવા ઈશ્વર છે.—યોહા. ૧૪:૯.
૧૮. શેતાને યહોવા વિશે ફેલાવેલું જૂઠાણું આપણે કઈ રીતે ખુલ્લું પાડી શકીએ?
૧૮ આપણે પણ ઈસુને પગલે ચાલી શકીએ છીએ. આપણે જે જાણીએ છીએ એ બીજાઓને જણાવીએ. આપણે લોકોને જણાવીએ કે યહોવા પ્રેમાળ છે અને આપણું ભલું કરે છે. એવું કરીએ છીએ ત્યારે આપણે શેતાને ફેલાવેલું યહોવા વિશેનું જૂઠાણું ખુલ્લું પાડીએ છીએ. આપણે લોકોના મનમાં યહોવા માટે આદર જગાડીએ છીએ ત્યારે, યહોવાના નામને પવિત્ર મનાવીએ છીએ. આપણે યહોવાને પગલે ચાલી શકીએ છીએ. અરે, આપણે પાપી હોવા છતાં એમ કરી શકીએ છીએ. (એફે. ૫:૧, ૨) આપણાં વાણી-વર્તનથી લોકોને સાફ દેખાઈ આવવું જોઈએ કે યહોવા કેવા ઈશ્વર છે. એમ કરીને આપણે યહોવાના નામને પવિત્ર મનાવીએ છીએ. લોકોને યહોવા વિશેનું સત્ય જણાવીને પણ આપણે તેમના નામને પવિત્ર મનાવીએ છીએ. એ પણ સાબિત કરી શકીએ છીએ કે પાપી હોવા છતાં આપણે યહોવાને વફાદાર રહી શકીએ છીએ.—અયૂ. ૨૭:૫.
૧૯. યશાયા ૬૩:૭ પ્રમાણે લોકોને શું શીખવવું સૌથી મહત્ત્વનું છે?
૧૯ યહોવાના નામને પવિત્ર મનાવવા બીજું શું કરી શકીએ? બીજાઓને બાઇબલમાંથી શીખવીએ ત્યારે, યહોવાના રાજ કરવાના હક વિશે ખાસ જણાવીએ. તેમના નિયમો વિશે પણ જણાવીએ અને એ બધું શીખવવું જરૂરી છે. પણ સૌથી મહત્ત્વનું તો એ છે કે તેઓ પિતા યહોવાને પ્રેમ કરવાનું અને તેમને વફાદાર રહેવાનું શીખે. એ માટે તેઓને યહોવાના સુંદર ગુણો વિશે શીખવીએ. તેઓને બતાવીએ કે જેમનું નામ યહોવા છે, એ ખરેખર કેવા ઈશ્વર છે. (યશાયા ૬૩:૭ વાંચો.) આપણે એ રીતે લોકોને શીખવીશું તો તેઓ યહોવાને કદી છોડશે નહિ. તેઓ યહોવાને પ્રેમ કરશે અને તેમની આજ્ઞાઓ પાળશે.
૨૦. આવતા લેખમાં શાના વિશે જોઈશું?
૨૦ યહોવાના નામને પવિત્ર મનાવવામાં શાનો સમાવેશ થાય છે એની આપણે ચર્ચા કરી. હવે સવાલ થાય કે, આપણે જે શીખવીએ અને જે કરીએ, એનાથી કઈ રીતે યહોવાને મહિમા મળી શકે? અને કઈ રીતે લોકો તેમની પાસે જઈ શકે? એ વિશે આપણે આવતા લેખમાં જોઈશું.
ગીત ૧૩૮ યહોવા તારું નામ
a આજે માણસો અને સ્વર્ગદૂતો સામે કયો સવાલ છે? એ સવાલ કેમ મહત્ત્વનો છે? એમાં આપણો શું ભાગ છે? એવા સવાલોના જવાબ જાણવાથી યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થશે.
b ચિત્રની સમજ: શેતાને હવાને કહ્યું કે ઈશ્વર જૂઠા છે, આમ તેણે ઈશ્વરનું નામ ખરાબ કર્યું. વર્ષોથી, તે જૂઠું શિક્ષણ ફેલાવી રહ્યો છે. જેમ કે, ઈશ્વર પથ્થર દિલ છે અને તે આપણા સર્જનહાર નથી.
c ચિત્રની સમજ: એક ભાઈ બાઇબલમાંથી શીખવતી વખતે ખાસ યહોવાના ગુણો વિશે બતાવી રહ્યા છે.