અભ્યાસ લેખ ૧૦
બાપ્તિસ્મા લેતા મને શું રોકે છે?
“ફિલિપ તથા અધિકારી બંને પાણીમાં ઊતર્યા અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.”—પ્રે.કા. ૮:૩૮.
ગીત ૭ હર ઘડી સોંપી દઉં યહોવાને
ઝલકa
૧. આદમ અને હવાએ કરેલી પસંદગીનું શું પરિણામ આવ્યું?
ખરું-ખોટું નક્કી કરવાનો હક કોને છે? આદમ અને હવાએ ભલું-ભૂંડું જાણવાના ઝાડનું ફળ ખાધું. આમ, તેઓએ જાતે નક્કી કર્યું કે પોતાના માટે ખરું શું છે અને ખોટું શું છે. એનાથી સાફ દેખાઈ આવ્યું કે, તેઓને યહોવા અને તેમનાં ધોરણો પર ભરોસો ન હતો. (ઉત. ૩:૨૨) એનું શું પરિણામ આવ્યું? યહોવા સાથેનો સંબંધ તૂટી ગયો. તેઓએ હંમેશ માટેનું જીવન ગુમાવ્યું. તેઓમાં પાપ અને મરણ આવ્યું. તેઓએ વારસામાં પોતાનાં બાળકોને પણ એ આપ્યું. (રોમ. ૫:૧૨) આદમ અને હવાએ કરેલી પસંદગીથી બધા મનુષ્યો મોતની ખાઈમાં ધકેલાઈ ગયા.
૨-૩. (ક) ફિલિપે ઇથિયોપિયાના અધિકારીને ખુશખબર જણાવી ત્યારે તેણે શું કર્યું? (ખ) બાપ્તિસ્મા લેવાથી આપણને કેવા આશીર્વાદો મળે છે અને આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૨ જરા વિચારો કે ફિલિપે ઇથિયોપિયાના અધિકારીને ખુશખબર જણાવી ત્યારે તેણે શું કર્યું હતું. યહોવા અને ઈસુએ તેના માટે જે કર્યું હતું, એની તેણે કદર કરી અને તરત બાપ્તિસ્મા લીધું. (પ્રે.કા. ૮:૩૪-૩૮) આદમ અને હવા કરતાં એ અધિકારી એકદમ અલગ રીતે વર્ત્યો હતો. આપણે પણ ઈશ્વરને પોતાનું જીવન સમર્પણ કરીને એ અધિકારીની જેમ બાપ્તિસ્મા લઈએ છીએ. એનાથી સાફ દેખાઈ આવે છે કે યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું છે, એની આપણે કદર કરીએ છીએ. આમ બતાવીએ છીએ કે આપણને યહોવા પર ભરોસો છે. તેમ જ, આપણે માનીએ છીએ કે ખરું-ખોટું નક્કી કરવાનો હક ફક્ત તેમની પાસે જ છે.
૩ યહોવાની ભક્તિથી આપણને કેટલા બધા આશીર્વાદો મળે છે! આદમ અને હવાએ જે ગુમાવ્યું હતું, એ બધું યહોવા આપણને ભાવિમાં આપશે. અરે, હંમેશ માટેનું જીવન પણ તે આપશે. ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકવાથી યહોવા આપણી ભૂલો માફ કરે છે અને એનાથી આપણું અંતઃકરણ શુદ્ધ રહે છે. (માથ. ૨૦:૨૮; પ્રે.કા. ૧૦:૪૩) સોનેરી ભાવિની આશા રાખતા ઈશ્વરભક્તોમાં આપણો પણ સમાવેશ થાય છે. (યોહા. ૧૦:૧૪-૧૬; રોમ. ૮:૨૦, ૨૧) અમુક લોકોને યહોવા વિશે અને તેમના તરફથી મળનાર આશીર્વાદો વિશે શીખવા મળ્યું છે. તેમ છતાં, ઇથિયોપિયાના અધિકારીએ જે કર્યું, એવું કરતા તેઓ અચકાય છે. બાપ્તિસ્મા લેતા તેઓને કઈ બાબતો રોકી શકે? બાપ્તિસ્મા લેવા તેઓને કઈ બાબતો મદદ કરી શકે?
બાપ્તિસ્મા લેતા રોકતી બાબતો
૪-૫. એવરી અને હાન્નાને કઈ મુશ્કેલી હતી?
૪ પોતાના પર ભરોસો ન હોય. એવરીભાઈનાં માતાપિતા યહોવાના સાક્ષી છે. લોકો તેના પિતાને એક પ્રેમાળ પિતા અને સારા વડીલ તરીકે ઓળખતા હતા. પણ એવરી બાપ્તિસ્મા લેતા અચકાતો હતો. તે કહે છે: ‘મારા પપ્પાની શાખ એટલી સારી હતી કે મને લાગતું, હું તેમના જેવો સારો માણસ બની શકીશ નહિ.’ એવરી એવું વિચારતો કે ભવિષ્યમાં તેને જવાબદારી આપવામાં આવશે તો, એને સારી રીતે નિભાવી શકશે નહિ. તે જણાવે છે: ‘મને ચિંતા થતી કે જો મને પ્રાર્થના કરવાનું, પ્રવચન આપવાનું કે પ્રચારના ગ્રૂપની દેખરેખ રાખવાનું કહેવામાં આવશે, તો હું શું કરીશ.’
૫ હાન્નાબેન ૧૮ વર્ષની છે. તેને પોતાનામાં જરાય ભરોસો ન હતો, તેનામાં આત્મવિશ્વાસની ખામી હતી. તેનાં માતાપિતા યહોવાના સાક્ષી છે. તેને બાળપણથી યહોવાનું શિક્ષણ મળ્યું હતું. તોપણ તેને ચિંતા થતી કે, પોતે યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલી શકશે કે નહિ. તેને લાગતું કે પોતે કંઈ કરી શકશે નહિ. અમુક વાર તે જાણીજોઈને એવું કંઈક કરતી, જેનાથી તેના શરીરને નુકસાન થાય. એનાથી તે સાવ નિરાશ થઈ જતી. તે કહે છે: ‘મારી હરકતો વિશે હું કોઈનેય જણાવતી નહિ, મારાં મમ્મીપપ્પાનેય નહિ. મને થતું કે હું જે કરું છું, એ માટે યહોવા મને ક્યારેય માફ નહિ કરે. મને ક્યારેય તેમની ભક્ત નહિ ગણે.’
૬. બાપ્તિસ્મા લેતા વેનિશાને કઈ બાબત રોકતી હતી?
૬ મિત્રોની અસર. વેનિશાબેન ૨૨ વર્ષની છે. તે કહે છે: ‘મારી એક ખાસ બહેનપણી હતી, જેને હું વર્ષોથી ઓળખતી હતી.’ તેણે વેનિશાને બાપ્તિસ્મા લેવા ઉત્તેજન આપ્યું ન હતું. વેનિશા બાપ્તિસ્મા લેવા માંગતી હતી, એટલે બહેનપણીના વલણથી તે દુઃખી થઈ. તે કહે છે: ‘મિત્રો બનાવવું મને અઘરું લાગતું. મને થતું કે જો હું તેની સાથેની મિત્રતા તોડી નાખીશ, તો તેના જેવી બહેનપણી મને નહિ મળે.’
૭. મકેલાને શાનો ડર હતો અને શા માટે?
૭ પાપ થઈ જશે એવો ડર. મકેલાબેન પાંચ વર્ષની હતી ત્યારે તેના ભાઈને બહિષ્કૃત કરવામાં આવ્યો હતો. મોટી થઈ ત્યારે તેને સમજાયું કે ભાઈને લીધે તેનાં મમ્મીપપ્પા કેટલાં દુઃખી થતાં હતાં. મકેલા કહે છે: ‘મને ડર હતો કે બાપ્તિસ્મા પછી કોઈ પાપ થઈ જાય અને મને બહિષ્કૃત કરવામાં આવે તો, મમ્મીપપ્પા વધારે દુઃખી થશે.’
૮. માઈલ્સને શાનો ડર હતો?
૮ વિરોધ થશે એવો ડર. માઈલ્સભાઈની માતા યહોવાની સાક્ષી નથી. પણ તેના પિતા અને સાવકી માતા યહોવાના સાક્ષી છે. માઈલ્સ જણાવે છે: ‘હું ૧૮ વર્ષથી મારી મમ્મી સાથે રહેતો હતો. મારે બાપ્તિસ્મા લેવું હતું, પણ મમ્મીને કહેતા ડરતો હતો. પપ્પા યહોવાના સાક્ષી બન્યા ત્યારે મમ્મીએ કેવું વર્તન કર્યું હતું, એ મેં જોયું હતું. મને ડર હતો કે મમ્મી મારી સાથે પણ એવું જ કરશે.’
બાપ્તિસ્મા લેવા મદદ કરતી બાબતો
૯. તમે યહોવાનાં પ્રેમ અને ધીરજ વિશે શીખશો તો કેવો ફાયદો થશે?
૯ શા માટે આદમ અને હવા યહોવાથી દૂર જતાં રહ્યાં? કારણ કે તેઓનાં દિલમાં યહોવા માટે ઊંડો પ્રેમ ન હતો. યહોવાએ તેઓને તરત મારી નાખ્યાં નહિ. યહોવાએ તેઓને પોતાની રીતે જીવવાની છૂટ આપી. તેઓને બાળકો થયાં અને તેઓએ પોતાનાં ધોરણો પ્રમાણે બાળકોનો ઉછેર કર્યો. એનાથી સાફ દેખાઈ આવ્યું કે યહોવાથી દૂર જઈને તેઓએ કેટલી મોટી ભૂલ કરી છે. તેઓના મોટા દીકરાએ પોતાના જ ભાઈને મારી નાખ્યો. સમય જતાં, આદમનાં સંતાનો એટલે કે બધા મનુષ્યોમાં હિંસા અને સ્વાર્થ આવી ગયાં. (ઉત. ૪:૮; ૬:૧૧-૧૩) આદમ અને હવાના જે બાળકો યહોવાની ભક્તિ કરવા માંગતાં હતાં, તેઓ માટે યહોવાએ એક માર્ગ ખોલ્યો. (યોહા. ૬:૩૮-૪૦, ૫૭, ૫૮) યહોવાનાં પ્રેમ અને ધીરજ વિશે શીખતા જશો તેમ, યહોવા માટેનો તમારો પ્રેમ વધતો જશે. તમે આદમ અને હવાની જેમ નહિ વર્તો. તમે યહોવાને પોતાનું જીવન સમર્પણ કરશો.
૧૦. ગીતશાસ્ત્ર ૧૯:૭ પર મનન કરવાથી યહોવાની સેવામાં લાગુ રહેવા કઈ રીતે મદદ મળે છે?
૧૦ યહોવા વિશે શીખતા રહો. તમે એક સારા ઈશ્વરભક્ત બની શકો છો એવી ખાતરી મેળવવા યહોવા વિશે શીખતા જાઓ. અગાઉ આપણે એવરી વિશે જોઈ ગયા. તે જણાવે છે: ‘ગીતશાસ્ત્ર ૧૯:૭માં યહોવાએ આપેલું વચન હું વાંચું છું અને એના પર મનન કરું છું. એટલે પોતાના પરનો ભરોસો વધ્યો છે.’ (વાંચો.b) એવરીએ અનુભવ કર્યો કે યહોવા એ વચન પૂરું કરી રહ્યા છે. એનાથી એવરીનો યહોવા માટેનો પ્રેમ વધુ મજબૂત થયો. યહોવા માટેના પ્રેમથી આપણને પણ મદદ મળે છે. એનાથી આપણો ભરોસો વધે છે. યહોવાને પસંદ નથી એવી બાબતોથી દૂર રહેવા અને તેમની સેવામાં લાગુ રહેવા મદદ મળે છે. અગાઉ આપણે હાન્ના વિશે જોઈ ગયા. તે કહે છે: ‘બાઇબલ વાંચવાથી અને એનો અભ્યાસ કરવાથી સમજાયું કે હું પોતાને દુઃખ પહોંચાડું છું ત્યારે યહોવાને પણ દુઃખી કરું છું.’ (૧ પીત. ૫:૭) હાન્ના ઈશ્વરના ‘સંદેશા પ્રમાણે ચાલનાર’ બની. (યાકૂ. ૧:૨૨) એનું શું પરિણામ આવ્યું? તે જણાવે છે: ‘હું જોઈ શકી કે યહોવાની આજ્ઞા પાળવાથી મને ફાયદો થાય છે. એનાથી યહોવા માટેનો મારો પ્રેમ મજબૂત થયો છે. હવે મને પૂરી ખાતરી છે કે જરૂર પડશે ત્યારે યહોવા ચોક્કસ મને મદદ કરશે.’ હાન્ના હવે પોતાને નુકસાન પહોંચાડતી નથી. તેણે યહોવાને સમર્પણ કર્યું છે અને બાપ્તિસ્મા લીધું છે.
૧૧. સારા મિત્રો બનાવવા વેનિશાએ શું કર્યું અને એનાથી આપણે શું શીખી શકીએ?
૧૧ સમજી-વિચારીને મિત્રો પસંદ કરો. અગાઉ આપણે વેનિશા વિશે જોઈ ગયા. બહેનપણીને લીધે તે બાપ્તિસ્મા લેતી ન હતી. એ વાત વેનિશાને સમજાઈ ત્યારે તેણે બહેનપણીને છોડી દીધી. તેણે મંડળમાં મિત્રો બનાવવા મહેનત કરી. નુહ અને તેમના કુટુંબના દાખલાથી તેને મદદ મળી. એ વિશે તે જણાવે છે: ‘તેઓની આસપાસના લોકો યહોવાને પ્રેમ કરતા ન હતા. એટલે તેઓ કુટુંબ તરીકે વધારે સમય વિતાવતા હતા અને એકબીજાની વધારે નજીક હતા.’ બાપ્તિસ્મા લીધા પછી વેનિશા પાયોનિયર બની. તે કહે છે: ‘નુહના કુટુંબ વિશે વિચારવાથી મને મંડળમાં સારા મિત્રો બનાવવા મદદ મળી. એટલું જ નહિ, હું બીજા મંડળનાં ભાઈ-બહેનોને પણ મિત્રો બનાવી શકી.’ યહોવાએ સોંપેલા કામમાં બને એટલો વધારે સમય આપવાથી તમે પણ સારા મિત્રો બનાવી શકો છો.—માથ. ૨૪:૧૪.
૧૨. આદમ અને હવાએ કેવો ડર રાખ્યો નહિ? એનું શું પરિણામ આવ્યું?
૧૨ યહોવાનો ડર રાખવો. અમુક બાબતોનો ડર રાખવો સારું કહેવાય. દાખલા તરીકે, કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે ઈશ્વર એનાથી નારાજ થશે કે કેમ, એનો વિચાર કરવો જોઈએ. એવો ડર રાખવો જરૂરી છે. (ગીત. ૧૧૧:૧૦) જો આદમ-હવાએ યહોવાનો ડર રાખ્યો હોત, તો તેઓએ યહોવા વિરુદ્ધ બંડ કર્યું ન હોત. તેઓએ તો યહોવાની આજ્ઞા તોડવાનું પસંદ કર્યું. તેઓએ પોતાનાં બાળકોને વારસામાં પાપ અને મરણ આપ્યાં. ઈશ્વરની આજ્ઞા તોડી છે એવું ભાન થયું ત્યારે, તેઓને શરમ આવી અને પોતાને ઢાંકવા તેઓએ કપડાં બનાવ્યાં.—ઉત. ૩:૭, ૨૧.
૧૩-૧૪. (ક) આપણે શા માટે મરણથી ડરવું ન જોઈએ? (ખ) યહોવાને પ્રેમ કરવાનાં આપણી પાસે કયા કારણો છે?
૧૩ યહોવા નારાજ થઈ જશે, એવો ડર રાખવો યોગ્ય કહેવાય. પણ અમુક બાબતોનો વધારે પડતો ડર રાખવો યોગ્ય કહેવાશે નહિ, જેમ કે મરણનો ડર. આપણે હંમેશ માટેનું જીવન મેળવી શકીએ માટે યહોવાએ માર્ગ ખોલ્યો છે. જો આપણાથી પાપ થઈ જાય પણ દિલથી પસ્તાવો કરીએ, તો યહોવા આપણને ચોક્કસ માફ કરશે. ઈસુના બલિદાનમાં આપણે બતાવેલી શ્રદ્ધાને આધારે યહોવા માફ કરશે. શ્રદ્ધા બતાવવાની એક મહત્ત્વની રીત છે કે, ઈશ્વરને પોતાનું સમર્પણ કરવું અને બાપ્તિસ્મા લેવું.—૧ પીતર ૩:૨૧ વાંચો.
૧૪ યહોવાને પ્રેમ કરવાનાં આપણી પાસે ઘણાં કારણો છે. તે દરરોજ આપણને ઘણી ચીજવસ્તુઓ આપે છે, જેની આપણે મજા માણીએ છીએ. એટલું જ નહિ, તે પોતાના વિશે અને પોતાના હેતુઓ વિશે પણ આપણને શીખવે છે. (યોહા. ૮:૩૧, ૩૨) મંડળ દ્વારા તે આપણને માર્ગદર્શન અને સહારો આપે છે. મુશ્કેલીઓ સહેવા તે આપણને મદદ કરે છે. તેમણે આપણને હંમેશ માટેના જીવનની આશા આપી છે. (ગીત. ૬૮:૧૯; પ્રકટી. ૨૧:૩, ૪) યહોવા આપણને પ્રેમ કરે છે, એ બતાવવા તેમણે હમણાં આપણને ઘણું બધું આપ્યું છે. એના પર મનન કરવાથી તેમના માટેનો આપણો પ્રેમ વધશે અને આપણે તેમનો ડર રાખી શકીશું. યહોવા નારાજ થાય એવું કોઈ કામ આપણે કરીશું નહિ.
૧૫. મકેલાએ કઈ રીતે ડર પર જીત મેળવી?
૧૫ અગાઉ આપણે મકેલા વિશે જોઈ ગયા. પોતે પાપ કરી બેસશે એવા ડર પર જીત મેળવવા તેને ક્યાંથી મદદ મળી? જ્યારે તેને સમજાયું કે યહોવા દિલથી આપણને માફ કરે છે, ત્યારે તે પોતાના ડર પર જીત મેળવી શકી. તે કહે છે: ‘મને શીખવા મળ્યું કે આપણે બધા પાપી છીએ અને ડગલે ને પગલે ભૂલો કરીએ છીએ. મને એ પણ શીખવા મળ્યું કે યહોવા આપણને પ્રેમ કરે છે અને ઈસુના બલિદાનને આધારે તે આપણને માફ કરશે.’ યહોવા માટેના પ્રેમથી પ્રેરાઈને તેણે સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા લીધું.
૧૬. વિરોધ થશે એવા ડર પર જીત મેળવવા માઇલ્સને ક્યાંથી મદદ મળી?
૧૬ માઇલ્સને ડર હતો કે તે બાપ્તિસ્મા લેશે તો તેની મમ્મી વિરોધ કરશે. એટલે તેણે સરકીટ નિરીક્ષક પાસે મદદ માંગી. માઇલ્સ જણાવે છે: ‘એ ભાઈનાં મમ્મી પણ યહોવાના સાક્ષી ન હતાં. એટલે તે મને સમજી શકતા હતા. બાપ્તિસ્માનો નિર્ણય મેં પોતે લીધો છે, નહિ કે પપ્પાએ. એ વાત મમ્મીને સમજાવી શકું માટે ભાઈએ મને મદદ કરી.’ માઇલ્સનો નિર્ણય તેની મમ્મીને ગમ્યો નહિ. થોડા સમય પછી, તેણે મમ્મીનું ઘર છોડવું પડ્યું પણ તે પોતાના નિર્ણયમાંથી ડગ્યો નહિ. તે જણાવે છે: ‘હું શીખ્યો કે યહોવાએ મારા માટે ઘણું બધું કર્યું છે. એ મારા દિલને સ્પર્શી ગયું. ઈસુના બલિદાન પર ઊંડો વિચાર કરવાથી સમજાયું કે યહોવા મને કેટલો બધો પ્રેમ કરે છે. એનાથી હું યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લઈ શક્યો.’
તમારા નિર્ણય પ્રમાણે જીવો
૧૭. આપણે આદમ-હવા જેવા નથી એવું કઈ રીતે બતાવી શકીએ?
૧૭ એદન બાગમાં હવાએ ફળ તોડીને ખાધું ત્યારે તેણે યહોવાની આજ્ઞા તોડી. આદમે હવાને સાથ આપ્યો અને ફળ ખાધું. આમ તેણે બતાવી આપ્યું કે યહોવાએ તેના માટે જે કર્યું હતું, એની તેને જરાય કદર નથી. આપણે બતાવી શકીએ છીએ કે આપણે આદમ-હવા જેવા નથી. યહોવાએ આપણા માટે જે કર્યું છે, એની આપણે દિલથી કદર કરીએ છીએ. આપણે બાપ્તિસ્મા લઈને યહોવાને શું બતાવીએ છીએ? એ જ કે, આપણા માટે ખરું-ખોટું નક્કી કરવાનો હક ફક્ત યહોવાનો છે. એનાથી સાબિત કરી શકીશું કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને આપણને તેમના પર પૂરો ભરોસો છે.
૧૮. સારા ઈશ્વરભક્ત બનવા ક્યાંથી મદદ મળી શકે?
૧૮ બાપ્તિસ્મા લીધા પછી એક મુશ્કેલી આવી શકે. એ છે, પોતાનાં ધોરણો પ્રમાણે નહિ પણ યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવું. લાખો ઈશ્વરભક્તો આજે એ પ્રમાણે જીવી રહ્યા છે. આપણે કઈ રીતે તેઓની જેમ કરી શકીએ? બાઇબલનો ઊંડો અભ્યાસ કરીએ; નિયમિત રીતે ભાઈ-બહેનો સાથે હળીએ-મળીએ; યહોવા વિશે જે શીખ્યા એ બીજાઓને પણ જણાવીએ. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) બાઇબલ અને સંગઠન દ્વારા યહોવા જે સલાહ આપે છે, એના આધારે આપણે નિર્ણયો લેવા જોઈએ. (યશા. ૩૦:૨૧) એમ કરીશું તો સારા ઈશ્વરભક્ત બનવા મદદ મળશે.—નીતિ. ૧૬:૩, ૨૦.
૧૯. આપણે કઈ બાબત સમજવી જોઈએ અને શા માટે?
૧૯ યહોવાના માર્ગદર્શનથી આપણને ફાયદો થાય છે. એ બાબત સમજીશું ત્યારે યહોવા અને તેમનાં ધોરણો માટે આપણો પ્રેમ વધશે. શેતાન ચાહે છે કે આપણે યહોવાની ભક્તિ છોડી દઈએ. શેતાન ભલે ગમે એટલી જાળ બિછાવે, પણ આપણે એમાં ફસાઈશું નહિ. હજારો વર્ષો પછી તમે ક્યાં હશો એની કલ્પના કરો. તમે પાછળ વળીને જોશો ત્યારે તમને લાગશે કે, બાપ્તિસ્માનો નિર્ણય તમારા જીવનનો સૌથી સારો નિર્ણય હતો.
ગીત ૨૭ યહોવા મારો માલિક
a બાપ્તિસ્મા લેવું એ જીવનનો સૌથી મહત્ત્વનો નિર્ણય છે. શા માટે? એનો જવાબ આ લેખમાંથી મળશે. અમુક કારણોને લીધે બાપ્તિસ્મા લેતા અચકાતા હોય, એવા લોકોને પણ આ લેખથી મદદ મળશે.
b ગીતશાસ્ત્ર ૧૯:૭ (NW): ‘યહોવાનો નિયમ ખરો છે, એ તાજગી આપે છે. યહોવાનાં સલાહ-સૂચનો પર ભરોસો મૂકી શકાય છે, અનુભવ ન હોય એવા લોકોને એ હોશિયાર બનાવે છે.’
c ચિત્રની સમજ: ભરોસો: એક યુવાન સભામાં જવાબ આપતા અચકાય છે.
d ચિત્રની સમજ: મિત્રો: એક યુવાન બહેન ખરાબ બહેનપણી સાથે છે. જ્યારે તે બીજા સાક્ષીઓને જુએ છે, ત્યારે તે શરમ અનુભવે છે.
e ચિત્રની સમજ: પાપ થઈ જશે એવો ડર: એક નાની છોકરીનો ભાઈ બહિષ્કૃત થાય છે અને તે ઘર છોડીને જતો રહે છે. છોકરીને ચિંતા થાય છે કે પોતે પણ પાપ કરી બેસશે.
f ચિત્રની સમજ: વિરોધ: એક છોકરાની મમ્મી સત્યમાં નથી. મમ્મીની સામે પ્રાર્થના કરતા તે ડરે છે.
g ચિત્રની સમજ: ભરોસો: એક યુવાન વધારે અભ્યાસ કરે છે.
h ચિત્રની સમજ: મિત્રો: એક યુવાન બહેન સાક્ષી તરીકેની પોતાની ઓળખ વિશે હિંમત બતાવે છે.
i ચિત્રની સમજ: પાપ થઈ જશે એવો ડર: એક નાની છોકરી સત્ય શીખીને બાપ્તિસ્મા લે છે.
j ચિત્રની સમજ: વિરોધ: એક છોકરો હિંમતથી પોતાની માન્યતા વિશે મમ્મીને જણાવે છે.