તમે પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો
કેવું અદ્ભુત ભાવિ! સર્જનહારે આપણને પૃથ્વી પર હંમેશ માટેના જીવનનું વચન આપ્યું છે. જોકે, ઘણાને આ વાત માનવી અઘરી લાગે છે. તેઓ કહે છે, ‘જે જન્મે છે એ મરે છે. જીવન અને મૃત્યુ તો કુદરતી ચક્ર છે.’ બીજા અમુકને લાગે છે કે હંમેશ માટે જીવવું શક્ય છે, પણ પૃથ્વી પર નહિ. તેઓ માને છે કે મરણ પછી વ્યક્તિ અમર જીવન પામે છે અને સ્વર્ગમાં જાય છે. તમને શું લાગે છે?
તમે એ બાબતનો વિચાર કરો, એ પહેલાં ચાલો આપણે બાઇબલમાંથી આ ત્રણ સવાલોના જવાબ મેળવીએ: મનુષ્યની રચના પરથી તેના આયુષ્ય વિશે શું જાણવા મળે છે? પૃથ્વી અને માણસજાત માટે ઈશ્વરનો હેતુ શો હતો? શા માટે માણસોએ મરણનો સામનો કરવો પડે છે?
મનુષ્યની અજોડ રચના
પૃથ્વી પર ઈશ્વરે રચેલી સૃષ્ટિમાં મનુષ્ય સૌથી અજોડ છે. કઈ રીતે? બાઇબલ કહે છે કે ફક્ત મનુષ્યને ઈશ્વરના “સ્વરૂપ” અને “પ્રતિમા” પ્રમાણે બનાવવામાં આવ્યો છે. (ઉત્પત્તિ ૧:૨૬, ૨૭) એનો શો અર્થ થાય? ઈશ્વરે મનુષ્યોમાં પોતાના જેવા સ્વભાવ અને ગુણો મૂક્યા છે, જેમ કે પ્રેમ અને ન્યાય જેવા ગુણો.
વધુમાં, માણસ વિચારી શકે છે, દલીલ કરી શકે છે અને ખરું-ખોટું પારખી શકે છે. તેમ જ, ઈશ્વરને ઓળખવાની અને તેમની સાથે નજીકનો સંબંધ કેળવવાની ઇચ્છા રાખી શકે છે. એટલે જ આપણે અદ્ભુત બ્રહ્માંડ અને સૃષ્ટિની અજાયબીઓના ગુણગાન ગાઈ શકીએ છીએ. ઉપરાંત, આપણે કલા, સંગીત અને કવિતાની કદર કરી શકીએ છીએ. સૌથી મહત્ત્વનું તો, મનુષ્યોની અંદર સર્જનહારની ભક્તિ કરવાની ઇચ્છા મૂકવામાં આવી છે. એ બાબતોને લીધે મનુષ્યો પૃથ્વી પરના બીજા પ્રાણીઓથી અલગ તરી આવે છે.
વિચાર કરો: ઈશ્વરે મનુષ્યને એવા અદ્ભુત ગુણો આપ્યા છે, જેને તે વધારે કેળવી શકે છે અને સુધારી શકે છે. જો તેને થોડાં વર્ષો જીવવા બનાવવામાં આવ્યો હોય, તો શા માટે તેને આવા અદ્ભુત ગુણો આપવામાં આવ્યા? એનું કારણ છે, ઈશ્વર ખરેખર ચાહતા હતા કે આપણે પૃથ્વી પર હંમેશ માટે જીવવાનો આનંદ માણીએ.
માણસજાત માટે ઈશ્વરનો મૂળ હેતુ
અમુક કહે છે કે ઈશ્વરે ક્યારેય મનુષ્યને હંમેશ માટે જીવવા બનાવ્યા ન હતા. તેઓ દાવો કરે છે કે પૃથ્વી તો થોડા સમય માટેનું રહેઠાણ છે. માણસ સ્વર્ગમાં ઈશ્વર સાથે અમર જીવન જીવવાને લાયક છે કે નહિ, એ તેના પૃથ્વી પરના જીવનથી નક્કી થાય છે. પરંતુ જો એ સાચું હોય, તો એનો અર્થ થાય કે પૃથ્વી પર થઈ રહેલી દુષ્ટતા માટે ઈશ્વર જવાબદાર છે. એ તો તેમના સ્વભાવથી તદ્દન વિરુદ્ધ છે. કારણ કે તેમના વિશે બાઇબલ કહે છે: ‘તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરા છે.’—પુનર્નિયમ ૩૨:૪.
પૃથ્વી માટેના ઈશ્વરના હેતુ વિશે બાઇબલ સાફ જણાવે છે: ‘આકાશો તે યહોવાનાં આકાશો છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬) હા, ઈશ્વરે એને એ રીતે રચી છે, જેથી માણસો એમાં હંમેશાં રહી શકે. ઉપરાંત, તેમણે પૃથ્વીમાં એવી સુંદર બાબતો મૂકી છે કે, આપણે જીવનનો હંમેશાં આનંદ માણી શકીએ.—ઉત્પત્તિ ૨:૮, ૯.
‘આકાશો તે યહોવાનાં આકાશો છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.’—ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬
માણસ માટેના ઈશ્વરના હેતુ વિશે પણ બાઇબલ સ્પષ્ટ જણાવે છે. ઈશ્વરે પ્રથમ માનવ યુગલને આજ્ઞા આપી હતી કે, “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.” (ઉત્પત્તિ ૧:૨૮) પૃથ્વીની કાળજી લેવાનો અને એને બાગ જેવી બનાવવાનો મનુષ્યોને કેટલો સુંદર લહાવો મળ્યો હતો! સાચે જ, આદમ, હવા અને તેઓના વંશજો માટે પૃથ્વી પર હંમેશ માટે જીવવાનો લહાવો હતો.
આપણે શા માટે મરણ પામીએ છીએ?
મરણ વિશેના સવાલનો જવાબ શાસ્ત્રમાં જોવા મળે છે. શાસ્ત્ર કહે છે કે મનુષ્યો માટે ઈશ્વરે કરેલી ગોઠવણ પર એક સ્વર્ગદૂતે પાણી ફેરવવાનો પ્રયત્ન કર્યો. એ બળવાખોર સ્વર્ગદૂત શેતાન તરીકે ઓળખાયો. તમે જાણો છો, શું થયું હતું?
શેતાને આપણાં પ્રથમ માબાપ આદમ અને હવાને લલચાવ્યાં હતાં. આમ, શેતાને તેઓને પણ ઈશ્વર વિરુદ્ધ કરેલા બંડમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો. શેતાને દાવો કર્યો હતો કે ઈશ્વરે માણસોથી સારી બાબતો છુપાવી રાખી છે. એટલે કે, પોતાના માટે ખરું-ખોટું નક્કી કરવાનો હક. પ્રથમ યુગલે પણ ઈશ્વરનો સાથ છોડીને શેતાનને સાથ આપ્યો અને બળવો કર્યો. એનું શું પરિણામ આવ્યું? સમય જતાં, તેઓ મરણ પામ્યાં. ઈશ્વરે તેઓને પહેલેથી જ એ વિશે ચેતવ્યાં હતાં. તેઓએ પૃથ્વી પર હંમેશ માટે જીવવાનો અજોડ લહાવો ગુમાવી દીધો.—ઉત્પત્તિ ૨:૧૭; ૩:૧-૬; ૫:૫.
આદમ અને હવાએ કરેલા બંડની અસર આજ દિન સુધી માણસજાત ભોગવી રહી છે. શાસ્ત્ર જણાવે છે: “એક માણસથી [આદમથી] દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ અને બધા માણસોએ પાપ કર્યું હોવાથી તેઓમાં મરણ ફેલાયું.” (રોમનો ૫:૧૨) માણસો મરણ પામે છે એનું કારણ ઈશ્વરે કરેલી કોઈ ‘યોજના’ નથી, પણ પ્રથમ માબાપ પાસેથી વારસામાં મળેલું પાપ અને મરણ છે.
તમે હંમેશ માટે પૃથ્વી પર જીવી શકો છો
એદન બાગમાં થયેલા બંડથી ઈશ્વરનો માણસજાત અને પૃથ્વી માટેનો હેતુ નિષ્ફળ ગયો નથી. ઈશ્વરમાં અતૂટ પ્રેમ અને અદ્દલ ન્યાય જેવા ગુણો છે. એટલે, તેમણે આપણને પાપ અને મરણની ગુલામીમાંથી છોડાવવાની વ્યવસ્થા કરી. પ્રેરિત પાઊલ સમજાવે છે: “પાપ જે મજૂરી ચૂકવે છે, એ મરણ છે; પરંતુ, આપણા પ્રભુ, ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વર જે ભેટ આપે છે, એ હંમેશ માટેનું જીવન છે.” (રોમનો ૬:૨૩) હા, પ્રેમથી પ્રેરાઈને ઈશ્વરે “પોતાનો એકનો એક દીકરો [ઈસુ ખ્રિસ્ત] આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ તે હંમેશ માટેનું જીવન મેળવે.” (યોહાન ૩:૧૬) આદમને લીધે આપણે જે ગુમાવી દીધું, એ આપણને પાછું મળે એ માટે ઈસુએ ખુશીથી પોતાનો જીવ આપી દીધો.a
પૃથ્વી બાગ જેવી બનશે, એ વિશે ઈશ્વરે આપેલું વચન જલદી જ પૂરું થશે. જો તમે ઈસુની આ સલાહ સાંભળશો, તો એ તમારું પણ ભાવિ બની શકે છે: “સાંકડા દરવાજાથી અંદર જાઓ, કેમ કે વિનાશમાં લઈ જતો દરવાજો પહોળો છે અને એનો રસ્તો સરળ છે અને ઘણા એ રસ્તે જાય છે; જ્યારે કે જીવનમાં લઈ જતો દરવાજો સાંકડો છે અને એનો રસ્તો મુશ્કેલ છે અને બહુ થોડા લોકોને એ મળે છે.” (માથ્થી ૭:૧૩, ૧૪) હા, તમારું ભાવિ તમારા હાથમાં છે. તમે શું પસંદ કરશો?
a ઈસુના બલિદાનથી બીજા કયા ફાયદા થાય છે એ વિશે વધુ જાણવા યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા દુ:ખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૨૭ જુઓ. તમે આ વેબસાઇટ પરથી મફત ડાઉનલોડ કરી શકો: jw.org/gu