એકબીજાથી ભિન્ન વલણ વિકસાવતા ભાઈઓ
માબાપે લીધેલા નિર્ણયની તેઓનાં બાળકો પર ચોક્કસ અસર પડે છે. એદન બાગમાં જે બન્યું હતું એની અસર આજે પણ લાગુ પડે છે. આદમ અને હવાના બંડખોર વલણની આખી માણસજાત પર ઊંડી અસર પડી છે. (ઉત્પત્તિ ૨:૧૫, ૧૬; ૩:૧-૬; રૂમી ૫:૧૨) તોપણ, આપણે ઇચ્છીએ તો, આપણા ઉત્પન્નકર્તા સાથે સારો સંબંધ બાંધી શકીએ છીએ. આ આપણને માનવ ઇતિહાસના પ્રથમ સગા ભાઈઓ, કાઈન અને હાબેલના અહેવાલ પરથી જોવા મળે છે.
આદમ અને હવાને એદન બાગમાંથી કાઢી મૂક્યા પછી, પરમેશ્વરે તેઓ સાથે વાત કરી હોય એવો બાઇબલમાં કોઈ અહેવાલ જોવા મળતો નથી. તોપણ, યહોવાહે તેઓનાં બાળકો સાથે વાત કરવાનું બંધ કર્યું ન હતું. કાઈન અને હાબેલે પોતાનાં માબાપ પાસેથી જે કંઈ બન્યું એ વિષે સાંભળ્યું જ હશે. તેઓએ ‘જીવનના વૃક્ષની વાટને સાચવતા કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વગમ’ જોઈ હશે. (ઉત્પત્તિ ૩:૨૪) આ ભાઈઓએ સખત મહેનત કરવા વિષે અને દુઃખ સહેવા વિષે યહોવાહે આપેલા શાપની અસરને પોતાના વાસ્તવિક જીવનમાં પણ અનુભવી હશે.—ઉત્પત્તિ ૩:૧૬, ૧૭.
કાઈન અને હાબેલ, યહોવાહે શેતાનને કહેલા શબ્દોથી પણ સારી રીતે જાણકાર હશે: “તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત્પત્તિ ૩:૧૫) કાઈન અને હાબેલ, યહોવાહ વિષે જે કંઈ જાણતા હતા એનાથી તેઓ તેમની સાથે સારો સંબંધ બાંધવા જરૂર પ્રેરાયા હશે.
યહોવાહની ભવિષ્યવાણી અને પ્રેમાળ મદદ કરનાર તરીકેના તેમના ગુણો પર મનન કરીને કાઈન અને હાબેલે તેમની સાથે સારો સંબંધ કેળવવાની ઇચ્છા પણ વિકસાવી હશે. પરંતુ તેઓ કેટલી હદ સુધી પોતાની એ ઇચ્છા વિકસાવી શક્યા? શું તેઓએ પરમેશ્વરની ઉપાસના કરવાની પોતાની કુદરતી ઇચ્છાને ધ્યાન આપીને, તેમની સાથે સારો સંબંધ વિકસાવવા તેમના પર પૂરો ભરોસો કર્યો?—માત્થી ૫:૩.
ભાઈઓ અર્પણો લાવે છે
થોડા સમય પછી, કાઈન અને હાબેલ પરમેશ્વર માટે અર્પણો લાવ્યાં. કાઈન ભૂમિનાં ફળમાંથી અર્પણ લાવ્યો અને હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંના પ્રથમ જન્મેલાને લાવ્યો. (ઉત્પત્તિ ૪:૩, ૪) આ સમયે તેઓ લગભગ ૧૦૦ વર્ષના હશે કેમ કે આદમ ૧૩૦ વર્ષનો હતો ત્યારે, તે પોતાના પુત્ર શેથનો પિતા બન્યો.—ઉત્પત્તિ ૪:૨૫; ઉત્પત્તિ ૫:૩.
તેઓનાં અર્પણો બતાવે છે કે કાઈન અને હાબેલ પોતે પાપી છે એવું જાણતા હતા અને પરમેશ્વરની સ્વીકૃતિ મેળવવા ઇચ્છતા હતા. યહોવાહે સાપ અને સ્ત્રીના સંતાન વિષે જે વચન આપ્યું હતું એ વિષે તેઓએ કંઈક તો વિચાર્યું જ હશે. કાઈન અને હાબેલે પરમેશ્વર સાથે સ્વીકૃત સંબંધ વિકસાવવા માટે ક્યાં સુધી પ્રયત્નો કર્યા હશે એ વિષે કંઈ બતાવવામાં આવ્યું નથી. પરંતુ, પરમેશ્વરે તેઓના અર્પણોને જે દૃષ્ટિએ જોયા એના પરથી આપણને તેઓના આંતરિક ગુણો વિષે જોવા મળે છે.
કેટલાક વિદ્વાનો બતાવે છે કે હવાએ કાઈનને સર્પનો નાશ કરનારા “સંતાન” તરીકે જોયો હતો કેમ કે કાઈનના જન્મ વખતે તેણે કહ્યું: “યહોવાહની કૃપાથી મને પુત્ર મળ્યો છે.” (ઉત્પત્તિ ૪:૧) જો કાઈન પણ એવું માનતો હોય તો, તે તદ્દન ખોટો હતો. બીજી બાજુ, હાબેલે ચઢાવેલા અર્પણમાં વિશ્વાસ જોવા મળતો હતો. આમ, “વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારૂં બલિદાન દેવને આપ્યું.”—હેબ્રી ૧૧:૪.
હાબેલમાં આત્મિક બાબતોની ઊંડી સમજ હતી જ્યારે, કાઈનમાં એની ખામી હતી. પરંતુ, તેઓમાં ફક્ત આ એક જ બાબતે તફાવત ન હતો. તેઓના સ્વભાવમાં પણ ઘણો ફરક હતો. તેથી, “યહોવાહે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં; પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યાં નહિ.” દેખીતી રીતે જ, કાઈને ખાલી દેખાડો કરવા અથવા એક વિધિ તરીકે અર્પણ ચઢાવ્યું હતું. પરંતુ, પરમેશ્વરે આવી નામ પૂરતી ઉપાસનાને સ્વીકારી નહિ. કાઈને હૃદયમાં ખરાબ ગુણો વિકસાવ્યા અને યહોવાહ જોઈ શકતા હતા કે તેનું વલણ ખોટું છે. કાઈનનું અર્પણ સ્વીકારવામાં ન આવ્યું ત્યારે તેનું ખરું વલણ જોવા મળ્યું. પોતાનું વલણ બદલીને સુધારવાને બદલે, “કાઈનને બહુ રોષ ચઢ્યો, ને તેનું મોં ઊતરી ગયું.” (ઉત્પત્તિ ૪:૪, ૫) તેના આવા વલણમાં દુષ્ટ વિચારો અને ખરાબ ઇરાદાઓ જોવા મળતા હતા.
ચેતવણી અને પ્રત્યાઘાત
કાઈનનું વલણ જાણીને, પરમેશ્વરે તેને સલાહ આપતા કહ્યું: “તને કેમ રોષ ચઢ્યો છે? અને તારૂં મોં કેમ ઊતરી ગયું છે? જો તું સારૂં કરે, તો તું માન્ય નહિ થશે શું? પણ જો સારૂં ન કરે, તો પાપ તારે દ્વારે સંતાઇ રહે છે; અને તારી તરફ તેની ઇચ્છા થશે, ને તે પર તું ધણીપણું કરશે.”—ઉત્પત્તિ ૪:૬, ૭.
આ સલાહમાં આપણા માટે એક બોધપાઠ રહેલો છે. વાસ્તવમાં, પાપ આપણને હડપી લેવા માટે બારણે સંતાયેલું જ રહે છે. તોપણ, પરમેશ્વરે આપણને સ્વતંત્ર ઇચ્છા આપી છે. તેથી, ખરું અને ખોટું શું છે એ આપણે પોતે પસંદ કરી શકીએ છીએ. યહોવાહે કાઈનને ‘સારૂં કરવાનું’ કહ્યું, પરંતુ તેને પોતાનામાં બદલાણ કરવા દબાણ કર્યું નહિ. કાઈને પોતાનો માર્ગ પોતાની રીતે પસંદ કર્યો.
પ્રેરિત અહેવાલ આગળ બતાવે છે: “કાઈને પોતાના ભાઇ હાબેલને કહ્યું, કે આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઊઠીને તેને મારી નાખ્યો.” (ઉત્પત્તિ ૪:૮) આમ, કાઈન અનાજ્ઞાધીન અને નિષ્ઠુર ખૂની બન્યો. યહોવાહે તેને પૂછ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે?” ત્યારે તેણે જરાય પશ્ચાત્તાપ બતાવ્યા વગર, કઠોર બનીને જવાબ આપ્યો: “હું જાણતો નથી; શું હું મારા ભાઇનો રખેવાળ છું?” (ઉત્પત્તિ ૪:૯) આમ, કાઈન હડહડતું જૂઠું બોલ્યો અને જવાબદારી ન સ્વીકારીને પોતાના કઠણ હૃદયનો પુરાવો આપ્યો.
યહોવાહે કાઈનને શાપ આપ્યો અને તેને એદન બાગની આજુબાજુના વિસ્તારમાંથી કાઢી મૂક્યો. પરમેશ્વરે ભૂમિને પહેલેથી જ શાપ આપ્યો હતો આથી, દેખીતી રીતે જ કાઈન વધારે શ્રાપિત થયો. હવે ભૂમિ તેની ખેતીને ફળ આપવાનું ન હતું. તેણે ભટકતા રહેવાનું અને પૃથ્વી પર નાસતા રહેવાનું હતું. કાઈને પોતાની આવી કઠોર સજા સામે ફરિયાદ કરી એ બતાવે છે કે તેને પોતાના ભાઈનું ખૂન કરવા બદલ કોઈ તેના પર વેર વાળશે એવી ચિંતા થતી હતી. તેમ છતાં, તેણે સાચા હૃદયથી પસ્તાવો કર્યો નહિ. યહોવાહે કાઈન માટે “ચિહ્ન” ઠરાવી આપ્યું જેથી, બીજાઓ તેના કરવામાં આવેલા ન્યાયને જાણે અને વેર વાળવા તેને કોઈ મારી ન નાખે.—ઉત્પત્તિ ૪:૧૦-૧૫.
પછી કાઈન ‘યહોવાહ આગળથી નીકળી ગયો, ને એદનની પૂર્વગમ નોદ દેશમાં રહ્યો.’ (ઉત્પત્તિ ૪:૧૬) તેણે પોતાની બહેનો કે ભત્રીજીમાંથી પત્ની લઈને એક શહેર બાંધ્યું અને પોતાના પહેલા દીકરાના નામ પરથી તે શહેરનું નામ હનોખ પાડ્યું. કાઈનનો વંશજ લામેખ પણ પોતાના આ દુષ્ટ પૂર્વજ જેવો હિંસક બન્યો. પરંતુ, નુહના સમયના જળપ્રલય દરમિયાન કાઈનની વંશાવળીનો જડમૂળથી વિનાશ કરવામાં આવ્યો.—ઉત્પત્તિ ૪:૧૭-૨૪.
આપણા માટે બોધપાઠ
આપણે કાઈન અને હાબેલના અહેવાલમાંથી બોધપાઠ લઈ શકીએ છીએ. “કાઈન દુષ્ટનો હતો, અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું” જોઈએ. એને બદલે, પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને એકબીજાને પ્રેમ કરવાની સલાહ આપી. કાઈનના “કામ ભૂંડાં હતાં, અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં.” યોહાને એ પણ બતાવ્યું: “જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્યઘાતક છે; અને તમે જાણો છો કે કોઈ મનુષ્યઘાતકમાં અનંતજીવન રહેતું નથી.” હા, આપણે આપણા ભાઈઓ સાથે જે રીતે વર્તીએ છીએ એની પરમેશ્વર સાથેના આપણા સંબંધ પર અને આપણી ભવિષ્યની આશા પર ઊંડી અસર પડે છે. આપણા કોઈ પણ ભાઈબહેનને ધિક્કારીને આપણે પરમેશ્વરની સ્વીકૃતિ મેળવી શકતા નથી.—૧ યોહાન ૩:૧૧-૧૫; ૪:૨૦.
કાઈન અને હાબેલનો એક સરખો જ ઉછેર થયો હતો પરંતુ, કાઈનને પરમેશ્વરમાં વિશ્વાસ ન હતો. હકીકતમાં, તેણે શેતાન જેવું વલણ બતાવ્યું કે જે પ્રથમથી જ ‘મનુષ્યઘાતક અને જૂઠાનો બાપ હતો.’ (યોહાન ૮:૪૪) કાઈનનું જીવન બતાવે છે કે આપણા સર્વ પાસે પસંદગી રહેલી છે. જે પાપ કરવાનું પસંદ કરે છે તે પોતાને પરમેશ્વરથી દૂર લઈ જાય છે અને યહોવાહ બિનપશ્ચાત્તાપીને સજા કર્યા વગર છોડતા નથી.
બીજી બાજુ, હાબેલે યહોવાહમાં વિશ્વાસ મૂક્યો. ખરેખર, “વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારૂં બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાયી છે, એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમકે દેવે તેનાં દાનો સંબંધી સાક્ષી આપી.” જોકે, બાઇબલ હાબેલના એક પણ શબ્દની નોંધ બતાવતું નથી છતાં, તેના વિશ્વાસના ઉદાહરણથી તે “હજી બોલે છે.”—હેબ્રી ૧૧:૪.
પ્રમાણિકતા જાળવી રાખનારાઓની હરોળમાં હાબેલ સૌ પ્રથમ હતો. ‘ભૂમિમાંથી યહોવાહને હાંક મારતા’ તેના લોહીને ભૂલી જવામાં આવ્યું નથી. (ઉત્પત્તિ ૪:૧૦; લુક ૧૧:૪૮-૫૧) જો આપણે હાબેલ જેવો વિશ્વાસ બતાવીશું તો, આપણે પણ યહોવાહ સાથે હંમેશ માટે મૂલ્યવાન અને ગાઢ સંબંધનો આનંદ માણી શકીશું.
[પાન ૨૨ પર બોક્સ]
ખેડૂત અને ઘેટાંપાળક
યહોવાહે આદમને આપેલી કેટલીક જવાબદારીઓમાં ભૂમિ ખેડવાનો અને પ્રાણીઓની સંભાળ રાખવાનો સમાવેશ થતો હતો. (ઉત્પત્તિ ૧:૨૮; ૨:૧૫; ૩:૨૩) તેનો પ્રથમ પુત્ર કાઈન ખેડૂત બન્યો અને બીજો પુત્ર હાબેલ ઘેટાંપાળક બન્યો. (ઉત્પત્તિ ૪:૨) જોકે, જળપ્રલય થયો એ પહેલાં માણસજાતનો ખોરાક ફક્ત ફળ અને શાકભાજી હતો. તો પછી, ઘેટાં શા માટે ઉછેરવામાં આવતાં હતાં?—ઉત્પત્તિ ૧:૨૯; ૯:૩, ૪.
ઘેટાં ઉછેરવા માટે માનવો એની કાળજી રાખે એ જરૂરી હતું. હાબેલના વ્યવસાયે બતાવ્યું કે માણસજાતની શરૂઆતથી જ આવા પાલતુ પ્રાણીને ઉછેરવામાં આવતા હતા. બાઇબલ બતાવતું નથી કે આદમનાં બાળકો ખોરાક તરીકે પ્રાણીઓના દૂધનો ઉપયોગ કરતા હતા કે નહિ, પરંતુ શાકાહારીઓ ઘેટાંના ઊનનો ઉપયોગ કરતા હતા. ઘેટું મરી જાય ત્યારે, તેનું ચામડું ઉપયોગી બને છે. દાખલા તરીકે, આદમ અને હવાને કપડાં આપવા માટે યહોવાહે “ચામડાનાં વસ્ત્ર” પૂરાં પાડ્યાં.—ઉત્પત્તિ ૩:૨૧.
બાબત ભલે ગમે તે હોય, એ માનવું યોગ્ય છે કે કાઈન અને હાબેલ વાસ્તવમાં એકબીજાના સહાયક હતા. તેઓએ એવો વ્યવસાય અપનાવ્યો કે જેનાથી કુટુંબના બીજા સભ્યોને ખોરાક અને કપડાં મળી રહે.
[પાન ૨૩ પર ચિત્ર]
કાઈનનાં “કામ ભૂંડાં હતાં, અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં”