શા માટે પૃથ્વી પર પ્રલય આવ્યો હતો?
આખી પૃથ્વી પર આવેલો જળપ્રલય એ કંઈ કુદરતી આફત ન હતી. એ પરમેશ્વર તરફથી ન્યાયચુકાદો હતો. લોકોને ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેઓએ એને ધ્યાન આપ્યું ન હતું. શા માટે? ઈસુએ સમજાવ્યું: “જલપ્રલયની અગાઉ નુહ વહાણમાં ચઢી બેઠો ત્યાં સુધી [એ લોકો] ખાતાપીતા, ને પરણતાપરણાવતા હતા; અને જલપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—માત્થી ૨૪:૩૮, ૩૯.
વધતા જતા લોકો
જળપ્રલય આવ્યો એ પહેલાં, લોકોએ અમુક એવા લાભોનો આનંદ માણ્યો કે જે આજે આપણી પાસે નથી. દાખલા તરીકે, આખી પૃથ્વી પર સર્વ લોકો એક જ ભાષા બોલતા હતા. (ઉત્પત્તિ ૧૧:૧) આથી, તેઓએ વિવિધ કુશળતા ધરાવતા ઘણા લોકોના સહિયારા પ્રયત્નોથી કળા અને વિજ્ઞાનમાં ઘણી સિદ્ધિઓ મેળવી હશે. વળી, એ સમયે મોટા ભાગના લોકોનું આયુષ્ય લાંબું હોવાથી, તેઓ સદીઓથી જે કંઈ શીખતા હતા એમાં વધારો કરી શકતા હતા.
કેટલાક દાવો કરે છે કે એ સમયે માનવ જીવન કંઈ ખરેખર લાંબું ન હતું, બાઇબલમાં ઉંમરને લગતા જે અહેવાલો બતાવવામાં આવ્યા છે એ વર્ષો વાસ્તવમાં મહિનાઓ છે. શું એ સાચું છે? માહલાલએલના કિસ્સાનો વિચાર કરો. બાઇબલ કહે છે: “માહલાલએલ પાંસઠ વર્ષનો થયો, ત્યારે તેને યારેદ થયો; . . . માહલાલએલના સર્વ દહાડા આઠસેં પંચાણું વર્ષ હતાં; અને તે મરી ગયો.” (ઉત્પત્તિ ૫:૧૫-૧૭) જો એક વર્ષનો અર્થ એક મહિનો હોય તો, માહલાલએલ ફક્ત પાંચ વર્ષની ઉંમરે પિતા બન્યો કહેવાય! તેથી, એક વર્ષ એટલે એક મહિનો ન હતો. એ સમયે લોકો, પ્રથમ માણસ આદમની સંપૂર્ણતાની એકદમ નજીક હતા. તેઓ ખરેખર સદીઓ સુધી જીવ્યા. તેઓએ શું મેળવ્યું?
જળપ્રલય થયો એની ઘણી સદીઓ અગાઉ પૃથ્વીની વસ્તી એટલી વધી ગઈ કે આદમના પુત્ર કાઈને એક શહેર બાંધ્યું જેનું નામ તેણે હનોખ પાડ્યું. (ઉત્પત્તિ ૪:૧૭) જળપ્રલય આવ્યો એના દાયકાઓ અગાઉ ભિન્ન ઉદ્યોગો વિકસ્યા હતા. ત્યાં “સર્વ ત્રાંબા તથા લોઢાનાં હથિયાર” બનાવવાનાં કારખાના હતાં. (ઉત્પત્તિ ૪:૨૨) નિઃશંક, આ સાધનોનો ઉપયોગ બાંધકામ, સુથારીકામ, સીવણકામ અને ખેતીકામમાં થતો હતો. આ સર્વ ઉદ્યોગોનો ઉલ્લેખ પૃથ્વીના શરૂઆતના રહેવાસીઓના અહેવાલોમાં જોવા મળે છે.
તેઓના વધતા જતા જ્ઞાનનો લાભ ઉઠાવીને આવનારી પેઢીઓ ધાતુવિદ્યા, કૃષિક્ષેત્ર, પ્રાણી ઉછેર, લેખન કળા અને બીજા ક્ષેત્રોમાં ઘણો વિકાસ કરી શકતી હતી. દાખલા તરીકે, યૂબાલ “સર્વ તારનાં તથા પવનનાં વાજાં વગાડનારાઓનો પૂર્વજ હતો.” (ઉત્પત્તિ ૪:૨૧) આમ, સંસ્કૃતિનો ઝડપથી વિકાસ થયો. તોપણ, એ બધાનો અચાનક અંત આવી ગયો. શું ખોટું થયું હતું?
શું ખોટું થયું?
આટલી બધી પ્રગતિ થઈ હોવા છતાં, જળપ્રલય અગાઉના માણસજાતની શરૂઆત જ ખરાબ હતી. એના પૂર્વજ, આદમે પરમેશ્વર વિરુદ્ધ બળવો પોકાર્યો. પ્રથમ શહેર બાંધનાર કાઈને પોતાના જ ભાઈનું ખૂન કર્યું. આથી, એમાં કોઈ નવાઈ નથી કે આવી દુષ્ટતા દિવસે દિવસે વધતી ગઈ! પરિણામે, આદમના વંશજોમાં પણ વારસારૂપે એ દુષ્ટતા પ્રસરતી ગઈ.—રૂમી ૫:૧૨.
પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ કે યહોવાહે એને બીજા ફક્ત ૧૨૦ વર્ષ ચાલવા દેવાનો નિર્ણય કર્યો. (ઉત્પત્તિ ૬:૩) બાઇબલ કહે છે: “માણસની ભૂંડાઇ પૃથ્વીમાં ઘણી થઇ, ને તેઓનાં હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. . . . પૃથ્વી જુલમથી ભરપૂર હતી.”—ઉત્પત્તિ ૬:૫, ૧૧.
આખરે, નુહને કહેવામાં આવ્યું કે પરમેશ્વર સર્વ જીવોનો જળપ્રલય લાવીને નાશ કરશે. (ઉત્પત્તિ ૬:૧૩, ૧૭) નુહ “ન્યાયીપણાના ઉપદેશક” બન્યા છતાં, લોકો માટે એ માનવું મુશ્કેલ હતું કે તેમની આસપાસની દરેક વસ્તુઓનો નાશ થવાનો છે. (૨ પીતર ૨:૫) ફક્ત આઠ લોકોએ ચેતવણીને ધ્યાન આપ્યું અને બચી ગયા. (૧ પીતર ૩:૨૦) એ બનાવ આજે આપણા માટે ખૂબ મહત્ત્વનો છે.
એ બનાવ આપણા માટે કેમ મહત્ત્વનો છે?
આપણે નુહના સમય જેવી જ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. આપણે દરરોજ આતંકવાદ, જાતિસંહારની ઝુંબેશ, કોઈ કારણ વગર અસંખ્ય લોકોને ગોળીથી ઉડાવી દેવા, કુટુંબમાં હિંસા વિષે મોટા પ્રમાણમાં સાંભળીએ છીએ. પહેલાંની જેમ જ પૃથ્વી હિંસાથી ભરાઈ ગઈ છે અને જગતને આવનાર ન્યાયચુકાદા વિષે બતાવવામાં આવી રહ્યું છે. ઈસુએ પોતે કહ્યું હતું કે તે પરમેશ્વરના નિયુક્ત ન્યાયાધીશ તરીકે આવશે અને ઘેટાંપાળક ઘેટાં-બકરાંને જુદા પાડે છે તેમ લોકોને જુદા પાડશે. ઈસુએ કહ્યું કે દુષ્ટ લોકો “સાર્વકાલિક શાસનમાં જશે.” (માત્થી ૨૫:૩૧-૩૩, ૪૬) તેમ છતાં, બાઇબલ કહે છે કે એ સમયે લાખો લોકો એટલે કે મોટું ટોળું બચી જશે જેઓ ફક્ત સાચા પરમેશ્વરની ઉપાસના કરે છે. આવનાર જગતમાં તેઓ અત્યાર સુધી ક્યારેય અનુભવી ન હોય એવી હંમેશની શાંતિ અને સલામતીનો આનંદ માણશે.—મીખાહ ૪:૩, ૪; પ્રકટીકરણ ૭:૯-૧૭.
ઘણા લોકો તેઓને બતાવવામાં આવેલા બાઇબલ અહેવાલો અને ન્યાયચુકાદા વિષેની ચેતવણીઓને હસી કાઢે છે. પરંતુ, એ ન્યાયચુકાદો તેઓને બતાવશે કે એ અહેવાલો સાચા છે. પ્રેષિત પીતરે સમજાવ્યું હતું કે આવા વહેમીઓ હકીકતનો નકાર કરે છે. તેમણે લખ્યું: “છેલ્લા દિવસોમાં ઠઠ્ઠામશ્કરી કરનારાઓ ઊભા થશે. . . . તેઓ કહેશે, ‘ઈસુએ પાછા આવવાનું વચન આપેલું તેનું શું થયું?’ . . . તેઓ જાણીબૂજીને આ સત્ય વીસરી જાય છે કે ઈશ્વરે પોતે ફક્ત આજ્ઞા કરીને આકાશો ઉત્પન્ન કર્યાં હતાં અને પાણીમાં તથા પાણી વડે પૃથ્વીની રચના કરી હતી. અને જળપ્રલય વખતે એ જ પાણીથી ઈશ્વરે પૃથ્વીનો નાશ કર્યો. એ જ ઈશ્વરની આજ્ઞાથી હાલનાં આકાશ અને પૃથ્વીને અગ્નિથી ભસ્મ કરી નાખવા માટે ન્યાયના દિવસ સુધી રાખી મૂકવામાં આવ્યાં છે. તે દિવસે બધા અધર્મીઓનો પણ નાશ કરવામાં આવશે.”—૨ પીતર ૩:૩-૭, IBSI.
આજે દુનિયાભરમાં, ઈસુની આજ્ઞાને આધીન રહીને ન્યાયકરણના દિવસની ચેતવણી વિષે અને શાંતિના સુસમાચારનો ઉત્સાહથી પ્રચાર કરવામાં આવે છે. (માત્થી ૨૪:૧૪) આ ચેતવણીને સામાન્ય ગણી લેવી જોઈએ નહિ. સર્વશક્તિમાન પરમેશ્વર પોતાનાં વચનો પરિપૂર્ણ કરે છે.
આવનાર નવી દુનિયા
આ આવનાર સૌથી મહત્ત્વના ફેરફારોનો વિચાર કરતા માનવજાતનું ભાવિ કેવું હશે? ઈસુએ પોતાના પહાડ પરના ભાષણની શરૂઆતમાં વચન આપ્યું: “જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ પૃથ્વીનું વતન પામશે.” પછીથી તેમણે પોતાના શિષ્યોને પરમેશ્વરને પ્રાર્થના કરવાનું શીખવ્યું: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૫:૫; ૬:૧૦) હા, ઈસુએ પોતે શીખવ્યું કે અહીં પૃથ્વી પર વિશ્વાસુ માનવજાત માટે અદ્ભુત ભાવિ રહેલું છે. ઈસુએ એનો ‘પુનરૂત્પત્તિ’ તરીકે ઉલ્લેખ કર્યો.—માત્થી ૧૯:૨૮.
તેથી, તમે ભવિષ્ય વિષે વિચાર કરો તેમ, પરમેશ્વરની ચેતવણી વિષે શંકા ઊભી કરે એવા ઠઠ્ઠા કરનારાઓ કે નિંદાખોરોને ધ્યાન ન આપો. હા, આપણને આસપાસની વસ્તુઓ અને હાલના જગતની સ્થિરતા જોઈને, આવી પરિસ્થિતિ લાંબો સમય ચાલશે એવું લાગી શકે. તોપણ, આપણે એના પર વિશ્વાસ મૂકવો જોઈએ નહિ. માનવજાતનું જગત દોષિત ઠરાવવામાં આવ્યું છે. તેથી, પ્રેરિત પીતરના નિષ્કર્ષમાંથી ઉત્તેજન મેળવો:
“તો એ સર્વ લય પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? દેવના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્ત્વો બળીને પીગળી જશે, . . . એઓની વાટ જોઈને, તમે તેની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો. . . . આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ.” (૨ પીતર ૩:૧૧, ૧૨, ૧૪, ૧૮) તેથી, નુહના સમયે શું બન્યું હતું એમાંથી શીખો. પરમેશ્વરની નજીક જાઓ. ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં વધતા જાઓ. પરમેશ્વરની ભક્તિ કરો અને એવા લાખો લોકોમાંના એક બનો જેઓ આ જગતના અંતમાંથી બચીને આવનાર શાંતિપૂર્ણ નવી દુનિયામાં જશે.
[પાન ૫ પર ચિત્ર]
જળપ્રલય અગાઉ ધાતુવિદ્યા સારી રીતે જાણીતી હતી
[પાન ૭ પર ચિત્ર]
એક અદ્ભુત ભાવિ રહેલું છે