જાગતા રહો, જાગતા રહો!
“માટે જાગતા રહો, કેમકે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.”—માત્થી ૨૪:૪૨.
એક લેખક બીલ એમોટ કહે છે: ‘વીસમી સદીમાં બીમારીઓ, ભૂખમરો એવું બધું તો હતું જ. એ સદી આમ તો બીજી બધી સદીઓ જેવી જ હતી, પણ તે યુદ્ધોમાં પહેલો નંબર લઈ ગઈ! એણે તો આખી દુનિયાને જાણે લડાઈમાં ડુબાવી દીધી. એની સાબિતી ફક્ત એક નહિ, પણ બે વિશ્વ યુદ્ધો આપે છે.’
૨ ઈસુ ખ્રિસ્તે પહેલેથી જણાવ્યું હતું કે “પ્રજા પ્રજાની વિરૂદ્ધ, તથા રાજ્ય રાજ્યની વિરૂદ્ધ ઊઠશે.” એ તો ‘ખ્રિસ્તના આવવાની તથા જગતના અંતની’ નિશાની છે. ફક્ત લડાઈઓ જ નહિ, પણ દુકાળો પડશે, બીમારીઓ વધી જશે અને ધરતીકંપો થશે. (માત્થી ૨૪:૩, ૭, ૮; લુક ૨૧:૬, ૭, ૧૦, ૧૧) આજકાલ આવી આફતો વધતી જાય છે. લોકોમાં આજે સંસ્કારનો છાંટોય રહ્યો નથી. દુનિયામાં હજુ કેટલું પાપ વધશે, કોને ખબર છે? આજે ઈશ્વરનો તો કોઈને ડર જ નથી. શું આપણે મુશ્કેલીના દિવસોમાં નથી જીવતા?—૨ તીમોથી ૩:૧-૫.
૩ આ વિષે તમારું શું માનવું છે? જો કે બધાનું માનવું જુદું જુદું હશે. દુનિયાના ઘણા ભણેલા-ગણેલા લોકો માનવા તૈયાર નથી કે આપણે મુશ્કેલીના દિવસોમાં જીવીએ છીએ. વળી, આજે ધર્મ ગુરુઓને એના વિષે કંઈ પડી નથી. (માત્થી ૧૬:૧-૩) પરંતુ, ઈસુએ સલાહ આપી કે “જાગતા રહો, કેમકે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.” (માત્થી ૨૪:૪૨) જાગતા રહેવાનો અર્થ થાય છે કે, આપણે આ જગતના અંતની નિશાની પારખીએ. એટલે કે આપણે ફક્ત માનીએ જ નહિ પરંતુ, આપણને સો ટકા ખાતરી હોવી જોઈએ કે “સર્વનો અંત પાસે આવ્યો છે.” (૧ પીતર ૪:૭) પછી જ, આપણે જાગતા રહેવાનો ખરો અર્થ સમજી શકીશું. વિચારો કે ‘સર્વનો અંત આવી રહ્યો છે તેમ, હું કઈ રીતે મારા વિશ્વાસના મૂળ ઊંડા ઊતારી શકું?’
૪ નુહના જમાનામાં આવેલા પ્રલયનો વિચાર કરો. એ જમાનામાં લોકો એટલા બગડી ગયા હતા, કે એ જોઈને યહોવાહને દુઃખ થયું. તેથી યહોવાહે કહ્યું: “જે માણસને મેં ઉત્પન્ન કર્યું, તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ.” (ઉત્પત્તિ ૬:૬, ૭) તેમણે એમ જ કર્યું. વર્ષો પછી, ઈસુએ નુહના દિવસો અને આપણા દિવસોની સરખામણી કરી. તેમણે કહ્યું: ‘જેમ નુહના સમયમાં થયું, તેમજ મારું આવવું પણ થશે.’—માત્થી ૨૪:૩૭.
૫ નુહના સમયની જેમ, યહોવાહ આ જગત પર નજર નાખે છે, ત્યારે શું એમને દુઃખ થતું નહિ હોય? નુહના જમાનામાં યહોવાહે પાપી લોકોનો નાશ કર્યો. આજે પણ આપણા સમયમાં યહોવાહ દુષ્ટ લોકોનો નાશ કરશે. તેથી, નુહના જમાના વિષે વધુ જાણવાથી આપણો વિશ્વાસ દૃઢ થઈ શકે. તો પછી, આપણા સમયમાં અને નુહના સમયમાં કઈ કઈ સરખામણી જોવા મળે છે? ઓછામાં ઓછી પાંચેક બાબતો સરખી જ છે. એક તો એ કે ચેતવણી અપાઈ હતી કે ‘વિનાશ આવી રહ્યો છે!’
ચેતવણી આપવામાં આવી હતી
૬ નુહના સમયમાં, “યહોવાહે કહ્યું, કે મારો આત્મા માણસની સાથે સદા વાદ નહિ કરશે, કેમકે તે માંસનું છે; તથાપિ તેઓના દિવસ એક સો વીસ વર્ષ થશે.” (ઉત્પત્તિ ૬:૩) આજથી લગભગ ૪૪૯૨ વર્ષો પહેલાં યહોવાહે આ ચેતવણી આપી હતી. ત્યારથી એ દુષ્ટ જગતના અંતની ઘડીઓ ગણાવા લાગી. ફક્ત ૧૨૦ વર્ષમાં યહોવાહ પ્રલય લાવવાના હતા! યહોવાહે નુહને જણાવ્યું: “સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે, તેઓનો સંહાર આકાશ તળેથી કરવા સારૂ હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ.”—ઉત્પત્તિ ૬:૧૭.
૭ નુહે આવનાર આફતની ચેતવણી ઘણાં વર્ષોથી સાંભળી હતી. તેમણે સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. પ્રેષિત પાઊલ કહે છે કે “નુહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારૂ વહાણ તૈયાર કર્યું.” (હેબ્રી ૧૧:૭) શું આપણે નુહની જેમ જ ચેતવણીઓ સાંભળીએ છીએ? આ દુનિયાના છેલ્લા દિવસો ૧૯૧૪માં શરૂ થયા. ત્યારથી આજ સુધીમાં ૯૦ વર્ષો પસાર થઈ ગયા છે, એટલે ખરેખર આપણે ‘અંતના સમયમાં’ છીએ. (દાનીયેલ ૧૨:૪) એમાંથી બચવા આપણે શું કરવું જોઈએ? બાઇબલ કહે છે: “જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહાન ૨:૧૭) તેથી, ચાલો આપણે પૂરા દિલથી યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવીએ.
૮ આપણા સમયમાં યહોવાહના સેવકોને, પવિત્ર શાસ્ત્રમાંથી શીખવા મળ્યું કે આ દુનિયાનો વિનાશ જલદી જ આવશે. પરંતુ, શું તમે એ ખરેખર માનો છો? એ વિનાશ વિષે ઈસુએ સાફ સાફ જણાવ્યું કે “તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.” (માત્થી ૨૪:૨૧) યહોવાહે ઈસુને ન્યાય કરવાનું કામ સોંપ્યું છે. જેમ કોઈ ભરવાડ ઘેટાં અને બકરાંને છૂટાં પાડે, એમ ઈસુ સારા અને ખરાબ લોકોને અલગ કરશે. પછી, ખરાબ લોકો માર્યા જશે, પણ નેક દિલના લોકો યુગોના યુગો જીવતા રહેશે.—માત્થી ૨૫:૩૧-૩૩, ૪૬.
૯ યહોવાહ પોતાના “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા આપણને વારંવાર ચેતવણીઓ આપે છે. (માત્થી ૨૪:૪૫-૪૭) વળી, યહોવાહના સાક્ષીઓ દુનિયાના દરેક દેશમાં લોકોને અરજ કરે છે: “દેવથી બીહો ને તેને મહિમા આપો; કેમકે તેના ન્યાયકરણનો સમય આવ્યો છે.” (પ્રકટીકરણ ૧૪:૬, ૭) ખાસ તો તેઓ જણાવે છે કે યહોવાહ જલદી જ માનવ સરકારોનો અંત લાવશે. (દાનીયેલ ૨:૪૪) આ હસી કાઢવા જેવી વાત નથી. ખરેખર, વિશ્વના માલિક પોતાનું વચન જરૂર પાળશે. (યશાયાહ ૫૫:૧૦, ૧૧) યહોવાહે નુહના સમયે જે કહ્યું હતું એ જ કર્યું. આજે પણ તે એમ જ કરશે.—૨ પીતર ૩:૩-૭.
સેક્સ પાછળ પાગલ દુનિયા
૧૦ બીજી એક રીતે પણ આપણો સમય નુહના સમય જેવો જ છે. યહોવાહે આદમ અને હવાને પતિ પત્ની બનાવ્યા. યહોવાહે આશીર્વાદ આપ્યા કે તેઓ ‘પૃથ્વીને ભરપૂર કરે.’ (ઉત્પત્તિ ૧:૨૮) પરંતુ, નુહના સમયમાં દુષ્ટ દૂતોએ પણ જાતીય સંબંધની વાસના રાખી. તેઓ પુરુષનો અવતાર લઈને પૃથ્વી પર આવ્યા અને સ્ત્રીઓ સાથે શરીર સંબંધ બાંધ્યો. તેઓના પાપથી પેદા થયેલાં બાળકો રાક્ષસ જેવા મહાવીર થયા. (ઉત્પત્તિ ૬:૨, ૪) નુહના સમયમાં આ પાપી દૂતોએ સદોમ અને ગમોરાહની જેમ પોતાની ગંદી વાસના બધે ફેલાવી.—યહુદા ૬, ૭.
૧૧ આજના સંસ્કાર કેવા છે? આજે પણ લોકો સેક્સ અથવા જાતીય સંબંધો પાછળ પાગલ છે. પાઊલે કહ્યું તેમ, તેઓએ “સઘળી શરમ મૂકી દીધી છે.” તેઓ ‘સર્વ પ્રકારના અશુદ્ધ કાર્યો કરવા’ દોડી જાય છે. (એફેસી ૪:૧૯, પ્રેમસંદેશ) એવા ઘોર પાપ આજે બધે જ જોવા મળે છે. લોકો પોર્નોગ્રાફી અથવા બ્લ્યુ ફિલ્મો કે ગંદા પ્રોગ્રામ જુએ છે, ગંદા પુસ્તકો વાંચે છે. ઘણા લગ્ન પહેલાં શરીર સંબંધ બાંધે છે. અરે, બીજા તો બાળકો પર પણ બૂરી નજર નાખે છે. વળી, સ્ત્રી સ્ત્રીની સાથે અને પુરુષ પુરુષની સાથે શરીર સંબંધ બાંધવાની પણ કોઈ લાજ-શરમ રાખતા નથી! પરંતુ, ઘણા રોગના ભોગ બનીને પોતાનાં પાપોનું ફળ ભોગવી રહ્યા છે. અમુક તો કુટુંબ કે સમાજમાં મોઢું બતાવવાને લાયક રહ્યા નથી.—રૂમીઓને પત્ર ૧:૨૬, ૨૭.
૧૨ નુહના જમાનામાં યહોવાહ મહા પ્રલય લાવ્યા અને પાપી લોકોનો નાશ થયો. આપણે ભૂલીએ નહિ કે નુહના જેવો જ આપણો જમાનો છે. “મોટી વિપત્તિ” આવી પડશે ત્યારે, આ ધરતી પરથી એવા પાપીઓનો જરૂર અંત આવશે. (માત્થી ૨૪:૨૧; ૧ કોરીંથી ૬:૯, ૧૦; પ્રકટીકરણ ૨૧:૮) ખરેખર, આ ચેતવણી આપે છે કે આપણે એવા કોઈ પણ સંજોગોમાં ન ફસાઈએ, જ્યાં પાપ કરી બેસીએ!—ગીતશાસ્ત્ર ૯૭:૧૦; ૧ કોરીંથી ૬:૧૮.
પૃથ્વી જુલમથી ભરેલી છે
૧૩ નુહના જમાનામાં કઈ ત્રીજી બાબત આપણા સમય જેવી જ હતી? બાઇબલ જણાવે છે: “દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઇ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી.” (ઉત્પત્તિ ૬:૧૧) જો કે એ સમયમાં પણ મારા-મારી ને જુલમ કંઈ નવાઈની વાત ન હતી. શું આદમના પહેલા જ દીકરા કાઈને પોતાના ભાઈનું ખૂન કર્યું ન હતું? (ઉત્પત્તિ ૪:૮) કાઈનના કુટુંબમાંથી લામેખ આવ્યો. તેણે દાદાગીરી બતાવતા કહ્યું કે પોતાની સામે હાથ ઉઠાવનારને તેણે જાનથી મારી નાખ્યો. (ઉત્પત્તિ ૪:૨૩, ૨૪) તેથી, જુલમ તો હતો જ, પણ નુહના વખતમાં બેહદ જુલમ હતો. દુષ્ટ દૂતોએ પૃથ્વી પર આવીને પોતાની વાસના સંતોષી. તેઓને થયેલાં બાળકો રાક્ષસ જેવા બળવાન હતાં. તેથી, હેબ્રી ભાષામાં તેઓને ‘બીજાઓને પાડી નાખનારા’ કહેવામાં આવે છે. “તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી” હતી. (ઉત્પત્તિ ૬:૪, ૧૩) વિચારો કે એવી દુનિયામાં નુહે કઈ રીતે બાળકો મોટાં કર્યા હશે? તેમ છતાં, નુહ ‘એ પેઢીમાં યહોવાહની નજરમાં ન્યાયી’ રહ્યા.—ઉત્પત્તિ ૭:૧.
૧૪ ગુના અને જુલમથી માનવ ઇતિહાસ ભરાઈ ગયો છે. પરંતુ, આજે તો ઘર-ઘરમાં જુલમ થાય છે. એક જાતિ બીજી જાતિને પતાવી દેવા તૈયાર છે. અરે, આતંકવાદીઓ વગર લેવે-દેવે લોકોને મારી નાખે છે. એટલું ઓછું હોય તેમ, રાક્ષસની માફક યુદ્ધો લાખો લોકોનો કોળિયો કરી જાય છે. ખરેખર, આ ધરતી પર જુલમનો કોઈ પાર નથી! શા માટે આવી હાલત છે અને એના માટે કોણ જવાબદાર છે?
૧૫ પ્રલય પહેલાં દુષ્ટ દૂતો જાતે સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા હતા. પરંતુ, આપણા સમયમાં તેઓને જાણે ધક્કો મારીને બહાર કાઢ્યા છે. કઈ રીતે? યહોવાહનું રાજ્ય ૧૯૧૪માં સ્વર્ગમાં શરૂ થયું, અને રાજા ઈસુ ખ્રિસ્તે શેતાન અને તેના દૂતોને સ્વર્ગમાંથી નીચે પૃથ્વી પર ફેંકી દીધા. (પ્રકટીકરણ ૧૨:૯-૧૨) હવે તેઓ વાસના સંતોષવા માનવ રૂપ પણ લઈ શકતા નથી. વળી, તેઓ જાણે છે કે જલદી જ તેઓનો નાશ થશે. એટલે તેઓ ગુસ્સે ભરાયા છે. મનુષ્યો અને તેઓના સંગઠનોને, આ દુષ્ટ દૂતો લલચાવે છે, જેથી જોર-જુલમ નુહના સમયથી પણ વધી જાય. પરંતુ, પ્રલય લાવીને યહોવાહે દુષ્ટ દૂતોનો વિનાશ કર્યો હતો, એ જ આપણને ગૅરન્ટી આપે છે કે યહોવાહ આ ગંદકીથી ભરેલી દુનિયાને પણ સાફ કરશે! (ગીતશાસ્ત્ર ૩૭:૧૦) તેથી, ચાલો આપણે સમય પારખીને જાગતા રહીએ.
યહોવાહના સંદેશાનો પ્રચાર થયો
૧૬ નુહના સમય અને આપણા સમય વચ્ચે ચોથી કઈ બાબત સરખી છે? નુહે ફક્ત મોટું વહાણ જ બાંધ્યું નહિ, પરંતુ તેમણે ‘ઉપદેશ’ પણ કર્યો હતો. (૨ પીતર ૨:૫) તેમણે શાનો પ્રચાર કર્યો? નુહે એક તો લોકોને પસ્તાવો કરવાનું જણાવ્યું અને બીજું વિનાશની ચેતવણી આપી. તોપણ, ઈસુએ કહ્યું: “જળપ્રલય આવ્યો અને એ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી લોકોએ માન્યું જ નહિ.”—માથ્થી ૨૪:૩૮, ૩૯, IBSI.
૧૭ નુહની જેમ, યહોવાહના સાક્ષીઓ પૂરા દિલથી યહોવાહના રાજ્યનો સંદેશ દુનિયાભરમાં ફેલાવે છે. દુનિયામાં લગભગ બધી જ જગ્યાએ લોકો એ સંદેશો પોતાની ભાષામાં સાંભળી અને વાંચી શકે છે. ચોકીબુરજ મૅગેઝિન યહોવાહના રાજ્ય વિષે જણાવે છે. લગભગ ૧૪૦ જેટલી ભાષામાં, દરેક અંકની ૨,૫૦,૦૦,૦૦૦ કરતાં વધારે કૉપી પ્રિન્ટ થાય છે. ખરેખર, યહોવાહના રાજ્યનો સંદેશો “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ . . . આખા જગતમાં” ફેલાઈ રહ્યો છે. યહોવાહની ઇચ્છા પ્રમાણે પ્રચાર થઈ જશે ત્યારે, ચોક્કસ અંત આવશે.—માત્થી ૨૪:૧૪.
૧૮ નુહના જમાનામાં લોકોમાં સંસ્કારનો છાંટોય ન હતો. તેઓને ઈશ્વરનો જરાય ડર ન હતો. એટલે તેઓએ નુહ અને તેમના કુટુંબની કેવી મશ્કરી કરી હશે! આજના વિષે બાઇબલ જણાવે છે: “છેલ્લા સમયમાં ઠઠ્ઠા [મશ્કરી] કરનારા આવશે. . . . પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે.” (૨ પીતર ૩:૩, ૪, ૧૦) જેમ નુહના સમયમાં બરાબર યહોવાહના ટાઈમે અંત આવ્યો, એમ જ આજે પણ જરૂર આવશે! (હબાક્કૂક ૨:૩) તેથી આપણે સમય પારખીને જાગતા રહીએ એ કેટલું જરૂરી છે!
ફક્ત થોડા જ બચ્યા
૧૯ નુહ અને આપણા સમયની પાંચમી સરખામણી આ છે: પ્રલયમાંથી ફક્ત સારા લોકો બચી ગયા. તેઓ ઈશ્વરનો ડર રાખનારા હતા, એટલે એ જમાનાના દુષ્ટ લોકોની ચાલે તેઓ ન ચાલ્યા. બાઇબલ જણાવે છે: “નુહ યહોવાહની દૃષ્ટિમાં કૃપા પામ્યો. . . . પોતાના જમાનામાં નુહ ન્યાયી તથા સીધો માણસ હતો.” (ઉત્પત્તિ ૬:૮, ૯) આખી દુનિયામાંથી એક કુટુંબ, ફક્ત “થોડાં, એટલે આઠ જણ પાણીથી બચી ગયાં.” (૧ પીતર ૩:૨૦) પછી, યહોવાહે નુહના કુટુંબને આજ્ઞા આપી કે “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.”—ઉત્પત્તિ ૯:૧.
૨૦ યહોવાહ ખાતરી આપે છે કે ‘મોટી વિપત્તિમાંથી, એક મોટી સભા’ બચી જશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૪) કેટલા લોકો બચી જશે? ઈસુએ કહ્યું હતું કે, “જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું સાંકડું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.” (માત્થી ૭:૧૩, ૧૪) આજે ધરતી પર અબજો લોકો રહે છે, જેમાંથી ફક્ત થોડા જ બચી જશે. જો કે, પ્રલય પછી નુહના કુટુંબમાં બાળકો પેદા થયા. એ જ, રીતે નવી દુનિયામાં બચનારાને પણ થોડા સમય માટે પૃથ્વીને ભરપૂર કરવાનો આશીર્વાદ આપવામાં આવશે.—યશાયાહ ૬૫:૨૩.
“જાગતા રહો”
૨૧ પ્રલય આવ્યો એને સદીઓ વીતી ગઈ હોવા છતાં, એ આપણે કદી ભૂલવું જોઈએ નહિ. (રૂમીઓને પત્ર ૧૫:૪) એ સમય અને આપણા સમયમાં જે બાબતો સરખી જોવા મળે છે, એનાથી આપણે હજુ વધારે ચેતી જઈએ. નહિ તો આ દુષ્ટ જગત પર ન્યાય કરવા ઈસુ ક્યારે આવશે, એની આપણને ખબર પણ નહિ પડે!
૨૨ આજે ઈસુ ખ્રિસ્તે યહોવાહના લોકોને બચાવવા માટે એક મોટા વહાણ જેવી સંસ્થા બનાવી છે. આપણે આવનાર મોટી આફતમાંથી બચી જવું હોય તો, યહોવાહની સંસ્થામાં જ રહીએ. નહિ તો શેતાન પોતાની સાથે સાથે આપણને પણ મોતના મોંમાં ખેંચી જશે. વળી, ‘જાગતા રહીએ’ અને યહોવાહના દિવસ માટે તૈયાર રહીએ. ખરેખર, આ આપણા જીવનનો સવાલ છે!—માત્થી ૨૪:૪૨, ૪૪.
આપણે શું શીખ્યા?
• ઈસુએ જગતના અંત વિષે આપણને કઈ સલાહ આપી?
• ઈસુ અંતના સમયને શાની સાથે સરખાવે છે?
• આપણો સમય કઈ કઈ રીતે નુહના સમય જેવો જ છે?
• કઈ રીતે આપણે જાગતા રહી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. શું બતાવે છે કે આપણે મુશ્કેલીના દિવસોમાં જીવી રહ્યા છીએ?
૩. જગતનો અંત પાસે આવી રહ્યો છે એટલે આપણે શું કરવું જોઈએ?
૪, ૫. (ક) આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે આ દુનિયાનો અંત પાસે છે? (ખ) નુહના અને આજના સમયમાં એક બાબત સરખી જ છે, એ કઈ છે?
૬. નુહને યહોવાહે કઈ ચેતવણી આપી હતી?
૭. (ક) નુહે પ્રલયની ચેતવણી સાંભળીને શું કર્યું? (ખ) આ જગતના અંતની ચેતવણીઓ સાંભળીને આપણે શું કરવું જોઈએ?
૮, ૯. આજે યહોવાહ કઈ ચેતવણીઓ આપે છે અને કઈ રીતે?
૧૦. નુહના સમયમાં દુષ્ટ દૂતોએ શું કર્યું?
૧૧. નુહના સમયની જેમ, આજે લોકો કેવા છે?
૧૨. શા માટે આપણે પાપી વલણથી દૂર રહેવું જોઈએ?
૧૩. નુહના વખતમાં શા માટે પૃથ્વી જુલમથી ભરેલી હતી?
૧૪. કેટલી હદે પૃથ્વી પર જુલમ થઈ રહ્યો છે?
૧૫. (ક) આજે શા માટે જુલમ વધી ગયો છે? (ખ) આપણને શાની ગૅરન્ટી છે?
૧૬, ૧૭. આપણા અને નુહના સમય વચ્ચે કઈ ચોથી બાબત સરખી છે?
૧૮. નુહના સમયની જેમ આજે પ્રચાર કરીએ ત્યારે લોકો શું કહે છે?
૧૯, ૨૦. નુહનો સમય જોતાં કઈ ખાતરી થાય છે અને બચનારાઓને કયો આશીર્વાદ મળશે?
૨૧, ૨૨. (ક) પ્રલયનો વિચાર કરવાથી તમને શું લાભ થયો છે? (ખ) ૨૦૦૪નું વચન કયું છે અને શા માટે આપણે એ પાળવું જ જોઈએ?
[પાન ૧૮ પર બ્લર્બ]
૨૦૦૪નું વચન: “જાગતા રહો, . . . તૈયાર રહો.” —માત્થી ૨૪:૪૨, ૪૪.
[પાન ૧૫ પર ચિત્ર]
નુહે ઈશ્વરની ચેતવણી માની. શું આપણે માનીએ છીએ?
[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]
“જેમ નુહના સમયમાં થયું, તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે”