ઈશ્વરની શક્તિથી સૃષ્ટિનું સર્જન
“યહોવાહના શબ્દ વડે આકાશો તથા તેના મુખના શ્વાસ વડે તેઓનાં સર્વ સૈન્યો ઉત્પન્ન થયાં.”—ગીત. ૩૩:૬.
૧, ૨. (ક) સમય પસાર થયો તેમ વિશ્વ અને પૃથ્વી વિષે મનુષ્યો શું શીખ્યા? (ખ) આપણે કયા સવાલનો જવાબ મેળવવાના છીએ?
૧૯૦૫માં આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને બીજા ઘણા વૈજ્ઞાનિકો માનતા હતા કે બ્રહ્માંડમાં ફક્ત એક જ આકાશગંગા છે. એનું નામ મંદાકિની છે. તેઓએ બ્રહ્માંડને કેટલું નાનું ગણી લીધું હતું! આજે આપણને ખબર છે કે બ્રહ્માંડમાં આશરે સો અબજ આકાશગંગા છે. એમાંની અમુકમાં કરોડો તારાઓ છે. જેમ જેમ શક્તિશાળી દૂરબીનો વાપરવામાં આવે છે તેમ તેમ નવી આકાશગંગાઓ જોવા મળે છે.
૨ જો બ્રહ્માંડ વિષે તેઓ ૧૯૦૫માં બહુ કંઈ જાણતા ન હતા તો, પૃથ્વી વિષે શું! ખરું કે ગઈ સદીના લોકો તેમના પૂર્વજો કરતાં વધારે જાણતા હતા. જ્યારે કે આજે આપણે તેઓ કરતાં વધારે જાણીએ છીએ. પૃથ્વી પરની સુંદર જીવ સૃષ્ટિ એકબીજા પર કઈ રીતે નભે છે એ વિષે વધારે સમજીએ છે. સમય જતાં પૃથ્વી અને વિશ્વ વિષે વધારે ને વધારે શીખીશું. પણ સવાલ એ થાય કે આ બધું ક્યાંથી આવ્યું? એનો જવાબ સૃષ્ટિનું સર્જન કરનાર ઈશ્વર બાઇબલમાં આપે છે.
સૃષ્ટિની અજોડ રચના
૩, ૪. ઈશ્વરે સૃષ્ટિની રચના કઈ રીતે કરી? એ કેવી રીતે તેમને મહિમા આપે છે?
૩ સૃષ્ટિની રચના વિષે બાઇબલની શરૂઆતના શબ્દો કહે છે: ‘ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.’ (ઉત. ૧:૧) શરૂઆતમાં કંઈ જ ન હતું ત્યારે, યહોવાહે પોતાની શક્તિ દ્વારા બ્રહ્માંડ અને પૃથ્વીની રચના કરી. કારીગર સાધનો વાપરીને પોતાના હાથે વસ્તુઓ બનાવે છે. જ્યારે કે ઈશ્વરે પોતાની શક્તિ દ્વારા સઘળું ઉત્પન્ન કર્યું છે.
૪ બાઇબલમાં યહોવાહની શક્તિને તેમની “આંગળી” પણ કહેવામાં આવે છે. (લુક ૧૧:૨૦; માથ. ૧૨:૨૮) તેમ જ, તેમણે જે કંઈ પોતાની શક્તિથી ઉત્પન્ન કર્યું છે એ ‘તેમના હાથનાં કામને’ દર્શાવે છે. એ સર્વ તેમને મહિમા આપે છે. ગીતકર્તા દાઊદે ગાયું કે ‘આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે.’ (ગીત. ૧૯:૧) આમ સમગ્ર સૃષ્ટિનું સર્જન બતાવે છે કે યહોવાહની શક્તિ કેટલી અપાર છે! (રૂમી ૧:૨૦) એના શું પુરાવા છે?
ઈશ્વરની અપાર શક્તિ
૫. દાખલો આપીને સમજાવો કે યહોવાહની શક્તિમાં કેટલી તાકાત છે?
૫ આપણે ધારી પણ ન શકીએ એટલું મોટું આ બ્રહ્માંડ છે. એ સાબિતી આપે છે કે યહોવાહનું સામર્થ્ય અને બળ કદી ખૂટશે જ નહિ. (યશાયાહ ૪૦:૨૬ વાંચો.) એ સમજવા સૂર્યનો દાખલો લઈએ. આપણે જાણીએ છીએ કે સૂર્ય એક તારો છે. એ પૃથ્વીથી ૧૫૦ અબજ કરતાં વધારે કિલોમીટર દૂર છે, એનું તાપમાન લગભગ દોઢ કરોડ સેલ્સિયસ છે. સૂર્ય એટલો બધો ગરમ છે કે જો પૃથ્વી યોગ્ય જગ્યાએ ન હોય તો, પૃથ્વી પર જીવન ટકી જ ન શકે. ઈશ્વરે સૂર્ય જેવા બીજા અબજો તારાઓ બનાવ્યા છે. જરા વિચારો એ માટે કેટલું સામર્થ્ય અને બળ જોઈએ! ખરેખર આપણા ઈશ્વર યહોવાહ એવું બળ અને સામર્થ્ય ધરાવે છે.
૬, ૭. (ક) યહોવાહે પોતાની શક્તિથી બધું વ્યવસ્થિત રીતે સર્જન કર્યું છે એ કઈ રીતે કહી શકીએ? (ખ) આપણે કઈ રીતે કહી શકીએ કે બ્રહ્માંડ પોતાની મેળે નથી આવ્યું?
૬ આપણી આજુબાજુની વસ્તુઓથી જોઈ શકીએ છીએ કે યહોવાહે પોતાની શક્તિ દ્વારા બધું વ્યવસ્થિત રીતે બનાવ્યું છે. એ સમજવા એક દાખલો લઈએ. ધારો કે તમારા હાથમાં એક બૉક્સ છે. એમાં જુદા જુદા રંગના બોલ છે. બૉક્સને તમે બરાબર હલાવીને જમીન પર ઠાલવી દો છો. શું તમને લાગે છે કે જમીન પર દરેક રંગના બોલ પોતાની મેળે ભેગા થઈ જશે? જેમ કે, વાદળી રંગના એકસાથે, પીળા રંગના એકસાથે. એવું તો શક્ય જ નથી! આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ કામ પોતાની મેળે કદી વ્યવસ્થિત રીતે થતું નથી. એ તો કુદરતી નિયમ છે.a
૭ આપણે દૂરબીનથી આકાશમાં જોઈએ ત્યારે શું જોવા મળે છે? આકાશગંગા, તારાઓ અને ગ્રહો એ સર્વ યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યા છે. એ બધા એની ગતિ પ્રમાણે ફરે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. આ બધું અકસ્માતથી પોતાની મેળે કઈ રીતે આવી શકે? તેથી આપણે આ સવાલ પર વિચાર કરવો જોઈએ: શરૂઆતથી કોણે આપણું બ્રહ્માંડ વ્યવસ્થિત રીતે બનાવ્યું? વૈજ્ઞાનિક શોધખોળ અને ટૅક્નોલૉજી દ્વારા મનુષ્ય કદી જાણી શકતો નથી કે કોની શક્તિથી એ બધું થયું છે. જોકે બાઇબલ આપણને જણાવે છે કે એ બધા પાછળ યહોવાહનો હાથ હતો. એ સર્વ તેમની શક્તિથી ઉત્પન્ન થયું છે. એક ઈશ્વરભક્તે પ્રાર્થનામાં ગાયું: “યહોવાહના શબ્દ વડે આકાશો તથા તેના મુખના શ્વાસ વડે તેઓનાં સર્વ સૈન્યો ઉત્પન્ન થયાં.” (ગીત. ૩૩:૬) આપણે એ “સૈન્યો” એટલે કે તારાઓમાંથી અમુકને જ નરી આંખે જોઈ શકીએ છીએ.
પૃથ્વીના સર્જન પાછળ ઈશ્વરની શક્તિ
૮. યહોવાહના હાથની કરામત વિષે આપણે શું જાણીએ છીએ?
૮ કુદરત વિષે આપણે જે જાણીએ છીએ એ તો કંઈ જ નથી. એના વિષે હજી તો ઘણું શીખવાનું બાકી છે. તેમ જ, ઈશ્વરે કઈ રીતે સૃષ્ટિ રચી એ વિષે આપણું જ્ઞાન નજીવું છે. એના વિષે ઈશ્વરભક્ત અયૂબે લખ્યું: “આ તો તેના માર્ગોનો માત્ર ઈશારો છે; આપણે તેનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ.” (અયૂ. ૨૬:૧૪) સદીઓ પછી શાણા રાજા સુલેમાને યહોવાહના સર્જન વિષે આમ કહ્યું: “તેણે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે; વળી તેણે તેઓનાં હૃદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે અથથી તે ઈતિ સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહિ.”—સભા. ૩:૧૧; ૮:૧૭.
૯, ૧૦. પૃથ્વીની રચનામાં ઈશ્વરે શાનો ઉપયોગ કર્યો? પ્રથમ ત્રણ દિવસોએ શું બનાવ્યું?
૯ યહોવાહે પોતાના કામ વિષે આપણને જરૂરી માહિતી જણાવી છે. દાખલા તરીકે, બાઇબલ જણાવે છે કે યુગોના યુગોથી યહોવાહની શક્તિ પૃથ્વી પર કામ કરતી હતી. (ઉત્પત્તિ ૧:૨ વાંચો.) એ સમયે પૃથ્વી પર કોરી ધરતી ન હતી, પ્રકાશ ન હતો, શ્વાસ લઈ શકે એવું આજની જેમ હવામાન ન હતું.
૧૦ બાઇબલ એ પણ જણાવે છે કે ઈશ્વરે એ દિવસો દરમિયાન શું કર્યું. એ દિવસો કંઈ ૨૪ કલાકના ન હતા, પણ એ લાંબો સમયગાળો હતો. સૃષ્ટિની રચનાના પ્રથમ દિવસે યહોવાહે પૃથ્વીને પ્રકાશ મળે એવી ગોઠવણ કરી. સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ ધરતી પર આવવા લાગ્યો ત્યારે એ ગોઠવણ પૂરી થઈ. (ઉત. ૧:૩, ૧૪) સૃષ્ટિના બીજા દિવસે હવામાનની રચના કરી. (ઉત. ૧:૬) પૃથ્વી પર ત્યારે હવા, પાણી અને પ્રકાશ હતા, પણ કોરી જમીન ન હતી. સૃષ્ટિના ત્રીજા દિવસની શરૂઆતમાં યહોવાહે પોતાની શક્તિ દ્વારા પાણીમાંથી કોરી જમીન અલગ કરી. (ઉત. ૧:૯) બીજા ઘણા નવાઈ પમાડનારા કામો ત્રીજા દિવસે અને પછીના સમય ગાળામાં કરવામાં આવ્યા.
ઈશ્વરની શક્તિથી જીવ સૃષ્ટિની રચના
૧૧. જીવ સૃષ્ટિની રચના શું બતાવે છે?
૧૧ ઈશ્વરે પોતાની શક્તિ દ્વારા ત્રીજાથી છઠ્ઠા દિવસ દરમિયાન જીવ સૃષ્ટિની રચના કરી. આશ્ચર્ય પામીએ એવા અલગ અલગ જાતના વૃક્ષો અને પ્રાણીઓ બનાવ્યા. (ઉત. ૧:૧૧, ૨૦-૨૫) જીવ સૃષ્ટિમાં જટિલતા, યોગ્ય આકાર અને સુંદરતા જોવા મળે છે. એ બતાવે છે કે તેઓની રચના કેટલી અજોડ છે!
૧૨. (ક) ડી.એન.એ. શું કામ કરે છે? (ખ) ડી.એન.એ. જે રીતે કામ કરે છે એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૨ ચાલો ડી.એન.એ. (ડી-ઑક્સિરિબોન્યુક્લિઇક ઍસિડ) વિષે વિચારીએ. એમાંના એકમો દરેક જીવના લક્ષણોને એકથી બીજી પેઢીમાં લઈ જાય છે. પૃથ્વી પરના બધા જ જીવો પછી ભલે એ ઘાસ, જીવાણુ, હાથી, વ્હેલ કે મનુષ્યો હોય એ બધામાં ડી.એન.એ. હોય છે. ખરું કે પૃથ્વી પર અનેક પ્રકારના જીવો છે. પરંતુ, તેઓ બધામાં ડી.એન.એ. હોવાથી દરેકના લક્ષણો એની જાત પ્રમાણે સરખા છે. તેઓને ઉત્પન્ન કર્યા ત્યારથી આજ સુધી એમાં કોઈ ફેરફાર થયો નથી. તેથી જ યહોવાહના મકસદ પ્રમાણે દરેક જીવ એકબીજા પર નભે છે. (ગીત. ૧૩૯:૧૬) આ અનોખી ગોઠવણ સાબિતી આપે છે કે એના સર્જન પાછળ યહોવાહનો હાથ છે.
ધરતી પરની અજોડ રચના
૧૩. યહોવાહે માણસની રચના કેવી રીતે કરી?
૧૩ પૃથ્વી “અસ્તવ્યસ્ત તથા ખાલી હતી.” એના ઘણા સમય પછી ઈશ્વરે અસંખ્ય સજીવ અને નિર્જીવ વસ્તુઓ બનાવી. જોકે, યહોવાહના મકસદ પ્રમાણે હજુ કામ પૂરું થયું ન હતું. તેમણે પોતાની શક્તિથી પૃથ્વી પર સૌથી શ્રેષ્ઠ રચના કરી. એ રચના એટલે માણસ, જેને છઠ્ઠા દિવસના અંતે બનાવવામાં આવ્યો. કેવી રીતે? યહોવાહે પોતાની શક્તિ દ્વારા માટીમાંથી માણસ બનાવ્યો.—ઉત. ૨:૭.
૧૪. મનુષ્ય અને પ્રાણીઓમાં શું ફરક છે?
૧૪ ઉત્પત્તિ ૧:૨૭ જણાવે છે: ‘ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યો, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેમણે તેને ઉત્પન્ન કર્યો; તેમણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.’ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન કર્યાં એનો શું અર્થ થાય? એ જ કે આપણે તેમની જેમ પ્રેમ બતાવી શકીએ છીએ અને પસંદગી કરી શકીએ છીએ. તેમ જ, યહોવાહ સાથે સંબંધ બાંધી શકીએ છીએ. એટલે જ આપણું મગજ પ્રાણીઓ કરતાં અલગ છે. ખાસ કરીને યહોવાહે આપણું મગજ એ રીતે રચ્યું છે કે, આપણે ખુશીથી તેમના વિષે અને તેમના કામોમાંથી શીખતા રહીએ.
૧૫. આદમ અને હવા પાસે કેવી તક હતી?
૧૫ ઈશ્વરે આદમ અને હવાને સુંદર પૃથ્વી પર બનાવ્યા, જેથી તેઓ અજોડ વસ્તુઓથી જાણકાર બને. તેમ જ, એનો આનંદ માણે. (ઉત. ૧:૨૮) યહોવાહે તેઓને રહેવા માટે સુંદર બગીચો આપ્યો, જેમાં ભરપૂર ખાવાનું હતું. હંમેશ માટે જીવવાની સુંદર તક હતી. તેઓ એવાં અબજો બાળકોના માબાપ બની શક્યા હોત, જેઓ બીમાર કે ઘરડાં ન થાત કે મરણ ન પામત. પણ આદમ-હવાએ તક ગુમાવી દીધી.
ઈશ્વરની શક્તિ સ્વીકારીએ
૧૬. આદમ અને હવાએ કઈ તક ગુમાવી જે આપણે મેળવી શકીએ છીએ?
૧૬ આદમ અને હવાએ રાજી-ખુશીથી ઈશ્વરની આજ્ઞા પાળવાને બદલે તેમની સામે બંડ પોકાર્યું. એનું પરિણામ એ આવ્યું કે ત્યારથી સર્વ લોકો દુઃખ-તકલીફો ભોગવે છે. પણ બાઇબલ જણાવે છે કે તેઓએ કરેલા પાપની અસર ઈશ્વર કેવી રીતે કાઢી નાખશે. તેમ જ, તે પોતાનો હેતુ કઈ રીતે પૂરો કરશે. એ સમયે આખી પૃથ્વી બગીચા જેવી હશે, જેમાં સર્વ લોકો આનંદી હશે, તંદુરસ્ત રહેશે. કાયમ માટે જીવશે. એ યહોવાહનો આશીર્વાદ છે. (ઉત. ૩:૧૫) એમાં આપણી શ્રદ્ધા મજબૂત રાખવા આપણને યહોવાહની શક્તિની જરૂર છે.
૧૭. આપણે કેવા વિચારોથી દૂર રહેવું જોઈએ?
૧૭ યહોવાહની શક્તિ મેળવવા આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. (લુક ૧૧:૧૩) એમ કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે કે સૃષ્ટિની રચના પાછળ યહોવાહનો જ હાથ છે. આજે નાસ્તિકો અને ઉત્ક્રાંતિમાં માનનારાની સંખ્યા ઘણી ઝડપથી વધી રહી છે. તેઓના વિચારો અને માન્યતા દમ વગરની છે. તેઓની ભૂલ ભરેલી વાતોની આપણને અસર ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. યહોવાહના સર્વ ભક્તોએ એવાં વિચારો અને એવી કોઈ પણ બાબતોનો રંગ ન લાગે માટે હંમેશા સાવચેત રહેવું જોઈએ.—કોલોસી ૨:૮ વાંચો.
૧૮. માણસ અને સૃષ્ટિ પાછળ ઈશ્વરનો હાથ નથી એમ વિચા રવું કેમ ખોટું છે?
૧૮ સૃષ્ટિના સર્જન વિષે વધારે જાણવાથી યહોવાહ અને બાઇબલમાં આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. માણસ અને સૃષ્ટિની શરૂઆત વિષે અભ્યાસ કરનારા ઘણા પોતાની જાતે નક્કી કરી લે છે કે એની પાછળ ઈશ્વરનો હાથ નથી. જો આપણે પણ તેઓની જેમ વિચારીશું, તો હકીકત જાણ્યા વગર ખોટા નિર્ણય પર આવીશું. વધુમાં, “અગણિત” વસ્તુઓ જે યોગ્ય રીતે ગોઠવાયેલી અને સમજી-વિચારીને બનાવવામાં આવી છે, એ હકીકતથી નજર ફેરવી લઈએ છીએ. (અયૂ. ૯:૧૦; ગીત. ૧૦૪:૨૫) યહોવાહના ભક્ત તરીકે આપણને પૂરી ખાતરી છે કે આખી સૃષ્ટિના સર્જનમાં તેમણે કુશળતાથી પોતાની શક્તિ વાપરી છે.
ઈશ્વરમાં શ્રદ્ધા વધારવા પવિત્ર શક્તિની મદદ
૧૯. તમે શેના પરથી કહી શકો કે ઈશ્વર છે અને તેમની શક્તિ દ્વારા બધું થાય છે?
૧૯ ઈશ્વર પર પ્રેમ, પૂજ્યભાવ અને શ્રદ્ધા રાખવા માટે આપણે ઉત્પત્તિ વિષે બધું જ જાણતા હોય એવું જરૂરી નથી. જેમ બે મિત્રો એકબીજા વિષે બધું જ જાણતા ન હોય, છતાં પણ એકબીજા પર ભરોસો મૂકે છે. યહોવાહ સાથેનો આપણો સંબંધ પણ એવો જ છે ખરુંને! બે મિત્રોની દોસ્તી એકબીજાને વધારે ઓળખવાથી મજ બૂત બને છે. એવી જ રીતે ઈશ્વર વિષે વધારે શીખવાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. યહોવાહના નિયમો પાળવાથી સારા પરિણામો આવે છે. આપણી પ્રાર્થનાઓનો જવાબ મળે છે ત્યારે, આપણો ભરોસો તેમનામાં વધારે ને વધારે મજબૂત થાય છે. આપણે જેમ અનુભવીએ કે ઈશ્વર દોરે છે, સાચવે છે, જરૂરિયાતો પૂરી કરે છે અને તેમની સેવા કરવાથી આશીર્વાદ આપે છે, તેમ તેમની સાથેનો સંબંધ મજબૂત થાય છે. આ બાબતો જોરદાર પુરાવો આપે છે કે ઈશ્વર છે અને તે તેમની શક્તિ દ્વારા બધું જ કરે છે.
૨૦. (ક) ઈશ્વરે કેમ સૃષ્ટિ અને માણસ બનાવ્યા? (ખ) ઈશ્વરની શક્તિથી દોરવાતા રહીશું તો, શું કરી શકીશું?
૨૦ ઈશ્વરે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો છે એનો બાઇબલ એક અજોડ પુરાવો છે. કારણ કે એના લખનારા ‘પવિત્ર શક્તિની પ્રેરણાથી ઈશ્વરનાં વચન બોલ્યાં.’ (૨ પીત. ૧:૨૧) બાઇબલનો ખંતથી અભ્યાસ કરવાથી સર્જનહાર ઈશ્વર પરનો ભરોસો મજબૂત થાય છે. (પ્રકટી. ૪:૧૧) યહોવાહે પ્રેમને લીધે આ બધું રચ્યું. (૧ યોહા. ૪:૮) લોકોને આપણા પ્રેમાળ મિત્ર અને પિતા યહોવાહ વિષે વધારે શીખવવા ચાલો આપણે આપણાથી બનતું બધું જ કરીએ. જો આપણે ઈશ્વરની શક્તિથી દોરવાતા રહીશું, તો તેમના વિષે હંમેશ માટે શીખતા રહેવાની તક મળશે. (ગલા. ૫:૧૬, ૨૫) આપણે યહોવાહ અને તેમના મહાન કામો વિષે શીખતા રહીએ. તેમ જ, સૃષ્ટિની રચનામાં તેમનો જે પ્રેમ છે એવો જ પ્રેમ બીજાઓને બતાવતા રહીએ. (w11-E 02/15)
[ફુટનોટ્સ]
a ઇઝ ધેર એ ક્રિએટર હુ કેર્સ અબાઉટ યુ? પુસ્તકના પાન ૨૪ અને ૨૫ જુઓ.
તમે કેવી રીતે સમજાવશો?
• બ્રહ્માંડ અને પૃથ્વી ઈશ્વરની શક્તિ વિષે આપણને શું શીખવે છે?
• ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે રચાયા હોવાથી આપણે શું કરી શકીએ છીએ?
• સૃષ્ટિની રચના વિષે આપણે કેમ પુરાવાઓ તપાસવા જોઈએ?
• ઈશ્વર સાથેનો આપણો સંબંધ કેવી રીતે પાકો બનશે?
[પાન ૧૩ પર ચિત્ર]
બ્રહ્માંડ આપણને ઉત્પત્તિ વિષે શું શીખવે છે?
[ક્રેડીટ લાઈન]
તારાઓ: Anglo-Australian Observatory/David Malin Images
[પાન ૧૪ પર ચિત્રો]
ડી.એન.એ. આ બધામાં છે!
[પાન ૧૫ પર ચિત્ર]
શું તમારી શ્રદ્ધા વિષે સમજાવવા તૈયાર છો?