બાઇબલ શું કહે છે?
ઈશ્વર વિશેનું સત્ય
ઈશ્વર કેવા દેખાય છે?
‘ઈશ્વર અદૃશ્ય છે.’—૧ તીમોથી ૧:૧૭.
બાઇબલ શું કહે છે? બાઇબલ જણાવે છે કે ઈશ્વર અદૃશ્ય છે, તે આપણી જેમ હાડ-માંસના બનેલા નથી. (૨ કોરીંથી ૩:૧૭) એટલે, તે આપણાથી બહુ જ ચઢિયાતા છે અને આપણે તેમને નરી આંખે જોઈ શકતા નથી. પહેલો તીમોથી ૧:૧૭ કહે છે કે તે ‘સનાતન યુગોનો રાજા, અવિનાશી અને અદૃશ્ય’ છે. બાઇબલ એમ પણ જણાવે છે કે ‘કોઈએ ઈશ્વરને કદી જોયા નથી.’—૧ યોહાન ૪:૧૨.
સર્જનહાર આપણા કરતાં એટલા ચઢિયાતા છે કે તે કેવા દેખાય છે, એની આપણે કલ્પના પણ કરી શકતા નથી. યશાયા ૪૦:૧૮ કહે છે, “તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેનો મુકાબલો કરશો?” સૌથી મહાન ઈશ્વરની આગળ તો ભવ્ય આકાશ પણ ઝાંખું પડે છે.—યશાયા ૪૦:૨૨, ૨૬.
જોકે, એવી બુદ્ધિશાળી વ્યક્તિઓ પણ છે જેઓ ઈશ્વરને જોઈ શકે છે; અરે, તેમની સાથે મોઢામોઢ વાત કરી શકે છે. એ કેવી રીતે બની શકે? તેઓ હાડ-માંસના બનેલા નથી, પણ અદૃશ્ય છે અને સ્વર્ગમાં રહે છે. (૧ રાજાઓ ૨૨:૨૧; હિબ્રૂ ૧:૭) આ બુદ્ધિશાળી વ્યક્તિઓને સ્વર્ગ દૂતો પણ કહેવાય છે. એ વ્યક્તિઓ વિશે ઈસુએ કહ્યું હતું કે તેઓ “મારા આકાશમાંના બાપનું મોં સદા જુએ છે.”—માથ્થી ૧૮:૧૦.
શું ઈશ્વર બધે જ છે?
“તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના અમારા બાપ.”—માથ્થી ૬:૯.
બાઇબલ શું કહે છે? બાઇબલ એવું શીખવતું નથી કે ઈશ્વર સર્વવ્યાપી છે; અથવા હવાની જેમ હંમેશાં બધે જ હાજર હોય છે. એના બદલે, માથ્થી ૬:૯ અને ૧૮:૧૦માં ઈસુના શબ્દો જણાવે છે તેમ ઈશ્વર તો એક વ્યક્તિ, એક ‘પિતા’ છે. તેમનું “રહેઠાણ” સ્વર્ગ છે.—૧ રાજાઓ ૮:૪૩.
ઈસુએ પોતાના જીવનના અંતે કહ્યું હતું: “હું જગતને છોડીને બાપની પાસે જાઉં છું.” (યોહાન ૧૬:૨૮) માણસ તરીકે તેમનું મરણ થયા પછી, ઈસુને સ્વર્ગ દૂત જેવા શરીરમાં જીવતા કરવામાં આવ્યા. ત્યાર બાદ તે સ્વર્ગમાં ચઢી ગયા, જેથી ‘તે આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.’—હિબ્રૂ ૯:૨૪.
ઈશ્વર વિશે ઉપરની હકીકત જાણવી જરૂરી છે. શા માટે? એક કારણ, ઈશ્વર એવા છે કે આપણે તેમના વિશે શીખી શકીએ છીએ અને તેમની નજીક જઈ શકીએ છીએ. (યાકૂબ ૪:૮) બીજું કારણ, ઈશ્વર વિશેનું સત્ય જૂઠી ભક્તિથી દૂર રહેવા આપણને મદદ કરે છે. જેમ કે, મૂર્તિઓ અને બીજી વસ્તુઓની પૂજા. પહેલો યોહાન ૫:૨૧ કહે છે કે “મારાં બાળકો, સાવધ રહીને મૂર્તિઓથી દૂર રહો.”
મનુષ્યો કઈ રીતે ઈશ્વરના સ્વરૂપમાં બનાવાયા છે?
“ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.”—ઉત્પત્તિ ૧:૨૭.
બાઇબલ શું કહે છે? મનુષ્યો તરીકે આપણામાં ઈશ્વર જેવા ગુણો બતાવવાની ક્ષમતા છે. જેમ કે પ્રેમ, ન્યાય અને ડહાપણ. બાઇબલ કહે છે કે, “તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારાં થાઓ; અને પ્રેમમાં ચાલો.”—એફેસી ૫:૧, ૨.
ઈશ્વરે આપણને એવી રીતે બનાવ્યા છે કે આપણે પોતાની મરજી પ્રમાણે કરી શકીએ. એટલે, આપણે ખોટાને બદલે સાચું પસંદ કરી શકીએ છીએ અને ઘણી રીતે બીજાને પ્રેમ બતાવી શકીએ છીએ. (૧ કોરીંથી ૧૩:૪-૭) આપણામાં પણ જાતજાતની વસ્તુઓ બનાવવાની અને સુંદર ચીજોની આનંદ માણવાની આવડત છે. તેમ જ, આપણે આસપાસની અજાયબ દુનિયાથી નવાઈ પામી શકીએ છીએ. સૌથી મહત્ત્વનું તો, આપણામાં ઈશ્વરભક્તિની ભૂખ છે; આપણા સર્જનહાર વિશે અને આપણા માટે તેમની ઇચ્છા વિશે શીખવાની તમન્ના છે.—લુક ૧૧:૨૮.
બાઇબલનું સત્ય તમને કઈ રીતે મદદ કરી શકે? આપણે ઈશ્વર વિશે જેટલું વધારે શીખીશું અને તેમના પગલે ચાલીશું, એટલું વધારે ઈશ્વર ચાહે છે તેમ આપણે જીવીશું. એનાથી આપણે જીવનનો વધારે આનંદ માણીશું. સાથે સાથે ખરું સુખ, મનની શાંતિ અને સંતોષ મળશે. (યશાયા ૪૮:૧૭, ૧૮) ઈશ્વર જાણે છે કે તેમના પ્રેમાળ ગુણો લોકોને અસર કરે છે. એનાથી નમ્ર દિલના લોકો તેમની નજીક આવે છે અને તેઓને હંમેશ માટેના જીવનના માર્ગે ચાલવા મદદ મળે છે.—યોહાન ૬:૪૪; ૧૭:૩. ◼ (g13-E 05)
[પાન ૧૦ પર ચિત્ર]