જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
ફેબ્રુઆરી ૩-૯
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૧૨-૧૪
“એક કરારથી બધાને અસર થાય છે”
(ઉત્પત્તિ ૧૨:૧, ૨) અને યહોવાએ ઈબ્રામને કહ્યું, કે તું તારો દેશ, તથા તારાં સગાં, તથા તારા બાપનું ઘર મૂકીને, જે દેશ હું તને દેખાડું તેમાં જા; ૨ અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ, ને તને આશીર્વાદ દઈશ, ને તારું નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે:
it-૧-E ૫૨૨ ¶૪
કરાર
ઈબ્રાહીમ સાથે કરાર. કનાન જતી વખતે ઈબ્રાહીમે યુફ્રેટિસ નદી પાર કરી ત્યારથી એ કરારની શરૂઆત થઈ. એનાં ૪૩૦ વર્ષ પછી નિયમ કરાર કરવામાં આવ્યો. (ગલા ૩:૧૭) મેસોપોટેમિયામાં આવેલા ખાલ્દીઓના ઉર શહેરમાં ઈબ્રાહીમ રહેતા હતા. એ વખતે યહોવાએ ઈબ્રાહીમને એ દેશમાં જવાનું કહ્યું, જે દેશ યહોવા તેમને બતાવવાના હતા. (પ્રેકા ૭:૨, ૩; ઉત ૧૧:૩૧; ૧૨:૧-૩) નિર્ગમન ૧૨:૪૦, ૪૧માં જણાવ્યા પ્રમાણે જે દિવસે કનાન અને ઇજિપ્ત દેશમાં ઇઝરાયેલીઓના ૪૩૦ વર્ષ પૂરાં થયાં, “તે જ દિવસે” ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાંથી બહાર નીકળ્યા હતા. એ ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં નીસાન ૧૪નો દિવસ હતો. એ જ દિવસે પાસ્ખાનો તહેવાર ઊજવવામાં આવ્યો હતો. (નિર્ગ ૧૨:૨, ૬, ૭) એનાથી લાગે છે કે ઈબ્રાહીમે કનાન જતી વખતે ઈ.સ. પૂર્વે ૧૯૪૩માં નીસાન ૧૪ના રોજ યુફ્રેટિસ નદી પાર કરી, ત્યારથી ઈબ્રાહીમ સાથેના કરારની શરૂઆત થઈ. મુસાફરી કરતા કરતા ઈબ્રાહીમ કનાન દેશના શખેમમાં પહોંચ્યા ત્યારે, યહોવાએ પોતાના વચન વિશે વધારે માહિતી આપી. તેમણે ઈબ્રાહીમને કહ્યું, “હું તારા વંશજોને આ દેશ આપીશ.” એનાથી જોવા મળે છે કે આ કરાર અને એદન બાગમાં જે વંશજ વિશે વચન આપવામાં આવ્યું હતું, એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. એ પણ જાણવા મળે છે કે એ વંશજ એક માણસમાંથી આવશે. (ઉત ૧૨:૪-૭) પછીથી એ વંશજ વિશે યહોવાએ વધારે માહિતી આપી, જે ઉત્પત્તિ ૧૩:૧૪-૧૭; ૧૫:૧૮; ૧૭:૨-૮, ૧૯; ૨૨:૧૫-૧૮માં જણાવવામાં આવી છે.
(ઉત્પત્તિ ૧૨:૩) અને જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ, ને જેઓ તને શાપ દે તેઓને હું શાપ દઈશ; અને તારામાં પૃથ્વીનાં સર્વ કુટુંબ આશીર્વાદ પામશે.
w૮૯-E ૭/૧ ૩ ¶૪
તમારે કેમ ઈબ્રાહીમ વિશેનું સત્ય જાણવું જોઈએ?
એ વચનથી નવાઈ લાગે છે, ખરુંને! એના વિશે યહોવાએ બીજી બે વાર ઈબ્રાહીમને જણાવ્યું હતું. (ઉત્પત્તિ ૧૮:૧૮; ૨૨:૧૮) પોતે આપેલું વચન પૂરું કરવા યહોવા એવાં કુળના લોકોને પણ ફરી જીવતા કરશે, જેઓનાં કુળ હવે રહ્યાં નથી. એ સજીવન થયેલા લોકો માટે એક આશીર્વાદ હશે, કારણ કે એ સમયે આખી પૃથ્વી ફરીથી એદન બાગ જેવી થઈ જશે. પછી એ લોકોને શીખવવામાં આવશે કે હંમેશ માટે જીવવા શું કરવું જોઈએ.—ઉત્પત્તિ ૨:૮, ૯, ૧૫-૧૭; ૩:૧૭-૨૩.
(ઉત્પત્તિ ૧૩:૧૪-૧૭) અને ઈબ્રામથી લોત જુદો થયા પછી યહોવાએ ઈબ્રામને કહ્યું, કે તું તારી આંખો ઊંચી કરીને તું જ્યાં છે ત્યાંથી ઉત્તર તથા દક્ષિણ તથા પૂર્વ તથા પશ્ચિમ ભણી જો; ૧૫ કેમ કે જે દેશ તું જુએ છે, તે બધો હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ. ૧૬ અને હું તારો વંશ પૃથ્વીની રજના જેટલો કરીશ; એવો કે જો કોઈ પૃથ્વીની રજને ગણી શકે તો તારો વંશ પણ ગણાય. ૧૭ ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર; કેમ કે તે હું તને આપીશ.
it-૨-E ૨૧૩ ¶૩
નિયમ
ઇતિહાસના પુરાવાના આધારે અમુક વિદ્વાનો માને છે કે જમીનની લે-વેચ કરવામાં આવે ત્યારે ખરીદનારને ઊંચી જગ્યાએ લઈ જવામાં આવે. ત્યાંથી તેને જમીન અને એની હદ બતાવવામાં આવે. જો ખરીદનાર કહે કે “મેં જોઈ લીધું,” તો એનો અર્થ થતો કે એ જમીન તેને ગમી ગઈ અને કાયદેસર રીતે તેની થઈ. યહોવાએ ઈબ્રાહીમને કનાન દેશ આપવાનું વચન આપ્યું ત્યારે તેમણે ઈબ્રાહીમને ચારે બાજુ જોવા કહ્યું. ઈબ્રાહીમે એવું ન કહ્યું કે “મેં જોઈ લીધું.” કારણ કે તે જાણતા હતા કે ઈશ્વરે આપેલા વચન પ્રમાણે વચનનો દેશ તેમના વંશજોને મળવાનો હતો, તેમને નહિ. (ઉત ૧૩:૧૪, ૧૫) કાયદા પ્રમાણે મુસા ઇઝરાયેલના પ્રતિનિધિ હતા. એટલે તેમને પણ એ જમીન “જોવા” જણાવવામાં આવ્યું. જો વિદ્વાનોની વાત સાચી હોય, તો મુસાના ‘જોવાનો’ શો અર્થ હતો? એ જ કે, યહોવા એ દેશ ઇઝરાયેલીઓને આપવાના હતા અને તેઓના આગેવાન તરીકે યહોશુઆ તેઓને એ દેશમાં લઈ જવાના હતા. (પુન ૩:૨૭, ૨૮; ૩૪:૪; માથ ૪:૮માં શેતાને ઈસુને જે કહ્યું એ પણ જુઓ.) ઉપરાંત, એક વ્યક્તિ જમીન ખરીદવાના ઇરાદા સાથે જમીન પર પગ મૂકે કે એ જમીન પર ચાલીને બરાબર જુએ, તો નિયમ પ્રમાણે એ જમીન તેની થતી. (ઉત ૧૩:૧૭; ૨૮:૧૩) અમુક પ્રાચીન દસ્તાવેજો પ્રમાણે જમીન વેચતી વખતે લખી લેવામાં આવતું કે એ જમીન પર કેટલાં ઝાડ છે.—ઉત ૨૩:૧૭, ૧૮ સરખાવો.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૧૩:૮, ૯) અને ઈબ્રામે લોતને કહ્યું, કે હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાઓ વચ્ચે તકરાર થવી ન જોઈએ; કેમ કે આપણે ભાઈઓ છીએ. ૯ શું, તારી આગળ આખો દેશ નથી? તો મારાથી તું જુદો થા; જો તું ડાબી ગમ જશે, તો હું જમણી ગમ જઈશ; અને જો તું જમણી ગમ જશે, તો હું ડાબી ગમ જઈશ.
મતભેદોને પ્રેમથી થાળે પાડીએ
૧૨ બાઇબલ જણાવે છે કે, મતભેદો ઊભા થાય ત્યારે, ઈશ્વરભક્તો કઈ રીતે શાંતિ જાળવી શકે છે. દાખલા તરીકે, ઈબ્રાહીમ અને તેમના ભત્રીજા લોત પાસે ઘણાં ઢોરઢાંક હતાં. એને ચરાવવા પૂરતી જગ્યા ન હોવાથી તેઓના ગોવાળિયાઓ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. જોકે, ઈબ્રાહીમ શાંતિ ચાહતા હતા. તેથી, સૌથી સારો દેશ પસંદ કરવાની તક લોતને પહેલા આપી. (ઉત. ૧૩:૧, ૨, ૫-૯) આપણા માટે કેવો સરસ દાખલો! શું પોતાની ઉદારતા માટે ઈબ્રાહીમે કાયમી નુકસાન ભોગવવું પડ્યું? ના, જરાય નહિ. આ બનાવ બન્યો એ પછી તરત જ યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો અને તેમણે જે ગુમાવ્યું હતું એના કરતાં ઘણું વધારે આપ્યું. (ઉત. ૧૩:૧૪-૧૭) આ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? ભલે આપણે અમુક નુકસાન ભોગવવું પડે, પણ જ્યારે આપણે મતભેદોને પ્રેમથી થાળે પાડીએ છીએ, ત્યારે યહોવા આપણને આશીર્વાદ આપે છે.
(ઉત્પત્તિ ૧૪:૧૮-૨૦) અને શાલેમનો રાજા મેલ્ખીસેદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો; અને તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો. ૧૯ અને તેણે તેને આશીર્વાદ આપીને કહ્યું, કે પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેનાથી ઈબ્રામ આશીર્વાદિત થાઓ; ૨૦ અને પરાત્પર ઈશ્વર જેણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેને ધન્ય હો. અને ઈબ્રામે તેને સર્વમાંથી દશમો ભાગ આપ્યો.
(હિબ્રૂઓ ૭:૪-૧૦) જુઓ, આ માણસ કેટલો મહાન હતો! તેને આપણા કુળપિતા ઈબ્રાહીમે લૂંટની સૌથી સારી વસ્તુઓનો દસમો ભાગ આપ્યો. ૫ ખરું કે નિયમશાસ્ત્ર પ્રમાણે, યાજકપદ મેળવનાર લેવીના દીકરાઓને લોકો, એટલે કે તેઓના ભાઈઓ પાસેથી દસમો ભાગ લેવાની આજ્ઞા હતી, પછી ભલેને તેઓ ઈબ્રાહીમના વંશજો હોય. ૬ પણ મેલ્ખીસેદેક, જે લેવીના વંશનો ન હતો, તેણે વચનો મેળવનાર ઈબ્રાહીમ પાસેથી દસમો ભાગ લીધો અને આશીર્વાદ આપ્યો. ૭ હવે, એમાં કોઈ શંકા નથી કે મોટી વ્યક્તિઓ નાનાઓને આશીર્વાદ આપે છે. ૮ દસમો ભાગ મેળવનાર લેવીઓ તો મરણ પામનાર માણસો હતા, પણ દસમો ભાગ મેળવનાર બીજા માણસ વિશે શાસ્ત્રવચનો સાક્ષી આપે છે કે તે જીવે છે. ૯ એવું કહી શકાય કે દસમો ભાગ ઉઘરાવનારા લેવીઓએ પણ ઈબ્રાહીમ દ્વારા દસમો ભાગ આપ્યો. ૧૦ જ્યારે મેલ્ખીસેદેક ઈબ્રાહીમને મળ્યો, ત્યારે ઈબ્રાહીમના વંશજ તરીકે લેવીનો જન્મ હજુ થયો ન હતો.
it-૨-E ૬૮૩ ¶૧
યાજક
મેલ્ખીસેદેક શાલેમના રાજા અને યાજક (કો-હેન) હતા. પૃથ્વી પર તેમના જેવું કોઈ ન હતું, જે યાજક અને રાજા બંને હોય. તેમના કુટુંબ, જન્મ કે મરણ વિશે બાઇબલમાં કંઈ જણાવવામાં આવ્યું નથી. તેમને યાજકપદ વારસામાં મળ્યું ન હતું. તેમનું યાજકપદ પહેલાં કોઈને મળ્યું ન હતું અને પછી પણ કોઈને મળવાનું ન હતું. મેલ્ખીસેદેકે રાજા અને યાજક તરીકેની જવાબદારી નિભાવી હતી. તેમનું યાજકપદ લેવીઓના યાજકપદ કરતાં ચઢિયાતું હતું, કારણ કે લેવીઓએ મેલ્ખીસેદેકને દસમો ભાગ આપ્યો. કઈ રીતે? ભવિષ્યમાં લેવીઓ ઈબ્રાહીમના વંશજ બનવાના હતા. એટલે ઈબ્રાહીમે મેલ્ખીસેદેકને દસમો ભાગ આપ્યો અને મેલ્ખીસેદેકે તેમને આશીર્વાદ આપ્યો ત્યારે જાણે કે લેવીઓએ દસમો ભાગ આપ્યો. (ઉત ૧૪:૧૮-૨૦; હિબ્રૂ ૭:૪-૧૦) આમ, મેલ્ખીસેદેક ઈસુને દર્શાવે છે, જે ‘મેલ્ખીસેદેક જેવા યાજક છે અને જે હંમેશ માટે યાજક છે.’—હિબ્રૂ ૭:૧૭.
બાઇબલ વાંચન
ફેબ્રુઆરી ૧૦-૧૬
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૧૫-૧૭
“યહોવાએ શા માટે ઈબ્રામ અને સારાયનાં નામ બદલ્યાં?”
(ઉત્પત્તિ ૧૭:૧) અને ઈબ્રામ નવ્વાણું વર્ષનો થયો, ત્યારે યહોવાએ ઈબ્રામને દર્શન આપ્યું, ને તેને કહ્યું, સર્વસમર્થ ઈશ્વર હું છું; તું મારી સમક્ષ ચાલ, ને પરિપૂર્ણ થા.
it-૧-E ૮૧૭
ભૂલ, વાંક કાઢવો
માણસોની રીત અને તેઓએ બનાવેલી વસ્તુઓમાં કંઈક તો ખામી હોય છે જ. બધાને આદમ તરફથી વારસામાં ભૂલો અને પાપો મળ્યાં છે. (રોમ ૫:૧૨; ગી ૫૧:૫) પણ યહોવા કદી પણ ભૂલો કરતા નથી. તે દયાળુ છે અને “આપણું બંધારણ જાણે છે, આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.” (ગી ૧૦૩:૧૩, ૧૪) નુહ યહોવાને વફાદાર હતા અને તેમની આજ્ઞાઓ પાળતા હતા. યહોવાએ કહ્યું કે “પોતાના જમાનામાં નુહ ન્યાયી તથા સીધો માણસ હતો.” (ઉત ૬:૯) યહોવાએ ઈબ્રાહીમને આજ્ઞા આપી, ‘મારી આજ્ઞા પાળ અને કોઈ પણ દોષમાં પડ્યા વિના ચાલ.’ (ઉત ૧૭:૧, ઈઝી-ટુ-રીડ વર્ઝન) નુહ અને ઈબ્રાહીમમાં પાપની અસર હતી. ગુજરી ગયા પછી પણ તેઓ યહોવાની નજરે નેક ગણાયા, કેમ કે “યહોવા હૃદય તરફ જુએ છે.” (૧શ ૧૬:૭; ૨રા ૨૦:૩; ૨કા ૧૬:૯ સરખાવો.) તેમણે ઇઝરાયેલીઓને કહ્યું: ‘તું યહોવા તારા ઈશ્વરની દૃષ્ટિમાં નિર્દોષ સાબિત થા.’ (પુન ૧૮:૧૩; ૨શ ૨૨:૨૪) યહોવાએ પોતાનો દીકરો બલિદાન તરીકે આપ્યો, જેનામાં કોઈ પાપ ન હતું. (હિબ્રૂ ૭:૨૬) જેઓ શ્રદ્ધા રાખે છે અને આજ્ઞાઓ પાળે છે, તેઓને યહોવા એ બલિદાનના આધારે “ન્યાયી” કે નિર્દોષ ગણી શકે છે. આમ, યહોવા સાબિત કરે છે કે તે એક ન્યાયી અને નિર્દોષ ન્યાયાધીશ છે.—રોમ ૩:૨૫, ૨૬.
(ઉત્પત્તિ ૧૭:૩-૫) અને ઈબ્રામ ઊંધો પડ્યો; અને ઈશ્વરે તેની સાથે બોલતાં કહ્યું, ૪ જો, તારી સાથે મારો કરાર છે, ને તું ઘણી દેશજાતિઓનો પૂર્વજ થશે. ૫ અને હવે પછી તારું નામ ઈબ્રામ નહિ કહેવાશે, પણ ઈબ્રાહીમ એવું તારું નામ થશે; કેમ કે મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ કર્યો છે.
it-૧-E ૩૧ ¶૧
ઈબ્રાહીમ
સમય વીતતો ગયો. ઈબ્રાહીમ અને સારાહ દસ વર્ષથી કનાન દેશમાં રહેતા હતા. સારાહ હજુ પણ વાંઝણી હતી. એટલે તેણે ઈબ્રાહીમને કહ્યું કે ઇજિપ્તથી આવેલી તેની દાસીથી બાળક કરે, જેથી તેઓને પોતાનું બાળક મળે. ઈબ્રાહીમે તેનું કહ્યું માન્યું. ઈ.સ. પૂર્વે ૧૯૩૨માં ઈશ્માએલનો જન્મ થયો. એ વખતે ઈબ્રાહીમ ૮૬ વર્ષના હતા. (ઉત ૧૬:૩, ૧૫, ૧૬) ઈ.સ. પૂર્વે ૧૯૧૯માં ઈબ્રાહીમ ૯૯ વર્ષના હતા ત્યારે યહોવાએ એક નિશાની એટલે કે મહોર આપી. યહોવા અને ઈબ્રાહીમ વચ્ચેના ખાસ કરારની એ નિશાની હતી. ઈબ્રાહીમના ઘરના બધા પુરુષોની સુન્નત કરાવવાની યહોવાએ આજ્ઞા આપી. યહોવાએ એ જ સમયે તેમનું નામ ઈબ્રામથી ઈબ્રાહીમ પાડ્યું. કારણ કે તે ઈબ્રાહીમને ‘ઘણી દેશજાતિઓના પૂર્વજ’ બનાવવાના હતા. (ઉત ૧૭:૫, ૯-૨૭; રોમ ૪:૧૧) થોડા સમય પછી, ત્રણ સ્વર્ગદૂત માણસના રૂપમાં ઈબ્રાહીમને મળવા આવ્યા. ઈબ્રાહીમે તેઓની મહેમાનગતિ કરી. પછી તેઓએ યહોવા તરફથી વચન આપ્યું કે સારાહ એક પુત્રને જન્મ આપશે, અને એ પણ આવતા વર્ષે!—ઉત ૧૮:૧-૧૫.
(ઉત ૧૭:૧૫, ૧૬) પછી ઈશ્વરે ઈબ્રાહીમને કહ્યું, કે તારી સ્ત્રીનું નામ સારાય ન કહે, પણ સારાહ તેનું નામ થશે. ૧૬ અને હું તેને આશીર્વાદ દઈશ, ને હું તને તેને પેટે દીકરો આપીશ; હું ખચીત તેને આશીર્વાદ દઈશ, ને તે દેશજાતિઓની માતા થશે; અને તેનાથી દેશજાતિઓના રાજાઓ થશે.
w૦૯-E ૨/૧ ૧૩
શું નામનું કોઈ મહત્ત્વ હોય છે?
ઈશ્વરે પોતાનો હેતુ પૂરો કરવા અમુક લોકોનાં નામ બદલ્યા હતા. દાખલા તરીકે, ઈબ્રામ નામનો અર્થ થાય, ‘પિતા ઊંચા છે.’ ઈશ્વરે તેમનું એ નામ બદલીને ઈબ્રાહીમ પાડ્યું, જેનો અર્થ થાય ‘દેશજાતિઓના પૂર્વજ.’ એ નામ પ્રમાણે જ થયું. ઈબ્રાહીમ ઘણી દેશજાતિઓના પિતા બન્યા. (ઉત્પત્તિ ૧૭:૫, ૬) જરા ઈબ્રાહીમની પત્ની સારાયનો વિચાર કરો, જેમના નામનો અર્થ હતો, “ઝઘડાળુ.” તે કેટલી ખુશ થઈ હશે જ્યારે ઈશ્વરે તેનું નામ બદલીને સારાહ રાખ્યું, જેનો અર્થ થાય, “રાજકુમારી.” ઈશ્વરે જણાવ્યું કે ભવિષ્યમાં તે રાજાઓની પૂર્વજ બનશે.—ઉત્પત્તિ ૧૭:૧૫, ૧૬.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૧૫:૧૩, ૧૪) અને તેણે ઈબ્રામને કહ્યું, તું ખચીત જાણ, કે તારો વંશ પરદેશમાં ભટકશે, ને ત્યાંના લોકોની સેવા કરશે; અને ચારસો વર્ષ લગી તેઓને દુઃખ દેવામાં આવશે; ૧૪ અને જે લોકોની સેવા તેઓ કરશે તેઓનો ન્યાય પણ હું કરીશ; અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને નીકળશે.
it-૧-E ૪૬૦-૪૬૧
ઘટનાઓનો ક્રમ
યહોવાએ ઈબ્રામને (ઈબ્રાહીમને) કહ્યું: “તું ખચીત જાણ કે, તારો વંશ પરદેશમાં ભટકશે, ને ત્યાંના લોકોની સેવા કરશે અને ચારસો વર્ષ લગી તેઓને દુઃખ દેવામાં આવશે.” (ઉત ૧૫:૧૩; પ્રેકા ૭:૬, ૭ પણ જુઓ.) યહોવાએ ઇસહાકના જન્મ પહેલાં એ જણાવ્યું હતું, જે વચન પ્રમાણેના “વંશ” એટલે કે વારસ હતા. ઈ.સ. પૂર્વે ૧૯૩૨માં ઈબ્રામના પુત્ર ઈશ્માએલનો જન્મ થયો, જે ઇજિપ્તથી આવેલી દાસી હાગારથી થયો હતો. ઈ.સ. પૂર્વે ૧૯૧૮માં ઇસહાકનો જન્મ થયો. (ઉત ૧૬:૧૬; ૨૧:૫) ઇજિપ્તની ગુલામીમાંથી નીકળવાના અને દુઃખોના અંતના ૪૦૦ વર્ષ પહેલાં એટલે કે, ઈ.સ. પૂર્વે ૧૯૧૩માં ઇસહાક આશરે પાંચ વર્ષના હતા. (ઉત ૧૫:૧૪) એવું લાગે છે કે એ સમયે ઇસહાકે ધાવણ છોડ્યું અને તે બીજા દેશમાં ‘પરદેશી’ તરીકે રહેતા હતા. એ સમયે ઈશ્માએલ કદાચ ૧૯ વર્ષનો હતો. ઈશ્માએલે ઇસહાકની મશ્કરી કરી. આમ, અગાઉ જે દુઃખ વિશે ભવિષ્યવાણી કરવામાં આવી હતી, એની શરૂઆત થઈ. (ઉત ૨૧:૮, ૯) ઈશ્માએલે ઇસહાકની મશ્કરી કરી એ વાત આજના સમયમાં નાનીસૂની લાગે. પણ ઈબ્રાહીમના સમયમાં એવું ન હતું. હાગાર અને ઈશ્માએલને કાઢી મૂકવાની સારાહે ઈબ્રાહીમને વિનંતી કરી અને ઈશ્વરે એને મંજૂર કરી. સારાહના વર્તન અને ઈશ્વરે આપેલા મંજૂરીથી એ વાત સાબિત થાય છે કે ઈબ્રાહીમના સમયમાં એ વાત ગંભીર ગણાતી. (ઉત ૨૧:૧૦-૧૩) બાઇબલમાં આ પ્રસંગની નોંધ કરવામાં આવી. એનાથી પુરાવો મળે છે કે એ બનાવથી દુઃખોનાં ૪૦૦ વર્ષની શરૂઆત થઈ હતી. એ દુઃખના દિવસો ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળે ત્યાં સુધી ચાલવાના હતા.—ગલા ૪:૨૯.
(ઉત્પત્તિ ૧૫:૧૬) અને તેઓ ચોથી પેઢીમાં અહીં પાછા આવશે; કેમ કે અમોરીઓનાં પાપનો ઘડો હજુ ભરાયો નથી.
it-૧-E ૭૭૮ ¶૪
ઇજિપ્તમાંથી બહાર નીકળવું
“ચોથી પેઢીમાં.” આપણે યાદ રાખવું જોઈએ કે યહોવાએ ઈબ્રાહીમને કહ્યું હતું કે તેમના વંશજો ચોથી પેઢીમાં કનાન પાછા આવશે. (ઉત ૧૫:૧૬) અહેવાલથી જોવા મળે છે કે એ સમયે લોકો લાંબું જીવન જીવતા. એટલે ઈબ્રાહીમ સાથે કરાર કરવામાં આવ્યો ત્યારથી લઈને ઇઝરાયેલીઓના ઇજિપ્તમાંથી બહાર નીકળવાના ૪૩૦ વર્ષમાં ચારથી વધારે પેઢી હતી. પણ ઇઝરાયેલીઓ ઇજિપ્તમાં ફક્ત ૨૧૫ વર્ષ હતા. ઇજિપ્તમાં આવ્યા પછી ‘ચાર પેઢીની’ ગણતરી ઇઝરાયેલના લેવીના કુળના દાખલાથી કરી શકાય: (૧) લેવી, (૨) કહાથ, (૩) આમ્રામ અને (૪) મુસા.—નિર્ગ ૬:૧૬, ૧૮, ૨૦.
બાઇબલ વાંચન
ફેબ્રુઆરી ૧૭-૨૩
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૧૮-૧૯
“‘આખી પૃથ્વીના ન્યાયાધીશ’ સદોમ અને ગમોરાહનો નાશ કરે છે”
(ઉત્પત્તિ ૧૮:૨૩-૨૫) અને ઈબ્રાહીમ પાસે આવ્યો, ને બોલ્યો, શું તું દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશે? ૨૪ કદાચ તે નગરમાં પચાસ ન્યાયી હોય; તો શું તું તેનો નાશ કરશે, ને તેમાંના પચાસ ન્યાયીને લીધે તે જગા નહિ બચાવે? ૨૫ એવી રીતે કરવું તારાથી વેગળું થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા; એ તારાથી વેગળું થાઓ; આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?
“આખી પૃથ્વીનો ન્યાયાધીશ” હંમેશાં અદ્દલ ન્યાય કરે છે
વફાદાર ઈશ્વરભક્ત ઈબ્રાહીમે પૂછ્યું હતું: “આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?” (ઉત. ૧૮:૨૫) શું ઈબ્રાહીમના મનમાં કોઈ શંકા હતી? ના, હકીકતમાં તે આ સવાલ દ્વારા યહોવામાં ભરોસો બતાવી રહ્યા હતા. તેમને ખાતરી હતી કે, સદોમ અને ગમોરાહ શહેરોનો યહોવા અદ્દલ ન્યાય કરશે. તેમને પૂરો ભરોસો હતો કે, યહોવા કદી પણ “દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર” નહિ કરે. યહોવા ન્યાય ઊંધો વાળે એવું ઈબ્રાહીમ સપનામાં પણ વિચારી શકતા ન હતા. એ બનાવના આશરે ૪૦૦ વર્ષ પછી આમ લખવામાં આવ્યું: “તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે; કેમ કે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરો છે.” હકીકતમાં, એ શબ્દો યહોવાએ પોતાના માટે કહ્યા હતા.—પુન. ૩૧:૧૯; ૩૨:૪.
(ઉત્પત્તિ ૧૮:૩૨) અને તેણે કહ્યું, પ્રભુને રોષ ન ચઢે તો હું ફરીથી એક જ વાર બોલું: કદાચિત ત્યાં દશ જ જડે તો? તેણે કહ્યું, કે દશને લીધે પણ હું તેનો નાશ નહિ કરીશ.
ધીરજ—હિંમત ન હારીએ
ધીરજ રાખવામાં યહોવાએ આપણા માટે સૌથી ઉત્તમ દાખલો બેસાડ્યો છે. (૨ પીત. ૩:૧૫) યહોવાએ ધીરજ બતાવી હોય એવા ઘણા અહેવાલો બાઇબલમાં છે. (નહે. ૯:૩૦; યશા. ૩૦:૧૮) દાખલા તરીકે, સદોમનો નાશ કરવાના યહોવાના નિર્ણય પર ઈબ્રાહીમે સવાલ ઉઠાવ્યો ત્યારે યહોવા કઈ રીતે વર્ત્યા? યહોવાએ ઈબ્રાહીમને વાત કરતા અટકાવ્યા નહિ. તે ઈબ્રાહીમના દરેક સવાલ અને ચિંતાને ધીરજપૂર્વક સાંભળતા રહ્યા. પછીથી, યહોવાએ ઈબ્રાહીમની દરેક ચિંતા વિશે ફરીથી વાત કરી. તેમણે ખાતરી આપી કે સદોમમાં ફક્ત દસ ન્યાયી માણસો પણ મળી આવશે તો તે એનો નાશ કરવાનું માંડી વાળશે. (ઉત. ૧૮:૨૨-૩૩) યહોવાએ ધીરજથી સાંભળ્યું અને રાઈનો પહાડ બનાવ્યો નહિ. ધીરજ બતાવવાનો કેટલો જોરદાર દાખલો!
(ઉત્પત્તિ ૧૯:૨૪, ૨૫) ત્યારે યહોવાએ સદોમ તથા ગમોરાહ પર ગંધક તથા આગ યહોવા પાસેથી આકાશમાંથી વરસાવ્યાં ૨૫ અને તેણે તે નગરનો તથા આખા નીચાણનો તથા નગરમાં સર્વ રહેનારાંનો તથા ભૂમિ પર ઊગેલાંનો નાશ કર્યો.
યહોવાહ જ વિશ્વના માલિક છે!
૧૨ આપણે જાણીએ છીએ કે દુષ્ટ દુનિયાના આ છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. આપણને ખાતરી છે કે યહોવાહ જલદી જ સાબિત કરશે કે પોતે જ વિશ્વના માલિક છે. તે હંમેશ માટે દુષ્ટતા સહી લેશે નહિ. યહોવાહે નુહના સમયમાં જળપ્રલય લાવીને દુષ્ટ લોકોનો નાશ કર્યો હતો. તેમણે સદોમ-ગમોરાહ અને ફારૂન તથા તેના લશ્કરનો નાશ કર્યો હતો. સીસરા, તેનું લશ્કર અને સાન્હેરીબ તથા તેનું આશ્શૂરી લશ્કર પણ યહોવાહ આગળ ટકી શક્યાં નહિ. (ઉત. ૭:૧, ૨૩; ૧૯:૨૪, ૨૫; નિર્ગ. ૧૪:૩૦, ૩૧; ન્યા. ૪:૧૫, ૧૬; ૨ રાજા. ૧૯:૩૫, ૩૬) એટલે આપણને પૂરો ભરોસો છે કે યહોવાહ પોતાના નામ પર લાગેલા કલંકને જલદી જ દૂર કરશે. તેમ જ, પોતાના ભક્તો સાથે થતા ક્રૂર વર્તનને કાયમ સહી લેશે નહિ. એ ઉપરાંત આજે આપણને સાબિતી જોવા મળે છે કે ઈસુ રાજા બન્યા છે અને દુષ્ટ દુનિયાના આ છેલ્લા દિવસો છે.—માથ. ૨૪:૩.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૧૮:૧) અને બપોરને વખતે તે તંબુના બારણામાં બેઠો હતો ત્યારે યહોવાએ મામરેનાં એલોન ઝાડની પાસે તેને દર્શન આપ્યું.
(ઉત્પત્તિ ૧૮:૨૨) અને તે પુરુષો ત્યાંથી વળીને સદોમ ભણી ગયા; પણ ઈબ્રાહીમ યહોવાની આગળ હજુ ઊભો રહ્યો.
w૮૮-E ૫/૧૫ ૨૩ ¶૪-૫
શું કોઈએ ઈશ્વરને જોયા છે?
ઈબ્રાહીમે ઈશ્વર વતી બોલનાર દૂત સાથે વાત કરી હતી. આ દૂતે એ જ કહ્યું, જે ઈશ્વર ઈબ્રાહીમને કહેવા માંગતા હતા અને તે ઈશ્વરને રજૂ કરતા હતા. એટલે બાઇબલમાં લખ્યું છે કે “યહોવાએ તેને દર્શન આપ્યું.” હવે આપણે સમજી શકીએ કે એ વિશે વર્ણન કરતી વખતે શા માટે ઈબ્રાહીમે એવું કહ્યું કે જાણે તે ઈશ્વર સાથે વાત કરી રહ્યા હતા.—ઉત્પત્તિ ૧૮:૧.
એક રેડિયો કે ટેલિફોન ચોકસાઈથી એક વ્યક્તિના વિચારો બીજી વ્યક્તિ સુધી પહોંચાડે છે. એટલી જ ચોકસાઈથી ઈશ્વર વતી બોલનાર દૂત પણ તેમનો સંદેશો પહોંચાડે છે. એટલે આપણે સમજી શકીએ કે ઈબ્રાહીમ, મુસા, માનોઆહ અને બીજાઓએ દૂત સાથે વાત કરી ત્યારે તેઓને કેમ એવું લાગ્યું કે જાણે તેઓ ઈશ્વર સાથે વાત કરી રહ્યા છે. એ ઈશ્વરભક્તો દૂતોને જોઈ શક્યા અને એ દૂતો દ્વારા ઈશ્વરનો મહિમા જોઈ શક્યા, પણ તેઓ ઈશ્વરને જોઈ શક્યા નહિ. એનાથી ઈશ્વરભક્ત યોહાને લખેલા આ શબ્દો સાચા સાબિત થાય છે: “કોઈ માણસે ઈશ્વરને કદી પણ જોયા નથી.” (યોહાન ૧:૧૮) એ ઈશ્વરભક્તોએ ઈશ્વરને નહિ, પણ ઈશ્વર વતી બોલનાર દૂતોને જોયા હતા.
(ઉત્પત્તિ ૧૯:૨૬) પણ તેની સ્ત્રી જે તેની પછવાડે ચાલતી હતી તેણે પાછળ જોયું, ને તે ખારનો થાંભલો થઈ ગઈ.
ચિંતાનો સામનો કરવા બીજાઓને મદદ કરીએ
૩ લોતે એક ખોટો નિર્ણય લીધો, તે સદોમ રહેવા ગયા. ત્યાંના લોકો સાવ બગડી ગયા હતા. (૨ પીતર ૨:૭, ૮ વાંચો.) એ વિસ્તારની જાહોજલાલી જેવી-તેવી ન હતી. પણ, ત્યાં રહેવા લોતે મોટી કિંમત ચૂકવી, તેમણે ઘણી મુશ્કેલીઓ સહેવી પડી. (ઉત. ૧૩:૮-૧૩; ૧૪:૧૨) તેમની પત્નીને એ શહેર માટે કે પછી ત્યાંના કેટલાંક લોકો માટે એટલો બધો પ્રેમ હતો કે, તે યહોવાને બેવફા બની. ઈશ્વરે એ વિસ્તારનો આગ અને ગંધકથી નાશ કર્યો ત્યારે લોતની પત્નીએ જીવ ગુમાવ્યો. લોતની બે છોકરીઓએ પણ મુશ્કેલીઓ સહેવી પડી. તેઓની સગાઈ થઈ હતી. એ પુરુષો પણ સદોમમાં મરણ પામ્યા. લોતે ઘરબાર ગુમાવ્યા. સૌથી મોટું નુકસાન તો પત્નીને ગુમાવી. (ઉત. ૧૯:૧૨-૧૪, ૧૭, ૨૬) એ મુશ્કેલ ઘડીમાં શું યહોવાએ લોતનો સાથ છોડી દીધો? ના, યહોવાએ એવું કર્યું નહિ.
બાઇબલ વાંચન
ફેબ્રુઆરી ૨૪–માર્ચ ૧
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૦-૨૧
“યહોવા હંમેશાં પોતાનાં વચનો પ્રમાણે કરે છે”
(ઉત્પત્તિ ૨૧:૧-૩) અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારાહ પર તેણે કૃપાદૃષ્ટિ કરી, જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેણે સારાહને કર્યું. ૨ અને સારાહ ગર્ભવતી થઈ, ને તેણે ઈબ્રાહીમને માટે, તેના ઘડપણમાં, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું તેમ ઠરાવેલે સમયે દીકરાને જન્મ આપ્યો. ૩ અને ઈબ્રાહીમે જે દીકરો સારાહને પેટે તેને થયો તેનું નામ ઇસહાક પાડ્યું.
wp૧૭.૫-E ૧૪-૧૫
ઈશ્વરે તેને “રાજકુમારી” કહ્યું
શું સારાહ એટલે હસી કેમ કે તેનામાં ઓછી શ્રદ્ધા હતી? ના, એમ ન હતું. બાઇબલમાં જણાવ્યું છે, “શ્રદ્ધાથી જ સારાહે પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં, ગર્ભવતી થવાની શક્તિ મેળવી, કેમ કે વચન આપનારને તે ભરોસાપાત્ર ગણતી હતી.” (હિબ્રૂઓ ૧૧:૧૧) સારાહ યહોવાને સારી રીતે ઓળખતી હતી. તે જાણતી હતી કે યહોવા પોતાનું દરેક વચન પૂરું કરી શકે છે. આપણને બધાને એવી પાકી શ્રદ્ધાની જરૂર છે. ઈશ્વરને સારી રીતે ઓળખવા આપણે બનતું બધું કરવું જોઈએ. બાઇબલમાંથી ઈશ્વર વિશે શીખીશું તો જાણી શકીશું કે, સારાહે પાકી શ્રદ્ધા બતાવી એ એકદમ યોગ્ય હતું. આપણે યહોવા પર પાકો ભરોસો મૂકી શકીએ છીએ. તે પોતાનું એકેએક વચન પૂરું કરે છે. અમુક વાર તો યહોવા એ રીતે પોતાનું વચન પૂરું કરે છે, જેનાથી આપણને નવાઈ લાગે અથવા હસવું આવે.
“તેનું સાંભળ”
સારાહે યુવાનીમાં જોયેલું સપનું ૯૦ વર્ષની ઉંમરે પૂરું થયું. તેણે દીકરાને જન્મ આપ્યો. એ વખતે તેના પતિ ઈબ્રાહીમ આશરે સો વર્ષના હતા. ઈશ્વરે કહ્યું હતું એ પ્રમાણે ઈબ્રાહીમે પોતાના દીકરાનું નામ ઇસહાક પાડ્યું, જેનો અર્થ હતો, “હાસ્ય.” જરા વિચારો, સારાહ થાકેલી હતી તોપણ તેણે ખુશીથી કહ્યું કે “ઈશ્વરે મને હસાવી છે; અને હરેક સાંભળનાર મારી સાથે હસશે.” (ઉત્પત્તિ ૨૧:૬) યહોવાએ આપેલી એ અદ્ભુત ભેટને લીધે જીવનના અંત સુધી તે ખુશ રહી. એ ભેટની સાથે સાથે તેને મોટી જવાબદારીઓ પણ મળી હતી.
ઇસહાકે પાંચ વર્ષની ઉંમરે ધાવણ છોડ્યું ત્યારે, તેમનાં માતા-પિતાએ એક મોટી મિજબાની રાખી હતી. પણ એ દિવસે કોઈક દુઃખી હતું. અહેવાલથી જોવા મળે છે કે, સારાહે ‘જોયું’ કે ૧૯ વર્ષનો ઈશ્માએલ ઇસહાક સાથે ખરાબ રીતે વર્તે છે, તેની મશ્કરી કરે છે. એ કંઈ સામાન્ય મજાક-મસ્તી ન હતી. ઘણા સમય પછી યહોવાએ પ્રેરિત પાઊલને એ લખવા પ્રેરણા આપી કે ઈશ્માએલ તો ઇસહાકની હેરાનગતિ કરતો હતો. સારાહે જોયું કે તેના દીકરાની હેરાનગતિ થઈ રહી છે, તેનો દીકરો ખતરામાં છે. સારાહ જાણતી હતી કે ઇસહાક ફક્ત તેનો દીકરો જ નથી, પણ તેણે તો યહોવાનો હેતુ પૂરો કરવામાં મહત્ત્વનો ભાગ ભજવવાનો છે. એટલે હિંમત ભેગી કરીને તેણે ઈબ્રાહીમને કહ્યું કે હાગાર અને ઈશ્માએલને દૂર મોકલી દે.—ઉત્પત્તિ ૨૧:૮-૧૦; ગલાતીઓ ૪:૨૨, ૨૩, ૨૯.
એ વાતથી ઈબ્રાહીમને કેવું લાગ્યું? બાઇબલમાં જણાવ્યું છે: “એ વાત ઈબ્રાહીમની દૃષ્ટિમાં પોતાના દીકરાને લીધે બહુ માઠી લાગી.” તે ઈશ્માએલને ખૂબ પ્રેમ કરતા હતા. ઈશ્માએલ માટે ખૂબ લાગણી હોવાથી ઈબ્રાહીમ એ વાતને સારી રીતે સમજી શક્યા નહિ. પણ યહોવા એ વાત સારી રીતે સમજતા હતા, એટલે તેમણે “ઈબ્રાહીમને કહ્યું, તારા દીકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહિ; જે સર્વ સારાહે તને કહ્યું છે, તેમાં તેનું સાંભળ; કેમ કે ઇસહાકથી તારું સંતાન ગણાશે.” યહોવાએ ઈબ્રાહીમને ખાતરી કરાવી કે હાગાર અને તેના દીકરાની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે. ઈબ્રાહીમ યહોવાને વફાદાર હતા એટલે તેમણે એ વાત માની.—ઉત્પત્તિ ૨૧:૧૧-૧૪.
(ઉત્પત્તિ ૨૧:૫-૭) જ્યારે તેનો દીકરો ઇસહાક જન્મ્યો ત્યારે ઈબ્રાહીમ સો વર્ષનો હતો. ૬ અને સારાહે કહ્યું, ઈશ્વરે મને હસાવી છે; અને હરેક સાંભળનાર મારી સાથે હસશે. ૭ અને તેણે કહ્યું, ઈબ્રાહીમને કોણ કહેત કે સારાહ છોકરાને ધવડાવશે? કેમ કે તેના ઘડપણમાં મેં દીકરાને જન્મ આપ્યો છે.
(ઉત્પત્તિ ૨૧:૧૦-૧૨) તેથી તેણે ઈબ્રાહીમને કહ્યું, આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક; કેમ કે એ દાસીનો દીકરો મારા દીકરા ઇસહાકની જોડે વારસ નહિ થશે. ૧૧ પણ એ વાત ઈબ્રાહીમની દૃષ્ટિમાં પોતાના દીકરાને લીધે બહુ માઠી લાગી. ૧૨ અને ઈશ્વરે ઈબ્રાહીમને કહ્યું, તારા દીકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહિ; જે સર્વ સારાહે તને કહ્યું છે, તેમાં તેનું સાંભળ; કેમ કે ઇસહાકથી તારું સંતાન ગણાશે.
(ઉત્પત્તિ ૨૧:૧૪) “અને ઈબ્રાહીમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેની ખાંધે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.”
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૨૦:૧૨) “વળી તે મારી બહેન છે, એ પણ ખરું, એટલે મારા બાપની દીકરી, પણ મારી માની દીકરી નહિ; અને તે મારી સ્ત્રી થઈ;”
wp૧૭.૩-E ૧૨, ફૂટનોટ
“તું કેટલી સુંદર સ્ત્રી છે”
સારાહ ઈબ્રાહીમની સાવકી બહેન હતી. એ બંનેના પિતા તેરાહ હતા પણ તેઓની માતા અલગ અલગ હતી. (ઉત્પત્તિ ૨૦:૧૨) આજે એવું લગ્ન યોગ્ય ગણાતું નથી. પણ આપણે યાદ રાખવું જોઈએ કે એ જમાનામાં ઘણી બાબતો અલગ હતી. એ વખતે લોકો તન-મનથી તંદુરસ્ત હતા. ભલે તેઓ પાપી હતા પણ આદમ-હવાએ પાપ વગરનું જીવન ગુમાવ્યું, એને વધારે સમય થયો ન હતો. એટલે નજીકના સગા સાથે લગ્ન કરીને બાળક થાય તો, બાળકમાં કોઈ ખામી આવતી ન હતી કે બીમારી થવાનો ડર ન હતો. એ જમાનાથી લગભગ ૪૦૦ વર્ષ પછી લોકોની તબિયત અને ઉંમર પહેલાં જેવી રહી નહિ. એટલે યહોવાએ મુસા દ્વારા નિયમ આપ્યો કે નજીકના સગા સાથે જાતીય સંબંધ રાખવો નહિ.—લેવીય ૧૮:૬.
(ઉત્પત્તિ ૨૧:૩૩) “અને ઈબ્રાહીમે બેર-શેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું, ને ત્યાં યહોવા સનાતન ઈશ્વરને નામે પ્રાર્થના કરી.”
w૮૯-E ૭/૧ ૨૦ ¶૯
જેઓ ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરવા માંગે છે, તેઓ માટે ઈબ્રાહીમે સુંદર દાખલો બેસાડ્યો
૯ ઈબ્રાહીમે બીજા એક સમયે પણ શ્રદ્ધા બતાવી. બાઇબલમાં જણાવ્યું છે, ‘ઈશ્વર માટે તેમણે ત્યાં વેદી બાંધી.’ (ઉત્પત્તિ ૧૨:૭) હિબ્રૂમાં “વેદી” માટે વપરાયેલા શબ્દનો અર્થ થાય, “બલિદાનની જગ્યા.” એટલે ઈબ્રાહીમે કદાચ એ જગ્યાએ જાનવરનું બલિદાન પણ ચઢાવ્યું હશે. પછીથી ઈબ્રાહીમે શ્રદ્ધાનાં એવાં કામ દેશના બીજા ભાગમાં પણ કર્યાં હતાં. એ ઉપરાંત તેમણે “યહોવાને નામે પ્રાર્થના કરી.” (ઉત્પત્તિ ૧૨:૮; ૧૩:૧૮; ૨૧:૩૩) હિબ્રૂમાં “યહોવાને નામે પ્રાર્થના” કરવાનો અર્થ “નામ જાહેર (પ્રચાર) કરવું” પણ થાય. ઈબ્રાહીમ પૂરી હિંમતથી પોતાના ઈશ્વર યહોવાનું નામ જાહેર કરતા હતા. ઈબ્રાહીમના ઘરના સભ્યો અને કનાનના લોકોએ એ સાંભળ્યું હશે. (ઉત્પત્તિ ૧૪:૨૨-૨૪) એવી જ રીતે, આજે જેઓ ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરવા માંગે છે, તેઓએ શ્રદ્ધાથી તેમનું નામ જાહેર કરવું જોઈએ. જાહેરમાં થતા પ્રચાર કામનો પણ એમાં સમાવેશ થાય છે. આપણે “હંમેશાં ઈશ્વરને સ્તુતિનું અર્પણ બલિદાન તરીકે ચઢાવીએ, એટલે કે આપણા મોંથી જાહેરમાં તેમનું નામ જણાવીએ.”—હિબ્રૂઓ ૧૩:૧૫; રોમનો ૧૦:૧૦.
બાઇબલ વાંચન