આપણને મળેલો સત્યનો વારસો
“એ યહોવાના સેવકોનો વારસો છે.”—યશા. ૫૪:૧૭.
૧. યહોવાએ મનુષ્યોના ભલા માટે શું સાચવી રાખ્યું છે?
યહોવા અમર છે અને તેમણે આપણને જણાવ્યું છે કે હંમેશ માટે જીવવા આપણે શું કરવાની જરૂર છે. તેમના શબ્દો કદી બદલાશે નહિ. બાઇબલ જણાવે છે: ‘યહોવાનું વચન સદાકાળ રહે છે.’ (૧ પીત. ૧:૨૩-૨૫) એ મહત્ત્વની માહિતી યહોવાએ બાઇબલમાં સાચવી રાખી છે. એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ!
૨. બાઇબલમાં યહોવાએ પોતાના ભક્તો માટે શું સાચવી રાખ્યું છે?
૨ બાઇબલ જણાવે છે કે ઈશ્વરનું નામ યહોવા છે અને તે ચાહે છે કે તેમના ભક્તો એ નામ વાપરે. ‘આકાશ તથા પૃથ્વીʼનું સર્જન થયું, એના વર્ણનમાં બાઇબલ પહેલી વાર ‘યહોવા ઈશ્વરʼનો ઉલ્લેખ કરે છે. (ઉત. ૨:૪) યહોવાએ પોતાનું નામ દસ આજ્ઞાઓની શિલાપાટીઓ પર અમુક વાર લખ્યું હતું. દાખલા તરીકે, પહેલી આજ્ઞાની શરૂઆત આ રીતે થઈ: “તારો ઈશ્વર યહોવા હું છું.” (નિર્ગ. ૨૦:૧-૧૭) યહોવાનું નામ મિટાવવા શેતાન ભલે ગમે એટલા પ્રયત્નો કરે, પણ તે નિષ્ફળ જશે. એનું કારણ કે સૌથી શક્તિશાળી યહોવાએ બાઇબલ, તેમ જ એમાં પોતાનું નામ સાચવી રાખ્યું છે.—ગીત. ૭૩:૨૮.
૩. દુનિયામાં ખોટું શિક્ષણ ફેલાયેલું છે તોપણ, ઈશ્વરે શું સાચવી રાખ્યું છે?
૩ બાઇબલમાં યહોવાએ સત્યને પણ સાચવી રાખ્યું છે. દુનિયા ફરતે ઈશ્વર વિશે ખોટું શિક્ષણ ફેલાયેલું છે. પણ, આપણે બહુ આભારી છીએ કે યહોવાએ આપણને સત્યનો પ્રકાશ આપ્યો છે. (ગીતશાસ્ત્ર ૪૩:૩, ૪ વાંચો.) મોટા ભાગના લોકો આજે અંધકારમાં ચાલે છે. જ્યારે કે, આપણે યહોવા તરફથી આવતા સત્યના પ્રકાશમાં ચાલીએ છીએ, એના લીધે કેટલા ખુશ છીએ!—૧ યોહા. ૧:૬, ૭.
આપણો કીમતી વારસો
૪, ૫. વર્ષ ૧૯૩૧થી આપણને કયો ખાસ લહાવો મળ્યો છે?
૪ ખ્રિસ્તીઓ તરીકે આપણી પાસે અમૂલ્ય વારસો છે. ગુજરાતી શબ્દકોશ પ્રમાણે, ‘વારસો’ એટલે કે એક પેઢીથી બીજી પેઢીને મળતાં ગુણો, પરંપરા કે સંસ્કૃતિ. યહોવા તરફથી મળતા વારસામાં શાનો સમાવેશ થાય છે? એમાં યહોવાએ આપેલા બાઇબલમાંથી મળતાં ખરાં શિક્ષણનો સમાવેશ થાય છે. તેમ જ, યહોવા અને તેમના હેતુઓ વિશેની સ્પષ્ટ સમજણ પણ આવી જાય છે. આ વારસામાં એક ખાસ લહાવાનો પણ સમાવેશ થાય છે.
૫ વર્ષ ૧૯૩૧માં અમેરિકાના કોલંબસ, ઓહાયોમાં ભરાયેલા સંમેલનમાં એ ખાસ લહાવો મળ્યો હતો. છાપેલા પ્રોગ્રામ ઉપર બે અક્ષરો હતા. હાજર રહેલા લોકો વિચારમાં પડી ગયા કે એનો શું અર્થ થાય. જોકે, અમુક લોકો એ પારખી ગયા. એ અક્ષરો આપણું નવું નામ બતાવતા હતા. ઘણાં વર્ષોથી આપણે “બાઇબલ વિદ્યાર્થીઓ” તરીકે ઓળખાતા. પણ જુલાઈ ૨૬, ૧૯૩૧ના રવિવારે એક ઠરાવ દ્વારા આપણે “યહોવાના સાક્ષીઓ” નામ સ્વીકાર્યું. (યશાયા ૪૩:૧૨ વાંચો.) એક ભાઈએ કહ્યું કે “ત્યાં હાજર રહેલાઓનો પોકાર અને તાળીઓનો ગળગળાટ, હું કદી નહિ ભૂલી શકું!” ‘યહોવા’ નામનો ઉપયોગ કોઈને કરવો ન હતો. પણ આપણે કેટલા આશીર્વાદિત છીએ કે ૮૦થી વધારે વર્ષોથી એ નામ વાપરીએ છીએ. યહોવાના સાક્ષીઓ તરીકે ઓળખાવાનો લહાવો કેટલો અનેરો છે!
૬. આપણા વારસામાં કઈ માહિતીનો ભંડાર છે?
૬ આપણા વારસામાં, પહેલાંના સમયની ખરી અને મૂલ્યવાન માહિતીનો ભંડાર પણ છે. દાખલા તરીકે, ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબનો વિચાર કરો. તેઓએ અને તેઓનાં કુટુંબે ચોક્કસ ચર્ચા કરી હશે કે યહોવાને કઈ રીતે આનંદ પહોંચાડી શકાય. એટલે જ, એમાં નવાઈ નથી કે યુસફે વ્યભિચાર ન કર્યો અને એમ કહ્યું કે “હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?” (ઉત. ૩૯:૭-૯) પહેલી સદીમાં, ખ્રિસ્તી રીતરિવાજો, વાણી અથવા વર્તનથી આપવામાં આવ્યા હતા. દાખલા તરીકે, પાઊલે મંડળોને પ્રભુના સાંજના ભોજન વિશે અમુક માહિતી આપી હતી. (૧ કોરીં. ૧૧:૨, ૨૩) આજે પણ, યહોવાની ભક્તિ ‘પવિત્ર શક્તિથી અને સત્યતાથી’ કરવા માટેની વિગતો બાઇબલમાં લખવામાં આવી છે. (યોહાન ૪:૨૩, ૨૪ વાંચો.) બધા જ લોકોને પ્રકાશ મળે એ માટે બાઇબલ આપવામાં આવ્યું છે. પણ, યહોવાના ભક્તો તરીકે આપણે એની સૌથી વધારે કદર કરીએ છીએ.
૭. હિંમત આપતું કયું વચન આપણા વારસામાં છે?
૭ આપણો વારસો એ પણ બતાવે છે કે ‘યહોવા આપણા પક્ષે છે.’ (ગીત. ૧૧૮:૭) એની સાબિતી હાલનાં આપણાં સાહિત્યમાં આવતા અહેવાલોથી મળે છે. ભલે આપણા પર સતાવણીઓ આવે, એ અહેવાલો આપણને હિંમત આપે છે. આપણો વારસો વધતો રહે છે અને આ વચનથી ઘણી જ હિંમત મળે છે: “તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરુદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાના સેવકોનો વારસો છે, તેમનું ન્યાયીપણું મારાથી છે, એમ યહોવા કહે છે.” (યશા. ૫૪:૧૭) શેતાને વાપરેલું કોઈ પણ હથિયાર આપણને કાયમી નુકસાન પહોંચાડી શકશે નહિ.
૮. આ અને આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૮ શેતાને બાઇબલનો નાશ કરવા ઘણા પ્રયત્નો કર્યા છે. યહોવાનું નામ ભૂંસી નાખવા અને સત્યને છૂપાવવા પણ ઘણી કોશિશ કરી છે. પણ, યહોવા સામે તેની કંઈ વિસાત નથી. યહોવા તેના બધા પ્રયત્નોને નિષ્ફળ બનાવી દે છે. આપણે આ અને આવતા લેખમાં ત્રણ મુદ્દાની ચર્ચા કરીશું: (૧) યહોવાએ કઈ રીતે બાઇબલને સંભાળી રાખ્યું છે? (૨) યહોવાએ કઈ રીતે પોતાનું નામ સાચવી રાખ્યું છે? (૩) જે સત્યનો આનંદ માણીએ છીએ, એને યહોવા કઈ રીતે સાચવે છે અને આપણને આપે છે?
યહોવાએ બાઇબલને સાચવી રાખ્યું છે
૯-૧૧. કયાં ઉદાહરણો બતાવે છે કે સખત વિરોધ છતાં, બાઇબલ ટકી રહ્યું છે?
૯ યહોવાએ બાઇબલને નાશ થવાથી બચાવ્યું છે. કેથલીક ચર્ચોએ લોકોને બાઇબલ વાંચવાથી અટકાવવા ઘણા પ્રયત્નો કર્યા. વર્ષ ૧૨૨૯માં ફ્રાન્સની ચર્ચ કાઉન્સિલે નિયમ જાહેર કર્યો કે, લોકો પોતાની ભાષામાં બાઇબલ વાંચે એ ખોટું છે. વર્ષ ૧૨૩૪માં સ્પેનમાં પણ એવો જ નિયમ બહાર પાડવામાં આવ્યો. અમુક વર્ષો પછી ૧૫૫૯માં, પોપ પૉલ ચોથાએ બાઇબલને એવાં પુસ્તકોની યાદીમાં ઉમેર્યું, જે કોઈ વ્યક્તિ છાપી ન શકે અથવા ચર્ચની પરવાનગી વગર પોતાની પાસે રાખી ન શકે.
૧૦ બાઇબલને મિટાવી દેવાના ઘણા પ્રયત્નો છતાં, હજી પણ એ સચવાયું છે. લગભગ ૧૩૮૨માં જોન વિકલીફ અને તેમના સાથીઓએ અંગ્રેજીમાં પહેલું બાઇબલ બહાર પાડ્યું. બાઇબલનું ભાષાંતર કરનારી બીજી વ્યક્તિ વિલિયમ ટિંડેલ હતા. તેમને ૧૫૩૬માં મારી નાખવામાં આવ્યા. તેમને મારતી વખતે થાંભલા સાથે બાંધવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે એ વખતે તેમણે આમ પોકાર કર્યો: “ઓ ઈશ્વર, ઇંગ્લૅન્ડના રાજાની આંખો ખોલો!” પણ, દોરડાંથી તેમનું ગળું દાબીને માર્યા પછી, તેમને સળગાવી દેવામાં આવ્યા.
૧૧ ઘણા વિરોધો છતાં બાઇબલ ટકી રહ્યું છે. ૧૫૩૫માં માઇલ્સ કવરડૅલે અંગ્રેજીમાં બાઇબલ બહાર પાડ્યું. કવરડૅલે એ માટે ટિંડેલનો “નવો કરાર” વાપર્યો અને ટિંડેલના જ “જૂના કરાર”માંથી ઉત્પત્તિથી કાળવૃત્તાંત સુધીનો ભાગ વાપર્યો. તેમણે બીજા ભાગોનું ભાષાંતર લેટિન ભાષાના બાઇબલ અને માર્ટિન લુથરે જર્મનમાં લખેલા બાઇબલની મદદથી કર્યું. આજે, આપણી પાસે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ છે. આ બાઇબલ સમજાય એવું અને એકદમ સચોટ છે. તેમ જ, પ્રચારમાં સહેલાઈથી વાપરી શકાય છે. આપણે કેટલા ખુશ છીએ કે શેતાન અને મનુષ્યના પ્રયત્નો છતાં, યહોવાએ બાઇબલને સાચવી રાખ્યું છે.
યહોવાએ તેમનું નામ સાચવી રાખ્યું છે
૧૨. યહોવાનું નામ સાચવી રાખવામાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશને કેવો ભાગ ભજવ્યો છે?
૧૨ બાઇબલમાં પોતાનું નામ જળવાઈ રહે, એનું યહોવા ઈશ્વરે ધ્યાન રાખ્યું છે. એ માટે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એનું ભાષાંતર કરનારાઓએ પ્રસ્તાવનામાં લખ્યું છે: “આ અંગ્રેજી ભાષાંતરનું ખાસ પાસું એ છે કે, બાઇબલમાં ઈશ્વરનું નામ જે જગ્યાઓએ હોવું જોઈએ ત્યાં પાછું મૂકવામાં આવ્યું છે. અંગ્રેજીમાં ઈશ્વરના નામનો સૌથી જાણીતો ઉચ્ચાર ‘જેહોવા’ એમાં મૂકવામાં આવ્યો છે. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં એ નામ ૬,૯૭૩ વખત અને ગ્રીક શાસ્ત્રવચનોમાં ૨૩૭ વખત વપરાયું છે.” આજે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલ આખું કે અમુક ભાગમાં, ૧૧૬ કરતાં વધારે ભાષાઓમાં મળી રહે છે. એની ૧૭,૮૫,૪૫,૮૬૨ પ્રતો છાપવામાં આવી છે.
૧૩. કઈ રીતે કહી શકીએ કે મનુષ્યોનું સર્જન થયું એ સમયથી જ ઈશ્વરનું નામ જાણીતું છે?
૧૩ મનુષ્યોનું સર્જન થયું એ સમયથી જ ઈશ્વરનું નામ જાણીતું છે. આદમ-હવા એ નામ જાણતાં હતાં અને એનો ઉપયોગ પણ કરતાં. જળપ્રલય પછી હામે નુહનો અનાદર કર્યો ત્યારે, નુહે કહ્યું: ‘યહોવા, શેમના ઈશ્વર, તેમને સ્તુતિ થાઓ; અને હામનો દીકરો કનાન શેમનો દાસ થાઓ.’ (ઉત. ૪:૧; ૯:૨૬) ઈશ્વરે પોતે જાહેર કર્યું હતું: ‘હું યહોવા છું; એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજા કોઈને આપીશ નહિ.’ ઈશ્વરે એ પણ જણાવ્યું: “હું જ યહોવા છું, ને બીજો કોઈ નથી; મારા સિવાય કોઈ ઈશ્વર નથી.” (યશા. ૪૨:૮; ૪૫:૫) પોતાનું નામ બાઇબલમાં જળવાઈ રહે અને દુનિયાના લોકો એ નામ જાણે, એનું ધ્યાન યહોવાએ રાખ્યું છે. આપણે યહોવાના નામનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેમના સાક્ષીઓ તરીકે ભક્તિ કરી શકીએ છીએ, એ કેટલો અમૂલ્ય લહાવો છે!—ગીત. ૨૦:૫.
૧૪. બાઇબલ સિવાય બીજે ક્યાં ઈશ્વરનું નામ જોવા મળે છે?
૧૪ ફક્ત બાઇબલમાં જ નહિ, ઈશ્વરનું નામ બીજાં લખાણોમાં પણ જોવા મળે છે. મૃત સરોવરની ૨૧ કિલોમીટર પૂર્વમાં આવેલા ડિબોનમાં એક મોઆબી પથ્થર મળી આવ્યો. એ પથ્થર, ઈસ્રાએલના રાજા ઓમ્રી વિશે જણાવે છે. તેમ જ, એના પર મોઆબના રાજા મેશાએ ઈસ્રાએલ સામેના યુદ્ધ વિશે જે કહ્યું હતું, એ લખાયેલું છે. (૧ રાજા. ૧૬:૨૮; ૨ રાજા ૧:૧; ૩:૪, ૫) એ મોઆબી પથ્થરની ખાસિયત છે કે એની ઉપર ઈશ્વરનું નામ દર્શાવતા ચાર હિબ્રૂ અક્ષરો, ‘યહવહ’ છે. ઈસ્રાએલમાંથી મળી આવેલા લાખીશના પત્રોના અવશેષોમાં પણ, ઈશ્વરનું નામ દર્શાવતા હિબ્રૂ અક્ષરો જોવા મળે છે.
૧૫. સેપ્ટુઆજીંટ શું છે? એની કેમ જરૂર પડી?
૧૫ પહેલાંના સમયમાં બાઇબલનું ભાષાંતર કરનારાઓએ પણ, ઈશ્વરનું નામ સાચવી રાખવામાં ભાગ ભજવ્યો હતો. ઈસવીસન પૂર્વે ૬૦૭થી ૫૩૭ સુધી, યહુદીઓ બાબેલોનની ગુલામીમાં હતા. ત્યાંથી છૂટ્યા પછી ઘણા યહુદીઓ ઈસ્રાએલ કે યહુદા પાછા ન ગયા. ઘણા યહુદીઓએ ઈ.સ. પૂર્વે ત્રીજી સદી દરમિયાન, ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રીયા શહેરને પોતાનું વતન બનાવી લીધું. એ સમયે ગ્રીક ભાષા પ્રચલિત હતી, એટલે તેઓને એ ભાષામાં હિબ્રૂ શાસ્ત્રવચનોની જરૂર પડી. એનું ભાષાંતર ઈ.સ. પૂર્વે બીજી સદીમાં પૂરું થયું. એને સેપ્ટુઆજીંટ કહેવામાં આવે છે. જોકે, એની અમુક પ્રતોમાં યહોવાનું નામ હિબ્રૂ ભાષામાં જાળવી રાખવામાં આવ્યું.
૧૬. વર્ષ ૧૬૪૦ના પુસ્તકમાં ઈશ્વરનું નામ કઈ રીતે વપરાયું, એનું ઉદાહરણ આપો.
૧૬ અમેરિકામાં આવેલી ઇંગ્લૅન્ડની વસાહતોમાં સૌથી પહેલું બહાર પાડવામાં આવેલું પુસ્તક, એ ગીતશાસ્ત્રનું ભાષાંતર હતું. એમાં ઈશ્વરનું નામ છે. એ હિબ્રૂમાંથી અંગ્રેજીમાં ભાષાંતર થયું હતું. એ પુસ્તકને બૅ સામ્સ બુક કહે છે અને પહેલી વાર એ ૧૬૪૦માં છપાયું હતું. એમાં ઈશ્વરનું નામ કઈ રીતે વપરાયું એનું ઉદાહરણ, ગીતશાસ્ત્ર ૧:૧, ૨માં જોવા મળે છે કે, “તે માણસને ધન્ય છે,” જે દુષ્ટોની સલાહ પ્રમાણે નથી ચાલતો “પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે.”
યહોવા સત્યને સાચવે છે
૧૭, ૧૮. (ક) સત્ય એટલે શું? (ખ) ‘સુવાર્તાના સત્યʼમાં કઈ હકીકતોનો સમાવેશ થાય છે?
૧૭ આપણે ખુશીથી “સત્યના ઈશ્વર” યહોવાની ભક્તિ કરીએ છીએ. (ગીત. ૩૧:૫) ગુજરાતી શબ્દકોશ પ્રમાણે, ‘સત્ય’ એટલે કે કંઈ ઉપજાવી કાઢેલું નહિ, પણ કોઈ બાબતની હકીકત. બાઇબલની મૂળ ભાષામાં ‘સત્ય’ માટે વપરાતા શબ્દનો અર્થ, ‘સાચું, ભરોસાપાત્ર કે વિશ્વાસુ’ થાય છે. ‘સત્ય’ માટેના ગ્રીક શબ્દનો અર્થ ‘હકીકત કે પછી જે કંઈ ખરું કે યોગ્ય છે’ એમ થાય છે.
૧૮ યહોવાએ આપણા માટે સત્ય સાચવી રાખ્યું છે. એનું જ્ઞાન આપણને ભરપૂર પ્રમાણમાં મળતું રહે એની ગોઠવણ પણ કરી છે. (૨ યોહા. ૧, ૨) સત્ય વિશેની આપણી સમજણ વધુને વધુ સ્પષ્ટ બનતી જાય છે, જેમ “સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહ્ન થતાં સુધી વધતો ને વધતો જાય છે.” (નીતિ. ૪:૧૮) ચોક્કસ, આપણે ઈસુ સાથે સહમત થઈશું, જેમણે યહોવાને પ્રાર્થનામાં કહ્યું હતું કે “તારું વચન સત્ય છે.” (યોહા. ૧૭:૧૭) બાઇબલમાં ‘સુવાર્તાનું સત્ય’ છે, જે ખ્રિસ્તી શિક્ષણનો પાયો છે. (ગલા. ૨:૧૪) એમાં આવી હકીકતોનો સમાવેશ થાય છે: યહોવાનું નામ, ફક્ત યહોવાને જ વિશ્વ પર રાજ કરવાનો હક્ક છે, ઈસુએ આપણા માટે આપેલું બલિદાન, ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે અને ઈશ્વરનું રાજ્ય. ચાલો, હવે જોઈએ કે શેતાને સત્યને છુપાવવાના ઘણા પ્રયાસો કર્યા તોપણ, યહોવાએ કઈ રીતે સત્યને સાચવી રાખ્યું છે.
સત્ય પરના કોઈ પણ હુમલાને યહોવા નિષ્ફળ કરે છે
૧૯, ૨૦. નિમ્રોદ કોણ હતો? તેના સમયમાં થયેલો કયો પ્રયત્ન નિષ્ફળ ગયો?
૧૯ જળપ્રલય પછી એમ કહેવાતું કે “યહોવાની આગળ નિમ્રોદ સરખો બળવાન શિકારી.” (ઉત. ૧૦:૯) નિમ્રોદે યહોવાનો વિરોધ કર્યો હતો અને આમ શેતાનની ભક્તિ કરી. તે ઈસુના સમયના વિરોધીઓ જેવો હતો, જેઓ વિશે ઈસુએ કહેલું: ‘તમે તમારા બાપ શેતાનના છો, અને તમારા બાપની દુર્વાસના પ્રમાણે કરવા ચાહો છો. તે સત્યમાં સ્થિર રહ્યો નહિ.’—યોહા. ૮:૪૪.
૨૦ નિમ્રોદનું રાજ બાબેલ ઉપર અને તીગ્રિસથી યુફ્રેટિસ નદી સુધીના શહેરો પર હતું. (ઉત. ૧૦:૧૦) બાબેલ શહેર તેમ જ એના બુરજને બનાવવાની શરૂઆત કદાચ નિમ્રોદના માર્ગદર્શન નીચે, આશરે ઈ.સ. પૂર્વે ૨૨૬૯માં થઈ હતી. યહોવા ચાહતા હતા કે મનુષ્યો આખી પૃથ્વી પર ફેલાય, પણ એ બાંધનારા લોકોએ આમ કહ્યું હતું: “ચાલો, આપણે પોતાને માટે એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે, એવો બુરજ બાંધીએ, અને એમ આપણે પોતાને માટે નામ કરીએ; કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ.” પણ એ યોજના પડતી મૂકાઈ, કેમ કે ઈશ્વરે “આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી” અને એના બાંધનારાઓને વિખેરી નાખ્યા. (ઉત. ૧૧:૧-૪, ૮, ૯) જો શેતાનનો ઇરાદો એવો એક ધર્મ સ્થાપવાનો હોત, જેમાં બધા જ તેની ભક્તિ કરે, તો તેનો એ ઇરાદો સાવ નિષ્ફળ ગયો છે. પણ યહોવાની ભક્તિ મનુષ્યની શરૂઆતથી લઈને આજ સુધી થઈ રહી છે. જેમ જેમ દિવસો પસાર થાય છે, તેમ તેમ એ ભક્તિમાં વધારો થઈ રહ્યો છે.
૨૧, ૨૨. (ક) કેમ જૂઠા ધર્મો કદી પણ સાચી ભક્તિ માટે ખતરો નથી? (ખ) હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨૧ જૂઠા ધર્મો કદી પણ સાચી ભક્તિ માટે ખતરો નથી. કેમ? એનું કારણ છે કે આપણા મહાન શિક્ષક યહોવાએ ધ્યાન રાખ્યું છે કે બાઇબલ સચવાઈ રહે અને મનુષ્યો તેમનું નામ જાણે. તેમ જ, તેમનાથી સત્યનો ભરપૂર પ્રકાશ આપણને મળતો રહે. (યશા. ૩૦:૨૦, ૨૧) સત્ય પ્રમાણે આપણે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ ત્યારે, એ આનંદ લાવે છે. ધ્યાન રાખીએ કે આપણે એ જ માનીએ જે સાચું છે. તેમ જ, યહોવામાં ભરોસો રાખીએ અને તેમની શક્તિથી મળતા માર્ગદર્શનને અનુસરીએ.
૨૨ હવે પછીના લેખમાં આપણે જોઈશું કે ખોટી માન્યતાઓ કઈ રીતે ફેલાઈ. બાઇબલના પ્રકાશમાં એ ખોટી માન્યતાઓ તપાસવાથી જોઈ શકીશું કે એ પાયા વગરની છે. વધુમાં, એ પણ જોઈશું કે અદ્ભુત રીતે સત્ય સાચવનાર યહોવાએ, કઈ રીતે આપણને સત્યનું શિક્ષણ આપ્યું છે. આ સત્ય આપણો અમૂલ્ય વારસો છે.