શું આપણને હંમેશાં બાઇબલ નિયમોની જરૂર છે?
આપણે નાના હતા ત્યારે આપણા માબાપ આપણને ઘણી શિખામણ આપતા. શરૂઆતમાં એ શિખામણ આપણને ખૂંચતી હતી. પરંતુ, જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ આપણને સમજાય છે કે એ શિખામણો તો આપણા જ લાભમાં હતી. હવે, ભલે આપણે માબાપથી દૂર રહેતા હોઈએ, તોપણ, તેઓએ આપણને જે સિદ્ધાંતો અને સંસ્કારો શીખવ્યા હતા, એ પ્રમાણે હજુ પણ જીવીએ છીએ.
આપણા માબાપની જેમ, ઈશ્વર યહોવાહે પણ આપણને બાઇબલ દ્વારા અમુક આજ્ઞાઓ આપી છે. જેમ કે, મૂર્તિપૂજા, ચોરી કે વ્યભિચારથી દૂર રહેવું. (નિર્ગમન ૨૦:૧-૧૭; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) ‘દરેક રીતે ખ્રિસ્ત જેવા થવાથી,’ આપણને જાણીશું કે યહોવાહની આજ્ઞાઓ ભારે નથી. પણ એ આપણા લાભ માટે જ છે.—એફેસી ૪:૧૫, IBSI; યશાયાહ ૪૮:૧૭, ૧૮; ૫૪:૧૩.
આપણા જીવનમાં અનેક પ્રકારના સંજોગો ઊભા થાય છે. વળી બાઇબલ આપણને દરેક બાબત વિષે સીધેસીધું નથી જણાવતું કે કયા સંજોગોમાં આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ. તેથી, અમુક લોકો એમ માને છે કે બાઇબલમાં એ સંજોગો વિષે કંઈ ખાસ જણાવવામાં આવ્યું ન હોય તો, ‘આપણે મન ફાવે તેમ કરી શકીએ છીએ.’ તેઓ એમ પણ કહી શકે કે ‘જો આ બાબત મહત્ત્વની હોત તો, યહોવાહે ચોક્કસ બાઇબલમાં એના વિષે કંઈક તો જણાવ્યું જ હોત.’
પરંતુ, આવો વિચાર કરનાર લોકો પોતે જ પોતાના પગ પર કુડાહો મારતા હોય છે. કેમ કે, તેઓ જોઈ શકતા નથી કે બાઇબલમાં ફક્ત યહોવાહના નિયમો નહિ, પણ તેમના વિચારો અને લાગણીઓ પણ આપવામાં આવી છે. બાઇબલ ફક્ત સીધેસીધી આજ્ઞા આપતું નથી, પણ બતાવે છે કે યહોવાહ શું વિચારે છે. એ જ્ઞાન દિલમાં ઉતારવાથી આપણે યહોવાહની જેમ સારાં નિર્ણયો લઈ શકીશું. તેમ જ બાઇબલથી તાલીમ પામેલું અંતઃકરણ કેળવી શકીશું. પરિણામે, આપણે જીવનમાં સફળ થઈશું, એમાંય ખાસ કરીને યહોવાહના દિલને ખુશ કરી શકીશું.—એફેસી ૫:૧.
બાઇબલમાં સરસ ઉદાહરણો
બાઇબલમાં યહોવાહના ભક્તોના ઘણા સારા દાખલાઓ છે. અરે, કોઈ નિયમ ન હતો, ત્યારે પણ લોકો યહોવાહની નજરે જે સારું હતું એ કરતા હતા. યુસફનો વિચાર કરો. તેમના દિવસોમાં બાઇબલ જેવું કંઈ જ ન હતું. તેથી, એવો કોઈ નિયમ ન હતો કે વ્યભિચાર ન કરવો જોઈએ. તોપણ પોટીફારની પત્નીએ યુસફને પાપ કરવા લલચાવ્યો ત્યારે, યુસફે કહ્યું કે “એવું મોટું કુકર્મ કરીને, હું દેવનો અપરાધી કેમ થાઉં?” (ઉત્પત્તિ ૩૯:૯) યુસફ જાણતા હતા કે યહોવાહની નજરે વ્યભિચાર પાપ હતો. પરંતુ, તે કઈ રીતે એમ કહી શક્યા? કેમ કે તે જાણતા હતા કે યહોવાહે આદમ અને હવાને લગ્ન વિષે શું કહ્યું હતું.—ઉત્પત્તિ ૨:૨૪.
હવે પ્રેષિત પાઊલનો વિચાર કરો. તે અને તીમોથી ‘જે જે શહેરોમાં ગયા, ત્યાંના લોકોને યરૂશાલેમમાંના પ્રેરિતો તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવાને કહ્યું.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૪) યરૂશાલેમના વડીલોએ નિર્ણય લીધો હતો કે હવે ખ્રિસ્તીઓને મુસાના નિયમ પાળવાની જરૂર ન હતી. તેથી, તેઓએ સુનત કરવાની પણ કોઈ જરૂર નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૫, ૬, ૨૮, ૨૯) તેમ છતાં, પાઊલે મિશનરિ કામ શરૂ કરતા પહેલાં, તીમોથીની સુનત કરાવી! શા માટે? કેમ કે ‘સર્વ યહુદીઓ જાણતા હતા કે તીમોથીના પિતા ગ્રીક હતા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૩) આથી, સુનત કર્યા વગર તીમોથી યહુદીઓ સાથે હળ્યા-મળ્યા હોત તો, યહુદીઓને આઘાત લાગ્યો હોત. પાઊલ કોઈને ઠોકર ખવડાવવા માંગતા ન હતા. તેમને અહેસાસ હતો કે ખ્રિસ્તીઓ ‘સર્વ વાતે દેવના સેવકોને શોભે એવી રીતે વર્તે.’—૨ કોરીંથી ૬:૪; ૧ કોરીંથી ૯:૧૯-૨૩.
પાઊલ અને તીમોથી હંમેશાં બીજાઓનો વિચાર કરતા. તેઓના સારાં વર્તન વિષે આ કલમોમાં વાંચો: રૂમીઓને પત્ર ૧૪:૧૫, ૨૦, ૨૧; ૧ કોરીંથી ૮:૯-૧૩; ૧૦:૨૩-૩૩. હા, મંડળમાં પાઊલ અને તીમોથી કોઈને ઠોકરરૂપ થવા માંગતા ન હતા. તેથી, ભલે બાઇબલ પ્રમાણે અમુક કાર્યો કરવું ખોટું ન હતું છતાં, તેઓએ ભાઈબહેનોને ખુશ રાખવા એ કર્યા નહિ. પાઊલ તીમોથી વિષે આમ કહી શક્યા: “કેમકે તમારી કાળજી બરાબર રીતે રાખે એના જેવી પ્રકૃતિનો બીજો કોઈ મારી પાસે નથી. કેમકે સઘળા માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે. પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો બાપની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તાના પ્રસારને સારૂ મારી સાથે સેવા કરી.” (ફિલિપી ૨:૨૦-૨૨) પાઊલ અને તીમોથીએ આપણા માટે કેવો સારો દાખલો બેસાડ્યો! તેઓએ મન ફાવે તેમ ન કર્યું. ભલે નિયમ પ્રમાણે કંઈ ખોટું ન હતું, પરંતુ તેઓએ બે વાર વિચાર કરીને પગલાં લીધા કે એનાથી ભાઈબહેન તો ઠોકર નહિ ખાયને? આમ, તેઓ યહોવાહ અને ઈસુના પગલે ચાલ્યા અને પોતાના બદલે બીજાઓનું હિત પહેલું શોધ્યું.
ઈસુનો દાખલો સૌથી સારો છે. તેમણે પહાડ પરના ઉપદેશમાં સમજાવ્યું કે જે વ્યક્તિ સિદ્ધાંત પ્રમાણે જીવે છે, તે એવું નહિ વિચારે કે ‘નિયમ પ્રમાણે આ કરવું જોઈએ કે નહિ.’ પરંતુ, તે વિચારશે કે ‘આ સંજોગમાં, હું કઈ રીતે આ સિદ્ધાંતને લાગુ પાડી શકું છું.’ (માત્થી ૫:૨૧, ૨૨, ૨૭, ૨૮) જ્યારે અમુક કાર્યો માટે કોઈ નિયમ ન હતો ત્યારે, ઈસુ, પાઊલ, તીમોથી અને યુસફે મન ફાવે તેમ ન કર્યું. તેઓ યહોવાહના પગલે ચાલ્યા. તેઓએ ઈસુએ આપેલા આ બે નિયમને સૌથી મહત્ત્વ ગણ્યા: (૧) દિલથી યહોવાહને ચાહવા અને (૨) એકબીજા પર પ્રેમ રાખવો.—માત્થી ૨૨:૩૬-૪૦.
આજે આપણે શું કરવું જોઈએ?
બાઇબલમાં કંઈ વકીલોના પુસ્તકની જેમ એક પછી એક નિયમો આપવામાં આવ્યા નથી. તેથી, કોઈ પણ ખ્રિસ્તીએ એમ ન વિચારવું જોઈએ કે ‘બાઇબલમાં નિયમ હોય તો સારું, પણ જો ન હોય તો હું મન ફાવે તેમ કરી શકુ છું.’ આપણે કોઈ સીધેસીધા નિયમો શોધવાના બદલે, ‘પ્રભુની ઇચ્છા શી છે, તે સમજવાની’ જરૂર છે. (એફેસી ૫:૧૭; રૂમીઓને પત્ર ૧૨:૨) શું એમ કરવાથી યહોવાહ ખુશ થાય છે? ચોક્કસ. વળી, યહોવાહ જોઈ શકશે કે આપણે પોતાનું હિત નથી શોધતા, પણ તેમને ખુશ કરવા માગીએ છીએ. તેમ જ આપણે તેમને ખૂબ ચાહીએ છીએ અને તેમને અનુસરવા માંગીએ છીએ. (નીતિવચનો ૨૩:૧૫; ૨૭:૧૧) બાઇબલ જે કહે છે એ સમજવાથી આપણે તેમના સારા ભક્તો બનીશું. તેમ જ, આપણને જીવનમાં ઘણાં સારાં ફળો મળશે.
તો આપણે કઈ રીતે યહોવાહના વિચારો સમજીને વર્તી શકીએ? ચાલો આપણે એ વિષે જોઈએ.
મનોરંજન વિષે યહોવાહ શું વિચારે છે?
આ કિસ્સાનો વિચાર કરો. એક યુવાન ભાઈએ કોઈ સંગીતકારના અમુક ગીતો સાંભળ્યા. તેને એ ગીતો બહુ ગમ્યા હોવાથી કૅસેટ ખરીદવી છે. પરંતુ, તેમણે એ કૅસેટ ખરીદતા પહેલા બે વાર વિચાર કર્યો. શા માટે? કેમ કે કૅસેટનાં કવર પરથી તેમને જોવા મળ્યું કે ગીતની પંક્તિઓ જાતીયતા ભડકાવનારી અને એના વિચારો અશ્લીલ છે. ભાઈ એ પણ જાણે છે કે સંગીતકારો ઘણી વાર ગીતોમાં લોકોને તોફાની બનવા ઉશ્કેરતા હોય છે. હવે આ ભાઈ શું કરશે? આવા સંજોગમાં તે કઈ રીતે યહોવાહના વિચારો સમજી શકે?
પાઊલે ગલાતીઓને પત્રમાં દેહનાં કામો અને પવિત્ર આત્માના ફળોની યાદી આપી. તેમણે કહ્યું કે યહોવાહમાં પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ જેવા સદ્ગુણો છે. પણ એના પહેલાં તેમણે લખ્યું: “દેહનાં કામ તે ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજીઆકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવાં કામ; જેમ પહેલાં મેં તમને ચેતાવ્યા હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતાવું છું, કે જેઓ એવાં કામ કરે છે તેઓ દેવના રાજ્યના વારસો પામશે નહિ.”—ગલાતી ૫:૧૯-૨૩.
આ કલમોમાં પાઊલે પાપી વલણનું કંઈ લાંબું લિસ્ટ આપ્યું ન હતું. પરંતુ, ધ્યાન આપો કે કલમમાં છેલ્લે તેમણે કહ્યું કે આપણે ‘એઓના જેવાં કામોથી’ દૂર રહેવું જોઈએ. આ કલમો વાંચીને શું તમે કદી એવું વિચારશો કે ‘દેહનાં કામોમાં પાઊલે આ કાર્ય વિષે કંઈ ન કહ્યું એટલે હું એ કરી શકું છું?’ જરાય નહિ. એના બદલે આપણે વિચારીશું કે ‘એઓના જેવાં કામોમાં’ બીજું શું આવી જાય છે. વળી, જો કોઈ પણ જાણીજોઈને વારંવાર ‘એઓના જેવાં કામો’ કરે તો, તેઓને પરમેશ્વરના રાજ્યનો નહિ પરંતુ, મોતનો વારસો મળશે.
યહોવાહના વિચારો સમજવા ખૂબ મહત્ત્વના છે. પણ શું આપણે એ ખરેખર સમજી શકીએ છીએ? હા, ચોક્કસ! દાખલા તરીકે, તમારા ડૉક્ટરે કહે કે તમારે વધારે શાકભાજી ખાવું જોઈએ અને ગુલાબજાંબુ અને પેંડા જેવી મીઠાઈ ખાવાનું છોડી દેવું જોઈએ. તો બીજા દિવસે શું તમે મૂંઝાઈ જશો કે ‘મારે રસ મલાઈ ખાવી જોઈએ કે નહિ?’ જરાય નહિ. હવે ફરી એ યુવાન ભાઈનો વિચાર કરો. શું એ સંગીતકારના ગીતો, યહોવાહના સદ્ગુણો સાથે મેળ ખાય છે? ના, તેના ગીતોમાં પ્રેમનો કે ભલાઈનો એક પણ છાંટો નથી. ગલાતીઓના પત્ર પ્રમાણે એમાં કંઈ સારું નથી. આવા કિસ્સામાં કોઈ ખાસ નિયમોની જરૂર નથી. કોઈ પણ ભાઈબહેનને ખબર પડશે કે આવા ગીતો યહોવાહને જરાય ગમશે નહિ. બાઇબલનો આ સિદ્ધાંત ફક્ત ગીતોને લાગુ પડતો નથી. પરંતુ, દરેક પ્રકારના મનોરંજનને લાગુ પડે છે. જેમ કે, આપણે કેવા પુસ્તકો વાંચીએ છીએ અથવા કેવી ફિલ્મો અને ટીવી કાર્યક્રમો જોઈએ છીએ એને પણ લાગુ પડે છે. તેમ જ કૉમ્પ્યુટર પર કેવી ગૅમ રમીશું અને ઇંટરનેટ પર શું જોઈશું.
આપણા પહેરવેશ વિષે યહોવાહ શું વિચારે છે?
કપડાં અને શણગાર વિષે બાઇબલમાં સિદ્ધાંતો આપવામાં આવેલા છે. એ ધ્યાનમાં લેવાથી દરેક ખ્રિસ્તીને યોગ્ય અને યહોવાહને ખુશ કરે એવો શણગાર અને કપડાંની પસંદગી કરવા મદદ મળશે. જે લોકો ખરેખર યહોવાહને ખુશ કરવા માગે છે, તેઓ મન ફાવે તેવા કપડાં નહિ પહેરે. એના બદલે તેઓ વિચારશે કે યહોવાહને શું ગમશે. સંગીતના દાખલામાં આપણે જોયું તેમ, યહોવાહે આપણને નિયમોનું લાંબું લિસ્ટ આપ્યું નથી. પરંતુ, એનો એવો અર્થ નથી કે યહોવાહને આપણી કંઈ પડી નથી. દરેક દેશની ભાષા અલગ હોય છે તેમ દરેક દેશનો પહેરવેશ પણ અલગ હોય છે. જોકે, પહેરવેશ વિષે યહોવાહે આપેલા અમુક સિદ્ધાંતો સર્વને લાગુ પાડે છે.
દાખલા તરીકે, ૧ તિમોથી ૨:૯, ૧૦ કહે છે: “એ જ પ્રમાણે સ્ત્રીઓ પણ ગંભીર અને મર્યાદાશીલ બની શોભતાં વસ્ત્રો ધારણ કરે. વળી વાળની આકર્ષક ગૂંથણી, કીમતી ઘરેણાં કે ભપકાદાર વસ્ત્રોથી નહિ, પણ ધાર્મિક સ્ત્રીઓને છાજે તેવી રીતે નમ્રતા અને સારાં કાર્યથી પોતાને શણગારે.” (IBSI) આ સલાહ ફક્ત સ્ત્રીઓ પૂરતી જ નથી પરંતુ પુરુષોને પણ એટલી જ લાગુ પડે છે. સર્વ ખ્રિસ્તીએ વિચારવું જોઈએ કે ‘શું મારા કપડાં કે દેખાવથી લોકોને ખબર પડશે કે હું યહોવાહનો ભક્ત છું?’ આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે કેમ કે આપણે ધ્યાન ન રાખીએ તો, લોકોને બાઇબલ અને યહોવાહ વિષે સારી સાક્ષી મળશે નહિ. (૨ કોરીંથી ૬:૩) યહોવાહને ખુશ કરવા ઇચ્છતા ખ્રિસ્તીઓ મન ફાવે તેવા કપડાં નહિ પહેરે. તેમ જ તેઓ કોઈ પણ સ્ટાઈલ વિષે પોતાની મનમાની નહિ કરે. એના બદલે, તેઓ ધ્યાન રાખશે કે પોતાના કપડાં કે દેખાવથી કોઈને ઠોકર ન લાગે.—માત્થી ૧૮:૬; ફિલિપી ૧:૧૦.
જો આપણા પહેરવેશથી કોઈ ભાઈ કે બહેને ઠોકર ખાધી હોય તો, આપણે શું કરવું જોઈએ? આપણે પ્રેષિત પાઊલના જેમ વર્તવું જોઈએ. તે મન ફાવે તેમ કરતા ન હતા, પણ હંમેશાં મંડળના ભાઈબહેનોનો વિચાર કર્યો. તેથી, તે કહી શક્યા: “જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ.” (૧ કોરીંથી ૧૧:૧) પાઊલે ઈસુ વિષે એમ પણ કહ્યું કે, ‘ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતા નહતા.’ તેથી, પાઊલ આપણને આ પાઠ શીખવે છે: “આપણે જેઓ વિશ્વાસમાં દૃઢ છીએ, તેઓએ નિર્બળોના બોજ ઊંચકવામાં મદદ કરવી જોઈએ. આપણે પોતાના જ સુખનો વિચાર કરવો ન જોઈએ. એને બદલે દરેકે પોતાનો ભાઈ વિશ્વાસમાં દૃઢ થાય તે માટે યત્ન કરવો કે જેથી તેનું હિત તથા તેની ઉન્નતિ થાય.”—રૂમીઓને પત્ર ૧૫:૧-૩, પ્રેમસંદેશ.
યહોવાહના વિચારો સારી રીતે સમજો
યહોવાહે કંઈ દરેક નાની બાબતો માટે નિયમ આપ્યા નથી. તોપછી, આપણે કઈ રીતે તેમના વિચારો સમજી શકીએ? જો આપણે દરરોજ બાઇબલ વાંચીએ, એના પર ઊંડો વિચાર કરીએ અને જીવનમાં એને ઊતારીએ તો, આપણે સારી રીતે યહોવાહના વિચારો સમજી શકીશું. પરંતુ, આપણને ખબર છે કે ઉતાવળે આંબા પાકતા નથી. વળી, જેમ બાળક ધીમે ધીમે મોટું થાય છે તેમ, યહોવાહ વિષે સમજણ મેળવવામાં પણ સમય લાગે છે. આપણે ધીરજ રાખવાની જરૂર છે. પરંતુ, જો આપણે લાંબા સમયથી સત્યમાં હોઈએ તો, એનો અર્થ એ નથી કે આપણે પૂરી રીતે યહોવાહના વિચારો સમજીએ છીએ. આપણે તન-મનથી બાઇબલ વાંચીને એનો બોધ જીવનમાં ઉતારવો જોઈએ.—હેબ્રી ૫:૧૪.
આજ્ઞાઓ પાળીને આપણે બતાવીએ છીએ કે આપણે યહોવાહને માનીએ છીએ. આપણે યહોવાહના વિચારો અને સિદ્ધાંતો સારી રીતે સમજીએ ત્યારે, એ બતાવે છે કે આપણા દિલમાં સત્ય ખૂબ ઊંડું છે. તેમ જ, આપણામાં યહોવાહને ખુશ કરવાની તમન્ના છે. સત્યના માર્ગ પર ચાલવાથી આપણે યહોવાહ અને ઈસુને અનુસરીએ છીએ. તેથી, કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આપણે શાસ્ત્રમાં જોઈશું અને વિચારીશું કે ‘હું યહોવાહને કઈ રીતે ખુશ કરી રહ્યો છું?’ આપણે યહોવાહને ખુશ કરીશું તો, આપણે પણ ખુશ થઈશું.
[પાન ૨૩ પર ચિત્ર]
અલગ અલગ દેશોમાં અલગ અલગ પહેરવેશ છે, પરંતુ આપણે બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે પસંદગી કરવી જોઈએ