મુસા પ્રેમાળ હતા
પ્રેમ શાને કહેવાય?
બીજાઓ માટે ઊંડી લાગણી હોવી એને પ્રેમ કહેવાય. પ્રેમાળ વ્યક્તિ પોતાનાં કાર્યો અને વાણી-વર્તનથી પ્રેમ બતાવે છે. પછી ભલેને એમ કરવા તેણે ઘણું જતું કરવું પડે.
મુસાએ કઈ રીતે પ્રેમ બતાવ્યો?
ઈશ્વર માટે તેમને પ્રેમ હતો. તેમણે એ કઈ રીતે બતાવ્યો? પહેલો યોહાન ૫:૩ કહે છે: “આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે.” મુસા એ શબ્દો પ્રમાણે જીવ્યા. ઈશ્વરે જે કહ્યું એ બધું તેમણે કર્યું. પછી ભલે એ સહેલું હોય કે અઘરું. જેમ કે, ફારુન રાજા સાથે વાત કરવી કે બીજી તરફ હાથમાં લાકડી લઈને લાલ સમુદ્ર પર લંબાવવી. એમ કરવા મુસા અચકાયા નહિ પણ ‘તેમણે એ પ્રમાણે કર્યું.’—નિર્ગમન ૪૦:૧૬.
મુસાએ સાથી ઈસ્રાએલીઓને પ્રેમ બતાવ્યો. ઈસ્રાએલીઓ જાણતા હતા કે યહોવા તેમના લોકોને મુસા દ્વારા દોરે છે, એટલે તેઓ પોતાની અનેક મુશ્કેલીઓ વિશે મુસા સાથે વાત કરતા. બાઇબલ જણાવે છે: “લોકો સવારથી તે સાંજ સુધી મુસાની આગળ ઊભા રહ્યા.” (નિર્ગમન ૧૮:૧૩-૧૬) કલ્પના કરો કે, કલાકોના કલાકો સુધી ઈસ્રાએલીઓ પોતાની ચિંતાઓ મુસાની આગળ કહેતા. એ સાંભળીને મુસા કેટલા થાકી ગયા હશે! તોપણ લોકો માટે પ્રેમ હોવાથી, તેઓને મદદ કરવા તે ખુશ હતા.
ઈસ્રાએલીઓ માટે મુસાને પ્રેમ હોવાથી તેઓની ચિંતાઓ વિશે સાંભળ્યું એટલું જ નહિ, તેઓ માટે પ્રાર્થના પણ કરી. જેઓ તેમની સાથે ખરાબ રીતે વર્ત્યા તેઓ માટે પણ તેમણે પ્રાર્થના કરી. દાખલા તરીકે, મુસાની બહેન મરિયમનો વિચાર કરો. તેમણે મુસા વિરુદ્ધ કચકચ કરી, એટલે યહોવા તેમના પર કોઢ લાવ્યા. મરિયમને સજા કરવામાં આવી એનાથી મુસા ખુશ ન થયા, પણ તેમણે તરત જ મરિયમ માટે યહોવાને પ્રાર્થના કરી: ‘હું તમને કાલાવાલા કરું છું કે તેમને સાજી કરો.’ (ગણના ૧૨:૧૩) જો મુસાને પ્રેમ ન હોત, તો શું તે આવી પ્રાર્થના કરી શકત?
એમાંથી આપણે શું શીખી શકીએ?
આપણે પણ મુસાની જેમ યહોવા માટે ગાઢ પ્રેમ કેળવી શકીએ છીએ. એવો પ્રેમ કેળવીશું તો આપણે પૂરા દિલ અને “અંતઃકરણથી” યહોવાની આજ્ઞાઓ પાળીશું. (રોમનો ૬:૧૭) આપણે જ્યારે દિલથી તેમનું માનીએ છીએ, ત્યારે યહોવાને આનંદ થાય છે. (નીતિવચનો ૨૭:૧૧) એનાથી પોતાને પણ લાભ થાય છે. આપણે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીશું તો, જે ખરું છે એ કરીશું એટલું જ નહિ, એમ કરવાનો આનંદ પણ માણીશું.—ગીતશાસ્ત્ર ૧૦૦:૨.
મુસાને અનુસરવાની બીજી એક રીત છે કે બધાને સ્વાર્થ વગરનો પ્રેમ બતાવીએ. સગાં-વહાલા કે મિત્રો પોતાની ચિંતાઓ વિશે આપણી સાથે વાત કરે ત્યારે, તેઓ માટે પ્રેમ હોવાથી આપણે આમ કરીશું: (૧) પૂરા દિલથી તેઓની વાત સાંભળીશું; (૨) તેઓની પરિસ્થિતિ અને લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરીશું; (૩) તેઓની આપણને ચિંતા છે એ તેઓને અહેસાસ કરાવીશું.
મુસાની જેમ સગાં-વહાલાઓ માટે પ્રાર્થના કરીએ. અમુક વખતે તેઓ આપણને પોતાની ચિંતા જણાવે ત્યારે આપણે મદદ કરવા લાચાર હોઈએ. એવા સમયે આપણે દુઃખી થઈને કદાચ કહીએ “હું બીજું તો કંઈ નહિ કરી શકું, પણ તમારી માટે પ્રાર્થના કરીશ.” પણ યાદ રાખીએ: “ન્યાયી માણસની પ્રાર્થના”ની ઊંડી અસર થાય છે. (યાકૂબ ૫:૧૬) પ્રાર્થના સાંભળીને યહોવાહ કદાચ એવાં પગલાં લે જે તેમણે લીધાં ન હોત. એવું હોવાથી સગાં-વહાલા માટે પ્રાર્થના કરવી કેટલી સારી કહેવાય!a
મુસા પાસેથી આપણને ઘણું શીખવા મળે છે, ખરું ને? જોકે, તે આપણા જેવા સામાન્ય વ્યક્તિ હતા. તોપણ, તેમણે શ્રદ્ધા, નમ્રતા અને પ્રેમ બતાવવામાં અજોડ દાખલો બેસાડ્યો. તેમના પગલે ચાલવા આપણે જેટલો પ્રયત્ન કરીશું એટલો પોતાને અને બીજાઓને લાભ થશે.—રોમનો ૧૫:૪. ▪ (w13-E 02/01)
a ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે એ માટે તેમનાં ધોરણો પ્રમાણે જીવવા મહેનત કરવી જોઈએ. વધુ માહિતી માટે બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૭ જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.