પરમેશ્વરે આપેલો વારસો તમને કેટલો પ્રિય છે?
“મારા બાપના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારૂ તૈયાર કરેલું છે તેનો વારસો લો.”—માત્થી ૨૫:૩૪.
દરેકે વારસામાં કંઈક મેળવ્યું હોય છે. કેટલાક વારસામાં મિલકત મેળવે છે, બીજા ગરીબી પામે છે. અમુક કિસ્સામાં, આગળની પેઢીએ અતિશય જુલમ સહન કર્યો હોય છે. તેથી, તેઓ વારસામાં વેર મૂકી જાય છે. છતાં, આપણા બધાએ વારસામાં એક વસ્તુ મેળવી છે. આપણે પ્રથમ માણસ આદમ દ્વારા પાપ મેળવ્યું છે. એ વારસો છેવટે આપણને મરણ તરફ દોરી જાય છે.—સભાશિક્ષક ૯:૨, ૧૦; રૂમી ૫:૧૨.
૨ આપણા પ્રેમાળ પરમેશ્વર યહોવાહ માનવીઓને એકદમ જુદો જ વારસો આપવાના હતા. એ વારસો પૃથ્વી પર હંમેશ માટે જીવવાનો હતો. આપણા પ્રથમ માબાપ આદમ અને હવાને સુખી શરૂઆત આપવામાં આવી. યહોવાહ પરમેશ્વરે પૃથ્વી મનુષ્યને ભેટ તરીકે આપી હતી. (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬) તેમણે એદન બાગ એક નમૂના તરીકે આપ્યો હતો, જેથી મનુષ્ય આખી પૃથ્વીને એદન બાગ જેવી બનાવી શકે. એ આપણા પ્રથમ માબાપ માટે કેવું સુંદર કામ હતું! વળી, તેઓને બાળકો ઉછેરવાના હતાં. પૃથ્વી, એમાંના અલગ અલગ પ્રકારના વૃક્ષો અને પ્રાણીઓની દેખભાળ પણ તેઓને કરવાની હતી. તેમ જ એદન બાગની સરહદો તેઓને પૃથ્વીની ચોતરફ વધારવાની હતી. (ઉત્પત્તિ ૧:૨૮; ૨:૮, ૯, ૧૫) તેઓના સંતાનોએ પણ એમાં ભાગ લેવાનો હતો. તેઓના સંતાનો માટે કેવો સુંદર વારસો હતો!
૩ આદમ અને હવાએ એમ કર્યું હોત તો, તેઓ સર્વ યહોવાહ પરમેશ્વર સાથે સારી મિત્રતા રાખી શક્યા હોત. વળી, યહોવાહ પરમેશ્વરને પ્રેમ બતાવવાની અને આધીન રહેવાની તેઓની ફરજ હતી. પરંતુ, આદમ અને હવાએ તેની કદર કરી નહિ અને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. તેઓએ એદન વાડી અને તેઓની આગળ રાખવામાં આવેલું સુખી ભાવિ ગુમાવ્યું. આમ તેઓ પોતાના સંતાનોને એ વારસો આપી શક્યા નહિ.—ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૩:૧-૨૪.
૪ પરંતુ, યહોવાહ પરમેશ્વર દયાળુ હોવાથી, તેમણે ગોઠવણ કરી કે આપણે આદમે ગુમાવેલો વારસો ફરીથી મેળવી શકીએ. કઈ રીતે? પરમેશ્વરના નક્કી કરેલા સમયે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા. તેમણે આદમના વંશજોના લાભ માટે પોતાનું સંપૂર્ણ જીવન આપીને, તેઓને ખરીદી લીધા. છતાં, વારસો કંઈ આપમેળે તેઓનો થઈ જતો નથી. પ્રથમ તેઓને પરમેશ્વરની કૃપા મેળવવાની જરૂર હતી. તેથી, તેઓને પાપોની માફી આપતા ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂકવાની જરૂર હતી. (યોહાન ૩:૧૬, ૩૬; ૧ તીમોથી ૨:૫, ૬; હેબ્રી ૨:૯; ૫:૯) શું પરમેશ્વરે કરેલી ગોઠવણની તમે કદર કરો છો?
ઈબ્રાહીમ દ્વારા વારસો
૫ પૃથ્વી માટે તેમનો હેતુ પૂરો કરવા, પરમેશ્વર યહોવાહે ઈબ્રાહીમનો ખાસ ઉપયોગ કર્યો. એ વફાદાર માણસને પોતાનું વતન છોડીને એક બીજા દેશમાં જવાનું કહ્યું. ઈબ્રાહીમે ખુશીથી આજ્ઞા પાળી. ઈબ્રાહીમ ત્યાં પહોંચ્યા પછી યહોવાહ પરમેશ્વરે જણાવ્યું કે, ઈબ્રાહીમ નહિ પણ તેમના વંશજો એ પ્રદેશનો વારસો મેળવશે. (ઉત્પત્તિ ૧૨:૧, ૨, ૭) તેથી ઈબ્રાહીમે શું કર્યું? ઈબ્રાહીમ ગમે ત્યાં અને કોઈ પણ રીતે યહોવાહ પરમેશ્વરની સેવા કરવા રાજી હતા. જેથી તેમના સંતાનને તેઓનો વારસો મળે. ઈબ્રાહીમ એ પ્રદેશમાં ફક્ત ૧૦૦ વર્ષ નહિ, પણ જીવ્યા ત્યાં સુધી તેમણે યહોવાહ પરમેશ્વરની સેવા કરી. (ઉત્પત્તિ ૧૨:૪; ૨૫:૮-૧૦) શું તમે પણ એમ કર્યું હોત? યહોવાહ પરમેશ્વરે કહ્યું કે, ઈબ્રાહીમ તેમના “મિત્ર” છે.—યશાયાહ ૪૧:૮.
૬ ઈબ્રાહીમે પુત્ર માટે ઘણા વર્ષો રાહ જોઈ. પછી, તેમને ઇસ્હાક થયો અને તે તેમને ખૂબ જ વહાલો હતા. એ છોકરો મોટો થયો ત્યારે, યહોવાહ પરમેશ્વરે ઈબ્રાહીમને તેનું બલિદાન કરવાનું કહ્યું. ઈબ્રાહીમ જાણતા ન હતા કે, પોતે જે કરવાના હતા, એ જ રીતે પરમેશ્વર પણ પોતાના દીકરાનું ખંડણી તરીકે બલિદાન આપશે. છતાં, તેમણે આજ્ઞા પાળી. તે ઈસ્હાકનું બલિદાન કરવાના હતા તેવામાં યહોવાહ પરમેશ્વરના સ્વર્ગદૂતે તેમને રોક્યા. (ઉત્પત્તિ ૨૨:૯-૧૪) યહોવાહ પરમેશ્વરે પહેલેથી જ કહ્યું હતું કે, ઈબ્રાહીમને આપેલું વચન ઇસ્હાક દ્વારા પૂરું થશે. તેથી, ઈબ્રાહીમને વિશ્વાસ હતો કે જો જરૂર પડશે તો પરમેશ્વર યહોવાહ ઇસ્હાકને મરણમાંથી ઉઠાડી શકશે. જો કે આવી બાબત પહેલાં કદી બની ન હતી. (ઉત્પત્તિ ૧૭:૧૫-૧૮; હેબ્રી ૧૧:૧૭-૧૯) ઈબ્રાહીમે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ એટલે યહોવાહ પરમેશ્વરે આમ કહ્યું: “તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે.” (ઉત્પત્તિ ૨૨:૧૫-૧૮) એનાથી જોવા મળે છે કે ઉત્પત્તિ ૩:૧૫માં બતાવેલું સંતાન, મસીહ, ઈબ્રાહીમના વંશમાંથી આવશે. પોતાના વંશજો માટે કેટલો મૂલ્યવાન વારસો!
૭ એ સમયે ઈબ્રાહીમ જાણતા ન હતા કે યહોવાહ પરમેશ્વરનાં મનમાં શું હતું. તેમ જ ઇસ્હાક અને તેમનો પૌત્ર યાકૂબ “વચનના સહવારસ” બન્યા, તે પણ જાણતા ન હતા. પરંતુ તેઓને યહોવાહ પરમેશ્વરમાં પૂરો ભરોસો હતો. તેઓ એ પ્રદેશના કોઈ પણ શહેરમાં રહેવા લાગ્યા નહિ, કારણ કે તેઓ કંઈક વધારે સારી આશા રાખતા હતા. તેઓ એવા શહેરની આશા રાખતા હતા, “જે શહેરનો પાયો છે, જેનો યોજનાર તથા બાંધનાર દેવ છે.” (હેબ્રી ૧૧:૮-૧૦, ૧૩-૧૬) છતાં, ઈબ્રાહીમના બધા વંશજોએ એમના દ્વારા મળેલા મૂલ્યવાન વારસાની કદર કરી નહિ.
વારસો ગુમાવનાર
૮ ઈસ્હાકનો જ્યેષ્ઠ પુત્ર એસાવ હતો, અને તેને જ્યેષ્ઠપણાની જરાય પડી ન હતી. તેને પવિત્ર વારસાની કદર કરી નહિ. તેથી, એક દિવસ તે ભૂખ્યો હતો ત્યારે તેના ભાઈ યાકૂબને પોતાનો જ્યેષ્ઠપણાનો હક વેચી દીધો. શાના માટે? ફક્ત રોટલી અને દાળના એક ટંક ભોજન માટે. (ઉત્પત્તિ ૨૫:૨૯-૩૪; હેબ્રી ૧૨:૧૪-૧૭) પરમેશ્વરે, ઈબ્રાહીમને આપેલું વચન યાકૂબ દ્વારા પૂરું થવાનું હતું. પછી તેમનું નામ પરમેશ્વરે બદલીને ઈસ્રાએલ રાખ્યું. એ ખાસ વારસાથી તેઓ માટે કયા આશીર્વાદો આવવાના હતા?
૯ દુકાળ વખતે યાકૂબ અથવા ઈસ્રાએલ અને તેમનું કુટુંબ ઇજિપ્તમાં ચાલ્યું ગયું. ત્યાં તેઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છતાં તેઓ ગુલામ બન્યા. જો કે ઈબ્રાહીમ સાથે કરેલો કરાર યહોવાહ પરમેશ્વર કંઈ ભૂલી ગયા ન હતા. પરમેશ્વરે પોતાના નિયુક્ત સમયે ઈસ્રાએલીઓને ગુલામીમાંથી છોડાવ્યા અને જણાવ્યું કે, તે તેઓને ઈબ્રાહીમને વચન આપેલા “દૂધમધની રેલછેલવાળા” દેશમાં લઈ જશે.—નિર્ગમન ૩:૭, ૮; ઉત્પત્તિ ૧૫:૧૮-૨૧.
૧૦ ઈસ્રાએલ પુત્રો વચનના દેશમાં જઈ રહ્યા હતા ત્યારે, યહોવાહ પરમેશ્વરે તેઓને સિનાય પર્વત આગળ ભેગા કર્યા. ત્યાં તેમણે કહ્યું: “જો તમે મારૂં કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારૂં ખાસ ધન થશો; કેમકે આખી પૃથ્વી મારી છે; અને મારે સારૂ તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો.” (નિર્ગમન ૧૯:૫, ૬) લોકો પોતાની મરજીથી સહમત થયા પછી યહોવાહ પરમેશ્વરે તેઓને નિયમો આપ્યા. આ રીતે તેમણે પહેલાં કદી કર્યું ન હતું.—ગીતશાસ્ત્ર ૧૪૭:૧૯, ૨૦.
૧૧ નવા રાષ્ટ્રને કેવો સુંદર આત્મિક વારસો મળ્યો! તેઓએ સાચા પરમેશ્વરની જ ભક્તિ કરી. તેઓને ઇજિપ્તમાંથી છોડાવવામાં આવ્યા અને સિનાય પર્વત પર તેઓને નિયમો આપવામાં આવ્યા ત્યારે તેઓ નજરે ભવ્ય બનાવો જોયા. પ્રબોધકો દ્વારા “દેવના વચનો” તેઓને મળ્યા હોવાથી તેઓનો વારસો વધ્યો. (રૂમી ૩:૧, ૨) યહોવાહ પરમેશ્વરે તેઓને પોતાના સાક્ષી તરીકે પસંદ કર્યા હતા. (યશાયાહ ૪૩:૧૦-૧૨) મસીહ તેઓના રાષ્ટ્રમાંથી આવવાના હતા. નિયમ તેમની તરફ ચીંધતો હતો, જેથી તેઓ તેમને ઓળખી શકે અને તેઓને મસીહની જરૂર છે એ જાણીને કદર કરે. (ગલાતી ૩:૧૯, ૨૪) એ ઉપરાંત, તેઓને મસીહ સાથે યાજકોનું રાજ્ય તથા પવિત્ર રાષ્ટ્ર તરીકે સેવા કરવાની સુંદર તકો આપવામાં આવી હતી.—રૂમી ૯:૪, ૫.
૧૨ યહોવાહ પરમેશ્વર પોતાના વચન પ્રમાણે ઈસ્રાએલીઓને વચનના દેશમાં લઈ ગયા. પરંતુ પ્રેષિત પાઊલે પાછળથી સમજાવ્યું તેમ, તેઓને વિશ્વાસ ન હતો. તેથી, એ દેશમાં તેઓને “વિશ્રામ” મળ્યો નહિ. એક રાષ્ટ્ર તરીકે તેઓ “દેવના વિશ્રામમાં” પ્રવેશ્યા નહિ. એનું કારણ એ છે કે, પરમેશ્વરનો વિશ્રામ દિવસનો હેતુ તેઓ જોઈ શક્યા નહિ અને તેમનું કહ્યું કરવામાં તેઓ નિષ્ફળ ગયા. પરમેશ્વરનો વિશ્રામનો દિવસ આદમ અને હવાને ઉત્પન્ન કર્યા પછી શરૂ થયો હતો.—હેબ્રી ૪:૩-૧૦.
૧૩ મસીહ સાથે સ્વર્ગીય રાજ્યમાં યાજકોનું રાજ્ય તથા પવિત્ર રાષ્ટ્ર ઈસ્રાએલીઓ જ હોત. પરંતુ, તેઓએ પોતાના મૂલ્યવાન વારસાની કદર કરી નહિ. ખ્રિસ્ત આવ્યા ત્યારે મૂળ ઈસ્રાએલી લોકોમાંથી અમુકે જ તેમને સ્વીકાર્યા. તેથી, અગાઉથી ભાખવામાં આવેલા યાજકોના રાજ્યમાં થોડા લોકોનો જ સમાવેશ થયો. મૂળ ઈસ્રાએલીઓ પાસેથી રાજ્ય લઈ લેવામાં આવ્યું, અને ‘જે પ્રજાએ તેનાં ફળ આપ્યા, તેઓને આપવામાં આવ્યું.’ (માત્થી ૨૧:૪૩) એ કઈ પ્રજા છે?
સ્વર્ગીય વારસો
૧૪ એ રાજ્ય “દેવના ઈસ્રાએલ” એટલે કે આત્મિક ઈસ્રાએલને આપવામાં આવ્યું. એ આત્મિક ઈસ્રાએલની સંખ્યા ૧,૪૪,૦૦૦ છે. તેઓ પરમેશ્વરના આત્માથી અભિષિક્ત થએલા ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે, જેઓને એ રાજ્ય આપવામાં આવ્યું છે. (ગલાતી ૬:૧૬; પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧-૩) એમાંના થોડા મૂળ યહુદીઓ હતા, પણ મોટા ભાગના બિનયહુદીઓ હતા. એ રીતે યહોવાહ પરમેશ્વરે ઈબ્રાહીમને આપેલું એ વચન પૂરું થવા લાગ્યું કે, ઈબ્રાહીમની “સંતતિ” દ્વારા પૃથ્વીના સર્વ લોક આશીર્વાદિત થશે. (પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૫, ૨૬; ગલાતી ૩:૮, ૯) એ પરિપૂર્ણતાની શરૂઆતમાં જુદા જુદા કુળના લોકોને પવિત્ર આત્માથી અભિષિક્ત કરવામાં આવ્યા, અને યહોવાહ પરમેશ્વરે તેઓને આત્મિક પુત્રો, ઈસુ ખ્રિસ્તના ભાઈઓ તરીકે દત્તક લીધા. આમ તેઓ પણ ‘સંતાનના’ એક ભાગ બન્યા.—ગલાતી ૩:૨૮, ૨૯.
૧૫ ઈસુએ પોતાના મરણ અગાઉ એ નવા રાષ્ટ્રના અમુક યહુદી સભ્યો સાથે પોતાના લોહી દ્વારા નવો કરાર કર્યો હતો. જેઓ એ બલિદાનમાં વિશ્વાસ કરે છે અને જેઓ સાથે કરાર કરવામાં આવે છે તેઓ “સદાકાળને માટે પરિપૂર્ણ” થશે. (હેબ્રી ૧૦:૧૪-૧૮) તેથી, તેઓ “ન્યાયીકરણ” પામ્યા અને તેઓનાં પાપ માફ કરવામાં આવ્યાં એમ કહેવાય. (૧ કોરીંથી ૬:૧૧) આમ, આદમે પાપ કર્યું એ પહેલાં સંપૂર્ણ હતો, તેવા તેઓ હવે છે. છતાં, તેઓ આ બગીચા જેવી પૃથ્વી પર હંમેશાં રહેશે નહિ. એનું કારણ એ છે કે, ઈસુએ કહ્યું કે તે તેઓ માટે સ્વર્ગમાં જગ્યા તૈયાર કરવા જાય છે. (યોહાન ૧૪:૨, ૩) તેથી, તેઓ ‘સ્વર્ગમાં વતન’ મેળવવા સારું પૃથ્વી પર રહેવાની આશા છોડી દે છે. તેઓ ત્યાં શું કરશે? ઈસુએ સમજાવ્યું: “હું તમને રાજ્ય ઠરાવી આપું છું.”—લુક ૨૨:૨૯.
૧૬ સ્વર્ગમાંથી જેઓ ખ્રિસ્ત સાથે રાજ કરવાના છે તેઓ ઘણી રીતે તેમને મદદ કરશે. તેઓ યહોવાહની સર્વોપરિતા વિરુદ્ધ બંડ પોકારનાર લોકોનો નાશ કરવામાં મદદ કરશે. (પ્રકટીકરણ ૨:૨૬, ૨૭) તેમ જ ઈબ્રાહીમનું આત્મિક સંતાન સર્વ લોકોને સંપૂર્ણ બનવા મદદ કરશે. (રૂમી ૮:૧૭-૨૧) ખરેખર તેઓ પાસે કેવો મૂલ્યવાન વારસો છે!—એફેસી ૧:૧૬-૧૮.
૧૭ જો કે ઈસુના અભિષિક્ત શિષ્યોનો વારસો ફક્ત ભાવિમાં જ નથી. ઈસુએ તેઓને એક માત્ર પરમેશ્વર યહોવાહ વિષે એવી રીતે શીખવ્યું છે કે, બીજું કોઈ પણ એ શીખવી શકે નહિ. (માત્થી ૧૧:૨૭; યોહાન ૧૭:૩, ૨૬) તેમણે તેઓને વાણી અને વર્તનથી શીખવ્યું કે ‘યહોવાહ પર ભરોસો’ રાખવાનો, અને યહોવાહની આજ્ઞા માનવાનો શું અર્થ થાય. (હેબ્રી ૨:૧૩; ૫:૭-૯) ઈસુએ તેઓને પરમેશ્વરના હેતુઓ સમજાવ્યા અને ખાતરી આપી કે પવિત્ર આત્મા તેઓને બધું શીખવશે. (યોહાન ૧૪:૨૪-૨૬) તેમણે તેઓના દિલ પર પરમેશ્વરના રાજ્યની ઊંડી છાપ પાડી. (માત્થી ૬:૧૦, ૩૩) ઈસુએ તેઓને યરૂશાલેમ, યહુદા, સમરૂન અને પૃથ્વીના છેડા સુધી લોકોને પ્રચાર કરવાનું અને શિષ્યો બનાવવાનું કામ સોંપ્યું.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૧:૮.
મોટા સમુદાય માટે ખાસ વારસો
૧૮ મોટા ભાગે “નાની ટોળી,” અથવા આત્મિક ઈસ્રાએલ જેઓ રાજ્યનો વારસ પામવાના છે, તેઓની કુલ સંખ્યાની પસંદગી થઈ ચૂકી છે. (લુક ૧૨:૩૨) હવે ઘણા વર્ષોથી યહોવાહ પરમેશ્વર સર્વ દેશોમાંથી મોટા સમુદાયના લોકોને ભેગા કરી રહ્યા છે. આમ, ઈબ્રાહીમના “સંતાન” દ્વારા સર્વ દેશના લોકો આશીર્વાદિત થશે, એ યહોવાહે આપેલું વચન મોટા પાયા પર પૂરું થઈ રહ્યું છે. એવી જ રીતે આ આશીર્વાદિત લોકો આનંદથી યહોવાહની સેવા કરે છે. વળી, તેઓ જાણે પણ છે કે તેઓનું તારણ પરમેશ્વરના હલવાન, ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાથી આવશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૦) શું તમે યહોવાહ પરમેશ્વરની કૃપા સ્વીકારી છે, જેથી તેમના એક સુખી ભક્ત બની શકો?
૧૯ નાની ટોળીનો ભાગ નથી તેઓને યહોવાહ પરમેશ્વર કયો મૂલ્યવાન વારસો આપશે? તેઓનો વારસો સ્વર્ગમાં નહિ, પણ સુખી પૃથ્વી પર હમેશ માટેના જીવનનો છે, જ્યાં તેઓ સંપૂર્ણ બનશે. જો કે એ વારસો તો આદમ પણ તેઓને આપી શક્યો હોત. એ સમયે, “મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.” (પ્રકટીકરણ ૨૧:૪) તેથી, બાઇબલ તમને કહે છે: “યહોવાહ પર ભરોસો રાખ, અને ભલું કર; દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગ, જેથી તું યહોવાહમાં આનંદ કરીશ; અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે. કેમકે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; . . . નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૩, ૪, ૧૦, ૧૧, ૨૯.
૨૦ સ્વર્ગીય રાજ્ય હેઠળ ઈસુના “બીજાં ઘેટાં” પૃથ્વીનો વારસો પામશે. (યોહાન ૧૦:૧૬અ) જો કે તેઓ સ્વર્ગમાં નહિ હોય, છતાં અભિષિક્ત જનો જે આત્મિક વારસાનો આનંદ માણશે એનો લાભ તેઓને પણ થશે. અભિષિક્ત જનોથી બનેલા “વિશ્વાસુ અને શાણા ચાકર” દ્વારા બીજા ઘેટાંને પણ બાઇબલમાંથી પરમેશ્વરના વચનોની સમજણ આપવામાં આવે છે. (માત્થી ૨૪:૪૫-૪૭; ૨૫:૩૪) અભિષિક્ત જનો અને બીજાં ઘેટાં તરીકે લોકો સાથે મળીને એક માત્ર સાચા પરમેશ્વર યહોવાહની ભક્તિ કરે છે. (યોહાન ૧૭:૨૦, ૨૧) ઈસુના બલિદાન, જે પાપોની માફી આપે છે, એ માટે તેઓ સાથે મળીને પરમેશ્વરનો આભાર માને છે. તેઓ એક ઘેટાંપાળક હેઠળ એક ટોળા તરીકે સેવા કરે છે. (યોહાન ૧૦:૧૬બ) તેઓ આખી દુનિયામાંથી આવેલા મોટા કુટુંબ જેવા છે. તેઓ યહોવાહના અને તેમના રાજ્યના સાક્ષી બનવાનો આનંદ માણે છે. હા, તમે સમર્પિત અને બાપ્તિસ્મા પામેલા યહોવાહના સાક્ષી હોવ તો, એ આત્મિક વારસો તમારો થશે.
૨૧ તમારા માટે આ આત્મિક વારસો કેટલો મૂલ્યવાન છે? શું તમે એની કદર કરો છો અને પરમેશ્વરની ઇચ્છાને તમારા જીવનમાં પ્રથમ મૂકો છો? શું તમે નિયમિત રીતે બધી જ ખ્રિસ્તી સભાઓમાં જાવ છો? તેમ જ યહોવાહની સંસ્થા જે સલાહ આપે છે એને લાગુ પાડો છો? (હેબ્રી ૧૦:૨૪, ૨૫) શું એ વારસો તમારા માટે એટલો મૂલ્યવાન છે કે, એ મેળવવા તમને મુશ્કેલી પડે તોપણ તમે પરમેશ્વરની સેવા કરવા તૈયાર થશો? એ મેળવવા બનતું બધું જ કરો, જેથી તમે એ ગુમાવી ન બેસો.
૨૨ ચાલો આપણે પરમેશ્વરે આપેલા વારસાની કદર કરતા રહીએ. ભાવિ આશા પર નજર રાખીને આપણને યહોવાહ પરમેશ્વર જે કંઈ કામ આપે એમાં મન લગાડીએ. યહોવાહ સાથે ગાઢ મિત્રતા બાંધવાથી આપણે બતાવી આપીશું કે પરમેશ્વરે આપેલો વારસો આપણને કેટલો પ્રિય છે. ચાલો આપણે પણ કહીએ કે, “હે મારા દેવ, મારા રાજા, હું તને મોટો માનીશ; સદા હું તારા નામને સ્તુત્ય માનીશ.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧.
તમે કઈ રીતે સમજાવશો?
• આદમ પરમેશ્વરને વફાદાર રહ્યો હોત તો, તેણે આપણને શાનો વારસો આપ્યો હોત?
• ઈબ્રાહીમના સંતાનોએ વારસાની કેવી કદર કરી?
• ખ્રિસ્તના અભિષિક્ત શિષ્યોને કયો વારસો મળ્યો છે?
• મોટા સમુદાય માટે કયો વારસો છે, અને તેઓ કઈ રીતે એની કદર બતાવી શકે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. લોકો વારસામાં શું મેળવે છે?
૨, ૩. યહોવાહે આદમ અને હવાના સંતાનો માટે કયો વારસો રાખ્યો હતો, અને શા માટે તેઓને એ મળ્યો નહિ?
૪. આદમે ગુમાવેલો વારસો આપણે કઈ રીતે મેળવી શકીએ?
૫. ઈબ્રાહીમે પરમેશ્વર યહોવાહ સાથે પોતાની મિત્રતાની કઈ રીતે કદર બતાવી?
૬. (ક) ઈબ્રાહીમ પોતાના પુત્રનું બલિદાન કરવા તૈયાર હતા, એ શું બતાવતું હતું? (ખ) ઈબ્રાહીમ પોતાના વંશજો માટે કયો મૂલ્યવાન વારસો મૂકી જવાના હતા?
૭. કઈ રીતે ઈબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબે પોતાના વારસાની કદર બતાવી?
૮. એસાવે કઈ રીતે બતાવી આપ્યું કે તેને વારસાની કંઈ પડી ન હતી?
૯. આત્મિક વારસાના કારણે ઈસ્રાએલના વંશજોએ શામાંથી છુટકારો મેળવ્યો?
૧૦. ઈસ્રાએલ પુત્રોના વારસા સંબંધી સિનાય પર્વત પાસે કઈ ખાસ બાબત બની?
૧૧. ઈસ્રાએલ પુત્રોને વારસામાં કઈ સુંદર તકો આપવામાં આવી હતી?
૧૨. ઈસ્રાએલીઓ વચનના દેશમાં પ્રવેશ્યા છતાં શાનો અનુભવ કરી શક્યા નહિ અને શા માટે?
૧૩. ઈસ્રાએલીઓએ પોતાના આત્મિક વારસાની કદર કરી નહિ, એનું શું પરિણામ આવ્યું?
૧૪, ૧૫. (ક) ઈસુના મરણ પછી, ઈબ્રાહીમના “સંતાન” દ્વારા કઈ રીતે પૃથ્વીના સર્વ લોક આશીર્વાદિત થવા લાગ્યા? (ખ) ‘દેવના ઈસ્રાએલના’ સભ્યો વારસામાં શું મેળવે છે?
૧૬. અભિષિક્ત ખ્રિસ્તીઓ માટે કયો અદ્ભુત વારસો રહેલો છે?
૧૭. અભિષિક્ત ખ્રિસ્તીઓ આજે પૃથ્વી પર શાનો આનંદ માણી રહ્યા છે?
૧૮. ઈબ્રાહીમના “સંતાન” દ્વારા સર્વ લોકો આશીર્વાદ પામશે, એ વચન આજે કઈ રીતે પૂરું થઈ રહ્યું છે?
૧૯. યહોવાહની કૃપા પામેલા લોકો કયા વારસાની રાહ જોઈ રહ્યા છે?
૨૦. “બીજાં ઘેટાં” પણ કઈ રીતે અભિષિક્ત ખ્રિસ્તીઓની જેમ આત્મિક વારસાનો આનંદ માણે છે?
૨૧, ૨૨. આપણે કઈ રીતે બતાવી શકીએ કે, પરમેશ્વરે આપેલો વારસો આપણને પ્રિય છે?
[પાન ૨૦ પર ચિત્રો]
ઈબ્રાહીમના સંતાનને મૂલ્યવાન વારસાનું વચન આપવામાં આવ્યું
[પાન ૨૩ પર ચિત્રો]
શું તમે તમારા આત્મિક વારસાની કદર કરો છો?