બાઇબલ શું કહે છે?
‘બીજો ગાલ પણ ફેરવ’ એનો અર્થ શું થાય?
ઈસુનો પહાડ પરનો ઉપદેશ મોટે ભાગે જાણીતો છે. એમાં તેમણે કહ્યું કે ‘દુષ્ટની સામો ન થા. પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.’—માત્થી ૫:૩૯.
તેમના કહેવાનો મતલબ શું હતો? શું એવો કે તેમના શિષ્યોએ બિચારા બની ચૂપચાપ બધુંય સહી લેવાનું હતું? શું આજે તેમના શિષ્યોએ પોતાના બચાવમાં કંઈ જ નહિ કરવાનું, કાયદેસર મદદ પણ નહિ લેવાની?
ઈસુના કહેવાનો મતલબ શું હતો?
સૌથી પહેલા તો આપણે એ જાણવાની જરૂર છે કે ઈસુએ કયા સંજોગોમાં અને કોને એ શબ્દો કહ્યા. તેમણે એ સલાહ આપ્યા પહેલાં જે કહ્યું, એના વિષે તેમના સાંભળનારા પવિત્ર શાસ્ત્રમાંથી જાણતા હતા. ઈસુએ આમ કહ્યું હતું: “આંખને બદલે આંખ, ને દાંતને બદલે દાંત, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે.”—માત્થી ૫:૩૮.
ઈસુએ જે કહ્યું એ નિર્ગમન ૨૧:૨૪ અને લેવીય ૨૪:૨૦માં મળી આવે છે. નોંધ લો કે “આંખને બદલે આંખ” એ સજા આપતા પહેલાં, ઈશ્વરના નિયમ પ્રમાણે શું કરવામાં આવતું. યાજકો અને ન્યાયાધીશો આગળ ગુનેગારનો કેસ ચાલતો. તેઓ જોતા કે કેવા સંજોગો હતા અને ગુનેગારે જાણીજોઈને ગુનો કર્યો હતો કે કેમ. એ રીતે અદલ ઇન્સાફ થયા પછી જ સજા નક્કી થતી.—પુનર્નિયમ ૧૯:૧૫-૨૧.
સમય જતાં, યહુદીઓએ આ નિયમ મન ફાવે એમ વાપર્યો. ધર્મશાસ્ત્રી આદમ ક્લાર્કે આપેલી બાઇબલ પર ઓગણીસમી સદીની સમજણ આમ જણાવે છે: “એવું લાગે છે કે યહુદીઓ [આંખને બદલે આંખના] આ નિયમના બહાને વેર વાળતા. તેમ જ પોતાનું મન સંતોષવા વધારે પડતી સજા મંજૂર કરતા. જે કોઈ અપરાધ થયો હોય, એનાથી અનેક ગણી વધારે સજા નિર્દય રીતે કરવામાં આવતી.” પણ શાસ્ત્ર એવી રીતે વેર વાળવાની છૂટ કોઈને આપતું નથી.
ઈસુએ પહાડ પરના ઉપદેશમાં કહ્યું કે ‘બીજો ગાલ પણ ફેરવ.’ એ સલાહ ઈશ્વરે ઈસ્રાએલી લોકોને આપેલા નિયમનો ખરો અર્થ બતાવે છે. ઈસુનો કહેવાનો મતલબ એ ન હતો કે કોઈ તેમના શિષ્યને એક ગાલે તમાચો મારે તો, તે બીજો ગાલ ધરે. બાઇબલના જમાનામાં પણ આજની જેમ તમાચો મારીને અપમાન કરવામાં આવતું, જેથી સામેવાળો ઉશ્કેરાઈને લડવા આવે.
એટલે ઈસુનો કહેવાનો અર્થ એ હતો કે જ્યારે કોઈ તમને ઉશ્કેરવા તમાચો મારે કે પછી ટોણાં મારે, કડવાં બોલ બોલે, ત્યારે શાંત રહો. ઉશ્કેરાઈ ન જાવ. એમ કરીને તમે બૂરાઈનો બદલો બૂરાઈથી વાળવાના ચક્કરમાં નહિ ફસાવ.—રૂમી ૧૨:૧૭.
ઈસુના શબ્દો રાજા સુલેમાન દ્વારા યહોવાહે કહેલા આ શબ્દો જેવા જ છે: “જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ એમ તું ન કહે; તે માણસને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ.” (નીતિવચનો ૨૪:૨૯) ઈસુના પગલે ચાલનાર પોતાનો બીજો ગાલ ધરવા શું કરશે? જ્યારે કોઈ તેને બોલાચાલી, મારામારી વગેરે કરવા ઉશ્કેરે, ત્યારે શાંત રહેશે.—ગલાતી ૫:૨૬.
પોતાનો બચાવ કરવા વિષે શું?
બીજો ગાલ ધરવાનો અર્થ એ પણ નથી થતો કે પોતાના પર હુમલો થાય તો કાયદેસર પગલાં ન ભરવાં. ઈસુ એવું નʼતા કહેતા કે આપણે પોતાનો બચાવ કરવો ન જોઈએ. પણ આપણે કોઈના પર હુમલો ન કરવો અથવા વેર વાળવા ઉશ્કેરાઈ ન જવું. ખરું કે ઝઘડા અને મારામારીમાં ન ફસાવા, શક્ય હોય ત્યારે એ જગ્યાએથી નીકળી જવું જોઈએ. પણ કોઈ ગુનાનો ભોગ બનીએ તો, કાયદેસર મદદ લેવી જોઈએ.
ઈસુના શરૂઆતના શિષ્યોએ એ જ સિદ્ધાંત લાગુ પાડીને, પોતાના કાયદેસરના હક્કોનો બચાવ કર્યો હતો. ઈસુના શિષ્ય પાઊલનો વિચાર કરો. તેમણે ઈસુએ સોંપેલું કામ પૂરું કરવાના હક્કના રક્ષણ માટે કાનૂનનો સહારો લીધો. (માત્થી ૨૮:૧૯, ૨૦) ચાલો જોઈએ કે કઈ રીતે. પાઊલ અને તેમના સાથી સીલાસ ફિલિપી શહેરમાં ખુશખબરી ફેલાવતા હતા. પણ ત્યાંના અધિકારીઓએ તેઓને પકડીને આરોપ મૂક્યો કે તેઓએ નિયમનો ભંગ કર્યો છે.
પછી તેઓને જાહેરમાં ફટકા માર્યા અને કોઈ કેસ ચલાવ્યા વગર જેલમાં પૂરી દીધા. પાઊલને મોકો મળતા જ, તેમણે રૂમી નાગરિક તરીકેના પોતાના હક્કનો લાભ લીધો. અધિકારીઓને ખબર પડી કે પાઊલ રૂમી નાગરિક છે ત્યારે, તેઓ ગભરાયા. તેઓએ પાઊલ અને સીલાસને શાંતિથી ચાલ્યા જવા વિનંતી કરી. આમ, પાઊલે કાયદેસર રીતે “શુભસંદેશનો બચાવ” કરવા માટે સરસ દાખલો બેસાડ્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૯-૨૪, ૩૫-૪૦; ફિલિપી ૧:૭, પ્રેમસંદેશ.
પાઊલની જેમ, આજે યહોવાહના સાક્ષીઓએ પણ કરવું પડે છે. તેઓ ઈશ્વરની ભક્તિ કરવાના પોતાના હક્ક માટે કાયદાનો સહારો લે છે. એવા દેશોમાં પણ જ્યાં મોટા ભાગે લોકોને ધાર્મિક છૂટછાટ હોય એવો દાવો કરવામાં આવે છે. ગુના વિષે અને પોતાના રક્ષણ માટે પણ યહોવાહના સાક્ષીઓ કાયદેસર પગલાં ભરે છે. એવી આશા રાખવામાં આવતી નથી કે તેઓ પોતાનો બચાવ કર્યા વિના, બીજો ગાલ ધરી દે.
આ રીતે કાયદેસરના અમુક હક્કો માટે યહોવાહના સાક્ષીઓ પગલાં ભરે છે. ખરું કે તેઓને ખબર છે કે એનાથી કંઈ મોટો લાભ થવાનો નથી. ઈસુની જેમ, તેઓને પણ કાયમી ફેરફારો માટે ઈશ્વર પર પૂરો ભરોસો છે. તેઓને ખબર છે કે ઈશ્વર બધું જ જાણે છે અને જેને જે સજા કરવાની હશે, એ અદલ ઇન્સાફથી કરશે. (માત્થી ૨૬:૫૧-૫૩; યહુદા ૯) સાચા ખ્રિસ્તીઓ જાણે છે કે વેર વાળવું એ યહોવાહનું કામ છે.—રૂમી ૧૨:૧૭-૧૯. (g10-E 09)
શું તમે કદી વિચાર્યું છે?
● આજે પણ ઈસુના શિષ્યોએ શું ન કરવું જોઈએ?—રૂમી ૧૨:૧૭.
● શું પોતાનો કાયદેસર બચાવ કરવાની બાઇબલ ના પાડે છે?—ફિલિપી ૧:૭, પ્રેમસંદેશ.
● ઈસુને તેમના પિતા પર કેવો ભરોસો હતો?—માત્થી ૨૬:૫૧-૫૩.