જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
જુલાઈ ૫-૧૧
બાઇબલમાં રહેલો ખજાનો | પુનર્નિયમ ૧૧-૧૨
“યહોવા કેવી ભક્તિ ચાહે છે?”
it-૨-E ૧૦૦૭ ¶૪
જીવ
પૂરા જીવથી સેવા કરીએ. અહીં “જીવ” શબ્દનો અર્થ મનુષ્ય થાય છે. તો પછી અમુક કલમોમાં ‘પૂરા જીવથીના’ બદલે કેમ “પૂરા દિલથી” યહોવાની સેવા કરવા વિશે જણાવ્યું છે? (પુન ૪:૨૯; ૧૧:૧૩, ૧૮) જો જીવનો અર્થ મનુષ્ય થતો હોય, તો પછી કેમ એવું કહેવામાં આવે છે કે “પૂરા દિલથી” સેવા કરો? ચાલો એ સમજવા એક દાખલો લઈએ. જો કોઈ વ્યક્તિ ગુલામ તરીકે પોતાને વેચી દે, તો એને ખરીદનાર એનો માલિક બને છે. તોપણ બની શકે એ ગુલામ પૂરા દીલથી એ માલિકની સેવા ન કરે. (એફે ૬:૫ સરખાવો; કોલ ૩:૨૨.) “પૂરા દિલથી” સેવાનો અર્થ થાય પોતાને યહોવાની સેવામાં પૂરેપૂરી રીતે ખર્ચી નાંખવું. પોતાની તાકાત, આવડત અને બધું જ ખર્ચી નાંખવું.—માથ ૫:૨૮-૩૦ સરખાવો; લૂક ૨૧:૩૪-૩૬; એફે ૬:૬-૯; ફિલિ ૩:૧૯; કોલ ૩:૨૩, ૨૪.
રાજ્યગૃહ—ઉપાસનાનું આપણું સ્થળ
પ્રાચીન સમયના હોય કે આજના, ઈશ્વરભક્તો પાસે ભક્તિ માટે કોઈને કોઈ સ્થળ રહ્યું છે. હાબેલે યહોવાને અર્પણ કર્યું ત્યારે, તેમણે કદાચ વેદી બાંધી હતી. (ઉત. ૪:૩, ૪) નુહ, ઈબ્રાહીમ, ઈસ્હાક, યાકૂબ અને મુસાએ પણ વેદીઓ બાંધી હતી. (ઉત. ૮:૨૦; ૧૨:૭; ૨૬:૨૫; ૩૫:૧; નિર્ગ. ૧૭:૧૫) યહોવાએ ઈસ્રાએલીઓને મુલાકાતમંડપ બાંધવાનું કહ્યું હતું. (નિર્ગ. ૨૫:૮) પછીથી, તેમણે મંદિર બાંધવા માટે પણ તેઓને માર્ગદર્શન આપ્યું હતું. (૧ રાજા. ૮:૨૭, ૨૯) બાબેલોનની ગુલામીમાંથી નીકળી આવ્યા પછી, ઈસ્રાએલીઓ નિયમિત રીતે સભાસ્થાનોમાં મળતા. (માર્ક ૬:૨; યોહા. ૧૮:૨૦; પ્રે.કૃ. ૧૫:૨૧) શરૂઆતના ખ્રિસ્તીઓ ભક્તિ કરવા ઘરોમાં ભેગા થતાં. (પ્રે.કૃ. ૧૨:૧૨; ૧ કોરીં. ૧૬:૧૯) આજે, દુનિયાભરમાં આવેલાં હજારો રાજ્યગૃહમાં યહોવાના લોકો ભેગા મળે છે. ત્યાં તેઓ યહોવા વિશે શીખે છે અને તેમની ભક્તિ કરે છે.
કીમતી રત્નો
it-૧-E ૯૨૫-૯૨૬
ગરીઝીમ પર્વત
ઇઝરાયેલીઓ કનાન દેશમાં ગયા એના થોડા સમય પછી મૂસાએ તેઓને જણાવ્યું કે બધા કુળ ગરીઝીમ પર્વત અને એબાલ પર્વત પાસે ભેગા થાય. ત્યાં તેઓને વાંચી સંભળાવવામાં આવ્યું કે જો તેઓ યહોવાની આજ્ઞા પાળશે તો કેવા આશીર્વાદો મળશે અને નહિ પાળે તો કેવા શ્રાપ આવશે. ગરીઝીમ પર્વત પાસે શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ અને બિન્યામીનનાં કુળો ભેગા થયા. લેવી કુળ કરારકોશ લઈ ને ખીણમાં ઊભું હતું. બાકીના છ કુળો એબાલ પર્વત પાસે ભેગા થયા હતા.—પુન ૧૧:૨૯, ૩૦; ૨૭:૧૧-૧૩; યહો ૮:૨૮-૩૫.
જુલાઈ ૧૨-૧૮
બાઇબલમાં રહેલો ખજાનો | પુનર્નિયમ ૧૩-૧૫
“યહોવાએ ગરીબોને મદદ કરવા નિયમો બનાવ્યા હતા”
it-૨-E ૧૧૧૦ ¶૩
દસમો ભાગ
લેવીઓને દસમો ભાગ આપવામાં આવતો. એ સિવાય દર વર્ષે કદાચ ઊપજનો દસમો ભાગ અલગથી રાખવામાં આવતો. ઇઝરાયેલીઓ પોતાના કુટુંબ સાથે વર્ષમાં રાખવામાં આવતા તહેવારો ઉજવવા જતા ત્યારે, એ ઊપજના દસમાં ભાગમાંથી જ ખાતા-પીતા. યરૂશાલેમથી દૂર રહેતા ઇઝરાયેલીઓ માટે ત્યાં પ્રાણીઓ કે અનાજનો દસમો ભાગ લઈ જવો અઘરું હતું. એટલે તેઓ એને વેચી દેતા અને એનાથી જે પૈસા મળે એ તહેવારમાં તેઓ ચાહે એ ખરીદી શકતા (પુન ૧૨:૪-૭, ૧૧, ૧૭, ૧૮; ૧૪:૨૨-૨૭) દર ત્રીજા અને છઠ્ઠા વર્ષના અંતે ઇઝરાયેલીઓએ એ દસમા ભાગનો તહેવારના સમયે ઉપયોગ કરવાનો ન હતો. કેમ કે એ દસમો ભાગ લેવીઓને, પરદેશીઓને, અનાથોને અને વિધવાઓને આપવાનો હતો.—પુન ૧૪:૨૮, ૨૯; ૨૬:૧૨.
it-૨-E ૮૩૩
સાબ્બાથનું વર્ષ
સાબ્બાથના વર્ષે લોકોનું દેવું માફ કરવામાં આવતું. ઇઝરાયેલીઓ એકબીજાનું દેવું માફ કરતા. એનાથી યહોવાનો મહિમા થતો. કેટલાક લોકો કહે છે કે દેવું ખરેખર માફ કરવામાં ન આવતું. પણ એટલું હતું કે ઇઝરાયેલીઓ બીજા ઇઝરાયેલીઓનું દેવું ચૂકવવા માટે તેને દબાણ ન કરતા. કેમ કે ખેડૂતને સાબ્બાથના વર્ષે કોઈ ઊપજ મળતી ન હતી. પણ પરદેશીઓ પાસેથી તેઓ દેવું વસૂલ કરી શકતા. (પુન ૧૫:૧-૩) અમુક યહૂદી ધર્મગુરુઓનું માનવું હતું, ગરીબોનું દેવું દાન સમજીને માફ કરવામાં આવતું. પણ વેપારીઓનું દેવું માફ કરવામાં ન આવતું.
it-૨-E ૯૭૮ ¶૬
દાસ
માલિકનો દાસ સાથેનો વ્યવહાર. એક ઇઝરાયેલી, પરદેશી દાસ સાથે જેવો વ્યવહાર કરતો એવો ઇઝરાયેલી દાસ સાથે કરવાનો ન હતો. જો કોઈ પરદેશી ઇઝરાયેલીઓનો દાસ બને તો તેની મિલકત ગણાય. અને પોતાના દીકરાઓને આપી શકતો હતો. (લેવી ૨૫:૪૪-૪૬) ઇઝરાયેલી દાસને સાતમા વર્ષે અથવા છુટકારાના વર્ષે આઝાદ કરવામાં આવતો હતો. એમાંથી જે વર્ષ પહેલાં આવે એ વર્ષે તેને આઝાદ કરવાનો હતો. ઇઝરાયેલી દાસને ગુલામ તરીકે નહિ પણ એક મજૂર તરીકે ગણવામાં આવતો. (નિર્ગ ૨૧:૨; લેવી ૨૫:૧૦; પુન ૧૫:૧૨) ઇઝરાયેલી માલિક ઇઝરાયેલી દાસને આઝાદ કરે ત્યારે ખાલી હાથે મોકલવાનો ન હતો, જેથી તે પોતાનું જીવન સારી રીતે નવેસરથી શરૂ કરી શકે.—પુન ૧૫:૧૩-૧૫.
કીમતી રત્નો
વાચકો તરફથી પ્રશ્નો
નિર્ગમન ૨૩:૧૯માં મના કરવામાં આવી હતી કે “તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશ મા.” એમાંથી આપણે શું શીખી શકીએ?
યહોવાહે, મુસા દ્વારા ઈસ્રાએલીઓને ઉપર મુજબ નિયમ આપ્યો હતો. બાઇબલમાં એ નિયમ ત્રણ વાર લખવામાં આવ્યો છે. એનાથી આપણને સમજવા મદદ મળે છે કે યહોવાહની નજરમાં શું યોગ્ય છે અને શું નથી. એ નિયમમાં પ્રાણીઓ માટે યહોવાહનો પ્રેમ અને દયા દેખાઈ આવે છે. એ પણ જોવા મળે છે કે માણસે બનાવેલા જૂઠાં દેવ-દેવીઓની ભક્તિ પણ યહોવાહ ધિક્કારે છે.—નિર્ગમન ૩૪:૨૬; પુનર્નિયમ ૧૪:૨૧.
બકરીનું બચ્ચું કે કોઈ પ્રાણીનાં બચ્ચાંને તેની માનાં દૂધમાં બાફવું એ યહોવાહની કુદરતી ગોઠવણની વિરુદ્ધ છે. ઈશ્વરે માનું દૂધ એટલે આપ્યું છે જેથી તે પોતાના બચ્ચાંને દૂધ પાઈને મોટાં કરે. જો કોઈ વ્યક્તિ પ્રાણીનાં બચ્ચાંને તેની માના દૂધમાં બાફે તો શું? એક પંડિતના કહેવા પ્રમાણે, “ઈશ્વરે પ્રાણી જગતમાં મા-બચ્ચાં વચ્ચે જે સંબંધની ગોઠવણ કરી છે, જેના પર ઈશ્વરનો આશીર્વાદ છે એને તે ધિક્કારે છે.”
એ ઉપરાંત, અમુક લોકોનું કહેવું છે કે જૂઠા ધર્મના લોકો બકરીનાં બચ્ચાંને તેની માના દૂધમાં બાફવાનો રિવાજ પાળતા હોઈ શકે, જેથી પુષ્કળ વરસાદ પડે. જો એમ હોય તો, યહોવાહ એવું કરવાની મનાઈ ફરમાવીને ઈસ્રાએલીઓનું રક્ષણ કરતા હતા. જેથી તેઓ આસપાસના દેશોની જેમ જૂઠા દેવોની ક્રૂર ભક્તિમાં ફસાઈ ન જાય. એ કારણથી યહોવાહે બીજા દેશોની જેમ ન કરવાની ઈસ્રાએલીઓને સખત મના કરી હતી.—લેવીય ૨૦:૨૩.
આ નિયમથી આપણને જોવા મળે છે કે યહોવાહને પ્રાણીઓ પર કેટલો પ્રેમ છે. યહોવાહની કુદરતી ગોઠવણ વિરુદ્ધ પ્રાણીઓ પર જુલમ કરવામાં ન આવે એ માટે તેમણે અનેક સૂચનાઓ આપી હતી. દાખલા તરીકે, તેઓ પર જુલમ કરવામાં ન આવે એ માટે તેમણે આજ્ઞા કરી હતી: કોઈ પણ પ્રાણીનું બચ્ચું જન્મ્યા પછી તેની મા સાથે ઓછામાં ઓછા સાત દિવસ રહ્યું ન હોય તો એનું બલિદાન ન કરવું. બચ્ચાંને અને તેની માને એક જ દિવસે કાપવા નહિ. પક્ષીના માળામાં ઈંડાં કે બચ્ચાં સાથે માદા હોય તો, માદાને ઈંડા કે બચ્ચા સાથે પકડવી નહિ.—લેવીય ૨૨:૨૭, ૨૮; પુનર્નિયમ ૨૨:૬, ૭.
આના પરથી આપણે જોઈ શકીએ કે યહોવાહના નિયમો ગૂંચવણભર્યાં ન હતા. એ નિયમો પાછળના સિદ્ધાંતો આપણને ખરું-ખોટું પારખવા મદદ કરે છે. એનાથી આપણે યહોવાહ જેવા ગુણો કેળવી શકીએ છીએ.—ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧.
જુલાઈ ૧૯-૨૫
બાઇબલમાં રહેલો ખજાનો | પુનર્નિયમ ૧૬-૧૮
“ખરો ન્યાય કરવા માટે સિદ્ધાંતો”
it-૧-E ૩૪૩ ¶૫
આંધળો
જો ન્યાય કરનાર બેઇમાન હોય અને કોઈની સાથે અન્યાય કરે, તો બાઇબલ એવી વ્યક્તિને આંધળો કહે છે. યહોવાએ ન્યાય કરનારને ચેતવણી આપી હતી કે તે પક્ષપાત ન કરે અને લાંચ ન લે. “કેમ કે લાંચ સમજુ માણસને આંધળો બનાવી દે છે અને ન્યાયી માણસને નિર્ણય બદલવા લલચાવે છે.” (પુન ૧૬:૧૯) ન્યાય કરનાર ભલે ગમે એટલો ઇમાનદાર અને સમજદાર હોય પણ જો તે લાંચ લે તો તેની નિયત બગડી શકે છે. તે જાણી જોઈને અથવા અજાણતાં ખોટો નિર્ણય લઈ લે.—લેવી ૧૯:૧૫.
it-૨-E ૫૧૧ ¶૭
સંખ્યા
બે. બાઇબલમાં મોટે ભાગે કાનૂની બાબતોમાં સંખ્યા ‘બે’ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈ પણ ગુનો સાબિત કરવા એક સાક્ષીની નહિ, પણ બે અથવા ત્રણ સાક્ષીની જરૂર પડતી. અને તેઓ પર ભરોસો કરવામાં આવતો. આજે મંડળોમાં પણ એ જ સિદ્ધાંત લાગુ પડે છે.—પુન ૧૭:૬; ૧૯:૧૫; માથ ૧૮:૧૬; ૨કો ૧૩:૧; ૧તિ ૫:૧૯; હિબ્રૂ ૧૦:૨૮.
it-૨-E ૬૮૫ ¶૬
યાજક
ન્યાયાધીશો માટે ન્યાય કરવો અઘરો હોય તો તેઓ યાજકો પાસે જઈ શકતા. યાજકો ન્યાયાધીશોને મદદ કરતા.—પુન ૧૭:૮, ૯.
કીમતી રત્નો
it-૧-E ૭૮૭
કાઢી મૂકવાની ગોઠવણ
ઈશ્વરનો નિયમ હતો કે નજરે જોનાર સાક્ષીઓએ ગુનેગારને પહેલા પથ્થર મારવાનો હતો. (પુન ૧૭:૭) એ દર્શાવતું કે તેઓને ઈશ્વરના નિયમ માટે ઊંડું માન છે. તેઓ ચાહતા કે મંડળના લોકો દરેક સંજોગમાં નિયમનું પાલન કરે અને મંડળ શુદ્ધ રહે. એ નિયમ એટલા માટે પણ આપવામાં આવ્યો હતો કે કોઈ જાણી જોઈને કે વગર વિચારીએ જૂઠી સાક્ષી ન આપે.
જુલાઈ ૨૬–ઑગસ્ટ ૧
બાઇબલમાં રહેલો ખજાનો | પુનર્નિયમ ૧૯-૨૧
“યહોવાની નજરમાં મનુષ્યનું જીવન કીમતી છે”
યહોવાની જેમ ન્યાય અને દયાથી વર્તો
૪ યહોવાએ છ આશ્રયનગરોની ગોઠવણ કરવા જણાવ્યું હતું, જેથી સહેલાઈથી ત્યાં પહોંચી શકાય. તેમણે ઇઝરાયેલીઓને યરદન નદીની બંને બાજુ ત્રણ ત્રણ શહેરો અલગ રાખવા જણાવ્યું. શા માટે? જેથી ખૂન કરનાર વ્યક્તિ એમાંથી કોઈ એક શહેરમાં સહેલાઈથી અને જલદીથી પહોંચી શકે. (ગણ. ૩૫:૧૧-૧૪) આશ્રયનગર જવાના રસ્તાઓની નિયમિત મરામત કરવામાં આવતી. (પુન. ૧૯:૩) યહુદી રિવાજ મુજબ, એ રસ્તાઓ પર ચિહ્ન મૂકવામાં આવતા, જેથી વ્યક્તિને એ શહેરો શોધવામાં તકલીફ ન પડે. ખૂન કરનાર વ્યક્તિનું આશ્રયનગરોને લીધે રક્ષણ થતું અને તેણે પરદેશમાં શરણ લેવાની જરૂર ન પડતી. આમ, ત્યાંના જૂઠા દેવોની ભક્તિ કરવાથી તે દૂર રહી શકતી.
યહોવાની જેમ ન્યાય અને દયાથી વર્તો
૯ આશ્રયનગરોની ગોઠવણ પાછળનું એક મહત્ત્વનું કારણ હતું કે ઇઝરાયેલીઓને નિર્દોષ વ્યક્તિના ખૂનનો દોષ ન લાગે. (પુન. ૧૯:૧૦) યહોવા જીવનને પ્રેમ કરે છે અને ખૂનને ધિક્કારે છે. (નીતિ. ૬:૧૬, ૧૭) યહોવા પવિત્ર અને ન્યાયી ઈશ્વર હોવાથી અજાણતા થયેલા ખૂનને પણ તે ગંભીર ગણે છે. એ સાચું છે કે, અજાણતા કોઈએ ખૂન કર્યું હોય તો, તેને માફી મળતી હતી. પરંતુ, તેણે પહેલા વડીલોને પોતાના સંજોગો જણાવવાના હતા. જો વડીલોને લાગે કે એ ખૂન અજાણતા થયું છે, તો ખૂનીએ આશ્રયનગરમાં પ્રમુખ યાજકના મરણ સુધી રહેવું પડતું. એનો અર્થ કે ખૂનીએ કદાચ જીવનપર્યંત આશ્રયનગરમાં રહેવું પડે. એ ગોઠવણથી દરેક ઇઝરાયેલીને યાદ રહેતું કે જીવન ખૂબ કીમતી છે. એટલે, જીવનના સ્રોત યહોવાને આદર આપવા તેઓએ એવી દરેક બાબતો ટાળવાની હતી, જેનાથી બીજાઓનું જીવન જોખમમાં આવી પડે.
ઈશ્વરની જેમ તમે પણ જીવનને કીમતી ગણો
૩ કાઈને હાબેલનું ખૂન કર્યું ત્યારે, યહોવાએ પહેલી વાર જણાવ્યું હતું કે તેમની નજરે લોહી અને જીવન એકસરખાં છે. એ બંને પવિત્ર છે. તેમણે કાઈનને કહ્યું કે “આ તેં શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે.” (ઉત્પત્તિ ૪:૧૦) યહોવાની નજરે હાબેલનું લોહી તેના જીવન બરાબર હતું. એ જીવન ક્રૂર રીતે ટૂંકાવી દેવામાં આવ્યું હતું. હાબેલનું લોહી એનો બદલો લેવા જાણે ઈશ્વરને પોકાર કરતું હતું.—હિબ્રૂ ૧૨:૨૪.
ઈશ્વરની જેમ તમે પણ જીવનને કીમતી ગણો
૧૮ યહોવા ચાહે છે કે આપણે કોઈનું કંઈ ખરાબ ન કરીએ. તે એવું પણ ચાહે છે કે આપણે દિલમાંથી નફરતનાં મૂળ ઉખેડી નાખીએ, કેમ કે એનાથી ઘણી ખૂનખરાબી થાય છે. પ્રેરિત યોહાને પણ લખ્યું કે ‘જે કોઈ પોતાના ભાઈને ધિક્કારે છે તે ખૂની છે.’ (૧ યોહાન ૩:૧૫) આવી વ્યક્તિ પોતાના ભાઈને એટલી હદે ધિક્કારવા લાગે છે કે તેનું મોત ચાહે છે. એવી દુશ્મની ઘણી રીતોએ દેખાઈ આવે છે. જેમ કે, તે પોતાના ભાઈનું બૂરું કરવાના ઇરાદાથી તેને બદનામ કરે. અથવા તો એવો આરોપ મૂકે છે, જે સાચો ઠરે તો યહોવા તરફથી કડક સજા થાય. (લેવીય ૧૯:૧૬; પુનર્નિયમ ૧૯:૧૮-૨૧; માથ્થી ૫:૨૨) ચાલો આપણા દિલમાં કોઈ પણ પ્રકારની નફરત હોય તો, એને જડમૂળથી ઉખેડી નાખીએ!—યાકૂબ ૧:૧૪, ૧૫; ૪:૧-૩.
કીમતી રત્નો
it-૧-E ૫૧૮ ¶૧
અદાલત
શહેરમાં પ્રવેશતા શહેરના દરવાજા પાસે ખુલ્લી જગ્યા હતી. ત્યાં મુકદ્દમા માટેના સાક્ષીઓ શોધવા સહેલું હતું. કેમ કે ત્યાં દિવસ દરમિયાન લોકોની અવર-જવર હતી. ત્યાં લોકો જમીન અને માલ-મિલકત જેવી બાબતો માટે વડીલો પાસે આવતા. તેઓ લોકોની ફરિયાદો ધ્યાનથી સાંભળતા અને ન્યાય કરતા.—પુન ૧૬:૧૮; ૨૧:૧૯; ૨૨:૧૫, ૨૪; ૨૫:૭; રૂથ ૪:૧.
ઑગસ્ટ ૨-૮
બાઇબલમાં રહેલો ખજાનો | પુનર્નિયમ ૨૨-૨૩
“મૂસાના નિયમથી જોવા મળે છે કે યહોવા પ્રાણીઓની કાળજી રાખે છે”
it-૧-E ૩૭૫-૩૭૬
ભાર
માની લો કે એક ઇઝરાયેલી જુએ છે કે ગધેડો ભાર નીચે દબાઈ ગયો છે. જો ગધેડાનો માલિક ઇઝરાયેલીને ધિક્કારતો હોય, તો હવે ઇઝરાયેલી શું કરશે? તે મોં ફેરવીને ચાલ્યો નહિ જાય પણ ગધેડા પરથી ભાર હટાવવા એ માણસને મદદ કરશે.—નિર્ગ ૨૩:૫.
it-૧-E ૬૨૧ ¶૧
પુનર્નિયમ
ઇઝરાયેલીઓ માટે નિયમ હતો કે તેઓ માદા પક્ષીને ના લે, જે બચ્ચાં કે ઈંડાં પર બેઠેલી હોય. એ બચ્ચાનું રક્ષણ કરી રહી છે એટલે એનો ફાયદો ઉઠાવવો ન જોઈએ. ઇઝરાયેલી પક્ષીને ઉડાવીને એનાં બચ્ચાં લઈ શકતા હતા, જેથી તે ઈંડાં મૂકી શકે અને બચ્ચાંને મોટાં કરી શકે.—પુન ૨૨:૬, ૭.
કેવી વ્યક્તિ સાથે લગ્ન કરવા?
આ ચિત્ર જુઓ. તમે નોંધ કરી કે આ બે પ્રાણીઓ કેટલી મહેનત કરે છે? તમે ખેતી માટે શું બળદ અને ઊંટને સાથે જોડશો? ના! તેમ જ, આપણા પ્રેમાળ દેવે ઈસ્રાએલીઓને જણાવ્યું કે, “તું બળદની સાથે ગધેડાને જોડીને ખેતી ન કર.” (પુનર્નિયમ ૨૨:૧૦) એ જ સિદ્ધાંત આ બળદ અને ઊંટને લાગુ પડે છે.
મોટા ભાગે ખેડૂત તેમના પ્રાણીઓની કાળજી રાખતા હોય છે. પણ જો એના પાસે બે બળદ ન હોય, તો આ ચિત્ર બતાવે છે તેમ ખેડૂત જુદા જુદા બે પ્રાણીઓને સાથે જોડશે. પણ જરા વિચાર કરો, નબળા પ્રાણીને કેટલી સખત મહેનત કરવી પડશે. તેમ જ બળવાન પ્રાણીને પણ વધારે બોજો ઉઠાવવો પડશે.
કીમતી રત્નો
it-૧-E ૬૦૦
ઉધાર, ઉધાર લેનાર
એક ઇઝરાયેલી બહુ જ તંગીમાં હોય તો જ તે ઉધાર લેતો. ઉધાર લેવું સારું ન કહેવાતું કેમ કે ઉધાર લેનાર ઉધાર આપનારનો ચાકર ગણાતો. (ની ૨૨:૭) ઇઝરાયેલીઓને આજ્ઞા હતી કે જો કોઈ ભાઈ તકલીફમાં હોય તો તેઓ કોઈ સ્વાર્થ વગર ઉદાર હાથે મદદ કરે. તેની મજબૂરીનો ફાયદો ન ઉઠાવે અને તેની પાસે વ્યાજ ન માંગે. (નિર્ગ ૨૨:૨૫; પુન ૧૫:૭, ૮; ગી ૩૭:૨૬; ૧૧૨:૫) પણ તેઓ પરદેશીઓ પાસેથી વ્યાજ લઈ શકતા હતા. (પુન ૨૩:૨૦) યહૂદી વિદ્વાનોનું માનવું છે કે ઇઝરાયેલી એવા પરદેશી પાસેથી વ્યાજ ન લેતો જે તંગીમાં હોય. પણ વ્યાપાર કરવા આવતા પરદેશી પાસેથી તે વ્યાજ માંગતો. મોટા ભાગના પરદેશી ઇઝરાયેલમાં થોડો જ સમય રહેતા કેમ કે તેઓ ત્યાં વેપાર કરવા આવતા હતા. તેઓ પાસે વ્યાજ લેવું યોગ્ય હતું કેમ કે તેઓ પણ બીજાઓ પાસેથી વ્યાજ લઈને વેપાર કરતા હતા.
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
g-E ૪/૧૫ ૧૩
શું પ્રાણીઓનો શિકાર કરવો ખોટો છે?
લોકો શું કહે છે? અમુક લોકો શોખ માટે પ્રાણીઓનો અને માછલીઓનો શિકાર કરે છે. અમુક લોકો માને છે કે એવું કરવું ખોટું છે. તેઓ રશિયાના એક લેખક લિયો ટૌલસ્ટૌય જેવું વિચારે છે, જેમણે કહ્યું કે પ્રાણીઓને મારવું અને ખાવું “એકદમ ખોટું” છે.
બાઇબલ શું કહે છે? ઈશ્વરે માણસોને પોતાનો જીવ બચાવવા અને કપડાં માટે પ્રાણીઓને મારી નાખવાની મંજૂરી આપી છે. (નિર્ગમન ૨૧:૨૮; માર્ક ૧:૬) બાઇબલમાં એ પણ લખ્યું છે કે માણસો ખોરાક માટે પ્રાણીઓને મારી શકે છે. ઉત્પત્તિ ૯:૩ જણાવે છે, “પૃથ્વી પરનું દરેક પ્રાણી તમારો ખોરાક થશે.” ઈસુએ પણ પોતાના શિષ્યોને માછલી પકડવા મદદ કરી હતી, જે પછી શિષ્યોએ ખાધી.—યોહાન ૨૧:૪-૧૩.
બાઇબલ એ પણ જણાવે છે કે ઈશ્વર ‘હિંસા ચાહનારને નફરત કરે છે.’ (ગીતશાસ્ત્ર ૧૧:૫) એનો અર્થ ઈશ્વર નથી ચાહતા કે આપણે મોજશોખ માટે પ્રાણીઓને નુકશાન પહોંચાડીએ કે તેઓને મારી નાખીએ.
બાઇબલ પ્રમાણે પ્રાણીઓના જીવને પણ ઈશ્વર કીમતી ગણે છે.
સૃષ્ટિની રચના કરી એ વિશે બાઇબલમાં લખ્યું છે કે “ઈશ્વરે પૃથ્વી પર બધી જાતનાં જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં. ઈશ્વરે જોયું કે એ સારું છે.”—ઉત્પત્તિ ૧:૨૫.
બાઇબલમાં યહોવા વિશે જણાવ્યું છે કે “તે પ્રાણીઓને ખોરાક પૂરો પાડે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૭:૯) ઈશ્વરે ધરતી એ રીતે બનાવી છે કે પ્રાણીઓને ભરપૂર પ્રમાણમાં ખોરાક અને રહેવાની જગ્યા મળી રહે.
ઇઝરાયેલના રાજા દાઉદે પ્રાર્થના કરી હતી “હે યહોવા, તમે મનુષ્યો અને પ્રાણીઓની સંભાળ રાખો છો.” (ગીતશાસ્ત્ર ૩૬:૬) દાખલા તરીકે, યહોવા આખી પૃથ્વી પર પૂર લાવ્યા ત્યારે તેમણે આઠ લોકોની સાથે સાથે દરેક પ્રકારના પ્રાણીઓનો પણ જીવ બચાવ્યો.—ઉત્પત્તિ ૬:૧૯.
આ બધાથી ખબર પડે છે કે યહોવા પ્રાણીઓને ખૂબ કીમતી ગણે છે અને તે ચાહે છે કે આપણે પણ પ્રાણીઓની સાથે સારી રીતે વર્તીએ.
“ભલો માણસ પોતાનાં જાનવરોની સંભાળ રાખે છે.”—નીતિવચનો ૧૨:૧૦.
ઑગસ્ટ ૯-૧૫
બાઇબલમાં રહેલો ખજાનો | પુનર્નિયમ ૨૪-૨૬
“મૂસાના નિયમમાંથી દેખાય આવે છે કે યહોવાને સ્ત્રીઓની પરવા છે”
it-૨-E ૧૧૯૬ ¶૪
સ્ત્રી
યહોવાના નિયમ પ્રમાણે પુરુષના લગ્ન થયા હોય તો પહેલું વર્ષ તે પોતાની પત્ની સાથે વીતાવતો, જેથી તે પોતાનું કુટુંબ વધારી શકતો. પછી તે લશ્કરમાં જોડાતો. પતિ લશ્કરમાં ગયો હોય તોપણ બાળકને લીધે પત્નીને એકલું એકલું અથવા સુનુંસનું ન લાગતું. પછી ભલે તે યુદ્ધમાં મરણ પામે તોપણ બાળક હોવાથી તેની પત્નીને દિલાસો મળતો.—પુન ૨૦:૭; ૨૪:૫.
it-૧-E ૯૬૩ ¶૨
વધેલું ભેગું કરવા વિશે નિયમ
દાઉદે ક્હ્યું: “મેં એવું જોયું નથી કે સચ્ચાઈથી ચાલનારને ઈશ્વરે ત્યજી દીધો હોય, કે પછી તેનાં બાળકો ભીખ માંગતા હોય.” (ગી ૩૭:૨૫) કાનૂનમાં નિયમ હતો કે ખેતરમાં રહી ગયેલું અનાજ ગરીબ લોકો ભેગું કરી શકતા. એના લીધે તેઓને અને તેઓનાં બાળકોને ક્યારેય હાથ ફેલાવવાનો કે ભીખ માંગવાનો સમય ન આવતો. આમ, તેઓ મહેનતની રોટલી ખાતા અને ક્યારેય ભૂખ્યા પેટે ન સૂતા.
w૧૧-E ૩/૧ ૨૩
શું તમે જાણો છો?
ઇઝરાયેલના સમયમાં રિવાજ હતો કે કોઈ માણસને દીકરો ન હોય અને તે મરણ પામે તો જેઠ કે દિયર પોતાની વિધવા ભાભી સાથે લગ્ન કરતો. આમ, તેનાથી તેના ભાઈનો વંશ ચાલુ રહેતો. (ઉત્પત્તિ ૩૮:૮) સમય જતાં આ નિયમ મૂસાના નિયમશાસ્ત્રમાં ઉમેરવામાં આવ્યો. એને દિયરવટું કહેવામાં આવતું. (પુનર્નિયમ ૨૫:૫, ૬) રૂથના પુસ્તકમાં જોવા મળે છે કે બોઆઝે રૂથ સાથે લગ્ન કર્યા. એનાથી ખબર પડે છે કે જો કોઈ માણસના બધા ભાઈઓ મરણ પામ્યા હોય તો તેઓનો કોઈ નજીકનો સગો એ વિધવા સાથે લગ્ન કરતો. આમ, એ માણસનો વંશ ચાલુ રહેતો.—રૂથ ૧:૩, ૪; ૨:૧૯, ૨૦; ૪:૧-૬.
ઈસુના સમયમાં પણ લોકો આ રિવાજ પાળતા હતા. માર્ક ૧૨:૨૦-૨૨માં સાદુકીઓ આ રિવાજનો ઉલ્લેખ કરે છે. પહેલી સદીના ઇતિહાસકાર ફ્લેવિયસ જોસેફસ માનતા હતા કે આ રિવાજને કારણે એ કુટુંબનો વંશ હંમેશાં ચાલુ રહેતો. વારસો કુટુંબમાં જ રહેતો અને વિધવાને સહારો મળતો. એ સમયમાં વિધવા પત્નીને તેના પતિની માલ-મિલકત પર કોઈ હક ન રહેતો. આમ, આ ગોઠવણથી વિધવાને જે દીકરો થતો તેને તેના પિતાનો વારસો મળતો.
કીમતી રત્નો
પ્રાચીન ઇઝરાયેલમાં જોવા મળતો પ્રેમ અને ન્યાય
૬ યહોવા જાણે છે કે પતિ-પત્ની એકબીજા સાથે કઈ રીતે વર્તે છે. તે ચાહે છે કે પત્નીઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવે. ઇઝરાયેલને આપેલા નિયમોમાં એ સાફ જોવા મળે છે. એ નિયમો પ્રમાણે ચાલનાર પતિ પોતાની પત્નીને સાચા દિલથી પ્રેમ કરતો હતો. એવો પતિ નાનાં નાનાં કારણોને લીધે પત્નીને છૂટાછેડા આપતો નહિ. (પુન. ૨૪:૧-૪; માથ. ૧૯:૩, ૮) પણ જો મોટું કારણ હોય અને તે પત્નીને છૂટાછેડા આપે, તો તેણે છૂટાછેડા લખીને આપવાના હતા. એ લખાણને લીધે પત્ની પર વ્યભિચારનો ખોટો આરોપ લાગતો નહિ. વધુમાં એ લખાણ આપતા પહેલાં, પતિએ શહેરના વડીલોને એ વિશે જણાવવાનું હતું. એટલે એક રીતે વડીલો પાસે તક હતી કે, યુગલને સલાહ આપીને તેઓનું લગ્ન બચાવે. ખરું કે, ઇઝરાયેલી પતિ ખોટા કારણથી પત્નીને છૂટાછેડા આપતો ત્યારે, યહોવા દર વખતે પગલાં ભરતા ન હતા. પણ, એ સ્ત્રીના આંસુ યહોવાના ધ્યાન બહાર જતા ન હતા. તે એ સ્ત્રીનું દુઃખ સમજતા હતા.—માલા. ૨:૧૩-૧૬.
ઑગસ્ટ ૧૬-૨૨
બાઇબલમાં રહેલો ખજાનો | પુનર્નિયમ ૨૭-૨૮
“આ બધા આશીર્વાદો તમારા પર ઊતરી આવશે”
યહોવાહની દોરવણીથી ચાલતા રાજાનું માનીને આશીર્વાદ પામીએ
૧૮ એનો અર્થ થાય કે ઈશ્વરે બાઇબલમાં જે કહેલું છે એને દિલમાં ઉતારીએ. અને તે જે માર્ગદર્શન આપે છે એ પ્રમાણે જીવીએ. (માથ. ૨૪:૪૫) બીજા શબ્દોમાં કહીએ તો યહોવાહ અને તેમના દીકરા ઈસુનું કહેવું માનીએ. ઈસુએ કહ્યું: “જેઓ મને પ્રભુ, પ્રભુ, કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.” (માથ. ૭:૨૧) યહોવાહનું કહેવું માનવાનો અર્થ શું થાય? એ જ કે મંડળની દેખભાળ રાખવા તેમણે ‘પુરુષોમાં દાન’ એટલે કે વડીલો આપ્યા છે, તેઓનું રાજીખુશીથી સાંભળીએ.—એફે. ૪:૮, NW.
શું યહોવાહનો આશીર્વાદ તમારા પર આવશે?
૨ પુનર્નિયમ ૨૮:૨માં “સાંભળશે” ભાષાંતર થયેલા હેબ્રી ક્રિયાપદનો અર્થ, સતત સાંભળતા રહેવું થાય છે. યહોવાહના લોકોએ મન ફાવે ત્યારે જ તેમનું સાંભળવાનું ન હતું. પરંતુ, તેઓએ હંમેશા દરેક બાબતમાં યહોવાહનું સાંભળતા રહેવાનું હતું. ત્યારે જ તેઓ પરમેશ્વરના આશીર્વાદો મેળવવાના હતા. ‘આવશે ને મળશે’ ભાષાંતર થયેલા હેબ્રી ક્રિયાપદનો અર્થ એવો થાય છે કે, જાણે શિકાર કરતી વ્યક્તિ એને “પકડી પાડે” કે “પહોંચી વળે.”
યહોવાહના આશીર્વાદ પામવા બનતું બધું જ કરીએ
૪ ઈસ્રાએલીઓએ યહોવાહની આજ્ઞાઓ પાળવા કેવું વલણ રાખવાની જરૂર હતી? યહોવાહે આપેલા નિયમમાં જણાવ્યું કે તેઓએ “આનંદથી તથા હૃદયના ઉલ્લાસથી” ભક્તિ કરવાની હતી. તેઓ એમ ન કરતા ત્યારે તેમને દુઃખ થતું. (પુનર્નિયમ ૨૮:૪૫-૪૭ વાંચો.) યહોવાહ ચાહે છે કે આપણે ફરજ પડ્યાથી નહિ, પણ રાજીખુશીથી તેમનું માનીએ. ફરજ પાડવાથી તો પ્રાણીઓ અને દુષ્ટ દૂતો પણ આજ્ઞા પાળે છે. (માર્ક ૧:૨૭; યાકૂ. ૩:૩) આપણને યહોવાહ પર પ્રેમ હોવાથી, રાજીખુશીથી તેમનું માનીએ છીએ. તેમની આજ્ઞાઓ ભારે નથી. વળી, આપણને પૂરી શ્રદ્ધા છે કે ‘જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે.’—હેબ્રી ૧૧:૬; ૧ યોહા. ૫:૩.
કીમતી રત્નો
it-૧-E ૩૬૦
હદની નિશાની
મોટા ભાગના લોકોનું ગુજરાન ખેતીવાડીથી થતું. જો કોઈ માણસ બીજા માણસે મૂકેલી હદની નિશાની ખસેડીને અને તેની જમીન ધીમે ધીમે હડપી લે, તો એ જાણે પેલા માણસની રોજીરોટી છીનવી લેવા બરાબર હતું. એ ચોરી ગણાતી.—અયૂબ ૨૪:૨.
ઑગસ્ટ ૨૩-૨૯
બાઇબલમાં રહેલો ખજાનો | પુનર્નિયમ ૨૯-૩૦
“યહોવાની સેવા કરવી અઘરી નથી”
યહોવાહે આપણને પસંદગી આપી છે
ઈશ્વર આપણી પાસેથી શું ચાહે છે એ જાણવું અને એ પ્રમાણે કરવું અઘરું છે? મુસાએ જણાવ્યું: “આ જે આજ્ઞા હું આજે તને ફરમાવું છું, તે તારી શક્તિ ઉપરાંતની નથી, ને તારાથી ઘણી વેગળી પણ નથી.” (કલમ ૧૧) યહોવાહ આપણી પાસે કોઈ અશક્ય બાબત માંગતા નથી. તે આપણે કરી શકીએ એટલું જ માંગે છે. યહોવાહ શું ચાહે છે એ શોધવા આપણે “આકાશમાં” જવાનું નથી કે ‘સમુદ્ર પાર કરવાનો નથી.’ (કલમ ૧૨, ૧૩) આપણે બાઇબલમાંથી સહેલાઈથી જાણી શકીએ કે કેવું જીવન જીવવું જોઈએ.—મીખાહ ૬:૮.
યહોવાહે આપણને પસંદગી આપી છે
એક બહેન કહે છે: “મને ઘણી વાર એવી બીક લાગે છે કે યહોવાહ મને વિશ્વાસુ નહિ ગણે.” આ બહેનને લાગે છે કે નાનપણમાં થયેલા ખરાબ બનાવની તેમના આખા જીવન પર અસર પડી છે. શું એમ બની શકે? શું આપણા જીવનમાં કોઈ ખરાબ સંજોગો બને તો, એ પ્રમાણે જ જીવવું પડે? શું એમાં કોઈ ફેરફાર ન કરી શકીએ? જરૂર કરી શકીએ, યહોવાહે આપણને પસંદગી કરવાની છૂટ આપી છે. તેથી આપણે પોતે પસંદ કરીએ કે કેવું જીવન જીવવા માંગીએ છીએ. યહોવાહ ઇચ્છે છે કે આપણે ખરી પસંદગી કરીએ. એમ કરવા બાઇબલ આપણને મદદ કરે છે. ચાલો પુનર્નિયમ ત્રીસમા અધ્યાયના મુસાના શબ્દો પર વિચાર કરીએ.
યહોવાહે આપણને પસંદગી આપી છે
આપણી પસંદગીથી શું યહોવાહને કંઈ ફરક પડે છે? હા, પડે છે. એટલે જ તેમણે મુસા દ્વારા જણાવ્યું કે ‘જીવન પસંદ કરો.’ (કલમ ૧૯) પણ આપણે જીવન કેવી રીતે પસંદ કરી શકીએ? મુસાએ સમજાવ્યું: ‘યહોવાહ તારા ઈશ્વર પર પ્રેમ રાખ, તેમની વાણી સાંભળ, ને તેમને વળગી રહે.’ (કલમ ૨૦) આપણે યહોવાહને પ્રેમ કરતા હોઈશું તો, ગમે તેવા સંજોગોમાં તેમની આજ્ઞાઓ પાળીશું અને તેમને વળગી રહીશું. આમ આપણે જીવન પસંદ કરીએ છીએ. એનાથી હમણાં તો જીવન સારું બનશે જ, ભાવિમાં પણ હંમેશ માટેનું જીવન મળશે.—૨ પીતર ૩:૧૧-૧૩; ૧ યોહાન ૫:૩.
કીમતી રત્નો
it-૧-E ૬૬૫ ¶૩
કાન
અમુક ઇઝરાયેલીઓ યહોવાની આજ્ઞા પાળતા ન હતા, તેઓના કાન જાણે બંધ થઈ ગયા હતા. તેઓ સાંભળતા ન હતા. એટલે યહોવાએ પણ તેઓને હઠીલા રહેવા દીધા. જો કોઈ વ્યક્તિ યહોવાને ખુશ કરવા ચાહે, તો યહોવા પણ જાણે એ વ્યક્તિના કાન ખોલે છે. એટલે કે પોતાની ઇચ્છા જાણવા તેને મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ યહોવાની આજ્ઞા ન માને તો તે પોતાના કાન બંધ કરી લે છે. અને યહોવા પણ તેના કાન ખોલતા નથી. આમ, એ વ્યક્તિ યહોવાની ઇચ્છા કદી જાણી નહિ શકે.—પુન ૨૯:૪; રોમ ૧૧:૮.
ઑગસ્ટ ૩૦–સપ્ટેમ્બર ૫
બાઇબલમાં રહેલો ખજાનો | પુનર્નિયમ ૩૧-૩૨
“ઈશ્વરભક્તોએ ગીતોમાં વાપરેલાં શબ્દચિત્રોમાંથી શીખીએ”
‘તમારા નામનો ડર રાખવાથી મારું હૃદય ફંટાવા ન દો’
૮ ઇઝરાયેલીઓ વચનના દેશમાં જવાના હતા એ પહેલાં યહોવાએ મુસાને એક ગીત શીખવ્યું. (પુન. ૩૧:૧૯) એ ગીત દ્વારા મુસાએ ઇઝરાયેલીઓને યહોવા વિશે શીખવવાનું હતું. (પુનર્નિયમ ૩૨:૨, ૩ વાંચો.) કલમ ૨ અને ૩ પર મનન કરવાથી યહોવાના વિચારો જાણવા મળે છે. તે ચાહે છે કે લોકો તેમનું નામ જાણે. તે એવું નથી ઇચ્છતા કે તેમના નામને લોકો એટલું પવિત્ર ગણે કે એ નામ ઉચ્ચારે પણ નહિ. યહોવા અને તેમના નામ વિશે શીખવાનો ઇઝરાયેલીઓ પાસે કેટલો મોટો લહાવો હતો! જેમ ઝરમર વરસાદથી ઝાડપાન ખીલી ઊઠે છે, તેમ મુસાની વાતોથી ઇઝરાયેલીઓના મન ખીલી ઊઠ્યા.
૯ ઘરેઘરે અને જાહેરમાં ખુશખબર ફેલાવતી વખતે આપણે લોકોને ઈશ્વરનું નામ બાઇબલમાંથી બતાવી શકીએ. તેઓને સાહિત્ય આપી શકીએ અને વીડિયો બતાવી શકીએ. તેઓને આપણી વેબસાઈટ પર આપેલી માહિતી વિશે પણ બતાવી શકીએ. આપણે સ્કૂલમાં, કામની જગ્યાએ કે મુસાફરી કરતી વખતે લોકોને ઈશ્વરનું નામ અને તેમના ગુણો વિશે બતાવી શકીએ. તેઓને એ પણ બતાવી શકીએ કે ઈશ્વર મનુષ્ય માટે અને ધરતી માટે શું કરશે. એ વિશે તેઓ સાંભળે છે ત્યારે તેઓને પહેલી વાર ખબર પડે છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. પિતા યહોવા વિશે લોકોને સત્ય જણાવીએ છીએ ત્યારે, તેમનું નામ પવિત્ર મનાવીએ છીએ. એમ કરવાથી યહોવા વિશે ફેલાયેલું જૂઠાણું આપણે ખુલ્લું પાડીએ છીએ. આપણે લોકોને બાઇબલમાંથી જે શીખવીએ છીએ, એનાથી તેઓને તાજગી મળે છે. તેઓનું મન ખીલી ઊઠે છે!—યશા. ૬૫:૧૩, ૧૪.
w૦૯-E ૫/૧ ૧૪ ¶૪
બાઇબલમાં વાપરેલા શબ્દચિત્રો—શું એ તમે સમજો છો?
બાઇબલની અમુક કલમોમાં યહોવાની સરખામણી નિર્જીવ વસ્તુઓ સાથે કરી છે. જેમ કે, યહોવાને ‘ઇઝરાયેલના ખડક’ અને “કિલ્લો” કહેવામાં આવ્યા છે. (૨ શમુએલ ૨૩:૩; ગીતશાસ્ત્ર ૧૮:૨; પુનર્નિયમ ૩૨:૪) યહોવા અને ખડકમાં શું સમાનતા છે? ખડક એટલો ભારે અને મજબૂત હોય છે કે કોઈ એને હલાવી શકતું નથી. એવી જ રીતે આપણે યહોવા પર પૂરો ભરોસો રાખી શકીએ છીએ. તે આપણો ભરોસો તૂટવા નહિ દે.
બાળકોને શીખવવામાં યહોવાહનું અનુકરણ કરો
૭ યહોવાહે ઈસ્રાએલીઓ સાથેના પોતાના વ્યવહારમાં બતાવેલા પ્રેમનો વિચાર કરો. યહોવાહના ઈસ્રાએલ રાષ્ટ્ર માટેના પ્રેમની ખૂબ સરસ સરખામણી કરીને મુસા આમ વર્ણન કરે છે: “જેમ ગરુડ પોતાના માળાને હલાવે છે, અને પોતાનાં બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે, તેમ તેણે પોતાની પાંખો ફેલાવીને, તેઓને પોતાની પાંખો ઉપર ઊંચકી લીધા; એકલા યહોવાહે તેને ચલાવ્યો, ને તેની સાથે કોઈ પારકો દેવ નહોતો.” (પુનર્નિયમ ૩૨:૯, ૧૧, ૧૨) પોતાનાં નાનાં બચ્ચાંને ઊડવાનું શીખવવા માટે, ગરુડ માતા ‘પોતાના માળાને હલાવીને’ પાંખો ફફડાવી બચ્ચાંને ઊડવાનું કહે છે. બચ્ચું છેવટે પોતાનાં માળામાંથી નીચે કૂદે છે કે જે હંમેશા ઊંચી ભેખડો પર હોય છે. પછી, માતા પણ બચ્ચા ઉપર “પાંખો ફફડાવે” છે. જો એ બચ્ચું જમીન પર પટકાવાનું હોય તો, માતા એની નીચે જઈને એને ‘પોતાની પાંખો ઉપર’ ઊંચકી લે છે. એવી જ રીતે, યહોવાહે પોતાના નવાં જન્મેલાં ઈસ્રાએલ રાષ્ટ્રની પ્રેમાળ કાળજી રાખી હતી. તેમણે ઈસ્રાએલીઓને મુસાનો નિયમ આપ્યો. (ગીતશાસ્ત્ર ૭૮:૫-૭) ત્યાર પછી, પરમેશ્વર તેઓનું ધ્યાન રાખતા હતા અને જ્યારે પોતાના લોકો મુશ્કેલીમાં આવી પડે ત્યારે, તેઓને મદદ કરવા તૈયાર હતા.
કીમતી રત્નો
પુનર્નિયમના મુખ્ય વિચારો
૩૧:૧૨. નાના બાળકોએ ખ્રિસ્તી સભાઓમાં મોટાઓ સાથે બેસવું જોઈએ અને સાંભળીને શીખવું જોઈએ.