યહોવાહનો શબ્દ જીવંત છે
ન્યાયાધીશોના મુખ્ય વિચારો
યહોવાહના લોકોએ તેમની વિરુદ્ધ જઈને જૂઠા દેવોની ભક્તિ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે શું કર્યું? તેઓ વારંવાર તેમની આજ્ઞાઓ તોડતા અને મુસીબતમાં આવી પડે ત્યારે જ તેઓ મદદ માટે તેમની પાસે દોડી જતા ત્યારે શું? શું યહોવાહ તેમને માર્ગદર્શન આપ્યું? ન્યાયાધીશોનું પુસ્તક આ અને એના જેવા બીજા ઘણા મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપે છે. પ્રબોધક શમૂએલે લગભગ ઈસવીસન પૂર્વે ૧૧૦૦માં આ પુસ્તકનું લખાણ પૂરું કર્યું. એમાં યહોશુઆના મરણથી માંડીને ઈસ્રાએલમાં પહેલો રાજા બન્યો ત્યાં સુધીના લગભગ ૩૩૦ વર્ષોના બનાવો નોંધવામાં આવ્યા છે.
ન્યાયાધીશોના પુસ્તકમાં આપણા માટે જોરદાર સંદેશો રહેલો છે. (હેબ્રી ૪:૧૨) એમાં ઉત્તેજન આપનારા અહેવાલો નોંધવામાં આવ્યા છે કે જે આપણને પરમેશ્વરના ગુણો વિષેની સમજણ આપે છે. એમાંથી આપણે જે બોધપાઠ શીખીએ છીએ એનાથી આપણો વિશ્વાસ મજબૂત થાય છે. તેમ જ આપણને ‘ખરેખરૂં જીવનની’ એટલે કે પરમેશ્વરે વચન આપેલી નવી દુનિયામાં હંમેશ માટેના જીવનની આશા દૃઢ કરવા મદદ કરે છે. (૧ તીમોથી ૬:૧૨, ૧૯; ૨ પીતર ૩:૧૩) યહોવાહે પોતાના લોકોના બચાવમાં જે કર્યું એ ભવિષ્યમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા જે છુટકારો અપાવશે એની ઝાંખી પૂરી પાડે છે.
શા માટે ન્યાયાધીશોની જરૂર પડી?
યહોશુઆએ કનાનના રાજાઓને હરાવ્યા પછી, ઈસ્રાએલીઓએ કુળ પ્રમાણે પોતાનો વારસો અને દેશોનો કબજો મેળવ્યો. જોકે, ઈસ્રાએલીઓએ મૂળ રહેવાસીઓને ત્યાંથી હાંકી કાઢ્યા નહિ. એ ઈસ્રાએલીઓ માટે ફાંદારૂપ પુરવાર થયું.
યહોશુઆ પછીની ઈસ્રાએલીઓની પેઢી “યહોવાહને તથા ઇસ્રાએલને સારૂ તેણે જે કામ કર્યું હતું તે પણ, જાણતી નહોતી.” (ન્યાયાધીશો ૨:૧૦) તેઓએ કનાનીઓ સાથે લગ્ન કર્યા અને તેમના દેવોની સેવા કરવાનું શરૂ કર્યું. તેથી, યહોવાહે તેઓને તેમના દુશ્મનોના હાથમાં સોંપી દીધા. સતાવણી તીવ્ર બની ત્યારે, ઈસ્રાએલીઓએ સાચા પરમેશ્વરને મદદ માટે વિનંતી કરી. આ ધાર્મિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ ખરાબ હોવા છતાં, યહોવાહે પોતાના લોકોના બચાવ માટે ન્યાયાધીશોને ઊભા કર્યા.
સવાલ-જવાબ:
૧:૨, ૪—દેશનો વારસો લેવા, શા માટે યહુદાહના કુળને પ્રથમ પસંદ કરવામાં આવ્યું? સામાન્ય રીતે, આ લહાવો યાકૂબના પ્રથમ દીકરા રેઉબેનને મળવો જોઈતો હતો. પરંતુ, યાકૂબ મરણ પથારીએ હતા ત્યારે તેમણે ભાખ્યું કે રેઉબેનને આશીર્વાદો નહિ મળે કેમ કે તેણે પોતાનો જ્યેષ્ઠપણાનો હક્ક સજારૂપે ગુમાવી દીધો હતો. શિમઓન તથા લેવી ક્રૂર રીતે વર્ત્યા હોવાથી તેઓને ઈસ્રાએલમાં વિખેરી નાખવામાં આવ્યા. (ઉત્પત્તિ ૪૯:૩-૫, ૭) યાકૂબનો ચોથો દીકરો યહુદાહ જ આ લહાવો મેળવી શકે એમ હતો. યહુદાહ સાથે ગયેલા શિમઓનને પણ યહુદાહના વિશાળ વિસ્તારમાંથી આમ-તેમ થોડો ભાગ મળ્યો.a—યહોશુઆ ૧૯:૯.
૧:૬, ૭—શા માટે હારેલા રાજાઓના હાથના તથા પગના અંગૂઠા કાપી નાખવામાં આવતા હતા? હાથ અને પગના અંગૂઠા ગુમાવનાર લશ્કરનું કામ કરી શકતો ન હતો. અંગૂઠા વગર, એક સૈનિક કેવી રીતે તલવાર કે ભાલાનો ઉપયોગ કરી શકે? પગનો અંગૂઠો ગુમાવનાર વ્યક્તિને પોતાના શરીરનું સમતોલન રાખવું અઘરું પડતું હતું.
આપણે શું શીખી શકીએ?
૨:૧૦-૧૨. આપણે નિયમિત રીતે બાઇબલ વાંચવું જોઈએ જેથી, ‘યહોવાહના સર્વ ઉપકારો ભૂલી ન જઈએ.’ (ગીતશાસ્ત્ર ૧૦૩:૨) માબાપે બાળકોને પરમેશ્વરનાં વચનો એ રીતે શીખવવા જોઈએ કે જેથી એ તેમના હૃદયમાં ઊતરી જાય.—પુનર્નિયમ ૬:૬-૯.
૨:૧૪, ૨૧, ૨૨. યહોવાહ પોતાના લોકોમાં અમુક કારણોસર ખરાબ બાબતો ચાલવા દે છે. જેમ કે, તેઓને શિક્ષા કરવા, જેથી તેઓ શુદ્ધ થાય ને યહોવાહ તરફ પાછા ફરે.
યહોવાહ ન્યાયાધીશોને ઊભા કરે છે
ઈસ્રાએલીઓ આઠ વર્ષથી મેસોપોટેમિયાના રાજાના તાબામાં હતા. ઓથ્નીએલે તેઓને એ રાજાના હાથમાંથી છોડાવ્યા ત્યારથી ન્યાયાધીશોના અહેવાલની શરૂઆત થાય છે. હિંમત અને ચાલાકીનો ઉપયોગ કરીને ન્યાયાધીશ એહૂદ, રાજા એગ્લોનને મારી નાખે છે. રાજા એગ્લોનનું શરીર તગડું હતું. હિંમતથી શામ્ગાર બળદ હાંકવાની પરાણીથી છસો પલિસ્તીઓને મારી નાખે છે. દબોરાહ પ્રબોધિકા અને ન્યાયાધીશ તરીકે સેવા આપતી હતી. તેણે બારાકને હિંમત આપી અને પછી યહોવાહની મદદથી બારાક અને તેનું દસ હજારનું સૈન્ય સીસરા રાજાના શક્તિશાળી સૈન્યને હરાવે છે. યહોવાહે ગિદઓન અને તેના ૩૦૦ માણસોને મિદ્યાનીઓ પર વિજય અપાવ્યો.
યિફતાહ દ્વારા યહોવાહે ઈસ્રાએલીઓને આમ્મોનપુત્રોના હાથમાંથી છોડાવ્યા. ઈસ્રાએલીઓનો ન્યાય કરનારા ૧૨ માણસોમાં તોલા, યાઇર, ઇસ્બાન, એલોન અને આબ્દોન પણ હતા. પલિસ્તીઓ વિરુદ્ધ લડનાર શામશૂનથી ઇસ્રાએલીઓમાં ન્યાયાધીશોનો અંત આવે છે.
સવાલ-જવાબ:
૪:૮—શા માટે બારાકે પ્રબોધિકા દબોરાહને પોતાની સાથે યુદ્ધભૂમિમાં આવવા આગ્રહ કર્યો? કેમ કે બારાકને એમ લાગ્યું કે પોતાની રીતે સીસરાના લશ્કર સામે જવા તે અસમર્થ હતો. પ્રબોધિકા પોતાની સાથે હોય એનાથી તેને હિંમત અને ભરોસો મળે કે પરમેશ્વરનું માર્ગદર્શન તેમની સાથે છે. બારાકે પ્રબોધિકાને પોતાની સાથે આવવા ભારપૂર્વક જણાવ્યું એ કંઈ તેની નબળાઈ નહિ પરંતુ દૃઢ વિશ્વાસ બતાવતું હતું.
૫:૨૦—કઈ રીતે તારાઓએ બારાક માટે આકાશમાંથી યુદ્ધ કર્યું? બાઇબલમાં બતાવવામાં આવ્યું નથી કે દૂતોએ મદદ કરી હતી કે કેમ; એ ખરતા તારાના પથ્થરો હતા કે કેમ જેને સીસરાના જ્યોતિષોએ સીસરા માટે અપશુકન ગણ્યા હતા; અથવા સીસરા માટે જ્યોતિષોએ જે કહ્યું એ ખોટું પડ્યું. જોકે, પરમેશ્વરે ગમે તે રીતે મદદ કરી એ ચોક્કસ હતું.
૭:૧-૩; ૮:૧૦—શા માટે યહોવાહે એમ કહ્યું કે ગિદઓનના ૩૨,૦૦૦ માણસો દુશ્મન સૈન્યના ૧,૩૫,૦૦૦ માણસોની સરખામણીમાં વધારે હતા? કેમ કે યહોવાહે ગિદઓન અને તેના માણસોને વિજય અપાવ્યો હતો. પરમેશ્વર એવું ઇચ્છતા ન હતા કે તેઓ એમ વિચારે કે પોતાની શક્તિથી તેઓએ મિદ્યાનીઓને હરાવ્યા છે.
૧૧:૩૦, ૩૧—પ્રતિજ્ઞા કરીને શું યિફતાહ માનવ બલિદાન આપવાના હતા? ના, આવો વિચાર તો યિફતાહના મનમાં પણ ન હતો. કેમ કે, પરમેશ્વરે નિયમ આપ્યો હતો: “તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય.” (પુનર્નિયમ ૧૮:૧૦) તોપણ, યિફતાહના મનમાં કોઈ વ્યક્તિ હતી, કોઈ જાનવર નહિ. કેમ કે બલિદાન માટેના જાનવર ઘરમાં રાખવામાં આવતા ન હતા. વળી, યિફતાહે જાનવરનું બલિદાન આપવાનું નક્કી કર્યું હોત તો એમાં કંઈ ખાસ બાબત ન હતી. યિફતાહ જાણતા હતા કે તેમના ઘરમાંથી તેમની દીકરી કદાચ આવશે. તે તેને “દહનીયાર્પણ” તરીકે આપવાના હતા. પણ આ કલમમાં ‘દહનીયાર્પણનો’ અર્થ એમ થાય કે યિફતાહની દીકરી આખી જિંદગી યહોવાહનાં મંદિરમાં સેવા કરશે.
આપણે શું શીખી શકીએ?
૩:૧૦. યહોવાહની ભક્તિમાં વધારે કરવું હોય તો પરમેશ્વરની પવિત્ર શક્તિની મદદથી આપણે સફળતા મેળવી શકીએ છીએ.—ગીતશાસ્ત્ર ૧૨૭:૧.
૩:૨૧. એહૂદે હિંમત અને ચતુરાઈથી પોતાની તલવાર વાપરી. એવી જ રીતે, આપણે પણ ‘આત્માની તરવાર, એટલે કે દેવના વચનનો’ ઉપયોગ કરવાની કુશળતા કેળવવી જોઈએ. એનો અર્થ એમ થાય કે આપણે હિંમતથી આપણા સેવાકાર્યમાં પરમેશ્વરના શબ્દ, બાઇબલનો ઉપયોગ કરવો જ જોઈએ.—એફેસી ૬:૧૭; ૨ તીમોથી ૨:૧૫.
૬:૧૧-૧૫; ૮:૧-૩, ૨૨, ૨૩. ગિદઓનની નમ્રતા આપણને ત્રણ મહત્ત્વની બાબતો શીખવે છે: (૧) આપણને સેવાનો લહાવો આપવામાં આવે ત્યારે, એનાથી આવતી જવાબદારીને ગંભીરતાથી લેવી જોઈએ. એનાથી મળતા લાભો અને નામના પર મનન કરવું જોઈએ નહિ. (૨) ઝઘડો કરવા તૈયાર જ હોય એવા લોકો સાથે વ્યવહાર કરતી વખતે, નમ્રતા બતાવવી એ ડહાપણનો માર્ગ છે. (૩) નમ્રતા આપણને હોદ્દા વિષે વધારે પડતી ચિંતા કરવાથી અટકાવશે.
૬:૧૭-૨૨, ૩૬-૪૦. ‘કોઈ એમ કહે કે આ સંદેશો ઈશ્વર તરફથી છે એટલા પરથી જ તેમનો સંદેશો સાચો માની લેવો જોઈએ નહિ.’ એના બદલે, આપણે ‘ખાતરી કરી લેવાની જરૂર છે કે એ સંદેશો ઈશ્વર તરફથી છે કે નહિ.’ (૧ યોહાન ૪:૧, IBSI) કોઈ નવા વડીલ બીજાઓને સલાહ આપવા માગતા હોય ત્યારે, એ બાઇબલને આધારે યોગ્ય છે કે નહિ એની ખાતરી કરવા વધારે અનુભવી વડીલની સલાહ લેવી જોઈએ.
૬:૨૫-૨૭. પોતાના વિરોધીઓનો ગુસ્સો ટાળવા માટે ગિદઓન ડહાપણથી વર્ત્યા. શુભ સંદેશાનો પ્રચાર કરતા હોઈએ ત્યારે, આપણે એવી રીતે ન બોલવું જોઈએ કે જેથી બીજાઓને દુઃખ પહોંચે.
૭:૬. યહોવાહની સેવા કરવાની બાબત આવે છે ત્યારે, આપણે ગિદઓનના ૩૦૦ માણસોની જેમ સતર્ક અને સાવધાન રહેવાની જરૂર છે.
૯:૮-૧૫. અભિમાનથી વર્તવું અથવા સત્તા કે હોદ્દા માટે મહત્ત્વાકાંક્ષા રાખવી કેટલું મૂર્ખામીભર્યું છે!
૧૧:૩૫-૩૭. યિફતાહે પોતાની દીકરીને મક્કમ વિશ્વાસ અને આત્મ-ત્યાગી વલણ રાખવા મદદ કરી. તેમણે ખરેખર સારું ઉદાહરણ બેસાડ્યું. એમ આજે માબાપોએ પણ પોતાનાં બાળકો માટે સારું ઉદાહરણ બેસાડવું જોઈએ.
૧૧:૪૦. યહોવાહની સેવામાં સ્વૈચ્છિક વલણ બતાવનારાઓના વખાણ કરવાથી તેઓને ઉત્તેજન મળે છે.
૧૩:૮. બાળકો યહોવાહનું માર્ગદર્શન મેળવીને પોતાના જીવનમાં લાગુ પાડી શકે એ માટે તેઓને મદદ કરવા માબાપે યહોવાહને પ્રાર્થના કરવી જોઈએ.—૨ તીમોથી ૩:૧૬.
૧૪:૧૬, ૧૭; ૧૬:૧૬. વારંવાર રડીને અને કચકચ કરીને બીજા પર દબાણ લાવવાથી સંબંધ ખરાબ થઈ શકે છે.—નીતિવચનો ૧૯:૧૩; ૨૧:૧૯.
ઈસ્રાએલમાં બીજાં અપરાધ
ન્યાયાધીશોના પુસ્તકના છેલ્લા ભાગમાં બે બનાવો નોંધવામાં આવ્યા છે. પહેલા બનાવમાં મીખાહ નામનો એક માણસ પોતાના ઘરમાં મૂર્તિની સ્થાપના કરીને લેવીને તેના માટે યાજક તરીકે સેવા કરવા રાખે છે. લાઇશ કે લેશેમનો નાશ કર્યા પછી દાનના રહેવાસીઓએ પોતાનું શહેર બાંધીને તેનું નામ દાન પાડ્યું. મીખાહની મૂર્તિ અને તેના પુરોહિતનો ઉપયોગ કરીને તેઓએ દાનમાં જૂઠી ભક્તિ શરૂ કરી. યહોશુઆના મરણ પહેલાં લાઇશને બંદી બનાવવામાં આવે છે.—યહોશુઆ ૧૯:૪૭.
બીજો બનાવ યહોશુઆના મરણના થોડા સમયમાં જ બન્યો. ગિબઆહ શહેરના બિન્યામીનના કેટલાક માણસોએ સમૂહમાં બળાત્કાર કર્યો, એના લીધે લગભગ એ આખા કુળનો નાશ થયો. ફક્ત ૬૦૦ માણસો જ બચ્યા. તેમ છતાં, તેઓ પત્નીઓ મેળવી શકે એવી ગોઠવણ કરવામાં આવી. તેઓની સંખ્યા વધીને દાઊદના શાસનકાળ દરમિયાન ૬૦,૦૦૦ કરતાં વધારે યોદ્ધાઓની થઈ.—૧ કાળવૃત્તાંત ૭:૬-૧૧.
સવાલ-જવાબ:
૧૭:૬; ૨૧:૨૫—જો ‘પ્રત્યેક માણસ પોતપોતાની નજરમાં જે સારૂં લાગતું તે કરતો હોય’ તો, શું એનાથી અવ્યવસ્થા ન ફેલાઈ? ના. કેમ કે યહોવાહે પોતાના લોકોને માર્ગદર્શન આપવા અનેક ગોઠવણો કરી હતી. પરમેશ્વરે તેઓને નિયમો આપ્યા હતા, તેમ જ તેઓને શીખવવા માટે યાજક વર્ગની વ્યવસ્થા કરી હતી. ઉરીમ અને તુમ્મીમ દ્વારા, મહત્ત્વની બાબતો માટે પ્રમુખ યાજક પરમેશ્વરની મદદ લઈ શકતા હતા. (નિર્ગમન ૨૮:૩૦) સારી સલાહ આપવા માટે દરેક શહેરમાં અનુભવી વડીલો પણ હતા. ઈસ્રાએલીઓ આ ગોઠવણોનો લાભ ઉઠાવતા ત્યારે, તે સારી સલાહ મેળવી શકતા. આમ, તે ‘પોતાની નજરમાં સારૂં કરતા’ તોપણ એનાથી સારું જ થતું હતું. પરંતુ, જો વ્યક્તિ નિયમોની ઉપેક્ષા કરીને વર્તણૂક અને ઉપાસના વિષે પોતાનો નિર્ણય લે તો એનાથી ખરાબ પરિણામ આવતું.
૨૦:૧૭-૪૮—બિન્યામીનીઓને યોગ્ય શિક્ષાની જરૂર હતી તોપણ, શા માટે યહોવાહે તેઓને બીજા કુળો પર બે વાર વિજય અપાવ્યો? વિશ્વાસુ કુળોને બે વાર મોટો ફટકો લાગવા દઈને, યહોવાહ તેઓને ચકાસવા માગતા હતા કે તેઓ ખરેખર પોતાનામાંથી દુષ્ટતા કાઢી નાખવા માંગે છે કે કેમ.
આપણે શું શીખી શકીએ?
૧૯:૧૪, ૧૫. ગિબઆહના લોકો પરોણાગત બતાવવા માટે ઉત્સુક ન હતા. એ બતાવતું હતું કે તેઓ સારા ન હતા. ખ્રિસ્તીઓને ‘પરોણાગત કરવાની’ સલાહ આપવામાં આવી છે.—રૂમી ૧૨:૧૩.
છુટકારો નજીક છે!
બહુ જલદી જ, પરમેશ્વરનું રાજ્ય ઈસુ ખ્રિસ્ત દ્વારા દુષ્ટ લોકોનો નાશ કરીને ન્યાયી અને પ્રમાણિક લોકોને છુટકારો અપાવશે. (નીતિવચનો ૨:૨૧, ૨૨; દાનીયેલ ૨:૪૪) ‘યહોવાહના સર્વ વેરીઓ નાશ પામશે, પણ તેના પર પ્રીતિ રાખનારાઓ સૂર્યની જેમ પૂર્ણ તેજથી ઉદય પામશે.’ (ન્યાયાધીશો ૫:૩૧) ન્યાયાધીશોના પુસ્તકમાંથી જે કંઈ શીખ્યા છીએ એને જીવનમાં લાગુ પાડીને ચાલો આપણે યહોવાહને પ્રેમ કરનારા પુરવાર થઈએ.
ન્યાયાધીશોના પુસ્તકમાં અવારનવાર એક મહત્ત્વનું સત્ય બતાવવામાં આવ્યું છે: યહોવાહને આધીન રહેવાથી ભરપૂર આશીર્વાદ મળે છે, આધીન નહિ રહેવાથી ખરાબ પરિણામો આવે છે. (પુનર્નિયમ ૧૧:૨૬-૨૮) આશીર્વાદ આપનાર પરમેશ્વરને આપણે દિલથી આધીન રહીએ એ કેટલું મહત્ત્વનું છે!—રૂમી ૬:૧૭; ૧ યોહાન ૨:૧૭.
[ફુટનોટ]
a લેવીઓને આખા ઈસ્રાએલમાં ૪૮ શહેરો સિવાય વચનના દેશમાં કોઈ વારસો આપવામાં આવ્યો ન હતો.
[પાન ૨૫ પર નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
“યહોવાહે ન્યાયાધીશોને ઊભા કર્યા, કે જેઓએ તેઓને પાયમાલ કરનારાઓના હાથમાંથી છોડાવ્યા.” —ન્યાયાધીશો ૨:૧૬
ન્યાયાધીશો
૧. ઓથ્નીએલ
૨. એહૂદ
૩. શામ્ગાર
૪. બારાક
૫. ગિદઓન
૬. તોલા
૭. યાઇર
૮. યિફતાહ
૯. ઈબ્સાન
૧૦. એલોન
૧૧. આબ્દોન
૧૨. શામશૂન
નાફતાલી
આશેર
ઝબુલૂન
દાન
યિસ્સાખાર
મનાશ્શેહ
એફ્રાઈમ
બિન્યામીન
યહુદાહ
દાન
મનાશ્શેહ
ગાદ
રેઉબેન
[પાન ૨૬ પર ચિત્ર]
બારાકે દબોરાહને યુદ્ધભૂમિમાં આવવા ભારપૂર્વક જણાવ્યું એમાંથી તમે કયો બોધપાઠ શીખ્યા?