બોઆઝ અને રૂથનું લગ્ન
બેથલેહેમમાં જવની ખળીમાં મજૂરો બરાબર કામ કરી રહ્યા છે. આખો દિવસ કામ કરીને તેઓ થાકીને લોથપોથ થઈ ગયા છે. એવામાં જ શેકેલા અનાજની સુગંધ તેઓને યાદ અપાવે છે કે જમવાનો સમય થઈ ગયો છે. દરેક જણ પોતાની મહેનતનું ફળ ખાશે.
બોઆઝ એક ધનવાન જમીનદાર છે. તે જમ્યા પછી અનાજના મોટા ઢગલા પાસે આરામ કરી રહ્યા છે. ધીમે ધીમે રાત પડી રહી છે. દરેક મજૂર પોતપોતાની જગ્યાએ જઈને સૂઈ જાય છે. બોઆઝ પણ ઓઢીને સૂઈ જાય છે.
ખાનગી મુલાકાત
અડધી રાતે બોઆઝ ઠંડીથી થર-થર ધ્રૂજવા માંડે છે અને અચાનક જાગી જાય છે. તે જુએ છે કે, કોઈકે તેના પગ ખુલ્લા કરી દીધા છે અને એની જમણી બાજુએ સૂઈ ગયું છે! અંધારામાં બરાબર ઓળખી ન શકવાના કારણે, તે પૂછે છે: “તું કોણ છે?” એક સ્ત્રી જવાબ આપે છે: “હું તારી દાસી. રૂથ છું; તારો છેડો લંબાવીને આ તારી દાસી પર ઓઢાડ; કેમકે તું નજીકનો સગો છે.”—રૂથ ૩:૧-૯.
અંધારામાં કોઈ તેમની વાત સાંભળતું ન હતું. વળી, સ્ત્રીઓ એકલી આ રીતે ખળીમાં કદી આવતી ન હતી. (રૂથ ૩:૧૪) છતાં, પરોઢ થતા સુધી બોઆઝે રૂથને તેના પગ પાસે સૂઈ રહેવા દીધી. પરંતુ બદનામી ન થાય તેથી રૂથ વહેલી સવારે ઊઠીને ત્યાંથી જતી રહે છે.
શું આ કોઈ રોમેન્ટિક મુલાકાત હતી? શું આ ગરીબ યુવાન વિધવા રૂથ, એ અમીર વૃદ્ધ માણસને ચાલાકીથી પોતાની જાળમાં ફસાવતી હતી? વળી, રૂથ એ રાત્રે એકલી હોવાથી, શું બોઆઝ તેનો ખોટો લાભ ઉઠાવે છે? ના, જરાય નહિ. પણ હકીકતમાં એ રાત્રે જે બન્યું એ તો યહોવાહ માટે પ્રેમ અને વફાદારીનો સૌથી સરસ નમૂનો છે. વળી, એ બનાવ આપણા દિલ પર ઊંડી અસર કરે છે.
પરંતુ, આ રૂથ કોણ છે? તેનો ઇરાદો શું છે? તેમ જ આ ધનવાન માણસ, બોઆઝ કોણ છે? ચાલો આપણે જોઈએ.
“સદ્ગુણી સ્ત્રી”
આ બનાવ બન્યો એના વર્ષો પહેલાં, યહુદાહમાં દુકાળ પડ્યો. તેથી, એક ઇસ્રાએલી કુટુંબ ત્યાંથી મોઆબ દેશમાં ગયું. એ કુટુંબ અલીમેલેખનું છે. તેમની પત્નીનું નામ નાઓમી, અને તેમના બે દિકરાઓનું નામ માહલોન અને કિલ્યોન છે. આ બે દીકરાઓએ મોઆબની બે સ્ત્રીઓ, રૂથ અને ઓર્પાહ સાથે લગ્ન કર્યું. પરંતુ, આ ત્રણેય માણસો મોઆબમાં મરણ પામે છે. ત્યાર પછી, આ ત્રણ સ્ત્રીઓએ સાંભળ્યું કે ઈસ્રાએલમાં હવે પરિસ્થિતિ સારી છે. નાઓમી તો હવે વિધવા થઈ ગઈ હતી. વળી, તેના કોઈ બાળકો ન રહ્યા કે છોકરાંના છોકરાઓ પણ ન હતા. તેથી, તે પોતાના વતનમાં પાછી ફરવાનું નક્કી કરે છે.—રૂથ ૧:૧-૧૪.
ઈસ્રાએલમાં પાછા ફરતા, નાઓમીએ ઓર્પાહને પોતાના પિયરમાં પાછા જવા મનાવી લીધી. ત્યાર પછી નાઓમીએ રૂથને કહ્યું: “જો, તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઇ છે; તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા.” પરંતુ રૂથે કહ્યું: “તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર; કેમકે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની; . . . તારા લોક તે મારા લોક, ને તારો દેવ તે મારો દેવ થશે; જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ, ને ત્યાં જ હું દટાઈશ.” (રૂથ ૧:૧૫-૧૭) આમ, બે વિધવા બેથલેહેમમાં પાછી ફરે છે. રૂથને પોતાની સાસુ પર ખૂબ જ પ્રેમ હતો. તેથી, તેણે પૂરા દિલથી તેની સંભાળ રાખી. આ જોઈને પડોશીઓ તો મોંમા આંગળા નાખી ગયા! તેઓ રૂથ માટે કહેવા લાગ્યા કે તે તો “[નાઓમીના] સાત દીકરા કરતાં પણ વધારે” છે. વળી, બીજા લોકોએ તો તેને “સદ્ગુણી સ્ત્રી” કહી.—રૂથ ૩:૧૧; ૪:૧૫.
બેથલેહેમમાં જવની કાપણીના સમયે રૂથે નાઓમીને કહ્યું: “મને તો ખેતરમાં જવા દે, કે જેની મારા પર કૃપાદૃષ્ટિ થાય તેની પાછળ અનાજનાં ડૂંડાંનો હું સળો કરૂં.”—રૂથ ૨:૨.
અજાણતામાં રૂથ તેના સસરા, અલીમેલેખના સંબંધી બોઆઝના ખેતરમાં આવે છે. તેણે દેખરેખ રાખનાર માણસ પાસે સળો વીણવા પરવાનગી માંગી. રૂથ રાત દિવસ ખૂબ જ મહેનત કરતી હતી. વળી, દેખરેખ રાખનાર માણસે બોઆઝની સામે, તેના ખૂબ વખાણ કર્યા.—રૂથ ૧:૨૨-૨:૭.
બોઆઝ એક ભલો માણસ
બોઆઝ યહોવાહનો ભક્ત છે. દરરોજ સવારે, બોઆઝ પોતાના મજૂરોને “યહોવાહ તમારી સાથે હો” એમ કહીને સલામ કહેતો. તેઓ પણ “યહોવાહ તને આશીર્વાદ દો” એમ કહેતા. (રૂથ ૨:૪) બોઆઝે રૂથને મન મૂકીને કામ કરતા જોઈ. તેમ જ તે નાઓમીને પણ કેટલી વફાદાર છે એ સાંભળ્યું! તેથી, બોઆઝે રૂથ માટે કાપણીની ખાસ ગોઠવણ કરી. તે રૂથને કહે છે: ‘તું મારા ખેતરમાં કામ કર; તારે બીજા કોઈના ખેતરમાં સળો વીણવા જવાની જરૂર નથી. અહીં મારી યુવતીઓની પાસે ને પાસે રહે; તેઓની સાથે તું સલામત રહીશ. મેં યુવાનોને આજ્ઞા આપી છે કે તેઓ તને હેરાન ન કરે. તને તરસ લાગે ત્યારે, તેઓ તારા માટે પાણી લઈ આવશે.’—રૂથ ૨:૮, ૯.
રૂથ જમીન સુધી વળીને, પ્રણામ કરીને તેને કહે છે: “હું એક પરદેશી છતાં તું મારા પર એટલી બધી કૃપા કરી મારી કાળજી કેમ રાખે છે?” બોઆઝે તેને કહ્યું: “તારા ધણીના મરણ પછી તેં તારી સાસુ સાથે જે જે વર્તણુક ચલાવી છે ને તારાં માબાપને તથા તારી જન્મભૂમિને છોડીને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી, તેઓમાં તું કેવી રીતે રહેવા આવી છે, તે સર્વની મને સંપૂર્ણ માહિતી મળી છે. યહોવાહ તારા કામનું ફળ તને આપો. . . . તેનાથી તને પૂરો બદલો મળો.”—રૂથ ૨:૧૦-૧૨.
બોઆઝ કંઈ તેને સારું લગાડવા મીઠું મીઠું બોલતા નથી. તે ખરેખર તેના વખાણ કરે છે. રૂથ ઘણી જ નમ્ર છે, તેથી બોઆઝ તેની કદર કરે છે. વળી, તેને આટલું બધું માન મળ્યું, તેથી તે પહેલાંના કરતાં વધારે કામ કરવા લાગી. પછી જમતી વખતે, બોઆઝ રૂથને બોલાવે છે: “અહીં આવીને રોટલી ખા, ને તારો કોળિયો સરકામાં બોળ.” રૂથે ધરાઈને ખાધું. તેમ જ પોતાની સાસુ, નાઓમી માટે પણ તે ખોરાક લઈ ગઈ.—રૂથ ૨:૧૪.
દિવસના અંતે, રૂથે લગભગ ૨૫ કિલોગ્રામ જવની કાપણી કરી. તે એ જવ તેમ જ વધેલો ખોરાક નાઓમી માટે ઘરે લઈને જાય છે. (રૂથ ૨:૧૫-૧૮) આટલું બધું જોઈને નાઓમી ખુશ થઈ જાય છે. તે પૂછે છે: “આજ તેં ક્યાં સળો કર્યો? . . . જેણે તારા પર કૃપાદૃષ્ટિ કરી તે આશીર્વાદિત હો.” નાઓમીને ખબર પડી કે, તે બોઆઝ હતો ત્યારે તે કહે છે: “જેણે જીવતાં તથા મૂએલાં ઉપર દયા રાખવી છોડી દીધી નથી તે યહોવાહથી આશીર્વાદિત થાઓ. . . . એ માણસને આપણી સાથે નિકટની સગાઈ છે, એટલે તે આપણો નજીકનો સગો છે.”—રૂથ ૨:૧૯, ૨૦.
“સારૂં ઘર” શોધવું
આ જાણીને નાઓમી પોતાની પુત્રવધૂ માટે ઘર શોધવાની તક ઝડપી લે છે. નાઓમી, યહોવાહે આપેલો નિયમ જાણતી હતી કે, પતિના મરી ગયા પછી પોતાનું કોઈ નજીકનું સગું એ ફરજ બજાવે. તેથી, એ નિયમનો તે લાભ ઉઠાવે છે. (લેવીય ૨૫:૨૫; પુનર્નિયમ ૨૫:૫, ૬) નાઓમી બોઆઝનું ધ્યાન ખેંચવા માટે, રૂથને એક રીત બતાવે છે. તેથી, રૂથ પોતાની સાસુના કહ્યા પ્રમાણે રાત્રે અંધારામાં, બોઆઝની ખળીમાં જાય છે. ત્યાં તે બોઆઝને સૂતેલા જુએ છે. રૂથ તેના પગ પરથી ઓઢેલું કાઢી નાખે છે જેથી તે જાગે.—રૂથ ૩:૧-૭.
બોઆઝ જાગી જાય છે ત્યારે, રૂથ વિનંતી કરે છે કે, ‘તારો છેડો લંબાવીને તારી દાસીને ઓઢાડ.’ તેણે શા માટે એમ કહ્યું એ બોઆઝ સમજી ગયા. રૂથે જે કર્યું એનાથી આ વૃદ્ધ બોઆઝને પોતાની ફરજ યાદ આવી. તેમને ખ્યાલ આવ્યો કે તે પોતે, રૂથના મરણ પામેલા પતિ માહલોનના સંબંધી હતા.—રૂથ ૩:૯.
રૂથ રાત્રે અચાનક જ આવી ગઈ હતી. પરંતુ, તેને જોઈને બોઆઝને ખ્યાલ આવી ગયો કે તે શું ચાહતી હતી. તેથી, રૂથે જેમ કહ્યું એ પ્રમાણે કરવા બોઆઝ રાજી હતા.
રૂથના અવાજથી બોઆઝને ખબર પડી હોય શકે કે તે ચિંતામાં છે. તેથી, તરત જ બોઆઝ તેને દિલાસો આપી કહ્યું: “હવે, મારી દીકરી, બી મા; તું કહે છે તે સઘળું તારા સંબંધમાં હું કરીશ; કેમકે મારા નગરના તમામ લોકો જાણે છે, કે તું સદ્ગુણી સ્ત્રી છે.”—રૂથ ૩:૧૧.
રૂથે જે કર્યું એનાથી બોઆઝ, તેના વિષે શું વિચારે છે? તે કહે છે: “મારી દીકરી, તું યહોવાહથી આશીર્વાદિત હો; પ્રથમના કરતાં છેવટે તેં અધિક માયા બતાવી છે, કેમકે ગરીબ કે તવંગર જુવાનીઆની પાછળ તું ગઈ નહિ.” (રૂથ ૩:૧૦) પ્રથમ બનાવમાં, રૂથે નાઓમી પ્રત્યે દયા બતાવી. બીજું તે પોતાના કરતાં ઘણી મોટી ઉંમરના બોઆઝ સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. આમ, તે પોતાના મરણ પામેલા પતિ માહલોન અને નાઓમીના નામે છોકરા ઉછેરવા તૈયાર થાય છે.
નજીકના સગા તરીકે ખરીદનાર
બીજા દિવસે સવારે, બોઆઝ નાઓમીના નજીકના સગાને બોલાવે છે. આ સગાને “ફલાણા” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શહેરના લોકો અને વડીલોની સામે બોઆઝ કહે છે: ‘નાઓમી જે મોઆબ દેશમાંથી પાછી આવી છે તે આપણા ભાઈ અલીમેલેખવાળી જમીનનો ભાગ વેચે છે; અને મને એવો વિચાર આવ્યો, કે એ વાત તને જાહેર કરવી. શું તું એ ખરીદીશ? જો ન ખરીદી શકતો હોય તો હું એને ખરીદીશ.’ બોઆઝનું સાંભળ્યા પછી, એ સગાએ કહ્યું કે હું એને ખરીદીશ.—રૂથ ૪:૧-૪, IBSI.
પરંતુ, એ સગાને બોઆઝે પછી જે કહ્યું એનાથી ઘણું જ આશ્ચર્ય થયું. બોઆઝ બધાની સામે કહે છે: “નાઓમીની પાસેથી તું ખેતર ખરીદે તો તારે રૂથની સાથે લગ્ન પણ કરવું પડશે, જેથી તેનાં થનાર બાળકોથી તેના મરનાર પતિનું નામ કાયમ રહે અને જમીનનો વારસો પણ તેઓને મળે.” તેને વારસો નહિ મળે એ બીકથી, આ નજીકનો સગો પીછેહઠ કરીને કહે છે: “તો મારાથી એ થઈ શકશે નહિ.”—રૂથ ૪:૫, ૬, IBSI.
એ સમયે એવો રિવાજ હતો કે, વ્યક્તિ પોતે ખરીદી ન શકે તો પોતાનું પગરખું કાઢીને પાડોશીને આપવાનું હતું. તેથી, એ સગો બોઆઝને કહે છે: “તારે પોતાને માટે તું તે ખરીદ.” આમ, તેણે પોતાનું પગરખું કાઢીને તેને આપ્યું. ત્યારે બોઆઝે સર્વ લોકો અને વડીલોની સામે કહ્યું: “અલીમેલેખનું અને કિલ્યોનનું તથા માહલોનનું જે કંઈ હતું તે સર્વ મેં નાઓમી પાસેથી ખરીદ્યું છે, તે બાબતના તમે આજે સાક્ષી છો. વળી મરનારના વતનમાં તેનું નામ કાયમ રાખવા સારૂ મેં માહલોનની પત્નીને, એટલે રૂથ મોઆબેણને, મારી પત્ની થવા સારૂ ખરીદી છે, જેથી મરનારનું નામ તેના ભાઈઓથી, તથા તેના ગામની ભાગળમાંથી નષ્ટ ન થાય; તમે આજે સાક્ષી છો.”—રૂથ ૪:૭-૧૦.
ત્યાં ઊભા રહેલા બધા બોઆઝને કહે છે: “અમે સાક્ષી છીએ. તારા ઘરમાં આવતી આ સ્ત્રીને પ્રભુ ઇઝરાયલનું ઘર બાંધનાર રાહેલ અને લેઆ જેવી બનાવો. બેથલેહેમમાં તું મહાન અને સફળ માણસ બને.”—રૂથ ૪:૧૧, ૧૨, IBSI.
આ આશીર્વાદો સાથે, બોઆઝ રૂથને પોતાની પત્ની બનાવે છે. રૂથે છોકરાને જન્મ આપ્યો, એનું નામ ઓબેદ પાડ્યું. આમ રૂથ અને બોઆઝ, રાજા દાઊદ અને છેવટે ઈસુ ખ્રિસ્તના પૂર્વજો બન્યા.—રૂથ ૪:૧૩-૧૭; માત્થી ૧:૫, ૬, ૧૬.
“પૂરો બદલો”
બોઆઝનું જીવન બતાવે છે કે તે કેટલા નમ્ર હતા. જેમ કે, મજૂરોને પ્રેમથી સલામ કરતા. વળી, તેમણે અલીમેલેખના કુટુંબનો વારસો જાળવી રાખવાની જવાબદારી પણ સ્વીકારી. એ જ બતાવે છે કે તે સંયમી હતા, વિશ્વાસુ અને પ્રમાણિક માણસ પણ હતા. વળી, બોઆઝ ઉદાર અને પ્રેમાળ હતા, તેમ જ નૈતિક રીતે તેમનું જીવન શુદ્ધ હતું અને તે યહોવાહની આજ્ઞા પાળનાર પણ હતા.
રૂથ પણ એક સારું ઉદાહરણ છે. તેને યહોવાહ અને નાઓમી માટે અમૂલ્ય પ્રેમ હતો. તેમ જ તે મહેનતુ તથા નમ્ર હતી. તેથી લોકો તેને “સદ્ગુણી સ્ત્રી” કહેતા હતા. તે “આળસની રોટલી” ખાતી ન હતી. વળી તે મહેનતુ હોવાથી, તેની સાસુને જરૂર હતી ત્યારે તે મદદ કરી શકી. (નીતિવચનો ૩૧:૨૭, ૩૧) નાઓમીને મદદ કરીને, રૂથને અનેરો આનંદ મળ્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫; ૧ તીમોથી ૫:૪, ૮.
રૂથના પુસ્તકમાં આપણને કેટલા સરસ ઉદાહરણો જોવા મળે છે! નાઓમીને યહોવાહ ભૂલી ગયા નહિ. રૂથ ઈસુ ખ્રિસ્તની પૂર્વજ બનીને “પૂરો બદલો” મેળવે છે. બોઆઝને પણ એક “સદ્ગુણી સ્ત્રી” મળી. ખરેખર આ વિશ્વાસુ વ્યક્તિઓ આજે આપણા માટે સુંદર નમૂનો બેસાડે છે.
[પાન ૨૬ પર બોક્સ]
આશાનું કિરણ
જો તમે દુઃખના ડુંગરો નીચે દબાઇ ગયા હોય તો, રૂથનો આ કિસ્સો તમને આશાનું કિરણ આપશે. એના વિષે વધુ ન્યાયાધીશના પુસ્તકમાં જોવા મળે છે. રૂથનું પુસ્તક આપણને બતાવે છે કે યહોવાહે કઈ રીતે મોઆબની નમ્ર વિધવાનો, પોતાના લોકો માટે રાજા જન્મે, એ માટે ઉપયોગ કર્યો. ન્યાયાધીશના પુસ્તકની શરૂઆતમાં રૂથનો વિશ્વાસ એ સમયના પ્રકાશની જેમ ચમકે છે. રૂથના કિસ્સાથી, જોવા મળે છે કે, ભલે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ કેમ ન આવી પડે પણ, યહોવાહ હંમેશા પોતાના લોકોની કાળજી રાખે છે અને એમ તેમના હેતુઓ પૂરા કરે છે.