તેમની શ્રદ્ધાને અનુસરો | દાઊદ
“લડાઈ તો યહોવાની છે”
દાઊદ પોતાની સામે આવી રહેલા સૈનિકોના ટોળામાંથી બહાર આવવાની કોશિશ કરતા હતા. સૈનિકો રણભૂમિ છોડીને નાસી રહ્યા હતા અને તેઓ ઉપર ડર છવાયેલો હતો. તેઓ શાનાથી ડરી ગયા હતા? દાઊદે સાંભળ્યું કે તેઓ એકનું એક નામ વારંવાર લેતા હતા. તેઓ એક માણસનું નામ લઈ રહ્યા હતા. અને પછી, દાઊદની નજર ખીણમાં ઊભેલા એ માણસ પર પડી. આટલો કદાવર માણસ દાઊદે પોતાની જિંદગીમાં પહેલા કદી જોયો ન હતો.
એ માણસનું નામ ગોલ્યાથ હતું! હવે દાઊદને ખબર પડી કે સૈનિકો કેમ ડરી રહ્યા છે. તે રાક્ષસ જેવો કદાવર માણસ હતો. તેનું વજન કદાચ બે ભારે માણસોના વજન કરતાં પણ વધારે હતું. તેની પાસે ભારે હથિયારો હતા, તે ખૂબ શક્તિશાળી અને અનુભવી યોદ્ધા હતો. ગોલ્યાથે એક પડકાર ફેંક્યો હતો. કલ્પના કરો કે જ્યારે તેણે ઇઝરાયેલના સૈન્યને અને રાજા શાઊલને લલકાર્યા હશે, ત્યારે તેનો અવાજ ટેકરીઓમાં કેવો ગુંજ્યો હશે. યુદ્ધનું એકલા હાથે પરિણામ લાવવા, તેણે પડકાર ફેંક્યો હતો કે કોઈ પણ માણસ આગળ આવે અને તેની સાથે લડાઈ કરે!—૧ શમૂએલ ૧૭:૪-૧૦.
ઇઝરાયેલીઓ ડરી ગયા. રાજા શાઊલ ડરી ગયા. દાઊદને જાણ થઈ કે આવી સ્થિતિ છેલ્લા એક મહિનાથી છે! પલિસ્તી અને ઇઝરાયેલી સૈન્ય આમને-સામને આવીને ઊભું છે. અને ગોલ્યાથ સતત ઇઝરાયેલીઓને મહેણાં મારે છે. એ સાંભળીને દાઊદનું કાળજું કપાઈ ગયું. ઇઝરાયેલના રાજા, તેના સૈનિકો અને દાઊદના ત્રણ મોટા ભાઈઓ ડરથી કાંપતા હશે, એ કેટલું શરમજનક કહેવાય! દાઊદની નજરે, આ વિધર્મી ગોલ્યાથ ફક્ત ઇઝરાયેલના સૈન્યને શરમમાં નાંખતો ન હતો પણ, તે ઇઝરાયેલના ઈશ્વર, યહોવાનું અપમાન કરી રહ્યો હતો. પણ, યુવાન દાઊદ શું કરી શકવાના હતા? અને દાઊદની શ્રદ્ધામાંથી આજે આપણે શું શીખી શકીએ?—૧ શમૂએલ ૧૭:૧૧-૧૪.
“એનો અભિષેક કર, કેમ કે એ જ તે છે”
ચાલો મહિનાઓ પહેલાં બનેલી ઘટના પર ધ્યાન આપીએ. સાંજ ઢળી રહી હતી અને બેથલેહેમ નજીકની ટેકરી પર દાઊદ પોતાના પિતાના ઘેટાઓનું ધ્યાન રાખી રહ્યા હતા. યુવાન દાઊદ દેખાવડા હતા. તે હજુ તરુણ વયના હતા. તે એકદમ લાલચોળ દેખાતા હતા અને તેમની આંખો આકર્ષક હતી. શાંત પળોમાં તે વીણા વગાડીને સમય પસાર કરતા હતા. યહોવાએ સર્જેલી વસ્તુઓ અને સજીવોની સુંદરતા જોઈને તેમને ગાવા માટે પ્રેરણા મળતી. તે કલાકો સુધી વીણા વગાડીને સંગીતની આવડત કેળવી રહ્યા હતા. અને એ સાંજે, તેમને બોલાવવામાં આવ્યા. તેમના પિતાએ તાત્કાલિક બોલાવ્યા હતા.—૧ શમૂએલ ૧૬:૧૨.
તેમણે જઈને જોયું તો તેમના પિતા યિશાઈ એક વૃદ્ધ માણસ સાથે વાત કરી રહ્યા હતા. તે શ્રદ્ધાળુ પ્રબોધક શમૂએલ હતા. ઇઝરાયેલના ભાવિ રાજા તરીકે યિશાઈના દીકરાઓમાંથી એકને પસંદ કરવા યહોવાએ તેમને મોકલ્યા હતા. શમૂએલે દાઊદના સાત મોટા ભાઈઓને જોઈ લીધા હતા અને યહોવાએ શમૂએલને સાફ જણાવ્યું હતું કે, તેમણે એમાંથી કોઈને પસંદ કર્યાં નથી. પણ, જ્યારે દાઊદ આવ્યા, ત્યારે યહોવાએ શમૂએલને કહ્યું, “એનો અભિષેક કર, કેમ કે એ જ તે છે.” દાઊદના બધા ભાઈઓની આગળ શમૂએલ ખાસ તેલ ભરેલું શિંગ કાઢે છે અને એમાંથી દાઊદના માથે તેલ રેડે છે. આમ, અભિષિક્ત થયા પછી, દાઊદનું જીવન સાવ બદલાય જાય છે. શાસ્ત્ર કહે છે, ‘તે દિવસથી યહોવાની શક્તિ દાઊદ પર પરાક્રમસહિત રહી.’—૧ શમૂએલ ૧૬:૧, ૫-૧૩.
દાઊદ શું રાજા બનવાના સપના જોવા લાગ્યા? ના! તેમણે રાહ જોઈ કે યહોવાની શક્તિ તેમને જણાવે કે, વધુ જવાબદારી લેવા માટે ખરો સમય ક્યારે આવશે. એમ થાય ત્યાં સુધી, તેમણે ઘેટાં ચરાવવા જેવું મામૂલી કામ ચાલું રાખ્યું. એ કામ તેમણે પૂરા ધ્યાનથી અને હિંમતથી કર્યું. એક વાર સિંહે અને બીજી વાર રીંછે તેમના પિતાના ઘેટાંના ટોળા પર હુમલો કર્યો. દાઊદે ફક્ત દૂરથી એ જંગલી જાનવરોને ભગાડવાનો પ્રયત્ન ન કર્યો. પણ, લાચાર ઘેટાંના રક્ષણ માટે તે જંગલી જાનવરો સામે ધસી ગયા. બંને જંગલી જાનવરોને તેમણે એકલા હાથે મારી નાખ્યા.—૧ શમૂએલ ૧૭:૩૪-૩૬; યશાયા ૩૧:૪.
સમય જતાં, દાઊદને ફરીથી બોલાવવામાં આવે છે. તેમની ખ્યાતિ રાજા શાઊલને કાને પડી હતી. ઈશ્વરની સૂચના ન પાળીને બળવાન યોદ્ધા શાઊલે યહોવાની કૃપા ગુમાવી દીધી હતી. યહોવાએ તેમના પરથી પોતાની શક્તિ લઈ લીધી હતી. એટલે, શાઊલ વારંવાર ખરાબ વલણને તાબે થઈ જતા હતા. તે ગુસ્સો થઈ જતા, શંકાશીલ અને હિંસક બની જતા. આવા સંજોગોમાં શાઊલને સંગીતથી રાહત મળતી હતી. શાઊલના માણસોને ખબર પડી કે, દાઊદ સારા સંગીતકાર અને યોદ્ધા છે. એટલે, દાઊદને બોલાવવામાં આવ્યા. અને શાઊલ રાજાના દરબારમાં સંગીતકાર તરીકે અને શાઊલનું બખતર ઉઠાવનાર તરીકે તેમની નિમણૂક થઈ.—૧ શમૂએલ ૧૫:૨૬-૨૯; ૧૬:૧૪-૨૩.
દાઊદે બતાવેલી શ્રદ્ધામાંથી યુવાનો ઘણું શીખી શકે. ધ્યાન આપો કે, તેમણે નવરાશની પળોમાં એવું કામ કર્યું, જેનાથી તે યહોવા સાથે સંબંધ મજબૂત કરી શક્યા. ઉપરાંત, તેમણે ધીરજથી એવી આવડત કેળવી, જે મદદરૂપ હોય અને જેનાથી તેમને સહેલાઈથી કામ મળી શકે. સૌથી અગત્યનું તો તેમણે યહોવાની શક્તિના માર્ગદર્શન પ્રમાણે કામ કર્યું હતું. આપણા બધા માટે કેટલો સરસ બોધપાઠ!—સભાશિક્ષક ૧૨:૧.
“કોઈ પણ માણસનું હૃદય તેને લીધે ઉદાસ ન થાઓ”
શાઊલના દરબારમાં સેવક તરીકે નિમણૂક થયા પછી પણ દાઊદ ઘણી વાર ઘેટાં ચરાવવા માટે ઘરે પાછા જતા હતા. કેટલીક વાર લાંબો સમય ત્યાં રોકાતા. એવા જ એક સમયે, યિશાઈ દાઊદને પોતાના ત્રણ મોટા દીકરાઓના ખબર-અંતર પૂછવા મોકલે છે. તેઓ શાઊલના સૈન્યમાં હતા. દાઊદ પિતાની આજ્ઞા માનીને, પોતાના ભાઈઓ માટે વસ્તુઓ લઈને એલાહની ખીણ તરફ જાય છે. ત્યાં પહોંચીને તે જુએ છે કે, બે સૈન્ય એવી હાલતમાં છે, જ્યાં કોઈ એક જીતી શકે એમ લાગતું નથી. આ લેખની શરૂઆતમાં આપણે એ બનાવ વિશે વાત કરી હતી. મોટી અને વળાંકવાળી એ ખીણના બંને ઢોળાવો પર એ સૈન્યો આમને-સામને હતા.—૧ શમૂએલ ૧૭:૧-૩, ૧૫-૧૯.
દાઊદ માટે એ જોવું અસહ્ય હતું. જીવતા ઈશ્વર યહોવાનું સૈન્ય જૂઠા દેવોના ઉપાસકથી કેવી રીતે ડરી શકે? દાઊદે જોયું કે ગોલ્યાથનાં કડવાં વચનો તો યહોવાનું અપમાન કરતા હતા. એટલે, તે જુસ્સાથી સૈનિકોને કહેવા લાગ્યા કે ગોલ્યાથને હરાવવો જ પડશે. એટલામાં, દાઊદના મોટા ભાઈ અલીઆબે તેમની વાત સાંભળી. તેમણે દાઊદ પર આરોપ મૂક્યો કે તે ફક્ત લડાઈની કત્લેઆમ જોવા આવ્યા છે. આમ કહીને તેમણે દાઊદને બરાબર ઠપકો આપ્યો. પણ, દાઊદે કહ્યું: ‘મેં હમણાં શું કર્યું છે? શું મારે સવાલ પણ ન પૂછવો?’ પછી, તેમણે પૂરી ખાતરીથી ગોલ્યાથને હરાવવા વિશે કહ્યું. અને કોઈએ જઈને એ વાતો શાઊલને જણાવી. રાજાએ ફરમાન કર્યું કે દાઊદને પોતાની સામે હાજર કરવામાં આવે.—૧ શમૂએલ ૧૭:૨૩-૩૧.
દાઊદે રાજાને ઉત્તેજન આપતા શબ્દો કહ્યા, તેમણે ગોલ્યાથ વિશે કહ્યું, “કોઈ પણ માણસનું હૃદય તેને લીધે ઉદાસ ન થાઓ.” ગોલ્યાથને લીધે શાઊલ અને તેમના માણસોની હિંમત ઘટી ગઈ હતી. કદાચ, તેઓ પોતાને એ કદાવર માણસ સાથે સરખાવવાની ભૂલ કરી રહ્યા હતા. તેઓ વિચારતા હતા કે તેઓ તો માંડ તેની છાતી સુધી પહોંચી શકે એમ છે. તેઓને લાગ્યું કે એ બખતરધારી યોદ્ધો તેઓને સહેલાઈથી મસળી નાંખશે. પણ, દાઊદ એવું વિચારતા ન હતા. આપણે જોઈશું કે તે આ સમસ્યાને અલગ રીતે જોતા હતા. એટલે, તેમણે જાહેર કર્યું કે, તે પોતે ગોલ્યાથ સાથે લડશે.—૧ શમૂએલ ૧૭:૩૨.
શાઊલે એ વાત પર વાંધો ઉઠાવતા કહ્યું, “તે પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને તું શક્તિમાન નથી; કેમ કે તું તો કેવળ જુવાન છે, પણ તે તો પોતાની જુવાનીથી લડવૈયો છે.” શું દાઊદ એટલા નાના હતા કે લડાઈ પણ લડી ન શકે? ખરું કે તેમની ઉંમર સૈન્યમાં જોડાવા જેટલી ન હતી અને તે એકદમ જુવાન દેખાતા હતા. પરંતુ, દાઊદ એક શૂરવીર તરીકે જાણીતા હતા અને આ પ્રસંગ બન્યો ત્યારે તેમની ઉંમર કદાચ ૧૭-૧૯ વર્ષની હતી.—૧ શમૂએલ ૧૬:૧૮; ૧૭:૩૩.
દાઊદે શાઊલને ખાતરી કરાવતા જણાવ્યું કે, સિંહ અને રીંછના કેવા હાલ થયા હતા. શું તે બડાઈ મારી રહ્યા હતા? ના. દાઊદ જાણતા હતા કે, એ બંને સામે તે કેવી રીતે જીત્યા હતા. તેમણે કહ્યું: “જે યહોવાએ તે સિંહ તથા રીંછના પંજામાંથી મને બચાવ્યો હતો, તે આ પલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે.” છેવટે, શાઊલે કહ્યું, “જા, યહોવા તારી સાથે હોજો.”—૧ શમૂએલ ૧૭:૩૭.
શું તમારે દાઊદ જેવી શ્રદ્ધા કેળવવી છે? ધ્યાન આપો કે દાઊદની શ્રદ્ધા ફક્ત કલ્પનાઓને આધારે ન હતી. પણ, તેમની શ્રદ્ધા તો જ્ઞાન અને અનુભવને આધારે હતી. તે જાણતા હતા કે યહોવા પ્રેમાળ રીતે રક્ષણ કરનાર છે અને પોતાનાં વચનો પાળનાર છે. આપણે પણ દાઊદ જેવી શ્રદ્ધા કેળવવી હોય તો, શાસ્ત્રમાં જણાવેલા ઈશ્વર વિશે શીખતા રહેવું જોઈએ. જે શીખીશું એ પાળતા જઈશું તો, આપણને ખ્યાલ આવશે કે એનાં સારાં પરિણામોથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે.—હિબ્રૂઓ ૧૧:૧.
“યહોવા તને મારા હાથમાં સોંપશે”
શાઊલે પોતાનું બખતર દાઊદને પહેરાવ્યું. એ ગોલ્યાથના બખતરની જેમ તાંબાનું બનેલું હતું. એ બખતર બનાવવા, કદાચ માછલીના ભિંગડાની જેમ તાંબાના ટુકડાઓને એક ઉપર એક ગોઠવીને લાંબું પહેરણ તૈયાર કરવામાં આવતું. દાઊદે એ ભારે અને મોટાં બખતરને પહેરીને હલનચલન કરવાનો પ્રયત્ન કર્યો. પણ, તેમને ખ્યાલ આવ્યો કે એનાથી મદદ મળવાની નથી. દાઊદને સૈનિકની તાલીમ મળી ન હતી, એટલે તેમને બખતર પહેરવાનો અનુભવ પણ ન હતો. એમાં પણ એવું બખતર, જે ઇઝરાયેલના સૌથી ઊંચા માણસ રાજા શાઊલ પહેરતા હતા. (૧ શમૂએલ ૯:૨) તેમણે એ બધું કાઢી નાંખ્યું અને ઘેટાંપાળક તરીકે પોતાના ટોળાનું રક્ષણ કરવા જે વસ્તુઓ રાખતા હતા, એ વસ્તુઓ સાથે લીધી.—૧ શમૂએલ ૧૭:૩૮-૪૦.
દાઊદે ઘેટાંપાળકની લાકડી, ખભે ભરાવવાની થેલી અને ગોફણ લીધા હતા. ભલે ગોફણ સામાન્ય લાગે પણ, એ એક અસરકારક હથિયાર છે. ગોફણમાં ચામડાની બે લાંબી પટ્ટીઓ વચ્ચે ઝોળી હોય છે. એ ઘેટાંપાળક માટે યોગ્ય હથિયાર છે. એ ઝોળીમાં પથ્થર મૂકીને તેને માથા પર ઝડપથી ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને પછી, ચામડાની એક પટ્ટીને છોડીને પથ્થરને નિશાન તરફ ફેંકવામાં આવે છે. એ હથિયાર એટલું અસરકારક હતું કે કેટલીક વાર સૈન્યમાં ગોફણ વીંઝનારાઓની ટુકડીઓ વાપરવામાં આવતી હતી.
આમ, આ સાધનો લઈને દાઊદ પોતાના દુશ્મન તરફ ડગ માંડે છે. આપણે કલ્પના કરી શકીએ કે દાઊદ દિલથી એ સમયે પ્રાર્થના કરતા હશે. તે સૂકા નાળામાં નમીને પાંચ નાના, સુંવાળા પથ્થર લે છે. પછી, તે લડવા આગળ વધે છે, ચાલીને નહિ પણ દોડીને આગળ વધે છે!
ગોલ્યાથ પોતાના દુશ્મનને જુએ છે ત્યારે, તે શું વિચારે છે? શાસ્ત્ર કહે છે, ‘તે પલિસ્તીએ તેનો તિરસ્કાર કર્યો; કેમ કે તે જુવાન હતો, ને લાલચોળ તથા સુંદર ચહેરાનો હતો.’ ગોલ્યાથે બૂમ પાડી, ‘શું હું કૂતરો છું, કે તું લાકડીઓ લઈને મારી સામે આવે છે?’ તેણે દાઊદની લાકડી તો જોઈ, પણ તેણે ગોફણ ન જોઈ. તે પલિસ્તી દેવોના નામે દાઊદને શાપ આપવા લાગ્યો અને સમ ખાવા લાગ્યો કે, તે પોતાના દુશ્મન દાઊદનું માંસ પક્ષીઓ અને પશુઓને ખવડાવશે.—૧ શમૂએલ ૧૭:૪૧-૪૪.
દાઊદે જે જવાબ આપ્યો, તે આજ સુધી શ્રદ્ધાનું સૌથી અસરકારક વચન ગણાય છે. જરા વિચારો, યુવાન દાઊદ ગોલ્યાથને કહે છે, ‘તું તરવાર, ભાલો ને બરછી લઈને મારી સામે આવે છે; પણ હું સૈન્યના યહોવા, ઇઝરાયેલનાં સૈન્યના ઈશ્વર, જેમનો તેં તિરસ્કાર કર્યો છે, તેમને નામે તારી સામે આવું છું.’ દાઊદ જાણતા હતા કે, માણસની તાકાત કે હથિયાર બહુ મહત્ત્વના નથી. ગોલ્યાથે યહોવા ઈશ્વરનું અપમાન કર્યું હતું અને એનો જવાબ યહોવા આપવાના હતા. દાઊદે કહ્યું, “લડાઈ તો યહોવાની છે.”—૧ શમૂએલ ૧૭:૪૫-૪૭.
એવું ન હતું કે દાઊદ ગોલ્યાથની કદ-કાઠી કે તેના હથિયારો વિશે સાવ અજાણ હતા. પણ, દાઊદ એ બાબતોથી ડર્યા નહિ. શાઊલ અને તેમના સૈનિકો જેવી ભૂલ દાઊદે ન કરી. દાઊદે પોતાને ગોલ્યાથ સાથે ન સરખાવ્યા, પણ તેમણે તો ગોલ્યાથને યહોવા સાથે સરખાવ્યો. સાડા નવ ફૂટ (૨.૯ મી.) ઊંચાઈ ધરાવતો ગોલ્યાથ સામાન્ય માણસો આગળ બહુ મોટો લાગી શકે, પણ આખા બ્રહ્માંડના સર્વોપરી ઈશ્વરની સામે તે કેટલો મોટો હતો? તે તો એક નાનકડા જીવડાં જેવો હતો. એવું જીવડું જેને યહોવા આ વખતે કચડી નાખવાના હતા.
દાઊદ પોતાના દુશ્મન તરફ દોટ મૂકે છે. પોતાની થેલીમાંથી પથ્થર કાઢે છે અને ગોફણમાં પથ્થર મૂકીને માથા પર જોરથી ગોળ ગોળ ફેરવે છે. ગોલ્યાથ પોતાની ઢાલ ઉઠાવનારની પાછળ ચાલી રહ્યો છે, તે દાઊદ તરફ આવી રહ્યો છે. ગોલ્યાથની વધુ પડતી ઊંચાઈ તેના માટે નુકસાનકારક હતી. કેમ કે, સામાન્ય ઊંચાઈ ધરાવતો ઢાલ ઉઠાવનાર ઢાલને એટલી બધી ઉપર ન ઉઠાવી શકે કે ગોલ્યાથના માથાને રક્ષણ મળે. અને દાઊદે એ માથાને જ નિશાન બનાવ્યું.—૧ શમૂએલ ૧૭:૪૧.
દાઊદની ગોફણમાંથી પથ્થર છૂટ્યો. વિચાર કરો કે એ પથ્થર હવામાં આગળ વધી રહ્યો હશે, ત્યારે કેટલી શાંતિ છવાઈ ગઈ હશે. યહોવાએ એવી ગોઠવણ કરી હતી કે દાઊદે બીજો પથ્થર વાપરવો ન પડે. પથ્થર એના નિશાન પર જ વાગે છે. એ ગોલ્યાથના કપાળમાં પેસી જાય છે. મોટો કદાવર ગોલ્યાથ ઊંધે મોઢે જમીન પર પડ્યો. બખતર ઉઠાવનારે તો ડરીને દોટ મૂકી હશે. દાઊદ ગોલ્યાથ પાસે જાય છે, ગોલ્યાથની તલવાર લઈને તેનું માથું કાપી નાંખે છે.—૧ શમૂએલ ૧૭:૪૮-૫૧.
આખરે, શાઊલ અને તેમના સૈનિકોમાં પણ હિંમત આવે છે. ભારે હોકારા કરીને તેઓ પલિસ્તીઓ તરફ ધસી જાય છે. છેવટે, લડાઈનું પરિણામ એ જ આવ્યું, જે દાઊદે ગોલ્યાથને કહ્યું હતું, “તે [યહોવા] તમને અમારા હાથમાં સોંપી દેશે.”—૧ શમૂએલ ૧૭:૪૭, ૫૨, ૫૩.
આજે, ઈશ્વરના ભક્તો યુદ્ધમાં જતા નથી. એ સમય જતો રહ્યો છે. (માથ્થી ૨૬:૫૨) તોપણ, આપણે દાઊદના જેવી શ્રદ્ધા બતાવવી જોઈએ. તે માનતા હતા કે, યહોવા હકીકતમાં છે. આપણે પણ એવું જ માનવું જોઈએ. આપણે ફક્ત યહોવાને ભજવું જોઈએ અને તેમને માન આપવું જોઈએ. કેટલીક વાર સમસ્યાઓ આપણા કરતાં ઘણી મોટી લાગતી હોય છે, પણ એ સમસ્યાઓ યહોવાની અપાર શક્તિ આગળ નાની જ હોય છે. જો આપણે પણ દાઊદની જેમ, યહોવાને ઈશ્વર તરીકે માનીએ અને તેમનામાં શ્રદ્ધામાં મૂકીએ, તો કોઈ પણ મુશ્કેલી કે સમસ્યા આપણને ડરાવી નહિ શકે. એવું કંઈ નથી, જેને યહોવા હરાવી ન શકે! (wp16-E No. 5)