પ્રકરણ ૩૧
સાબ્બાથના દિવસે કણસલાં તોડે છે
માથ્થી ૧૨:૧-૮ માર્ક ૨:૨૩-૨૮ લુક ૬:૧-૫
શિષ્યો સાબ્બાથના દિવસે કણસલાં તોડે છે
ઈસુ ‘સાબ્બાથના દિવસના પ્રભુ છે’
હવે, ઈસુ અને તેમના શિષ્યોએ ઉત્તર દિશામાં ગાલીલ તરફ મુસાફરી શરૂ કરી. વસંત ૠતુનો સમય હતો અને ખેતરોમાં કણસલાં દાણાથી ભરેલાં હતાં. શિષ્યોને ભૂખ લાગી હોવાથી, તેઓએ અમુક કણસલાં તોડીને ખાધા. પણ, એ સાબ્બાથનો દિવસ હતો અને તેઓએ જે કર્યું એ ફરોશીઓએ જોયું.
યાદ કરો કે થોડા સમય પહેલાં, યરૂશાલેમમાં અમુક યહુદીઓ ઈસુ પર સાબ્બાથ તોડવાનો આરોપ મૂકીને મારી નાખવા માંગતા હતા. હવે, શિષ્યોએ જે કર્યું હતું એના પર ફરોશીઓએ તહોમત મૂક્યું: “જો! તારા શિષ્યો સાબ્બાથના દિવસે એવું કામ કરી રહ્યા છે, જે નિયમ પ્રમાણે કરવું ન જોઈએ.”—માથ્થી ૧૨:૨.
ફરોશીઓનો દાવો હતો કે સાબ્બાથના દિવસે કણસલાં તોડવાં અને હાથથી મસળીને ખાવાં, એ તો કાપણીનું અને ઝૂડવાનું કામ કહેવાય. (નિર્ગમન ૩૪:૨૧) કામ કોને કહેવાય, એ વિશે તેઓની ચુસ્ત માન્યતાઓ સાબ્બાથને બોજરૂપ બનાવતી હતી. જ્યારે કે, એ દિવસ તો આનંદનો, શ્રદ્ધામાં મક્કમ થવાનો દિવસ હતો. ઈસુએ તેઓના ખોટા વિચારો સુધારવા ઉદાહરણોથી બતાવ્યું કે સાબ્બાથનો નિયમ એ રીતે પાળવાનું ઈશ્વરે જણાવ્યું ન હતું.
પહેલા તો ઈસુએ દાઊદ અને તેમના માણસોનું ઉદાહરણ આપ્યું. ભૂખ્યા હતા ત્યારે, તેઓએ મંદિરમાં જઈને અર્પણ કરેલી રોટલી ખાધી હતી. યહોવા આગળ તાજી રોટલીઓ મૂકીને જૂની રોટલીઓ લઈ લેવાતી. એ રોટલીઓ સામાન્ય રીતે યાજકો જ ખાતા. પણ, સંજોગો પ્રમાણે દાઊદ અને તેમના માણસો એ રોટલીઓ ખાવાને લીધે સજાને લાયક ગણાયા નહિ.—લેવીય ૨૪:૫-૯; ૧ શમૂએલ ૨૧:૧-૬.
બીજું ઉદાહરણ આપતા ઈસુએ કહ્યું: “શું તમે નિયમશાસ્ત્રમાં નથી વાંચ્યું કે સાબ્બાથના દિવસે યાજકો મંદિરમાં કામ કરે છે, તોપણ તેઓ નિર્દોષ રહે છે?” ઈસુ કહેવા માંગતા હતા કે સાબ્બાથના દિવસે પણ યાજકો બલિદાન માટે જાનવરો કાપતા અને મંદિરનાં બીજાં કામ કરતા. ઈસુએ કહ્યું: “પણ હું તમને કહું છું કે મંદિર કરતાં અહીં એક મોટો છે.”—માથ્થી ૧૨:૫, ૬; ગણના ૨૮:૯.
ઈસુએ પોતાનો મુદ્દો સમજાવવા ફરીથી શાસ્ત્રવચનો વાપર્યાં: “‘હું દયા ઇચ્છું છું, બલિદાન નહિ,’ આનો અર્થ તમે સમજ્યા હોત તો, નિર્દોષ લોકોને દોષિત ઠરાવ્યા ન હોત.” તેમણે અંતમાં કહ્યું: “કેમ કે માણસનો દીકરો સાબ્બાથના દિવસનો પ્રભુ છે.” ઈસુ પોતાના હજાર વર્ષના સુખ-શાંતિભર્યા રાજ્ય વિશે વાત કરતા હતા.—માથ્થી ૧૨:૭, ૮; હોશીઆ ૬:૬.
શેતાનની ગુલામી નીચે મનુષ્યોએ પુષ્કળ હિંસા અને યુદ્ધો જોયાં છે અને ઘણાં દુઃખ-દર્દ સહન કર્યાં છે. ઈસુના મહાન સાબ્બાથનું રાજ, એટલે કે તેમનું રાજ કેટલું અલગ હશે! એ એવી રાહત આપશે, જેની આપણે રાહ જોઈએ છીએ અને જરૂર પણ છે.