યહોવાહ જે કરે છે એ ખરું જ હોય છે
“યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭.
૧. કોઈ આપણા પર શંકા કરે ત્યારે આપણને કેવું લાગે છે?
જ્યારે કોઈ પૂરી હકીકત જાણ્યા વિના તમારા પર શંકા કરે, ત્યારે તમને કેવું લાગે છે? આપણને બહુ ખોટું લાગે છે, ખૂબ દુઃખ થાય છે. અરે, આપણે એવું પણ નક્કી કરીએ કે ‘આવો અન્યાય હું કોઈને નહિ કરું.’
૨, ૩. યહોવાહ કેવા પરમેશ્વર છે? અમુકને પોતાના બધા જ સવાલોના જવાબ બાઇબલમાં લખેલા ન મળે તો શું કરે છે?
૨ હવે જરા વિચારો કે જો કોઈ યહોવાહ પરમેશ્વર પર શંકા ઉઠાવે તો તમને કેવું લાગે? યહોવાહને કેવું લાગતું હશે? બાઇબલ જણાવે છે કે “યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭) ચોક્કસ, “ઈશ્વર દુષ્ટતા કરશે જ નહિ.” (અયૂબ ૩૪:૧૨; ગીતશાસ્ત્ર ૩૭:૨૮) અફસોસની વાત છે કે અમુકે યહોવાહ તરફ આંગળી ઉઠાવી છે, તેમના નિર્ણયો પર શંકા ઉઠાવી છે. યહોવાહના પહેલાના ભક્તોએ અમુક બાબતો કેમ કરી એના પર તેઓને શંકા થાય છે. શક્ય છે કે તેઓના બધા જ સવાલોના જવાબ બાઇબલમાં ન પણ લખ્યા હોય.
૩ ચાલો આપણે પાંચ કારણો જોઈએ, જે આપણને સોએ સો ટકા ગેરંટી આપશે કે યહોવાહ જે કરે છે એ ખરું જ હોય છે. પછી, આપણે બાઇબલમાંથી બે બનાવોનો વિચાર કરીશું, જે અમુકને ગળે ઊતરતા નથી.
યહોવાહ જે કરે, એ ખરું જ હોય છે
૪. દાખલો આપી સમજાવો કે યહોવાહ જે કરે છે એ ખરું જ હોય છે.
૪ પહેલું કારણ તો એ કે તે બધુંય જાણે છે. એક દાખલો લો. એક જજસાહેબ છે. તે નેક દિલના છે. ગમે ત્યારે ન્યાય કરે એમાં અદલ ઇન્સાફ હોય. એકવાર એવું બન્યું કે તેમણે આપેલા ચુકાદા વિષે કોઈએ વાંધો ઉઠાવ્યો. એ વ્યક્તિને કાયદા-કાનૂનનો એકડો પણ આવડતો ન હતો, અરે, તેની પાસે પૂરતી માહિતી પણ ન હતી! તમે કહેશો કે એ તો નરી મૂર્ખાઈ કહેવાય. (નીતિવચનો ૧૮:૧૩) તો પછી ‘આખી પૃથ્વીના ન્યાયાધીશ’ યહોવાહ સામે હકીકત જાણ્યા વિના કોઈ વાંધો ઉઠાવે એ કેટલી મૂર્ખાઈ કહેવાય!—ઉત્પત્તિ ૧૮:૨૫.
૫. યહોવાહે લીધેલા નિર્ણયનો કોઈ બનાવ બાઇબલમાંથી વાંચતી વખતે આપણે શું યાદ રાખવું જોઈએ?
૫ હવે બીજું કારણ વિચારો. યહોવાહ આપણું મન વાંચી શકે છે, તે હૃદય પારખે છે. (૧ શમૂએલ ૧૬:૭) તે કહે છે કે, “હું યહોવાહ મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંતઃકરણને પારખું છું, કે હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.” (યિર્મેયાહ ૧૭:૧૦) આપણે ભૂલીએ નહિ કે જ્યારે યહોવાહ કોઈ વ્યક્તિ વિષે નિર્ણય લે, ત્યારે વગર વિચાર્યે નિર્ણય લેતા નથી. ભલે બાઇબલમાં બધું જ લખાયું નથી, છતાં તે વ્યક્તિના મનના વિચારો, લાગણીઓ, ઇરાદાઓ જોઈને, સમજી-વિચારીને નિર્ણય લે છે.—૧ કાળવૃત્તાંત ૨૮:૯.
૬, ૭. (ક) કઈ રીતે યહોવાહે બતાવ્યું કે પોતે મોટી કિંમત ચૂકવવી પડે તોપણ, જે ખરું છે એ જ કરશે? (ખ) બાઇબલ વાંચતી વખતે યહોવાહના નિર્ણયો વિષે સવાલ ઊભો થાય તો શું યાદ રાખવું જોઈએ?
૬ ત્રીજું કારણ એ છે કે યહોવાહને પોતાને મોટી કિંમત ચૂકવવી પડે તોપણ, પોતે જે ખરું છે એ જ કરે છે. વિચારો કે આપણને પાપ અને મોતની જંજીરમાંથી આઝાદી અપાવવા, તેમણે પોતે કેટલી મોટી કિંમત ચૂકવી! તેમણે પોતાના વહાલા દીકરા ઈસુની કુરબાની આપી! (રૂમી ૫:૧૮, ૧૯) જે રીતે ઈસુને કોરડા મરાયા, હાથ-પગની આરપાર ખીલા ઠોકાયા, આખરે મારી નાખવામાં આવ્યા, એનો જરા વિચાર કરો. યહોવાહનું કાળજું કેવું ચિરાઈ ગયું હશે! બાઇબલ જણાવે છે કે ‘ઈશ્વરે ઈસુને બલિદાન થવા અર્પ્યા. આમ, ઈશ્વર પોતે ન્યાયી છે.’ (રોમનો ૩:૨૪-૨૬, પ્રેમસંદેશ) બાઇબલનું બીજું એક ભાષાંતર બતાવે છે કે ઈશ્વર હંમેશાં જે ખરું છે એ જ કરે છે.—ન્યૂ સેન્ચુરી વર્શન, રૂમી ૩:૨૫.
૭ બાઇબલ વાંચતી વખતે આપણને યહોવાહના નિર્ણયો વિષે સવાલ થાય તો, આપણે બસ આટલું યાદ રાખીએ કે યહોવાહ હંમેશાં જે ખરું હોય એ જ કરે છે. હા, કદી “તે ઇન્સાફને ઊંધો વાળશે નહિ.” (અયૂબ ૩૭:૨૩) ઇન્સાફ લાવવા તેમણે પોતાના દીકરાને પણ પાછો ન રાખ્યો, તો શું તે બીજી કોઈ બાબતમાં બેઇન્સાફી કરશે? કદીયે નહિ!
૮. યહોવાહના નિર્ણયો પર શંકા ઉઠાવવી ખોટું છે, એનું ચોથું કારણ સમજાવો.
૮ ચોથું કારણ એ છે કે આપણી રચના કરતી વખતે, યહોવાહે પોતાના જેવા ગુણો આપણામાં મૂક્યા છે. (ઉત્પત્તિ ૧:૨૭) એટલે કે બીજા બધા સદ્ગુણોની સાથે સાથે આપણે પણ જે ખરું છે, એ પારખી શકીએ છીએ. તો પછી, એ કઈ રીતે શક્ય બને કે અમુક બાબત બરાબર નથી એ આપણે જોઈ શકીએ, ને યહોવાહ ન જોઈ શકે? બાઇબલ વાંચતા વાંચતા અમુક બનાવ વિષે શંકા જાગે તો એ પણ યાદ રાખીએ કે આપણે તો જન્મથી જ પાપી છીએ. જ્યારે કે યહોવાહનો તો અણુએ અણુ પવિત્ર છે. તો પછી શું આપણે યહોવાહ કરતાં વધારે જાણીએ છીએ કે શું ખરું ને શું ખોટું? અરે, એવો વિચાર કરવો પણ મૂર્ખામી છે!—પુનર્નિયમ ૩૨:૪; રૂમી ૩:૪, ૫; ૯:૧૪.
૯, ૧૦. યહોવાહે આપણને હિસાબ આપવાની કેમ જરૂર નથી?
૯ પાંચમું કારણ એ છે કે યહોવાહ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) આપણે તેમને પૂછવાવાળા કોણ કે ‘તમે આમ કેમ કર્યું કે તેમ કેમ કર્યું?’ માનો કે યહોવાહ કુંભાર છે ને આપણે તેમના હાથમાંની માટી. યહોવાહ આપણને જેવો ઘાટ આપવો હોય એવો આપી શકે. (રૂમી ૯:૧૯-૨૧) અયૂબનો વિચાર કરો. તેમને પણ યહોવાહના નિર્ણય વિષે ગેરસમજ થઈ હતી. યહોવાહે તેમને કડક શબ્દોમાં સલાહ આપવી પડી: “શું તું મારો ઠરાવ પણ રદ કરશે? તું ન્યાયી ઠરે, માટે તું મને દોષિત ઠરાવશે?” અયૂબને પોતાની ભૂલ સમજાઈ, તેમને ખૂબ પસ્તાવો થયો. (અયૂબ ૪૦:૮; ૪૨:૬) આપણે તેમના દાખલામાંથી શીખીએ અને એવી ભૂલ કદી ન કરીએ.
૧૦ હવે આપણે સાફ સાફ જોઈ શકીએ છીએ કે યહોવાહ જે કંઈ કરે છે, ખરું જ કરે છે. એ ધ્યાનમાં રાખીને, ચાલો હવે બાઇબલમાંથી બે બનાવો જોઈએ. આ બે બનાવોએ અમુકને મૂંઝવણમાં નાખ્યા છે. પહેલા બનાવમાં યહોવાહના એક ભક્તે લીધેલો નિર્ણય. બીજામાં યહોવાહનો પોતાનો નિર્ણય.
બેશરમ લોકો સામે લોતે કેમ પોતાની દીકરીઓ ધરી?
૧૧, ૧૨. (ક) યહોવાહે સદોમમાં સ્વર્ગદૂતો મોકલ્યા ત્યારે શું બન્યું? (ખ) એ બનાવથી અમુકના મનમાં કેવા સવાલો ઊભા થયા છે?
૧૧ ચાલો આપણે ઉત્પત્તિ ૧૯:૧-૧૧નો બનાવ વિચારીએ. યહોવાહે સદોમમાં બે સ્વર્ગદૂતોને માણસના રૂપમાં મોકલ્યા હતા. લોતે તેઓને મહેમાન તરીકે પોતાને ઘરે રાખ્યા. પણ એ રાતે સદોમના નાના-મોટા માણસોએ લોતના ઘરને ઘેરી લીધું. તેઓને પોતાની વાસનાની આગ બુઝાવવા લોતના ઘરે આવેલા મહેમાનો પર બળાત્કાર કરવો હતો. લોતે તેઓને કાલાવાલા કર્યા ને ઘણા સમજાવ્યા. પણ વાસનાના ભૂખ્યા માણસો એકના બે ન થયા. લોતે પોતાના મહેમાનોને બચાવવા કહ્યું કે, “મારા ભાઈઓ, કૃપા કરી તમે એવું દુષ્ટ કામ ન કરશો. હવે જુઓ, મારી બે દીકરીઓ છે, તેઓએ કોઈ પુરુષને જાણ્યો નથી; મરજી હોય તો હું તેઓને તમારી પાસે લાવું, ને જે તમને સારૂં લાગે તે તેઓને કરો; પણ એ માણસોને તમે કંઈ ન કરો; કેમ કે તેઓ મારા છાપરાના આશ્રય તળે આવ્યા છે.” પણ સદોમના માણસોએ તો બારણું તોડીને ઘરમાં ઘૂસી જવાનો પ્રયત્ન કર્યો. એટલે સ્વર્ગદૂતોએ તેઓ સર્વને આંધળા કરી નાખ્યા.
૧૨ સમજી શકાય કે આ બનાવ વાંચીને અમુકના મનમાં સવાલો થયા હશે. ‘શા માટે લોતે મહેમાનોને બચાવવાની વધારે ચિંતા કરી? લોતે કેમ વાસનાના ભૂખ્યા માણસો સામે પોતાના પેટની જણી દીકરીઓ ધરી? શું લોત ડરપોક હતો?’ યહોવાહે કેમ બાઇબલમાં લખવાની પ્રેરણા આપી કે ‘લોત ન્યાયી’ હતો? (૨ પીતર ૨:૭, ૮) આવો આપણે એના પર વિચાર કરીએ, જેથી આપણે યહોવાહ વિષે ખોટા નિર્ણય ન લઈએ.
૧૩, ૧૪. (ક) લોતના બનાવ વિષે પહેલા શું યાદ રાખવું જોઈએ? (ખ) શું બતાવે છે કે લોત ડરપોક ન હતો?
૧૩ સૌથી પહેલી વાત તો એ કે બાઇબલ ફક્ત એ જ જણાવે છે કે શું બન્યું. પણ બાઇબલ એ જણાવતું નથી કે લોતે જે કર્યું એ બરાબર હતું કે નહિ. લોતે જે કર્યું એ શા માટે કર્યું, તેના મનમાં શું વિચારો હતા. એ તો જ્યારે લોત ન્યાયી લોકો સાથે સજીવન થશે, ત્યારે જ બધું જણાવશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.
૧૪ શું લોત ડરપોક હતો? જરાય નહિ. તેના સંજોગોનો વિચાર કરો. સ્વર્ગદૂતો તેના ઘરે મહેમાન હતા. ઘરે આવેલા મહેમાનોનું રક્ષણ કરવાની તેની ફરજ હતી. યહુદી ઇતિહાસકાર જોસેફસ જણાવે છે કે સદોમના લોકોને “માણસોની કંઈ પડી ન હતી, ને ભગવાનનો કોઈ ડર ન હતો. . . . તેઓને અજાણ્યા લોકોથી સખત નફરત હતી. સદોમીઓ તેઓને પોતાની વાસનાનો શિકાર બનાવતા.” આવા લોકોની સામા થવું, કોઈ ડરપોક માણસનું કામ નહિ. અરે, લોત તો તેઓને સમજાવવા ઘરની બહાર ગયો અને “પોતાની પાછળ બારણું બંધ કર્યું.”—ઉત્પત્તિ ૧૯:૬.
૧૫. શું બતાવે છે કે લોતે જે કર્યું એ યહોવાહમાં પૂરી શ્રદ્ધાને લીધે કર્યું હોય શકે?
૧૫ હજુ એ સવાલ ઊભો છે કે ‘વાસના ભૂખ્યા લોકોના હાથમાં પોતાની દીકરીઓ સોંપવાનો વિચાર પણ લોત કેમ કરી શકે?’ લોતે યહોવાહમાં પૂરી શ્રદ્ધાને લીધે આમ કર્યું હોય શકે. લોતે જોયું હતું કે પોતાની કાકી, સારાહનું યહોવાહે કેવી રીતે રક્ષણ કર્યું હતું. સારાહ અતિ સુંદર હતી. તેના પતિ ઈબ્રાહીમે તેને કહ્યું હતું કે અમુક દેશમાં તેઓ પોતાની ઓળખ ભાઈ-બહેન તરીકે આપે. જેથી કોઈ ઈબ્રાહીમને મારી ન નાખે.a એમ કરવા જતાં, સારાહને મિસરના રાજાના મહેલમાં લઈ જવામાં આવી. પણ યહોવાહે એવા સંજોગો ઊભા કર્યા કે સારાહને કોઈ આંગળી પણ અડાડી ન શક્યું. (ઉત્પત્તિ ૧૨:૧૧-૨૦) શક્ય છે કે લોતે એવું વિચાર્યું હોય કે યહોવાહ કોઈક રીતે પોતાની દીકરીઓનું પણ રક્ષણ કરશે. આખરે તો, યહોવાહે સ્વર્ગદૂતો દ્વારા એવો ચમત્કાર કર્યો કે લોતની દીકરીઓને ઊની આંચ પણ ન આવી.
૧૬, ૧૭. (ક) શા માટે એવું લાગે છે કે લોતે સદોમના માણસોને ગૂંચવણમાં નાખવાનું વિચાર્યું હોય શકે? (ખ) ભલે લોતે ગમે એ વિચાર્યું હોય, પણ આપણે શાની ખાતરી રાખી શકીએ?
૧૬ લોતના મનમાં એમ પણ હોય શકે કે સદોમીઓને તો પુરુષ-પુરુષના શરીરસંબંધની જ વાસના હતી. એવી વાસનાના ભૂખ્યાઓને છોકરીઓ પસંદ નહિ આવે ને તેઓ ગૂંચવાઈ જશે. (યહૂદા ૭) બીજું કે લોતની દીકરીઓની સગાઈ એ શહેરમાં જ થઈ હતી. એટલે લોતને લાગ્યું કે ભેગા થયેલા ટોળામાં ચોક્કસ પોતાના જમાઈઓના કોઈ સગાં, મિત્રો કે કામધંધાના માણસો હશે. (ઉત્પત્તિ ૧૯:૧૪) તેને કદાચ આશા હતી કે તેઓ પોતાની દીકરીઓને પક્ષે બોલશે. એટલે ટોળામાં ભાગલા પડી જશે.b
૧૭ લોતે જે કર્યું એની પાછળ ભલે ગમે એ કારણ હોય. તેના મનમાં શું હતું એ આપણે જાણતા નથી. આપણે તો એટલું જાણીએ છીએ કે યહોવાહ જે ખરું છે એ જ કરે છે. યહોવાહે લોતને ‘ન્યાયી માણસ’ કહ્યો. વળી, સદોમના લોકોનાં પાપ જોઈને, આપણને કોઈ નવાઈ લાગતી નથી કે યહોવાહે ત્યાંના દુષ્ટ લોકોનો નાશ કર્યો!—ઉત્પત્તિ ૧૯:૨૩-૨૫.
યહોવાહે શા માટે ઉઝ્ઝાહને માર્યો?
૧૮. (ક) દાઊદે યહોવાહનો કરારકોશ યરૂશાલેમ લાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે શું થયું? (ખ) એ બનાવ પરથી અમુકના મનમાં કેવો સવાલ ઊભો થઈ શકે?
૧૮ બીજો એક બનાવ પણ અમુકને સમજવો અટપટો લાગે છે. દાઊદ રાજા યહોવાહનો કરારકોશ યરૂશાલેમ લઈ જવા માંગતા હતા. કરારકોશ ગાડા પર મૂક્યો હતો, જેની સંભાળ ઉઝ્ઝાહ અને તેનો ભાઈ રાખતા હતા. “તેઓ નાખોનના ખળા પાસે આવ્યા ત્યારે ઉઝ્ઝાહે દેવના કોશ તરફ હાથ લાંબો કરીને તે પકડ્યો; કેમ કે બળદોએ ઠોકર ખાધી હતી. અને યહોવાહનો કોપ ઉઝ્ઝાહ પર સળગ્યો; અને ત્યાં દેવે તેને તેના અપરાધને લીધે માર્યો; અને ત્યાં તે દેવના કોશ આગળ મરણ પામ્યો.” થોડા મહિના પછી, દાઊદ કરારકોશ સારી રીતે ખસેડી શક્યો. પણ આ વખતે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે કહાથી લેવીઓના ખભા પર કોશ ઊંચકવામાં આવ્યો. (૨ શમૂએલ ૬:૬, ૭; ગણના ૪:૧૫; ૭:૯; ૧ કાળવૃત્તાંત ૧૫:૧-૧૪) અમુકને લાગે છે કે ‘ઉઝ્ઝાહે તો કરારકોશ પડતા બચાવ્યો, તો કેમ યહોવાહે આમ કર્યું?’ ચાલો આપણે એ બનાવની અમુક વિગતો ઝીણવટથી જોઈએ. નહિ તો આપણે પણ એવું જ ખોટું અનુમાન કરી બેસીશું.
૧૯. શા માટે યહોવાહ કદી કોઈને અન્યાય કરી જ ન શકે?
૧૯ આપણને ખબર છે કે યહોવાહ કદી કોઈને અન્યાય કરે જ નહિ. (અયૂબ ૩૪:૧૦) ‘યહોવાહ પ્રેમ છે.’ તે કઈ રીતે કોઈને દુઃખી કરી શકે? (૧ યોહાન ૪:૮) જો યહોવાહ કોઈને અન્યાય કરે તો એ તેમની પોતાની વિરુદ્ધ જાય છે. બાઇબલ જણાવે છે કે ‘ન્યાયીપણું તથા ઇન્સાફ યહોવાહના રાજ્યાસનનો પાયો છે.’—ગીતશાસ્ત્ર ૮૯:૧૪.
૨૦. ઉઝ્ઝાહને કરારકોશના નિયમોની જાણ શા માટે હોવી જ જોઈએ?
૨૦ હવે ઉઝ્ઝાહ વિષે વિચારો. ઉઝ્ઝાહ લેવી હતો (પણ તે યાજક ન હતો), એટલે તેને કરારકોશના નિયમો સારી રીતે ખબર હોવા જોઈએ. અરે, દાઊદે કરારકોશ ખસેડ્યો એ પહેલાં ૭૦ વર્ષો સુધી, ઉઝ્ઝાહના પિતાને ઘરે કરારકોશ રાખવામાં આવ્યો હતો. (૧ શમૂએલ ૬:૨૦–૭:૧) એટલે ઉઝ્ઝાહને તો નાનપણથી કરારકોશના નિયમોની જાણ હોવી જોઈએ. નિયમ કરારમાં પણ ચોખ્ખું જણાવવામાં આવ્યું હતું કે કરારકોશ પવિત્ર હતો, એટલે ગમે એ વ્યક્તિ એને હાથ લગાડી શકે નહિ. જો એને અડકે તો તે માર્યો જાય.—ગણના ૪:૧૮-૨૦; ૭:૮૯.
૨૧. ઉઝ્ઝાહના બનાવ પરથી આપણે કેવી રીતે જોઈ શકીએ કે યહોવાહ દરેકનું મન વાંચી શકે છે?
૨૧ આપણે જોઈ ગયા તેમ યહોવાહ આપણું મન ને દિલ વાંચી શકે છે. શાસ્ત્ર જણાવે છે કે ઉઝ્ઝાહ તેના અપરાધને લીધે માર્યો ગયો. યહોવાહે કદાચ જોયું હોય કે તે સ્વાર્થી હતો, અભિમાની હતો, તેને કોઈ નિયમની પડી ન હતી. (નીતિવચનો ૧૧:૨) ઉઝ્ઝાહના પિતાને ઘરે કરારકોશ વર્ષો સુધી હતો, એટલે તે ફુલાઈ ગયો હોય શકે. (નીતિવચનો ૮:૧૩) કે પછી ઉઝ્ઝાહને યહોવાહમાં એટલી શ્રદ્ધા ન હતી કે તે કરારકોશ બચાવી શકે છે. શાસ્ત્ર બીજી વિગતો આપતું નથી. પણ આપણને ખબર છે કે યહોવાહ જે ખરું છે, એ જ કરે છે. યહોવાહે ઉઝ્ઝાહના મનની વાત જાણી લીધી, જેના કારણે તેમણે તરત જ પગલું લીધું.—નીતિવચનો ૨૧:૨.
પૂરી શ્રદ્ધા રાખો
૨૨. શા માટે યહોવાહ બાઇબલમાં બધું જ જણાવી દેતા નથી?
૨૨ આ લેખમાં આપણે જોઈ ગયા કે યહોવાહ બાઇબલમાં બધું જ જણાવી દેતા નથી. એ આપણી શ્રદ્ધાની કસોટી છે. શું આપણે યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખીશું કે નહિ? આપણે શીખી ગયા કે યહોવાહ હંમેશાં જે ખરું છે એ જ કરે છે. એટલે જ્યારે આપણે બાઇબલમાં એવું કંઈ વાંચીએ, જેની બધી જ માહિતી અત્યારે આપણને ખબર ન હોય તો, ધીરજ રાખીએ. શ્રદ્ધા રાખીએ કે યહોવાહે જે કર્યું એ બરાબર જ હતું.
૨૩. આપણે આવનાર સમય માટે યહોવાહમાં કેવી શ્રદ્ધા રાખી શકીએ?
૨૩ આપણે યહોવાહમાં એવી જ શ્રદ્ધા આવનાર સમય માટે પણ રાખીએ છીએ. આપણે જાણીએ છીએ કે યહોવાહ આવનાર મહાન વિપત્તિમાં “દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ” નહિ કરે. (ઉત્પત્તિ ૧૮:૨૩) યહોવાહનો પ્રેમ, તેમનો ઇન્સાફ તેમને એવું કરવા નહિ દે. ચાલો આપણે આપણાં હૃદયને એ આવનાર આશીર્વાદોથી ભરી દઈએ, જ્યારે યહોવાહ આપણને સુખી સુખી અને સુખી કરી દેશે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.
[ફુટનોટ્સ]
a ઈબ્રાહીમનું માનવું ખરું હતું. પપાઈરસનાં લખાણો જણાવે છે કે મિસરના રાજાએ એક સુંદર સ્ત્રીને પકડી મંગાવી ને તેના પતિને મારી નંખાવ્યો.
b વધારે માહિતી માટે ચોકીબુરજ (અંગ્રેજી) ડિસેમ્બર ૧, ૧૯૭૯, પાન ૩૧ જુઓ.
આપણે શું શીખ્યા?
• આપણે શા માટે માનીએ છીએ કે યહોવાહ જે ખરું છે એ જ કરે છે?
• વાસનાના ભૂખ્યા માણસોને લોત પોતાની દીકરીઓ આપવા તૈયાર થયો, એ વિષે ખોટો નિર્ણય ન લેવા આપણને શું મદદ કરી શકે?
• યહોવાહે શા માટે ઉઝ્ઝાહને મારી નાખ્યો, એ સમજવા આપણને શું મદદ કરી શકે?
• આપણે આવનાર સમય માટે યહોવાહમાં કેવી શ્રદ્ધા રાખી શકીએ?