વાચકો તરફથી પ્રશ્નો
સુલેમાન રાજા ઘડપણમાં યહોવાહને વફાદાર રહ્યા ન હતા. તેથી, શું એમ કહી શકાય કે તેમને સજીવન કરવામાં નહિ આવે?—૧ રાજાઓ ૧૧:૩-૯.
બાઇબલમાં સ્પષ્ટ જણાવ્યું નથી કે કોને સજીવન કરવામાં આવશે અને કોને નહિ. પણ હેબ્રી ૧૧:૧-૪૦ યહોવાહને વફાદાર રહેનારાઓના અમુક નામો જણાવે છે. તેઓને ચોક્કસ સજીવન કરવામાં આવશે. પણ સુલેમાન વિષે શું? સુલેમાનના મરણ સમયે તેમના પર યહોવાહની કૃપા હતી કે નહિ, એ જાણવા આપણે એ સમજવાની જરૂર છે કે બીજા વિશ્વાસુ સેવકો મરી ગયા ત્યારે બાઇબલમાં તેઓ વિષે શું કહેવામાં આવ્યું છે.
બાઇબલ બતાવે છે કે યહોવાહ મૂએલાઓનો ન્યાય કરશે. તે પોતે નિર્ણય કરશે કે કોને સજીવન કરવા જોઈએ અને કોને નહિ. સજીવન કરવામાં નહિ આવે તેઓને યહોવાહ જાણે ‘અગ્નિની ખાઈમાં’ અથવા “નરકાગ્નિમાં” નાખશે. એટલે કે તેઓને કદી સજીવન કરવામાં નહિ આવે. (માત્થી ૫:૨૨; માર્ક ૯:૪૭, ૪૮; પ્રકટીકરણ ૨૦:૧૪) શું યહોવાહે પહેલા કદી આ રીતે લોકોનો ન્યાય કર્યો છે? હા. દાખલા તરીકે, આદમ, હવા અને યહુદા ઈસ્કારીઓત. નુહના સમયમાં જળપ્રલયમાં મરી ગયેલા તેમ જ સદોમ અને ગમોરાહના વિનાશમાં માર્યા ગયેલા લોકોનો પણ આ રીતે ન્યાય થયો હતો.a સજીવન કરવામાં આવશે તેઓ ક્યાં છે? બાઇબલ મુજબ તેઓ કબરમાં છે. બાઇબલની મૂળ ભાષામાં એને શેઓલ કે હાડેસ કહેવામાં આવે છે. આ સજીવન થનારા વિષે બાઇબલ કહે છે: “સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં; અને મરણે તથા હાડેસે પણ પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો.”—પ્રકટીકરણ ૨૦:૧૩.
તેથી, હેબ્રી અધ્યાય ૧૧માં જેઓના નામ લખવામાં આવ્યા છે તેઓ અત્યારે કબરમાં છે. ભવિષ્યમાં યહોવાહ તેઓને સજીવન કરશે. દાખલા તરીકે, ઈબ્રાહીમ, મુસા અને દાઊદ. તેઓ વિષે બાઇબલ જણાવે છે કે મરણ વખતે તેઓનું શું થયું. ઈબ્રાહીમ વિષે આમ લખ્યું છે: “તું પોતાના બાપદાદાઓની પાસે શાંતિએ જશે; અને તું ઘણો ઘરડો થયા પછી દટાશે.” (ઉત્પત્તિ ૧૫:૧૫) મુસા વિષે યહોવાહે તેમને કહ્યું: “જો, તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે.” (પુનર્નિયમ ૩૧:૧૬) દાઊદ વિષે કહે છે: “દાઊદ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેને દાઊદનગરમાં દાટવામાં આવ્યો.”—૧ રાજાઓ ૨:૧૦.
હવે ચાલો જોઈએ કે સુલેમાનના મરણ વિષે બાઇબલ શું કહે છે. બાઇબલ કહે છે: “આખા ઈસ્રાએલ પર સુલેમાને યરૂશાલેમમાં જે રાજ કર્યું તેનો સમય ચાળીસ વર્ષનો હતો. પછી સુલેમાન પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેના પિતા દાઊદના નગરમાં તેને દાટવામાં આવ્યો.” (૧ રાજાઓ ૧૧:૪૨, ૪૩) આ કલમ પરથી જોઈ શકાય છે કે ઈબ્રાહીમ, દાઊદ અને મુસાની જેમ સુલેમાન પણ પોતાના પિતૃઓની સાથે મરણની ઊંઘમાં ગયા છે. તેથી, એવું લાગે છે કે યહોવાહ તેમને પણ સજીવન કરશે.
બાઇબલ ઘણા લોકો વિષે કહે છે કે ‘તેઓ પિતૃઓની સાથે ઊંઘી ગયા.’ એના પરથી એવું લાગે છે કે યહોવાહ તેઓને સજીવન કરશે. દાખલા તરીકે, સુલેમાન પછી બીજા ઘણા રાજાઓ આવ્યા. બાઇબલમાં તેઓ વિષે પણ લખવામાં આવ્યું છે કે ‘તેઓ પિતૃઓની સાથે ઊંઘી ગયા.’ એમાં આપણને નવાઈ ન લાગવી જોઈએ, કેમ કે બાઇબલ જણાવે છે: “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરૂત્થાન થશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) જોકે, ‘જેઓ કબરમાં છે તેઓ સર્વને’ સજીવન કરવામાં આવશે ત્યારે જ આપણે ખરેખર જાણી શકીશું કે કોને કોને સજીવન કરવામાં આવ્યા છે. (યોહાન ૫:૨૮, ૨૯) તેથી, કોણ સજીવન થશે અને કોણ નહિ થાય, એવું ચોક્કસ કહેવાને બદલે આપણે યહોવાહના સમયની રાહ જોઈએ છીએ. આપણને પૂરી ખાતરી છે કે યહોવાહ દરેકનો બરાબર ન્યાય કરશે.
[ફુટનોટ]
a જૂન ૧, ૧૯૮૮ વૉચટાવર પાન ૩૦-૧ પર જુઓ.