ક્યૂનિફૉર્મ લિપિ અને બાઇબલ
ઈશ્વરે બાબેલમાં ભાષા ગૂંચવી નાખી. એ પછી ધીરે ધીરે અનેક ભાષામાં લખાણ આવવા લાગ્યું. મેસોપોટેમિયાના સુમેર અને બાબેલોનના લોકોનો વિચાર કરો. તેઓ ક્યૂનિફૉર્મ લિપિ વાપરતા. ક્યૂનિફૉર્મ નામ લૅટિન શબ્દમાંથી આવે છે. ત્રિકોણ આકારની સળી કે લાકડાથી ભીની માટી પર લખવામાં આવતું. એ અક્ષરો ફાચર કે ‘શંકુ આકારના’ હતા.
પુરાતત્ત્વશાસ્ત્રીઓને બાઇબલના અમુક લોકો અને બનાવો વિષે એવી લિપિમાં તકતીઓ મળી આવી છે. એ પ્રાચીન લિપિ વિષે આપણે શું જાણીએ છીએ? એ બાઇબલ વિષે શું જણાવે છે?
મળી આવેલી ક્યૂનિફૉર્મ લિપિ
વિદ્વાનોનું માનવું છે કે મેસોપોટેમિયાના લોકો પહેલા ચિત્રલિપિ (પિક્ટોગ્રાફ) વાપરતા. એમાં દરેક શબ્દ કે અમુક વિચારો માટે નાનાં નાનાં ચિત્ર દોરતાં. દાખલા તરીકે, બળદ લખવું હોય તો, બળદનું માથું દોરતા. રેકોર્ડ રાખવાની માંગ વધતી ગઈ તેમ, ક્યૂનિફૉર્મ લિપિ વિકસતી ગઈ. એક પુસ્તક આમ જણાવે છે: ‘જુદાં જુદાં ચિહ્નો એકલા હોય ત્યારે આખો શબ્દ બનતો. પણ ગ્રૂપ હોય ત્યારે એનો ઉચ્ચાર કે અર્થ બદલાઈ જતો.’ સમય જતાં ક્યૂનિફૉર્મ લિપિમાં ૨૦૦ જેટલાં ચિહ્નો ઉમેરાયાં. ‘એમાં એટલી પ્રગતિ થઈ કે વ્યાકરણ અને ઉચ્ચાર પ્રમાણે એ લિપિમાં લખી શકાતું.’—એન.આઈ.વી આર્કિઓલોજીકલ સ્ટડી બાઇબલ.
ઈબ્રાહીમના જમાનામાં (લગભગ ઈસવી સન પૂર્વે ૨૦૦૦) ક્યૂનિફૉર્મ લિપિ સારી રીતે વિકસી ગઈ હતી. એના પછીની વીસેક સદીઓમાં બીજી પંદરેક ભાષામાં એ લિપિ વપરાવા લાગી. આજ સુધી મળેલાં ક્યૂનિફૉર્મ લખાણોમાંના નવ્વાણું ટકા માટીની તકતી પર છે. છેલ્લાં દોઢસો જેટલાં વર્ષોમાં મળેલી એવી તકતીઓ ઉર, યુરક, બાબેલોન, નિમરુડ, નિપ્પુર, આશુર, નીનવેહ, મારી, એબ્લા, યુગરીટ અને અમાર્નામાંથી મળી છે. આર્કિઓલોજી ઓડિસી પુસ્તક કહે છે: ‘પુરાતત્ત્વશાસ્ત્રીઓના અંદાજ પ્રમાણે, લગભગ ૧૦-૨૦ લાખ એવી તકતીઓ મળી આવી છે. હજુ દર વર્ષે પચીસેક હજાર જેટલી મળતી રહે છે.’
ક્યૂનિફૉર્મના મોટા ભાગના સ્કૉલર માટે એનું ભાષાંતર કરવાનું ઢગલો બધું કામ બાકી છે. એક અંદાજ પ્રમાણે ‘જેટલી ક્યૂનિફૉર્મ તકતીઓ મળી છે, એમાંથી માંડ દસેક ટકા જેટલી એક વખત વંચાતી હશે.’
પુરાતત્ત્વશાસ્ત્રીઓને અમુક એવી તકતીઓ મળી જેના પર બે-ત્રણ ભાષાની ક્યૂનિફૉર્મ લિપિમાં લખાણ હતું. અમુક તકતીમાં વ્યક્તિઓ અને રાજાઓનાં નામનું લીસ્ટ અને વારંવાર તેઓએ કરેલા પોતાના વખાણ હતા. એમાંથી સ્કૉલરોને જોવા મળ્યું કે એક જ સંદેશો જુદી જુદી ભાષામાં લખાયેલો હતો.
પહેલાંના મધ્ય પૂર્વના દેશોમાં, અક્કડિયન કે આશ્શૂરી-બાબેલોની ક્યૂનિફૉર્મ લિપિ વપરાતી. ૧૮૫૦ સુધીમાં તો સ્કૉલરો એ વાંચતા શીખી ગયા. એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે: ‘એક વાર અક્કડિયન લિપિ આવડી ગઈ, એટલે બીજી ક્યૂનિફૉર્મ લિપિનું ભાષાંતર સહેલું બન્યું.’ આ લખાણો બાઇબલ વિષે શું કહે છે?
બાઇબલ સાચું સાબિત કરતું લખાણ
બાઇબલ જણાવે છે કે આશરે ઈ.સ. પૂર્વે ૧૦૭૦માં દાઊદે યરૂશાલેમ જીતી લીધું. ત્યાં સુધી કનાનના રાજાઓ એમાં રાજ કરતા હતા. (યહો. ૧૦:૧; ૨ શમૂ. ૫:૪-૯) પણ ઘણા સ્કૉલરો શંકા ઉઠાવતા હતા. ૧૮૮૭માં ઇજિપ્તના અમાર્નામાં એક સ્ત્રીને માટીની તકતી મળી. ત્યાં વધારે ખોદકામ કરવાથી ૩૮૦ તકતીઓ મળી આવી. એમાં ઇજિપ્તના રાજાઓ (આમેનહોટૅપ ત્રીજો, અકહેનાટોન) અને કનાનના રાજાઓ વચ્ચેના પત્રો હતા. અબ્ડિ-હિબા રાજાએ યરૂશાલેમના અધિકારીઓને લખેલા છ પત્રો હતા.
બિબ્લિકલ આર્કિઓલોજી રિવ્યૂ જણાવે છે: ‘અમાર્ના તકતીઓ સ્પષ્ટ રીતે જણાવે છે કે યરૂશાલેમ શહેર હતું. અબ્ડિ-હિબા પોતે સૂબેદાર હતો. તેનો મહેલ હતો. શહેરમાં ઇજિપ્તના ૫૦ સૈનિકો ચોકીદાર હતા. યરૂશાલેમ ટેકરા પર આવેલું હતું. એ તકતીમાંના પત્રો પરથી કહી શકાય કે એ જમાનામાં યરૂશાલેમ મોટું શહેર હતું.’
આશ્શૂર અને બાબેલોનના રેકૉર્ડ
આશ્શૂરીઓ અને બાબેલોનીઓ પોતાનો ઇતિહાસ માટીની તકતીઓ, માટીના સિલિંડર અને સ્મારક સ્તંભો પર લખતા. વિદ્વાનો અક્કડિયન લિપિ વાંચવા લાગ્યા ત્યારે, તેઓને એવાં ઘણાં નામ મળ્યાં જે બાઇબલમાં પણ છે.
ધ બાઇબલ ઇન ધ બ્રિટિશ મ્યુઝિયમ પુસ્તક કહે છે: ‘૧૮૭૦માં ડૉક્ટર સેમ્યુલ બર્ચે બાઇબલના પુરાતત્ત્વશાસ્ત્રની નવી નવી સંસ્થાને જણાવ્યું કે ક્યૂનિફૉર્મ લિપિમાં પોતે હેબ્રી રાજાઓનાં નામ શોધી કાઢ્યાં છે. જેમ કે ઓમ્રી, આહાબ, યેહૂ, અઝાર્યાહ, મનાહેમ, પેકાહ, હોશીઆ, હિઝકીયાહ, મનાશ્શેહ. આશ્શૂરના રાજાઓ તિગ્લાથ-પિલેસેર ત્રીજો, સાર્ગોન, સાન્હેરીબ, એસારહાદ્દોન અને આશૂરબાનીપાલ. અરામી રાજાઓ બેન-હદાદ, હઝાએલ અને રસીન.’
ધ બાઇબલ ઍન્ડ રેડિઓકાર્બન ડેટિંગ પરના પુસ્તકે, ક્યૂનિફૉર્મ તકતીઓ સાથે ઈસ્રાએલ-યહુદાના રાજાઓનો બાઇબલનો ઇતિહાસ સરખાવ્યો. એ જણાવે છે કે ‘તકતીઓના લખાણમાં યહુદા અને ઈસ્રાએલના પંદરથી સોળ રાજાઓનાં નામ છે. બાઇબલમાં પહેલા અને બીજા રાજાઓનાં પુસ્તકોમાં એ બધાંય સમયના ક્રમ પ્રમાણે જોવા મળે છે. મળી આવેલી બધીય તકતીઓ બાઇબલ સાથે સહમત થાય છે.’
કોરેશે ઈ.સ. પૂર્વે ૫૩૯માં બાબેલોન પર જીત મેળવી. પછી બાબેલોનના બધા ગુલામોને પોતપોતાના વતન પાછા જવા દીધા. એનાથી યહુદી ગુલામોને ખાસ ફાયદો થયો. (એઝ. ૧:૧-૪) બાઇબલના આ બનાવ વિષે ૧૯મી સદીની શરૂઆતમાં ઘણા વિદ્વાનોએ શંકા ઉઠાવી. પણ ૧૯મી સદીના અંતે (૧૮૭૯માં), ક્યૂનિફૉર્મ લિપિવાળું સાઈરસ (કોરેશ) સિલિંડર મળી આવ્યું. એ અને એનાં જેવાં બીજાં ક્યૂનિફૉર્મ લખાણોએ પુરાવો આપ્યો કે બાઇબલનો એ અહેવાલ સાચો છે.
બાઇબલે એમ પણ કહ્યું હતું કે આશ્શૂર અને બાબેલોનની ગુલામીમાંથી “થોડા” યહુદીઓ પાછા વતન જશે. (યશા. ૧૦:૨૧, ૨૨) જ્યારે કે ઘણા આશ્શૂર અને બાબેલોનમાં જ રહેશે. એનો શું પુરાવો? ૧૮૮૩માં બાબેલોનની નજીકના નિપ્પુર શહેરમાં ૭૦૦થી વધારે ક્યૂનિફૉર્મ તકતીઓ મળી આવી. એમાં ૨,૫૦૦ નામ છે, જેમાંનાં સિત્તેર યહુદી નામ છે. ઇતિહાસકાર એડ્વીન યામાઉચીના કહેવા પ્રમાણે, તેઓ ‘કોન્ટ્રેક્ટ કરતી પાર્ટીઓ, એના એજન્ટો, એના સાક્ષીઓ, ટૅક્સ અધિકારો અને રાજદરબારો’ હોય શકે. એ બતાવે છે કે યહુદીઓ બાબેલોનની આસપાસ વેપારધંધો કરતા હતા.
આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં, આશ્શૂર અને બાબેલોનના લોકો પોતાની ભાષાના લખાણની સાથે સાથે ક્યૂનિફૉર્મ લિપિ પણ વાપરતા. પણ સમય જતાં તેઓએ એ લિપિ છોડી દીધી.
જેટલી તકતીઓ પર સ્ટડી થઈ છે, એના પરથી દેખાઈ આવે છે કે બાઇબલ ભરોસાપાત્ર છે. હજારો તકતીઓ હજુ મ્યુઝિયમમાં છે. એના પર સ્ટડી થશે ત્યારે, બાઇબલને સાચું સાબિત કરતા હજુ વધારે પુરાવા મળી આવશે! (w08 12/15)
[Picture Credit Line on page 27]
Photograph taken by courtesy of the British Museum