શું તમારું શિક્ષણ દિલ સુધી પહોંચે છે?
માબાપ, વડીલો, સુસમાચારના પ્રચારકો—સર્વએ શિક્ષકો બનવાની જરૂર છે. માબાપ પોતાનાં બાળકોને શીખવે છે. વડીલો ખ્રિસ્તી મંડળીના સભ્યોને શીખવે છે, અને સુસમાચારના પ્રચારકો રસ ધરાવતા લોકોને શીખવે છે. (પુનર્નિયમ ૬:૬, ૭; માત્થી ૨૮:૧૯, ૨૦; ૧ તીમોથી ૪:૧૩, ૧૬) તમે તમારા શિક્ષણને દિલ સુધી પહોંચાડવા માટે શું કરી શકો? તમે બાઇબલમાં જણાવવામાં આવેલા સારા શિક્ષકોના ઉદાહરણ અને રીતને અનુસરી શકો. આવા સારા શિક્ષકોમાં એક એઝરા હતા.
એઝરાના ઉદાહરણમાંથી શીખો
એઝરા, હારૂનના વંશજ હતા. તે કંઈક ૨,૫૦૦ વર્ષ પહેલાં બાબેલોનમાં રહેતા હતા. યહુદીઓમાં સાચી ઉપાસના આગળ વધારવા તે ૪૬૮ બી.સી.ઈ.માં યરૂશાલેમમાં ગયા. (એઝરા ૭:૧, ૬, ૧૨, ૧૩) તેમનું કામ લોકોને પરમેશ્વરના નિયમો શીખવવાનું હતું. એઝરાએ પોતાની શીખવવાની કળાને અસરકારક બનાવવા શું કર્યું? તેમણે ઘણાં જરૂરી પગલાં લીધા. એ વિષે એઝરા ૭:૧૦માં નોંધવામાં આવ્યું છે:
“યહોવાહના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં, તથા ઈસ્રાએલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું.” (આ લેખમાંના ત્રાંસા અક્ષરો અમે કર્યા છે.) ચાલો આપણે ટૂંકમાં આ દરેક પગલાંની નોંધ લઈએ અને જોઈએ કે આપણે એમાંથી શું શીખી શકીએ છીએ?
‘એઝરાએ પોતાનું મન લગાડ્યું’
ખેડૂત બી વાવતા પહેલાં સૌ પ્રથમ જમીન ખેડે છે તેમ, પરમેશ્વરના શબ્દને સમજવા એઝરાએ પ્રાર્થના કરીને પોતાનું હૃદય તૈયાર કર્યું. (એઝરા ૧૦:૧) બીજા શબ્દોમાં, તેમણે યહોવાહના શિક્ષણ માટે ‘પોતાનું મન પરોવ્યું.’—નીતિવચનો ૨:૨.
એવી જ રીતે, બાઇબલ બતાવે છે કે રાજા યહોશાફાટે “દેવને શોધવામાં [પોતાનું] મન લગાડ્યું.” (૨ કાળવૃત્તાંત ૧૯:૩) એનાથી ભિન્ન, ઈસ્રાએલની પેઢીએ “પોતાનાં હૃદય સિદ્ધ રાખ્યાં નહિ” અને તેઓનું “હઠીલી તથા ફિતૂરી પેઢી” તરીકે વર્ણન કરવામાં આવ્યું. (ગીતશાસ્ત્ર ૭૮:૮) યહોવાહ ‘અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વને’ જુએ છે. (૧ પીતર ૩:૪) હા, ‘તે ન્યાયીઓને તેમના માર્ગે ચલાવશે.’ (ગીતશાસ્ત્ર ૨૫:૯) તેથી, આજના શિક્ષકો પ્રાર્થનાપૂર્વક પોતાના હૃદયને તૈયાર કરીને એઝરાના ઉદાહરણને અનુસરે એ કેટલું મહત્ત્વનું છે!
“યહોવાહના નિયમનું સંશોધન કરીને”
એક સારા શિક્ષક બનવા માટે, એઝરાએ પરમેશ્વરના શબ્દનું સંશોધન કર્યું. જો તમારે ડૉક્ટરની સલાહ લેવાની હોય તો, શું તમે તેમને ધ્યાનપૂર્વક સાંભળીને ખાતરી નહીં કરો કે તે તમને જે કહે છે એ બધું જ તમે સમજ્યા છો? તમે જરૂર પૂરેપૂરું ધ્યાન આપશો કેમ કે તમારું સ્વાસ્થ્ય જોખમમાં છે. તો પછી, યહોવાહ આપણને તેમના શબ્દ બાઇબલ અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા જે કહી રહ્યા છે એ સાંભળવામાં આપણે ખંતપૂર્વક ધ્યાન આપવું જોઈએ. કેમ કે તેમની સલાહ આપણા જીવનને લગતી છે! (માત્થી ૪:૪; ૨૪:૪૫-૪૭) જોકે, એક સમયે ડૉક્ટરની સલાહ ખોટી પડી શકે, પરંતુ “યહોવાહનો નિયમ સંપૂર્ણ છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૭) આપણે ખાતરી કરવા કદી પણ બીજા કોઈની જરૂર નહિ પડે.
બાઇબલ પુસ્તકો પહેલો અને બીજો કાળવૃત્તાંત (કે જેને સામાન્ય રીતે એઝરાએ એક ગ્રંથ તરીકે લખ્યું હતું) બતાવે છે કે એઝરા ખરેખર ઊંડો અભ્યાસ કરનારા હતા. એ પુસ્તકો લખવા માટે, તેમણે ઘણા બધા સંદર્ભોનો ઉપયોગ કર્યો.a હમણાં જ બાબેલોનમાંથી આવેલા યહુદીઓને પોતાના રાષ્ટ્રના ટૂંકા ઇતિહાસની જરૂર હતી. તેઓ પાસે પોતાના ધર્મની વિધિઓ, મંદિરની સેવા અને લેવીના કાર્ય વિષેનું પૂરતું જ્ઞાન ન હતું. વંશાવળીની યાદી તેઓ માટે ખૂબ મહત્ત્વની હતી. એઝરાએ એ બાબતો માટે ખાસ ધ્યાન આપ્યું. મસીહા ન આવે ત્યાં સુધી યહુદીઓએ પોતાના દેશમાં એક રાષ્ટ્ર તરીકે, એના મંદિર, યાજકપણું અને સૂબા સાથે રહેવાનું હતું. પરિણામે, એઝરા માહિતી એકઠી કરી શક્યા અને એકતા, સાચી ઉપાસના ટકી રહી.
એઝરા સાથે સરખાવતા, તમારા અભ્યાસની આદત વિષે શું? બાઇબલનો ખંતપૂર્વક અભ્યાસ કરવાથી તમે તમારા બાઇબલ શિક્ષણને વધારે અસરકારક બનાવી શકશો.
કુટુંબ તરીકે ‘યહોવાહના નિયમનું સંશોધન કરો’
આપણે એકલા જ બાઇબલ અભ્યાસ કરીએ એ પૂરતું નથી. કુટુંબ તરીકે પણ અભ્યાસ કરવાની સારી તક રહેલી છે.
નેધરલૅન્ડમાં જાન અને જુલિયા નામનું એક યુગલ છે. તેઓને બે દીકરા જન્મ્યા ત્યારથી જ તેઓ તેમની આગળ મોટેથી બાઇબલ વાંચતા. આજે, ઇવો ૧૫ વર્ષનો અને ઈડો ૧૪ વર્ષનો છે. તેઓ કૌટુંબિક બાઇબલ ચર્ચા માટે હજુ પણ અઠવાડિયામાં એક વાર ભેગા મળે છે. જાન સમજાવે છે: “અમે ચર્ચા દરમિયાન ઘણી બધી માહિતી આવરવાનો નહિ પરંતુ જે ચર્ચવામાં આવી રહ્યું છે એને છોકરાઓ સમજે એવો મુખ્ય ધ્યેય રાખીએ છીએ.” તે જણાવે છે: “આજે બાળકો ઘણું બધું સંશોધન કરે છે. તેઓ અજાણ્યા શબ્દો અને બાઇબલ પાત્રોને તપાસે છે, તેઓ ક્યારે થઈ ગયા, તેઓ કોણ હતા, તેઓ શું કામ કરતા હતા વગેરે. તેઓએ વાંચવાનું શીખ્યા ત્યારથી જ શાસ્ત્રવચનો પર અંતરદૃષ્ટિ (અંગ્રેજી), શબ્દકોષ અને એન્સાયક્લોપેડિયાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. એનાથી અમારી કૌટુંબિક ચર્ચા વધારે આનંદિત બનતી. છોકરાઓ આતુરતાથી કૌટુંબિક ચર્ચાની રાહ જોતા.” વધારાનો લાભ એ થયો કે, બંને બાળકો હમણાં ભાષાના જ્ઞાનમાં પોતાના સહાધ્યાયીઓ કરતાં આગળ છે.
જોન અને ટીની, નેધરલૅન્ડનું બીજું એક યુગલ પોતાના પુત્ર ઈસી (જે હવે ૨૪ વર્ષનો છે અને બીજા મંડળમાં પાયોનિયરીંગ કરે છે) અને પુત્રી લીન્ડા (તે હવે ૨૦ વર્ષની છે અને એક સરસ ખ્રિસ્તી ભાઈ સાથે લગ્ન કર્યા છે) સાથે બાઇબલની ચર્ચા કરતા હતા. તેઓ અમુક જ પ્રકાશનમાંથી સવાલ-જવાબની સામાન્ય પદ્ધતિનો ઉપયોગ કરવાને બદલે, પોતાના બાળકની ઉંમર અને જરૂરિયાત પ્રમાણે કૌટુંબિક ચર્ચા કરતા હતા. તેઓ કઈ રીતે ચર્ચા કરતા?
જોન સમજાવે છે કે બાળકો “વાચકો તરફથી પ્રશ્નો” (ચોકીબુરજમાંથી) અને “બાઇબલ શું કહે છે” (સજાગ બનો!માંથી) લેખોના રસપ્રદ વિષયોને પસંદ કરતા. પછી તેઓ પોતે જે કંઈ તૈયાર કર્યું હોય એ બતાવતા કે જેનાથી હંમેશાં કૌટુંબિક ચર્ચા રસપ્રદ થતી. આ રીતે કૌટુંબિક ચર્ચાથી બાળકો સંશોધન કરવાનો અનુભવ મેળવતા અને તેમના સંશોધનની ચર્ચા કરતા. શું તમે તમારા બાળકો સાથે “યહોવાહના નિયમનું સંશોધન” કરો છો? એનાથી તમારી શીખવવાની કળામાં સુધારો થશે અને તમારાં બાળકોને અસરકારક શિક્ષક બનવા પણ મદદ કરશે.
‘તેને પાળો’
એઝરા જે કંઈ શીખ્યા હતા એને જીવનમાં લાગુ પાડ્યું. દાખલા તરીકે, તે બાબેલોનમાં હતા ત્યારે ત્યાં સ્થાયી થઈ ગયા હશે. પરંતુ, જ્યારે તેમને ખબર પડી કે તે પરદેશમાં રહેતા પોતાના લોકોને મદદ કરી શકે છે ત્યારે, તેમણે દૂરના શહેર યરૂશાલેમમાં અગવડતાઓ, સમસ્યાઓ અને જોખમ હોવા છતાં, ત્યાં જવા માટે બાબેલોનનું સગવડતાભર્યું જીવન છોડ્યું. દેખીતી રીતે જ, એઝરા બાઇબલ જ્ઞાનને ખાલી પોતાના મગજમાં ભરતા ન હતા પરંતુ તે જે કંઈ શીખ્યા હતા એને પોતાના જીવનમાં લાગુ પાડતા હતા.—૧ તીમોથી ૩:૧૩.
પછી એઝરા યરૂશાલેમમાં રહેતા હતા ત્યારે પણ બતાવ્યું કે તે જે કંઈ શીખ્યા હતા અને શીખવતા હતા એને પોતાના જીવનમાં લાગુ પાડ્યું છે. તેમણે સાંભળ્યું કે ઈસ્રાએલી પુરુષોએ વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે ત્યારે, તેમના પ્રત્યાઘાતમાં એ સ્પષ્ટ જોવા મળ્યું. બાઇબલ અહેવાલ આપણને બતાવે છે કે તેમણે ‘પોતાના વસ્ત્ર તથા ઝભ્ભાને ફાડીને માથાના તથા દાઢીના વાળ ફાંસી નાખ્યા અને સ્તબ્ધ થઈને નીચે બેઠા.’ તે યહોવાહ સમક્ષ ‘પોતાનું મુખ ઉઠાવતાં પર શરમાતા હતા.’—એઝરા ૯:૧-૬.
પરમેશ્વરના શબ્દના અભ્યાસની તેમના પર કેવી અસર પડી! એઝરા લોકોના આવા દુષ્ટ કૃત્યોના ભયંકર પરિણામો સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા. પાછા ફરેલા યહુદીઓની સંખ્યા ઓછી હતી. જો તેઓ વિધર્મીઓ સાથે લગ્ન કરે તો, તેઓ તેમની આસપાસના રાષ્ટ્રોમાં ભળી જઈ શકે અને સાચી ઉપાસના પૃથ્વી પરથી નાબૂદ થઈ શકે!
આનંદની બાબત છે કે, એઝરાના યોગ્ય ભય અને ઉત્સાહે ઈસ્રાએલીઓને પોતાનો માર્ગ સુધારવા પ્રેર્યા. તેઓએ પોતાની વિધર્મી પત્નીઓને છોડી દીધી. ફક્ત ત્રણ જ મહિનામાં બાબતો થાળે પડી ગઈ. પરમેશ્વરના શબ્દ પ્રત્યે એઝરા વફાદાર રહ્યા, જેના લીધે તેમનું શિક્ષણ વધારે અસરકારક બન્યું.
આજે પણ આ બાબત એટલી જ સાચી છે. એક ખ્રિસ્તી પિતાએ કહ્યું: “બાળકો આપણે જે કહીએ છીએ એ નથી કરતા; પરંતુ આપણે જે કરીએ છીએ એ કરે છે!” એ જ સિદ્ધાંત ખ્રિસ્તી મંડળોમાં પણ લાગુ પડે છે. મંડળમાં સારું ઉદાહરણ બેસાડનાર વડીલ અપેક્ષા રાખી શકે કે તે જે શીખવશે એને મંડળ અનુસરશે.
“ઈસ્રાએલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં”
એઝરાનું શિક્ષણ શા માટે આટલું અસરકારક હતું એનું બીજુ એક કારણ પણ છે. તે પોતાના વિચારો શીખવતા ન હતા, પરંતુ તેમણે “વિધિઓ તથા હુકમો” શીખવ્યા. એટલે કે તેમણે યહોવાહના નિયમો શીખવ્યા. એ યાજકોની જવાબદારી હતી. (માલાખી ૨:૭) તેમણે ન્યાય કરતા પણ શીખવ્યું અને પરમેશ્વરના ધોરણો પ્રમાણે જે સાચું હતું એને વળગી રહીને એક સારું ઉદાહરણ બેસાડ્યું. સત્તામાં હોય એવી વ્યક્તિઓ ન્યાય બતાવે છે ત્યારે સ્થિરતા આવે છે અને એ કાયમી ધોરણે સારા પરિણામો આપે છે. (નીતિવચનો ૨૯:૪) એવી જ રીતે, પરમેશ્વરના શબ્દથી સારી રીતે પરિચિત ખ્રિસ્તી વડીલો, માબાપો અને રાજ્ય પ્રચારકો, યહોવાહના નિયમો અને ન્યાય વિષે મંડળમાં, કુટુંબમાં અને રસ ધરાવનારાઓને શીખવે છે ત્યારે આત્મિક રીતે સ્થિરતા આવે છે.
વિશ્વાસુ એઝરાના ઉદાહરણને પૂરેપૂરું અનુસરવાથી તમે અસરકારક રીતે શીખવી શકશો, શું તમે એની સાથે સહમત છો? તો પછી, ‘યહોવાહના નિયમનું સંશોધન કરો એને પાળો, તથા યહોવાહના વિધિઓ તથા હુકમો શીખવવામાં તમારું મન લગાડો.’—એઝરા ૭:૧૦.
[ફુટનોટ]
a વીસ સંદર્ભની યાદી યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત શાસ્ત્રવચનો પર અંતરદૃષ્ટિ (અંગ્રેજી) ગ્રંથ ૧ના પાન ૪૪૪-૫ પર જોવા મળે છે.
[પાન ૨૨ પર બોક્સ/ચિત્ર]
એઝરાનું શિક્ષણ શાને લીધે અસરકારક બન્યું?
૧. તેમણે પોતાના હૃદયને યોગ્ય રીતે તૈયાર કર્યું
૨. યહોવાહના નિયમનું સંશોધન કર્યું
૩. તે જે શીખ્યા હતા એને લાગુ પાડીને સારું ઉદાહરણ બેસાડ્યું
૪. તેમણે આત્મિક બાબતોનો ખંતપૂર્વક અભ્યાસ કર્યો