પ્રેમથી સાંભળતા શીખીએ
“તમે મારું સાંભળ્યું માટે તમારો ઘણો આભાર.” શું તમને કોઈએ હમણાં એવું કહ્યું છે? એવી પ્રશંસા કોને ન ગમે! ધ્યાનથી સાંભળનારાઓની સર્વ લોકો પ્રશંસા કરે છે. સારી રીતે સાંભળવાથી ઉદાસ થઈ ગયેલાઓ અથવા મુશ્કેલી અનુભવે છે તેઓને રાહત મળશે. એટલું જ નહિ, આપણે બીજાઓ સાથે સારા સંબંધ રાખી શકીશું. આપણે પ્રેમથી બીજાનું સાંભળીશું તો ખ્રિસ્તી મંડળોમાં ‘અરસપરસ ઉત્તેજન આપવા માટે આપણે એકબીજાનો વિચાર કરીશું.’—હેબ્રી ૧૦:૨૪.
જોકે, મોટા ભાગના લોકોને સાંભળવાનું ગમતું નથી. બીજાઓનું સાંભળવાના બદલે તેઓ સલાહ-સૂચનો આપવા કે પોતાના અનુભવો કહેવા અથવા વિચારો જણાવવા બેસી જાય છે. પરંતુ, સારી રીતે સાંભળતા શીખવું એક કળા છે. કઈ રીતે આપણે પ્રેમથી સાંભળનારા બની શકીએ?
સૌથી મહત્ત્વની ચાવી
યહોવાહ આપણા મહાન “શિક્ષક” છે. (યશાયાહ ૩૦:૨૦) આપણે કઈ રીતે સાંભળવું જોઈએ એ વિષે તે આપણને સૌથી સારી રીતે શીખવે છે. યહોવાહે જે રીતે પ્રબોધક એલીયાહને મદદ કરી એનો વિચાર કરો. ઇઝેબેલ રાણીની ધમકીથી એલીયાહ ગભરાઈને અરણ્યમાં નાસી ગયા હતા. એટલું જ નહિ, પણ તેમણે પરમેશ્વર પાસે મોત માંગ્યું. પરમેશ્વરના દૂતે તેમની સાથે વાત કરી. એલીયાહને જેનો ડર હતો એ વિષે પોતે જણાવતા હતા ત્યારે, યહોવાહે તેમનું ધ્યાનથી સાંભળ્યું. પછી તેમણે પોતાની મહાન શક્તિનો પરચો બતાવ્યો. એનું પરિણામ શું આવ્યું? એનાથી એલીયાહનો ભય દૂર થયો. આથી, તેમને સોંપેલું કામ પૂરું કરવા તે પાછા ફર્યા. (૧ રાજાઓ ૧૯:૨-૧૫) શા માટે યહોવાહ પોતાના સેવકોની પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે? એનું કારણ કે, યહોવાહને પોતાના સેવકો ખૂબ જ પ્રિય છે. (૧ પીતર ૫:૭) સારા સાંભળનારા બનવાની સૌથી મહત્ત્વની ચાવી છે: બીજાઓનું ભલું ઇચ્છીએ અને તેઓમાં ખરેખર રસ બતાવીએ.
બોલિવિયામાં રહેતા એક ભાઈએ મોટી ભૂલ કરી હતી. ભાઈઓ પાસેથી મળેલી મદદની તેણે ખરેખર કદર કરી. તે કહે છે: “હું સાવ તૂટી ગયો હતો. જો ભાઈઓએ મારી સાથે વાત ન કરી હોત અથવા જો તેઓએ મારું ન સાંભળ્યું હોત, તો મેં ક્યારનુંય યહોવાહની સેવા કરવાનું છોડી દીધું હોત. તેમણે મને કંઈ ખાસ કહ્યું નહિ. પરંતુ, મારું ધ્યાનથી સાંભળ્યું હોવાથી મને ખૂબ જ ઉત્તેજન મળ્યું. જોકે મને તેમની પાસેથી એ સલાહ જોઈતી ન હતી કે મારે શું કરવાની જરૂર છે; કેમ કે મારે શું કરવું જોઈએ એની મને ખબર હતી. પરંતુ, હું ઇચ્છતો હતો કે કોઈ મને સમજે. તેઓએ મારું સાંભળ્યું તેથી મારો બોજો હલકો થઈ ગયો.”
ઈસુ ખ્રિસ્તે પ્રેમથી બીજાનું સાંભળવામાં સૌથી સારું ઉદાહરણ બેસાડ્યું છે. ઈસુના મરણના થોડા દિવસ પછી, ઈસુના બે શિષ્યો યરૂશાલેમથી અગિયાર કિલોમીટર દૂર આવેલા ગામમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ ખૂબ જ હતાશ થયેલા હતા. સજીવન થયેલા ઈસુ ખ્રિસ્ત તેમની સાથે ચાલવા લાગ્યા. ઈસુએ તેઓને એવા પ્રશ્નો પૂછ્યા જેથી તેઓના મનમાં શું છે એ જાણી શકાય. તેથી તેઓ જણાવવા લાગ્યા કે તેઓની કેવી કેવી આશા હતી. પણ એમ થયું ન હોવાથી તેઓ હતાશ થઈને મૂંઝાઈ ગયા છે. ઈસુને તેઓની ચિંતા હોવાથી તેમનું ધ્યાનથી સાંભળ્યું. એના લીધે આ બે શિષ્યો ઈસુની વાત સાંભળવા માટે તૈયાર હતા. પછી ઈસુએ “ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.”—લુક ૨૪:૧૩-૨૭.
જો આપણે પહેલા કોઈનું સાંભળીએ તો તેઓ આપણું સાંભળશે. બોલિવિયામાં રહેતી એક સ્ત્રી કહે છે, “હું જે રીતે બાળકોને ઉછેરતી હતી એ વિષે મારાં માબાપ અને મારાં સાસુ-સસરા વાંધો ઉઠાવતાં હતાં. જોકે, મને પહેલાં તો ગુસ્સો આવ્યો પણ પછી વિચારવા લાગી કે શું હું મમ્મી તરીકેની જવાબદારી યોગ્ય રીતે નિભાવું છું કે કેમ. લગભગ એ સમયમાં યહોવાહના સાક્ષીઓની બે બહેનો મારા ઘરે આવ્યા. તેઓ મને પરમેશ્વરે આપેલા વચન વિષે જણાવવા લાગ્યા. તેઓએ મને મારા પોતાના વિચારો જણાવવાનું કહ્યું ત્યારે મને લાગ્યું કે તેઓ મારું સાંભળશે. મેં તેઓને ઘરમાં બોલાવીને મારી મુશ્કેલી જણાવી. તેમણે ધીરજથી મારું સાંભળ્યું. તેઓએ મને પૂછ્યું કે ‘તું તારાં બાળકો પાસેથી શાની ઇચ્છા રાખે છે અને એ વિષે તારા પતિને કેવું લાગે છે.’ મને કોઈ સમજવા તૈયાર હતું એ જાણીને મને ઘણી રાહત મળી. તેમણે મને બાઇબલમાંથી બતાવ્યું કે કૌટુંબિક જીવન વિષે બાઇબલ શું કહે છે. ત્યારે મને અહેસાસ થયો કે હું એક એવી વ્યક્તિ સાથે વાત કરી રહી છું કે જેને મારી પરવા છે.”
બાઇબલ કહે છે, ‘પ્રીતિ પોતાનું જ હિત જોતી નથી.’ (૧ કોરીંથી ૧૩:૪, ૫) પ્રેમથી સાંભળવાનો અર્થ થાય કે આપણે પોતાનું જ હિત ન જોવું જોઈએ. બીજાઓ આપણી સાથે મહત્ત્વની ચર્ચા કરવા આવે ત્યારે પેપર વાંચતા હોય તો એને એક બાજુએ મૂકી દેવું જોઈએ. ટીવી કે મોબાઇલ ચાલું હોય તો ઑફ કરીને પ્રેમથી સામેની વ્યક્તિનું ધ્યાનથી સાંભળવું જોઈએ. આપણે વ્યક્તિનું ધ્યાનથી સાંભળીએ છીએ ત્યારે કહી શકીએ કે આપણને ખરેખર તેઓમાં રસ છે. વાત સાંભળતા હોઈએ ત્યારે એમ પણ ન કહેવું જોઈએ કે, ‘તે મને કેટલાક સમય પહેલાં મારી સાથે જે બન્યું હતું એની યાદ અપાવે છે.’ આપણે કોઈની સાથે સામાન્ય વાત કરતા હોઈએ ત્યારે એમ કહીએ એમાં વાંધો નથી પરંતુ જ્યારે મહત્ત્વની ચર્ચા કરતા હોય ત્યારે પોતાનું હિત ન જોવું જોઈએ. બીજી અનેક રીતોથી પણ વ્યક્તિમાં ખરો રસ બતાવી શકીએ છીએ.
બીજાઓની લાગણીઓ સમજો
અયૂબે તેમના મિત્રોને લગબગ દસ વાર પોતાના વિચારો જણાવ્યા હશે. તેમ છતાં, અયૂબે કહ્યું: “અરે મારી દાદ સાંભળનાર કોઈ હોય તો કેવું સારૂં!” (અયૂબ ૩૧:૩૫) શા માટે? તેમનું સાંભળનારાઓએ તેમને કોઈ દિલાસો આપ્યો ન હતો. તેઓને અયૂબની કંઈ પડી ન હતી. તેમ જ તેઓ તેમની લાગણીઓ સમજવા પણ માંગતા ન હતા. તેઓએ જરા પણ દયા બતાવી ન હતી. પ્રેષિત પાઊલે કહ્યું: “તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રીતિ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ.” (૧ પીતર ૩:૮) આપણે કઈ રીતે દયાભાવ બતાવી શકીએ? એક રીત એ છે કે આપણે બીજાની લાગણીઓ ધ્યાનમાં રાખીને તેમને સમજવાનો પ્રયત્ન કરીએ. કદાચ આપણે તેઓને કહી શકીએ, ‘તમને એનાથી બહુ દુઃખ થયું હશે’ અથવા ‘બીજા લોકો તમારા વિચારો સમજતા નથી, ખરૂને?’ આ રીતે આપણે તેઓ સાથે પ્રેમથી વાત કરી શકીએ. વ્યક્તિ જે કંઈ કહે છે એને પોતાના શબ્દોમાં જણાવો. એમ કરવાથી આપણે બતાવીશું કે તે જે કંઈ કહે છે એ આપણે સમજીએ છીએ. પ્રેમથી સાંભળવાનો અર્થ એ પણ થાય છે કે તેમના શબ્દો જ નહિ લાગણીઓ પણ સમજીએ.
રોબર્ટa યહોવાહનો સાક્ષી છે. તે પાયોનિયર છે. તે જણાવે છે: “મારા જીવનમાં હું એક વાર બહુ જ ઉદાસ થઈ ગયો હતો. તેથી, મેં સરકીટ ઑવરસિયર સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેમણે ખરેખર મારું સાંભળ્યું અને મારી લાગણીઓ પણ સમજ્યા. મારા ખરાબ વલણના લીધે મને જે ડર લાગતો હતો એ પોતે સમજી શક્યા. પરંતુ ભાઈએ મને કહ્યું કે ‘હું તારી લાગણીઓ બરાબર સમજી શકું છું.’ એનું કારણ કે તેઓ પણ એવી જ લાગણીમાંથી પસાર થઈ ચૂક્યા છે. એનાથી મને પ્રગતિ કરવામાં મદદ મળી.”
વ્યક્તિ આપણને જે કહે એની સાથે સહમત ન હોય તોપણ શું તેમનું સાંભળવું જોઈએ? તેઓ દિલ ખોલીને આપણી સાથે વાત કરે તો શું આપણે એની કદર કરીએ છીએ? હા. છોકરો સ્કૂલમાં તોફાન કરીને આવે કે એક તરૂણી ઘરે આવીને કહે કે તે પ્રેમમાં પડી છે તો શું? ખરું-ખોટું સમજાવતા પહેલાં છોકરા કે છોકરીના મનમાં શું છે એ માબાપે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.
નીતિવચનો ૨૦:૫ કહે છે, “અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે; પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.” જો સમજુ કે અનુભવી વ્યક્તિ જરૂરી સલાહ ન આપે, તો આપણે તેમની સલાહ લેવા માટે પ્રશ્ન પૂછીએ છીએ. એવી જ રીતે, આપણે ધ્યાનથી સાંભળતા હોઈએ ત્યારે પણ એ લાગુ પડે છે. વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે આપણે સમજી વિચારીને પ્રશ્નો પૂછવા જોઈએ. એમ કરવાથી આપણને મદદ મળશે. પરંતુ, આપણે કાળજી રાખવી જોઈએ કે આપણા પ્રશ્નો તેમની વ્યક્તિગત બાબતમાં માથું તો નથી મારતા ને? આપણે વ્યક્તિને કહી શકીએ કે તમે જે જણાવવા ચાહતા હોવ એ જણાવી શકો. દાખલા તરીકે, એક પત્ની લગ્નજીવનની મુશ્કેલીઓ જણાવવા ઇચ્છતી હોય. આ પત્ની માટે તેઓ કઈ રીતે મળ્યા, લગ્ન કર્યા વગેરે બાબતો પહેલા જણાવવી સહેલી લાગી શકે. યહોવાહની સેવામાં ઠંડા પડી ગયેલા ભાઈ કે બહેન એ જણાવી શકે કે પોતે કઈ રીતે પરમેશ્વર વિષે શીખ્યા એ જણાવવાથી શરૂઆત કરવી સહેલું લાગી શકે.
પ્રેમથી સાંભળવું સહેલું નથી
કોઈને આપણી સાથે અણબનાવ થયો હોય ત્યારે તેઓનું સાંભળવું બહુ જ અઘરું છે. એનું કારણ કે સામાન્ય રીતે આપણે પોતાનો બચાવ કરીએ છીએ. પરંતુ, કોઈની સાથે અણબનાવ થયો હોય તો આપણે કઈ રીતે એ હલ કરી શકીએ? નીતિવચનો ૧૫:૧ કહે છે: “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે.” વ્યક્તિ સાથે પ્રેમથી વાત કરવી જોઈએ. પછી જ્યારે તે પોતાનું દુઃખ જણાવે ત્યારે ધ્યાનથી તેમનું સાંભળવું જોઈએ. નમ્રતાથી જવાબ આપવાની એ એક રીત છે.
જો કોઈનો કોઈની સાથે ઝગડો થયો હોય તો અમુક વ્યક્તિઓ વારંવાર એકના એક શબ્દોનું જ રટણ કરતા હોય છે. દરેક વ્યક્તિને એવું જ લાગે કે બીજી વ્યક્તિ તેમનું સાંભળતી નથી. એક વ્યક્તિ જરા થોભીને બીજાની વાત સાંભળે તો પરિસ્થિતિ કેટલી સારી થઈ જાય! જોકે, સંયમ ને નમ્રતા કેળવીને પ્રેમથી જવાબ આપવો ખૂબ જ મહત્ત્વનું છે. બાઇબલ આપણને કહે છે: “પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણ કરે છે.”—નીતિવચનો ૧૦:૧૯.
પ્રેમથી સાંભળવાની કળા કંઈ આપોઆપ આવી જતી નથી. એ કળાને પ્રયત્ન અને શિસ્ત દ્વારા શીખી શકાય છે. આ કળા ખરેખર કેળવવી જ જોઈએ. આપણે ધ્યાનથી બીજાઓનું સાંભળીને તેઓને પ્રેમ બતાવી શકીએ છીએ. એનાથી આપણને આનંદ મળશે. તેથી, પ્રેમથી સાંભળવાની કળા કેળવીએ એ કેટલું મહત્ત્વનું છે!
[ફુટનોટ]
a નામ બદલવામાં આવ્યું છે.
[પાન ૧૧ પર ચિત્ર]
સાંભળતા હોઈએ ત્યારે, પોતાનું હિત ન જોવું જોઈએ
[પાન ૧૨ પર ચિત્ર]
વ્યક્તિને દુઃખ થયું હોય ત્યારે સાંભળવું ઘણું અઘરું છે