યહોવાહના હાથની કરામત તેમને મહિમા આપે છે
યહોવાહ પરમેશ્વરની મહાનતા વિષે આપણે કલ્પના પણ કરી શકતા નથી. આકાશગંગા, પૃથ્વી ને આખી સૃષ્ટિ તેમના હાથની કરામત છે. એ તેમનો જયજયકાર કરે છે. એ આપણને નવાઈ પમાડે છે.—ગીતશાસ્ત્ર ૧૯:૧-૪.
યહોવાહ વિશ્વના માલિક છે. તે બોલે ત્યારે ધ્યાનથી તેમનું સાંભળવું, એ આપણી ફરજ છે. પણ જો તે આપણા જેવા મામૂલી માણસો સાથે વાત કરે તો, શું આપણને નવાઈ નહિ લાગે! કલ્પના કરો કે યહોવાહ પોતાના સ્વર્ગ દૂત દ્વારા તમારી સાથે વાત કરે છે. એમ થાય તો તમે બધાં કામો બાજુએ મૂકીને તેમને ધ્યાન આપશો, ખરું ને! લગભગ ૩,૫૦૦ વર્ષો પહેલાં, યહોવાહે તેમના ભક્ત અયૂબની સાથે વાત કરી હતી. અયૂબે પણ તેમનું ધ્યાનથી સાંભળ્યું હતું. યહોવાહે અયૂબને ધરતી, સૂરજ, ચાંદ અને તારાઓ વિષે જે કહ્યું, એમાંથી આપણે શું શીખી શકીએ?
પૃથ્વી કોણે બનાવી, સમુદ્રને કોણ કાબૂમાં રાખે છે?
પૃથ્વી ને સમુદ્ર વિષે યહોવાહે વંટોળિયામાંથી અયૂબને અમુક સવાલ પૂછ્યા. (અયૂબ ૩૮:૧-૧૧) કોઈ આર્કિટેક્ટે નક્કી કર્યું ન હતું કે પૃથ્વી કેટલી મોટી હોવી જોઈએ. એ બનાવવામાં પણ કોઈએ મદદ કરી ન હતી. ઈશ્વરે પૃથ્વીને ઇમારત સાથે સરખાવીને અયૂબને પૂછ્યું કે ‘કોણે એના પાયા સજડ બેસાડ્યા?’ કોઈ માણસે નહિ! યહોવાહ પૃથ્વી ઘડતા હતા ત્યારે, સ્વર્ગ દૂતો એ જોતા ને ખુશ ખુશ થતા હતા.
ઈશ્વરની ઉંમર સમુદ્ર સાથે સરખાવીએ તો, સમુદ્ર એક નવા જન્મેલા બાળક જેવું જ છે. યહોવાહ જાણે એને કપડાં પહેરાવે છે. સમુદ્ર ‘જાણે ગર્ભસ્થાનમાંથી નીકળ્યો હોય એમ ધસી આવ્યો છે.’ દરવાજાને બોલ્ટ કે આગળિયો મારવામાં આવે છે એમ, યહોવાહ સમુદ્રને એની હદમાં રાખે છે. તે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણથી એની ભરતીને કાબૂમાં રાખે છે.
ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા કહે છે: ‘મોટા ભાગે પવનથી દરિયામાં નાનાં નાનાં મોજાં શરૂ થાય છે, એમાંથી જબરજસ્ત તોફાન થાય છે. અરે, સો સો ફૂટ ઊંચાં મોજાં આવી શકે. પવન બંધ થયા પછી મોજાં ધીમે ધીમે કિનારા તરફ આવતા જાય છે અને એની લંબાઈ વધતી જ જાય છે. છેવટે એ સાગર કિનારે પહોંચે છે ત્યારે, તૂટીને ફીણ ફીણ થઈ જાય છે.’ સમુદ્ર પણ પરમેશ્વરની આજ્ઞા પાળે છે: “તારે અહીં સુધી જ આવવું, પણ એથી આગળ વધવું નહિ; અને અહીં તારાં ગર્વિષ્ટ મોજાં અટકાવી દેવામાં આવશે.”
દિવસ કોણે બનાવ્યો?
પછી ઈશ્વરે અયૂબને પ્રકાશની બીજી વસ્તુઓ પર થતી અસર વિષે પૂછ્યું. (અયૂબ ૩૮:૧૨-૧૮) મનુષ્ય પાસે એવી શક્તિ નથી કે તે પ્રકાશને કહી શકે કે ક્યારે દિવસ ને રાત થવી જોઈએ. સવારે સૂરજ ઊગે છે ત્યારે દુષ્ટોને સંતાવું પડે છે. પાપીઓ “અંધારાની” રાહ જુએ છે, જેથી તેઓ પાછા દુષ્ટ કામોમાં તલ્લીન થઈ શકે. (અયૂબ ૨૪:૧૫, ૧૬) પણ સૂરજ ઊગે છે ત્યારે, તેઓ ચારે બાજુ વિખેરાઈ જાય છે.
સવારના અજવાળાથી પરમેશ્વર જાણે પોતાના હાથેથી ધરતી પર મહોર મારીને સુંદર બનાવે છે. સૂર્યનાં કિરણો ધરતીને રંગબેરંગી બનાવી દે છે. જાણે ધરતીને સુંદર કપડાંથી શણગારી હોય. એની રચનામાં અયૂબે કોઈ ભાગ ભજવ્યો ન હતો. તેમણે સમુદ્રના ઊંડાણમાં જઈને એમાં કેવો ખજાનો છે, એની ગણતરી કરી ન હતી. અરે, આજે જેઓ સમુદ્રનું સંશોધન કરે છે, તેઓને પણ એની બહુ ખબર નથી!
બરફ ને કરાનો ભંડાર કોની પાસે છે?
કોઈ મનુષ્ય અજવાળાને કે અંધારાંને પોતાના ઘરે લઈ જઈ શક્યો નથી. તેમ જ બરફના કે કરાના ભંડારમાં જઈ શક્યો નથી. ઈશ્વરે એ તો “યુદ્ધ તથા સંગ્રામના દિવસને માટે ભરી મૂક્યા છે.” (અયૂબ ૩૮:૧૯-૨૩) યહોવાહે ગિબઓનમાં પોતાના દુશ્મનોનો નાશ કરવા માટે કરા વરસાવ્યા હતા. બાઇબલ કહે છે કે ‘ઈસ્રાએલપુત્રોએ તરવારથી જેટલા લોકોને માર્યા તેમના કરતાં કરાથી વધારે માર્યા ગયા હતા.’ (યહોશુઆ ૧૦:૧૧) આવતા દિવસોમાં ગોગના કે શેતાનના ઇશારે નાચતા દુષ્ટોનો નાશ કરવા, યહોવાહ કદાચ કરાનો ઉપયોગ કરે પણ ખરા. એ કેટલા મોટા હશે એના વિષે બાઇબલમાં કંઈ જણાવ્યું નથી.—હઝકીએલ ૩૮:૧૮, ૨૨.
જુલાઈ ૨૦૦૨માં ચીનના મધ્ય હેનાન વિસ્તારમાં, ઈંડા જેટલા મોટા કરાનો વરસાદ પડવાથી ૨૫ લોકોએ જીવ ગુમાવ્યો. તેમ જ ૨૦૦ લોકો ઘાયલ થયા હતા. ઇટાલિઅન શિલ્પકાર બેન્વીનનૂટો ચેલીનગે ૧૫૪૫માં કરાના વરસાદ વિષે આમ લખ્યું: ‘એક વાર અમે ફ્રાન્સના લ્યોં શહેર જતા હતા. ત્યાં પહોંચવા માટે હજી એક દિવસની મુસાફરી બાકી હતી. પણ ત્યાં તો મેઘરાજ તડૂક્યો. કાન ફાટી જાય એટલા જોરથી મેઘગર્જના થવા લાગી. ગર્જના પછી ડરાવી નાખે એવો ભયંકર અવાજ આકાશમાંથી સંભળાયો. મને થયું કે હવે દુનિયાનો અંત આવી ગયો છે. એ અવાજ સાંભળીને મેં ઘોડાને ઊભો રાખ્યો. એવામાં ફક્ત કરાનો વરસાદ વરસવા લાગ્યો. લીંબુ જેવા મોટા મોટા કરા પડવા લાગ્યા. થોડી વાર પછી તોફાન બંધ થઈ ગયું. અમે એકબીજાને કરાથી થએલા ઉઝરડા અને ઇજા બતાવવા લાગ્યા. ત્યાંથી અમે લગભગ એક માઈલ જેટલા આગળ ગયા. કરાથી થયેલું નુકસાન જોઈને અમે આભા જ બની ગયા. એ નુકસાન વર્ણન કરવા અમારી પાસે શબ્દો ન હતા. અમે ત્યાંથી થોડા દૂર હતા ને અમારી પર જે વીત્યું એ આની સરખામણીમાં કંઈ જ ન કહેવાય. અહીં બધા વૃક્ષોનાં પાન ખરી પડ્યાં હતાં, વેરવિખેર થઈ ગયાં હતાં. ખેતરમાં જ્યાં જુઓ ત્યાં પશુઓ મરેલાં હતાં. એમાં ઘણા ભરવાડો પણ હતા. અમે ખેતરોમાં કેટલાએક મોટા મોટા કરા જોયા. એ ખોબામાં પણ સમાય નહિ એટલા મોટા હતા.’—ઑટોબાયોગ્રાફી (બીજું પુસ્તક, ૫૦), હાર્વર્ડ ક્લાસિક્સ, ભાગ ૩૧, પાન ૩૫૨-૩.
હવે વિચારો કે જ્યારે યહોવાહ પોતાના દુશ્મનોનો નાશ કરવા બરફ ને કરાનો ભંડાર ખોલશે, ત્યારે શું થશે? યહોવાહ પોતાના હેતુ પૂરા કરવા બરફ ને કરાનો વરસાદ વરસાવશે ત્યારે, તેમના દુશ્મનોમાંથી કોઈ બચશે જ નહિ.
વરસાદ, ઝાકળ, હિમ અને બરફ કોણે બનાવ્યા?
પછી યહોવાહે અયૂબને વરસાદ, ઝાકળ, હિમ અને બરફ વિષે પૂછ્યું. (અયૂબ ૩૮:૨૪-૩૦) યહોવાહ જે રીતે વરસાદ વરસાવે છે, એ અજોડ છે. ‘જ્યાં કોઈ માણસ વસતું નથી એવા અરણ્યમાં પણ તે વરસાદ વરસાવે છે.’ એનાથી રણને પણ ફાયદો થાય છે. વરસાદ, હિમ અને બરફના કોઈ માનવ પિતા નથી.
નેચર બુલેટિન કહે છે કે ‘બરફની ખાસિયત છે કે પાણી બરફ થાય છે ત્યારે એ વધે છે. સખત ઠંડી હોય ત્યારે તળાવમાં ભરેલાં પાણીનું થર થીજીને બરફ થઈ જાય છે અને ઉપર ઉપર જ તરે છે. એ કારણથી તળાવના ઊંડાઈમાં જે છોડ ઊગે છે ને પ્રાણીઓ (માછલી, વગેરે) હોય છે એ જીવી શકે છે. પણ એના બદલે જો બરફ વધુ ગાઢ અને ભારે થાય તો વજનના લીધે ડૂબી જાય છે. આમ થયા રાખે તો ધીમે ધીમે તળાવનું બધું પાણી ઠરીને બરફ થઈ જાય. આમ ચાલ્યા કરે તો દુનિયાના ઠંડા વિસ્તારમાંની નદીઓ, તળાવો, સરોવરો કે સમુદ્રો છેવટે કાયમ માટે બરફ બની જાય.’
આ રીતે બધું જ પાણી બરફ થઈ જતું નથી માટે આપણે કેટલા આભારી છીએ! તેમ જ યહોવાહે બનાવેલા વરસાદ અને ઝાકળથી દુનિયામાં ફૂલ-ઝાડ ને શાકભાજી તાજા-માજા થઈ જાય છે. ખરેખર એ માટે આપણે યહોવાહના ગુણ ગાવા જોઈએ.
આકાશમંડળના નિયમો કોણે બનાવ્યા?
ઈશ્વર પછી અયૂબને આકાશમંડળ વિષે પૂછે છે. (અયૂબ ૩૮:૩૧-૩૩) કૃત્તિકા નક્ષત્રને મોટે ભાગે વૃષભ નક્ષત્રની સાથે ઓળખવામાં આવે છે. વૃષભ તારામંડળમાં સાત મોટા તારા છે અને ઘણા નાના નાના તારા છે. એ સૂર્યથી ખૂબ જ દૂર છે. ‘કૃત્તિકા નક્ષત્રોના’ તારાઓને કોઈ મનુષ્ય ઝૂમખામાં “બાંધી” શકતું નથી કે ‘મૃગશીર્ષના બંધન છોડી શકતું નથી.’ મૃગશીર્ષ આજે મૃગથી પણ ઓળખાય છે. તેમ છતાં આપણે ચોક્કસ જાણતા નથી કે રાશિઓ અને સપ્તર્ષિ નક્ષત્રો આજે કયા નામથી ખરેખર ઓળખાય છે. તોપણ એક વાત ચોક્કસ છે કે માણસ તેઓ પર રાજ કરી શકતા નથી ને “આકાશના નિયમો” પણ બદલી શકતા નથી. આકાશના નિયમો જ તારામંડળો પર રાજ કરે છે.
યહોવાહે એવા નિયમો બનાવ્યા છે, જેના આધારે આકાશી તારામંડળો ચાલે છે. એ નિયમો પૃથ્વીના વાતાવરણ અને દરિયાની ભરતી પર રાજ કરે છે. એના લીધે જ આપણે પૃથ્વી પર જીવી શકીએ છીએ. હવે સૂર્યનો વિચાર કરો. એના વિષે ધી એન્સાયક્લોપેડિયા અમેરિકાના (૧૯૯૬ની આવૃત્તિ) કહે છે: ‘સૂર્યનાં કિરણો પૃથ્વીને ગરમી ને પ્રકાશ આપે છે. એટલે ફૂલ-ઝાડ ઊગે છે. સમુદ્ર, તળાવ કે સરોવરનાં પાણી વરાળ થઈને ઊડી જાય છે, જેનાથી પવનનું ઉત્પાદન થાય છે. પવન અનેક જરૂરી કાર્ય કરે છે. જેના કારણે આપણે જીવી શકીએ છીએ.’ આ પુસ્તક આગળ કહે છે, ‘સૂર્યના પ્રકાશમાં કેટલી શક્તિ સમાયેલી છે? એ સમજવા માટે આપણે જાણવાની જરૂર છે કે એની શક્તિથી શું શું થાય છે? પવનમાં, તળાવ-નદી પર બાંધેલા બંધમાં અને લાકડાં, કોલસા, તેલ જેવા કુદરતી બળતણમાં જે શક્તિ છે, એ બધી સૂર્ય પ્રકાશમાંથી આવે છે. એ શક્તિ સૂર્યથી ૧૫૦ મિલિયન દૂરના નાના ગ્રહમાં એટલે પૃથ્વીમાં સાચવવામાં આવી છે.’
વાદળાઓમાં જ્ઞાન કોણે મૂક્યું?
યહોવાહ અયૂબને વાદળોનો વિચાર કરવાનું કહે છે. (અયૂબ ૩૮:૩૪-૩૮) એવો કોઈ જ નથી જે વાદળાને હાજર થવાનો કે વરસાદને વરસવાનો હુકમ કરી શકે. મનુષ્ય જળચક્ર વગર જીવી જ ન શકે, એટલે જ એ આપણી માટે ગોઠવ્યું છે!
જળચક્ર શું છે? એ વિષે એક પુસ્તક આમ કહે છે: ‘જળચક્રની અલગ અલગ ચાર ક્રિયાઓ છે. પાણી ભેગું થવું, વરાળ થવું, વરસાદનાં ટીપાંમાં બદલાવું અને વહી જવું. પાણી જમીનમાં, સાગર-સરોવરોમાં, નદીઓમાં, બરફથી ઢંકાયેલા પહાડોમાં ભેગું થાય છે. પછી એ વરાળ થઈને વાદળ બને છે. એ પાણી વરસાદ કે બરફના રૂપમાં ધરતી પર પાછું આવે છે. પછી વહીને દરિયામાં જાય છે અથવા વરાળ થઈને વાતાવરણમાં ફેલાય છે. પૃથ્વી પરનું મોટા ભાગનું પાણી આ જળચક્રમાંથી પસાર થાય છે.’—માઈક્રોસોફ્ટ એન્કાર્ટા રેફરન્સ લાઇબ્રેરી ૨૦૦૫.
ટાંકીની જેમ વાદળોમાં પાણી ભરાય છે. યહોવાહ એને નમાવે છે ત્યારે વરસાદ વરસે છે, ધૂળ ભીંજાઈને કાદવ કે માટીનાં ઢેફાં બને છે. ઈશ્વર વરસાદ વરસાવી શકે છે અને એને રોકી પણ શકે છે.—યાકૂબ ૫:૧૭, ૧૮.
મોટા ભાગે વરસાદ આવે છે ત્યારે વીજળી ચમકે છે. પણ માણસ પોતાની મરજી પ્રમાણે વીજળીનો ઉપયોગ કરી શકતો નથી. વીજળી જાણે ઈશ્વરની આગળ જઈને કહેતી હોય કે ‘અમે આવી ગયા!’ કૉમ્પટન એન્સાયક્લોપેડિયા જણાવે છે: ‘વીજળી થવાથી વાતાવરણમાં મોટો ફેરફાર થાય છે. એનાથી સખત ગરમી પેદા થાય છે. જેનાથી નાઇટ્રોજન અને ઑક્સિજનનું મિશ્રણ થાય છે. એમાંથી નાઇટ્રિટ અને બીજાં તત્ત્વો પેદાં થાય છે. આ તત્ત્વો વરસાદની સાથે જમીન પર પડે છે, જેથી જમીનમાંથી ખૂટતાં જતાં તત્ત્વો પાછાં જમીનમાં જાય. આમ, ફૂલ-ઝાડને જોઈતાં તત્ત્વો મળતાં રહે છે.’ આજ સુધી લોકો વીજળી વિષે બધું જાણતા નથી. ફક્ત યહોવાહ જ એના વિષે બધું જાણે છે.
ઈશ્વરના ગુણ ગાતી અજોડ સૃષ્ટિ
સૃષ્ટિની રચના ખરેખર ઈશ્વરને મહાન બનાવે છે. (પ્રકટીકરણ ૪:૧૧) યહોવાહે અયૂબને પૃથ્વી અને આકાશમંડળ વિષે જે કંઈ કહ્યું, એનાથી તેમના પર કેટલી જોરદાર અસર થઈ હશે!
આપણે અહીં જે જે બાબતોની ચર્ચા કરી એના વિષે જ યહોવાહે અયૂબને સવાલો કરીને એનું વર્ણન કરવામાં આવ્યું ન હતું. તોપણ, આપણે જે બાબતો જોઈ એ આપણને આમ પોકારવા દોરે છે: “ઈશ્વર મહાન છે, તેને આપણે પૂરેપૂરો ઓળખી શકતા નથી.”—અયૂબ ૩૬:૨૬.
[પાન ૧૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
બરફનો કણ: snowcrystals.net
[પાન ૧૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]
વૃષભ નક્ષત્ર: NASA, ESA and AURA/Caltech; માછલી: U.S. Fish & Wildlife Service, Washington, D.C./William W. Hartley