‘યહોવાહ તરફથી મને સહાય મળે છે’
“જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેની તરફથી મને સહાય મળે છે.” —ગીતશાસ્ત્ર ૧૨૧:૨.
આપણા જીવનમાં રોજ અનેક તકલીફો ઊભી થાય છે. જ્યારે આપણા કોઈ સગાં વહાલાં ગુજરી જાય છે ત્યારે દુઃખનો પાર હોતો નથી. નોકરી કે ઘરમાં ટેન્શન, રોજબરોજની ચિંતા, જીવનમાં આવતા પરીક્ષણો. આવા કપરા સમયે આપણા કોઈ મિત્ર સાથ દે ત્યારે આપણને કેટલો દિલાસો મળે છે! જોકે હરવખત તેઓ દિલાસો આપી શકતા નથી. અમુક તકલીફો એવી હોય છે કે જેમાં આપણો બોજ કોઈ હલકો કરી શકતું નથી.
૨ પણ એક જ ઇશ્વર છે જે કોઈ પણ બોજને હલકો કરી શકે છે. તેમની પાસે હરેક દુઃખનો ઇલાજ છે. તે ખૂબ શક્તિશાળી છે. તે કોણ છે? પરમેશ્વર યહોવાહ. યહોવાહ ખાતરી આપે છે કે તે કદી આપણને તજી નહિ દે. ગીતશાસ્ત્રના એક કવિએ કહ્યું: ‘યહોવાહ તરફથી મને સહાય મળે છે.’ (ગીતશાસ્ત્ર ૧૨૧:૨) પણ આ કવિ શા માટે પૂરી ખાતરીથી આમ કહી શક્યા? એનો જવાબ મેળવવા ચાલો આપણે ગીતશાસ્ત્ર ૧૨૧મો અધ્યાય તપાસીએ. એમાથી આપણી શ્રદ્ધા ચોક્કસ વધુ મજબૂત થશે.
યહોવાહ હંમેશાં આપણને સાથ દેશે!
૩ ગીતશાસ્ત્રના કવિ શરૂઆતમાં કહે છે કે આપણે યહોવાહ પર પૂરો ભરોસો મૂકી શકીએ કેમ કે તે આપણા સરજનહાર છે. એના વિષે તેમણે કહ્યું: “હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે? જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેની તરફથી મને સહાય મળે છે.” (ગીતશાસ્ત્ર ૧૨૧:૧, ૨) આ કવિએ કયા પર્વત જોઈને ગીત રચ્યું હતું. તેમણે યહુદાહના પર્વતો જોયા હશે. એ પર્વત પર યરૂશાલેમ શહેર હતું અને ત્યાં યહોવાહનું મંદિર પણ હતું. આ મંદિર જોઈને કવિનું હૃદય શ્રદ્ધાથી ભરાઈ ગયું હશે કેમ કે ત્યાં જાણે યહોવાહ રહેતા હતા. (ગીતશાસ્ત્ર ૧૩૫:૨૧) તેમની શ્રદ્ધા ‘આકાશ તથા પૃથ્વીના’ સરજનહાર, યહોવાહ પર હતી. તેથી તે દિલથી કહી શક્યા કે ‘ઈશ્વર જેવો કોઈ નથી. તે મારા કોઈ પણ બોજને હલકો કરી શકે છે.’—યશાયાહ ૪૦:૨૬.
૪ હવે કવિ સમજાવે છે કે યહોવાહ કોઈ પણ સમયે આપણને સાથ આપવા તૈયાર છે. તેમણે લખ્યું: “તે તારા પગને ડગવા દેશે નહિ; તારો રક્ષક ઊંઘી જનાર નથી. જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિદ્રાવશ થતો નથી.” (ગીતશાસ્ત્ર ૧૨૧:૩, ૪) યહોવાહ ખાતરી આપે છે કે જો આપણે તેમના પર પૂરી શ્રદ્ધા મૂકીશું, તો આપણે કદીયે એવી ઠોકર નહિ ખાઈએ જેમાંથી પાછા ન ઊઠી શકીએ. (નીતિવચનો ૨૪:૧૬) પણ શું ઈશ્વર ખરેખર એવો દાવો કરી શકે છે? હા, ચોક્કસ! કવિએ કહ્યું કે યહોવાહ જાણે એક ઘેટાંપાળક છે, જે રાતે પણ ઘેટાંની ચોકી કરતા રહે છે. રાતે તે એક ઝોકું પણ નહિ ખાય. વિચાર કરો, ભલે દિવસ હોય કે રાત હોય, યહોવાહની નજર હંમેશાં આપણા પર છે. કોઈ પણ સમયે તે આપણને સાથ આપવા તૈયાર છે.
૫ કવિએ પછી લખ્યું: “યહોવાહ તારો રક્ષક છે; યહોવાહ તારે જમણે હાથે તને છાયા કરશે. દહાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહિ.” (ગીતશાસ્ત્ર ૧૨૧:૫, ૬) જેમ સૂર્યના સખત તાપથી આપણો જીવ જાણે સુકાઈ જાય છે, તેમ જીવનમાં અનેક તકલીફો આપણને થકવી દઈ શકે. પણ ઈશ્વર તેમના લોકો માટે છાંયડા સમાન છે. તે ગમે એવી આપત્તિમાં છાયોં આપે છે જેથી આપણને ઠંડક અને રાહત મળે. એ કલમ એમ પણ કહે છે કે યહોવાહ આપણી “જમણે હાથે” છે. એનો શું અર્થ થાય? એ સમજવા માટે એ જમાનાના સૈનિકોનો વિચાર કરો. તેઓ લડાઈ કરવા જતા ત્યારે તેઓના ડાબા હાથમાં ઢાલ ને જમણા હાથમાં તલવાર હતી. પણ ઢાલ એટલી પહોળી ન હતી કે એ જમણા હાથને પણ ઢાંકી દે. તેથી, તેના શરીરના એ ભાગને કોઈ રક્ષણ મળતું નહિ. પણ જ્યારે સૈનિકનો દોસ્ત તેની જમણી બાજુ ઊભો રહીને લડતો ત્યારે તેની એ બાજુએ ઢાલરૂપ બની જતો. યહોવાહ જાણે એ દોસ્ત જેવા છે. તે આપણી બાજુ ઊભા છે અને આપણું પૂરી રીતે રક્ષણ કરે છે.
૬ શું યહોવાહ કદી આપણને તજી દેશે? જરાય નહિ. કેમ કે કવિએ કહ્યું: “સર્વ દુઃખથી યહોવાહ તારૂં રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે. હમણાંથી તે સર્વકાળ સુધી તારી સર્વ હિલચાલમાં યહોવાહ તારૂં રક્ષણ કરશે.” (ગીતશાસ્ત્ર ૧૨૧:૭, ૮) નોંધ કરો કે પાંચમી કલમમાં કવિએ શું કહ્યું હતું: “યહોવાહ તારો રક્ષક છે.” જ્યારે સાત અને આઠમી કલમમાં તે કહે છે કે, “યહોવાહ તારૂં રક્ષણ કરશે.” એ બંનેમાં જરાક ફરક છે. એ કલમો પૂરી સાબિતી આપે છે કે યહોવાહ હમણાં અને ભાવિમાં પણ આપણને સાથ દેશે. ભલે આપણા પર કોઈ પણ તોફાન આવી પડે, યહોવાહ હંમેશાં આપણી બાજુએ રહેશે.—નીતિવચનો ૧૨:૨૧.
૭ ગીતશાસ્ત્ર ૧૨૧ના કવિએ, યહોવાહ પર પૂરી શ્રદ્ધા મૂકી હતી. તેમણે યહોવાહને એક પ્રેમાળ પાળક સાથે સરખાવ્યા જે હંમેશાં ટોળાંની દેખભાળ રાખે છે. યહોવાહ કદી બદલાતા નથી. તેથી, આ કવિની માફક આપણે પણ યહોવાહ પર પૂરી શ્રદ્ધા મૂકવી જોઈએ. (માલાખી ૩:૬) પણ હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું યહોવાહ હંમેશાં ચમત્કાર કરીને આપણને કોઈ પણ મુશ્કેલીમાંથી બચાવે છે? ના. પણ તે એવી રીતે મદદ આપે છે જેથી કોઈ પણ દુશ્મન આપણી શ્રદ્ધાને તોડી ન શકે. યહોવાહ કઈ રીતે એ મદદ આપે છે? યહોવાહ ખાસ કરીને ચાર રીતોએ આપણને મદદ કરે છે. ચાલો આપણે એને જોઈએ. આ લેખમાં આપણે જોઈશું કે તેમણે કઈ રીતે જૂના જમાનાના તેમના ભક્તોને મદદ કરી. પછીના લેખમાં આપણે જોઈશું કે તે એ જ ચાર સરખી રીતોથી આજે આપણને કઈ રીતે મદદ કરે છે.
સ્વર્ગદૂતો તરફથી મદદ
૮ યહોવાહ પાસે કરોડો ને કરોડો સ્વર્ગદૂતો છે. (દાનીયેલ ૭:૯, ૧૦) તેઓ સર્વ યહોવાહની વફાદારીથી સેવા કરે છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦) દૂતો જાણે છે કે યહોવાહ તેમના સેવકોને કેટલા ચાહે છે ને મદદ કરવા માંગે છે. આ દૂતો યહોવાહને અનુસરે છે. તેથી તેઓ આપણને પણ ખૂબ ચાહે છે. (લુક ૧૫:૧૦) જ્યારે યહોવાહ આપણને મદદ કરવા દૂતોને હુકમ દે છે, ત્યારે તેઓ રાજી થઈ જાય છે. જૂના જમાનામાં યહોવાહે કઈ રીતે દૂતો દ્વારા તેમના સેવકોને મદદ કરી હતી?
૯ યહોવાહની શક્તિથી દૂતોએ ઈશ્વરભક્તોનું રક્ષણ કર્યું હતું ને તેઓને જોખમમાંથી પણ બચાવ્યા હતા. દાખલા તરીકે, સદોમ અને ગમોરાહનો નાશ થતો હતો ત્યારે બે દૂતોએ લોટ અને તેમની બે દીકરીઓને બચાવ્યા. (ઉત્પત્તિ ૧૯:૧, ૧૫-૧૭) બીજા કિસ્સામાં આશ્શૂરી ફોજ યરૂશાલેમનો કબજો લેવાની કોશિશ કરતી હતી. એ શહેરને બચાવવા માટે એક દૂતે ૧,૮૫,૦૦૦ આશ્શૂરી સૈનિકોને મારી નાખ્યા. (૨ રાજાઓ ૧૯:૩૫) જ્યારે દાનીયેલને સિંહોના બીલમાં ફેંકી દેવામાં આવ્યા ત્યારે “દેવે પોતાના દૂતને મોકલીને સિંહોનાં મોં બંધ કરાવ્યાં.” (દાનીયેલ ૬:૨૧, ૨૨) પ્રેષિત પીતરનો વિચાર કરો. તે જેલમાં હતા ત્યારે એક દૂતે તેમને ત્યાંથી છોડાવ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૬-૧૧) બાઇબલમાં આ વા બીજા અનેક ઉદાહરણો છે. એ બધા ઉદાહરણો ગીતશાસ્ત્ર ૩૪:૭ના આ શબ્દોની સાબિતી આપે છે: “યહોવાહના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે, અને તેમને છોડાવે છે.”
૧૦ અમુક કિસ્સામાં યહોવાહે તેમના દૂતો દ્વારા ભક્તોને ઉત્તેજન અને શક્તિ આપ્યા હતા. દાખલા તરીકે, દાનીયેલનો ૧૦મો અધ્યાય વાંચો. આ બનાવમાં દાનીયેલ લગભગ ૧૦૦ વર્ષના હતા. તે ખૂબ નિરાશ થઈ ગયા હતા કેમ કે યરૂશાલેમ શહેર અને એનું મંદિર પડી ભાંગ્યાં હતાં. અરે, વિચિત્ર દર્શન જોઈને તો તે ખૂબ ડરી ગયા હતા. (દાનીયેલ ૧૦:૨, ૩, ૮) આ વખતે ઈશ્વરે શું કર્યું? તેમણે દાનીયેલને ઉત્તેજન આપવા માટે એક દૂતને મોકલ્યો. દૂતે દાનીયેલને અનેક વાર કહ્યું કે ઈશ્વરની નજરમાં તે “અતિ પ્રિય માણસ” હતા. આ જાણીને દાનીયેલને કેવું લાગ્યું? તેમણે ખુશીથી દૂતને કહ્યું: “તેં મને બળ આપ્યું છે.”—દાનીયેલ ૧૦:૧૧, ૧૯.
૧૧ યહોવાહે દૂતો દ્વારા તેમના સેવકોને પ્રચાર કામમાં પણ માર્ગદર્શન આપ્યું છે. એક દૂતના માર્ગદર્શનને લીધે ફિલિપ હબશી ખોજાને સત્ય શીખવી શક્યા ને તેને બાપ્તિસ્મા પણ આપી શક્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬, ૨૭, ૩૬, ૩૮) આ બનાવના થોડા સમય બાદ, ઈશ્વરે નક્કી કર્યું કે ફક્ત યહુદીઓ જ નહિ પણ કોઈ પણ જાતિના લોકો તેમના ભક્તો બની શકે છે. તેથી, તેમણે અન્ય જાતિના કરનેલ્યસને એક દૂત દ્વારા દર્શન આપ્યું. કરનેલ્યસ ઈશ્વરનો ડર રાખનાર હતો. તેને દર્શનમાં કહેવામાં આવ્યું કે સત્ય શીખવા માટે તે પ્રેષિત પીતરને શોધે. કરનેલ્યસે તરત જ અમુક માણસોને પીતરને શોધવા મોકલ્યા. તેઓએ પીતરને શોધીને કહ્યું: ‘કરનેલ્યસને પવિત્ર દૂતની મારફતે સૂચના મળી છે કે તે તને પોતાને ઘેર તેડાવીને તારી વાતો સાંભળે.’ પીતર તરત જ તેઓની સાથે ગયા. પરિણામે, કરનેલ્યસ અને તેનું કુટુંબ ખ્રિસ્તી બન્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૨૨, ૪૪-૪૮) જો પીતરની માફક કોઈ સ્વર્ગદૂત તમને પ્રચાર કામમાં ખાસ માર્ગદર્શન દે, તો તમને કેવું લાગશે?
પવિત્ર આત્મા દ્વારા મદદ
૧૨ ઈસુએ મરણ પહેલાં તેમના શિષ્યોને કહ્યું હતું કે તેઓની સાથે હંમેશાં “સંબોધક [સહાયક], એટલે પવિત્ર આત્મા” હશે. (યોહાન ૧૪:૨૬) શું ઈસુના શિષ્યો ખરેખર આ સહાયક પર પૂરી શ્રદ્ધા મૂકી શકતા હતા? હા, કેમ કે તેઓએ બાઇબલમાં અનેક ઉદાહરણો જોયા હતા કે યહોવાહે કઈ રીતે પવિત્ર આત્માથી તેમના લોકોને મદદ કરી હતી. તેઓને એ પણ ખબર હતી કે યહોવાહની શક્તિનો કોઈ પાર નથી.
૧૩ ઘણા કિસ્સામાં પવિત્ર આત્માએ ઈશ્વરભક્તોને ખૂબ શક્તિ આપી, જેથી તેઓ યહોવાહે સોંપેલું કામ પૂરું કરી શક્યા. યહોવાહે આપેલી શક્તિને કારણે ઈસ્રાએલના ન્યાયાધીશો ઘણી વાર દેશને દુશ્મનોના હાથમાંથી બચાવી શક્યા. (ન્યાયાધીશો ૩:૯, ૧૦; ૬:૩૪) વળી, આ શક્તિને લીધે પ્રથમ સદીના ખ્રિસ્તીઓ ખૂબ સતાવણી સામે પ્રચાર કામમાં ટકી શક્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; ૪:૩૧) પ્રચાર કામમાં તેઓની સફળતાએ બતાવ્યું કે યહોવાહનો પવિત્ર આત્મા તેઓ પર હતો. આ આશીર્વાદને લીધે “અભણ તથા અજ્ઞાન માણસો” પણ ત્યારના જગતમાં યહોવાહની ખુશખબરી ફેલાવી શક્યા!—પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩; કોલોસી ૧:૨૩.
૧૪ યહોવાહે પોતાના પવિત્ર આત્માથી તેમના લોકોમાં જ્ઞાનનો પ્રકાશ પણ ફેલાવ્યો. દાખલા તરીકે, જ્યારે ફારૂનને વિચિત્ર સપનું આવ્યું, ત્યારે યહોવાહે યુસફને એના વિષે સમજણ આપી. (ઉત્પત્તિ ૪૧:૧૬, ૩૮, ૩૯) યહોવાહના પવિત્ર આત્માથી નમ્ર લોકો તેમનું જ્ઞાન સમજી શક્યા. પણ એ જ શક્તિએ ઘમંડી લોકોને સમજણ આપી નહિ. (માત્થી ૧૧:૨૫) આ સમજણ અને શક્તિ વિષે પાઊલે કહ્યું: “જે વાનાં દેવે પોતાના પર પ્રેમ કરનારાઓને સારૂ સિદ્ધ કર્યાં છે; તે તો દેવે આત્માથી આપણને પ્રગટ કર્યાં છે.” (૧ કોરીંથી ૨:૭-૧૦) હા, યહોવાહના પવિત્ર આત્મા વગર આપણે કદીયે ઈશ્વરની ઇચ્છા પારખી શકીશું નહિ.
બાઇબલ દ્વારા મદદ
૧૫ બાઇબલ યહોવાહની પ્રેરણાથી લખાયું છે. એ ‘બોધ અને સુધારાને અર્થે ઉપયોગી છે; જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને માટે તૈયાર થાય.’ (૨ તીમોથી ૩:૧૬, ૧૭) જૂના જમાનામાં આ શાસ્ત્ર તપાસવાથી ઘણા ઈશ્વરભક્તોને ખૂબ ઉત્તેજન મળતું. તેઓના અનુભવો બાઇબલમાં લખેલા છે.
૧૬ ઈશ્વરભક્તોને બાઇબલમાંથી સૌથી સારું માર્ગદર્શન મળતું. યહોશુઆ ઈસ્રાએલના આગેવાન બન્યા ત્યારે તેમને આજ્ઞા મળી હતી: “એ નિયમશાસ્ત્ર [જે મુસાએ લખ્યું હતું એ] તારા મોંમાંથી જાય નહિ; પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે; કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ તું ફતેહ પામશે.” આ કલમ એમ નથી કહેતી કે યહોવાહે ચમત્કાર કરીને યહોશુઆના મનમાં જ્ઞાન ઠસાવ્યું. એના બદલે, એ બતાવે છે કે સફળ થવા માટે યહોશુઆને શાસ્ત્ર પર “મનન” કરવાનું હતું અને એ પ્રમાણે જીવવાનું હતું.—યહોશુઆ ૧:૮; ગીતશાસ્ત્ર ૧:૧-૩.
૧૭ ઈશ્વરભક્તો બાઇબલમાંથી યહોવાહની ઇચ્છા અને હેતુ સમજી શક્યા. દાખલા તરીકે, યિર્મેયાહના લખાણોમાંથી દાનીયેલને ખબર પડી કે યરૂશાલેમ કેટલો સમય સુધી ઉજ્જડ રહેશે. (યિર્મેયાહ ૨૫:૧૧; દાનીયેલ ૯:૨) યહુદાહના રાજા યોશીયાહનો પણ વિચાર કરો. તેમના દિવસોમાં, ઈસ્રાએલીઓ યહોવાહથી દૂર ચાલ્યા ગયા હતા. અરે, રાજાઓ પણ નિયમશાસ્ત્રની નકલ ન કરીને યહોવાહની આજ્ઞા પાળતા ન હતા. (પુનર્નિયમ ૧૭:૧૮-૨૦) પણ મંદિરનું સમારકામ થતું હતું ત્યારે “નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું.” આ પુસ્તક લગભગ ૮૦૦ વર્ષ જૂનું હતું. એમ લાગે છે કે એ ખુદ મુસાએ લખ્યું હતું. જેવું એ શાસ્ત્ર મળ્યું કે તરત રાજા યોશીયાહે એ વાંચી સંભળાવ્યું. એનાથી તેમને ખબર પડી કે ઈસ્રાએલીઓને ખૂબ સુધારો કરવાની જરૂર હતી. એટલે તેમણે તરત જ શાસ્ત્રમાં જે લખેલું હતું એ મુજબ પગલાં લીધાં. (૨ રાજાઓ ૨૨:૮; ૨૩:૧-૭) શું આ પુરાવો નથી આપતું કે જૂના જમાનામાં ઈશ્વરભક્તોને શાસ્ત્ર દ્વારા ખૂબ માર્ગદર્શન મળ્યું?
ભાઈ-બહેનો તરફથી મદદ
૧૮ યહોવાહ ખ્રિસ્તી ભાઈબહેનો દ્વારા આપણને મદદ કરે છે. હા, કોઈ ભાઈ કે બહેન મદદ કરે છે ત્યારે ખરેખર તો યહોવાહ મદદનો હાથ લંબાવે છે. પણ એમ કઈ રીતે હોય શકે? એના બે કારણો છે. પહેલું, યહોવાહનો પવિત્ર આત્મા તેમના સેવકોને આત્માના ફળો વિકસાવવા મદદ કરે છે. જેમ કે પ્રેમ અને ભલાઈ જેવા ગુણો. (ગલાતી ૫:૨૨, ૨૩) તેથી, જ્યારે કોઈ ભાઈ-બહેન બીજા કોઈને મદદ કરે, ત્યારે તેઓ પવિત્ર આત્માની પ્રેરણાથી એમ કરે છે. બીજું કારણ એ છે કે યહોવાહે આપણને તેમના જેવા બનાવ્યા છે. (ઉત્પત્તિ ૧:૨૬) તેથી આપણામાં પણ અમુક હદ સુધી દયા અને પ્રેમ જેવા ગુણો છે. આમ, જ્યારે ભાઈ-બહેનો એકબીજાને સાથ દે છે, ત્યારે એ મદદ ખરેખર યહોવાહ તરફથી જ આવે છે.
૧૯ જૂના જમાનામાં યહોવાહે કઈ રીતે તેમના ભક્તોને મદદ કરી? અમુક કિસ્સામાં તેમણે એક ભક્ત દ્વારા બીજા ભક્તને સલાહ આપી. જેમ કે યિર્મેયાહે બારૂખનો જીવ બચાવવા માટે તેને સલાહ આપી. (યિર્મેયાહ ૪૫:૧-૫) બીજા કિસ્સામાં, તે ઈશ્વરભક્તોને ઉદાર દિલવાળા બનાવે છે જેથી તેઓ દાન આપીને એકબીજાને મદદ કરી શકે. દાખલા તરીકે, જ્યારે યરૂશાલેમના ભાઈ-બહેનો તંગીમાં આવી પડ્યા, ત્યારે મકદોનિયા અને આખાયાના ખ્રિસ્તીઓ રાજી-ખુશીથી દાનો આપવા માંડ્યા. પ્રેષિત પાઊલે કહ્યું કે આવી ઉદારતાથી “દેવની સ્તુતિ થાય” છે.—૨ કોરીંથી ૯:૧૧.
૨૦ બાઇબલમાં ઘણા અહેવાલો બતાવે છે કે ઈશ્વરભક્તોએ દિલથી એકબીજાને સાથ અને ઉત્તેજન આપ્યા હતા. પાઊલનો જ અનુભવ લો. તે એક કેદી હતા ત્યારે તેમને આપ્પીયન વે નામના રસ્તા પર મુસાફરી કરવી પડી. રોમ લઈ જતો આ રસ્તો સાવ કાદવ-કીચડથી ભરેલો હતો.a એના પર ચાલવું ખૂબ અઘરું હતું. જ્યારે રોમના ભાઈ-બહેનોને ખબર પડી કે પાઊલ ત્યાં આવી રહ્યા છે, ત્યારે શું તેઓએ ઘરે એશઆરામમાં બેસી રહીને તેમની રાહ જોઈ?
૨૧ ના, તેઓ તરત જ તેમને મળવા ગયા. પાઊલની સાથે લુક પણ હતા. તેમણે કહ્યું: “અમારા વિષે સાંભળીને ભાઈઓ ત્યાંથી [એટલે રોમથી] આપીફોરમ તથા ત્રણ ધર્મશાળા લગી અમને સામા મળવા આવ્યા.” વિચાર કરો કે ભલે આ જગ્યા સારી ન હતી અને રસ્તો ખૂબ કાચો હતો, તોપણ રોમના અનેક ભાઈ-બહેનો રાજીખુશીથી પાઊલને મળવા ગયા. અમુક જણે રોમથી ૭૪ કિલોમીટર દૂર આપીફોરમ નામના જાણીતા બજારમાં પાઊલની રાહ જોઈ હશે. બીજાઓ ત્રણ ધર્મશાળા કે હોટેલમાં રાહ જોતા હતા, જે રોમથી ૫૮ કિલોમીટર દૂર હતી. આ ભાઈ-બહેનોને જોઈને પાઊલને કેવું લાગ્યું હશે? લુકે કહ્યું: “તેઓને જોઈને પાઊલે દેવની સ્તુતિ કરી, અને હિંમત રાખી.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૫) તેઓને જોઈને પાઊલનું હૈયું ખુશીથી છલકાયું હશે! પણ તમે નોંધ કર્યું કે આ ઉત્તેજન માટે પાઊલે કોનો આભાર માન્યો? હા, તેમણે યહોવાહની સ્તુતિ કરી. કેમ? કારણ કે એ ઉત્તેજન ખરેખર તેમના દ્વારા આવ્યું હતું.
૨૨ બાઇબલમાં પુષ્કળ પુરાવા છે કે યહોવાહ તેમના લોકોને ખરેખર સાથ દે છે. તેમના જેવો બીજો કોઈ સાથી નથી. એટલે જ ૨૦૦૫માં આપણું વાર્ષિક વચન ગીતશાસ્ત્ર ૧૨૧:૨ છે જે કહે છે: ‘યહોવાહ તરફથી મને સહાય મળે છે.’ પણ આજે યહોવાહ કઈ રીતે આપણને સહાય કરે છે? હવે પછીનો લેખ એના વિષે જણાવશે.
[ફુટનોટ]
a હોરેસ નામના રૂમી કવિએ (ઈ.સ. પૂર્વે ૬૫-૮) પોતે આ રસ્તા પર કઠિન મુસાફરી કરી હતી. આપીફોરમ બજાર વિષે તેણે કહ્યું કે ‘જ્યાં જુઓ ત્યાં નાવિકો હતા. અરે, ત્યાં ઘણા કંજૂસ હોટેલવાળા પણ હતા. એ જગ્યા ખરેખર માખી ને દેડકાનું જાણે ઘર હતું અને ત્યાંનું પાણી ખૂબ કડવું હતું.’
તમને યાદ છે?
યહોવાહે કઈ રીતે—
• સ્વર્ગદૂતો દ્વારા તેમના સેવકોને સહાય કરી?
• પવિત્ર આત્મા દ્વારા મદદ આપી?
• બાઇબલ દ્વારા તેમના લોકોને સાથ દીધો?
• ભાઈ-બહેનો દ્વારા સહાય કરી?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) જીવનમાં આપણને શા માટે વારંવાર સાથની જરૂર પડે છે? (ખ) યહોવાહ કેવો સાથ દે છે?
૩. ગીતશાસ્ત્રના કવિએ કયા પર્વતો જોયા હશે અને શા માટે?
૪. કવિએ યહોવાહ વિષે શું લખ્યું? એમાંથી આપણને શા માટે દિલાસો મળે છે?
૫. યહોવાહ આપણી “જમણે હાથે” છે, આનો શું અર્થ થાય?
૬, ૭. (ક) કવિ કઈ રીતે ખાતરી અપાવે છે કે યહોવાહ હંમેશાં આપણને મદદ કરશે? (ખ) આપણે શા માટે યહોવાહ પર પૂરી શ્રદ્ધા રાખી શકીએ?
૮. સ્વર્ગદૂતો શા માટે આપણને સાથ આપવા રાજી છે?
૯. યહોવાહની શક્તિથી સ્વર્ગદૂતોએ કઈ રીતે ઈશ્વરભક્તોને બચાવ્યા હતા?
૧૦. યહોવાહે તેમના દૂત દ્વારા કઈ રીતે દાનીયેલને ઉત્તેજન આપ્યું?
૧૧. કયા દાખલા બતાવે છે કે દૂતો પ્રચાર કામમાં માર્ગદર્શન દે છે?
૧૨, ૧૩. (ક) ઈસુના શિષ્યો શા માટે યહોવાહના પવિત્ર આત્મા પર ભરોસો મૂકી શક્યા? (ખ) યહોવાહે આપેલી શક્તિએ કઈ રીતે પ્રથમ સદીના ખ્રિસ્તીઓને મદદ કરી?
૧૪. પવિત્ર આત્માથી યહોવાહે તેમના ભક્તોમાં કઈ રીતે જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો છે?
૧૫, ૧૬. જીવનમાં સફળ થવા માટે યહોશુઆએ શું કરવાનું હતું?
૧૭. શાસ્ત્રએ કઈ રીતે દાનીયેલ અને યોશીયાહને મદદ કરી?
૧૮. યહોવાહ કઈ રીતે ભાઈ-બહેનોને એકબીજાને મદદ કરવા પ્રેરે છે?
૧૯. જૂના જમાનામાં યહોવાહે તેમના ભક્તો દ્વારા કઈ રીતે મદદ પૂરી પાડી?
૨૦, ૨૧. પાઊલે કેવી મુસાફરી કરવી પડી અને તેમને કઈ રીતે ઉત્તેજન મળ્યું?
૨૨. વર્ષ ૨૦૦૫નું આપણું વાર્ષિક વચન કયું છે? આપણે હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?
[પાન ૧૫ પર બ્લર્બ]
વર્ષ ૨૦૦૫નું આપણું વાર્ષિક વચન આ હશે: ‘યહોવાહ તરફથી મને સહાય મળે છે.’—ગીતશાસ્ત્ર ૧૨૧:૨.
[પાન ૧૬ પર ચિત્ર]
ભાઈ-બહેનો તરફથી ઉત્તેજન મેળવીને પાઊલે યહોવાહનો આભાર માન્યો