યહોવાહ, સત્યના પરમેશ્વર
“હે યહોવાહ, સત્યના દેવ, તેં મારો ઉદ્ધાર કર્યો છે.”—ગીતશાસ્ત્ર ૩૧:૫.
એક સમયે બધે જ સનાતન સત્ય હતું. ત્યારે કપટ કે જૂઠાણાંનું નામનિશાન ન હતું. સ્વર્ગના દેવદૂતો તેઓના સર્જનહાર, ‘સત્યના દેવ’ યહોવાહની સેવા કરતા હતા. (ગીતશાસ્ત્ર ૩૧:૫) યહોવાહ પણ તેમના સ્વર્ગદૂતો સાથે સચ્ચાઈથી અને છૂટથી વાત કરતા. તે હંમેશાં તેઓનું ભલું જ ઇચ્છતા હતા. તેમ જ પૃથ્વી પર આદમ અને હવાને પણ તે ખૂબ ચાહતા હતા. એટલે જ યહોવાહ હંમેશાં જે ખરું છે, એ જ તેઓને કહેતા. આપણા પ્રથમ માબાપ પાસે એ કેવો સુંદર લહાવો હતો!
૨ દુઃખની વાત છે કે આ દિવસો લાંબો સમય ટક્યા નહિ. યહોવાહનો જ એક સ્વર્ગદૂત તેમની સામે થયો અને તેણે તેમની બરાબર થવાની લાલસા રાખી. તે ઇચ્છતો હતો કે બધા તેની જ ભક્તિ કરે. એટલે તે શેતાનથી ઓળખાયો. તેણે પોતાનો મનસૂબો પાર પાડવા, જૂઠાણું ફેલાવ્યું. આમ, તે બીજાઓને પોતાના હાથ નીચે લાવવા ગેરમાર્ગે દોરવા લાગ્યો. એમ કરીને તે “જૂઠો, અને જૂઠાનો બાપ” બન્યો.—યોહાન ૮:૪૪.
૩ શેતાને એક સર્પ દ્વારા હવાને કહ્યું, કે જો તે પરમેશ્વરની આજ્ઞા તોડીને એ ફળ ખાશે તો, તે નહિ જ મરશે. પણ એ તો એકદમ જૂઠાણું હતું! શેતાને વધુમાં કહ્યું કે એ ફળ ખાઈને તે પરમેશ્વર જેવી બની જશે અને ખરું-ખોટું શું છે એ પારખી શકશે. આ એક બીજું જૂઠાણું હતું! જોકે આ પહેલાં, હવાએ કદી જૂઠાણું સાંભળ્યું ન હતું. તોપણ, તેને એ જરૂર ખબર હશે કે સર્પે જે કહ્યું એ યહોવાહની આજ્ઞા વિરુદ્ધ હતું. તેમ છતાં, તેણે યહોવાહનું નહિ પણ શેતાનનું કહેવું માન્યું. તેણે છેતરાઈને ફળ તોડ્યું અને ખાધું. પછી આદમે પણ એ ફળ ખાધું. (ઉત્પત્તિ ૩:૧-૬) હવાની જેમ આદમે પણ પહેલાં ક્યારેય જૂઠાણું સાંભળ્યું ન હતું. પરંતુ, તે છેતરાઈ ગયો ન હતો. (૧ તીમોથી ૨:૧૪) તેણે જાણીજોઈને ફળ ખાધું અને યહોવાહની આજ્ઞા તોડી. યહોવાહના માર્ગથી દૂર જવાથી, પાપ અને મરણ તેના સંતાનોમાં ઊતરી આવ્યા. એનાથી મનુષ્યો પાર વગરના દુઃખોમાં આવી પડ્યા.—રૂમીઓને પત્ર ૫:૧૨.
૪ જૂઠાણું રોગની જેમ ફેલાઈ ગયું. ખરેખર, શેતાને એદન વાડીમાં જૂઠું બોલીને યહોવાહનું અપમાન કર્યું હતું. તે કહેતો હતો કે યહોવાહ જૂઠું બોલે છે. જાણે શેતાને ઢંઢેરો પીટ્યો કે પરમેશ્વર જાણીજોઈને આદમ અને હવાથી કોઈ સારી વસ્તુ દૂર રાખતા હતા. યહોવાહની આજ્ઞા તોડવાથી તેઓને કંઈ લાભ ન થયો. યહોવાહે કહ્યું તેમ તેઓ મરી ગયા. તોપણ શેતાને યહોવાહની નિંદા કરવાનું છોડ્યું નહિ. એટલે જ હજારો વર્ષો પછી પ્રેષિત યોહાને લખ્યું કે શેતાન “આખા જગતને ભમાવે છે.” (પ્રકટીકરણ ૧૨:૯) તેથી, શેતાન તમને છેતરી ન જાય એ માટે તમારે શું કરવું જોઈએ? તમને યહોવાહ અને તેમના શબ્દ બાઇબલના સનાતન સત્ય પર પૂરો ભરોસો હોવો જ જોઈએ. પરંતુ, તમે કઈ રીતે યહોવાહ પર પૂરો વિશ્વાસ મૂકી શકો? અને તમે કઈ રીતે શેતાનના કપટ અને જૂઠાણાંથી બચી શકો?
યહોવાહ સત્ય જાણે છે
૫ બાઇબલ ઘણી વાર યહોવાહને ‘સર્વના સરજનહાર’ કહે છે. (એફેસી ૩:૯) તે એકલા જ “આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંનાં સર્વેને ઉત્પન્ન કરનાર” છે. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪) યહોવાહ સર્વના સરજનહાર છે, તેથી તે બધું જાણે છે. દાખલા તરીકે, એક માણસનો વિચાર કરો જે પોતે ઘરની ડિઝાઈન બનાવીને પોતે ઘર બાંધે છે. તેને ખબર છે કે આખા ઘરમાં ક્યાં ક્યાં પાઈપો ફીટ કરેલી છે; કબાટ અને દરવાજા માટે કેવું લાકડું અને કેવી ખીલી કે સ્ક્રૂ વાપર્યા છે. બીજા કોઈ પણ કરતાં તે આ ઘરનો ખૂણેખૂણો જાણે છે. એ જ રીતે, આપણા સરજનહાર યહોવાહે પણ જે કંઈ બનાવ્યું છે એના વિષે તેમને બધી જ ખબર છે.
૬ યહોવાહના અપાર જ્ઞાન વિષે પ્રબોધક યશાયાહે તેમના વખાણ કરતા કહ્યું: “કોણે પોતાના ખોબાથી પાણી માપ્યાં છે, ને વેંતથી આકાશ માપી આપ્યું છે, ને કોણે માપામાં પૃથ્વીની ધૂળ મવડાવી છે, ને કાંટાથી પર્વતોને તથા ત્રાજવાંથી પહાડોને તોળ્યા છે? કોણે યહોવાહનો આત્મા માપી આપ્યો છે, ને તેનો મંત્રી થઇને તેને કોણે શીખવ્યું? તેણે કોની સલાહ લીધી? કોણે તેને સમજણ આપી, ને ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને તેને જ્ઞાન શીખવ્યું? કોણે તેને બુદ્ધિનો માર્ગ જણાવ્યો?” (યશાયાહ ૪૦:૧૨-૧૪) સાચે જ, યહોવાહ ફક્ત ‘જ્ઞાનના દેવ’ નથી પણ તે “સંપૂર્ણ જ્ઞાની” છે. (૧ શમૂએલ ૨:૩; અયૂબ ૩૬:૪; ૩૭:૧૬, IBSI) એ ખરું છે કે મનુષ્યો તબીબી કે ટેક્નૉલૉજી વિષે ઘણું જાણે છે. પણ યહોવાહના સાગર જેવા જ્ઞાન સામે તો આપણી પાસે પાણીના ટીપા જેટલું પણ જ્ઞાન નથી!—અયૂબ ૨૬:૧૪.
૭ યહોવાહ આપણા સર્જનહાર છે. તેથી, તે આપણા વિષે બધું જાણે છે. રાજા દાઊદે લખ્યું: “હે યહોવાહ, તેં મારી પરીક્ષા કરી છે, અને તું મને ઓળખે છે. મારૂં બેસવું તથા ઊઠવું તું જાણે છે; તું મારો વિચાર વેગળેથી સમજે છે. મારૂં ચાલવું તથા સૂવું પણ તું તપાસી જુએ છે, તું મારા બધા માર્ગોનો માહિતગાર છે. કેમકે, હે યહોવાહ, તું મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણે છે.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧-૪) દાઊદ એ પણ જાણતા હતા કે યહોવાહને ભજવું કે નહિ, એ તેમની પોતાની મરજીની વાત છે. તેમ જ, આપણે શું કરવું અને શું ન કરવું એ યહોવાહે આપણી મરજી પર છોડ્યું છે. (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦; યહોશુઆ ૨૪:૧૫) તોપણ, વિચારો કે યહોવાહ આપણી રગ-રગ જાણે છે! અરે, એટલું તો આપણે પણ પોતાને જાણતા નથી. તે આપણું ભલું કરવા માંગે છે, અને ફક્ત તે જ આપણને સાચા માર્ગ પર ચલાવી શકે છે. (યિર્મેયાહ ૧૦:૨૩) ખરેખર, આ દુનિયામાં એવું કોઈ નથી જે આપણને યહોવાહની જેમ સત્ય શીખવી શકે અને સુખી કરી શકે.
યહોવાહ કદી જૂઠું બોલી શકતા નથી!
૮ સત્ય જાણવું એક વાત છે, પણ હંમેશાં સાચું બોલવું એ બીજી વાત છે. દાખલા તરીકે, શેતાન સત્ય જાણતો હતો, પણ તે સાચું ન બોલ્યો. તેણે ‘સત્યમાં સ્થિર ન રહેવાનું’ પસંદ કર્યું હતું. (યોહાન ૮:૪૪) જ્યારે એનાથી વિરુદ્ધ, ‘યહોવાહ સત્યથી ભરપૂર છે’ અને હંમેશાં સાચું જ બોલે છે. (નિર્ગમન ૩૪:૬) બાઇબલ પણ યહોવાહની સચ્ચાઈ વિષે વારંવાર સાબિતી આપે છે. પ્રેષિત પાઊલે લખ્યું કે “દેવ કદી જૂઠું બોલી શકતો નથી.” (હેબ્રી ૬:૧૮; તીતસ ૧:૨) સત્ય તો યહોવાહની રગ-રગમાં વહે છે. આપણે તેમના પર પૂરો ભરોસો મૂકી શકીએ. તે કદી તેમના વફાદાર સેવકોને દગો કરતા નથી.
૯ પરમેશ્વરનું નામ, “યહોવાહ” પણ તેમની સચ્ચાઈનો પુરાવો આપે છે. તેમના નામનો અર્થ એમ થાય કે, ‘તે જે ધારે છે એ કરે છે.’ આમ, તે જે વચનો આપે છે એને પૂરા કરે જ છે. યહોવાહ જેવું બીજું કોઈ નથી, અને કોઈ પણ તેમને પોતાના હેતુઓ પૂરા કરતા રોકી શકતું નથી. ફક્ત યહોવાહમાં જ એવી શક્તિ અને ડહાપણ છે કે તે જે કંઈ કહે એને સાચું કરી બતાવે છે.
૧૦ યહોશુઆએ પણ ઘણા યાદગાર બનાવોથી જોયું કે યહોવાહ જે કહે છે એ પૂરું કરી શકે છે. દાખલા તરીકે, તે મિસરમાં હતા ત્યારે, યહોવાહે અનેક વચનો આપ્યા હતા. જેમ કે, (૧) તે મિસર દેશ પર દસ આફતો લાવશે. (૨) ઈસ્રાએલીઓને એ દેશની ગુલામીમાંથી છોડાવશે. (૩) તેઓને વચનના દેશમાં દોરી જશે. અને, (૪) તેઓના દુશ્મન, શક્તિશાળી કનાનીઓને હરાવી દેશે. ખરેખર, યહોશુઆએ જોયું કે યહોવાહે જે કહ્યું હતું એ પૂરું કર્યું. તેથી તેમના જીવનના છેલ્લા દિવસોમાં તેમણે ઈસ્રાએલના વડીલોને કહ્યું: “તમારાં અંતઃકરણમાં ને તમારાં મનમાં તમે સહુ જાણો છો, કે જે સારાં વચનો તમારા દેવ યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.” (યહોશુઆ ૨૩:૧૪) જોકે, તમે યહોશુઆની જેમ યહોવાહના ચમત્કારો જોયા નહિ હોય. તોપણ, શું તમે તમારા પોતાના જીવનમાં યહોવાહના વચનો પૂરા થતા જોયા છે?
યહોવાહ બાઇબલમાંથી સત્ય બતાવે છે
૧૧ જેમ માબાપ તેઓના બાળકોને જીવન વિષે ઘણું શીખવે છે, તેમ યહોવાહ પણ આપણને ઘણી બાબતો શીખવે છે. શું એ માટે તેમનો ઉપકાર ન માનવો જોઈએ? યહોવાહ પ્રેમાળ રીતે આપણી સાથે વાત કરતા રહે છે અને તે ખુશીથી આપણને બધું જ જણાવે છે. એટલે જ બાઇબલ તેમને મહાન “શિક્ષક” કહે છે. (યશાયાહ ૩૦:૨૦) અરે, યહોવાહ અપાર કૃપા બતાવીને એવા લોકોને પણ મદદ કરવા ચાહે છે, જેઓ તેમનું સાંભળતા નથી. દાખલા તરીકે, તેમણે હઝકીએલને એવા લોકોને પ્રચાર કરવાનું કામ સોંપ્યું હતું કે જેઓ તેમનું બિલકુલ સાંભળવાના ન હતા. તોપણ યહોવાહે કહ્યું: “હે મનુષ્યપુત્ર, જા ઈસ્રાએલપુત્રો પાસે જઈને મારા શબ્દો તેઓને કહી સંભળાવ.” પછી તેમણે હઝકીએલને ચેતવ્યા: “ઈસ્રાએલપુત્રો તારૂં નહિજ સાંભળે: કેમકે તેઓ મારૂં સાંભળવા ઈચ્છતા નથી; કેમકે ઈસ્રાએલની આખી કોમ ઉદ્ધત તથા કઠણ હૃદયની છે.” એ કંઈ સહેલું કામ ન હતું. તોપણ, હઝકીએલે પૂરા દિલથી એ કામ પૂરું કર્યું. એમ કરીને તેમણે યહોવાહની જેમ લોકો પર દયા બતાવી. એ જ રીતે, પ્રચારમાં તમારું કોઈ સાંભળતું ન હોય, તોપણ તમારે યહોવાહમાં પૂરો ભરોસો રાખવો જોઈએ. શા માટે? કેમ કે હઝકીએલની જેમ તમને પણ તે જરૂર શક્તિ આપશે.—હઝકીએલ ૩:૪, ૭-૯.
૧૨ યહોવાહની ઇચ્છા છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમોથી ૨:૪) એ માટે તેમણે તેમના પ્રબોધકો, દૂતો, અને તેમના પ્રિય પુત્ર ઈસુ દ્વારા પણ આપણી સાથે વાત કરી છે. (હેબ્રી ૧:૧, ૨; ૨:૨) ઈસુએ પીલાતને કહ્યું: “એજ માટે હું જનમ્યો છું, અને એજ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું; જે સત્યનો છે, તે દરેક મારી વાણી સાંભળે છે.” તારણ માટે યહોવાહે કરેલી જોગવાઈ વિષે ઈસુ પાસેથી શીખવાની પીલાતને ખૂબ સરસ તક હતી. પરંતુ પીલાત સત્યને ચાહતો ન હતો. તે ઈસુ પાસેથી કંઈ પણ શીખવા માંગતો ન હતો. એના બદલે, તેણે કટાક્ષમાં ઈસુને સામે પૂછ્યું: “સત્ય શું છે?” (યોહાન ૧૮:૩૭, ૩૮) જોકે, બધા પીલાત જેવા ન હતા. ઘણાએ ઈસુએ જણાવેલા સત્યને સાંભળ્યું. એટલે જ તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “તમારી આંખોને ધન્ય છે, કેમકે તેઓ જુએ છે; અને તમારા કાનોને ધન્ય છે, કેમકે તેઓ સાંભળે છે.”—માત્થી ૧૩:૧૬.
૧૩ યહોવાહે બાઇબલ દ્વારા પોતાના સત્યને આજ સુધી જાળવી રાખ્યું છે. વધુમાં, તેમણે બધા લોકો માટે બાઇબલ આપ્યું છે. બાઇબલ પરમેશ્વરના સદ્ગુણો, તેમના હેતુઓ અને માર્ગદર્શન વિષે જણાવે છે. તેમ જ દુનિયામાં ખરેખર શું ચાલી રહ્યું છે એ વિષે જણાવે છે. ઈસુએ પણ પ્રાર્થનામાં યહોવાહને કહ્યું: “તારૂં વચન સત્ય છે.” (યોહાન ૧૭:૧૭) ખરેખર, બાઇબલ જેવું બીજું કોઈ પુસ્તક નથી. ફક્ત એ જ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. (૨ તીમોથી ૩:૧૬) એ યહોવાહે મનુષ્યોને આપેલી અમૂલ્ય ભેટ છે. એ સોનાથી પણ વધારે કીમતી છે. એને રોજ વાંચવામાં આપણું જ ભલું થશે.
સત્યને વળગી રહો
૧૪ આપણે બાઇબલમાં પૂરો ભરોસો મૂકવો જોઈએ. શા માટે? કેમ કે યહોવાહે એમાં જે કરવાનું વચન આપ્યું છે એ ચોક્કસ કરશે. દાખલા તરીકે, આપણે આ વચનમાં પૂરો ભરોસો રાખી શકીએ: “તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.” (૨ થેસ્સાલોનીકી ૧:૮) તેમ જ, આપણે દિલથી યહોવાહના બીજા વચનોમાં પણ માનવું જોઈએ. જેમ કે, તે સચ્ચાઈથી ચાલતા તેમના ભક્તોને ખૂબ ચાહે છે અને તેઓને અનંતજીવન આપશે. વળી, તેઓ માટે તે દુઃખ, પીડા તથા મરણને પણ સદા માટે કાઢી નાખશે. યહોવાહે આ છેલ્લા વચન પર ભાર મૂકતા પ્રેષિત યોહાનને કહ્યું: “તું લખ; કેમકે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.”—પ્રકટીકરણ ૨૧:૪, ૫; નીતિવચનો ૧૫:૯; યોહાન ૩:૩૬.
૧૫ શેતાન અને યહોવાહમાં આભ-જમીનનો ફરક છે. શેતાન લોકોને છેતરીને યહોવાહથી દૂર લઈ જાય છે. તે લોકો પર એક પછી એક જૂઠાણાંનો મારો ચલાવે છે. દાખલા તરીકે, શેતાન આપણને એવું ઠસાવવા માંગે છે કે આપણે કેટલું સહીએ છીએ એની પરમેશ્વરને કંઈ પડી નથી. અથવા તે આપણા વિષે કંઈ જ ચિંતા નથી કરતા. પરંતુ બાઇબલ બતાવે છે કે યહોવાહ આપણા બધાની ખૂબ ચિંતા કરે છે. તેમ જ, દુઃખ-પીડા જોઈને તેમને પણ ખૂબ દુઃખ થાય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪-૩૦) શેતાન લોકોને એવું જૂઠાણું શીખવે છે કે ઈશ્વરની ભક્તિ નકામી છે, એનાથી કંઈ ફાયદો થવાનો નથી. પરંતુ, બાઇબલ આપણને ખાતરી આપે છે કે ‘દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, તેને વિસરે એવો અન્યાયી નથી.’ વધુમાં, બાઇબલ ચોખ્ખું જણાવે છે કે “જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે.”—હેબ્રી ૬:૧૦; ૧૧:૬.
૧૬ શેતાન વિષે પ્રેષિત પાઊલે લખ્યું: “તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ સારૂ કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે, તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય.” (૨ કોરીંથી ૪:૪) હવાની જેમ કેટલાક લોકો શેતાનથી પૂરેપૂરા છેતરાઈ જાય છે. બીજાઓ આદમની જેમ જાણીજોઈને યહોવાહની આજ્ઞા તોડવાનું પસંદ કરે છે. (યહુદા ૫, ૧૧) તેથી, ખ્રિસ્તીઓ માટે એ ખૂબ જરૂરી છે કે તેઓ સત્યને જ વળગી રહે.
યહોવાહ ‘ઢોંગ વગરનો વિશ્વાસ’ માંગે છે
૧૭ યહોવાહ બધી બાબતોમાં સાચું જ બોલે છે. તેથી, તે ઇચ્છે છે કે તેમના ભક્તોએ પણ સાચું બોલવું જોઈએ. એક ગીતકર્તાએ લખ્યું: ‘હે પ્રભુ યહોવાહ, તમારા પવિત્ર પર્વત ઉપર તમારા મંડપમાં કઈ વ્યક્તિ જઈને આશ્રય મેળવી શકે અને ત્યાં નિવાસ કરી શકે? જે વ્યક્તિ ઈશ્વરને આધીન જીવન જીવે છે, ન્યાયથી વર્તે છે અને સત્ય બોલે છે.’ (ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨, IBSI) યહુદીઓ આ ગીત ગાતા ત્યારે, તેઓને યહોવાહે પવિત્ર ગણેલા સિયોન પર્વતની યાદ આવતી. કેમ કે વર્ષો પહેલાં, રાજા દાઊદે એ પર્વત પર મંડપ બાંધીને કરાર કોશ મૂક્યો હતો. (૨ શમૂએલ ૬:૧૨, ૧૭) એ પર્વત અને મંડપ પવિત્ર ગણાતા અને લોકોને લાગતું કે જાણે યહોવાહ ત્યાં હતા. એટલે તેઓ ત્યાં જતા અને પરમેશ્વરની કૃપા માટે કાલાવાલા કરતા.
૧૮ જો તમારે યહોવાહના મિત્ર બનવું હોય તો, ખાલી હોઠોથી સત્ય બોલવું જોઈએ નહિ. પણ “પોતાના હૃદયમાં સત્ય” હોવું જોઈએ. આજે ઘણા ધર્મના નામે ધતિંગ કરે છે, પરંતુ, યહોવાહના ભક્તોએ ખરા દિલથી ભક્તિ કરવી જોઈએ. તેઓએ ‘ઢોંગ વગરના વિશ્વાસનો’ પુરાવો આપવો જોઈએ. (૧ તીમોથી ૧:૫; માત્થી ૧૨:૩૪, ૩૫) યહોવાહનો મિત્ર કોઈ પણ રીતે ધોખેબાજ નહિ હોય અને તેનામાં કોઈ કપટ નહિ હોય. કેમ કે ‘કપટી લોકો પ્રત્યે તેમને અતિશય ધિક્કાર છે.’ (ગીતશાસ્ત્ર ૫:૬, IBSI) આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ, તેમના પરમેશ્વર યહોવાહને પગલે ચાલવા કોશિશ કરે છે. પરંતુ, તેઓ કઈ રીતે સચ્ચાઈથી જીવે છે? હવે પછીનો લેખ આ વિષય પર ચર્ચા કરશે.
તમે કેવો જવાબ આપશો?
• શા માટે યહોવાહ નાનામાં નાની વાતનું પણ સત્ય જાણે છે?
• શું બતાવે છે કે યહોવાહ સાચું જ બોલે છે?
• યહોવાહે કઈ રીતે સત્ય જણાવ્યું છે?
• આપણે સચ્ચાઈથી રહેવું હોય તો, પરમેશ્વર આપણી પાસે શું માંગે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. એક સમયે સ્વર્ગમાં અને પૃથ્વી પર શું ફેલાયેલું હતું?
૨. કોણે જૂઠાણું ફેલાવ્યું અને શા માટે?
૩. શેતાનનું જૂઠાણું સાંભળીને આદમ અને હવાએ શું કર્યું અને એના કેવાં પરિણામો આવ્યા?
૪. (ક) એદન વાડીમાં શેતાન શું જૂઠું બોલ્યો? (ખ) શેતાનથી ગેરમાર્ગે ન દોરાઈએ એ માટે આપણે શું કરવું જ જોઈએ?
૫, ૬. (ક) યહોવાહ શેના વિષે બધું જ જાણે છે? (ખ) યહોવાહના જ્ઞાન સામે આપણું જ્ઞાન શાના જેવું છે?
૭. યહોવાહ વિષે દાઊદે શું કબૂલ્યું? યહોવાહ વિષે આપણે શું માનવું જોઈએ?
૮. યહોવાહ સત્ય પરમેશ્વર છે એમ આપણે કઈ રીતે જાણી શકીએ?
૯. પરમેશ્વરના નામ પરથી આપણે શું જાણીએ છીએ?
૧૦. (ક) યહોશુઆએ કઈ રીતે યહોવાહની સચ્ચાઈનો અનુભવ કર્યો? (ખ) તમે યહોવાહના કયાં વચનોને પૂરા થતા જોયા છે?
૧૧. આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાહ બધા લોકોને સત્ય જણાવવા ચાહે છે?
૧૨, ૧૩. યહોવાહ કઈ રીતોએ મનુષ્યો સાથે વાત કરે છે?
૧૪. યહોવાહે કેવાં વચનો આપ્યા છે અને આપણને શા માટે એના પર ભરોસો હોવો જોઈએ?
૧૫. શેતાન કેવું જૂઠાણું ફેલાવે છે?
૧૬. શા માટે ખ્રિસ્તીઓએ સત્યને વળગી રહેવું જોઈએ?
૧૭. યહોવાહની કૃપા મેળવવા આપણે શું કરવું જોઈએ?
૧૮. (ક) યહોવાહના મિત્ર બનવું હોય તો શું કરવું જોઈએ? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરવામાં આવશે?
[પાન ૧૦ પર ચિત્રો]
સત્યના પરમેશ્વર, પોતે સર્જેલી વસ્તુઓ વિષે બધું જ જાણે છે
[પાન ૧૨, ૧૩ પર ચિત્રો]
યહોવાહના સર્વ વચનો સાચા પડશે