યહોવાહની શક્તિનો કોઈ પાર નથી
‘યહોવાહ મહાન છે! તેમની સ્તુતિ કરો. તેમની મહાનતાનો તાગ પામી શકાય એમ નથી!’ —ગીતશાસ્ત્ર ૧૪૫:૩, IBSI.
ઇતિહાસમાં રાજા દાઊદ જાણીતા થઈ ગયા, તે ઈસ્રાએલના બીજા રાજા હતા. હજુ તો યુવાન હતા, ને તેમણે રાક્ષસ જેવા ગોલ્યાથને મારી નાખ્યો. તેમણે રાજા બનીને, એક પછી એક દુશ્મનોને ધૂળ ચાટતા કરી દીધા. એ જ રાજાએ ગીતશાસ્ત્ર ૧૪૫નું સુંદર ગીત રચ્યું.
૨ જોકે, દાઊદ રાજા અભિમાનથી ફુલાઈ ગયા નહિ. તેમણે આ ગીતમાં યહોવાહની કદર બતાવી: “આકાશો, જે તારા હાથનાં કૃત્યો છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તેં ઠરાવ્યા છે, તેઓ વિષે હું વિચાર કરૂં છું; ત્યારે હું કહું છું, કે માણસ તે કોણ છે, કે તું તેનું સ્મરણ કરે છે? અને મનુષ્યપુત્ર કોણ, કે તું તેની મુલાકાત [સંભાળ] લે છે?” (ગીતશાસ્ત્ર ૮:૩, ૪) વળી, તેમણે પોતાની બધી સફળતાનો યશ યહોવાહ પરમેશ્વરને આપતા કહ્યું: “તેં તારા તારણની ઢાલ મને આપી છે; અને તારી નિગેહબાનીએ મને મોટો કર્યો છે.” (૨ શમૂએલ ૨૨:૧, ૨, ૩૬) મહાન પરમેશ્વર યહોવાહ નમ્ર છે અને તે પોતાના ભક્તોને, હા પાપી લોકોને મદદ કરે છે. દાઊદ આ કૃપા માટે ખૂબ આભારી હતા.
‘હું યહોવાહને મોટા માનીશ’
૩ યહોવાહે પોતે દાઊદને રાજા બનાવ્યા હતા. પરંતુ, દાઊદ માનતા હતા કે યહોવાહ જ ઈસ્રાએલના ખરા રાજા છે. તેથી તેમણે કહ્યું: “હે યહોવાહ, રાજ્ય તારૂં છે, ને સર્વોપરી અધિકાર પણ તારો છે.” (૧ કાળવૃત્તાંત ૨૯:૧૧) વળી, દાઊદ રાજાની દિલની તમન્ના હતી કે તે યહોવાહની સ્તુતિ કરતા રહે. એટલે તેમણે કહ્યું: “હે મારા દેવ, મારા રાજા, હું તને મોટો માનીશ; સદા હું તારા નામને સ્તુત્ય માનીશ. દરરોજ હું તને સ્તુત્ય માનીશ; સદા હું તારા નામની સ્તુતિ કરીશ.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧, ૨.
૪ જોકે શેતાન માનતો હતો કે, યહોવાહ સ્વાર્થી છે અને તે આપણાથી સારી સારી ચીજો સંતાડી રાખે છે. (ઉત્પત્તિ ૩:૧-૫) વળી, શેતાને ટોણો માર્યો કે આપણને યહોવાહ માટે પ્રેમ નથી. આપણે તો લાલચું છીએ, એટલે જ તેમની ભક્તિ કરીએ છીએ. (અયૂબ ૧:૯-૧૧; ૨:૪, ૫) પરંતુ, ગીતશાસ્ત્ર ૧૪૫ શેતાનને જૂઠો સાબિત કરે છે. આજે યહોવાહના લાખો ભક્તો પણ શેતાનને જૂઠો ઠરાવે છે. આપણે સ્વાર્થી નથી, પણ યહોવાહના પ્રેમી છીએ. આપણે યહોવાહને પોતાની મરજીથી ભજીએ છીએ. એટલે આપણે ઈસુના બલિદાનમાં પૂરો ભરોસો મૂકીને, દરેક રીતે યહોવાહની આજ્ઞાઓ પાળવા બનતી બધી મહેનત કરીએ છીએ. ચોક્કસ, આપણે આશા રાખીએ છીએ કે આપણે હંમેશ માટે યહોવાહના રાજ્યમાં જીવીશું. આમ, આપણે સદા માટે યહોવાહની સ્તુતિ કરી શકીશું.—રૂમીઓને પત્ર ૫:૮; ૧ યોહાન ૫:૩.
૫ આજે આપણે કઈ કઈ રીતોએ યહોવાહની સ્તુતિ કરી શકીએ? કદાચ આપણે બાઇબલમાં એવું કંઈક વાંચીએ, જે આપણને ખૂબ અસર કરે. તેથી, આપણે પ્રાર્થનામાં યહોવાહની સ્તુતિ કરવા લાગીએ. આપણે કુદરતની સુંદરતા જોઈને યહોવાહની વખાણ કરી શકીએ. તેમ જ તે પોતાના ભક્તો સાથે કેવો વહેવાર રાખે છે, એ જોઈને આપણું દિલ તેમના તરફ ખેંચાય છે. આપણે સભાઓમાં કે આમ જ યહોવાહના હેતુઓ વિષે વાત કરીએ ત્યારે પણ તેમની સ્તુતિ કરીએ છીએ. ખરું જોતાં, આપણે તેમની ભક્તિમાં જે કંઈ “રૂડી કરણીઓ” કરીએ, એ તેમના નામની સ્તુતિ કરે છે.—માત્થી ૫:૧૬.
૬ દાખલા તરીકે, યહોવાહની ભક્તિ કરવા માટે ભેગા મળવા રાજ્ય ગૃહ અથવા, કિંગ્ડમ હૉલની જરૂર હોય છે. તેથી, યહોવાહના લોકોએ જુદા જુદા ગરીબ દેશોમાં જઈને એવા હૉલ બાંધ્યા છે. મોટા ભાગે એવા હૉલ બાંધવાનો ખર્ચો આપણે પોતે જ ઉપાડીએ છીએ. તેમ જ ઘણા ભાઈ-બહેનો જરૂર હોય ત્યાં જઈને કોઈ પૈસા લીધા વગર ખુશીથી હૉલ બાંધવાનું કામ કરે છે. વળી, આપણે સર્વ રાજી-ખુશીથી યહોવાહના રાજ્યનો પ્રચાર કરીએ છીએ. (માત્થી ૨૪:૧૪) ગીતશાસ્ત્ર ૧૪૫માં દાઊદ રાજાએ યહોવાહ અને તેમના રાજ્યની કદર કરી. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૧, ૧૨) શું આપણે દાઊદની જેમ કદર કરીએ છીએ? શું આપણે યહોવાહના રાજ્યનો પ્રચાર કરીએ છીએ?
‘યહોવાહ મહાન છે!’
૭ દાઊદ રાજા કહે છે: ‘યહોવાહ મહાન છે! તેમની સ્તુતિ કરો. તેમની મહાનતાનો તાગ પામી [માપી] શકાય એમ નથી!’ (ગીતશાસ્ત્ર ૧૪૫:૩, IBSI) ખરેખર, આપણે કદીયે પૂરેપૂરી રીતે જાણી શકીશું નહિ કે યહોવાહ કેટલા મહાન છે! પરંતુ, આપણે તેમની મહાનતાનાં અમુક ઉદાહરણો વિષે ચોક્કસ જાણી શકીએ.
૮ શું રાતે આકાશમાં જાણે તારાઓની બિછાવેલી ચાદર તમે જોઈ છે? તમને કેવું લાગ્યું હતું? ખરેખર, તમારું મન ઝૂમી ઊઠ્યું હશે, અને તમે યહોવાહની સ્તુતિ કરવા લાગ્યા હશો. પરંતુ, આપણને દેખાય છે, એટલા તારાઓ તો કંઈ જ નથી. ટેલિસ્કોપની મદદથી થોડા વધારે તારાઓ જોઈ શકાય છે. પણ વિશ્વમાં એવા તો અબજો ને અબજો તારાઓ છે. શું આ બતાવી આપતું નથી કે યહોવાહ બહુ જ શક્તિશાળી અને મહાન છે?—યશાયાહ ૪૦:૨૬.
૯ ઈસુ ખ્રિસ્તના કિસ્સામાં પણ આપણે યહોવાહની મહાનતા જોઈ શકીએ છીએ. યહોવાહે પોતે ઈસુને બનાવ્યા અને “કુશળ કારીગર તરીકે” તેમને પોતાની સાથે ને સાથે જ રાખ્યા. (નીતિવચનો ૮:૨૨-૩૧) સમય જતાં, યહોવાહે ઈસુનું બલિદાન આપીને, આપણને મહાન પ્રેમ બતાવ્યો. (માત્થી ૨૦:૨૮; યોહાન ૩:૧૬; ૧ યોહાન ૨:૧, ૨) યહોવાહે ઈસુને સજીવન કરીને સ્વર્ગમાં કેવું અમર જીવન આપ્યું, એ આપણે પૂરેપૂરું સમજી શકતા નથી.—૧ પીતર ૩:૧૮.
૧૦ પરંતુ, એમાંથી આપણે યહોવાહના મહિમા વિષે અમુક બાબતો સમજી શકીએ છીએ. યહોવાહે ઈસુને સજીવન કર્યા ત્યારે, તેમને પૃથ્વી, આકાશ અને સ્વર્ગદૂતોની રચના વિષેની બધી યાદદાસ્ત પાછી આપી. (કોલોસી ૧:૧૫, ૧૬) વળી, યહોવાહે તેમને પૃથ્વી પહેલાંનો આખો ઇતિહાસ અને પૃથ્વી પરના અનુભવોની યાદદાસ્ત પણ પાછી આપી. ખરેખર, ઈસુને સજીવન કરવામાં યહોવાહની અમાપ શક્તિ દેખાઈ આવે છે. આ બધું શું ખાતરી આપે છે કે, યહોવાહ એટલા શક્તિશાળી છે કે મરણ પામેલા લાખો ને લાખોને સજીવન કરશે!—યોહાન ૫:૨૮, ૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૧.
યહોવાહનાં મહાન અને શક્તિશાળી કામો
૧૧ જોકે ઈસુને સજીવન કર્યા પછી, યહોવાહે ઘણાં મહાન કામો કર્યાં છે. (ગીતશાસ્ત્ર ૪૦:૫) પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં યહોવાહે પોતાની શક્તિ રેડીને એક નવી જ પ્રજા બનાવી. આ પ્રજા ‘દેવનું ઈસ્રાએલ’ કહેવાય છે. (ગલાતી ૬:૧૬) તેઓ યહોવાહની ભક્તિ આખી દુનિયામાં ફેલાવવા લાગ્યા. પરંતુ, ઈસુના શિષ્યોના મરણ પછી અમુકે ધર્મમાં ભેળ-સેળ કરી, જેમાંથી આજના ચર્ચો આવે છે. છતાં પણ યહોવાહના કામને કોઈ અટકાવી શક્યું નહિ.
૧૨ હવે યહોવાહના બીજા એક મહાન કામનો વિચાર કરો. તેમણે આખા બાઇબલને સાચવી રાખ્યું છે. વળી, આજે બે હજારથી વધારે ભાષાઓમાં બાઇબલ વાંચી શકાય છે. પરંતુ, શેતાન અને તેના ચેલાઓ કોઈ પણ હિસાબે એમ થવા દેવા માંગતા ન હતા. તેઓ બાઇબલનું ભાષાંતર કરનારાઓને સતાવતા અને મારી નાખતા. જોકે યહોવાહ શક્તિશાળી છે, એટલે જ આજે આપણા હાથમાં બાઇબલ છે!
૧૩ યહોવાહના રાજ્યથી પણ તેમની શક્તિ દેખાઈ આવે છે. દાખલા તરીકે, ૧૯૧૪માં તેમણે પોતાના પુત્ર, ઈસુને રાજગાદીએ બેસાડ્યા. પછી ઈસુએ શેતાન અને તેના ચેલાઓને સ્વર્ગમાંથી પૃથ્વી પર નાખી દીધા. આજે તેઓ આપણને ખૂબ સતાવી રહ્યા છે. પરંતુ, યહોવાહ પોતાની શક્તિથી આપણને ટકાવી રાખે છે. (માત્થી ૨૪:૩; પ્રકટીકરણ ૧૨:૧૭) થોડા જ સમયમાં, શેતાન અનો તેના સાથીઓને કેદ થશે.—પ્રકટીકરણ ૧૨:૯-૧૨; ૨૦:૧-૩.
૧૪ યહોવાહે ૧૯૧૯માં ફરીથી પોતાની શક્તિનો પરચો બતાવ્યો. શેતાન બહુ સતાવણી કરતો હતો, એટલે યહોવાહના રાજ્યનો પ્રચાર લગભગ બંધ થઈ ગયો હતો. પરંતુ, યહોવાહે ભાઈઓને શક્તિ આપીને જાણે સજીવન કર્યા. (પ્રકટીકરણ ૧૧:૩-૧૧) ત્યારથી તેઓએ ઉત્સાહથી રાજ્યનો પ્રચાર કર્યો છે. પહેલા તો તેઓએ ૧,૪૪,૦૦૦ના બાકીના ભાઈ-બહેનોને ભેગા કર્યા. (પ્રકટીકરણ ૧૪:૧-૩) પરંતુ, બીજા બધા લોકો વિષે શું?
૧૫ પ્રકટીકરણનો સાતમો અધ્યાય એક “મોટી સભા” વિષે વાત કરે છે. આ મૅગેઝિનના ઑગસ્ટ ૧, અને ૧૫, ૧૯૩૫ના અંકોએ એ જ વિષય પર ચર્ચા કરી. આ ‘મોટી સભાના’ લોકો “મોટી વિપત્તિમાંથી” બચી જશે. તેઓ આ પૃથ્વી પર હંમેશ માટે સુખ-શાંતિથી જીવશે. (પ્રકટીકરણ ૭:૯-૧૪) પવિત્ર શાસ્ત્રમાં એવા લોકોને “નવી પૃથ્વી” કહે છે. (પ્રકટીકરણ ૨૧:૧) યહોવાહે એવા લોકોને ભેગા કરવાનું કામ ૧,૪૪,૦૦૦ને સોંપ્યું છે. તેઓ રાત-દિવસ સર્વ દેશ અને જાતિમાંથી નેક દિલના લોકોની શોધ કરે છે. તેઓના ઉત્સાહને લીધે જ આજે ૬૦ લાખથી વધારે લોકો યહોવાહની ભક્તિ કરી રહ્યા છે. પરંતુ, શેતાન તરફથી સતાવણી હોવા છતાં, કઈ રીતે વધારો થઈ રહ્યો છે? (૧ યોહાન ૫:૧૯) એ તો ફક્ત યહોવાહની શક્તિથી જ શક્ય બન્યું છે!—યશાયાહ ૬૦:૨૨; ઝખાર્યાહ ૪:૬.
યહોવાહને માન અને મહિમા
૧૬ યહોવાહનાં “મહિમાવાન કાર્યો” અને “અદ્ભુત ચમત્કારો” કદી પણ ભૂલાશે નહિ. એ વિષે દાઊદ રાજાએ લખ્યું: “તે કેવાં મહિમાવાન કાર્યો કરે છે તે વિશે પેઢીના લોકો પોતાનાં સંતાનોને જણાવો. હું તમારી મહાનતા અને તમારા મહિમા વિશે બોલીશ. હું તમારા અદ્ભુત ચમત્કારો વિશે મનન કરીશ. તમારાં અદ્ભુત અને ભયાવહ કાર્યો વિશે દરેક જીભ કબૂલ કરશે. હું તમારી મહાનતા જાહેર કરીશ.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૪-૬, IBSI) “દેવ આત્મા છે,” તેથી દાઊદ યહોવાહને જોઈ શકતા ન હતા. તો તે કઈ રીતે યહોવાહ વિષે આટલું બધું જાણી શક્યા?—યોહાન ૧:૧૮; ૪:૨૪.
૧૭ દાઊદ પવિત્ર શાસ્ત્રમાંથી યહોવાહના કામો વિષે ઘણું જાણી શકતા હતા. જેમ કે નુહના જમાનામાં કઈ રીતે યહોવાહે દુષ્ટોનો નાશ કર્યો. તેમ જ, યહોવાહે પોતાના લોકોને છોડાવીને કઈ રીતે ઇજિપ્તના દેવ-દેવીઓનું નાક કાપ્યું. આવા બનાવોથી દાઊદ જોઈ શક્યા કે યહોવાહ જ એક માત્ર શક્તિશાળી અને મહાન ઈશ્વર છે!
૧૮ વળી, યહોવાહે ઈસ્રાએલી લોકોને જે “દસ હુકમો” આપ્યા હતા, એ વાંચતી વખતે દાઊદે આવી કલ્પના કરી હોય શકે: ઈસ્રાએલીઓ સિનાય પર્વત પાસે ઊભા છે. પર્વત પર વાદળોના ગોટેગોટા છવાઈ રહ્યા છે. વીજળીના ચમકારા, અને જોરથી રણશિંગડાનો અવાજ સંભળાઈ રહ્યો છે. યહોવાહ સ્વર્ગદૂત દ્વારા બોલે છે ત્યારે, પર્વત જાણે ધ્રૂજી રહ્યો છે. (પુનર્નિયમ ૪:૩૨-૩૬; ૫:૨૨-૨૪; ૧૦:૪; નિર્ગમન ૧૯:૧૬-૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૭:૩૮, ૫૩) યહોવાહની કેવી મહાનતા! કેવી શક્તિ! આજે પણ યહોવાહના ભક્તો એવા અનુભવો વાંચે છે ત્યારે, તેમનું ‘ગૌરવ,’ તેમની મહાનતા અને શક્તિની વાહ વાહ કરે છે. આપણી પાસે તો પૂરેપૂરું બાઇબલ હોવાથી એવા ઘણા અનુભવો વાંચી શકીએ છીએ. એના પર મનન કરવાથી આપણે યહોવાહનો મહિમા કરી શકીએ છીએ.—હઝકીએલ ૧:૨૬-૨૮; દાનીયેલ ૭:૯, ૧૦; પ્રકટીકરણ ચોથો અધ્યાય.
૧૯ યહોવાહના નિયમો પાળવાથી ઈસ્રાએલી લોકોનું જીવન સુખી હતું. વળી, તેઓ જગતના લોકોથી જુદા પણ રહી શક્યા. (પુનર્નિયમ ૪:૬-૮) એ નિયમો વાંચીને દાઊદનો યહોવાહ માટેનો પ્રેમ વધ્યો હશે. (પુનર્નિયમ ૧૭:૧૮-૨૦; ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧) દાઊદની જેમ જ, આપણે પણ દરરોજ બાઇબલ વાંચવું જોઈએ અને એના વિષે મનન કરવું જોઈએ. આમ કરીશું તો, યહોવાહ માટેનો આપણો પ્રેમ પણ વધશે.
યહોવાહ કેવા છે?
૨૦ આપણે ગીતશાસ્ત્ર ૧૪૫:૧-૬માં જોઈ ગયા કે યહોવાહ કેટલા મહાન છે. હવે આપણે ૭-૯ કલમોમાં યહોવાહના સુંદર ગુણો જોઈએ. દાઊદે કહ્યું: “તેઓ તારા પુષ્કળ પરોપકારનું [ભલાઈનું] સ્મરણ કરીને તારી કીર્તિ ગજાવશે, અને તારા ન્યાયીપણા વિષે ગાયન કરશે. યહોવાહ કૃપાળુ તથા રહેમી છે; તે કોપ કરવે ધીમો તથા અતિ કરુણામય છે. યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેની રહેમ છે.”
૨૧ કપટી શેતાને યહોવાહ વિષે લોકોના મનમાં શંકાનાં બી વાવ્યા છે. પરંતુ, દાઊદે યહોવાહની ભલાઈ અને ન્યાયીપણા વિષે વાત કરી. આ જાણીને આપણને કેવું લાગે છે? યહોવાહ ભલાઈથી રાજ ચલાવે છે. તેથી, આપણે રાજી રાજી થઈને લોકોને તેમના વિષે જણાવતા થાકતા નથી. વળી, આપણને ખબર છે કે યહોવાહ દરિયા જેવા દિલથી ભલાઈ બતાવે છે. આપણી તમન્ના છે કે લાખો ને લાખો લોકો પસ્તાવો કરીને યહોવાહના ભક્તો બને અને તેમની ભલાઈનો અનુભવ કરે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૫-૧૭.
૨૨ યહોવાહે પોતે મુસાની આગળથી પસાર થતા કહ્યું, ‘હું યહોવાહ છું, દયાળુ અને કૃપાળુ ઈશ્વર છું. કોપ કરવામાં મંદ અને દૃઢ પ્રેમ તથા સત્યથી ભરપૂર છું.’ (નિર્ગમન ૩૪:૬, IBSI) એટલે જ દાઊદે કહ્યું કે “યહોવાહ કૃપાળુ તથા રહેમી છે; તે કોપ કરવે ધીમો તથા અતિ કરુણામય છે.” યહોવાહ ખૂબ જ મહાન છે, એટલે તે આપણા પર અપાર કૃપા રાખે છે. તે ખૂબ દયાળુ છે. ઈસુના બલિદાનથી તે પસ્તાવો કરનાર પાપીને માફ કરે છે. તેમ જ, આપણને સુધારો કરવાનો પણ મોકો આપે છે. ખરેખર, તે ઇચ્છતા નથી કે કોઈ પણ નવી દુનિયામાં હંમેશ માટેનું જીવન ગુમાવે.—૨ પીતર ૩:૯, ૧૩, ૧૪.
૨૩ દાઊદ યહોવાહના અતૂટ પ્રેમ વિષે પણ સ્તુતિ કરે છે. હવે ૧૪૫માં ગીતની બાકીની કડીઓ યહોવાહના અપાર પ્રેમ અને એની અસર વિષે જણાવે છે. ચાલો હવે પછીના લેખમાં એ જોઈએ.
આપણે શું શીખ્યા?
• આપણે કઈ રીતે “દરરોજ” યહોવાહની સ્તુતિ ગાઈ શકીએ?
• કયાં ઉદાહરણો યહોવાહની મહાનતા વિષે જણાવે છે?
• આપણે બાઇબલમાંથી યહોવાહ વિષે કઈ રીતે વધારે શીખી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. રાજા દાઊદ કેવા હતા? પરમેશ્વર સાથે તેમનો સંબંધ કેવો હતો?
૩. (ક) દાઊદની નજરે કોણ ઈસ્રાએલના રાજા હતા? (ખ) દાઊદની દિલની તમન્ના શું હતી?
૪. ગીતશાસ્ત્ર ૧૪૫ શું સાબિત કરે છે?
૫, ૬. કઈ કઈ રીતે યહોવાહની સ્તુતિ કરી શકાય?
૭. શા માટે યહોવાહની સ્તુતિ કરવી જોઈએ?
૮. યહોવાહની શક્તિ અને મહાનતા વિષે વિશ્વ શું બતાવે છે?
૯, ૧૦. (ક) ઈસુના કિસ્સામાં કઈ રીતે યહોવાહની શક્તિ દેખાય છે? (ખ) ઈસુને જે રીતે સજીવન કર્યા એનાથી આપણને કઈ ખાતરી થાય છે?
૧૧. પેન્તેકોસ્ત ૩૩માં યહોવાહે કયું એક મહાન કામ કર્યું?
૧૨. બાઇબલ વિષે યહોવાહે કયું મહાન કામ કર્યું છે?
૧૩. વર્ષ ૧૯૧૪થી યહોવાહના રાજ્યથી તેમની શક્તિ કઈ રીતે દેખાઈ આવે છે?
૧૪. યહોવાહે ૧૯૧૯માં શું કર્યું અને એનું શું પરિણામ આવ્યું?
૧૫. યહોવાહે ૧,૪૪,૦૦૦ને કયું કામ સોંપ્યું છે, અને કયું પરિણામ આવ્યું છે?
૧૬. શા માટે આપણે યહોવાહની ‘મહાનતા અને મહિમા’ જોઈ નથી શકતા?
૧૭, ૧૮. દાઊદ કઈ રીતે યહોવાહના ‘ગૌરવ’ વિષે વધુ જાણી શક્યા?
૧૯. આપણે યહોવાહ માટેનો પ્રેમ કઈ રીતે વધારી શકીએ?
૨૦, ૨૧. (ક) ગીતશાસ્ત્ર ૧૪૫:૭-૯ યહોવાહના કયા સુંદર ગુણો વિષે જણાવે છે? (ખ) એ ગુણો વિષે જાણીને આપણને કેવું લાગે છે?
૨૨. યહોવાહ આપણી સાથે કેવો વહેવાર રાખે છે?
૨૩. હવે પછીનો લેખ આપણને શાના વિષે જણાવશે?
[પાન ૧૦ પર ચિત્ર]
અબજોના અબજો તારાઓ યહોવાહની મહાનતા બતાવે છે
[ક્રેડીટ લાઈન]
Courtesy of Anglo-Australian Observatory, photograph by David Malin
[પાન ૧૨ પર ચિત્ર]
ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે કઈ રીતે યહોવાહની મહાનતા જોઈએ છીએ?
[પાન ૧૩ પર ચિત્ર]
ઈસ્રાએલીઓને સિનાય પાસે મળેલા નિયમોથી યહોવાહની શક્તિ દેખાઈ