યહોવાહ પ્રેમથી ભરપૂર છે
‘યહોવાહ પ્રેમથી ભરપૂર છે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૮, IBSI.
“દેવ પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) યહોવાહના નિયમો પ્રેમ પર નભે છે. લોકો યહોવાહને ભજે કે ન ભજે, તોપણ તે સર્વને સૂરજનો પ્રકાશ અને વરસાદ આપે છે. (માત્થી ૫:૪૪, ૪૫) અરે, યહોવાહ તો મનુષ્યોને એટલા ચાહે છે કે પસ્તાવો કરનાર દુશ્મનને પણ માફ કરે છે. (યોહાન ૩:૧૬) પરંતુ, યહોવાહ એવા લોકોનો જલદી જ નાશ કરશે જેઓ જાણી-જોઈને કોઈ ફેરફાર કરતા નથી. પછી, ફક્ત યહોવાહના ભક્તો જ સુખ-શાંતિથી હંમેશ હંમેશ માટે પૃથ્વી પર જીવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧, ૨૯; ૨ પીતર ૩:૧૩.
૨ યહોવાહ આપણા પર બહુ જ પ્રેમ રાખે છે. એવા પ્રેમ માટે મૂળ હેબ્રી ભાષામાં અતૂટ પ્રેમ કે અપાર પ્રીતિ જેવા શબ્દો વપરાય છે. રાજા દાઊદને યહોવાહના અતૂટ પ્રેમનો સારો અનુભવ હતો. તે યહોવાહને દિલોજાનથી ચાહતા હતા. તેમણે પોતાનો અને બીજાઓનો અનુભવ જોઈને કહ્યું: ‘યહોવાહ પ્રેમથી ભરપૂર છે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૮, IBSI.
યહોવાહના ભક્તો કોણ છે?
૩ શમૂએલની મા, હાન્નાહે યહોવાહ વિષે કહ્યું હતું: “તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે.” (૧ શમૂએલ ૨:૯) આજે યહોવાહના ‘ભક્તો’ કોણ છે? રાજા દાઊદ યહોવાહની સ્તુતિ કરીને જવાબ આપે છે: ‘તારા ભક્તો [વફાદાર લોકો] તારી સ્તુતિ કરશે.’ યહોવાહના ભક્તો હંમેશાં યહોવાહ વિષે સારું બોલે છે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૦.
૪ આપણે લોકોને પૂરા ઉમંગથી યહોવાહ વિષે જણાવીએ છીએ. મિટિંગોમાં ભેગા મળીને પણ યહોવાહ વિષે વાતો કરીએ છીએ. આપણે ગમે ત્યાં હોઈએ, યહોવાહ અને તેમના રાજ્ય વિષે લોકોને જણાવીએ છીએ. ખરેખર, યહોવાહના ભક્તો દાઊદની જેમ કહે છે: ‘તેઓ તારા [યહોવાહના] રાજ્યના ગૌરવ વિષે બોલશે, તેઓ તારા પરાક્રમ સંબંધી વાતો કરશે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૧.
૫ આપણે યહોવાહની વાતો કરીએ ત્યારે શું તે સાંભળે છે? હા, ચોક્કસ. આપણા વિષે માલાખીએ લખ્યું: “ત્યારે યહોવાહનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી; અને યહોવાહે તે ધ્યાન દઈને સાંભળ્યું, અને યહોવાહનું ભય રાખનારાઓને સારૂ તથા તેના નામનું ચિંતન કરનારાઓને સારૂ યાદીનું પુસ્તક તેની હજૂરમાં લખવામાં આવ્યું.” (માલાખી ૩:૧૬) આપણને તેમના વિષે વાતો કરતા સાંભળીને, યહોવાહ ખૂબ ખુશ થાય છે! તેથી તે આપણને કદી ભૂલશે નહિ.
૬ આજે યહોવાહના ભક્તો લોકોને હિંમતથી તેમના વિષે જણાવે છે. આ રીતે બધા “માણસો તેનાં પરાક્રમી કામ, તથા તેના રાજ્યના ગૌરવની શોભા વિષે જાણશે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૨) તેથી, આપણે વિચાર કરવાનો છે કે, ‘શું હું યહોવાહ અને તેમના રાજ્ય વિષે દરેક તકે વાત કરું છું?’ યહોવાહનું રાજ્ય કંઈ માનવ સરકાર જેવું નથી. (૧ તીમોથી ૧:૧૭) દાઊદ રાજાએ કહ્યું કે “તારૂં રાજ્ય સર્વકાળનું રાજ્ય છે, તારો અધિકાર પેઢી દરપેઢી ટકી રહે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૩) તેથી ચાલો આપણે બને એટલા લોકોને જલદીથી જણાવીએ કે તેઓ પણ યહોવાહના રાજ્યના નાગરિકો બને. જેથી તેઓ પણ હંમેશ માટે યહોવાહની સ્તુતિ કરી શકે.
૭ આ રાજ્ય યહોવાહે ૧૯૧૪માં શરૂ કર્યું જેનો અંત કદી આવશે નહિ. તેમણે દાઊદના વંશમાંથી આવતા ઈસુને એના રાજા બનાવ્યા. આમ, યહોવાહે પોતાનું વચન પાળ્યું કે દાઊદનું રાજ્ય હંમેશાં ટકશે. (૨ શમૂએલ ૭:૧૨, ૧૩; લુક ૧:૩૨, ૩૩) એ જાણીને, શું યહોવાહના રાજ્ય વિષે લોકોને કહેવાનું આપણને મન નથી થતું?
૮ અંતની એક નિશાની વિષે ઈસુ ખ્રિસ્તે કહ્યું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૩-૧૪) આજે યહોવાહના લોકો રાજ્યનો પ્રચાર કરવામાં કોઈ કચાશ રાખતા નથી. એટલે જ આજે ૬૦ લાખથી વધારે લોકો આ કાર્યમાં વ્યસ્ત છે. એનું કારણ એ છે કે ફરીથી કદી આ કામ થશે નહિ. વળી, જેઓ યહોવાહના વિરોધીઓ છે, તેઓનું નામ-નિશાન મિટાવી દેવામાં આવશે.—પ્રકટીકરણ ૧૧:૧૫, ૧૮.
યહોવાહ આપણો સાથ છોડશે નહિ
૯ સર્વોપરી યહોવાહને જ આપણા રાજા માનવાના ઘણા લાભો છે. (ગીતશાસ્ત્ર ૭૧:૫; ૧૧૬:૧૨) આપણે ફક્ત તેમની જ ભક્તિ કરીને તેમની આજ્ઞાઓ પ્રમાણે જીવીએ છીએ. એટલે યહોવાહની કૃપા સદા તેમના ભક્તો પર હોય છે. તેમ જ તે આપણને સાથ દે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫; યાકૂબ ૪:૮) જ્યારે આજના નેતાઓને લો. તેઓ ફક્ત લશ્કરના વડાઓ, ધનવાન વેપારીઓ કે સ્પોર્ટ્સ અથવા ફિલ્મોના હીરો જેવા મોટા મોટા લોકો સાથે જ સંબંધ રાખે છે. આફ્રિકાના એક ન્યૂઝ પેપરને એક નેતાએ કહ્યું: ‘અમે મોટી મોટી કારમાં ફરીએ છીએ એટલે અમને ગરીબ એરિયામાં જવાની શરમ આવે છે. અમારા દેશની આવી હાલત અમને આંખમાં કણાની જેમ ખૂંચે છે.’
૧૦ ખરું કે અમુક નેતાઓ પોતાની પ્રજાનું ભલું કરવા માંગે છે. પરંતુ, તેઓ કદી લોકોના સુખ-દુઃખ સારી રીતે સમજી શકશે નહિ. તો પછી, શું કોઈ પણ એવો નેતા છે કે જે દરેકની સંભાળ રાખી શકે? શું તે લોકોનો પોકાર સાંભળીને તરત જ મદદ કરશે? દાઊદે લખ્યું: “સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે, અને સર્વ દબાઇ રહેલાઓને તે ઊભા કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪) ખરેખર, પરમેશ્વર યહોવાહ જ એ નેતા કે રાજા છે.
૧૧ આજે આપણા પર ઘણી જ આફતો આવી પડે છે, કેમ કે આપણે બધા અપૂર્ણ છીએ. વળી, આપણે શેતાનના દુષ્ટ જગતમાં રહીએ છીએ. (૧ યોહાન ૫:૧૯; ગીતશાસ્ત્ર ૩૪:૧૯) આપણે સતાવણી સહીએ છીએ. ઘણા બીમારીની ચક્કીમાં પિસાઈ રહ્યા છે. વળી, અમુક પાસેથી મરણે વહાલાઓને ખૂંચવી લીધા છે. કોઈક વાર પોતાની ભૂલને લીધે, ‘હાથના કર્યા હૈયે વાગે’ છે. પરંતુ, યહોવાહ અને ઈસુ હંમેશાં આપણી સાથે જ રહીને દિલાસો અને શક્તિ આપે છે.—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪.
જીવનને સંતોષ આપતો ખોરાક
૧૨ અપાર પ્રેમના લીધે યહોવાહ તેમના ભક્તોને સર્વ જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે. રાજા દાઊદે લખ્યું: “સર્વની દૃષ્ટિ તારી તરફ તલપી રહે છે; યોગ્ય સમયે તું તેઓને અન્ન આપે છે. તું તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઈચ્છાને તૃપ્ત કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૫, ૧૬) ઘણી વખત મુશ્કેલીઓનો પાર હોતો નથી તોપણ, યહોવાહે આપણને ‘દિવસની રોટલી’ પૂરી પાડી છે.—લુક ૧૧:૩; ૧૨:૨૯, ૩૦.
૧૩ દાઊદે ‘સર્વ સજીવોની ઇચ્છા’ પૂરી કરવાની વાત કરી. એમાં પશુ, પંખી, પ્રાણી અને માછલીઓ પણ આવી જાય છે. જો યહોવાહે આ ધરતી પર શાકભાજી અને વનસ્પતિઓ ન ઉગાડી હોત તો, એ બધાનું શું થાત? વનસ્પતિ વગર આપણને ખોરાક ન મળત અને શુદ્ધ હવા પણ ન મળત! (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪) ખરેખર, યહોવાહ આપણો બેલી છે!
૧૪ જોકે મનુષ્યોને પરમેશ્વરના જ્ઞાનની ભૂખ હોય છે. (માત્થી ૫:૩) યહોવાહ દરેક રીતે આપણી આ ભૂખ સંતોષે છે. ઈસુએ મરણ પહેલાં વચન આપ્યું હતું કે, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” ચોક્કસ “વખતસર ખાવાનું” એટલે કે ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડશે. (માત્થી ૨૪:૪૫) આજે પૃથ્વી પર ૧,૪૪,૦૦૦માંથી બાકી રહેલા ચાકર વર્ગ દ્વારા યહોવાહ પુષ્કળ જ્ઞાન આપે છે!
૧૫ આજે યહોવાહે આપણને ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઓફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ પૂરું પાડ્યું છે. એ ખરેખર આશીર્વાદ છે! અરે, ઘણા તો પોતાની ભાષામાં એ વાંચી શકે છે. વળી, ૩૦૦થી વધારે ભાષાઓમાં બાઇબલ વિષેના લાખો-કરોડો પુસ્તકો અને મૅગેઝિનો છપાઈ રહ્યા છે. અપાર પ્રેમના લીધે યહોવાહ તેમના ચાકર દ્વારા આપણને “વખતસર ખાવાનું” આપે છે. યહોવાહ કેટલા મહાન છે! જરા વિચારો, જો તે હમણાં આ રીતે ‘સર્વ સજીવોની ઇચ્છા’ સંતોષે તો, નવી દુનિયામાં આપણને સુખી રાખવા બીજું શું નહિ કરે!—લુક ૨૩:૪૨, ૪૩.
૧૬ યહોવાહ યોગ્ય સમયે જ્ઞાન આપે છે, એનું એક ઉદાહરણ લઈએ. યુરોપમાં ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારની આ વાત છે. એ જ વર્ષમાં નવેમ્બર ૧ના અંગ્રેજી ચોકીબુરજમાં ‘લડાઈ ન કરવા’ વિષે લેખ આવ્યો. એની ચોખ્ખી સમજણથી દુનિયાભરમાં યહોવાહના લોકો કોઈ પણ પક્ષે લડ્યા નહિ. પરંતુ, સરકારોને ખોટું લાગ્યું. તેઓ યહોવાહના લોકોનું કામ બંધ કરી દેવા માંડ્યા અને તેઓની ખૂબ રિબામણી કરી. તેમ છતાં, યહોવાહના ભક્તો ઈશ્વરના રાજ્યની ખુશખબરી કહેતા જ રહ્યા. એનાથી ૧૯૩૯-૧૯૪૬ સુધીમાં, તેઓમાં ૧૫૭ ટકાનો વધારો થયો! આ સાક્ષીઓના દાખલામાંથી આજે પણ ઘણા લોકો જોઈ શકે છે કે ફક્ત યહોવાહનો જ ધર્મ સાચો છે.—યશાયાહ ૨:૨-૪.
૧૭ યહોવાહનું વખતસર જ્ઞાન, આપણા જીવનને ખૂબ ખુશી આપે છે. દાખલા તરીકે, બીજા વિશ્વયુદ્ધમાં દેશો એકબીજા સાથે લડતા હતા. પરંતુ, એ સમયે યહોવાહે પોતાના લોકોને શીખવ્યું કે પોતાનો જાન બચાવવાને બદલે બીજું કંઈક વધારે મહત્ત્વનું છે. એ બાબત એ હતી કે ફક્ત યહોવાહ આખા વિશ્વના સર્વોપરી રાજા છે. આ જાણીને સાક્ષીઓ ફક્ત યહોવાહને જ વળગી રહ્યા. આમ, તેઓએ યહોવાહને સાથ આપીને, ટોણા મારનાર શેતાનને જૂઠો ઠરાવ્યો! (નીતિવચનો ૨૭:૧૧) શેતાન, યહોવાહ અને તેમના રાજ્યને બદનામ કરે છે, પણ આપણે જાહેરમાં પોકારીએ છીએ કે “યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭.
૧૮ વળી, ૨૦૦૨/૦૩માં આખી દુનિયામાં “ઉત્સાહી રાજ્ય પ્રચારકો” સંમેલનો થયાં. એમાં આપણા વખતસર જ્ઞાનની ભૂખ મિટાવવા ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ એક અંગ્રેજી પુસ્તક બહાર પાડ્યું છે જેનું નામ છે, ડ્રો ક્લોઝ ટુ જીહોવાહ. એ પુસ્તકમાં ગીતશાસ્ત્ર ૧૪૫ના જેવા યહોવાહના સુંદર ગુણોની વાત થાય છે. આ પુસ્તક ખરેખર આપણને યહોવાહના જિગરી દોસ્ત બનાવશે.
યહોવાહને વળગી રહો
૧૯ યહોવાહ જ વિશ્વના સર્વોપરી છે. એ સાબિત કરવાનો સમય ખૂબ નજીક છે. હઝકીએલ ૩૮ પ્રમાણે, “માગોગ દેશનો ગોગ” એટલે શેતાન, જલદી જ યહોવાહના સર્વ ભક્તોને ખૂબ સતાવશે. તે ચાહે છે કે આપણે યહોવાહને ભજવાનું છોડી દઈએ. તેથી, આપણે યહોવાહને ખૂબ કાલાવાલા અને પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ, યહોવાહને જ વળગી રહેવાથી કોઈ ફાયદો છે? હા, દાઊદ રાજાએ કહ્યું હતું: “જેઓ તેને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવાહ છે. તેના ભક્તોની ઈચ્છા તે તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને તારશે. જેઓ યહોવાહ પર પ્રેમ રાખે છે તે બધાનું તે રક્ષણ કરે છે; પણ સર્વ દુષ્ટોનો તે સંહાર કરશે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮-૨૦.
૨૦ આપણે કેટલા ખુશ છીએ કે યહોવાહ સર્વ દુષ્ટોનો વિનાશ કરશે ત્યારે આપણે સલામતીમાં હોઈશું! આ દુનિયાના કઠિન સમયમાં “જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે,” તેઓને જ યહોવાહ મદદ કરશે. પરંતુ, તે ઢોંગી લોકોને જરાય સાંભળશે નહિ. બાઇબલમાં ઘણી વખત બતાવ્યું છે કે ભલે દુષ્ટ લોકો છેલ્લી ઘડીએ પસ્તાવો કરે, તેઓ યહોવાહને છેતરી શકતા નથી!—નીતિવચનો ૧:૨૮, ૨૯; મીખાહ ૩:૪; લુક ૧૩:૨૪, ૨૫.
૨૧ તેથી ચાલો આપણે હમણાં, અરે આજથી જ યહોવાહને ‘ખરા ભાવથી વિનંતી કરીએ.’ ચાલો આપણે તેમનું મહાન નામ પ્રાર્થનામાં, સભાઓમાં કે પ્રચારમાં, અરે જ્યાં હોઈએ ત્યાં ઉત્સાહથી રોશન કરીએ!—રૂમીઓને પત્ર ૧૦:૧૦, ૧૩-૧૫.
૨૨ યહોવાહને વળગી રહેવાનો અર્થ એ પણ થાય છે, કે તેમની સાથેની દોસ્તીમાં તરાડ પાડે એવી હરેક ચીજોથી દૂર રહીએ. એટલે કે ધનદોલત અને મોજમઝામાં જ ડૂબેલા ન રહીએ. તેમ જ મોટું મન રાખીને એકબીજાને છૂટથી માફ કરીએ. વળી, કોઈને મદદની જરૂર હોય ત્યારે મોં ફેરવી ન લઈએ. (૧ યોહાન ૨:૧૫-૧૭; ૩:૧૫-૧૭) આપણામાં જે કંઈ સુધારો કરવાની જરૂર હોય, એ જલદી કરીએ. નહિ તો આપણે પાપમાં પડીશું અને યહોવાહ સાથેની દોસ્તી ગુમાવીશું. (૧ યોહાન ૨:૧, ૨; ૩:૬) જો આપણે હંમેશાં યહોવાહને વળગી રહીએ, તો તે હંમેશાં આપણને કૃપા બતાવશે.—૨ શમૂએલ ૨૨:૨૬.
૨૩ યહોવાહે આપણા માટે સદાને માટે સુખી જીવનનું ઇનામ રાખ્યું છે. આપણું મન એના પરથી જરાય આમ-તેમ ભટકવા ન દઈએ. જો આપણે યહોવાહને વળગી રહીએ તો આપણે “દરરોજ” અરે, “સદા” તેમની સ્તુતિ કરી શકીશું. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧, ૨) તેથી, ચાલો આપણે ‘અનંતજીવનને અર્થે દેવની પ્રીતિમાં પોતાને સ્થિર રાખીએ.’ (યહુદા ૨૦, ૨૧) જો આપણે યહોવાહને વળગી રહીશું તો આપણે તેમનો અતૂટ પ્રેમ અનુભવીશું. પછી, આપણે પણ દાઊદની જેમ કહીશું: “મારૂં મોઢું યહોવાહની સ્તુતિ કરશે; સર્વ માણસો સદા તેના પવિત્ર નામને સ્તુત્ય માનો.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૨૧.
આપણે શું શીખ્યા?
• ગીતશાસ્ત્ર ૧૪૫ કઈ રીતે યહોવાહના ભક્તોની ઓળખ આપે છે?
• કઈ રીતે યહોવાહ “સર્વ સજીવોની ઇચ્છાને” પૂરી કરે છે?
• આપણે શા માટે યહોવાહને વળગી રહેવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. યહોવાહ કેવો પ્રેમ બતાવે છે?
૨. યહોવાહ તેમના ભક્તો પર કેવો પ્રેમ બતાવે છે?
૩, ૪. (ક) ગીતશાસ્ત્ર ૧૪૫ પ્રમાણે યહોવાહના ભક્તો શું કરશે? (ખ) આપણે કઈ રીતે યહોવાહની “સ્તુતિ” કરીએ છીએ?
૫. યહોવાહની વાતો કરીએ ત્યારે, આપણે કેમ ખાતરી રાખી શકીએ કે તે આપણું સાંભળે છે?
૬. આજે યહોવાહના ભક્તો બીજું શું કરે છે?
૭, ૮. વર્ષ ૧૯૧૪માં શું બન્યું, અને યહોવાહના રાજ્ય વિષે શું થઈ રહ્યું છે?
૯, ૧૦. યહોવાહ અને આજના નેતાઓમાં શું ફરક છે?
૧૧. આપણા પર કઈ કઈ આફતો આવી પડે છે, અને આપણને કોની મદદ મળે છે?
૧૨, ૧૩. યહોવાહ કઈ રીતે ‘સર્વ સજીવોની ઇચ્છા’ પૂરી કરે છે?
૧૪, ૧૫. આજે આપણને યહોવાહનું જ્ઞાન કઈ રીતે મળે છે?
૧૬, ૧૭. (ક) કયું ઉદાહરણ બતાવે છે કે યહોવાહ વખતસર જ્ઞાન આપે છે? (ખ) ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭ પ્રમાણે યહોવાહના ભક્તો કઈ રીતે શેતાનને જૂઠો ઠરાવે છે?
૧૮. સંમેલનમાં આપણને શું મળ્યું જે આપણી જ્ઞાનની ભૂખ મિટાવશે?
૧૯. શું સાબિત કરવાનો સમય નજીક છે અને આપણે શું કરવું જોઈએ?
૨૦. ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮-૨૦ કઈ રીતે સાચું સાબિત થશે?
૨૧. યહોવાહના મહાન નામને આપણે કઈ રીતે રોશન કરી શકીએ?
૨૨. આપણે શા માટે દુન્યવી ઇચ્છાઓ અને વલણથી દૂર રહેવું જોઈએ?
૨૩. આપણા માટે યહોવાહે કયું ઇનામ રાખ્યું છે?
[પાન ૧૬ પર ચિત્ર]
યહોવાહના લોકો ખુશીથી તેમના મહાન કામો વિષે વાતો કરે છે
[પાન ૧૭ પર ચિત્ર]
યહોવાહના નાના-મોટા બધા ભક્તો હિંમતથી તેમના વિષે શીખવે છે
[પાન ૧૮ પર ચિત્ર]
યહોવાહ “સર્વ સજીવોની ઇચ્છાને” પૂરી કરે છે
[ક્રેડીટ લાઈન]
પ્રાણીઓ: Parque de la Naturaleza de Cabárceno
[પાન ૧૯ પર ચિત્ર]
આપણે પ્રાર્થના કરીએ તો, યહોવાહ ચોક્કસ હિંમત અને માર્ગદર્શન આપે છે