સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહો!
“પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ.”—ગીતશાસ્ત્ર ૨૬:૧૧.
માણસજાતની શરૂઆતમાં જ એદન વાડીમાં શેતાને યહોવાહ સામે બળવો કર્યો. તેણે જાણે યહોવાહને કહ્યું: ‘વિશ્વની વાત તો બાજુએ રહી, તું તો માણસો પર રાજ ચલાવી શકતો નથી.’ આમ, શેતાને યહોવાહનું અપમાન કર્યું. ઘણાં વર્ષો પછી, શેતાને ફરીથી યહોવાહને તીખી જીભથી કહ્યું: ‘તું માણસોને આશીર્વાદો દે છે, એટલે જ તેઓ તને ભજે છે.’ (અયૂબ ૧:૯-૧૧; ૨:૪) શેતાને સર્વ મનુષ્યોની શ્રદ્ધા પર શંકા કરી.
૨ ભલે માણસો કબૂલ કરે કે નહિ, યહોવાહ જ વિશ્વના રાજા છે અને રહેશે. પણ સ્વર્ગદૂતો અને માણસો માટે અત્યારે તક છે કે યહોવાહને રાજા માને અને શેતાનને ચૂપ કરી દે. એ માટે સચ્ચાઈથી ચાલવું ખૂબ જરૂરી છે, કેમ કે એ તપાસીને જ યહોવાહ આપણો ન્યાય કરશે. એ આપણા મરણ-જીવનનો સવાલ છે.
૩ અયૂબે પૂરી શ્રદ્ધાથી કહ્યું કે “ખરા ત્રાજવે ઈશ્વર [યહોવાહ] ભલે મને તોળે! તો એને ખબર પડશે કે હું નિર્દોષ છું.” (યોબ [અયૂબ] ૩૧:૬, સંપૂર્ણ) ઈસ્રાએલના રાજા દાઊદે પણ એવી જ વિનંતી કરી: “હે યહોવાહ, મારો ન્યાય કર, કેમ કે હું પ્રામાણિકપણે વર્ત્યો છું; વળી મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને ડગ્યો નથી.” (ગીતશાસ્ત્ર ૨૬:૧) એ ખૂબ મહત્ત્વનું છે કે આપણે પણ પ્રમાણિક બનીએ. ઈશ્વર પર પૂરી શ્રદ્ધા રાખીએ. સત્યના માર્ગ પર ચાલીએ. પણ આપણે કઈ રીતે એમ કરી શકીએ?
‘હું સચ્ચાઈના માર્ગ પર ચાલ્યો છું’
૪ પ્રમાણિક બનવું એટલે શું? એનો અર્થ એ થાય કે આપણે ઈમાનદાર બનીએ, સચ્ચાઈને વળગી રહીએ. એટલું જ નહિ કે આપણે કંઈ ખોટું ન કરીએ.પણ આપણે નીતિમાન બનીએ, સાફ દિલ રાખીએ અને ઈશ્વર પર પૂરી શ્રદ્ધા રાખીએ. શેતાને શંકા કરી કે અયૂબનું દિલ સાફ ન હતું અને તેની શ્રદ્ધા ખરી ન હતી. તેણે યહોવાહને કહ્યું: “તારો હાથ લંબાવીને તેના [અયૂબના] હાડકાને તથા તેના માંસને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચઢીને તને શાપ દેશે.” (અયૂબ ૨:૫) અયૂબે શેતાનને જૂઠો સાબિત કર્યો. ચાલો આપણે પણ દિલથી શ્રદ્ધા રાખીએ અને સચ્ચાઈથી વર્તીએ.
૫ શું પૂરા દિલથી શ્રદ્ધા રાખવાનો અર્થ એમ થાય કે આપણે કદી ભૂલ નહિ કરીએ? ના, એવું નથી. રાજા દાઊદનો વિચાર કરો. તે આપણા જેવા જ હતા. જીવનમાં તે અનેક વાર મોટી મોટી ભૂલો કરી બેઠા. તોપણ, બાઇબલ કહે છે કે તે “શુદ્ધ હૃદયથી” ઈશ્વર સાથે ચાલ્યા. (૧ રાજાઓ ૯:૪) દાઊદ યહોવાહને ખૂબ ચાહતા હતા. તેમના હૃદયમાં શ્રદ્ધાનો દીવો હંમેશાં ઝળહળતો હતો. એટલે તેમણે પોતાની ભૂલોને કબૂલ કરી અને યહોવાહની ભલામણ દિલમાં ઉતારી. દાઊદ જિંદગીભર સચ્ચાઈના માર્ગ પર ચાલ્યા.—પુનર્નિયમ ૬:૫, ૬.
૬ જીવનની સફરમાં આપણે હંમેશાં પ્રમાણિક રહેવું જોઈએ. દાઊદ એ જ પ્રમાણે ‘ચાલ્યા.’ તેમનું દરેક કદમ સચ્ચાઈના માર્ગ પર જ હતું. બાઇબલ ભાષાંતર વિષેનું એક પુસ્તક કહે છે કે ‘“ચાલવાનો” અર્થ ખરેખર “જીવનની રીત” બતાવે છે.’ જેઓ ‘સીધે માર્ગે’ ચાલે છે તેઓને ગીતકર્તાએ કહ્યું કે, “યહોવાહના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. તેનાં સાક્ષ્ય પાળનારાઓને ધન્ય છે; તેઓ પૂર્ણ હૃદયથી તેને શોધે છે. તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેના માર્ગમાં ચાલે છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧-૩) સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહેવા માટે, આપણે હંમેશાં યહોવાહની સલાહ હૃદયમાં ઉતારવી જોઈએ.
૭ સચ્ચાઈથી જીવવા માટે આપણને ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ. જો આપણી શ્રદ્ધા અડગ હોય, તો આપણે કોઈ પણ દુઃખ-તકલીફ સહન કરી શકીશું. આપણે દુનિયાની કોઈ પણ લાલચથી દૂર રહી શકીશું. આવી શ્રદ્ધાથી આપણે યહોવાહના “હૃદયને આનંદ” પમાડીશું અને સાથે સાથે શેતાનને ચૂપ કરી દઈશું. (નીતિવચનો ૨૭:૧૧) ચાલો આપણે પણ અયૂબની માફક સોગંદ ખાઈએ: “મરતાં સુધી હું મારા પ્રામાણિકપણાનો ઈનકાર કરીશ નહિ.” (અયૂબ ૨૭:૫) આપણું એ વચન પાળવા ગીતશાસ્ત્રનો ૨૬મો અધ્યાય મદદ કરે છે.
‘મારા અંતઃકરણ તથા હૈયાને’ સાફ કરો
૮ દાઊદે પ્રાર્થના કરી: “હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કર; મારા અંતઃકરણ તથા હૈયાને કસી જો.” (ગીતશાસ્ત્ર ૨૬:૨) દાઊદે કહ્યું કે “મારી પરીક્ષા કર.” પણ એનો શું અર્થ થાય? બાઇબલની મૂળ હેબ્રી ભાષા પ્રમાણે, આ કલમમાં ભાષાંતર થયેલું “અંતઃકરણ” કે ‘હૈયું,’ લાગણીઓ અને વિચારોને બતાવે છે. દાઊદ જાણે એમ કહેતા હતા, ‘હે યહોવાહ, મારું હૃદય જુઓ અને એને સાફ કરો.’
૯ યહોવાહ કઈ રીતે આપણું હૃદય જુએ છે અને એને શુદ્ધ કરે છે? દાઊદે કહ્યું: “યહોવાહે મને બોધ દીધો છે, તેને હું સ્તુત્ય માનીશ; મારૂ અંતઃકરણ મને રાતને વખતે બોધ આપે છે.” (ગીતશાસ્ત્ર ૧૬:૭) આનો અર્થ એમ થાય કે યહોવાહની સલાહ છેક દાઊદના અંતઃકરણ સુધી પહોંચી. પછી તેમની લાગણીઓ અને વિચારો બદલાવા લાગ્યા. તેમનું હૃદય સાફ બન્યું. એ જ રીતે, યહોવાહ બાઇબલ, મંડળ અને તેમના સંગઠન દ્વારા આપણને માર્ગદર્શન આપે છે. જો આપણે એ શિક્ષણ પર વિચાર કરીએ, એને હૃદયમાં ઉતારીએ, તો આપણું હૃદય પણ શુદ્ધ બનશે. ચાલો આપણે સાફ હૃદય માટે યહોવાહને વિનંતી કરતા રહીએ. તે ચોક્કસ મદદ કરશે અને આપણને સચ્ચાઈના માર્ગમાં દોરશે.
“તારી કૃપા હું નજરે જોઉં છું”
૧૦ દાઊદે કહ્યું: “તારી કૃપા હું નજરે જોઉં છું; અને હું તારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.” (ગીતશાસ્ત્ર ૨૬:૩) યહોવાહે ઈસ્રાએલીઓને ખૂબ કૃપા બતાવી હતી. આના પર વિચાર કરીને દાઊદ પોકારી ઊઠ્યા: “રે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.” પછી દાઊદે યહોવાહનું એક મહાન કામ યાદ કરતા કહ્યું: “જેઓ જુલમથી હેરાન થએલા છે તે સર્વને સારૂ યહોવાહ ન્યાયનાં કૃત્ય તથા ચુકાદા કરે છે. તેણે પોતાના માર્ગ મુસાને તથા પોતાનાં કૃત્યો ઇસ્રાએલના પુત્રોને જણાવ્યાં.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૨, ૬, ૭) એ કયો બનાવ હતો? ઈસ્રાએલી લોકોને મિસરની ગુલામીમાંથી યહોવાહે જે રીતે આઝાદી અપાવી, એ બનાવ હોય શકે. આ બનાવ પર વિચાર કરીને દાઊદની શ્રદ્ધા વધી અને સત્યના માર્ગ પર ચાલતા રહેવા તેમને ધગશ મળી!
૧૧ સચ્ચાઈના માર્ગે ચાલતા રહેવા બીજું શું મદદ કરી શકે? આપણે જે કંઈ બાઇબલમાંથી શીખીએ, એ દિલમાં ઉતારીએ. ચાલો આપણે અમુક ઉદાહરણો લઈએ. પહેલા, યુસફનો વિચાર કરો. જ્યારે તેના ધણીની પત્નીએ તેને વ્યભિચાર કરવા લલચાવ્યો, ત્યારે તે તરત જ ત્યાંથી નાસી છુટ્યો. જો સ્કૂલમાં, નોકરી પર કે બીજી કોઈ જગ્યાએ કોઈ આપણને લલચાવે, તો ચાલો આપણે યુસફની જેમ વર્તીએ. (ઉત્પત્તિ ૩૯:૭-૧૨) હવે મુસાનો વિચાર કરો. તે મિસરમાં મોટું નામ કમાઈ શક્યા હોત. અરે, તે ખૂબ અમીર પણ બની શક્યા હોત. પણ તે એની પાછળ ગયા નહિ. જો દુનિયા આપણને મોટી નોકરી અને પૈસાથી લલચાવે, તો શું આપણે મુસાને પગલે ચાલીશું? (હેબ્રી ૧૧:૨૪-૨૬) અયૂબના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? ભલે તેમણે ઘણાં દુઃખો સહન કરવા પડ્યાં, છતાં તે હંમેશાં યહોવાહને વળગી રહ્યા. ચાલો આપણે પણ અયૂબની જેમ આપણી શ્રદ્ધા અડગ રાખીએ, ભલે પછી બીમારી આવે કે દુઃખો આવે. (યાકૂબ ૫:૧૧) દાનીયેલ કેટલા હિંમતવાન હતા! નિર્દોષ હોવા છતાં, તેમને સિંહોના બીલમાં નાખી દેવામાં આવ્યા. આપણા પર કોઈ સતાવણી આવે તો શું? ચાલો આપણે દાનીયેલના જેમ હિંમતવાન રહીએ.—દાનીયેલ ૬:૧૬-૨૨.
“દુરાચારી માણસોની સાથે હું બેઠો નથી”
૧૨ સચ્ચાઈથી ચાલવા દાઊદને બીજા શાનાથી મદદ મળી? દાઊદે કહ્યું: “દુરાચારી માણસોની સાથે હું બેઠો નથી; કપટીઓની સાથે હું વહેવાર રાખીશ નહિ. ભૂંડાઓની મંડળીથી હું કંટાળું છું, અને ભૂંડાની સાથે બેસીશ નહિ.” (ગીતશાસ્ત્ર ૨૬:૪, ૫) દાઊદ દુષ્ટોની નફરત કરતા હતા. અરે, તેમને કપટી કે ભૂંડા લોકો સાથે બેસવાનું પણ ન ગમતું!
૧૩ શું આપણે દાઊદ જેવા છીએ? આજે ટીવી, વિડીયો, ફિલ્મો કે ઇંટરનેટ દ્વારા અનેક દુષ્ટ કામો જોવા મળે છે. શું આપણે એ બધી બાબતો સાંભળીએ કે જોઈએ છીએ? સ્કૂલ કે નોકરી પર અમુક કપટી વ્યક્તિઓ આપણી સાથે દોસ્તી બાંધવા ચાહે. શું આપણે દોસ્તીનો હાથ લંબાવીશું? આજે અમુક ભાઈ-બહેનો યહોવાહના મંડળને છોડીને તેમના દુશ્મનો બને છે. તેઓ ચાલાકીથી આપણને પણ ફસાવી શકે. શું આપણે કોઈ પણ રીતે તેઓ સાથે ઊઠીએ-બેસીએ છીએ? અરે, મંડળમાં અમુક છાની-છૂપી રીતે પાપ કરતા હોય છે. શું આપણે તેઓની વાત સાંભળીશું? જેસનનો વિચાર કરો, જે હવે સેવકાઈ ચાકર છે. તે યુવાન હતો ત્યારે મંડળમાં તેના અમુક મિત્રો ખરાબ હતા. તેઓમાંના એકે જેસનને કહ્યું: ‘તને હમણાં જે મજા કરવી હોય એ કરી લે! નવી દુનિયા આવશે ત્યારે આપણે બસ એક પલમાં મરી જઈશું. પછી ભલે ગમે એવી દુનિયા હોય, આપણને ક્યાં ખબર પડવાની છે?’ જેસન કહે છે: ‘આ સાંભળીને મારી અક્કલ ઠેકાણે આવી ગઈ. દુનિયાનો અંત આવે ત્યારે મને મરવું નથી!’ જેસને તરત જ આ ખરાબ મિત્રોને છોડી દીધા. પ્રેષિત પાઊલની સલાહ સાચી જ છે: “ભૂલશો મા; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કોરીંથી ૧૫:૩૩) કેટલું મહત્ત્વનું છે કે આપણે ખરાબ સંગતથી દૂર રહીએ!
“તારાં સર્વ ચમત્કારી કામ પ્રગટ કરૂં”
૧૪ દાઊદ પછી કહે છે: “હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ; અને, હે યહોવાહ, એ પ્રમાણે હું તારી વેદીની પ્રદક્ષિણા કરીશ. જેથી હું ઉપકારસ્તુતિ કરીને તારાં સર્વ ચમત્કારી કામ પ્રગટ કરૂં.” (ગીતશાસ્ત્ર ૨૬:૬, ૭) દાઊદ નીતિમાન રહેવા ઇચ્છતા હતા કે જેથી તે યહોવાહની ભક્તિ કરતા રહી શકે.
૧૫ દાઊદના દિવસોમાં પહેલા મંડપમાં અને પછી મંદિરમાં ભક્તિ થતી હતી. એ “માત્ર સ્વર્ગીય મંડપનો નમૂનો અને પ્રતિછાયા” હતી. (હિબ્રૂ ૮:૫, પ્રેમસંદેશ; ૯:૨૩) તો વેદી શાને રજૂ કરતી હતી? એ મનુષ્યોના ઉદ્ધાર માટે ઈસુ ખ્રિસ્તે આપેલી કુરબાનીને રજૂ કરતી હતી, જેનો યહોવાહે સ્વીકાર કર્યો હતો. (હેબ્રી ૧૦:૫-૧૦) આપણે ઈસુની કુરબાની પર શ્રદ્ધા મૂકીએ ત્યારે, એક રીતે ‘નિર્દોષ’ બનીએ છીએ. ત્યાર પછી ચોખ્ખા દિલથી આપણે જાણે યહોવાહની “વેદી” ફરતે ચાલી શકીએ છીએ.—યોહાન ૩:૧૬-૧૮.
૧૬ ઈસુની કુરબાનીથી આપણે પાપ અને મરણના મોંમાંથી બચી ગયા છીએ. શું તમારા દિલમાં યહોવાહ અને ઈસુ માટેનો પ્રેમ ઊભરાતો નથી? હા, ચોક્કસ! તો પછી, ચાલો આપણે સર્વ લોકોને યહોવાહનાં મહાન કામો વિષે જણાવીએ. આપણે લોકોને જણાવીએ કે એદન વાડીમાં માણસની શરૂઆત કેવી રીતે થઈ હતી. પછી શું બન્યું અને કઈ રીતે નજીકમાં દુનિયા ફરી સુંદર બનશે. (ઉત્પત્તિ ૨:૭; પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૧) સર્વ લોકોને યહોવાહના રાજ્ય વિષેની ખુશખબરી ફેલાવવાથી આપણી શ્રદ્ધા મજબૂત રહેશે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) જો આપણે આ કામ પૂરા તન-મનથી કરીશું, તો યહોવાહ અને લોકો માટેનો આપણો પ્રેમ ઠંડો નહિ પડે. ચાલો આપણે પૂરી શ્રદ્ધાથી આવનાર આશીર્વાદોની રાહ જોઈએ.
‘તારા મંદિરનું આંગણું મને પ્રિય લાગે છે’
૧૭ સર્વ ઈસ્રાએલીઓ યરૂશાલેમમાં ભક્તિ કરવા જતા, કેમ કે યહોવાહનું મંદિર અને વેદી ત્યાં હતા. યહોવાહના મંદિરે જવાથી દાઊદને બહુ ખુશી થતી, એટલે તેમણે કહ્યું: “હે યહોવાહ, તારા મંદિરનું આંગણું તથા તારા ગૌરવવાળી જગા મને પ્રિય લાગે છે.”—ગીતશાસ્ત્ર ૨૬:૮.
૧૮ શું આપણે પણ દાઊદની જેમ હોંશથી યહોવાહની ભક્તિ કરવા જઈએ છીએ? દરેક કિંગ્ડમ હૉલમાં આપણને યહોવાહનું શિક્ષણ મળે છે. વર્ષમાં ત્રણ વાર આપણે સંમેલનોમાં ભેગા મળીએ છીએ, જેમ કે ડિસ્ટ્રીક્ટ, સરકીટ અને એક દિવસનું સંમેલન. એમાં પણ આપણે યહોવાહનું શિક્ષણ મેળવીએ છીએ. જો આપણે એ જ્ઞાનનો લાભ મેળવવા ચાહીએ, તો આપણે બને તેમ દરેક મિટિંગમાં જઈને ધ્યાનથી સાંભળીશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૭) મંડળનું વાતાવરણ પણ કેટલું સારું છે! ત્યાં પ્યારા ભાઈ-બહેનો સુખ-દુઃખમાં આપણી સાથે હોય છે. તેઓ સત્યના માર્ગ પર ચાલવા, આપણને ખૂબ સાથ આપે છે.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.
‘પાપીઓ સાથે મારા જીવને ભેગો કરી દેતો નહિ’
૧૯ દાઊદ જાણતા હતા કે સત્યનો માર્ગ છોડવો, એટલે મોતના મોંમાં જવા બરાબર છે. તેમણે કહ્યું: “પાપીઓની સાથે મારા પ્રાણને, અને ઘાતકી માણસો સાથે મારા જીવને ભેગો કરી દેતો નહિ; તેઓને હાથે ઉપદ્રવ થાય છે, અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.” (ગીતશાસ્ત્ર ૨૬:૯, ૧૦) દાઊદે વિનંતી કરી કે યહોવાહ તેમને પાપી, ખૂની કે લાંચિયા માણસો સાથે ન ગણે.
૨૦ આખી દુનિયામાં પાપ વધી ગયું છે. ટીવી, મૅગેઝિનો અને ફિલ્મો જાણે લોકોને કહે છે કે, ‘વ્યભિચારી અને લંપટ’ જીવન જીવવાની તો આજે ફેશન છે. (ગલાતી ૫:૧૯) ઘણા લોકો પોર્નોગ્રાફીના વશમાં આવીને હવે ખૂબ ગંદું જીવન જીવે છે. ઘણા યુવાનો આ ફાંદામાં ફસાઈ જાય છે. આજે અનેક દેશોમાં ડેટીંગ સાવ સામાન્ય બની ગયું છે. ભલે યુવાનો લગ્નની ઉંમરે પહોંચ્યા ન હોય, તેઓ દબાણમાં આવીને સ્ત્રી-પુરુષ સાથે દોસ્તી બાંધે છે. છેવટે, સેક્સની ભૂખ સંતોષવા તેઓ પરણ્યા પહેલાં પાપ કરી બેસે છે.
૨૧ આ દુનિયાનું ખરાબ વલણ, મોટી ઉંમરના લોકોને પણ અસર કરી શકે છે. આજે અનેક કંપનીઓ ધંધામાં કાળું-ધોળું કરે છે. મોટા ભાગના લોકો સચ્ચાઈના માર્ગ પર ચાલતા નથી. તેઓ સ્વાર્થી અને ભ્રષ્ટ છે. જો આપણે તેઓ જેવા બનીશું, તો આપણે યહોવાહથી દૂર ચાલ્યા જઈશું. ચાલો આપણે ‘ભૂંડાને ધિક્કારીએ અને ભલાને ચાહીએ.’—આમોસ ૫:૧૫.
‘મારા પર દયા રાખીને મને છોડાવી લે’
૨૨ દાઊદે ૨૬માં ગીતને અંતે કહ્યું: “પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; મારા પર દયા રાખીને મને છોડાવી લે. મારો પગ મેં સપાટ જગા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહને ધન્યવાદ આપીશ.” (ગીતશાસ્ત્ર ૨૬:૧૧, ૧૨) દાઊદે કહ્યું કે ‘મારે તો સત્યના માર્ગ પર જ ચાલતા રહેવું છે.’ સાથે સાથે, તેમણે કૃપા અને દયા માટે પણ ભીખ માંગી. આપણે પણ દાઊદની જેમ પાપી છીએ, ભૂલ કરી બેસીએ છીએ. પણ જો આપણે સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહેવાનો નિર્ણય કરીશું, તો યહોવાહ ચોક્કસ આપણને આશીર્વાદ આપશે.
૨૩ ચાલો આપણે એ રીતે જીવીએ કે આપણા રાજા યહોવાહ છે. આપણે પ્રાર્થના કરીએ કે યહોવાહ આપણું દિલ શુદ્ધ કરે. આપણે બાઇબલમાંથી શીખતા રહીએ ને યહોવાહનું જ્ઞાન હંમેશાં દિલમાં રાખીએ. આપણે આ દુનિયાની સાથે દોસ્તી ન બાંધીએ, ખરાબ સંગતથી દૂર રહીએ. એના બદલે, આપણે મંડળમાં યહોવાહની ભક્તિ કરતા રહીએ ને તેમની સાથે ચાલીએ. ચાલો આપણે પૂરા જોશથી પ્રચાર કામમાં ભાગ લઈએ. જો આપણે બને તેમ સત્યના માર્ગ પર ચાલતા રહીશું, તો યહોવાહ આપણા પર કૃપાનો હાથ મૂકશે.
૨૪ સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહેવા માટે આપણે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. પણ આજે, ઘણા ખ્રિસ્તીઓ શરાબને લીધે ગેરમાર્ગે ચાલ્યા જાય છે. હવે પછીનો લેખ આ ફાંદા વિષે વધુ ચર્ચા કરશે.
તમને યાદ છે?
• આપણે સચ્ચાઈથી ચાલીએ છીએ કે નહિ એ જોઈને યહોવાહ શા માટે આપણો ન્યાય કરશે?
• પ્રમાણિક એટલે શું અને સચ્ચાઈના માર્ગ પર ચાલવા માટે આપણે શું કરવું જોઈએ?
• સત્યના માર્ગમાં ચાલતા રહેવા આપણને શું મદદ કરશે?
• સચ્ચાઈને વળગી રહેવા માટે આપણે શાનાથી દૂર રહેવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) શેતાને યહોવાહ પર કેવો આરોપ મૂક્યો? એ શા માટે આપણને અસર કરે છે? (ખ) શેતાનને ચૂપ કરવા આપણે શું કરવું જોઈએ?
૩. (ક) અયૂબ અને દાઊદે ઈશ્વરને કેવી વિનંતી કરી? (ખ) આપણે હવે કયા સવાલ પર વિચાર કરવાના છીએ?
૪. પ્રમાણિક બનવાનો શું અર્થ થાય છે?
૫. શું પૂરા દિલથી શ્રદ્ધા રાખવાનો અર્થ એમ થાય કે આપણે કદી ભૂલ નહિ કરીએ?
૬, ૭. સચ્ચાઈથી જીવવા માટે આપણે શું કરવું જોઈએ?
૮. દાઊદે કેવી વિનંતી કરી? એમાંથી આપણે શું શીખી શકીએ?
૯. યહોવાહ કઈ રીતે આપણું હૃદય શુદ્ધ કરે છે?
૧૦. સત્યના માર્ગ પર ચાલતા રહેવા માટે દાઊદને શાનાથી મદદ મળી?
૧૧. સત્યના માર્ગ પર ચાલતા રહેવા આપણને બીજું શું મદદ કરી શકે?
૧૨, ૧૩. આપણે કોનાથી દૂર રહેવું જોઈએ?
૧૪, ૧૫. આપણે કઈ રીતે યહોવાહની “વેદી” ફરતે ચાલી શકીએ?
૧૬. યહોવાહનાં મહાન કામો લોકોને જણાવવાથી આપણને શું લાભ થાય છે?
૧૭, ૧૮. મિટિંગો માટે આપણું કેવું વલણ હોવું જોઈએ?
૧૯. દાઊદ કોનાથી દૂર રહેવા માગતા હતા?
૨૦, ૨૧. કઈ બાબતોથી આપણે ગેરમાર્ગે ચાલ્યા જઈ શકીએ?
૨૨-૨૪. (ક) ગીતશાસ્ત્ર ૨૬ના અંતે આપણને કયું ઉત્તેજન મળે છે? (ખ) આવતા અઠવાડિયે આપણે કયા ફાંદા વિષે ચર્ચા કરીશું?
[પાન ૧૪ પર ચિત્ર]
તમારું હૃદય સાફ રાખવા, શું તમે યહોવાહને વિનંતી કરો છો?
[પાન ૧૪ પર ચિત્ર]
શું તમે યહોવાહની કૃપા પર વિચાર કરો છો?
[પાન ૧૫ પર ચિત્ર]
આપણે તકલીફોમાં પણ સચ્ચાઈને વળગી રહીએ તો, યહોવાહ બહુ ખુશ થાય છે
[પાન ૧૭ પર ચિત્ર]
સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહેવા, શું તમે યહોવાહની ગોઠવણનો પૂરો લાભ ઉઠાવો છો?