યહોવાહ બધું જ જુએ છે
‘યહોવાહની આંખો મનુષ્યોને પારખે છે.’—ગીત. ૧૧:૪.
૧. આપણને કેવા લોકો ગમે છે?
શું તમારા એવા ફ્રેન્ડ છે, જે હંમેશાં મદદ કરવા તૈયાર હોય? શું તે એવા ફ્રેન્ડ છે, જે પ્રેમથી સાચી સલાહ આપે છે અને દિલની વાત જણાવે છે? (ગીત. ૧૪૧:૫; ગલા. ૬:૧) એવા લોકો કોને ન ગમે! યહોવાહ અને ઈસુ એવા જ છે. તેઓમાં જરાય સ્વાર્થ નથી. તેઓ તમારું જેટલું ભલું ચાહે છે, એટલું બીજું કોઈ ચાહતું નહિ હોય. તેઓ ચાહે છે કે આપણે નવી દુનિયામાં “ખરેખરૂં જીવન” પામીએ.—૧ તીમો. ૬:૧૯; પ્રકટી. ૩:૧૯.
૨. યહોવાહ પોતાના ભક્તોમાં શું જુએ છે?
૨ ઈશ્વરભક્ત દાઊદે યહોવાહ વિષે કહ્યું, “તેની આંખો મનુષ્યોને જુએ છે તથા તેનાં પોપચાં પારખે છે.” (ગીત. ૧૧:૪) યહોવાહ ઇન્સાનને ફક્ત ઉપરછલ્લું જ જોતા નથી, પણ તેનું દિલ પારખે છે. દાઊદે એમ પણ જણાવ્યું, ‘તેં મારા હૃદયને પારખ્યું છે; તેં રાત્રે મારી ખબર લીધી છે; અને મારામાં તને કંઈ દોષ માલૂમ પડ્યો નહિ.’ (ગીત. ૧૭:૩) દાઊદ જાણતા હતા કે યહોવાહ તેનું ભલું જ ચાહે છે. જો પોતે ખોટા વિચારો કરે કે પછી કોઈ કાવતરું રચે, તો યહોવાહને દુઃખ થશે. તેમની કૃપા ગુમાવશે. શું યહોવાહ વિષેની આપણી લાગણી દાઊદ જેવી છે?
યહોવાહ દિલના વિચારો પારખે છે
૩. યહોવાહ શું નથી કરતા? દાખલા આપીને સમજાવો.
૩ યહોવાહ આપણા દિલના વિચારો પારખે છે. (ગીત. ૧૯:૧૪; ૨૬:૨) પણ યહોવાહ આપણી નાની નાની ભૂલો ધ્યાન પર લેતા નથી. ચાલો અમુક દાખલા લઈએ. ઈબ્રાહીમની પત્ની સારાહનો વિચાર કરો. તે શરમ અને ગભરાટને લીધે સ્વર્ગદૂતને જૂઠું બોલી. પણ દૂતને એની જાણ થઈ, એટલે ઠપકો આપીને તેને જવા દીધી. (ઉત. ૧૮:૧૨-૧૫) અયૂબે ‘ઈશ્વર કરતાં પોતાને ન્યાયી ઠરાવ્યો.’ તોપણ યહોવાહે તેમને આશીર્વાદ આપ્યો. તે જાણતા હતા કે અયૂબે શેતાનના હાથે ઘણું સહ્યું હતું. (અયૂ. ૩૨:૨; ૪૨:૧૨) સારાફાથની વિધવા એલીયાહને કડવાશથી બોલી. તોપણ, યહોવાહે ખોટું ન લગાડ્યું. યહોવાહ જાણતા હતા કે તે તેના દીકરાના મોતને લીધે શોકમાં હતી.—૧ રાજા. ૧૭:૮-૨૪.
૪, ૫. યહોવાહ અબીમેલેખ સાથે કઈ રીતે વર્ત્યા?
૪ યહોવાહ પોતાના ભક્તોનું જ નહિ, પણ દરેકનું દિલ પારખે છે. પલિસ્તીઓના એક રાજા અબીમેલેખનો વિચાર કરો. તેને ખબર ન હતી કે ઈબ્રાહીમ અને સારાહ પરણેલા છે. અબીમેલેખ સારાહને પત્ની તરીકે પસંદ કરી. તે સારાહની સાથે સંબંધ બાંધે એ પહેલાં, યહોવાહે તેને સ્વપ્નમાં કહ્યું: ‘હું જાણું છું કે તેં સાચા દિલથી એ કર્યું છે. મેં પણ મારી સામે અપરાધ કરવાથી તને અટકાવ્યો; માટે મેં તને સારાહને અડકવા ન દીધો. હવે તું તે માણસની સ્ત્રી તેને પાછી આપ; કેમકે તે પ્રબોધક છે; ને તારે સારૂ તે પ્રાર્થના કરશે, ને તું જીવશે.’—ઉત. ૨૦:૧-૭.
૫ અબીમેલેખ મૂર્તિપૂજક હતો. યહોવાહ તેને કડક સજા આપી શક્યા હોત. પણ યહોવાહે જોયું કે અબીમેલેખના દિલમાં કોઈ બૂરાઈ ન હતી. એ પારખીને રાજાને કહ્યું કે કઈ રીતે માફી મેળવીને ‘જીવતો રહે.’ યહોવાહ બધુંય જુએ છે, તોપણ તે બધાની સાથે પ્રેમથી વર્તે છે!
૬. ઈસુ કઈ રીતે યહોવાહ જેવા છે?
૬ ઈસુ પણ યહોવાહ જેવા જ છે. તેમણે પોતાના શિષ્યોમાં સારું જ જોયું. રાજી-ખુશીથી ભૂલો માફ કરી. (માર્ક ૧૦:૩૫-૪૫; ૧૪:૬૬-૭૨; લુક ૨૨:૩૧, ૩૨; યોહા. ૧૫:૧૫) ઈસુ વિષે બાઇબલ કહે છે: ‘જગતનો ન્યાય કરવા સારૂ નહિ, પણ તેનાથી જગતનું તારણ થાય, તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે.’ (યોહા. ૩:૧૭) યહોવાહ અને ઈસુ આપણને દિલોજાનથી ચાહે છે. તેઓ ચાહે છે કે આપણે અમર જીવીએ. (અયૂ. ૧૪:૧૫) એવો પ્રેમ હોવાથી યહોવાહ આપણા પર નજર રાખે છે. પછી જરૂર હોય એમ મદદ કરે છે.—૧ યોહાન ૪:૮, ૧૯ વાંચો.
યહોવાહ પ્રેમથી નજર રાખે છે
૭. યહોવાહ કેમ આપણા પર નજર રાખે છે?
૭ શેતાન રાતદિવસ આપણા પર આરોપ મૂકે છે. (પ્રકટી. ૧૨:૧૦) આપણે ભૂલ ન કરી હોય તોપણ, તે વાંક શોધતો રહે છે. (અયૂ. ૧:૯-૧૧; ૨:૪, ૫) પણ યહોવાહ એવા નથી. તેમના વિષે એક ઈશ્વરભક્તે કહ્યું, “હે યાહ, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે, તો, હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે?” (ગીત. ૧૩૦:૩) જો યહોવાહ આપણી ભૂલ જોઈને પોલીસની જેમ તરત પકડી લે, તો આપણે કોઈ ન બચીએ. (સભા. ૭:૨૦) યહોવાહ તો પ્રેમાળ માબાપ જેવા છે. ઘણી વાર આપણી નબળાઈ પારખીને અગાઉથી ચેતવે છે, જેથી ફાંદામાં ન પડીએ.—ગીત. ૧૦૩:૧૦-૧૪; માથ. ૨૬:૪૧.
૮. યહોવાહ કઈ રીતે આપણને શિખામણ આપીને સુધારો કરે છે?
૮ યહોવાહને આપણા પર પ્રેમ હોવાથી તે શિખામણ આપે છે. સુધારો કરે છે. એમ તે કઈ રીતે કરે છે? બાઇબલ દ્વારા અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” પાસેથી મળતાં પુસ્તકો દ્વારા. (માથ. ૨૪:૪૫; હેબ્રી ૧૨:૫, ૬) મંડળ અને વડીલો દ્વારા પણ તે એમ કરે છે. સાથે સાથે યહોવાહ જુએ છે કે આપણે એ પ્રમાણે વર્તીએ છીએ કે નહિ. જરૂર હોય તો તે હજુ વધારે મદદ આપે છે. ગીતશાસ્ત્ર ૩૨:૮માં યહોવાહ કહે છે: “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.” ચાલો આપણે યહોવાહના બોલ માથે ચડાવીએ. નમ્રતાથી સ્વીકારીએ કે તે આપણા ગુરુ અને પિતા છે.—માત્થી ૧૮:૪ વાંચો.
૯. આપણે કેવા ન બનવું જોઈએ અને શા માટે?
૯ આપણે કદીયે ઘમંડી ન બનીએ. શ્રદ્ધા ડગવા ન દઈએ. “પાપના કપટથી” છેતરાઈ ન જઈએ. (હેબ્રી ૩:૧૩; યાકૂ. ૪:૬) એમ ન થાય માટે શું કરવું જોઈએ? દિલમાં ખોટા વિચારો અને લાલચને ઘર કરવા ન દઈએ, નહિતર દિલ કઠણ થઈ જશે. ખરું કે બાઇબલની સલાહ સ્વીકારવી મુશ્કેલ લાગશે. પણ સુધારો નહિ કરીએ તો, યહોવાહના દુશ્મન બની બેસીશું. (નીતિ. ૧:૨૨-૩૧) આદમ અને હવાના દીકરા કાઈનનો દાખલો લઈએ.
યહોવાહ દિલ જોઈને વર્તે છે
૧૦. યહોવાહને કેમ કાઈનનું અર્પણ પસંદ ન આવ્યું? કાઈને શું કર્યું?
૧૦ કાઈન અને હાબેલે અર્પણો ચડાવ્યાં ત્યારે, યહોવાહ તેઓનાં દિલ જોતાં હતાં. હાબેલે પૂરા દિલથી અર્પણ ચડાવ્યું, જ્યારે કે કાઈને અધૂરા દિલથી. એટલે યહોવાહને હાબેલનું અર્પણ પસંદ પડ્યું. (ઉત. ૪:૪, ૫; હેબ્રી ૧૧:૪) કાઈન પૂરા દિલથી ભક્તિ કરવાને બદલે, હાબેલ પર ગુસ્સે થયો.—ઉત. ૪:૬.
૧૧. કાઈનનું વર્તન કેવું હતું? આપણે એમાંથી શું શીખી શકીએ?
૧૧ યહોવાહે જોયું કે કાઈનનું વલણ ખોટું હતું. યહોવાહે તેની સાથે પ્રેમથી વાત કરી કે ‘તું સુધરે તો સારું.’ પણ કાઈને એ સલાહ એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખી. તેનો ગુસ્સો વધતો ગયો. આખરે તેણે હાબેલને મારી નાખ્યો. અરે તે યહોવાહની પણ સામે થઈ ગયો. યહોવાહે તેને પૂછ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે?” તેણે ગુસ્સાથી કહ્યું, “હું જાણતો નથી; શું હું મારા ભાઈનો રખેવાળ છું?” (ઉત. ૪:૭-૯) કાઈનના દિલે કેવો દગો કર્યો! (યિર્મે. ૧૭:૯) આપણે એમાંથી શીખીએ. ખોટા વિચારોને તરત મનમાંથી કાઢી નાખીએ. (યાકૂબ ૧:૧૪, ૧૫ વાંચો.) આપણા પરના પ્રેમને લીધે યહોવાહ શિખામણ આપે છે. એટલે રાજી-ખુશીથી કોઈ પણ સલાહ સ્વીકારીએ.
યહોવાહથી કશું જ છૂપું નથી
૧૨. પાપી વ્યક્તિ સાથે યહોવાહ કઈ રીતે વર્તે છે?
૧૨ અમુક માને છે કે કોઈ પાપ કરતા જુએ નહિ ત્યાં સુધી બિગ્ધાસ્ત થઈને ફર્યા કરો. (ગીત. ૧૯:૧૨) એવા છૂપાં પાપ વિષે બાઇબલ કહે છે: ‘ઈશ્વરની આગળ કોઈ પણ વસ્તુ ગુપ્ત નથી; તેની દૃષ્ટિમાં સઘળાં નાગાં તથા ઉઘાડાં છે.’ (હેબ્રી ૪:૧૩) યહોવાહ આપણાં દિલમાં જોઈ શકે છે. આપણે જે કંઈ કરીશું, એનો તે અદલ ઇન્સાફ કરશે. બાઇબલ કહે છે કે યહોવાહ ‘દયાળુ અને કૃપાળુ ઈશ્વર છે. કોપ કરવામાં મંદ અને પ્રેમ તથા સત્યથી ભરપૂર છે.’ તે ‘જાણીજોઈને પાપ કરનારને’ ‘નિર્દોષ નહિ જ ઠરાવે.’ (નિર્ગમન ૩૪:૬, ૭, IBSI; હેબ્રી ૧૦:૨૬) એના વિષે આખાન, અનાન્યા અને સાફીરાનો દાખલો લઈએ.
૧૩. આખાને યહોવાહ વિરુદ્ધ કયું પાપ કર્યું? શા માટે?
૧૩ યરેખોના નાશમાંથી બધી લૂંટ યહોવાહને અર્પણ કરવાની હતી. પણ આખાને યહોવાહનું કહેવું માન્યું નહિ. અમુક વસ્તુઓ ચોરીને તેણે પોતાના તંબૂમાં સંતાડી દીધી. મોટા ભાગે તેનું કુટુંબ એ જાણતું હોય શકે. તેનું પાપ ખુલ્લું પડ્યું ત્યારે આખાને કહ્યું, “યહોવાહની વિરૂદ્ધ મેં પાપ કર્યું છે.” (યહો. ૭:૨૦) કાઈનની જેમ આખાનના દિલે દગો દીધો. લોભને કારણે તે જૂઠું બોલ્યો. એટલે તે અને તેનું કુટુંબ માર્યા ગયા.—યહો. ૭:૨૫.
૧૪, ૧૫. અનાન્યા અને સાફીરા કેમ માર્યા ગયા? આપણે શું શીખીએ છીએ?
૧૪ અનાન્યા અને સાફીરા પહેલી સદીમાં યરૂશાલેમ મંડળમાં હતા. દૂર દૂરથી ત્યાં આવેલા ઘણા લોકો યહોવાહના ભક્તો બન્યા. તેઓને મદદ આપવા ૩૩ની સાલના પેન્તેકોસ્ત પછી, ફાળો એકઠો કરવામાં આવ્યો. એ માટે અનાન્યા અને સાફીરાએ પોતાનું ખેતર વેચી દીધું. એમાંના થોડા પૈસા પોતાના માટે રાખીને, બાકીના દાનમાં આપી દીધા. પણ તેઓએ બધા પૈસા દાનમાં આપવાનો ઢોંગ કર્યો. તેઓ ભાઈ-બહેનોની વાહ વાહ ચાહતા હતા. યહોવાહે પીતરને ખરી હકીકત જણાવી. એટલે પીતરે અનાન્યાને ઠપકો આપ્યો. એ જ ઘડીએ અનાન્યા મરણ પામ્યો. થોડી વારમાં જ તેની પત્ની સાફીરાના પણ એ જ હાલ થયા.—પ્રે.કૃ. ૫:૧-૧૧.
૧૫ અનાન્યા અને સાફીરાએ કોઈ નબળાઈને લીધે ભૂલ કરી ન હતી. ભાઈ-બહેનોને છેતરવા માટે જાણીજોઈને જૂઠું બોલ્યા. અરે, તેઓ ‘ઈશ્વરને પણ જૂઠું’ બોલ્યા! યહોવાહને ઢોંગી લોકો જરાય પસંદ નથી. એવા લોકોથી પોતાના ભક્તોને બચાવવા તે કંઈ પણ કરશે. બાઇબલ કહે છે: “જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે.”—હેબ્રી ૧૦:૩૧.
શેતાનના ફાંદામાં ન ફસાઈએ
૧૬. (ક) શેતાન આપણને ફસાવવા શું કરે છે? (ખ) શેતાનના કેવા કેવા ફાંદા તમે પારખ્યા છે?
૧૬ શેતાન આકાશ-પાતાળ એક કરે છે, જેથી આપણે યહોવાહ સાથેનો નાતો કાપી નાખીએ. (પ્રકટી. ૧૨:૧૨, ૧૭) તે કઈ રીતે એમ કરે છે? સેક્સ અને હિંસા દ્વારા. ઇન્ટરનેટ કે બીજી કોઈ પણ રીતે આસાનીથી ગંદા ચિત્રો મેળવી શકાય છે. એ જાળમાં ફસાવાને બદલે, દાઊદની જેમ કહીએ: ‘હું સીધા માર્ગનું ધ્યાન કરીશ; હું ખરા દિલથી મારા ઘરમાં વર્તીશ.’—ગીત. ૧૦૧:૨.
૧૭. (ક) છૂપી રીતે કરેલાં પાપ યહોવાહ કેમ ખુલ્લાં પાડે છે? (ખ) આપણે શું કરવાનું નક્કી કરવું જોઈએ?
૧૭ પહેલાંના જમાનામાં ઘોર પાપ કરનારને અમુક વાર યહોવાહ ખુલ્લા પાડતા. પણ આજે તે એવું કરતા નથી. તોયે તે પોતાના સમયે અને પોતાની રીતે એવા લોકોને ખુલ્લા પાડશે. ઈશ્વરભક્ત પાઊલે કહ્યું, ‘કેટલાકનાં પાપ દેખાઈ આવતા હોવાથી તેઓનો ન્યાય આગળથી થાય છે; અને કેટલાકનાં પાપ મોડેથી પ્રગટ થાય છે.’ (૧ તીમો. ૫:૨૪) યહોવાહ તેઓને કેમ ખુલ્લા પાડે છે? પ્રેમના લીધે. તે પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. પણ જો કોઈ પાપી દિલથી પસ્તાવો કરે, તો યહોવાહ તેને માફ કરે છે. (નીતિ. ૨૮:૧૩) આપણે પૂરા મનથી યહોવાહને ભજીએ અને દુષ્ટ કામોમાં ન ફસાઈએ.
પૂરા દિલથી યહોવાહને ભજીએ
૧૮. દાઊદે સુલેમાનને શું કહ્યું?
૧૮ દાઊદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું, ‘તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ દિલથી તથા રાજીખુશીથી તેની સેવા કર; કેમકે યહોવાહ સર્વના અંતઃકરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે.’ (૧ કાળ. ૨૮:૯) દાઊદ ઇચ્છતા હતા કે સુલેમાન દિલથી યહોવાહની કદર કરે. શું તમે પણ યહોવાહને એ જ રીતે ભજો છો?
૧૯, ૨૦. ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧ પ્રમાણે દાઊદને કેવી રીતે મદદ મળી? દાઊદની જેમ આપણે શું કરવું જોઈએ?
૧૯ યહોવાહ જાણે છે કે નમ્ર લોકો તેમની દિલથી ભક્તિ કરશે. તેમના અનમોલ ગુણો વિષે શીખતા જઈને પાકો નાતો બાંધશે. એમ કરવા બાઇબલ વાંચીએ.—નીતિ. ૧૦:૨૨; યોહા. ૧૪:૯.
૨૦ શું તમે પણ બાઇબલનું શિક્ષણ જીવનમાં ઉતારવા પ્રાર્થના કરો છો? એના લાભ જોઈ શકો છો? (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧ વાંચો.) જો એમ કરો તો યહોવાહ માટેનો પ્રેમ દિવસે દિવસે ખીલશે. એવું લાગશે કે જાણે યહોવાહ તમારી સાથે ચાલી રહ્યા છે. (યશા. ૪૨:૬; યાકૂ. ૪:૮) તમારી શ્રદ્ધાને આંચ ન આવે માટે યહોવાહ જરૂર મદદ કરશે. તે પ્રેમને લીધે તમને જિંદગીની રાહ પર ચલાવશે.—ગીત. ૯૧:૧, ૨; માથ. ૭:૧૩, ૧૪. (w08 10/15)
આપણે શું શીખ્યા?
• યહોવાહ કેમ આપણા પર નજર રાખે છે?
• અમુક લોકો શા માટે યહોવાહના દુશ્મન બન્યા?
• યહોવાહમાં આપણી શ્રદ્ધા કઈ રીતે બતાવી શકીએ?
• યહોવાહને પૂરા દિલથી ભજવા શું કરવું જોઈએ?
[Picture on page 10]
માબાપની જેમ યહોવાહ કઈ રીતે આપણી પર નજર રાખે છે?