બાઇબલ શું કહે છે
તમે દેવની નજરમાં મૂલ્યવાન છો!
એક ખ્રિસ્તી સ્ત્રીએ લખ્યું, “હું મારા જીવનમાં મૂલ્યહીન લાગણીઓમાં ફસાઈ ગઈ છું. હું ગમે એટલો યહોવાહને પ્રેમ કરતી હોવ અને તેમની સેવા કરવાના ગમે એટલા પ્રયત્ન કરતી હોવ છતાં, મને હંમેશા એવું લાગે છે કે એ પૂરતું નથી.”
શું તમે એવી કોઈ વ્યક્તિને જાણો છો કે જે અપૂરતાપણાની અને મૂલ્યહીનપણાની ગહન લાગણીઓ સામે લડતી હોય? અથવા શું તમને એક સમયે તમારા પોતા માટે એવી લાગણીઓ હતી ? દેવના વિશ્વાસુ સેવકો મધ્યે પણ આ પ્રકારની લાગણીઓ સામાન્ય છે. આ “સંકટના વખતો”માં કોઈ પણ વ્યક્તિને આ પ્રકારની અસર થયા વગર રહેતી નથી. ઘણા “સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી” વ્યક્તિઓ—કે જેઓ આ “છેલ્લા સમયમાં” રહે છે તેઓ તરફથી અવગણના અને અત્યાચારનો અનુભવ કરે છે. (૨ તીમોથી ૩:૧-૫) આ પ્રકારના દુઃખદ અનુભવો કારમો જખમ આપી શકે કે જે મૂલ્યહીનપણાની લાગણીમાં પરિણમે છે.
બીજા કિસ્સાઓમાં, પોતાના માટે એકદમ ઉચ્ચ ધોરણો બેસાડતી વ્યક્તિઓમાં નકારાત્મક લાગણીઓ પરિણમી શકે. આ ધોરણો સુધી નહિ પહોંચી શકવાના કારણે તેઓમાં પોતે નકામા છે એવી લાગણી થાય છે. ગમે તે કારણ હોય, મૂલ્યહીનપણાની લાગણી અનુભવતી વ્યક્તિઓને એ જોવું અઘરું લાગી શકે કે શા માટે દેવ—અથવા બીજા કોઈ પણ એ બાબત માટે તેમને પ્રેમ કરે છે. ખરેખર, તેઓને એવું પણ લાગી શકે કે તેઓ પ્રેમને યોગ્ય નથી.
પરંતુ યહોવાહ એવું અનુભવતા નથી! તેમના શબ્દમાં યહોવાહ આપણને તેમના શત્રુ શેતાન ડેવિલની “કુયુક્તિઓ” સામે રક્ષણ માટે ચેતવણી આપે છે. (એફેસી ૬:૧૧) શેતાન પોતાની કુયુક્તિઓનો આપણને આપણા દેવની ઉપાસના કરતાં અટકાવવા ઉપયોગ કરે છે. આમ કરવા માટે, શેતાન આપણે નકામા છીએ અને આપણે કદી પણ યહોવાહને યોગ્ય બની શકીએ નહિ એવી લાગણી ઉત્તેજિત કરે છે. પરંતુ શેતાન “જૂઠો” છે—હકીકતમાં તે “જૂઠાનો બાપ” છે. (યોહાન ૮:૪૪) એ કારણે, આપણે તેની કુયુક્તિઓથી છેતરાવું જોઈએ નહિ! બાઇબલમાં, યહોવાહ પોતે આપણને તેમની નજરમાં યોગ્યની ખાતરી કરાવતા બોલે છે.
આપણી યોગ્યતાનું સમતોલ દૃષ્ટિબિંદુ
બાઇબલ આપણા પર નકારાત્મક અસર ન થાય એની ચેતવણી આપે છે. નીતિવચન ૨૪:૧૦ બતાવે છે: “જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારૂં બળ થોડું જ છે.” લાંબા સમયથી આપણામાં રહેલી નકારાત્મક લાગણીઓ આપણી શક્તિ લૂંટી લઈને આપણને નબળા અને નિર્બળ બનાવી શકે છે. તમે ખાતરી રાખી શકો કે શેતાન આ સારી રીતે જાણે છે. આપણું હૃદય અયોગ્યપણાની લાગણીઓથી દબાઈ ગયું હોય તો એ બહુ મુશ્કેલ છે. તેમ છતાં, શેતાન આ પ્રકારની લાગણીઓ શોષવાનો પ્રયત્ન કરે છે ત્યારે, એ આ પ્રકારની સ્થિતિને વધારે બોજારૂપ બનાવે છે.
તો પછી, એ મહત્ત્વનું છે કે આપણે આપણી યોગ્યતાનું તંદુરસ્ત સમતોલબિંદુ રાખીએ. પ્રેષિત પાઊલ વિનંતી કરે છે, “હું તમારામાંના દરેક જણને કહું છું, કે પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો; પરંતુ પોતાને યોગ્ય ગણવો.” (રૂમી ૧૨:૩) બીજું ભાષાંતર આ શબ્દોનું આ રીતે ભાષાંતર કરે છે: “હું દરેક જણને જણાવીશ કે તેઓએ પોતાને બહુ વધારે પડતા ન ગણવા પરંતુ પોતાને વિનયી બનાવવા.” (ચાલ્સ બી. વીલ્યમ્સ) તેથી શાસ્ત્રવચન આપણને પોતાનું સમતોલ દૃષ્ટિબિંદુ રાખવાનું ઉત્તેજન આપે છે. એક તર્ફે આપણે ગર્વિષ્ઠ બનવા વિરુદ્ધ સાવધ રહેવું જોઈએ; બીજી બાજુ, આપણે એકદમ વિરોધી બાજુ જવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ, કેમ કે પાઊલે બતાવ્યું કે પોતા વિષે કંઈક વિચારવા સંયમી મન રાખવું જરૂરી છે. હા, દૈવી પ્રેરણા હેઠળ પાઊલ બતાવે છે કે આપણે સર્વ યહોવાહની નજરમાં મૂલ્યવાન છીએ.
સ્વ-મહત્તાનું સમતોલ બિંદુ ઈસુના આ શબ્દોને પણ લાગુ પડે છે જ્યારે તેમણે કહ્યું: “જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૯) “જેવી પોતા પર” શબ્દો બતાવે છે કે આપણને કંઈક સ્વ-મહત્તા કે સ્વ-માન જેવી લાગણીઓ હોવી જ જોઈએ. સાચું, આપણે અપરાધ અને ભૂલો કરતા હોઈએ છીએ. પરંતુ આપણે દેવને ખુશ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે, આપણે આપણી અપૂર્ણતાઓ વિષે દિલગીર હોઈએ અને તેમની માફી શોધતા હોઈએ તો, આપણામાં કંઈક પ્રમાણમાં સ્વ-મહત્તા છે. આપણું કપટી હૃદય ખોટી દલીલ કરી શકે, પરંતુ યાદ રાખો, “કેમકે આપણા અંતઃકરણ કરતાં દેવ મોટો છે.” (૧ યોહાન ૩:૨૦) બીજા શબ્દોમાં, આપણે પોતાને જે રીતે જોઈએ છીએ એના કરતાં યહોવાહ આપણને કંઈક અલગ રીતે જોતા હોય શકે.
આશાભંગ થયેલાઓ, નમ્ર આત્માવાળા
ગીતકર્તા દાઊદે લખ્યું: “આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૮) આ કલમ પર ટીકા આપતા મેથ્યુ હેન્રીસ કોમેન્ટરી ઓન ધ હોલ બાઇબલ નોંધે છે: “એ ન્યાયીઓનો ગુણ છે . . . કે આશાભંગ થયેલાઓ પશ્ચાત્તાપી આત્મા કે જે પાપ માટે નમ્રતા બતાવે છે; તેઓ પોતાની નજરમાં નમ્ર રહે છે ને તેઓને પોતાનું કોઈ સ્વ-મહત્ત્વ હોતું નથી.”
“આશાભંગ થયેલાઓ” કે “નમ્ર આત્માવાળા”ઓને લાગી શકે કે યહોવાહ ઘણા દૂર છે અને યહોવાહ તેઓની કાળજી રાખે એ માટે તેઓ બહુ અયોગ્ય પણ છે. પરંતુ બાબત એમ નથી. દાઊદના શબ્દો ખાતરી અપાવે છે કે “પોતાની નજરમાં નમ્ર”ને યહોવાહ છોડી દેતા નથી. આપણા દયાળુ દેવ જાણે છે કે આવા સમયોમાં આપણને વધારે જરૂર હોય છે અને તે આપણી નજીક છે.
એક ઉદાહરણનો વિચાર કરો. કેટલાક વર્ષો અગાઉ એક માતા એના બે વર્ષના બાળકને લઈને હૉસ્પિટલમાં ગઈ કારણ કે તે ક્રૂપ (સૂકી ખાંસી)થી ગંભીર રીતે પીડાઈ રહ્યો હતો. તેના શરીરને તપાસ્યા પછી, ડૉક્ટરે માતાને જણાવ્યું કે તેઓએ તેને આખી રાત હૉસ્પિટલમાં રાખવો પડશે. માતાએ આખી રાત ક્યાં પસાર કરી? હૉસ્પિટલના ઓરડામાં તેના દીકરાના પલંગની બાજુની ખુરશીમાં પસાર કરી. તેનો નાનો દીકરો બીમાર હતો અને તેણે તેની બાજુમાં રહેવાનું જ હતું. આપણે ચોક્કસ એનાથી પણ વધારે બાબતોની આશા આપણા આકાશી પિતા પાસે રાખી શકીએ, કે જેમના સ્વરૂપ પ્રમાણે આપણને બનાવવામાં આવ્યા છે! (ઉત્પત્તિ ૧:૨૬; યશાયાહ ૪૯:૧૫) ગીતશાસ્ત્ર ૩૪:૧૮ના હૃદયસ્પર્શી શબ્દો આપણને ખાતરી કરાવે છે કે આપણે “આશાભંગ” થઈ ગયેલા હોઈએ ત્યારે પ્રેમાળ માબાપની જેમ યહોવાહ, ‘પાસે છે’—વધારે જાગૃત, કાળજી રાખનાર અને મદદ કરવા તૈયાર છે.—ગીતશાસ્ત્ર ૧૪૭:૧, ૩.
“ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો”
પોતાના પાર્થિવ સેવાકાર્ય દરમિયાન, ઈસુએ યહોવાહના વિચારો અને લાગણીઓ વિષે ઘણું બધું પ્રગટ કર્યું જેમાં યહોવાહ પોતાના પાર્થિવ સેવકો વિષે કેવું અનુભવે છે એનો પણ સમાવેશ થયો. એક કરતાં વધારે વખત ઈસુએ યહોવાહ સમક્ષ પોતાના શિષ્યોનું મૂલ્ય બતાવ્યું.—માત્થી ૬:૨૬; ૧૨:૧૨.
દાખલા તરીકે, ઈસુએ પોતાના શિષ્યોના મૂલ્યનું ઉદાહરણ આપતા કહ્યું: “પૈસાની બે ચલ્લી વેચાતી નથી શું? તોપણ તમારા બાપની ઇચ્છા વગર તેમાંથી એકે ભોંય પર પડનાર નથી. અને તમારા માથાના નિમાળા પણ બધા ગણેલા છે. તે માટે બીહો મા; ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો.” (માત્થી ૧૦:૨૯-૩૧) ઈસુના પ્રથમ સદીના સાંભળનારાઓ પર એ શબ્દોની શું અસર થઈ હશે એનો વિચાર કરો.
દેખીતી રીતે જ ચકલી ખોરાક માટે ઉપયોગમાં લેવામાં આવતા બધા પક્ષીઓમાં સૌથી સસ્તું હતું. આ અતિ નાના પક્ષીઓને સામાન્ય રીતે પીંછા કાઢી નાખીને, લાકડાંના દાંડા પર ચોંટાડીને કબાબની જેમ શેકવામાં આવતા હતા. નિ:શંક, ઈસુએ બજારમાં એકદમ ગરીબ સ્ત્રીઓને સિક્કા ગણતા જોયા હશે કે તેઓ કેટલી ચકલીઓ ખરીદી શકશે. પક્ષીઓનું એટલું ઓછું મૂલ્ય ગણવામાં આવતું હતું કે ઓછા સિક્કાથી (શાબ્દિક રીતે, એક સિક્કાનું મૂલ્ય પાંચ સેન્ટ કરતાં પણ ઓછું), એક વ્યક્તિ બે ચકલીઓ પણ ખરીદી શકે.
ઈસુએ આ ઉદાહરણ થોડા સમય પછી થોડું અલગ રીતે બતાવ્યું. લુક ૧૨:૬ અનુસાર ઈસુએ કહ્યું: “શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી?” એનો વિચાર કરો. એક સિક્કાના નાના મૂલ્ય માટે, ખરીદનાર બે ચકલી મેળવી શકતા. પરંતુ તે બે સિક્કા ખર્ચવા તૈયાર હોય તો, તેઓ ચાર નહિ પરંતુ પાંચ ચકલીઓ મેળવતા. વધારાના પક્ષીઓને જાણે કોઈ મૂલ્ય ન હોય એમ વહેંચી દેવામાં આવતા હતા. ઈસુએ કહ્યું, “તો પણ દેવની દૃષ્ટિમાં તેઓમાંની [મફત મળેલી પણ] એકે વિસારેલી નથી.” ઉદાહરણને લાગુ પાડીને, ઈસુએ નિષ્કર્ષ આપ્યો: “ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.” (લુક ૧૨:૭) આ શબ્દોએ તેમના સાંભળનારાઓને કેટલું ઉત્તેજન આપ્યું હશે!
શું તમે ઈસુના હૃદયોત્તેજક ઉદાહરણનો મુદ્દો સમજ્યા? યહોવાહ નાના પક્ષીને પણ મૂલ્યવાન સમજતા હોય તો, તેમના પાર્થિવ સેવકો તેમને કેટલા વધારે વહાલા હોવા જોઈએ! યહોવાહ સાથે આપણામાંનું કોઈ પણ ટોળાંમાં ગૂમ થયેલું નથી. આપણામાંના દરેક યહોવાહની નજરમાં મૂલ્યવાન છે કે તે આપણા વિષેની સૌથી નાની બાબતની પણ નોંધ રાખે છે—આપણા માથાના બધા વાળ પણ ગણેલા છે.
અલબત્ત, આપણને યહોવાહની સેવા કરતા અટકાવવા શેતાન પોતાની “કુયુક્તિઓ”નો ઉપયોગ કરશે જેમ કે અયોગ્યપણાની લાગણીનું શોષણ. પરંતુ શેતાનને જીતવા ન દો! શરૂઆતમાં ઉલ્લેખેલી ખ્રિસ્તી સ્ત્રીને યાદ કરો. તેને ચોકીબુરજ સામયિકના લેખમાંથી મદદ કરવામાં આવી. તેને ચેતવણી આપવામાં આવી કે શેતાન આપણી લાગણીઓનો શોષણ કરવા ઉપયોગ કરે છે.a તે કહે છે: “મને કદી ખબર પડી ન હતી કે શેતાન મને નિરુત્સાહ કરવા માટે મારી લાગણીઓનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. આ જાણીને મને આ લાગણીઓ સામે લડવાની પ્રેરણા મળી છે. હવે હું આ શેતાની હુમલાઓનો પૂરા વિશ્વાસથી સામનો કરી શકું છું.”
a એપ્રિલ ૧, ૧૯૯૫ના ચોકીબુરજના પાન ૧૦-૧૫ પરનો “તમે દેવની નજરમાં કીમતી છો!” લેખ જુઓ.
યહોવાહ “સઘળું જાણે છે.” (૧ યોહાન ૩:૨૦) હા, તે આપણે અત્યારે જે સહન કરી રહ્યાં છે તે પણ જાણે છે. તે આપણે ભૂતકાળમાં અનુભવેલી બાબતો પણ જાણે છે કે જે આપણા સ્વ-માનને કચડતી હોય શકે. યાદ રાખો, યહોવાહ આપણને કઈ દૃષ્ટિબિંદુથી જુએ છે એ મહત્વનું છે! આપણે પોતાને ભલે ગમે તેટલા અયોગ્ય સમજતા હોઈએ, પરંતુ યહોવાહ આપણને ખાતરી આપે છે કે તેમના દરેક સેવકો તેમને મૂલ્યવાન છે. આપણે યહોવાહના શબ્દ પર ભરોસો રાખી શકીએ કારણ કે તેમના શત્રુથી ભિન્ન, દેવ ‘કદી જૂઠું બોલી શકતા નથી.’—તીતસ ૧:૨.
પ્રેમાળ માબાપની જેમ, હૃદયમાં જેઓ દુ:ખી છે યહોવાહ તેમની નજીક છે
યહોવાહ ચકલીઓને ભૂલી જતા નથી તો, તે તમને કેવી રીતે ભૂલી શકે?
Lydekker
Illustrated Natural History