‘યહોવાહમાં આનંદ કરો’
“તું યહોવાહમાં આનંદ કરીશ; અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૪.
‘પોતાની આત્મિક જરૂરિયાત જાણનાર લોકોને ધન્ય છે; બીજા પ્રત્યે દયા બતાવનારને ધન્ય છે; માણસોમાં શાંતિ સ્થાપનારને ધન્ય છે.’ ઈસુએ પહાડ પરના ઉપદેશમાં સુખી થવા વિષે, આની સાથે બીજી છ બાબતો પણ જણાવી. એ આપણને માત્થીની સુવાર્તામાં જોવા મળે છે. (માથ્થી ૫:૩-૧૧, પ્રેમસંદેશ) ઈસુના શબ્દો પરથી આપણને જોવા મળે છે કે સુખી થવું આપણા હાથમાં છે.
૨ સાચુ સુખ આપનાર યહોવાહ છે. તેમની તરફ આપણું ધ્યાન દોરતા રાજા દાઊદે લખ્યું: “તું યહોવાહમાં આનંદ કરીશ; અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૪) પરંતુ, આપણે તેમનામાં ‘આનંદ કરી’ શકીએ એ માટે કઈ રીતે યહોવાહને સારી રીતે જાણી શકીએ? વળી, યહોવાહે શું કર્યું છે અને શું કરવાના છે, એ વિષે મનન કરવાથી કઈ રીતે આપણા “હૃદયની ઈચ્છાઓ પૂરી” થશે? ગીતશાસ્ત્ર ૩૭મા અધ્યાયની ૧થી ૧૧ કલમો પર ધ્યાન આપવાથી આ પ્રશ્નોના જવાબો મળશે.
‘ઈર્ષા કરશો નહિ’
૩ આજે ચારે બાજુ દુષ્ટતા જોવા મળે છે કેમ કે આપણે ‘સંકટના વખતોમાં’ જીવી રહ્યા છીએ. પ્રેષિત પાઊલે લખ્યું: “દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે.” (૨ તીમોથી ૩:૧, ૧૩) જોકે, દુષ્ટોને સફળ થતા જોઈને આપણા પર એની અસર પડી શકે. અરે, તેઓની જાહોજલાલી જોઈને આપણી આંખો અંજાઈ શકે. એનાથી આપણે પરમેશ્વરની સેવામાં ઢીલા પડી શકીએ. પરંતુ, ગીતશાસ્ત્રના ૩૭મા અધ્યાયના શરૂઆતના શબ્દો સલાહ આપે છે: “ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ, અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ.”
૪ આજે દુનિયામાં ચારે બાજુથી અન્યાય વિષે સાંભળવા મળે છે. વેપાર-ધંધો કરનારાઓ કાળું-ધોળું કરતા હોય છે. ગુનેગારો નબળા લોકોનું શોષણ કરે છે. વળી, ખૂનીઓને ભાગ્યે જ કોઈ સજા થાય છે. આ બધું જોઈને આપણું લોહી ઊકળી ઊઠે અને આપણા મનની શાંતિ છીનવાઈ જઈ શકે. અરે, આપણને દુષ્ટોની અદેખાઈ પણ થઈ શકે. પરંતુ, શું તેઓની અદેખાઈ કરવાથી પરિસ્થિતિમાં કોઈ સુધારો થવાનો છે? વળી, હાલમાં તો દુષ્ટો બીજાઓના ભોગે મઝા લૂંટતા હોય છે. પરંતુ શું તેઓને એનું ફળ નહિ ભોગવવું પડે? તેઓ જરૂર ભોગવશે! તો પછી, શા માટે આપણે એવા લોકોની અદેખાઈ કરવી જોઈએ?
૫ ગીતકર્તા આગળ જણાવે છે: “તેઓ તો જલદી ઘાસની પેઠે કપાઇ જશે, અને લીલી વનસ્પતિની માફક ચીમળાઈ જશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨) લીલી વનસ્પતિ જોવામાં હરિયાળી અને તાજી હોય છે. પરંતુ એ જલદી જ ચીમળાઈ જાય છે. એવા જ હાલ દુષ્ટોના પણ થશે. કેમ કે તેઓની સફળતા કે માલમિલકત કંઈ હંમેશ માટે રહેતી નથી. તેઓ ખાટલે પડ્યા હોય છે ત્યારે, અન્યાયથી ભેગી કરેલી માલમિલકત તેઓને જીવન આપી શકતી નથી. હકીકતમાં તો, તેઓએ પોતાની કરણીનું ફળ ભોગવવું જ પડે છે. પાઊલે લખ્યું, “પાપનો મૂસારો મરણ છે.” (રૂમીઓને પત્ર ૬:૨૩) દુષ્ટો અને અપ્રમાણિક લોકો આખરે પોતાનું ફળ ભોગવે છે. તો પછી, આવું જીવન જીવવાનો શો ફાયદો!—ગીતશાસ્ત્ર ૩૭:૩૫, ૩૬; ૪૯:૧૬, ૧૭.
૬ દુષ્ટો એશઆરામમાં જીવતા હોય ત્યારે, શું આપણે અદેખાઈ કરવી જોઈએ? ગીતશાસ્ત્રના ૩૭માં અધ્યાયની પહેલી બે કલમોમાંથી આપણને શીખવા મળે છે: આપણે દુષ્ટોની સફળતાને લીધે યહોવાહની ભક્તિમાં ઢીલા પડી જવું જોઈએ નહિ. એના બદલે, તેમની ભક્તિ કરવાથી મળતા આશીર્વાદોને ધ્યાનમાં રાખવા જોઈએ.—નીતિવચનો ૨૩:૧૭.
‘યહોવાહ પર ભરોસો રાખો અને ભલું કરો’
૭ ગીતકર્તાએ આજીજી કરી કે, “યહોવાહ પર ભરોસો રાખ, અને ભલું કર.” (ગીતશાસ્ત્ર ૩૭:૩ક) ચિંતાઓ કે શંકાથી ઘેરાયા હોઈએ ત્યારે, આપણે યહોવાહ પર ભરોસો રાખવાની જરૂર છે. તે આપણી પૂરેપૂરી કાળજી રાખે છે. મુસાએ લખ્યું, “પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે.” (ગીતશાસ્ત્ર ૯૧:૧) આ જગતની ભૂંડાઈ જોઈને આપણી ઊંઘ ઊડી જતી હોય તો, આપણે યહોવાહ પર વધારે ભરોસો રાખવાની જરૂર છે. કલ્પના કરો કે, તમે ચાલતા ચાલતા પડી જાવ છો અને તરત જ તમારો મિત્ર આવીને તમને સહારો આપે છે. એનાથી તમને કેટલી રાહત થાય છે! એવી જ રીતે, આપણે આ દુનિયાથી ઠોકર ખાઈએ છીએ ત્યારે, યહોવાહ આપણને હાથ લંબાવીને સહારો આપે છે. જેથી, તેમનો હાથ પકડીને આપણે સત્યના માર્ગમાં ચાલતા રહી શકીએ.—યશાયાહ ૫૦:૧૦.
૮ દુષ્ટોની જાહોજલાલી આપણી શાંતિ છીનવી લેતી હોય તો, આપણે શું કરવું જોઈએ? એક ઉપાય છે કે આપણે પ્રચારમાં લાગુ રહીને નમ્ર લોકોને પરમેશ્વરનું જ્ઞાન મેળવવા મદદ કરીએ. દિવસે દિવસે દુષ્ટતા વધતી જાય છે ત્યારે, આપણે બીજાઓને વધારે મદદ કરતા રહેવાની જરૂર છે. પ્રેષિત પાઊલે કહ્યું: “સારું કરવાનું ન ચૂકો, વળી એકબીજાને મદદ કરવાનું પણ ન ભૂલો, કારણ, આવાં બલિદાનો દ્વારા ઈશ્વર પ્રસન્ન થાય છે.” તેથી, પરમેશ્વરના રાજ્યનો શુભસંદેશ જણાવીને આપણે જે સૌથી “સારું” છે, એ કરી શકીએ છીએ. સાચે જ, આપણું પ્રચારકાર્ય “હોઠોના ફળનું અર્પણ” છે.—હેબ્રી ૧૩:૧૫, ૧૬, પ્રેમસંદેશ; ગલાતી ૬:૧૦.
૯ દાઊદ રાજા આગળ કહે છે, “દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગ.” (ગીતશાસ્ત્ર ૩૭:૩ખ) દાઊદના દિવસોમાં એ “દેશ” યહોવાહે ઈસ્રાએલીઓને આપેલો વચનનો દેશ હતો. સુલેમાનના દિવસોમાં એની સીમા દાનથી તે દક્ષિણ બેરશેબા સુધીની હતી. એ ઈસ્રાએલીઓનું વતન હતું. (૧ રાજાઓ ૪:૨૫) આજે આપણે ગમે તે દેશમાં રહેતા હોઈએ, પરંતુ, આપણે એવા સમયની રાહ જોઈએ છીએ જ્યારે આખી પૃથ્વી બગીચા જેવી સુંદર બની જશે, જ્યાં ફક્ત ન્યાયીઓ રહેશે. એ સમય આવે ત્યાં સુધી, આપણે યહોવાહની ભક્તિ કરીને સલામતીમાં રહી શકીએ છીએ.—યશાયાહ ૬૫:૧૩, ૧૪.
૧૦ આપણે ‘વિશ્વાસુપણાની પાછળ લાગીશું’ તો એનું શું ફળ મળશે? નીતિવચનોમાં લખેલા શબ્દો આપણને યાદ દેવડાવે છે: “વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે.” (નીતિવચનો ૨૮:૨૦) ભલે આપણે ગમે ત્યાં રહેતા હોઈએ, ખંતથી શુભ સંદેશાનો પ્રચાર કરવાથી આપણને યહોવાહ તરફથી આશીર્વાદો મળે છે. ફ્રેંક અને તેમની પત્ની રૉઝનો વિચાર કરો. તેઓએ ૪૦ વર્ષ પહેલાં ઉત્તર સ્કોટલૅન્ડમાં પાયોનિયર બનીને જવાનું નક્કી કર્યું. ત્યાં થોડા જ લોકોને સત્યમાં રસ હતો, એ રસ પણ ધીમે ધીમે ઓછો થઈ ગયો હતો. તેમ છતાં, આ પાયોનિયર યુગલે પ્રચાર કરવાનું અને શિષ્ય બનાવવાનું કાર્ય શરૂ કર્યું. પરિણામે, હવે સ્કોટલૅન્ડમાં એક મંડળ છે. આ યુગલ યહોવાહની સેવામાં લાગુ રહ્યું એનો યહોવાહે કેવો સરસ આશીર્વાદ આપ્યો. ફ્રેંક જણાવે છે, “સૌથી મોટો આશીર્વાદ એ છે કે અમે હજુ યહોવાહના માર્ગમાં ચાલીએ છીએ અને યહોવાહની સેવા કરી શકીએ છીએ.” આમ, આપણે પણ ‘વિશ્વાસુપણાની પાછળ લાગીશું’ તો, ઘણા આશીર્વાદો મેળવીશું.
‘યહોવાહમાં આનંદ કરો’
૧૧ યહોવાહ સાથેનો આપણો સંબંધ ગાઢ બનાવવા અને તેમનામાં ભરોસો જાળવી રાખવા, આપણે શું કરવું જોઈએ? ‘યહોવાહમાં આનંદ કરવો’ જોઈએ. (ગીતશાસ્ત્ર ૩૭:૪ક) પરંતુ, કઈ રીતે? મુશ્કેલીઓના સમયમાં પોતાના વિષે વધારે પડતું વિચારવાને બદલે આપણે યહોવાહ તરફ ફરવું જોઈએ. એ માટે આપણે બાઇબલ વાંચીને એના પર મનન કરવા સમય કાઢી શકીએ. (ગીતશાસ્ત્ર ૧:૧, ૨) શું તમને બાઇબલ વાંચીને આનંદ થાય છે? તમે યહોવાહ વિષે વધારે શીખવા માગો છો એવા ધ્યેયથી બાઇબલ વાંચશો તો, તમને ચોક્કસ આનંદ થશે. બાઇબલ વાંચતા હોય ત્યારે, કેમ નહિ કે થોડો સમય થોભીને વિચાર કરો કે, ‘આમાંથી મને યહોવાહ વિષે શું શીખવા મળે છે?’ એટલું જ નહિ, બાઇબલ વાંચતા તમે નોટબુક કે પેપર સાથે રાખી શકો. જેથી, તમે મનન કરતા હોવ ત્યારે, યહોવાહે બતાવેલા ગુણોને યાદ કરીને એની નોંધ લઈ શકો. બીજા એક ગીતમાં દાઊદે લખ્યું, “હે યહોવાહ, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ.” (ગીતશાસ્ત્ર ૧૯:૧૪) આપણે બાઇબલ વાંચીને એના પર પૂરા દિલથી મનન કરીશું તો, એનાથી આપણને જ નહિ પરંતુ, યહોવાહના હૃદયને પણ આનંદ થશે.
૧૨ અભ્યાસ અને મનન કરીને આપણે કઈ રીતે આનંદ મેળવી શકીએ? આપણે યહોવાહ વિષે વધુને વધુ શીખવાનો ધ્યેય બાંધવો જોઈએ. કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ અને ડ્રો ક્લોઝ ટુ જેહોવાહa પુસ્તકમાંથી આપણને યહોવાહ અને ઈસુ વિષે અઢળક માહિતી મળે છે. દાઊદ ન્યાયી લોકોને ખાતરી આપે છે કે યહોવાહ તેઓના “હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૪ખ) પ્રેષિત યોહાને પણ લખ્યું: “આપણને ખાતરી છે કે તેમની ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માગીએ તો તે આપણું સાંભળે છે. આપણે વિનંતી કરીએ ત્યારે તે આપણું સાંભળે છે એવું જો આપણે જાણતા હોઈએ તો તે આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર પણ આપશે એવી આપણને ખાતરી છે.”—૧ યોહાન ૫:૧૪, ૧૫, IBSI.
૧૩ આપણે યહોવાહની વફાદારીથી ભક્તિ કરીએ છીએ. આપણે લોકો આગળ યહોવાહને જ આખા વિશ્વના રાજા તરીકે બતાવીએ છીએ ત્યારે, આપણને બહુ આનંદ થાય છે. (નીતિવચનો ૨૭:૧૧) જુલમી સરકારના દેશોમાં પણ આપણા ભાઈબહેનોએ ઘણો પ્રચાર કર્યો છે. એ જાણીને શું આપણું દિલ ખુશીથી ઝૂમી ઊઠતું નથી? આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ કે જે દેશોમાં પ્રતિબંધ છે, ત્યાં પણ મુક્ત રીતે પ્રચાર કામ થાય. પશ્ચિમના દેશોમાં રહેતા યહોવાહના સાક્ષીઓ કોઈ પણ વિરોધ વિના પોતાનું સેવાકાર્ય કરી શકે છે. જેમ કે, તેઓ થોડા સમય માટે એ દેશમાં રહેવા આવ્યા હોય તેવા લોકોને, વિદ્યાર્થીઓને અને રેફ્યુજીઓને પ્રચાર કરી શકે છે. આપણે આશા રાખીએ છીએ કે આ વ્યક્તિઓ પોતાના દેશમાં પાછા જઈને અંધકારમાં સત્યનો પ્રકાશ ફેલાવે.—માત્થી ૫:૧૪-૧૬.
‘તારા માર્ગો યહોવાહને સોંપ’
૧૪ આપણને એ જાણીને કેટલી રાહત થાય છે કે, આપણી બોજરૂપ ચિંતાઓ દૂર થઈ જશે! પરંતુ કઈ રીતે? દાઊદ કહે છે, “તારા માર્ગો યહોવાહને સોંપ; તેના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૫) આપણા મંડળોમાં ઘણા ભાઈબહેનોના દાખલામાંથી જોવા મળે છે કે યહોવાહ તેઓને કઈ રીતે નિભાવી રાખે છે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) પાયોનિયરો, સરકીટ કે ડિસ્ટ્રીક્ટ નિરીક્ષકો, મિશનરિઓ કે પછી બેથેલમાં સેવા આપતા કોઈ પણ સેવક પાસેથી જોવા મળશે કે યહોવાહ ખરેખર તેઓને મદદ કરે છે. કેમ નહિ કે, તમે આ ભાઈબહેનોને પૂછો કે યહોવાહે તેમને કઈ રીતે મદદ કરી છે? ચોક્કસ તમને જાણવા મળશે કે મુશ્કેલીના સમયમાં પણ યહોવાહે ઘણા ભાઈબહેનોને મદદ કરી છે. યહોવાહ હંમેશાં આપણી જીવન જરૂરિયાતો પૂરી પાડે છે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૫; માત્થી ૬:૨૫-૩૪.
૧૫ આપણે યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખીશું તો, આપણે પણ ગીતકર્તા જેવું અનુભવીશું: “તે તારા ન્યાયીપણાને અજવાળાની પેઠે, અને તારા ન્યાયને બપોરની પેઠે તેજસ્વી કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૬) યહોવાહના સાક્ષીઓ તરીકે આપણા વિષે હંમેશાં જૂઠી અફવાઓ ફેલાવવામાં આવે છે. તેમ છતાં, યહોવાહ નમ્ર દિલના લોકોને એ જોવા મદદ કરે છે કે આપણે યહોવાહ અને લોકો માટે પ્રેમ હોવાથી પ્રચાર કરીએ છીએ. તેમ જ, આપણું વલણ સારું હશે તો, એનાથી પણ લોકોનું ધ્યાન ખેંચાઈ આવશે. યહોવાહ દરેક પ્રકારના વિરોધ અને સતાવણીથી આપણું રક્ષણ કરે છે. પરિણામે, પરમેશ્વરના લોકોનું ન્યાયીપણું બપોરની પેઠે તેજસ્વી થાય છે.—૧ પીતર ૨:૧૨.
‘શાંત થા અને વાટ જો’
૧૬ ગીતકર્તા આગળ કહે છે: “યહોવાહની આગળ શાંત થા, અને તેની વાટ જો; જે પોતાના માર્ગે આબાદ થાય છે, અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઇશ નહિ.” (ગીતશાસ્ત્ર ૩૭:૭) અહીં દાઊદ ભાર મૂકે છે કે યહોવાહ કાર્ય કરે એ માટે આપણે ધીરજથી રાહ જોવાની જરૂર છે. ‘શા માટે જગતનો અંત હજુ આવ્યો નથી?’ એમ વિચારીને આપણે ફરિયાદ ન કરવી જોઈએ. યહોવાહની દયા અને ધીરજ આપણે પહેલાં વિચારતા હતા એનાથી પણ વધારે મહાન છે. તેથી, અંત આવે એ પહેલાં શુભસંદેશના પ્રચાર કાર્યમાં લાગુ રહીને, શું આપણે ધીરજથી રાહ જોઈએ છીએ? (માર્ક ૧૩:૧૦) ચાલો આપણે હમણાં એવા કોઈ પણ કામ ન કરીએ જેથી આપણે યહોવાહથી દૂર થઈ જઈએ. હમણાં જ સમય છે કે આપણે શેતાનની દુનિયાની ખરાબ અસરોથી દૂર રહીએ. તેમ જ આપણા નૈતિક ધોરણોને જાળવી રાખીએ અને યહોવાહ સાથેના આપણા સંબંધને જોખમમાં ન મૂકીએ. આપણે ખરાબ વિચારોને કાઢી નાખીએ અને વિરુદ્ધ જાતિની કે સજાતીય વ્યક્તિ સાથે કોઈ પાપ ન કરીએ.—કોલોસી ૩:૫.
૧૭ દાઊદ આપણને સલાહ આપે છે: “રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઇશ મા, તેથી દુષ્કર્મ જ નીપજે છે. કેમકે દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ યહોવાહ પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૮, ૯) હા, યહોવાહ પૃથ્વી પરથી સર્વ દુષ્ટોનો નાશ કરશે, એવા સમયની આપણે પૂરા ભરોસાથી રાહ જોવી જોઈએ.
“થોડા વખતમાં”
૧૮ “કેમકે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૦) આ જગતનો અંત દિવસે દિવસે નજીક આવતો હોવાથી આ શબ્દોમાંથી કેટલું ઉત્તેજન મળે છે! મનુષ્યો ગમે તેવી સરકાર કે સત્તા ઊભી કરે, પણ આખરે તો એ નિષ્ફળ જ જવાની છે. પરમેશ્વરની સરકારનું રાજ આવે એ સમય બહુ જ નજીક છે. એ સરકારના રાજા ઈસુ ખ્રિસ્ત હશે. એ આખી દુનિયા પર રાજ કરશે અને સર્વ રાજ્યોને ભાંગી નાખશે.—દાનીયેલ ૨:૪૪.
૧૯ નવી દુનિયામાં પરમેશ્વરના રાજ્ય હેઠળ તમે ‘દુષ્ટોને’ શોધશો તોપણ, તેઓ જડશે નહિ. તેમ જ, પરમેશ્વરની વિરુદ્ધ જનાર કોઈ પણ બચશે નહિ. હા, યહોવાહનો વિરોધ કરનારાઓનું નામોનિશાન જડશે નહિ. પરમેશ્વરની નવી દુનિયામાં સર્વ લોકો તેમની ભક્તિ કરનારા હશે. એ વખતે સલામતી હશે અને તાળાં કે બારી-બારણાંઓ પર લોખંડની જાળીઓની જરૂર નહિ પડે. તેમ જ કોઈ પણ આપણા સુખને ઝૂંટવી લેશે નહિ.—યશાયાહ ૬૫:૨૦; મીખાહ ૪:૪; ૨ પીતર ૩:૧૩.
૨૦ પછી, “નમ્ર લોકો દેશનું વતન પામશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૧ક) પરંતુ, આ “નમ્ર લોકો” કોણ છે? એવા લોકો જેઓ પોતાના પર આવી પડેલી વિપત્તિનો સામનો કરવા યહોવાહની નમ્રતાથી રાહ જુએ છે. સાચે જ, “પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૧ખ) અરે, હમણાં પણ આપણને મંડળમાં સુખ-શાંતિ મળે છે. કેમ કે આપણે યહોવાહને ખુશ કરે એવી ભક્તિ કરીએ છીએ.
૨૧ જોકે, હજુ સુધી આપણી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ નથી. આપણે એકબીજાને મદદ કરીએ અને હતાશ થએલાઓને દિલાસો આપીએ છીએ. તેથી, આજે યહોવાહના લોકોમાં સાચી શાંતિ જોવા મળે છે. યહોવાહની ભક્તિ કરવામાં અને બીજી રીતોએ મંડળના વડીલો આપણી કાળજી રાખે છે. તેઓ આપણને યહોવાહના માર્ગમાં ચાલતા રહેવા મદદ કરે છે. (૧ થેસ્સાલોનીકી ૨:૭, ૧૧; ૧ પીતર ૫:૨, ૩) આવી શાંતિ કેટલી કીમતી છે! આપણને આ પૃથ્વી પર હંમેશ માટે સુખ-શાંતિમાં જીવવાની પણ આશા છે. ઈસુએ છેક મરણ સુધી ઉત્સાહથી યહોવાહની સેવા કરી. તેથી ચાલો, આપણે પણ ઈસુનું અનુકરણ કરીએ. (૧ પીતર ૨:૨૧) આમ કરવાથી, આપણે સુખી રહીશું અને આપણા પરમેશ્વર, યહોવાહની સ્તુતિ કરીને આનંદ મેળવીશું.
[ફુટનોટ્સ]
a યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.
તમે શું જવાબ આપશો?
• ગીતશાસ્ત્ર ૩૭:૧, ૨માંથી તમે શું શીખ્યા?
• તમે કઈ રીતે ‘યહોવાહમાં આનંદ કરી’ શકો?
• આપણે યહોવાહ પર ભરોસો રાખી શકીએ એના કયા પુરાવાઓ છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. સાચું સુખ આપનાર કોણ છે અને દાઊદ રાજાએ શું કહ્યું?
૩, ૪. ગીતશાસ્ત્ર ૩૭:૧માં દાઊદે કઈ સલાહ આપી અને એ શા માટે આજે યોગ્ય છે?
૫. શા માટે દુષ્ટોને લીલી વનસ્પતિ સાથે સરખાવવામાં આવ્યા છે?
૬. ગીતશાસ્ત્ર ૩૭:૧, ૨માંથી આપણને શું શીખવા મળે છે?
૭. શા માટે આપણે યહોવાહ પર ભરોસો મૂકવો જોઈએ?
૮. દુષ્ટોની જાહોજલાલી આપણી શાંતિ છીનવી લેતી હોય તો, આપણે શું કરવું જોઈએ અને શા માટે?
૯. ‘દેશમાં રહો’ એમ કહીને દાઊદ શું કહેવા માંગે છે?
૧૦. આપણે ‘વિશ્વાસુપણાની પાછળ લાગીશું’ તો, શું મળશે?
૧૧, ૧૨. (ક) આપણે કઈ રીતે ‘યહોવાહમાં આનંદ કરી’ શકીએ? (ખ) આપણે પોતે અભ્યાસ કરવા વિષે કયો ધ્યેય બાંધી શકીએ અને કઈ ખાતરી રાખી શકીએ?
૧૩. હાલમાં ઘણા દેશોમાં પ્રચાર કાર્યમાં કેવો વધારો જોવા મળ્યો છે?
૧૪. આપણે યહોવાહ પર ભરોસો રાખી શકીએ એના કયા પુરાવાઓ છે?
૧૫. કઈ રીતે પરમેશ્વરના લોકોનું ન્યાયીપણું તેજસ્વી થાય છે?
૧૬, ૧૭. ગીતશાસ્ત્ર ૩૭:૭ પ્રમાણે હમણાં શું કરવાનો સમય છે અને શા માટે?
૧૮, ૧૯. ગીતશાસ્ત્ર ૩૭:૧૦માંથી આપણને કયું ઉત્તેજન મળે છે?
૨૦, ૨૧. (ક) ગીતશાસ્ત્ર ૩૭:૧૧ પ્રમાણે “નમ્ર લોકો” કોણ છે અને તેઓને ક્યાં “પુષ્કળ શાંતિ” મળે છે? (ખ) આપણે ઈસુને અનુસરીશું તો કયા આશીર્વાદો મળશે?
[પાન ૯ પર ચિત્ર]
ખ્રિસ્તીઓ ‘ભૂંડું કરનારાઓની’ અદેખાઈ કરતા નથી
[પાન ૧૦ પર ચિત્ર]
‘યહોવાહ પર ભરોસો રાખો, અને ભલું કરો’
[પાન ૧૧ પર ચિત્ર]
યહોવાહ વિષે વધુને વધુ શીખીને એમાં આનંદ માણો
[પાન ૧૨ પર ચિત્ર]
“નમ્ર લોકો દેશનું વતન પામશે”