મુશ્કેલીમાં યહોવાહ આપણને રક્ષણ આપશે
“યહોવાહ ન્યાયીઓનું તારણ કરે છે; સંકટની વેળાએ તે તેઓનો કિલ્લો છે.” —ગીતશાસ્ત્ર ૩૭:૩૯.
યહોવાહ પરમેશ્વરની શક્તિનો કોઈ હિસાબ નથી. પરમેશ્વર ધારે એ રીતે પોતાના સેવકોને બચાવી શકે છે. યહોવાહ ચાહે તો પોતાના સેવકોને ખરાબ વાતાવરણમાંથી ઉપાડીને શાંત જગ્યાએ મૂકી શકે છે. પણ ઈસુએ પોતાના શિષ્યો વિષે યહોવાહને પ્રાર્થના કરી: “તમે તેઓને જગતમાંથી લઈ લો એમ હું કહેતો નથી, પરંતુ શેતાનથી તમે તેઓનું રક્ષણ કરો એવી મારી પ્રાર્થના છે.”—યોહાન ૧૭:૧૫, IBSI.
૨ યહોવાહ ચાહતા નથી કે તે આપણને ‘જગતમાંથી લઈ લે.’ તે ચાહે છે કે આપણે જગતમાં રહીને આશા આપતો સંદેશો સર્વ લોકોને જણાવીએ. (રૂમી ૧૦:૧૩-૧૫) એમ કરવાથી ઈસુ જાણતા હતા કે જગતમાં એવું કોઈ નથી જે દુષ્ટ લોકો અને શેતાનના પંજામાંથી છટકી શકે.—૧ પીતર ૫:૯.
૩ આપણા પર જો આકરી કસોટી આવી પડે તો આપણો ઉત્સાહ ભાંગી શકે છે. (નીતિવચનો ૨૪:૧૦) અનેક ઈશ્વરભક્તો આકરી કસોટીમાંથી પસાર થયા ત્યારે એવું જ અનુભવ્યું હતું. તેઓ વિષે બાઇબલ કહે છે: “ન્યાયી માણસને માથે ઘણાં દુઃખ આવે છે; પણ યહોવાહ તે સર્વમાંથી તેને છોડાવે છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૯) આ શાસ્ત્ર ખરું કહે છે કે દુઃખ ન્યાયી લોકોને પણ છોડતું નથી. કદાચ તમે પણ દાઊદ રાજાની જેમ ઘણી વાર ‘અત્યંત નિર્બળ અને કચડાઈ ગયા હશો.’ (ગીતશાસ્ત્ર ૩૮:૮, IBSI) તોપણ એ જાણવાથી તમને આનંદ થશે કે ‘આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર લોકોને તે તારે છે.’—ગીતશાસ્ત્ર ૩૪:૧૮; ૯૪:૧૯.
૪ ઈસુએ કરેલી પ્રાર્થના પ્રમાણે યહોવાહની નજર આપણા પર છે. આપણા પર તકલીફો આવશે ત્યારે યહોવાહ આપણને જરૂર રક્ષણ આપશે. (ગીતશાસ્ત્ર ૩૭:૩૯) નીતિવચનો ૧૮:૧૦માં એવું શબ્દચિત્ર જોવા મળે છે: “યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.” આ કલમ બતાવે છે કે યહોવાહને તેમના ભક્તોની ખૂબ જ ચિંતા રહે છે! જેઓ તેમના માર્ગોમાં ચાલે છે તેઓને યહોવાહ પૂરું રક્ષણ આપે છે.
૫ આપણા પર દુઃખનો પહાડ તૂટી પડે તો, રક્ષણ માટે આપણે યહોવાહ પાસે કેવી રીતે દોડી જઈ શકીએ? ચાલો આપણે જોઈએ કે યહોવાહ પાસેથી રક્ષણ લેવાની કઈ ત્રણ રીતો છે. (૧) પ્રાર્થના કરીને યહોવાહ પાસેથી મદદ માગવી જોઈએ. (૨) તેમનો પવિત્ર આત્મા કે શક્તિની દોરવણી પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. (૩) તેમના ભક્તો સાથે આપણે અતૂટ સંગત રાખવી જોઈએ.
પ્રાર્થનાથી આવતા આશીર્વાદો
૬ અમુક ડૉક્ટરોનું કહેવું છે કે જો કોઈ ખૂબ ઉદાસ હોય કે ટેન્શનમાં હોય તો પ્રાર્થના કરવાથી તેને રાહત મળે છે. પરંતુ કોઈ કહેશે કે શાંત જગ્યાએ બેસીને કુદરતી અવાજો સાંભળવાથી કે બરડામાં માલિશ કરવાથી પણ રાહત મળી શકે. રાહત માટે આ ત્રણ બાબતોમાં કયો મોટો ફરક છે? યહોવાહના સેવકો જાણે છે કે પ્રાર્થના રાહત માટે જ નથી. તેઓ પ્રાર્થના કરીને યહોવાહને માન આપે છે. એમ કરવાથી આપણે બતાવીએ છીએ કે આપણને યહોવાહમાં અતૂટ ભરોસો છે. ઈશ્વરને પ્રાર્થના કરવી એ આપણો ધર્મ છે.
૭ આપણી પ્રાર્થના પરથી દેખાઈ આવવું જોઈએ કે આપણને યહોવાહમાં ભરોસો છે. એના વિષે પ્રેષિત યોહાને લખ્યું: “આપણને ખાતરી છે કે તેમની ઇચ્છા પ્રમાણે આપણે કાંઈ પણ માગીએ તો તે આપણું સાંભળે છે.” (૧ યોહાન ૫:૧૪, IBSI) જરા વિચારો, આખા વિશ્વના માલિક અને સરજનહાર, યહોવાહ પોતે તેમના ભક્તોની દરેક પ્રાર્થનાઓ ધ્યાનથી સાંભળે છે! તેમના ભક્તોની એક પણ પ્રાર્થના તે સાંભળ્યા વગર રહેતા નથી. એટલે જ આપણને કોઈ ચિંતા કોરી ખાતી હોય ત્યારે, યહોવાહને પ્રાર્થના કરવામાં જરાય વાર ન લગાડીએ.—ફિલિપી ૪:૬.
૮ આપણને કોઈ વાર એવું લાગી શકે કે, ‘હું નકામો છું, યહોવાહ મારી પ્રાર્થના સાંભળશે કે નહિ એ કોને ખબર!’ અથવા આપણા પર કોઈ મુશ્કેલી આવી પડે તો, ચિંતામાં ડૂબી જઈએ. એવા સમયે આપણને કદાચ યહોવાહને પ્રાર્થના કરવાનું મન ન થાય. પણ એવા સંજોગોમાં આપણે ભૂલવું ન જોઈએ કે યહોવાહ ‘પોતાના દુઃખી ભક્તો પર દયા કરે છે અને દીનજનોને દિલાસો આપે છે.’ (યશાયાહ ૪૯:૧૩; ૨ કોરીંથી ૭:૬) તો પછી, આપણા પર દુઃખના ડુંગરો તૂટી પડે ત્યારે શું આપણે યહોવાહ પાસે પ્રાર્થનામાં ન દોડી જવું જોઈએ?
૯ આપણને યહોવાહમાં અતૂટ વિશ્વાસ હોવો જ જોઈએ. તો જ પ્રાર્થના કરવાથી આપણને મદદ મળશે. બાઇબલ કહે છે: “જે ઈશ્વર પાસે આવે છે, તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને જેઓ તેમને શોધે છે તેઓને તે બદલો આપે છે.” (હિબ્રૂ ૧૧:૬, પ્રેમસંદેશ) આપણને યહોવાહમાં વિશ્વાસ છે એ કેવી રીતે બતાવી શકાય? આપણે ખાલી નામ પૂરતું જ કહેવું ન જોઈએ કે “ઈશ્વર છે.” આપણને એવો વિશ્વાસ હોવો જોઈએ કે આપણે તેમના માર્ગમાં ચાલીશું તો તે ચોક્કસ આપણને આશીર્વાદો આપશે. તેથી, શાસ્ત્ર કહે છે કે “ન્યાયીઓ પર પ્રભુની [યહોવાહની] નજર છે; અને તેઓની પ્રાર્થનાઓ તેને કાને પડે છે.” (૧ પીતર ૩:૧૨) આપણે કદી ભૂલવું ન જોઈએ કે યહોવાહને આપણી કાયમ ચિંતા રહે છે. તેમની નજરમાં આપણી પ્રાર્થનાઓ અમૂલ્ય મોતી જેવી છે.
૧૦ આજે ઘણા ધર્મોમાં લોકો ફક્ત વિધિ પૂરતી જ પ્રાર્થના કરતા હોય છે. પણ એવી રીતે આપણે પ્રાર્થના કરવી ન જોઈએ. કેમ? જ્યારે પૂરા હૃદયથી આપણે યહોવાહને પ્રાર્થના કરીએ છીએ ત્યારે તે ધ્યાનથી સાંભળે છે. એક કવિએ લખ્યું: “મેં ખરા હૃદયથી વિનંતી કરી છે; હે યહોવાહ, મને ઉત્તર આપ.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૫) આપણે ખરા દિલથી યહોવાહને પ્રાર્થના કરીએ છીએ ત્યારે એમાં ઊંડો અર્થ રહેલો છે. સાચી ભાવનાથી પ્રાર્થના કરીશું તો, આપણે પોતાનો ‘બોજો યહોવાહ પર નાખી’ શકીશું. એમ કરવાથી આપણે રાહત અનુભવીશું. બાઇબલ ગેરંટી આપે છે: “તે તને નિભાવી રાખશે.”—ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ૧ પીતર ૫:૬, ૭.
યહોવાહની શક્તિ આપણને મદદ કરશે
૧૧ યહોવાહ ફક્ત પ્રાર્થનાના સાંભળનાર જ નથી. તે આપણી પ્રાર્થનાનો જવાબ પણ આપે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) દાઊદે લખ્યું: “મારા સંકટને દિવસે હું તને પોકાર કરીશ; કેમકે તું મને ઉત્તર દેશે.” (ગીતશાસ્ત્ર ૮૬:૭) ઈસુએ પણ તેમના શિષ્યોને ઉત્તેજન આપ્યું કે યહોવાહ પાસેથી પ્રાર્થનામાં મદદ માગતા રહો. ‘જેઓ તેમની પાસેથી માગે તેમને તે પવિત્ર આત્મા આપશે.’ (લુક ૧૧:૯-૧૩) યહોવાહનો પવિત્ર આત્મા કે શક્તિ આપણને જરૂર મદદ અને દિલાસો આપશે.—યોહાન ૧૪:૧૬.
૧૨ ઘણી વાર આપણા પર મુસીબતો આવી પડે ત્યારે એ પહાડ જેવી મોટી લાગે છે. પણ પ્રાર્થના કર્યા પછી એ મામૂલી બની જાય છે. કેમ? કેમ કે એ સહન કરવા ઈશ્વર આપણને તેમની શક્તિ આપે છે. (૨ કોરીંથી ૪:૭) પ્રેષિત પાઊલે ખૂબ જ દુઃખ વેઠ્યું હતું. તોપણ તેમણે કહ્યું: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.” (ફિલિપી ૪:૧૩) પાઊલની જેમ આજે ઘણા ભાઈ-બહેનોએ અનુભવ્યું છે કે યહોવાહને પ્રાર્થના કર્યા પછી તેઓને હિંમત મળી હતી. ખુદ ઈશ્વર આપણને શક્તિ આપતા હોવાથી આપણે પણ પાઊલની જેમ કહી શકીશું: “ચોતરફથી અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગએલા નથી; ગૂંચવાયા છતાં નિરાશ થએલા નથી; સતાવણી પામ્યા છતાં તજાએલા નથી; નીચે પટકાએલા છતાં નાશ પામેલા નથી.”—૨ કોરીંથી ૪:૮, ૯.
૧૩ બાઇબલ યહોવાહની શક્તિથી લખાયું છે. એ આજ સુધી આપણા માટે સાચવી રાખવામાં આવ્યું છે. તેથી, આપણા પર સખત તકલીફો આવે ત્યારે યહોવાહ કેવી રીતે આપણને બાઇબલથી રક્ષણ પૂરું પાડે છે? બાઇબલ આપણને ખરું જ્ઞાન અને બુદ્ધિ આપે છે. (નીતિવચનો ૩:૨૧-૨૪) બાઈબલ વાંચીને, મનન કરીને અને એ જીવનમાં ઉતારવાથી આપણને પોતાની ઇંદ્રિયો કેળવવા મદદ મળશે. એમ કરવાથી આપણે ખરુંખોટું પારખી શકીશું. (હેબ્રી ૫:૧૪) તમને કદાચ યાદ હશે કે અઘરા સંજોગોમાં બાઇબલ સિદ્ધાંતોને વળગી રહેવાથી તમને કેવો લાભ થયો હતો. બાઇબલમાંથી આપણને વિવેકબુદ્ધિ અને સમજણ મળે છે. એ આપણને અઘરા સંજોગોમાં બરાબર નિર્ણય લેવા મદદ કરે છે.—નીતિવચનો ૧:૪.
૧૪ બાઇબલ આપણને સુખી જીવનની આશા આપે છે. (રૂમી ૧૫:૪) એમાં એ પણ જણાવે છે કે પૃથ્વી પર દુઃખ-તકલીફો કાયમ ચાલશે નહિ. આપણા પર જે કોઈ તકલીફો આવવાની છે એ ફક્ત થોડો સમય પૂરતી જ હશે. (૨ કોરીંથી ૪:૧૬-૧૮) ‘જગતના આરંભ પહેલાં યહોવાહે આપણને કાયમી જીવનનું વચન આપ્યું હતું. અને તે કદી જૂઠું બોલતા નથી.’ (તિતસ ૧:૨, IBSI) જો આપણે એ વચનોમાં પૂરો ભરોસો રાખીશું તો આપણા પર ગમે એવી કસોટીઓ આવશે એ સહી શકીશું.—રૂમી ૧૨:૧૨; ૧ થેસ્સાલોનીકી ૧:૩.
મંડળમાં ઈશ્વરનો પ્રેમ છે
૧૫ આપણા પર કોઈ દુઃખ-તકલીફો કે ચિંતા આવી પડે ત્યારે મંડળના ભાઈ-બહેનો આપણને પુષ્કળ મદદ આપશે. બાઇબલ કહે છે: “સાચો મિત્ર હમેશાં વફાદાર રહે છે. જરૂરના સમયે મદદરૂપ થવા ભાઇ જન્મ્યો છે.” (નીતિવચનો ૧૭:૧૭, IBSI) બાઇબલ દરેકને ઉત્તેજન આપે છે કે તમે એકબીજાને પ્રેમ અને માન આપો. (રૂમી ૧૨:૧૦) પ્રેષિત પાઊલે લખ્યું: “કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.” (૧ કોરીંથી ૧૦:૨૪) આપણે જો એવો સ્વભાવ કેળવીશું તો પોતાનું જ દુઃખ જોવાને બદલે બીજાના દુઃખમાં સહારો આપીશું. એમ કરવાથી આપણો આનંદ વધશે. એનાથી પોતાનું દુઃખ સહેવું ખૂબ જ સહેલું બનશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
૧૬ જેઓ સત્યમાં મક્કમ છે તેઓ બીજાઓને ખૂબ જ મદદ કરી શકે છે. આપણે ખ્રિસ્ત જેવો સ્વભાવ કેળવીશું તો બીજાઓ આપણી પાસે દોડી દોડીને મદદ લેવા આવશે. (૨ કોરીંથી ૬:૧૧-૧૩) આપણે મંડળમાં બધા યુવાન ભાઈ-બહેનો સાથે વાત કરીએ, તેઓના સાચા વખાણ કરીએ. નવા લોકોની હોંશ જગાડીએ. જેઓ ડિપ્રેશ કે ઉદાસ છે તેઓને ઉત્તેજન આપીએ. આમ મંડળને ખૂબ જ લાભ થશે. (રૂમી ૧૫:૭) આપણે જો ખ્રિસ્ત જેવો સ્વભાવ કેળવીશું તો એકબીજાની ખોટી શંકાઓ દૂર થશે. મંડળમાં જો કોઈ ભાઈ-બહેનને અમુક તકલીફો હોય તો આપણે ધારી ન લેવું જોઈએ કે તે સત્યમાં ઠંડા પડી ગયા છે. એ કારણથી પાઊલે ખ્રિસ્તીઓને આગ્રહ કર્યો કે “બીકણોને [ઉદાસીનોને] ઉત્તેજન આપો.” (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) બાઇબલ બતાવે છે કે યહોવાહના ભક્તો પણ ઉદાસ કે ડિપ્રેશ થયા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૫.
૧૭ સભાઓમાં આપણને એકબીજા પાસેથી ઉત્તેજન અને દિલાસો મળે છે. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) સભાઓની સાથે સાથે આપણે એવી ગોઠવણો પણ કરવી જોઈએ જેથી ભાઈ-બહેનો સાથે વધારે સમય પસાર કરી શકીએ. આ રીતે આપણે દરેક એકબીજાના જિગરી દોસ્ત બનીશું. પછી આપણા કે બીજાના જીવનમાં દુઃખ આવે ત્યારે સહેલાઈથી એકબીજાને મદદ આપી શકીશું. પ્રેષિત પાઊલે લખ્યું: “શરીરમાં ફાટફૂટ ન પડે; પણ બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે. જો એક અવયવ દુઃખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુઃખી થાય છે; તેમ જ જો એક અવયવને માન મળે, તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.”—૧ કોરીંથી ૧૨:૨૫, ૨૬.
૧૮ કોઈક વાર જીવનમાં એવું બની શકે કે આપણને ભાઈ-બહેનો સાથે મળવાનું મન પણ ન થાય. આપણે એવી લાગણીઓ જલદીથી દૂર કરવી જોઈએ. નહિતર આપણને ભાઈ-બહેનો પાસેથી જરૂરી મદદ અને ઉત્તેજન મળશે નહિ. બાઇબલ ચેતવે છે: “જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા સાધવા મથે છે, તે રીસથી સઘળા સુજ્ઞાનની વિરૂદ્ધ થાય છે.” (નીતિવચનો ૧૮:૧) જ્યારે ભાઈ-બહેનો આપણને ઉતેજન કે મદદ આપે છે ત્યારે એ આપણી માટે મોટો આશીર્વાદ છે. આપણે એની કદર કરીશું તો દુઃખના સમયે આપણને તાજગી મળશે.
સારું વિચારો
૧૯ આપણે નિરાશ કે ઉદાસ થઈ ગયા હોય ત્યારે, સહેલાઈથી ખોટા વિચારોમાં પડી જઈ શકીએ. દાખલા તરીકે, કોઈના પર અમુક આફત આવી પડે ત્યારે, તે મનમાં કહેવા લાગે કે ‘હું યહોવાહના માર્ગે બરાબર ચાલતો નથી એટલે મારા પર આફતો આવે છે.’ પણ યાદ રાખો કે યહોવાહ ભૂંડું કરવા કોઈને લલચાવતા નથી. (યાકૂબ ૧:૧૩) બાઇબલ કહે છે: “તે [ઈશ્વર] રાજીખુશીથી દુઃખ દેતો નથી, ને માણસોને ખિન્ન કરતો નથી.” (યિર્મેયાહનો વિલાપ ૩:૩૩) આપણા પર દુઃખ આવી પડે ત્યારે યહોવાહને એ કાંટાની જેમ ખૂંચે છે.—યશાયાહ ૬૩:૮, ૯; ઝખાર્યાહ ૨:૮.
૨૦ યહોવાહ ‘કરુણાના પિતા અને દિલાસો આપનાર ઈશ્વર છે.’ (૨ કોરીંથી ૧:૩) આપણું દુઃખ જોઈને તેમને ખૂબ જ બળતરા થાય છે. આપણે જો અંત સુધી વિશ્વાસમાં ટકી રહીશું તો તે આપણને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકશે! (૧ પીતર ૫:૬, ૭) આપણે કાયમ યાદ રાખવું જોઈએ કે યહોવાહ આપણને હદ ઉપરાંત ચાહે છે. એ યાદ રાખવાથી આપણે હંમેશાં સારું વિચારીશું અને દુઃખ સહન કરતા રહીશું. યાકૂબે લખ્યું: “મારા ભાઈઓ, જ્યારે તમને તરેહ તરેહનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો.” (યાકૂબ ૧:૨) કેમ? તે કહે છે: “પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે.”—યાકૂબ ૧:૧૨.
૨૧ ઈસુએ કહ્યું છે કે આપણા પર દુઃખ તકલીફો આવશે જ. (યોહાન ૧૬:૩૩) પણ બાઇબલ ખાતરી આપે છે: ‘વિપત્તિ, વેદના, સતાવણી, દુકાળ, નગ્નતા કે જોખમ’ આપણને કદી યહોવાહ અને ઈસુના પ્રેમથી જુદા પાડી શક્શે નહિ. (રૂમી ૮:૩૫, ૩૯) આપણા પર જો કોઈ દુઃખો આવે તો એ થોડા સમય પૂરતા જ રહેશે. એ જાણવાથી આપણા મનને કેવી ઠંડક મળે છે! સર્વ દુઃખોનો અંત આવે ત્યાં સુધી ચાલો આપણે ખુશીથી યહોવાહની સેવા કરતા રહીએ. તે આપણા પર પ્રેમથી નજર રાખશે. જો આપણે તેમની પાસે રક્ષણ માટે દોડી જઈશું તો તે ‘દુઃખીઓને કિલ્લારૂપ થશે, અને સંકટ સમયે ગઢ થશે.’—ગીતશાસ્ત્ર ૯:૯.
આપણે શું શીખ્યા?
• આ દુષ્ટ જગતમાં આપણે શાની ખાતરી રાખી શકીએ?
• આપણને કસોટીઓમાં પણ પ્રાર્થના કેવી રીતે મદદ કરશે?
• યહોવાહનો પવિત્ર આત્મા કે શક્તિ કેવી રીતે મદદ કરશે?
• એકબીજાને મદદ આપવા આપણે શું કરી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) ઈસુએ તેમના શિષ્યો વિષે કેવી પ્રાર્થના કરી? (ખ) યહોવાહે તેમના ભક્તોને કયું કામ સોંપ્યું છે?
૩. યહોવાહના વિશ્વાસુ સેવકોએ શું સહેવું પડશે? બાઇબલમાંથી આપણને કેવું ઉત્તેજન મળે છે?
૪, ૫. (ક) નીતિવચનો ૧૮:૧૦ પ્રમાણે યહોવાહનું રક્ષણ મેળવવા આપણે શું કરવું જોઈએ? (ખ) ઈશ્વરની મદદ મેળવવા આપણે કયાં ત્રણ પગલાં લેવાં જોઈએ?
૬. પ્રાર્થના આપણા માટે કેટલી મહત્ત્વની છે?
૭. આપણે પૂરા ભરોસાથી કોને પ્રાર્થના કરવી જોઈએ? એનાથી આપણને કેવી રીતે મદદ મળશે?
૮. પ્રાર્થના કરતા આપણે કેમ અચકાવું ન જોઈએ?
૯. આપણે કેમ પૂરા વિશ્વાસથી ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ?
૧૦. યહોવાહ પાસેથી મદદ મેળવવા આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ?
૧૧. આપણે યહોવાહને પ્રાર્થના કરીએ ત્યારે તે કઈ રીતે મદદ આપશે?
૧૨. આપણા પર મુસીબતો આવે ત્યારે યહોવાહની શક્તિ આપણને કેવી રીતે મદદ કરે છે?
૧૩, ૧૪. (ક) યહોવાહ આપણને બાઇબલ દ્વારા કેવી રીતે રક્ષણ પૂરું પાડે છે? (ખ) બાઇબલના સિદ્ધાંતોથી તમને કેવો લાભ થયો છે?
૧૫. આપણે એકબીજાને કેવી રીતે મદદ કરી શકીએ?
૧૬. આપણે એકબીજાને કેવી રીતે ઉત્તેજન આપી શકીએ?
૧૭. દરેકને પ્રેમ બતાવવા આપણે શું કરવું જોઈએ?
૧૮. આપણે નિરાશ કે ઉદાસ થઈ ગયા હોય ત્યારે કેવી લાગણીથી દૂર રહેવું જોઈએ?
૧૯, ૨૦. ખોટા વિચારો દૂર કરવા બાઇબલ આપણને કેવી રીતે મદદ કરી શકે?
૨૧. જેઓ ઈશ્વરને માર્ગે ચાલે છે તેઓને યહોવાહ કઈ ખાતરી આપે છે?
[પાન ૧૮ પર ચિત્ર]
રક્ષણ માટે આપણે મજબૂત કિલ્લામાં દોડી જઈએ તેમ યહોવાહ પાસે દોડી જવું જોઈએ
[પાન ૨૦ પર ચિત્ર]
સત્યમાં અડગ છે તેઓએ બીજાઓને ઉત્તેજન આપતા રહેવું