બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે
“બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે.”—ગીત. ૪૧:૩.
ગીતો: ૧૧ (85), ૧૩ (113)
૧, ૨. બાઇબલના સમયમાં ઈશ્વરે શું કર્યું હતું? આજે જેઓ બીમાર છે, તેઓને કયો વિચાર આવી શકે?
જો તમે કદીયે ગંભીર રીતે બીમાર પડ્યા હો, તો કદાચ તમને આ પ્રશ્ન થયો હશે: ‘શું હું પાછો સારો થઈ શકીશ?’ અથવા તમારા કુટુંબનું કોઈ સભ્ય કે તમારો મિત્ર બીમાર હોય તો તમને થશે કે તે ફરી સારા થશે કે નહિ. કોઈને પણ પોતાની કે પોતાના સ્નેહીજનોની તબિયતને લઈને ચિંતા થાય એ સ્વાભાવિક છે. બાઇબલમાં આપણને એવા બીમાર લોકો વિશે વાંચવા મળે છે, જેઓને જાણવું હતું કે તેઓની તબિયત ક્યારે સુધરશે. ઉદાહરણ તરીકે, અરામના (સીરિયાના) રાજા બેન-હદાદ બીમાર હતા ત્યારે, તેમને જાણવું હતું કે તે સાજા થશે કે નહિ. (૨ રાજા. ૮:૭, ૮) અરે, આહાબ અને ઇઝેબેલના પુત્ર, રાજા અહાઝ્યાને પણ જાણવું હતું કે તેની ઇજા ક્યારે સાજી થશે.—૨ રાજા. ૧:૨.
૨ બાઇબલ એ પણ જણાવે છે કે પ્રાચીન સમયમાં યહોવાએ ચમત્કારો કરીને અમુક લોકોને સાજા કર્યા હતા. અરે, તેમણે પોતાના પ્રબોધકો દ્વારા કેટલાક લોકોને મરણમાંથી સજીવન કર્યા હતા! (૧ રાજા. ૧૭:૧૭-૨૪; ૨ રાજા. ૪:૧૭-૨૦, ૩૨-૩૫) આજે, જેઓ બીમાર છે તેઓને કદાચ થતું હશે કે ‘શું ઈશ્વર મારી પણ તબિયત સુધારવા કોઈ મદદ કરશે?’
૩-૫. યહોવા અને ઈસુ પાસે શું કરવાની શક્તિ છે? આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ યહોવા પાસે લોકોની તંદુરસ્તી પર અસર કરવાની શક્તિ છે. યહોવાએ લોકો પર બીમારી લાવીને શિક્ષા કરી હતી. જેમ કે, ઈબ્રાહીમના સમયમાં ફારુનને અને મુસાના સમયમાં તેની બહેન મરિયમને. (ઉત. ૧૨:૧૭; ગણ. ૧૨:૯, ૧૦; ૨ શમૂ. ૨૪:૧૫) ઉપરાંત, વફાદાર ન રહેનારા ઈસ્રાએલીઓને શિક્ષા કરવા યહોવા તેઓ પર ‘રોગ તથા મરકી’ લાવ્યા હતા. (પુન. ૨૮:૫૮-૬૧) અમુક વાર, તેમણે પોતાના લોકોને બીમારીથી બચવા રક્ષણ પણ આપ્યું. (નિર્ગ. ૨૩:૨૫; પુન. ૭:૧૫) તેઓમાંથી અમુકને તેમણે સાજા કર્યા હતા. અયૂબનો વિચાર કરો. તે તો બીમારીથી કંટાળીને મરવા ચાહતા હતા, પરંતુ યહોવાએ તેમને સાજા કર્યા.—અયૂ. ૨:૭; ૩:૧૧-૧૩; ૪૨:૧૦, ૧૬.
૪ આપણને પૂરી ખાતરી છે કે યહોવા પાસે બીમાર વ્યક્તિને સાજા કરવાની શક્તિ છે. ઈસુ પણ બીમારોને સાજા કરી શકે છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે એવા લોકોને સાજા કર્યા હતા, જેઓને ફેફરું (વાઈનો રોગ) અથવા રક્તપિત્ત થયો હતો. તેમણે અંધજનોને દેખતા કર્યા અને લકવો થયેલાને સાજા કર્યા. (માથ્થી ૪:૨૩, ૨૪ વાંચો; યોહા. ૯:૧-૭) એ ચમત્કારો આપણને નવી દુનિયાની રાહ જોવા મદદ કરે છે, જ્યારે ઈસુ અદ્ભુત કામો કરશે. એ સમયે ‘કોઈ પણ રહેવાસી કહેશે નહિ કે હું માંદો છું.’—યશા. ૩૩:૨૪.
૫ પણ જો આપણને કોઈ ગંભીર બીમારી થાય, તો શું આજે આપણે એવી આશા રાખી શકીએ કે યહોવા અથવા ઈસુ ચમત્કાર કરીને આપણને સાજા કરે? કોઈ પણ સારવારની પસંદગી કરતા પહેલાં આપણે શું વિચારવું જોઈએ?
બીમારીમાં યહોવા પર ભરોસો રાખો
૬. પ્રથમ સદીમાં થયેલા ચમત્કારો વિશે બાઇબલ શું જણાવે છે?
૬ પ્રથમ સદીમાં, યહોવાએ પવિત્ર શક્તિથી ખ્રિસ્તીઓને અભિષિક્ત કર્યા હતા. તેઓમાંના અમુકને યહોવાએ ચમત્કાર કરવાની શક્તિ આપી હતી. (પ્રે.કૃ. ૩:૨-૭; ૯:૩૬-૪૨) દાખલા તરીકે, બીમારોને સાજા કરવાનું અને અલગ અલગ ભાષા બોલવાનું તેઓને “દાન” આપવામાં આવ્યું હતું. (૧ કોરીં. ૧૨:૪-૧૧) જોકે, યહોવાએ પહેલેથી જણાવ્યું હતું તેમ, સમય જતાં એ અને એનાં જેવાં “દાન”નો એટલે કે, ચમત્કારો કરવાની શક્તિનો અંત આવ્યો. (૧ કોરીં. ૧૩:૮) યહોવા આજે ચમત્કારો દ્વારા સાજાપણું આપતા નથી. તેથી, એવી આશા ન રાખીએ કે આપણને અથવા આપણાં સગાંને સાજાં કરવાં યહોવા ચમત્કાર કરે.
૭. ગીતશાસ્ત્ર ૪૧:૩ના શબ્દો આપણને કઈ રીતે હિંમત આપે છે?
૭ પરંતુ, જો તમે બીમાર હો તો યાદ રાખો કે અગાઉના ભક્તોની જેમ યહોવા તમને પણ રાહત અને સહાય આપશે. રાજા દાઊદે લખ્યું: ‘જે ગરીબોની ચિંતા કરે છે તેને ધન્ય છે; સંકટને સમયે યહોવા તેને છોડાવશે. યહોવા તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે.’ (ગીત. ૪૧:૧, ૨) જોકે, દાઊદનો કહેવાનો અર્થ એવો ન હતો કે ગરીબોને મદદ કરનારા એ સમયના ભલા લોકો ક્યારેય મરશે નહિ. તો પછી, યહોવા કઈ રીતે એવા ભલા લોકોને મદદ કરે છે? દાઊદ સમજાવે છે કે ‘બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે. તેની માંદગીમાં આખી પથારી યહોવા, તમે બિછાવો છો.’ (ગીત. ૪૧:૩) યહોવાને બરાબર ખબર છે કે તેમના સેવકો કેવાં દુઃખોથી પીડાઈ રહ્યા છે. યહોવા તેઓને ભૂલતા નથી. યહોવા તેઓને હિંમત અને સમજદારી આપે છે. એટલું જ નહિ, તેમણે આપણા શરીરમાં એવી ક્ષમતા મૂકી છે કે એ આપોઆપ પોતાને સાજું કરી શકે.
૮. ગીતશાસ્ત્ર ૪૧:૪ પ્રમાણે બીમારી વખતે દાઊદે કેવી અરજ કરી?
૮ ગીતશાસ્ત્રના ૪૧મા અધ્યાયમાં દાઊદે એ સમય વિશે જણાવ્યું, જ્યારે તે ખૂબ બીમાર પડ્યા હોવાથી કમજોર અને ચિંતિત થઈ ગયા હતા. બની શકે કે આ એ જ સમય હતો, જ્યારે તેમનો દીકરો આબ્શાલોમ તેમની રાજગાદી પડાવી લેવા મથી રહ્યો હતો. દાઊદ એટલા બીમાર હતા કે તે આબ્શાલોમને રોકી શક્યા નહિ. તે જાણતા હતા કે બાથશેબા સાથે કરેલા પાપને લીધે, તેમના કુટુંબમાં મુશ્કેલીઓ આવી પડી હતી. (૨ શમૂ. ૧૨:૭-૧૪) ત્યારે તેમણે શું કર્યું? તેમણે યહોવાને પ્રાર્થના કરી: ‘હે યહોવા, મારા પર દયા કરો; મને સાજો કરો, કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.’ (ગીત. ૪૧:૪) જોકે, દાઊદ જાણતા હતા કે યહોવાએ તેમનાં પાપ માફ કર્યાં છે. એટલે માંદગી દરમિયાન તેમણે યહોવા પર આધાર રાખ્યો. પરંતુ, શું દાઊદ યહોવા પાસે કોઈ ચમત્કારની આશા રાખતા હતા?
૯. (ક) યહોવાએ રાજા હિઝકીયાહ માટે શું કર્યું? (ખ) દાઊદે યહોવા પાસે કેવી આશા રાખી?
૯ એ ખરું છે કે કેટલીક વાર યહોવાએ પોતાના લોકોને સાજા કર્યા છે. દાખલા તરીકે, રાજા હિઝકીયાહ મરણતોલ માંદા હતા ત્યારે, યહોવાએ તેમને સાજા કર્યા. સાજા થયા પછી હિઝકીયાહ બીજાં ૧૫ વર્ષ જીવ્યા. (૨ રાજા. ૨૦:૧-૬) જોકે, દાઊદે યહોવા પાસે એવા ચમત્કારની આશા રાખી ન હતી. દાઊદ તો યહોવા પાસે મદદની આશા રાખતા હતા. એવી મદદ ‘જે ગરીબ લોકોની ચિંતા કરનારને’ યહોવા આપે છે. યહોવા સાથે દાઊદનો સંબંધ ગાઢ હોવાથી, તે બીમારીમાં યહોવાને રાહત અને કાળજી માટે અરજ કરી શક્યા. તેમણે યહોવાને એ પણ વિનંતી કરી કે પોતાની બીમારી દૂર થાય અને પાછા તંદુરસ્ત થાય. આપણે પણ યહોવા પાસે એવી મદદ માંગી શકીએ છીએ.—ગીત. ૧૦૩:૩.
૧૦. ત્રોફિમસ અને એપાફ્રોદિતસના અનુભવ પરથી આપણે કયું તારણ કાઢી શકીએ?
૧૦ હવે પ્રથમ સદીનો વિચાર કરો. એ વખતે પ્રેરિત પાઊલ લોકોને સાજા કરી શકતા હતા તોપણ, તેમણે બધાને સાજા કર્યા ન હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૮-૧૦ વાંચો.) પબ્લિયસના પિતાને ગંભીર ચેપ લાગ્યો હતો અને તાવ આવતો હતો. પ્રેરિત પાઊલે તેમને સાજા કર્યા હતા. ‘પાઊલે તેમની પાસે જઈને પ્રાર્થના કરી અને તેમના પર પોતાનો હાથ મૂકીને તેમને સાજા કર્યા.’ (પ્રે.કૃ. ૨૮:૮) હવે તેમના એક મિત્ર ત્રોફિમસનો દાખલો લો. તે પાઊલ સાથે એક વાર મિશનરી મુસાફરી પર હતા. (પ્રે.કૃ. ૨૦:૩-૫, ૨૨; ૨૧:૨૯) એ સમયે ત્રોફિમસ બીમાર પડ્યા. પણ પાઊલે તેમને ચમત્કાર કરીને સાજા કર્યા નહિ. એટલે, ત્રોફિમસે મુસાફરી રોકવી પડી અને તબિયત સુધરે ત્યાં સુધી મિલેતસમાં રોકાવું પડ્યું. (૨ તીમો. ૪:૨૦) પાઊલના બીજા એક મિત્ર એપાફ્રોદિતસ, એક વાર ‘મરણતોલ માંદા પડ્યા.’ પાઊલે તેમને સાજા કર્યા હોય એવું બાઇબલમાં જણાવ્યું નથી.—ફિલિ. ૨:૨૫-૨૭, ૩૦.
કઈ સલાહ સ્વીકારવી?
૧૧, ૧૨. આપણે લુક વિશે શું જાણીએ છીએ? તેમણે પાઊલને કઈ મદદ આપી હોય શકે?
૧૧ પાઊલ જોડે મુસાફરી કરનાર લુક, એક વૈદ હતા. (કોલો. ૪:૧૪; પ્રે.કૃ. ૧૬:૧૦-૧૨; ૨૦:૫, ૬) મિશનરી મુસાફરી દરમિયાન પાઊલ અને બીજા શિષ્યો બીમાર થયા હશે ત્યારે, બની શકે કે લુકે તેઓને મદદ આપી હશે. (ગલા. ૪:૧૩) ઈસુએ સાચું જ કહ્યું હતું: “જેઓ માંદા છે તેઓને” વૈદની જરૂર પડે છે.—લુક ૫:૩૧.
૧૨ લુક તો તબિયતને લગતી સલાહ આપનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહિ, પણ તાલીમ પામેલા એક વૈદ હતા. ખરું કે, બાઇબલ જણાવતું નથી કે તેમણે વૈદ તરીકેની તાલીમ ક્યારે ને ક્યાંથી લીધી હતી. જોકે, બાઇબલ એમ જરૂર જણાવે છે કે પાઊલે કોલોસીઓને પત્ર લખ્યો ત્યારે, લુકે પણ તેઓને પ્રેમ પાઠવ્યો હતો. તેથી, બની શકે કે કોલોસી નજીક આવેલા લાઓદીકિયા શહેરની તબીબી શાળામાં લુકે તાલીમ લીધી હોય. સુવાર્તા અને પ્રેરિતોનાં કૃત્યોનાં પુસ્તકોમાં તેમણે અમુક એવા શબ્દો વાપર્યા હતા, જે ખાસ કરીને તબીબી ક્ષેત્રમાં વપરાતા હતા. એટલું જ નહિ, ઈસુએ સાજાપણું આપ્યું હોય, એવા બનાવોને પણ લુક વિગતવાર લખી શક્યા.
૧૩. તંદુરસ્તીને લગતી સલાહ આપતા કે લેતા પહેલાં શું યાદ રાખવું જોઈએ?
૧૩ આજે, ચમત્કાર કરીને સાજાપણું આપવાની શક્તિ આપણામાંથી કોઈનામાં નથી. પરંતુ, ભાઈ-બહેનો આપણને મદદ કરવા ચાહતા હોવાથી, તેઓ આપણને તંદુરસ્તીને લગતી સલાહ આપે છે. ઘણી વાર આપણે પૂછ્યું નથી હોતું તોપણ તેઓ સલાહ આપતા હોય છે. ખરું કે, તેઓની અમુક સલાહ નુકસાનકારક નથી હોતી. જેમ કે, પાઊલનો વિચાર કરો. તેમણે તીમોથીને થોડો દ્રાક્ષદારૂ પીવાની સલાહ આપી હતી. કદાચ દુષિત પાણી પીવાને લીધે, તીમોથીને પેટની તકલીફ હતી.a (૧ તીમોથી ૫:૨૩ વાંચો.) જોકે, સ્વાસ્થ્યને લગતી સલાહ લેવામાં સાવધ રહેવું જોઈએ. કોઈ ભાઈ કે બહેન આપણને અમુક પ્રકારની દવા, જડીબુટ્ટી કે ઘરગથ્થુ ઉપચાર કરવા જણાવી શકે. તેઓ આપણને અમુક પ્રકારની પરેજી પાળવાનો આગ્રહ પણ કરે. તેઓ કદાચ એમ પણ જણાવે કે એનાથી તેમના કુટુંબના કોઈ સભ્યને રાહત મળી હતી. જોકે, એનો અર્થ એવો નથી કે એનાથી આપણને પણ ફાયદો થશે. કોઈ એક પ્રકારની દવા અથવા સારવારનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય તો, જરૂરી નથી કે એ લેવાથી આપણને કોઈ નુકસાન નહિ થાય. ભૂલીએ નહિ કે એ આપણા માટે જોખમી બની શકે છે!—નીતિવચનો ૨૭:૧૨ વાંચો.
સમજી-વિચારીને નિર્ણય લો
૧૪, ૧૫.(ક) કેવા લોકોથી સાવચેત રહેવું જોઈએ? (ખ) નીતિવચનો ૧૪:૧૫માંથી આપણે શું શીખી શકીએ?
૧૪ જીવનનો આનંદ માણવા અને યહોવાની સેવામાં મહેનત કરવા, આપણે બધા તંદુરસ્ત રહેવા ચાહીએ છીએ. પરંતુ, અપૂર્ણ હોવાથી આપણે બીમારીઓથી પીછો છોડાવી શકતા નથી. આજે બીમારી માટે જાત જાતની સારવારો ઉપલબ્ધ છે. કઈ સારવાર લેવી એ નક્કી કરવાનો આપણને પૂરો હક્ક છે. જોકે, અમુક લોકો અને કંપનીઓ દાવો કરે છે કે તેઓને કેટલીક બીમારીઓનો ઇલાજ મળી ગયો છે. પરંતુ, અફસોસ કે એમ કરવા પાછળ તેઓનો ઇરાદો પૈસા બનાવવાનો હોય છે! તેઓ કદાચ એવો પણ દાવો કરે કે ઘણા લોકોને એ સારવારથી ફાયદો થયો છે. એટલે સ્વાભાવિક છે કે જો આપણે બીમાર હોઈએ, તો સાજા થવા અને જીવન લંબાવવા કદાચ કોઈ પણ ઇલાજ અજમાવી બેસીએ. પરંતુ, આપણે યહોવાની આ સલાહ યાદ રાખવી જોઈએ: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.”—નીતિ. ૧૪:૧૫.
૧૫ જો આપણે ‘ડાહ્યા’ કે સમજુ વ્યક્તિ હોઈશું, તો લોકોની બધી જ વાતો માની નહિ લઈએ. ખાસ કરીને એવા લોકોની, જેઓ પાસે તબીબી ક્ષેત્રની યોગ્ય તાલીમ નથી. કોઈ પણ સલાહ સ્વીકારતા પહેલાં આપણે આ સવાલો વિચારવા જોઈએ: “તે કહે છે કે ફલાણાં ફલાણાં વિટામિન, જડીબુટ્ટી કે પરેજીથી લોકોને ફાયદો થયો છે, પરંતુ, શું ખરેખર એમ છે? અને જો એમ હોય તોપણ, મને ફાયદો થશે એની શી ખાતરી? શું એ વિશે મારે વધુ સંશોધન કરવાની અને એક સારા ડૉક્ટર પાસે જવાની જરૂર છે?”—પુન. ૧૯:૧૫.
૧૬. સારવારને લગતા નિર્ણયો લેતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૧૬ કોઈ પણ ટેસ્ટ કે સારવાર લેવાનો નિર્ણય લેતી વખતે આપણે “ઠાવકાઈથી” એટલે કે, સમજદારીથી કામ લેવું જોઈએ. (તીત. ૨:૧૨) એમ કરવું ખાસ ત્યારે બહુ મહત્ત્વનું હોય છે, જ્યારે ટેસ્ટ કે સારવારની પ્રક્રિયા અજુગતી લાગે. શું એના નિષ્ણાત આપણને સમજાવી શકે કે જે-તે ટેસ્ટ અથવા સારવાર કઈ રીતે કામ કરે છે? શું તેમણે આપેલી સમજણ અજુગતી લાગે છે? શું ઘણા ડૉક્ટરો સહમત છે કે એ ટેસ્ટ અથવા સારવારથી લોકો સાજા થઈ શકે છે? (નીતિ. ૨૨:૨૯) બની શકે કે કોઈ તમને એક નવા ઇલાજ વિશે જણાવે. તે કદાચ કહે: “એ ઇલાજ તો ક્યાંક દૂર દેશમાં શોધાયો છે, એટલે હજી બીજા ડૉક્ટરોને એની ખબર નથી.” પરંતુ, એવી સારવાર ખરેખર શોધાઈ હોવાના કોઈ ઠોસ પુરાવા છે? એમ પણ બને કે એ સારવારમાં કોઈ છૂપી સામગ્રી કે અજાણી શક્તિનો ઉપયોગ થતો હોય. એવી સારવાર લેવી ખૂબ જ જોખમી છે! યાદ રાખો કે યહોવાએ આપણને કોઈ પણ પ્રકારનાં જાદુમંતર કે મેલીવિદ્યાથી દૂર રહેવા ચેતવ્યા છે.—પુન. ૧૮:૧૦-૧૨; યશા. ૧:૧૩.
“તમને કુશળતા થાઓ”
૧૭. આપણે બધા શાની ઝંખના રાખીએ છીએ?
૧૭ પ્રથમ સદીના નિયામક જૂથે મંડળોને પત્ર દ્વારા એવી બાબતો વિશે જણાવ્યું, જેનાથી તેઓએ દૂર રહેવાનું હતું. એ પત્રને અંતે આમ જણાવ્યું હતું: “જો તમે એ વાતોથી અળગા રહેશો, તો તમારું ભલું થશે. તમને કુશળતા થાઓ.” (પ્રે.કૃ. ૧૫:૨૯) પત્રને અંતે લખેલા શબ્દો “તમને કુશળતા થાઓ,” એ સમયે “આવજો” કહેવાની એક રીત હતી. એનાથી જોઈ શકાય કે, સારા સ્વાસ્થ્યની ઝંખના રાખવી સ્વાભાવિક છે.
૧૮, ૧૯. નવી દુનિયામાં આપણે કયા આશીર્વાદની રાહ જોઈએ છીએ?
૧૮ અપૂર્ણતાને લીધે આપણે બીમારીઓ ટાળી શકતા નથી. આપણે સાજા થવા યહોવા પાસે ચમત્કારની આશા પણ રાખતા નથી. જોકે, આપણે એ સમયની રાહ જોઈ શકીએ, જ્યારે યહોવા દરેકને બીમારીઓમાંથી મુક્ત કરશે. પ્રકટીકરણ ૨૨:૧, ૨માં પ્રેરિત યોહાને “જીવનનાં પાણી” અને ‘જીવનના ઝાડ’ વિશે જણાવ્યું, જેના દ્વારા સાજાપણું મળશે. એ કોઈ જડીબુટ્ટી નથી, જેના દ્વારા આપણે હમણાં અથવા નવી દુનિયામાં સાજા થઈ જઈશું. પણ એ તો યહોવા અને ઈસુ દ્વારા મળનારા આશીર્વાદોને દર્શાવે છે, જેના દ્વારા આપણે હંમેશાં જીવી શકીશું.—યશા. ૩૫:૫, ૬.
૧૯ એ સોનેરી યુગની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. ત્યાં સુધી આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા આપણામાંના દરેકને ખૂબ ચાહે છે. તે આપણી તકલીફો જાણે છે અને આપણું દર્દ સમજે છે. રાજા દાઊદની જેમ આપણને પૂરો ભરોસો છે કે બીમારીમાં યહોવા આપણને ત્યજશે નહિ. યહોવા હંમેશાં પોતાના વફાદાર લોકોની સંભાળ રાખશે.—ગીત. ૪૧:૧૨.
a ધી ઑરિજિન્સ ઍન્ડ એન્શન્ટ હિસ્ટ્રી ઓફ વાઇન નામનું પુસ્તક આમ જણાવે છે: વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે દ્રાક્ષદારૂથી ટાઇફોઇડનાં અને બીજાં ખતરનાક જંતુ જલદી નાશ પામે છે.