યુદ્ધ વિનાનું જગત નજીક છે!
‘અમે ફક્ત ૧૨ વર્ષના જ છીએ. અમે તો રાજકારણ કે યુદ્ધની બાબતમાં કંઈ કરી શકતા નથી. પરંતુ, અમારે જીવવું છે! અમે શાંતિ માટે વલખાં મારીએ છીએ. શું અમારા જીવતા જીવ એમ બનશે?’—પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ
‘અમારે સ્કૂલે જવું છે. અપહરણના ભય વગર અમારે અમારા મિત્રો અને કુટુંબને મળવું છે. મને આશા છે કે સરકાર અમારું જરૂર સાંભળશે. અમને એક સારું જીવન જોઈએ છે. અમને શાંતિ જોઈએ છે.’—ચૌદ વર્ષનો આલ્હાજી
આ શબ્દો કેટલા હૃદય સ્પર્શી છે! એ બતાવે છે કે વર્ષોથી અંદરોઅંદર લડાઈ થતી હોવાના કારણે યુવાનોએ જે સહન કરવું પડે છે એમાંથી બહાર આવવા ફાંફાં મારે છે. તેઓ સર્વ સારું જીવન જીવવા માગે છે. જોકે આવા સ્વપ્ન જોવા કંઈ ખોટું નથી, પરંતુ હકીકતમાં એવી પરિસ્થિતિ લાવવી કંઈ રમતની વાત નથી. શું આપણે કદી પણ યુદ્ધ વિનાનું જગત જોઈ શકીશું?
વર્તમાન સમયમાં, અંદરોઅંદર થતી લડાઈઓને બંધ કરવાના આંતરરાષ્ટ્રિય સ્તરે પ્રયત્નો કરવામાં આવે છે. એ માટે બંને વિરુદ્ધ પાર્ટીઓ પાસેથી શાંતિ કરાર પર ધાક-ધમકીથી સહી કરાવવામાં આવે છે. આ કરાર પ્રમાણે થાય માટે કેટલાક દેશો શાંતિ જાળવનાર લશ્કર મોકલે છે. દૂરના દેશોમાં શાંતિ જાળવવામાં આવે છે કે નહિ એ જોવા માટે ફક્ત થોડા જ રાષ્ટ્રો પાસે પૈસા કે દાનત છે. એ દેશોમાં ધિક્કાર અને અવિશ્વાસ ઊંડે સુધી ઘર કરી ગયા હોય છે. આથી કોઈ પણ પ્રકારનો કરાર કરવો બહુ મુશ્કેલ બની જાય છે. હંગામી ધોરણે લડાઈ બંધ કરવાના કરાર પર સહિ કર્યાના થોડા જ અઠવાડિયા કે મહિનાઓમાં તો લડાઈ ભડકી ઉઠે છે. સ્ટોકહોલ્મ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટે બતાવ્યું તેમ, “લશ્કર લડાઈ કરવા માંગતું હોય અને તેઓ સતત લડી શકે એવી સ્થિતિ હોય ત્યારે, શાંતિ લાવવી બહુ જ મુશ્કેલ છે.”
એ જ સમયે, દુનિયાની હાલત જોઈને ખ્રિસ્તીઓને બાઇબલ ભવિષ્યવાણીની યાદ આવે છે. બાઇબલનું પ્રકટીકરણ પુસ્તક મુશ્કેલ સમય વિષે બતાવતા કહે છે, ઘોડે સવાર “પૃથ્વી પરથી શાંતિ લઈ” લેતો હતો. (પ્રકટીકરણ ૬:૪) આ અંતના સમયની નિશાનીઓનો એક ભાગ છે. એ બતાવે છે કે બાઇબલ જેને ‘છેલ્લા સમય’ કહે છે, એ દિવસોમાં આપણે જીવી રહ્યાં છીએ.a (૨ તીમોથી ૩:૧) તેમ છતાં, પરમેશ્વરનો શબ્દ બાઇબલ આપણને ખાતરી કરાવે છે કે આ છેલ્લા દિવસો જ શાંતિ તરફ લઈ જશે.
ગીતશાસ્ત્ર ૪૬:૯માં બાઇબલ સમજાવે છે કે ખરી શાંતિ મેળવવા માટે યુદ્ધોનો અંત લાવવો બહુ જ જરૂરી છે. આ શાંતિ ફક્ત એકાદ દેશમાં જ નહિ, પરંતુ આખી પૃથ્વી પર આવવી જોઈએ. બાઇબલ સમયમાં ધનુષ્ય, ભાલા અને રથોનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવતા હતો. ગીતશાસ્ત્ર બતાવે છે કે એ સર્વનો નાશ કરવામાં આવ્યો. આજકાલ જે હથિયારો જોવા મળે છે એનો પણ એવી જ રીતે નાશ થશે, ત્યાર પછી જ માણસજાત હંમેશાં શાંતિમાં રહી શકશે.
જો કે બંદૂક કે રાઇફલ કરતાં ધિક્કાર અને લોભ બળતામાં ઘી રેડે છે. લોભ, એ યુદ્ધનું મુખ્ય કારણ છે અને ધિક્કારના લીધે જ હિંસા ફાટી નીકળે છે. આવા ખતરનાક વલણને જડમૂળથી કાઢી નાખવા માટે લોકોએ પોતાના વિચારોમાં ફેરફાર કરવાની જરૂર છે. તેઓ શાંતિથી રહેવાનું શીખે, એ બહુ જરૂરી છે. આમ, પ્રબોધક યશાયાહે લખ્યું કે લોકો ‘ફરીથી યુદ્ધકાળા ન શીખે’ તો જ યુદ્ધ બંધ થશે.—યશાયાહ ૨:૪.
તેમ છતાં, વર્તમાન જગત લોકોને શાંતિમાં રહેવાને બદલે, યુદ્ધ વિષે શીખવે છે. કેટલી દુઃખની વાત છે કે બાળકોને પણ બીજાઓને મારી નાખવાની તાલીમ આપવામાં આવે છે.
તેઓ બીજાઓને મારી નાંખવાનું શીખ્યા
ચૌદ વર્ષની ઉંમરે, આલ્હાજીને લશ્કરમાંથી કાઢી મૂકવામાં આવ્યો. તે ફક્ત દશ વર્ષનો હતો ત્યારે, એક બંડખોર ગ્રૂપ તેને પકડી ગયું અને એકે-૪૭ રાઇફલ ચલાવીને લડવાની તાલીમ આપી. તેને લશ્કરમાં જોડાવવા બળજબરી કરવામાં આવી પછી, તે ખોરાક મેળવવા પણ લૂંટફાટ કરતો, તેમ જ લોકોના ઘર બાળી નાખતો. તેણે ઘણા બધા લોકોને મારી પણ નાખ્યા. આજે, આલ્હાજીને યુદ્ધની તાલીમ ભૂલીને એક સામાન્ય નાગરિક તરીકે રહેવું બહુ જ અઘરું લાગે છે. અબ્રાહામ એક બીજો બાળ સૈનિક હતો જેને પણ બીજાઓને મારી નાખવાની તાલીમ આપવામાં આવી. તેની પણ હથિયાર વિના કફોડી હાલત થઈ જાય છે. તેણે કહ્યું: “જો તેઓ મને બંદૂક મૂકી દઈને જતો રહેવાનું કહે તો, ખબર નહિ હું કઈ રીતે મારું ગાડું ગબડાવી શકું.”
આખી પૃથ્વી પર ચાલી રહેલી આંતરિક લડાઈઓમાં ત્રણ લાખ કરતાં વધારે સૈનિકો લડી-મરી રહ્યા છે. આ સૈનિકોમાં છોકરા-છોકરી બંનેનો સમાવેશ થાય છે. એક બંડખોર નેતાએ કહ્યું: “છોકરાઓ હુકમ પાળે છે; તેઓ પોતાના કુટુંબ કે પત્નીને પાછા મળવા વિષે ચિંતિત હોતા નથી; તેઓ બહુ નીડર હોય છે.” ભલે બાબતો ગમે તે હોય, પરંતુ બાળકો એક સારા જીવનની ઝંખના સેવે છે.
વિકસિત દેશોમાં લોકો બાળ સૈનિકની કલ્પના પણ કરી શકતા નથી. તેમ છતાં, આ દેશોમાં ઘણાં બાળકો પોતાના ઘરમાં જ યુદ્ધની તાલીમ લેતા હોય છે. કઈ રીતે?
દક્ષિણ-પૂર્વ સ્પેનમાં રહેતા હોસેનો વિચાર કરો. તે ૧૬ વર્ષનો હતો ત્યારે તે કરાટે શીખતો હતો. તેના પપ્પાએ નાતાલમાં જાપાનની તલવાર ભેટ આપી હતી, એ તેને બહુ ગમતી હતી. વળી, તેને હિંસક વિડીયો રમત પણ બહુ પસંદ હતી. એપ્રિલ ૧, ૨૦૦૦ના રોજ તેણે વિડીયો રમત જેવું જ કામ કર્યું. પપ્પાએ આપેલી તલવારથી જ તેણે તેના પપ્પા, મમ્મી, નાની બહેનને મારી નાખ્યા. તેણે પોલિસને કહ્યું, “હું આ દુનિયામાં એકલો જ રહેવા માંગતો હતો. હું ઇચ્છતો ન હતો કે મારા માબાપ મારી પાછળ પડે.”
હિંસક ફિલ્મો અને ટીવી કાર્યક્રમોની અસર વિષે લેખક અને લશ્કર અધિકારી દેવ ગ્રોસમેને કહ્યું: “આપણે હિંસક મનોરંજન જોઈને એટલા બધા બૂઠ્ઠા થઈ ગયા છીએ કે આપણને કોઈ પણ પ્રકારનું દુઃખ થતુ નથી. હિંસા જોઈને આપણે દુઃખી થવાના બદલે આનંદ માણીએ છીએ. આપણે ખૂન કરવાનું શીખી રહ્યા છીએ. એટલું જ નહિ પરંતુ આપણે એમાં ધીમે ધીમે આનંદ માણતા પણ થઈ ગયા છીએ.”
આલ્હાજી અને હોસે લોકોને મારી નાખવાનું શીખ્યા. બેમાંથી એક પણ ખૂની બનવા માંગતું ન હતું. પરંતુ, એક અથવા બીજા પ્રકારની તાલીમથી તેઓના વિચારો બદલાઈ ગયા. ભલે પછી બાળકો હોય કે મોટી ઉંમરના હોય પરંતુ, આવી તાલીમ હિંસા અને યુદ્ધના બી વાવે છે.
યુદ્ધ નહિ, પરંતુ શાંતિ વિષે શીખવું
જો લોકો એકબીજાને મારી નાખવાનું જ શીખતા હોય તો, હંમેશ માટેની શાંતિ આવવી અશક્ય છે. લગભગ ૨,૭૦૦ વર્ષ પહેલા, પ્રબોધક યશાયાહે લખ્યું: ‘જો તેં પરમેશ્વરની આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારૂં! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી થાત.’ (યશાયાહ ૪૮:૧૭, ૧૮) લોકો પરમેશ્વરના શબ્દ, બાઇબલનું જ્ઞાન લઈને તેમના નિયમ પ્રમાણે ચાલે છે ત્યારે, તેઓ હિંસા અને યુદ્ધને છોડી દે છે. હમણાં પણ, માબાપ ધ્યાન રાખી શકે કે તેમના બાળકો હિંસક રમતો ન રમે. વળી, આપણે ધિક્કાર અને લોભથી દૂર રહેવું જોઈએ. યહોવાહના સાક્ષીઓને જોવા મળ્યું છે કે બાઇબલમાં લોકોનું વલણ બદલવાની શક્તિ છે.—હેબ્રી ૪:૧૨.
ઓરટેન્સિયાના ઉદાહરણનો વિચાર કરો. તે ૨૩ વર્ષનો હતો ત્યારે, તેને જબરજસ્તીથી લશ્કરમાં જોડાવામાં આવ્યો. તે કહે છે, લશ્કરની તાલીમ “બીજા લોકોને મારી નાખવાનો જોશ મનમાં ઠસાવે છે. તેમ જ એ શીખવે છે કે ખૂન કરવામાં અચકાવું ન જોઈએ.” તે આફ્રિકામાં લાંબી ચાલેલી આંતરિક લડાઈમાં લડ્યો હતો. તે કહે છે, “આ લડાઈની મારા પર બહુ ઊંડી અસર થઈ. મેં જે કર્યું હતું એ બધુ આજે પણ મને યાદ છે. મારી પાસે જે બળજબરીથી કરાવવામાં આવ્યું હતું, એ વિષે હજુ પણ મને બહુ પસ્તાવો થાય છે.”
ઓરટેન્સિયા સાથે તેના સાથી સૈનિકોએ બાઇબલ વિષે વાત કરી. એનાથી તે બહુ પ્રભાવિત થયો. ગીતશાસ્ત્ર ૪૬:૯માં પરમેશ્વરે વચન આપ્યું છે કે તે સર્વ પ્રકારની લડાઈઓનો અંત લાવશે. ખાસ કરીને આ વાંચીને તેને બહુ ખુશી થાય છે. જેમ જેમ તે વધારે બાઇબલમાંથી શીખતો ગયો તેમ તેમ તે ઓછી લડાઈ લડતો. બહુ જલદી, તે અને તેના બે મિત્રોને લશ્કરમાંથી કાઢી મૂકવામાં આવ્યા. ત્યાર પછી તેઓએ યહોવાહ પરમેશ્વરને સમર્પણ કર્યું. ઓરટેન્સિયા કહે છે, “બાઇબલના સત્યએ મને મારા દુશ્મનને પ્રેમ કરવાનું શીખવ્યું. મને ભાન થયું કે યુદ્ધમાં લડીને હકીકતમાં હું પરમેશ્વર યહોવાહ વિરુદ્ધ પાપ કરી રહ્યો હતો. કેમ કે તેમણે કહ્યું છે કે આપણે આપણા પાડોશીને પ્રેમ કરવો જોઈએ. એ પ્રેમ બતાવવા, મેં મારા વિચારો બદલ્યા. હવે હું લોકોને મારા દુશ્મનો તરીકે જોતો નથી.”
આવાં ઉદાહરણો બતાવે છે કે બાઇબલ શિક્ષણ ખરેખર શાંતિ લાવે છે. એમાં કંઈ આશ્ચર્ય નથી. કેમ કે પ્રબોધક યશાયાહે બતાવ્યું કે પરમેશ્વરના શિક્ષણથી શાંતિ આવશે. તેમણે લખ્યું: “તારાં સર્વ સંતાન [‘યહોવાહથી શીખવાયેલા થશે,’ NW]; અને તારાં છોકરાંને ઘણી શાંતિ મળશે.” (યશાયાહ ૫૪:૧૩) યશાયાહે એવા સમય વિષે બતાવ્યું કે જ્યારે સર્વ રાષ્ટ્રના લોકો પ્રવાહની પેઠે યહોવાહની ઉપાસના કરશે. તેમ જ તેમના માર્ગો શીખવા આવશે. એનું શું પરિણામ આવશે? “તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.”—યશાયાહ ૨:૨-૪.
એ ભવિષ્યવાણીની સુમેળમાં, યહોવાહના સાક્ષીઓ આખા જગતમાં યહોવાહનું શિક્ષણ આપી રહ્યા છીએ. આ શિક્ષણથી લાખો લોકોને યુદ્ધનું મૂળ કારણ, ધિક્કારને દૂર કરવા મદદ મળી છે.
વિશ્વશાંતિની ખાતરી
શિક્ષણ આપવા ઉપરાંત, પરમેશ્વરે પોતાનું “રાજ્ય” એટલે કે સરકાર સ્થાપી છે કે જે આખા જગતમાં શાંતિ લાવશે. બાઇબલમાં, પરમેશ્વરના પસંદ કરેલા શાસક, ઈસુ ખ્રિસ્તને ‘શાંતિના સરદાર’ કહેવામાં આવ્યા છે. બીજી વધારે ખાતરી એ છે કે, “તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ.”—યશાયાહ ૯:૬, ૭.
આપણને શું ખાતરી છે કે ખ્રિસ્તની સરકાર સર્વ પ્રકારના યુદ્ધોને બંધ કરી દેશે? પ્રબોધક યશાયાહ કહે છે: “સૈન્યોના દેવ યહોવાહની ઉત્કંઠાથી આ થશે.” (યશાયાહ ૯:૭) પરમેશ્વરની ઇચ્છા છે અને તેમની પાસે હંમેશ માટે શાંતિ લાવવાની શક્તિ પણ છે. ઈસુને આ વચનમાં પૂરેપૂરો ભરોસો હતો. એટલા માટે તેમણે તેમના શિષ્યોને પરમેશ્વરનું રાજ્ય આવવાની અને પૃથ્વી પર તેમની ઇચ્છા પ્રમાણે થાય એવી પ્રાર્થના કરવાનું શીખવ્યું. (માત્થી ૬:૯, ૧૦) આ પ્રાર્થનાનો જવાબ આપવામાં આવશે ત્યારે, પૃથ્વી પર ફરી કદી યુદ્ધો થશે નહિ.
[ફુટનોટ્સ]
a આપણે છેલ્લા સમયમાં જીવી રહ્યાં છે એના પુરાવાઓ તપાસવા, યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરેલા જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનું પ્રકરણ ૧૧ જુઓ.
[પાન ૭ પર ચિત્ર]
બાઇબલ શિક્ષણથી સાચી શાંતિ મળે છે