પાઠ ૦૯
પ્રાર્થના કરો, ઈશ્વરની છાયામાં આશરો લો
જીવનમાં ઘણી વાર એવા સંજોગો આવે છે, જ્યારે આપણને થાય, ‘મારે શું કરવું એ કોઈ કહે તો કેવું સારું!’ કોઈ વાર મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો ન સૂઝે, તો કોઈ વાર સાવ તૂટી જઈએ અને ત્યારે હિંમત અને દિલાસાની જરૂર પડે. એ બધા સંજોગોમાં પ્રાર્થના કરવાથી તમને મદદ મળશે, યહોવાની છાયામાં આશરો મળશે. પણ તમને કદાચ થાય, ‘પ્રાર્થના કઈ રીતે કરવી જોઈએ? શું ઈશ્વર બધાની પ્રાર્થના સાંભળે છે? શું તે મારી પ્રાર્થના સાંભળશે? તે મારી પ્રાર્થના સાંભળે માટે મારે શું કરવું જોઈએ?’ ચાલો જોઈએ.
૧. આપણે કોને પ્રાર્થના કરવી જોઈએ? પ્રાર્થનામાં શું કહી શકીએ?
ઈસુએ હંમેશાં યહોવાને પ્રાર્થના કરી અને આપણને પણ એમ કરવાનું શીખવ્યું. તેમણે કહ્યું, “તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ‘હે સ્વર્ગમાંના અમારા પિતા . . . ’” (માથ્થી ૬:૯) પ્રાર્થના કરવાથી યહોવા સાથેની દોસ્તી વધારે ગાઢ થાય છે.
આપણે કોઈ પણ વાત માટે પ્રાર્થના કરી શકીએ. પણ એ ઈશ્વરની મરજી પ્રમાણે હોવી જોઈએ. બાઇબલમાં લખ્યું છે, “ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો તે આપણું સાંભળે છે.” (૧ યોહાન ૫:૧૪) ઈસુએ અમુક વાતો જણાવી હતી, જેના માટે આપણે પ્રાર્થના કરી શકીએ. (માથ્થી ૬:૯-૧૩ વાંચો.) આપણે પ્રાર્થનામાં યહોવાને પોતાની ચિંતાઓ જણાવવી જોઈએ. તેમણે આપણા માટે જે કંઈ કર્યું છે, એનો આભાર માનવો જોઈએ. બીજાઓ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ.
૨. આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ?
બાઇબલમાં લખ્યું છે, ‘ઈશ્વર આગળ તમારું દિલ ઠાલવો.’ (ગીતશાસ્ત્ર ૬૨:૮) એટલે આપણે દિલ ખોલીને પ્રાર્થના કરવી જોઈએ. આપણે મોટેથી કે મનમાં પ્રાર્થના કરી શકીએ. કોઈ પણ સમયે અને જગ્યાએ પ્રાર્થના કરી શકીએ. ઊભા રહીને કે બેસીને પણ કરી શકીએ. મહત્ત્વનું એ છે કે ઈશ્વર સાથે વાત કરતી વખતે આપણે તેમને માન આપીએ.
૩. યહોવા આપણી પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે?
યહોવા અલગ અલગ રીતે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. તેમણે આપણને બાઇબલ આપ્યું છે અને એના દ્વારા તે આપણા સવાલોના જવાબ આપે છે. ગીતશાસ્ત્ર ૧૯:૭માં લખ્યું છે કે બાઇબલ વાંચવાથી ‘નાદાન માણસ બુદ્ધિમાન બને છે.’ (યાકૂબ ૧:૫ વાંચો.) એટલું જ નહિ, મુશ્કેલ સંજોગોમાં હોઈએ ત્યારે તે આપણને મનની શાંતિ આપે છે. સહાયની ખાસ જરૂર હોય ત્યારે તે પોતાના સેવકો દ્વારા આપણી મદદ કરે છે.
વધારે જાણો
ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ? પ્રાર્થના કરવાથી કેવા ફાયદા થાય છે? ચાલો જોઈએ.
૪. ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?
આપણે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. વીડિયો જુઓ.
યહોવા ચાહે છે કે આપણે તેમને પ્રાર્થના કરીએ. ગીતશાસ્ત્ર ૬૫:૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
શું “પ્રાર્થનાના સાંભળનાર” ચાહે છે કે તમે તેમને પ્રાર્થના કરો? તમને કેમ એવું લાગે છે?
ઈશ્વરને પસંદ પડે એવાં કામ કરીશું તો જ તે આપણી પ્રાર્થના સાંભળશે. મીખાહ ૩:૪ અને ૧ પિતર ૩:૧૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?
જો બે દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય અને બંને દેશ જીત મેળવવા પ્રાર્થના કરે, તો શું ઈશ્વર એવી પ્રાર્થના સાંભળશે?
૫. યહોવા સાથે દિલ ખોલીને વાત કરીએ
અમુક લોકો પ્રાર્થનામાં એકની એક વાતનું રટણ કરે છે, કેમ કે તેઓને એવું જ શીખવવામાં આવ્યું છે. પણ શું એવી પ્રાર્થનાઓ ઈશ્વરને ગમશે? માથ્થી ૬:૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
કલમમાં લખ્યું છે, પ્રાર્થનામાં “એકની એક વાતનું રટણ ન કરો.” તમે કઈ રીતે એ વાતનું ધ્યાન રાખી શકો?
તમે આમ કરી શકો: રોજ થોડો સમય કાઢીને વિચાર કરો કે આજે યહોવાએ તમારા માટે શું કર્યું છે. પછી એના માટે યહોવાનો આભાર માનો. એવું એક અઠવાડિયા માટે કરો. આમ તમે એકની એક વાતનું રટણ કર્યા વગર અઠવાડિયામાં સાત અલગ અલગ બાબત માટે યહોવાને પ્રાર્થના કરી શકશો.
૬. પ્રાર્થના—ઈશ્વર તરફથી કીમતી ભેટ
સંજોગો સારા હોય કે ખરાબ, પ્રાર્થના કરવાથી હિંમત મળે છે. કઈ રીતે? વીડિયો જુઓ.
બાઇબલમાં લખ્યું છે કે, આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે યહોવા મનની શાંતિ આપે છે. ફિલિપીઓ ૪:૬, ૭ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
પ્રાર્થના કરવાથી કદાચ દરેક વખતે મુશ્કેલીઓ દૂર ન થાય, તોપણ એનાથી કેવી મદદ મળે છે?
તમે કઈ વાતો માટે પ્રાર્થના કરવા માંગો છો?
જાણવા જેવું
“આમેન” શબ્દનો અર્થ થાય, “એમ થાઓ” અથવા “ચોક્કસ.” બાઇબલ સમયના લોકોથી લઈને આજ સુધી લોકો પ્રાર્થનાને અંતે “આમેન” કહે છે.—૧ કાળવૃત્તાંત ૧૬:૩૬.
૭. પ્રાર્થના કરવા સમય કાઢો
ઘણી વાર સમયની મારામારીને લીધે આપણે પ્રાર્થના કરવાનું ભૂલી જઈએ છીએ. ધ્યાન આપો કે ઈસુ માટે પ્રાર્થના કેટલી જરૂરી હતી. માથ્થી ૧૪:૨૩ અને માર્ક ૧:૩૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
પ્રાર્થના કરવા ઈસુએ કઈ રીતે સમય કાઢ્યો?
પ્રાર્થના કરવા તમે ક્યારે સમય કાઢી શકો?
અમુક લોકો કહે છે: “ભગવાન મારી પ્રાર્થના કદી નથી સાંભળતા. તો પ્રાર્થના કરવાનો શું ફાયદો?”
તમે શું કહેશો?
આપણે શીખી ગયા
દિલ ખોલીને પ્રાર્થના કરવાથી આપણને યહોવાની છાયામાં આશરો મળે છે, મનની શાંતિ મળે છે અને યહોવાની આજ્ઞા પાળવા હિંમત મળે છે.
તમે શું કહેશો?
આપણે કોને પ્રાર્થના કરવી જોઈએ?
આપણે કઈ રીતે પ્રાર્થના કરવી જોઈએ?
પ્રાર્થના કરવાથી કેવા ફાયદા થાય છે?
વધારે માહિતી
પ્રાર્થનાને લગતા અમુક સવાલોના જવાબ જાણો.
“પ્રાર્થના વિષે વિચારવા જેવી સાત બાબતો” (ચોકીબુરજ, નવેમ્બર ૧, ૨૦૧૦)
આપણે કેમ પ્રાર્થના કરવી જોઈએ અને સારી રીતે પ્રાર્થના કરવા શું કરવું જોઈએ? એ વિશે વાંચો.
આપણે કોને પ્રાર્થના કરવી જોઈએ? એ વિશે ઈશ્વરના વિચારો જાણવા આ લેખ વાંચો.
“શું મારે સાધુ-સંતોને પ્રાર્થના કરવી જોઈએ?” (jw.org/gu પર આપેલો લેખ)
આ ગીતમાં બતાવ્યું છે કે આપણે કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ પ્રાર્થના કરી શકીએ.