યહોવાહનો શબ્દ જીવંત છે
ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૧
વિશ્વના સર્જનહાર, યહોવાહનો જયજયકાર કરતા ભજનોનું એક પુસ્તક બાઇબલમાં છે. એનું નામ યોગ્ય રીતે જ ગીતશાસ્ત્ર છે. બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક સૌથી મોટું છે. એમાં યહોવાહના અનમોલ ગુણો, તેમના મહાન કામો અને અનેક ભવિષ્યવાણી વિષે સુંદર ગીતો અને ભજનો લખાયાં છે. એ ગીતોમાંથી ઘણા લેખકોના દિલની લાગણીઓ છલકાય છે, કેમ કે તેઓએ દુઃખ-તકલીફો સહેતા જઈને એ ગીતો લખી લીધાં. ગીતશાસ્ત્રનાં ભજનો લગભગ હજારેક વર્ષના સમયગાળામાં લખવામાં આવ્યાં. એ મુસા પ્રબોધકના જમાનાથી યહુદીઓ બાબેલોનમાંથી આઝાદ થઈ ગયા, ત્યાં સુધીનો સમયગાળો હતો. એના લેખકો મુસા, દાઊદ રાજા અને બીજા અનેક ઈશ્વરભક્તો હતા. પણ એ ભજનો ભેગાં કરીને ગીતશાસ્ત્રના પુસ્તકનું રૂપ આપનાર તો એઝરા યાજક હતા.
બહુ પહેલેથી જ ગીતશાસ્ત્રનાં ભજનોને પાંચ ભાગમાં વહેંચી દેવામાં આવ્યાં છે: (૧) ગીતશાસ્ત્ર ૧-૪૧; (૨) ગીતશાસ્ત્ર ૪૨-૭૨; (૩) ગીતશાસ્ત્ર ૭૩-૮૯; (૪) ગીતશાસ્ત્ર ૯૦-૧૦૬; (૫) ગીતશાસ્ત્ર ૧૦૭-૧૫૦. આ લેખમાં આપણે પહેલો ભાગ જોઈશું. એમાંનાં ફક્ત ત્રણ ગીતો સિવાય બધાં જ દાઊદ રાજાએ લખ્યાં હતાં. એ ત્રણ ગીતો બીજા ભક્તોએ લખ્યા હતા. ગીતશાસ્ત્ર અધ્યાય ૧, ૧૦, અને ૩૩ના લેખકો કોણ હતા, એની કોઈને ખબર નથી.
“યહોવાહ મારો ખડક” છે
ગીતશાસ્ત્રનું પહેલું ભજન એવી વ્યક્તિને સુખી કહે છે, જે યહોવાહના નિયમોમાં આનંદ માણે છે. બીજું ભજન યહોવાહની સરકાર વિષે જણાવે છે.a ગીતશાસ્ત્રના આ ભાગમાં મોટે ભાગે દુશ્મનથી બચાવવા, ઈશ્વરને કરેલી વિનંતી, પ્રાર્થના અને કાલાવાલા છે. જેમ કે, ૩-૫, ૭, ૧૨, ૧૩, અને ૧૭મા ગીતો. ગીતશાસ્ત્ર આઠ બતાવે છે કે યહોવાહ કેટલા મહાન છે. તેમની સામે ઇન્સાન જાણે કે ધૂળની એક રજ જેવો છે.
દાઊદ યહોવાહને પોતાના ભક્તોનું રક્ષણ કરનાર કહે છે. એના વિષે તે ગાઈ ઊઠે છે: “યહોવાહ મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે.” (ગીતશાસ્ત્ર ૧૮:૨) ૧૯મા ગીતમાં યહોવાહનો સર્જનહાર અને નિયમ આપનાર તરીકે જયજયકાર થયો છે. ૨૦મા ગીતમાં પોતાના ભક્તોનો બચાવ કરનાર તરીકે તેમની આરાધના થઈ છે. ૨૧મું ગીત યહોવાહને પોતાના અભિષિક્ત કે પસંદ કરેલા રાજાનો બચાવ કરનાર તરીકે મહિમા આપે છે. ૨૩મું ગીત યહોવાહને મહાન પાળકના રૂપમાં બતાવે છે. જ્યારે કે ૨૪મું ગીત યહોવાહને મહિમાવાન રાજા તરીકે બતાવે છે.
સવાલ-જવાબ:
૨:૧, ૨—વિદેશીઓ કે સરકારો કઈ ‘વ્યર્થ કલ્પના કરે છે?’ માણસ કાયમ પોતાની સત્તા ચલાવવાની “વ્યર્થ કલ્પના” કરતો હોય છે. એ સાવ નકામી છે. તેઓ ચોક્કસ નિષ્ફળ જશે. જે કોઈ ‘યહોવાહ અને તેમના અભિષિક્ત રાજા વિરુદ્ધ’ કાવતરાં રચે, તે કદીયે સફળ થશે નહિ.
૨:૭—‘યહોવાહનો ઠરાવ’ શું છે? યહોવાહે પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તને રાજ્ય આપવાનો ઠરાવ કર્યો, એ આ ઠરાવ છે.—લુક ૨૨:૨૮, ૨૯.
૨:૧૨—કયા અર્થમાં દુનિયાના રાજાઓ ‘પુત્રને ચુંબન કરી શકે’? બાઇબલના જમાનામાં વ્યક્તિ ચુંબન કરીને બીજાને બતાવતી કે તે તેને વફાદાર છે ને તેનો મિત્ર છે. મહેમાનને ચુંબન કરીને આવકાર આપવામાં આવતો. એટલે દુનિયાના રાજાઓને આજ્ઞા કરવામાં આવે છે કે યહોવાહના પુત્ર ઈસુને તમારા રાજા તરીકે સ્વીકારો.
૩: મથાળું—અમુક ગીતો કે અધ્યાયો પર કેમ મથાળું હોય છે? અમુક વખતે મથાળા પરથી એના લેખકનું નામ જાણી શકાય છે. જેમ કે, ગીતશાસ્ત્ર ૩ના મથાળાથી એ પણ જાણવા મળે છે કે એ કયા સંજોગમાં લખાયું હતું. એનાથી એ પણ ખબર પડતી કે ક્યારે એ (ગીતશાસ્ત્ર ૪ અને ૫) ગાવામાં આવતું અને એની સાથે કયાં વાજિંત્રો વગાડવામાં આવતાં. (ગીતશાસ્ત્ર ૬).
૩:૨—“સેલાહ” એટલે શું? એવું લાગે છે કે ગીત-ભજન ગાતી વખતે, અથવા સંગીત સાથે ગાતી વખતે “સેલાહ” લખ્યું હોય ત્યાં અટકવાનું હતું. એ રીતે અટકવાથી ગીતના વિચારો કે એની લાગણીઓ પર મનન થઈ શકતું. એ વિચારો કે લાગણીઓની જાણે કે દિલો-દિમાગ પર છાપ પડી જતી. પણ મિટિંગમાં ગીતશાસ્ત્રના અધ્યાય કે કલમો વાંચતી વખતે એ શબ્દ ‘સેલાહ’ વાંચવાની જરૂર નથી.
૧૧:૩—કયા પાયાનો નાશ કરવામાં આવ્યો છે? માનવ સમાજનો પાયો કાયદા-કાનૂન, નિયમો અને ઇન્સાફ છે. એમાં ગોટાળા થાય ત્યારે, સમાજ પડી ભાંગે છે, અન્યાય રાજ કરવા માંડે છે. એવું થાય ત્યારે “ન્યાયી” લોકોએ યહોવાહમાં પૂરો ભરોસો રાખવો જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૧:૪-૭.
૨૧:૩—‘ચોખ્ખા સોનાના મુગટનું’ શું મહત્ત્વ છે? એ ચોક્કસ નથી કે આ દાઊદના મુગટની વાત થાય છે કે પછી લડાઈમાં મેળવેલી અનેક જીતને કવિ કાવ્યની ભાષામાં મુગટ સાથે સરખાવે છે. એ ચોક્કસ છે કે કવિની ભાષામાં આ કલમ એ રાજ-મુગટની વાત કરે છે, જે યહોવાહે ઈસુને ૧૯૧૪માં આપ્યો. એ સોનાનો મુગટ છે, જે બતાવે છે કે તેમનું રાજ સૌથી સારું હશે.
૨૨:૧, ૨—દાઊદને કેમ એવું લાગ્યું હોઈ શકે કે યહોવાહે તેમને તજી દીધા છે? દુશ્મનો તરફથી દાઊદ પર ખૂબ જ દબાણો હતા. તેમનું ‘હૃદય જાણે મીણની જેમ તેમનાં આંતરડાંમાં પીગળી ગયું હતું.’ (ગીતશાસ્ત્ર ૨૨:૧૪) એટલે એવું લાગ્યું હશે કે યહોવાહે તેમને તજી દીધા છે. ઈસુ થાંભલા પર છેલ્લા શ્વાસ લેતા હતા ત્યારે તેમને પણ એવું જ લાગ્યું. (માત્થી ૨૭:૪૬) દાઊદના શબ્દો બતાવે છે કે આખરે તો તે પણ ઇન્સાન જ હતા. ગીતશાસ્ત્ર ૨૨:૧૬-૨૧ દાઊદે કરેલી એક પ્રાર્થના છે. એ બતાવે છે કે યહોવાહ પરથી દાઊદની શ્રદ્ધા ઊઠી ગઈ ન હતી.
આપણે શું શીખી શકીએ?
૧:૧. જેઓને યહોવાહની ભક્તિ પસંદ નથી, તેઓની સંગત ન કરીએ.—૧ કોરીંથી ૧૫:૩૩.
૧:૨. બાઇબલ યહોવાહની વાણી અને શિક્ષણ છે. એ રોજ વાંચીને એનું મનન કરીએ.—માત્થી ૪:૪.
૪:૪. ગુસ્સો આવે કે ક્રોધ ચડે ત્યારે જીભ પર લગામ રાખીએ તો સારું. જેથી પાછળથી પસ્તાવું ન પડે.—એફેસી ૪:૨૬.
૪:૫. યહોવાહને પસંદ પડે એ રીતે આપણે સાચા દિલથી તેમની ભક્તિ કરીશું તો, તે એને “ન્યાયીપણાના યજ્ઞો” તરીકે સ્વીકારશે.
૬:૫. જીવનમાં યહોવાહની સેવા કરવા જેવું બીજું કંઈ જ નથી.—ગીતશાસ્ત્ર ૧૧૫:૧૭.
૯:૧૨. જો કોઈનું ખૂન કરવામાં આવ્યું હોય, તો યહોવાહ જુએ છે. તે રક્તનો બદલો લેશે. ‘બદલો માગનાર ગરીબોને’ યહોવાહ ભૂલશે નહિ.
૧૫:૨, ૩; ૨૪:૩-૫. આપણે કાયમ સાચું બોલીએ. જૂઠા સમ ન ખાઈએ. કોઈની નિંદા ન કરીએ.
૧૫:૪. બાઇબલનાં શિક્ષણની વિરુદ્ધ ન હોય ત્યાં સુધી, આપેલું વચન પાળવા બનતું બધું કરવું જોઈએ, ભલેને એ બહુ અઘરું હોય.
૧૫:૫. આપણે યહોવાહના ભક્તો હોવાથી ખોટી રીતે પૈસા ન ઉડાવીએ.
૧૭:૧૪, ૧૫. ‘જગતના માણસો’ શામાં મશગૂલ છે? પૈસા બનાવવામાં, છોકરાં મોટાં કરવામાં, બાળકો માટે વારસો મૂકી જવામાં. પણ દાઊદના દિલમાં એક જ ધૂન હતી: તે યહોવાહનું ‘મુખ જોઈ’ શકે, એટલે કે તેમની કૃપા પામી શકે. દાઊદ કહેતા હોઈ શકે કે પોતે ‘જાગશે’ અથવા યહોવાહનાં વચનો જાણશે, તેમનો સાથ અનુભવશે ત્યારે, તે જાણે કે યહોવાહને જોતા હશે. બીજા શબ્દોમાં કહીએ તો દાઊદના દિલને શાંતિ વળશે કે યહોવાહ જાણે તેમની સાથે છે. ચાલો આપણે પણ દાઊદની જેમ યહોવાહની ભક્તિ આપણા જીવનમાં પ્રથમ મૂકીએ.
૧૯:૧-૬. સૃષ્ટિ નથી બોલતી કે નથી વિચારતી. તોપણ એ યહોવાહનો જયજયકાર કરે છે. જ્યારે કે આપણે તો વિચારી શકીએ, બોલી શકીએ, ભક્તિ કરી શકીએ. તો ચાલો આપણે તન-મનથી તેમના ગુણગાન ગાતા રહીએ.—પ્રકટીકરણ ૪:૧૧.
૧૯:૭-૧૧. યહોવાહના નિયમો સાચે જ આપણા ભલા માટે છે!
૧૯:૧૨, ૧૩. જાણીજોઈને ભૂલો કરવી, અભિમાની બનવું, એ યહોવાહની નજરમાં પાપ છે. આપણે એમ ન કરીએ.
૧૯:૧૪. આપણે શું કરીએ, એના પર જ ધ્યાન આપવું પૂરતું નથી. પણ કેવી રીતે બોલીએ, શું વિચારીએ છીએ, એ પણ જોવું જોઈએ.
“મારી પ્રામાણિકતામાં તમે મને સાચવી રાખ્યો છે”
ગીતશાસ્ત્રના આ ભાગના પહેલા બે ગીતો બતાવે છે કે દાઊદને મન યહોવાહની ભક્તિ જ બધું હતી! તેમણે ભજનમાં કહ્યું, “હું તો પ્રામાણિકપણે વર્તીશ.” (ગીતશાસ્ત્ર ૨૬:૧૧) પોતાનાં પાપોની માફી માગતા, તેમણે આમ કબૂલ કર્યું: ‘હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણસવાથી મારાં હાડકાં ઘસાઈ ગયાં.’ (ગીતશાસ્ત્ર ૩૨:૩) યહોવાહના ભક્તોને દાઊદના શબ્દો ગૅરંટી આપે છે: ‘ન્યાયીઓ પર યહોવાહની કૃપા છે, તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે.’—ગીતશાસ્ત્ર ૩૪:૧૫.
ગીતશાસ્ત્ર ૩૭મા આપેલી સલાહ ઈસ્રાએલીઓ માટે અમૂલ્ય હતી. આ દુષ્ટ જગતના “છેલ્લા સમયમાં” જીવતા હોવાથી, આપણા માટે પણ એ સલાહ એટલી જ મહત્ત્વની છે. (૨ તીમોથી ૩:૧-૫) ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા એ પહેલાં, ગીતશાસ્ત્ર ૪૦:૭, ૮ના શબ્દો તેમના વિષે લખાયા હતા: “જો, હું આવ્યો છું; પુસ્તકમાં મારે વિષે લખેલું છે કે, હે મારા દેવ, તારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તારો નિયમ મારા હૃદયમાં છે.” આ ભાગના છેલ્લા ગીતમાં દાઊદ યહોવાહને મદદ માટે પોકારી ઊઠે છે. દાઊદે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો, એના લીધે તકલીફો આવી પડી. તે કહે છે કે “મારી પ્રમાણિકતામાં તમે મને સાચવી રાખ્યો છે.”—ગીતશાસ્ત્ર ૪૧:૧૨, IBSI.
સવાલ-જવાબ:
૨૬:૬—દાઊદની જેમ આપણે પણ કઈ રીતે જાણે યહોવાહની વેદીના ફેરા ફરી શકીએ? વેદી તો યહોવાહની મરજી પ્રમાણે એક ગોઠવણ છે, જેમાં તેમણે ઈસુની કુરબાની સ્વીકારીને આપણને, બધા મનુષ્યોને પાપ અને મોતના પંજામાંથી છોડાવવાનો માર્ગ ખોલ્યો. (હેબ્રી ૮:૫; ૧૦:૫-૧૦) એ કુરબાનીમાં સાચા દિલથી ભરોસો મૂકવાથી, આપણે જાણે યહોવાહની વેદીની આસપાસ ફેરા ફરી શકીએ.
૨૯:૩-૯—યહોવાહનો સાદ ગર્જના જેવો છે, જે ગર્જનાથી આપણે અંજાઈ જઈએ છીએ. એનો શો અર્થ થાય? સાદા શબ્દોમાં કહીએ તો યહોવાહની શક્તિનો કોઈ પાર નથી!
૩૧:૨૩—અહંકારીને કઈ રીતે “પુષ્કળ બદલો” મળશે? અહીં બદલો આશીર્વાદ નહિ, પણ સજા છે. ન્યાયી વ્યક્તિ અજાણતા ભૂલ કરે ત્યારે, યહોવાહ તેને શિખામણ કે ઠપકો આપીને સજા કરે છે. જ્યારે કે અભિમાનીને શિખામણ કે ઠપકો મળે છે, તોપણ તે સુધરતા નથી. એટલે તેને ભારે સજા થશે.—નીતિવચનો ૧૧:૩૧; ૧ પીતર ૪:૧૮.
૩૩:૬—આ કલમમાં ‘તેના મુખના શ્વાસનો’ શું અર્થ થાય? એ યહોવાહનો પવિત્ર આત્મા કે શક્તિ છે, જેનાથી તેમણે વિશ્વનું સર્જન કર્યું હતું. (ઉત્પત્તિ ૧:૧, ૨) એને યહોવાહના મુખનો શ્વાસ કહેવામાં આવે છે, કેમ કે જોરથી શ્વાસ છોડવામાં આવે તો દૂર સુધી જાય છે. એ રીતે યહોવાહ પણ પોતાની શક્તિથી દૂર દૂર સુધી પોતે ધાર્યું કામ કરે છે.
૩૫:૧૯—દાઊદે વિનંતી કરી કે તેમના દુશ્મનો આંખના મિચકારા ન કરે. એનો શું અર્થ થાય? દાઊદના દુશ્મનો તેમની વિરુદ્ધ કાવતરાં ઘડતા. એમાં સફળ થતા હોવાથી આંખો મિચકાવીને ખુશ થતા. દાઊદે યહોવાહને વિનંતી કરી કે એવું ન થાય.
આપણે શું શીખી શકીએ?
૨૬:૪. ઇંટરનેટ ચૅટ રૂમમાં ઘણા પોતાનું અસલી રૂપ સંતાડે છે. સ્કૂલોમાં ને નોકરી ધંધામાં પણ ઘણા એવા હોય છે, જેઓ સ્વાર્થને લીધે આપણા જિગરી દોસ્ત હોવાનો દાવો કરે છે. અમુક તો યહોવાહની ભક્તિ છોડીને તેમના દુશ્મન બન્યા છે. તોય ભક્તિનો દેખાડો કરે છે. ઘણા ઢોંગી જીવન જીવે છે. એવા બધા લોકોની આપણે સંગત ન કરવી જોઈએ.
૨૬:૭, ૧૨; ૩૫:૧૮; ૪૦:૯. આપણે મંડળમાં યહોવાહનાં ગીતો ગાવા જોઈએ. લોકોને પણ તેમના વિષે જણાવવું જોઈએ.
૨૬:૮; ૨૭:૪. મિટિંગમાં જવાથી આપણને આનંદ આવે છે કે કંટાળો?
૨૬:૧૧. દાઊદે મનમાં ગાંઠ વાળી હતી કે પોતે યહોવાહને જ વળગી રહેશે. પણ તેમણે વિનંતી કરી કે આદમ પાસેથી આવતા પાપ ને મરણમાંથી તેમને આઝાદ કરવામાં આવે. દાઊદની જેમ આપણે પણ પાપી હોવા છતાં, યહોવાહને વફાદાર રહી શકીએ છીએ.
૨૯:૧૦. યહોવાહ જળપ્રલય પર બિરાજે છે. એ બતાવે છે કે તે એના પર સત્તા ચલાવે છે. પોતાની શક્તિ પર યહોવાહનો પૂરેપૂરો કાબૂ છે.
૩૦:૫. યહોવાહનો મુખ્ય ગુણ પ્રેમ છે, કોપ નહિ.
૩૨:૯. ઘોડા, ખચ્ચર કે ગધેડા લગામ અને ચાબુકથી માલિકનું કહેવું માને છે. યહોવાહ ચાહતા નથી કે આપણે એવા બનીએ. તે ચાહે છે કે આપણે તેમનું સત્ય શીખીને રાજી-ખુશીથી તેમના માર્ગે ચાલવાનું પસંદ કરીએ.
૩૩:૧૭-૧૯. માણસની ગમે તેવી જોરદાર સંસ્થાઓ, આપણને હંમેશ માટે સુખી કરી શકતી નથી. યહોવાહ અને તેમના રાજ્યમાં જ આપણે અતૂટ શ્રદ્ધા રાખવી જોઈએ.
૩૪:૧૦. જેઓ યહોવાહની ભક્તિ પોતાના જીવનમાં પ્રથમ મૂકે છે, તેઓને આ કલમથી કેટલી બધી હોંશ મળે છે!
૩૯:૧, ૨. દુષ્ટ લોકો આપણા ભાઈ-બહેનોનું બૂરું કરવા આપણી પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરે ત્યારે, આપણે પોતાના મોં પર લગામ રાખીએ. ચૂપ રહીએ.
૪૦:૧, ૨. યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખીએ. એટલે ડિપ્રેશનમાં પણ યહોવાહ જાણે કે આપણને ‘નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢશે.’
૪૦:૫, ૧૨. યહોવાહ આપણને પાર વગરના આશીર્વાદો આપવાના છે. એ યાદ રાખીશું તો ગમે એવી આફતો, ભૂલો અને નબળાઈઓ પણ આપણને યહોવાહની સેવામાં હરાવી શકશે નહિ.
‘યહોવાહની સ્તુતિ થાઓ’
ગીતશાસ્ત્રના ૧-૪૧ ભજનોમાંથી આપણને ખૂબ જ ઉત્તેજન મળે છે! આપણે ભલેને કોઈ સતાવણી સહેતા હોઈએ, કે પછી કોઈ કારણે આપણું દિલ ડંખતું હોય. તોપણ ગીતશાસ્ત્રના આ પહેલા ભાગમાંથી આપણને બહુ જ હિંમત અને ઉત્તેજન મળે છે. (હેબ્રી ૪:૧૨) આ ભજનોમાં આપેલી સલાહ જીવનમાં દરેક રીતે મદદ કરી શકે છે. આપણને વારંવાર ખાતરી આપવામાં આવે છે કે ભલે જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે, તોપણ યહોવાહ આપણને તજી દેશે નહિ.
ગીતશાસ્ત્રના પહેલા ભાગનો અંત આ શબ્દોથી થાય છે: “અનાદિકાળથી તે અનંતકાળ સુધી ઈસ્રાએલનો દેવ યહોવાહ સ્તુત્ય હો. આમેન તથા આમેન.” (ગીતશાસ્ત્ર ૪૧:૧૩) ગીતશાસ્ત્રના પહેલા ભાગની ચર્ચા કર્યા પછી, આપણને પણ યહોવાહનાં ગીતો કે ભજન ગાવાનું મન થાય છે, ખરું ને? (w06 5/15)
[ફુટનોટ]
a બીજા ભજનની ભવિષ્યવાણી દાઊદના દિવસોમાં પહેલા પૂરી થઈ.
[બ્લર્બ નથી/ચિત્ર નથી]
[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
તારા: Courtesy United States Naval Observatory
[પાન ૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
તારા, પાન ૪ અને ૫: Courtesy United States Naval Observatory