તમે કોના માટે જીવો છો?
“એક કલાક સોનાનું એક ઘડિયાળ છે. સાઠ મિનિટ, સાઠ હીરા છે. હાય રે! ગઈ કાલે એવી બે ઘડિયાળો ખોવાઈ ગઈ. હવે, શોધવાનો શું ફાયદો? એ બે કલાકો હંમેશને માટે ખોવાઈ ગયા!”—લિડીયા હવર્ડ સીગોની, (૧૭૯૧-૧૮૬૫) અમેરિકાનો શિક્ષક.
આપણું જીવન ફૂલ જેવું છે. એ થોડા દિવસો ખીલે છે, અને પછી કરમાઈ જાય છે. તેથી, રાજા દાઊદે પ્રાર્થનામાં પોકાર્યું: “હે યહોવાહ, મારો અંત ક્યારે છે, તથા મારા આયુષ્યનું માપ કેટલું છે, તે મને જણાવ; હું કેવો ક્ષણભંગુર છું તે મને સમજાવ. તેં મારા દિવસ મૂઠીભર કર્યા છે; મારૂં આયુષ્ય તારી આગળ શૂન્ય જેવું છે.” હા, દાઊદને ચિંતા હતી કે યહોવાહને ખુશ કરે એવું જીવન તે કઈ રીતે જીવશે. પરંતુ, ખોટી ચિંતા કરવાને બદલે તે યહોવાહ પર ભરોસો મૂકતા કહે છે: “હવે, પ્રભુ, . . . મારી આશા તારા પર છે.” (ગીતશાસ્ત્ર ૩૯:૪, ૫, ૭) તો શું યહોવાહે દાઊદનો પોકાર સાંભળ્યો? હા, તેમણે દાઊદના જીવનનો જમા-ઉધારનો હિસાબ લઈને સારો બદલો આપ્યો.
સમય એક નદી છે. એમાં એક પાંદડું આમ તેમ વહી જાય છે, એની કોઈને ખબર પડતી નથી. તેમ જ, સમયની નદીમાં આપણું જીવન વહી જાય છે, એની કોને ખબર પડે છે? તમે ઘણી વાર કહ્યું હશે કે “મારે ઘણું કરવું છે, પણ ટાઈમ ક્યાં છે!” વળી, શું આપણે દાઊદની જેમ ચિંતા કરીએ છીએ, જે યહોવાહને જીવનભર ખુશ કરવા માંગતા હતા. શા માટે? એનું કારણ એ કે યહોવાહ આપણા જીવનનો પણ હિસાબ માંગશે. લગભગ ૩,૬૦૦ વર્ષ પહેલાં, યહોવાહના ભક્ત અયૂબ એમ જ માનતા હતા. તેમને ખબર હતી કે યહોવાહ તેમનું દિલ જોઈ શકે છે. એ માટે અયૂબે પૂછ્યું: “તે મારી પાસે જવાબ માગે ત્યારે હું તેને શો ઉત્તર આપું?” (અયૂબ ૩૧:૪-૬, ૧૪) તમે કેવો જવાબ આપશો? એના માટે આપણે આવા પ્રશ્નો પર વિચાર કરીએ: શું મારું જીવન યહોવાહને ખુશ કરે છે? મારા જીવનમાં યહોવાહની ભક્તિ ક્યાં છે? વળી, શું મારા જીવનની એક-એક પળ હું સમજી વિચારીને વાપરું છું?
ભક્તિ પહેલી આવવી જોઈએ
આપણા જીવનમાં પરમેશ્વરની ભક્તિ પહેલી હોવી જોઈએ. બાઇબલ કહે છે: “જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો.” પરંતુ, આ શ્રેષ્ઠ અને મહત્ત્વની બાબતો શું છે? એ જ કલમ કહે છે કે એ યહોવાહનું ‘જ્ઞાન’ છે. એનાથી આપણે સમજુ બનીશું. (ફિલિપી ૧:૯, ૧૦) યહોવાહને સારી રીતે ઓળખવા સમય અને મહેનત માંગી લે છે. આખરે, મહેનતનાં ફળ મીઠાં હોય છે! એનાથી આપણું જીવન એક ગુલાબની જેમ ખીલી ઊઠશે.
પ્રેષિત પાઊલ સલાહ આપે છે: “પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લો.” પારખીને ખાતરી કરવાનો અર્થ થાય કે આપણા મન અને દિલને પહેલા સમજીએ. એટલું જ પૂરતું નથી, કેમ કે પાઊલ કહે છે: “પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.” (એફેસી ૫:૧૦, ૧૭) તો પછી, યહોવાહની ઇચ્છા શી છે? બાઇબલ કહે છે: “જ્ઞાન એજ મુખ્ય વસ્તુ છે; તેથી તે પ્રાપ્ત કર; તારી સઘળી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર. તેનું સન્માન કર, અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે.” (નીતિવચનો ૪:૭, ૮) આપણે યહોવાહને ઓળખીએ અને તેમની સાથે પાક્કી મિત્રતા બાંધીએ ત્યારે, તેમનું દિલ ખુશીથી ઝૂમી ઊઠે છે. (નીતિવચનો ૨૩:૧૫) વધુમાં, યહોવાહનું જ્ઞાન એવું છે જે આપણી પાસેથી કોઈ લૂંટી નહિ શકે. એ એવું ધન છે જે કદી નકામું નહિ બને પણ એની કિંમત વધતી ને વધતી જ જશે. વળી, એ આપણને ‘દુષ્ટ માણસોના માર્ગમાંથી, તથા આડું બોલનાર માણસોથી’ બચાવે છે.—નીતિવચનો ૨:૧૦-૧૫.
પરંતુ, ‘એ તો ચાલશે’ એમ કહીને ભક્તિમાં ઢીલા પડીશું તો, આપણે આપણા પગ પર જ કુહાડો મારીશું. એ જીવન-મરણનો સવાલ છે. એના બદલે, ચાલો આપણે યહોવાહનો ડર રાખીને પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ. (નીતિવચનો ૨૩:૧૭, ૧૮) પરંતુ, જિંદગીની સફરમાં આપણે યહોવાહની ભક્તિ ક્યારે શરૂ કરવી જોઈએ? બને એટલી વહેલી! એટલે જ રાજા સુલેમાને કહ્યું: ‘તારી યુવાનીમાં તારા સરજનહારનું સ્મરણ કર.’—સભાશિક્ષક ૧૨:૧.
પરંતુ, એમ કઈ રીતે કરી શકીએ? આપણે દરરોજ દિલથી પ્રાર્થના કરીને યહોવાહના જિગરી દોસ્ત બની શકીએ. રાજા દાઊદે દિલથી પોકારતા કહ્યું: “હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળ, મારી અરજ પર કાન ધર; મારા આંસુ જોઈને ચૂપ બેસી ન રહે.” (ગીતશાસ્ત્ર ૩૯:૧૨) પરંતુ, શું આપણે દિલથી પ્રાર્થના કરીએ છીએ? શું આપણે જિગરી દોસ્ત આગળ હૈયું ઠાલવતા નથી? એવી જ રીતે, શું આપણે અમુક વાર રડતે રડતે યહોવાહને મનની વાતો જણાવીએ છીએ? વળી, આપણે બાઇબલને જીંદગીની સફરનું સાથી ન બનાવીએ તો, કઈ રીતે યહોવાહના પાક્કા દોસ્ત બનીશું?—યાકૂબ ૪:૮.
યહોવાહને માનો
દાઊદની જેમ, મુસાની જિંદગીની સફર પણ કઠિન હતી. યહોવાહના ભક્ત તરીકે તે એવું જીવન જીવતા કે યહોવાહ ખુશ થાય. એટલે તેમણે યહોવાહને આજીજી કરતા કહ્યું: “અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૦-૧૨) યહોવાહની આજ્ઞા પૂરા દિલથી પાળીશું તો, આપણે પણ જ્ઞાની બનીશું. મુસા એમ જ માનતા હતા. વચનના દેશમાં પહોંચ્યા પહેલાં, તે ઈસ્રાએલ રાષ્ટ્રને યહોવાહના નિયમો શીખવતા. વર્ષો પછી, યહોવાહે તેઓને જુદા જુદા રાજાઓ આપ્યા. આ રાજાઓએ એશઆરામમાં જીવવાને બદલે નિયમની નકલ ઊતારીને, જીવનભર રોજ એમાંથી વાંચવાનું હતું. વળી, તેઓએ એના પર ઊંડો વિચાર કરવાનો હતો. પણ શા માટે? એમ કરવાથી તેઓ યહોવાહનો ડર રાખતા શીખ્યા. એ તેમને રક્ષણ આપતું હતું કારણ કે એ પાળવાથી તેઓ ઘમંડી બનવાને બદલે નમ્ર રહ્યા. એ જોઈને યહોવાહે ખુશીથી તેઓને લાંબુ જીવન આપ્યું અને તેઓના રાજમાં લોકો સુખી થયા. (પુનર્નિયમ ૧૭:૧૮-૨૦) દાઊદના દીકરા સુલેમાન રાજા બન્યા ત્યારે, યહોવાહે તેમને ફરી આ વચન આપ્યું: ‘તારા પિતા દાઊદ ચાલ્યો, તેમ તું મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગમાં ચાલશે, તો હું તારૂં જીવન વધારીશ.’—૧ રાજાઓ ૩:૧૦-૧૪.
ખરેખર, આપણે યહોવાહની આજ્ઞા પાળતા રહીએ, એમાં આપણું જ ભલું છે. શું આપણે યહોવાહના અમુક નિયમ વિષે એમ કહીએ છીએ કે ‘એ તો ચાલે’? જો એમ હોય, તો આપણે મોટી ભૂલ કરીએ છીએ. યહોવાહ ચોક્કસ આપણા જીવનનો હિસાબ લેશે! (નીતિવચનો ૧૫:૩) આપણે યહોવાહના માર્ગમાં ચાલીએ તેમ, શેતાન આપણા માર્ગમાં કાંટા બીછાવે છે. (૧ થેસ્સાલોનીકી ૨:૧૮) ભલેને એ સહેલું ન હોય, છતાં આપણે યહોવાહના નિયમ પાળવા બનતુ બધુ જ કરતા રહીએ.
બાઇબલ આજ્ઞા આપે છે કે આપણે ભક્તિ કરવા ભેગા મળવું જોઈએ. આ ખૂબ મહત્ત્વનું છે. (પુનર્નિયમ ૩૧:૧૨, ૧૩; હેબ્રી ૧૦:૨૪, ૨૫) પરંતુ શું આપણે આ ખરેખર સમજીએ છીએ? શું આપણે પૂરા દિલથી બધી મિટિંગોમાં જઈએ છીએ, કે પછી બહાના કાઢીને ગુલ્લી મારીએ છીએ? મિટિંગમાં જવાને બદલે આપણે પૈસા પાછળ દોડીશું તો, ચોક્કસ યહોવાહ અને આપણા વચ્ચે મોટી દિવાલ ઊભી થશે. એ માટે પ્રેષિત પાઊલ સલાહ આપે છે: “તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો; કેમકે [યહોવાહે] કહ્યું છે, કે હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” (હેબ્રી ૧૩:૫) હા, રાજી-ખુશીથી યહોવાહના નિયમોને પાળીએ ત્યારે, આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે તે આપણને તજશે નહિ. પરંતુ, શું આપણે એમ કરવા તૈયાર છીએ?
ઈસુ એમ કરી શક્યા અને આપણે પણ ઈસુને અનુસરી શકીએ છીએ. (હેબ્રી ૫:૮) પરંતુ, એ સહેલું નથી કારણ કે નોકરીએ, સ્કૂલે, કુટુંબ કે સમાજમાં લોકો મુશ્કેલીઓ ઊભી કરશે જ. તોપણ આપણે મુશ્કેલીઓથી ડરીને પાછા ન હઠીએ પણ, યહોવાહની આજ્ઞાઓને વળગી રહીને તેમને વફાદાર રહીએ. જેમ એક બાળક માટે ભણતર સહેલું હોતું નથી, તેમ યહોવાહની આજ્ઞાઓ પાળવી પણ અઘરી લાગી શકે. જો આપણે પ્રયત્ન કરતા ન રહીએ તો શું ફાયદો? તેથી, યહોવાહ આપણને બધાને કહે છે: ‘મારા પર પ્રીતિ રાખો, મારી વાણી સાંભળો, અને મને વળગી રહેવાનું પસંદ કરો; કેમકે હું તમારૂં જીવન તથા આયુષ્ય છું.’—પુનર્નિયમ ૩૦:૨૦.
ટાઈમ ન બગાડો!
યહોવાહનું દિલ ખુશ કરે એ રીતે આપણે દરેક પળ જીવીએ. સમય હવા જેવો છે જેને પકડી શકાતો નથી. જીવનની દરેક ઘડી વીતી ગયા પછી, આપણે એને ફરી જીવી શકતા નથી. એ હંમેશ માટે ખોવાઈ જાય છે. વળી, લોકો કહેશે, કે ‘દિવસમાં ૪૮ કલાક હોય, તોપણ ઓછા પડે.’ તો પછી, તમે કઈ રીતે સમય વાપરશો? આપણા માટે તો યહોવાહ વિષે પ્રચાર કરવો, એ જ જીવનનું મુખ્ય કામ છે. આમ, આપણે યહોવાહનું દિલ જીતી લઈશું.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.
ખરેખર સોના-ચાંદી કરતાં પણ, સમય વધારે કિંમતી છે! તેથી, એફેસી ૫:૧૬ કહે છે: “સમયનો સદુપયોગ કરો.” શું તમે સોનું-ચાંદી ફેંકી દેશો? ના. એ જ રીતે સમય એટલો સસ્તો નથી કે એને મન ફાવે એમ બગાડો. પરંતુ, આપણે કઈ રીતે સમય બગાડી શકીએ? શું આપણે ટીવી કે ઇંટરનેટ પર ચોંટી રહીએ છીએ? શું આપણે પુસ્તકિયા કીડા છીએ? વળી, મોજશોખ કે રમત-ગમત પાછળ આપણે કેટલો સમય કાઢીએ છીએ? ખરું કે, કોઈ વાર ટાઈમ પાસ કરવા ચાલે. પરંતુ, આપણે એમાં ડૂબી જવું જોઈએ નહિ. તેમ જ, ધન-દોલત ભેગી કરવા સમય ન બગાડવો જોઈએ. એ બધું તો, યહોવાહ માટેનો કિંમતી સમય ચોરી લે છે.
તેથી, જો સમયનો સૌથી સારો ઉપયોગ કરવો હોય તો અમુક ઍકસ્પર્ટ આ સૂચનો આપે છે: ૧. નક્કી કરો કે તમારે શું કરવું છે. ૨. પોતાના સંજોગો ધ્યાનમાં રાખો. ૩. આ કાર્ય માટે કેટલો સમય લાગશે. ૪. તેમ જ, જેટલું કરો એની નોંધ રાખો.
આ સૂચનો, આપણે ક્યાં લાગુ પાળીશું? ચાલો આપણે બાઇબલ વાંચનનો દાખલો લઈએ. ૧. નક્કી કરો કે તમારે આખું બાઇબલ ચોક્કસ વાંચવું છે. ૨. બીજાની સરખામણી કર્યા વગર, વંચાય એટલું રોજ વાંચો. ૩. નક્કી કરો કે પૂરું બાઇબલ વાંચવા કેટલો સમય લાગશે. ૪. જેટલું વાંચો એની નોંધ રાખો. આ સૂચનો ધ્યાનમાં રાખવાથી, આપણને પૂરું બાઇબલ વાંચવા મદદ મળશે.
બેથેલના પહેલા વર્ષમાં દરેક ભાઈબહેનોએ આખું બાઇબલ વાંચવાનું હોય છે. એમ કરવાથી તેઓ યહોવાહના પાક્કા મિત્ર બને છે. તેઓ પૂરા દિલથી માને છે કે યહોવાહ તેઓના ભલા માટે માર્ગ બતાવે છે. (યશાયાહ ૪૮:૧૭) કેમ નહિ કે તમે પણ દરરોજ બાઇબલ વાંચો અને યહોવાહના પાક્કા મિત્રો બનો!
યહોવાહની કૃપા મેળવો
આપણે જીવનમાં યહોવાહની ભક્તિ સૌથી પહેલી રાખીએ તો, આપણને આશીર્વાદોનો એક મોટો હાર મળશે. આ હારમાં ઘણાં રત્નો છે. એક રત્ન એ છે કે આપણે ચોક્કસ હેતુથી જીવીએ છીએ, ફક્ત આમ જ નહિ. બીજું રત્ન પ્રાર્થના છે જેનાથી આપણે યહોવાહના જિગરી દોસ્ત બનીશું. આપણે વારંવાર પ્રાર્થના કરીને બતાવીએ છે કે આપણે તેમનામાં પૂરા દિલથી ભરોસો રાખીએ છીએ. તેમ જ, બાઇબલ અને ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરનાં’ પુસ્તકો વાંચવા જ જોઈએ, કેમ કે એ આપણી જીવન-દોરી છે. (માત્થી ૨૪:૪૫-૪૭) એમ કરવાથી યહોવાહની નજરમાં, આપણે જ્ઞાની બનીશું. વળી, આપણે દરેક પળે યહોવાહને ખુશ કરીશું અને જીંદગીની સફરમાં સુખી બનીશું.—ગીતશાસ્ત્ર ૧:૧-૩.
જો આપણે યહોવાહને પૂરા દિલથી ચાહીશું તો તેમની આજ્ઞાઓ ભારે નહિ લાગે. (૧ યોહાન ૫:૩) જો આપણે ડગલેને પગલે યહોવાહને યાદ રાખીશું, તો આપણે સુખી બનીશું. તેમ જ, આપણે સુખ-દુઃખમાં ભાઈબહેનોના સાચા મિત્ર બનીએ. આ બધાથી યહોવાહનું દિલ ખુશીથી છલકાઈ જશે! (નીતિવચનો ૨૭:૧૧) આખરે, યહોવાહની કૃપાનો હાથ આપણા પર કાયમ રહેશે, એનાથી મોટું બીજું શું હોય શકે?
[પાન ૨૧ પર ચિત્ર]
આપણે ભક્તિમાં ખૂબ ધ્યાન આપવું જોઈએ
[પાન ૨૨ પર ચિત્રો]
તમે કઈ રીતે સમય વાપરો છો?
[પાન ૨૩ પર ચિત્ર]
જો આપણી દરેક પળ યહોવાહ માટે હશે, તો આપણે તેમના પાક્કા મિત્રો બનીશું