પાઠ ૧૪
ઈશ્વર કેવી ભક્તિ સ્વીકારે છે?
ગયા પાઠમાં આપણે જોઈ ગયા કે ઈશ્વર બધા ધર્મોથી ખુશ નથી થતા. તો પછી ઈશ્વર કેવી “ભક્તિ [અથવા, ધર્મ]” સ્વીકારે છે? (યાકૂબ ૧:૨૭, ફૂટનોટ) ચાલો એ વિશે બાઇબલમાંથી જાણીએ.
૧. આપણી ભક્તિ શાના આધારે હોવી જોઈએ?
ઈસુએ ઈશ્વરને કહ્યું હતું, “તમારાં વચનો સત્ય છે.” (યોહાન ૧૭:૧૭) એટલે આપણી ભક્તિ ઈશ્વરના વચન બાઇબલના આધારે હોવી જોઈએ. પણ ઘણા ધર્મગુરુઓ બાઇબલમાં જણાવેલી ઈશ્વરની વાતોને આંખ આડા કાન કરે છે. તેઓ ઈશ્વરની ખરી વાતો શીખવવાને બદલે માણસોના વિચારો અને રીતરિવાજો પાળવાનું શીખવે છે. જ્યારે લોકો ‘ઈશ્વરની આજ્ઞાઓ ટાળે છે,’ એટલે કે એ આજ્ઞાઓ પાળતા નથી, ત્યારે ઈશ્વર દુઃખી થાય છે. (માર્ક ૭:૯ વાંચો.) પણ જ્યારે લોકો બાઇબલમાં લખેલી વાતો પાળે છે, ત્યારે ઈશ્વર ખુશ થાય છે.
૨. આપણે કેવી રીતે યહોવાની ભક્તિ કરવી જોઈએ?
યહોવા આપણા સર્જનહાર છે. એટલે આપણે ફક્ત તેમની જ ભક્તિ કરવી જોઈએ. (પ્રકટીકરણ ૪:૧૧) એનો અર્થ થાય કે આપણે પૂરા દિલથી યહોવાને પ્રેમ કરીએ અને ફક્ત તેમની જ ઉપાસના કરીએ. યહોવા નથી ચાહતા કે આપણે કોઈ ચિત્ર, મૂર્તિ કે વસ્તુઓને પૂજીને તેમની ભક્તિ કરીએ.—યશાયા ૪૨:૮ વાંચો.
આપણી ભક્તિ “પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય” એવી હોવી જોઈએ. (રોમનો ૧૨:૧) એ માટે જરૂરી છે કે આપણે ઈશ્વરની બધી આજ્ઞાઓ પાળીએ. જેમ કે, જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે, તેઓ લગ્ન માટે ઈશ્વરે આપેલી આજ્ઞા પાળે છે. તેઓ તમાકુ, સોપારી અને ડ્રગ્સ જેવી ગંદી આદતોથી દૂર રહે છે અને વધુ પડતો દારૂ પીતા નથી.a
૩. આપણે કેમ યહોવાના ભક્તો સાથે મળીને તેમની ભક્તિ કરવી જોઈએ?
દર અઠવાડિયે સભાઓમાં જઈએ છીએ ત્યારે ‘મંડળમાં યહોવાની સ્તુતિ કરવાની’ તક મળે છે. (ગીતશાસ્ત્ર ૧૧૧:૧, ૨) યહોવાનો જયજયકાર કરવાની એક રીત છે, યહોવા માટે ગીતો ગાવાં. (ગીતશાસ્ત્ર ૧૦૪:૩૩ વાંચો.) યહોવા આપણને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે તે ચાહે છે કે આપણે સભાઓમાં જઈએ. ત્યાં આપણને એવી વાતો શીખવા મળે છે, જેનાથી આપણે કાયમ માટે સુખચેનથી જીવી શકીશું. સભાઓમાં જઈએ છીએ ત્યારે આપણે બીજાઓની હિંમત વધારીએ છીએ અને બીજાઓ પણ આપણી હિંમત વધારે છે.
વધારે જાણો
યહોવા કેમ નથી ચાહતા કે આપણે કોઈ ચિત્ર કે મૂર્તિ દ્વારા તેમની ભક્તિ કરીએ? આપણે કઈ રીતે યહોવાની સ્તુતિ કરી શકીએ? ચાલો જોઈએ.
૪. યહોવા નથી ચાહતા કે આપણે મૂર્તિઓ દ્વારા તેમની ભક્તિ કરીએ
આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાને એવી ભક્તિ નથી ગમતી? એનો જવાબ જાણવા વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.
જ્યારે જૂના જમાનામાં અમુક ઈશ્વરભક્તોએ યહોવાની ભક્તિ કરવા મૂર્તિ બનાવી, ત્યારે શું થયું?
અમુક લોકોને લાગે છે કે મૂર્તિની પૂજા કરવાથી તેઓ ઈશ્વરની વધારે નજીક જશે. પણ શું તમને નથી લાગતું કે એમ કરવાથી તો તેઓ ઈશ્વરથી વધારે દૂર જાય છે? નિર્ગમન ૨૦:૪-૬ અને ગીતશાસ્ત્ર ૧૦૬:૩૫, ૩૬ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
તમે લોકોને કેવી વસ્તુઓની ભક્તિ કરતા જોયા છે?
મૂર્તિપૂજા વિશે યહોવાને કેવું લાગે છે?
શું મૂર્તિઓ દ્વારા ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ? તમને કેમ એવું લાગે છે?
૫. જો ફક્ત યહોવાની ભક્તિ કરીશું, તો જૂઠા શિક્ષણથી આઝાદ થઈશું
ફક્ત યહોવાની જ ભક્તિ કરવાથી કઈ રીતે જૂઠા શિક્ષણ અને રીતરિવાજોથી આઝાદ થઈશું? એ જાણવા આ વીડિયો જુઓ.
ગીતશાસ્ત્ર ૯૧:૧૪ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
ફક્ત યહોવાની ભક્તિ કરીને પ્રેમની સાબિતી આપીએ છીએ ત્યારે, તે આપણને કયું વચન આપે છે?
૬. સભાઓમાં આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ
સભામાં ગીતો ગાઈએ છીએ અને જવાબ આપીએ છીએ ત્યારે યહોવાને મહિમા મળે છે અને બીજાઓને ઉત્તેજન મળે છે. ગીતશાસ્ત્ર ૨૨:૨૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
શું તમને બીજાઓના જવાબ સાંભળવા ગમે છે?
શું તમારે સભામાં જવાબ આપવા તૈયારી કરવી છે?
૭. બાઇબલમાંથી શીખેલી વાતો બીજાઓને જણાવીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે
તમે બાઇબલમાંથી શીખેલી વાતો અલગ અલગ રીતોએ બીજાઓને જણાવી શકો. ગીતશાસ્ત્ર ૯:૧ અને ૩૪:૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
તમે બાઇબલમાંથી ઘણી વાતો શીખ્યા હશો. એમાંની કઈ ખાસ વાત તમે બીજાઓને જણાવવા માંગો છો?
અમુક લોકો કહે છે: “કોઈ પણ રીતે ભક્તિ કરો, બસ દિલ સાફ હોવું જોઈએ.”
એ વિશે તમારું શું માનવું છે?
આપણે શીખી ગયા
જ્યારે આપણે ફક્ત આપણા સર્જનહારની ભક્તિ કરીએ છીએ, સભાઓમાં તેમની સ્તુતિ કરીએ છીએ અને શીખેલી વાતો બીજાઓને જણાવીએ છીએ, ત્યારે યહોવા ખુશ થાય છે.
તમે શું કહેશો?
આપણે કેવી રીતે યહોવાની ભક્તિ કરવી જોઈએ અને એ વિશે ક્યાંથી જાણી શકીએ?
આપણે કેમ ફક્ત યહોવાની ભક્તિ કરવી જોઈએ?
આપણે કેમ યહોવાના ભક્તો સાથે મળીને તેમની ભક્તિ કરવી જોઈએ?
વધારે માહિતી
“હવે હું મૂર્તિઓની ગુલામ નથી” લેખમાં એક સ્ત્રીનો અનુભવ વાંચો અને જાણો કે તેણે એવું કેમ કહ્યું.
જાણો કે સભામાં જવાબ આપવા તમને શું મદદ કરશે.
એક યુવાનને સભાઓમાં જવા ઘણી મહેનત કરવી પડતી. પણ સભામાં જવાથી તેને કેવી મદદ મળી?
ઘણા લોકોને લાગે છે કે ક્રોસ ખ્રિસ્તીઓની નિશાની છે. પણ શું આપણે ભક્તિ માટે ક્રોસનો ઉપયોગ કરવો જોઈએ?
“યહોવાના સાક્ષીઓ કેમ ક્રોસ વાપરતા નથી?” (jw.org/gu પર આપેલો લેખ)
a આગળ જતાં તમને આ વિષય પર વધારે માહિતી મળશે.